ખુદા હાફિઝ

(12)ખુદા હાફિઝ

[તર્પણ-1//આશા વીરેન્દ્ર/યજ્ઞ પ્રકાશન ]

(પાના નં: 38-39)

શેખરને જહીરાબાદની એક કંપનીમાં ખૂબ સારા હોદ્દાપર નોકરી મળી. હંમેશા માટે અહીં જ રહેવું પડશે એવું નક્કી થયું એટલે એણે નાનકડો બંગલો ખરીદી લીધો. ગૃહપ્રવેશ વખતે એણે પંડિતજી અને એમનાં પત્ની એટલે મા, બાપુને તેડાવી લીધાં. આજે સવારે જ પંડિતજી પત્નીને કહેતા હતા. ‘પંદરેક દિવસ રોકાઈ જશું એવું વિચાર્યું હતું પણ આજ-કાલ કરતાં છ મહિના થવા આવ્યા. આ શેખર અને શાલિની તો આપણને છોડવા જ તૈયાર નથી .’

‘નસીબદાર છીએ એમ કહો ને! આજના વખતમાં જુવાનિયાઓને ઘરડાં-બુઢ્ઢા ખપતાં નથી, એને બદલે આ બેઉ તો આપણને આંખ-માથા પર રાખે છે.’પંડિત પત્ની રમાબહેને સંતોષભર્યું સ્મિત કરતાં કહ્યું. ‘હા, તારી વાત તો સોળ આના સાચી. અહીં તો ખાઈ-પીને લહેર છે પણ તો યે હૈદરાબાદનું ઘર તો ગળે વળગેલું જ છે.’

શેખર બરાબર સમજતો હતોકે, પપ્પાએ આખી જિંદગી બેંકમાં કામ કર્યું છે એટલે એમને એ કામમાં વધુ રસ પડશે. પંડિતજીને સાથે લઈ જઈને એણે એક દિવસ બેંક મેનેજર, જે એના મિત્ર હતા એમની ઓળખાણ કરાવી દીધેલી. ત્યારથી પંડિતજીનો બે-ત્રણ દિવસે બેંકનો એક આંટો સાચો. પૈસા ઉપાડવાના, ચેક ભરવાના, પાસ-બુક અપડેટ કરાવવાની એવાં બધાં બેંકનાં કામ તેઓ આનંદપૂર્વક પતાવતા.

આજે એમને જોયા એટલે બેંક મેનેજરે પોતાની કેબીનમાંથી બહાર આવીને કહ્યું, ‘અંકલ, આવો મારી કેબીનમાં. એક સરસ મજાની ઓળખાણ કરાવું.’

શબ્બીર સાહેબ નહીં નહીં તો યે નેવું વર્ષના તો હશે જ. ઊંચી,પડછંદ અને પ્રભાવશાળી કાયા અને ચહેરા પર સૌજન્ય અને શાલીનતાનું તેજ. દર મહિને પેન્શનની રકમ લેવા બેંકમાં આવતા. એમને જોતાંની સાથે જ પંડિતજીના મનમાં આદરની લાગણી જન્મી. ઉંમરની વાત નીકળી ત્યારે શબ્બીરભાઈ હસતાં હસતાં કહ્યું, ‘જુવાનીમાં માણસને થાય કે, મારી પાસે જીવવાનાં બસ, આટલાં જ વર્ષો બચ્યાં? ’પણ મારા જેટલું લાંબું જીવવું પડે ત્યારે વિચાર આવે કે, હજી કેટલાં વર્ષ?’

પંડિતજીએ કહ્યું, ‘શબ્બીર સાહેબ, હકીકતમાં જિંદગી ડુંગળી જેવી છે. એનાં એક પછી એક, એક પછી એક પડ ખોલતાં જાવ, અંતે કશું હાથમાં નહીં આવે, સિવાય કે એની તીવ્ર ગંધને કારણે આંખોમાંથી નીકળતાં આંસું’.

બસ, આ એક જ મુલાકાતે બંનેની દોસ્તી કરાવી આપી. ઉંમરમાં ખાસ્સો ફરક હોવા છતાં બેઉની વૈચારિક સમાનતા એમને વધુ ને વધુ નજીક લાવતી ગઈ. પંડિતજી પહેલી વાર એમને ઘરે ગયા ત્યારે શબ્બીરસાહેબને શ્રીમદ્ ભગવદ્ ગીતા, વાંચતા જોઈને એમને આશ્ચર્ય થયું.

શબ્બીર સાહેબ કહે, ‘એવું કોઈ બંધન તો નથીકે, ફક્ત હિંદુ જ ગીતાનો અભ્યાસ કરી શકે ! દરેક ધર્મ આપણને અલગ અલગ રીતે કર્તવ્યનો બોધ કરાવે છે.મને તો ભઈ, દરેક ધર્મનો સાર ગ્રહણ કરવામાં ખૂબ આનંદ આવે છે.’જેમ જેમ મળવાનું વધતું ગયું તેમ તેમ પંડિતજીના મનમાં એમને માટેનું માન વધતું જ ગયું. એમનો મિલનસાર સ્વભાવ, ધર્મ નિરપેક્ષ ભાવના અને પોતાના થકી કોઈને જરા જેટલું દુ:ખ કે તકલિફ ન પહોંચે એની ખેવનાએ પંડિતજીના હૈયામાં એમને ઊંચે આસને બેસાડ્યા હતા.

એક દિવસ પંડિતજીએ કહ્યું, ‘આજ સુધી હું કુરાન વિષે કશું નથી જાણતો પણ હવે તમારી પાસેથી એનો મર્મ સમજવાની મારી ઈચ્છા છે.’

બીજે જ દિવસે શબ્બીરભાઈએ ‘ધ ગ્લોરી ઑફ કુરાન-એ-શરીફ’મંગાવીને એમને ભેટ આપ્યું. ઘણી વાર તેઓ પંડિતજીને કહેતા, ‘મહંમદ પયગંબરે કહ્યું છે કે, તું તારી જાત માટે જે ઈચ્છે એની અન્યો માટે પણ ઈચ્છા રાખ.’ આટલી સુંદર વાત ભૂલીને લોકો ખતરનાક કટ્ટરતા ને ઝનૂન પર ઊતરી આવે છે એ જોઈને મને ખૂબ દુ:ખ થાય છે. ખરેખર તો ધર્મનું સ્થાન માણસના મનમાં હોવું જોઈએ, મંદિર કે મસ્જિદમાં નહીં. કબીરે કેટલી માર્મિક વાત કરી છે !

‘તેરા સાંઈ તુજમેં બસે, જાગ સકે તો જાગ.’

બે દસકા પહેલાં જહીરાબાદમાં હિંદુ-મુસ્લિમ રમખાણો ફાટી નીકળેલાં. જ્યાં જુઓ ત્યાં મારો, કાપો અને ખૂનામરકી. લોકો ઘરમાં બેઠા ય કાંપતા હતા ત્યારે શબ્બીરભાઈ ટોળાની વચ્ચે જઈને ઊભા રહેલા.

‘તમારા બેમાંથી કોઈનો ધર્મ આ મરેલા ઈન્સાનને ફરીથી જીવતો કરી શકે એમ છે?જો કોઈ ધર્મ આવું કરી શકતો હોય તો સૌથી પહેલાં મને મારો. અલ્લાહે આ જિંદગી શું હેવાનની જેમ લડી મરવા આપી છે? બીજી કોમના કેટલા લોકોને માર્યા એની ગણતરી શું આપણા ધર્મને મહાન બનાવી શકવાની છે?’અને રમખાણો કરવાવાળા નીચી મૂંડીએ ચાલતા થયેલા.

એક દિવસ પંડિતજીએ કહ્યું, ‘શબ્બીર સાહેબ, અમારી ટિકિટ મંગાવી છે. બે-ત્રણ દિવસમાં હૈદરાબાદ જવા નીકળીશું.’શબ્બીરભાઈનો સદા હસતો ચહેરો ઝાંખો ધબ્બ થઈ ગયો. આંખો ભીની થઈ. જેમતેમ મક્કમ રહેવાનો પ્રયત્ન કરતા બોલ્યા, ‘હા પંડિતજી, આકાશમાં ઊડતાં ઊડતાં બે પંખી મળે, થોડા સમય સાથે ઊડે પણ અંતે તો સૌને પોતપોતાના માળામાં જવું જ પડે છે. ચાલો, ખુદા હાફિઝ’.જરા ગળું ખંખેરીને વળી પાછા કહે, ‘પંડિતજી એક વચન આપો. જહીરાબાદમાં હો અને સાંભળો કે મારો ઈન્તકાલ થયો છે તો મને અવ્વલ મંઝિલે પહોંચાડવા જરૂર આવજો.’

પંડિતજી કશું બોલી ન શક્યા, બસ નીચું જોઈ ગયા.

ફક્ત બે દિવસ પછીની સવારે એમના પૌત્ર સલીમનો ફોન આવ્યો, ‘વહેલી સવારે બાબાને હાર્ટ એટેક આવ્યો અને તેઓ આપણી વચ્ચેથી ગયા.નજીકની સગાઈના ચાર લોકે જનાજો ખભા પર ઉઠાવ્યો. જરા ચાલીને સલીમે પંડિતજીને કાંધ આપવા કહ્યું. થોડી વાર પછી એક સરદારજીએ કાંધ આપવાની માગણી કરી. પંડિતજીએ પાછળ ફરીને ભીની આંખે જોયું. અંતિમયાત્રામાં હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, સિખ, પારસી દરેક કોમ અને ધર્મના લોકો જોડાયા હતા. આપોઆપ એમના હાથ જનાજા તરફ જોડાઈ ગયા. એમણે મનોમન કહ્યું, ‘દોસ્ત, ખુદા હાફિઝ.’

(વલ્લુર શિવપ્રસાદની તેલુગુ વાર્તાને આધારે)

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 300,741 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
જાન્યુઆરી 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: