ખાલીપો

 

ખાલીપો

[તર્પન//આશા વીરેન્દ્ર/યજ્ઞપ્રકાશન]

(પાના: 79-80)

ખોં. ખોં, ખોં, ઉધરસ ખાતાં ખાતાં રમણલાલે પૂછ્યું, ‘કેટલા વાગ્યા?’

કંટાળેલાં સરલાબહેને છણકો કર્યો, ‘હજી પાંચ મિનિટ પહેલાં તો પૂછ્યું હતું ! શું કરવું છે તમારે કેટલા વાગ્યા જાણીને?કંઈ કામ-કાજ તો છે નહીં ! ’

રમણલાલની આંખે ઝામરનાં પાણી ઊતરેલાં એટલે લગભાગ અંધાપો અને સરલાબહેન અસ્થમા અને સંધિવાના દુ:ખાવાથી હેરાન પરેશાન. બંને એકમેકના ટેકે જીવન ઘસડ્યે જતાં હતાં.

`     ‘જુઓને, આ બે જણની રસોઈ બનાવતાં તો મને શ્વાસ ચઢી જાય છે. એવી થાકી જાઉંછું કે,મારાથી નક્કામું ખિજાઈ જવાયું. ખરાબ નથી લાગ્યું ને? ’

‘ના, ના હું યે સમજું છું. તારી ઉંમર તહી એટલે, બાકી પરાગ હતો ત્યાં સુધી કેવી ફેરફૂદરડીની જેમ ફરી વળતી હતી ! ’

પરાગનુ6 નામ આવતાં જ પગમાંથી બધું જોર ઓસરી ગયું હોય એમ સરલાબહેન ધબ દઈને ખુરશી પર બેસી પડ્યાં. ‘આજ—કાલ કરતાં દસ વર્ષ થઈ ગયાં. જ્યારે હોય ત્યારે ફોન પર આવું છું, આવું છું કર્યાં કરે છે. પન તમને શું લાગે છે, પરાગ આવશે તો ખરો ને !’

રમણલાલ જવાબ આપે એ પહેલાં એક યુવાન બારણામાં આવીને ઊભો. કદ, કાઠી બધું એ જ. રમણલાલે વિચાર્યું . અચાનક પહોંચી જઈને ડોસા—ડોસીને ખુશ કરી દેવા એમ કરીને આવ્યો લાગે છે ! ‘ કોણ, પરાગ ?નહીં ફોન, નહીં કાગળ પત્તર ને આમ ઓચિંતો જ !’

‘પરાગ નથી હવે ! શું તમે ય તે ! આંખે સરખું દેખાતું તો છે નહીં ને ! આવ ભાઈ, અંદર આવ !’સરલાબહેને બારણું પૂરું ખોલીને યુવકને આવકાર્યો.

અંદર ન આવતાં આગંતૂક ખચકાઈને ત્યાં જ ઊભો. ‘આ વોરાસાહેબનું જ ઘર છે ને?’

‘કોણ વોરા સાહેબ?’ સરલાબહેન હજી પૂછે ત્યાં રમણલાલ બોલી ઊઠ્યા, ‘મૂકને માથાકૂટ વોરા ને બોરાની ! ભાઈ, તું તારે અંદર આવ. બે ઘડી વાતો તો કરીએ ! બોલ્યા વગર મોંમાં ઝાળાં બાઝી જાય છે.’

યુવાન અંદર તો આવ્યો પણ આ બંનેનું વર્તન એને કંઈક વિચિત્ર લાગ્યું. ડગુમગુ થતાં સરલાબહેન પાણી લઈ આવ્યાં, ‘લે ભાઈ લે, ઠંડુ પાણી પી. ને હા દીકરા, તારું નામ શું?’

‘મારું નામ વિનય. હું ધંધુકાથી અહીં કૉલેજમાં ભણવા આવ્યો છું. મારે પેઈંગ ગેસ્ટ તરીકે રહેવું છે. મિ. વોરા સાથે વાત પણ થઈ છે.’

રમણલાલ અને સરલાબહેન બંનેની આંખોમાં એકીસાથે ઝબકારો થયો, આ તો બાજુવાળા ! વિનયને મૂંઝવન થઈ આવી. શું વાત કરવી? ત્યાં તો રમણલાલ જ બોલ્યા, ‘અમારે તારા જેવડો જ દીકરો છે, પરાગ. ખૂબ હોંશિયાર હં ! દસ વર્ષ થયાં એને અમેરિકા ગયાને, બહુ સારું કમાય છે.’

‘તો તો હવે પાછો શાનો આવે?’વિનયથી બોલાઈ ગયું.

ચા—નાસ્તો લઈને આવેલાં સરલાબહેનને માઠું લાગી ગયું. ‘આવશે જ વળી. નહીં શાનો આવે ! એને ય થતું તો હશે જ ને કે, મારાં ઘરડાં મા—બાપ એકલાં એકલાં શું કરતાં હશે?’

વિનયને થયું, આ આશાભર્યા માવતર પાસે મારે આવું નહોતું બોલવું

જોઈતું. ત્યાં રમણલાલે વાતને ધક્કો મારતાં કહ્યું, ‘અમને બંનેને આ ઘર ખાવા દોડે છે. તું આ વોરાને બદલે અહીં જ રહેવા આવી જાય તો ! ’

વિનય ચોંકી ઊથ્યો. આ બે મળીને મને સાણસામાં લેવાની કોશિશ તો નથી કરતાં ને ! એ વધુ કંઈ વિચારે એ પહેલાં વળી રમણલાલે આગલ ચલાવ્યું, ‘જો, તને કોઈ વાતે તકલીફ નહીં પડવા દઈએ. ને રહેવા, ખાવા—પીવાનું બધું સાવ મફત….’

‘મફત? શા માટે ? તમે કેમ મારે ખાતર આ બધું કરવા તૈયાર થાવ છો? હું તો તમારે માટે સાવ અજાણ્યો છું.’ વિનયે અકળાઈને કહ્યું.

‘કારણ કે, આ બધું કરવાથી અમને થશે કે, ઘડપણમાં અમે બે સાવ એકલાં નથી. અમારી પડખે કોઈક તો છે, એવો સધિયારો રહેશે. અને બીજી વાત. અમારા બેમાંથી એક ઓચિંતું મરી જાય તો લોકોને ભેગાં કરવા કોઈક તો જોઈશે ને?’સરલાબહેને બોલતાં બોલતાં રડી પડ્યાં.

વિનયને બંનેની ખૂબ દયા આવી પણ અચાનક ઊભા થયેલા આ સંજોગોમાં શું કરવું એ એને સૂઝતું નહોતું. ‘હું જરા વિચાર કરીને જવાબ આપું. અત્યારે તો મારે મોડું થાય છે.’ કહેતાં એ ઊભો થયો.

રમણલાલ દીવાલને ટેકે ટેકે એની પાછળ ગયા. ‘ઘડીક બેઠો હોત તો સારું લાગત, પણ વાંધો નહીં. હવે તો તું અમારી સાથે જ રહેવા આવી જઈશ. ઘાર ભર્યું ભર્યું લાગશે.’

‘ક્યારે જવાબ આપીશ, દીકરા? કાલે કે પરમ દિવસે? ને હા, ફોન નંબર તો લેતો જા. તું એક ફોન કરી દઈશને તો હું તારે માટે બધી તૈયારી કરી રાખીશ. આવજે હં બેટા !’ સરલાબહેનનો અવાજ તરડાઈ ગયો.

બારણું બંધ કરી બંને અંદર આવ્યાં. ‘શું લાગે છે તમને? એ આવશે કે નહીં?’

‘હું કેવી રીતે કહી શકું? પોતાના લોકોના મનમાં શું છે એની ય ખબર આપણને નથી પડતી તો વળી પારકાની તો કેમ પડે?’ રમણલાલ નિસાસો નાંખતા બોલ્યા.

(શ્રીજયવંત દળવીની મરાઠી વાર્તાને આધારે)

—————————————————————

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
One comment on “ખાલીપો
  1. vimala કહે છે:

    ઘરડા મા-બાપના” ખાલીપા”નેઅનુભવીને આંખો આંસુથી ભરી દે તેવી લાગણીભરી વાર્તા…..
    ઈશ્વરને પ્રાર્થના કે :”ઘરડા મા-બાપના ખાલીપને સંતાનો સમજે , કદી આવો ખાલીપો થવા ના દે”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 303,973 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
જાન્યુઆરી 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: