(1)તર્પણ
તર્પણ –40ટૂંકી વાર્તાઓ//આશા વીરેન્દ્ર
પ્રકાશક; યજ્ઞ પ્રકાશન
(પાના: 9થી 10)
એક ધક્કા સાથે ટ્રેન ચાલુ થઈ. મેં ખીસામાંથી ચેક કાઢ્યો. કોણ જાણે કેમ પણ મને ચેકમાં માનો ચહેરો દેખાવા લાગ્યો. એ કહી રહી હતી: ‘બેટા, હું તો ખર્યું પાન. મારી આંખ મિંચાઈ જાય પછી બેઉ ભાઈઓ સંપીને રહેજો. બસ, આ જ મારી આખરી ઈચ્છા છે.’
આજે મા નથી. માની માંદગી વધી ગયાના સમાચાર સાંભળીને તરત નીકળ્યો તો ખરો પણ અહીં પહોંચું એ પહેલાં માએ અંતિમ પ્રયાણ આદરી દીધું હતું. મને જોઈને મોટાભાઈ એકદમ રડી પડ્યા. ‘નાનકા, મા છેલ્લી ઘડી સુધી તને બહુ યાદ કરતી હતી,’એમણે મને બાથમાં લેતાં કહ્યું.
ભાઈ-બહેનો બધાંમાં હું સૌથી નાનો એટલે સૌ મને નાનકો કહીને બોલાવતા. ભલે હું વર્ષો થયાં ઘર થી દૂર જઈને વસ્યો હોઉં પણ માને મારે માટે અપાર સ્નેહ હતો. હું જાઉં એટલે એ અડધી અડધી થઈ જતી, ‘નાનકા કેટલે મહિને આવ્યો ! તને એમ થાય કે, ચાલ માને મળી આવું !’
હવે માને મળવાનું ગમે તેટલું મન થાય તોય મા ક્યાં મળવાની હતી ! આ વિચાર સાથે મારું મન ભરાઈ આવ્યું. બે હાથમાં મોં છુપાવીને હું રડવા લાગ્યો. મોટાભાઈએ મમતાપૂર્વક મારી પીઠ પર હાથ ફેરવ્યો.
પિતાજી ગુજરી ગયા ત્યારે મોટાભાઈ હશે બારેક વર્ષના. એમના પછી બે બહેનો અને પછી હું-છ-સાત વર્ષનો હોઈશ. પિતાજીએ જમીન લેવામાં પોતાની બધી મૂડી લગાવી દીધેલી. ઘરમાં રોકડા પૈસાનાં ફાંફાં પડી ગયાં. માએ સિલાઈ કામ કરીને અને લોકોનાં દળણાં દળીને અમને ઉછરેલાં. મા હંમેશા કહેતી, ‘મેં મહેનત કરી એ તો બરાબર, પણ મોટો ન હોત તો હું એકલપંડે શું કરત? એણે જ બંને બહેનોને પરણાવી ને તને ભણાવ્યો.’
મારી પત્ની મને હંમેશા કહેતી, ‘મા ઉપર ઉપરથી તમારી પર વ્હાલ વરસાવે, પણ મનથી તો એમને મોટાભાઈ માટે જ ખરી લાગણી છે. તમે રહ્યા ભોળા, તે તમને આ બધી સમજ ના પડે !’
એણે તો માની એકની એક વાતોથી કંટાળીને ગામ આવવાનું જ બંધ કરી દીધું હતું. ધીમેધીમે મારો પણ ગામ જવાનો ગાળો લંબાતો ગયો. એમાં ય એક વખત ગામ ગયો, ત્યારે માએ જે વાત કરી એનાથી હું એવો ચોંકી ગયો કે, એ પછી તો વર્ષે એકાદ વખત માંડ જતો હોઈશ.
તે દિવસે મેં હોંશેહોંશે શહેરમાં ફલેટ લીધાની વાત માને કરી અને ફલેટના ફોટા પણ એને બતાવેલા. મા રાજી તો બહુ થઈ, ખુશીના માર્યા એની આંખમાં આંસુ ય આવી ગયાં પણ પછી તરત કહેવા લાગી, ‘નાનકા, તારું શહેરમાં કેવું સરસ મજાનું ઘર થઈ ગયું ! તું ને તારું કુટુંબ રાજીખુશીથી એમાં રહો એવા મારા અંતરના આશીર્વાદ છે. મારે તો તારી પાસેથી કશું નથી જોઈતું પણ સાચું કહું, આ મોટાની ચિંતા મને રાત-દિવસ સતાવે છે.’
‘મોટાભાઈનું હવે શું છે, મા?’ ફરી પાછું મોટા-પુરાણ સાંભળીને મેં જરા કંટાળીને પૂછ્યું.
‘તમને બધાને પગભર કરવામાં એણે બિચારાએ પોતાનો સ્વાર્થ ન જોયો. એના મોટા દીકરાને તારી જમીન પર કરિયાણાની દુકાન કરવી હતી ત્યારે એણે તારી રજા લઈને દુકાન ચાલુ કરાવેલી. દુકાન શું, આમ તો છાપરું જ છે.’
‘એ બધી મને ખબર છે, મા.’ વાત ટૂંકાવવાના ઈરાદાથી મેં કહ્યું.
‘નાનકા, તું તો કોઈ દિ’ ગામમાં આવેને રહેવાનો નથી. મને થાય છે કે, તારા ભાગની જમીન તું મોટાના દીકરાને નામે કરી દે તો !’
‘મા જમીનના ભાવ આસમાને પહોંચ્યા છે, ખબર છે તને ?’હવે મેં અવાજ ઊંચો કરીને માને કહ્યું. ‘બેટા, એને કંઈ જમીન મફતમાં નથી જોઈતી. જેમ સગવડ થશે એમ તને પૈસા ચૂકવી દેશે. પણ મારા જીવતાં આ વાત પતી જાય તો હું શાંતિથી આંખ મીંચી શકું.’
‘ઠીક છે, હું વિચાર કરી જોઈશ.’મેં કહેવા ખાતર કહ્યું હતું. એ પછી માએ ફરીથી આ વાત ઉખેળી નહીં. કહેતી તો માત્ર એટલું જ, ‘મારી ગેરહાજરીમાં બેઉ સંપીને રહેજો હં, દીકરા !’
માના ક્રિયાકર્મ પતાવીને હું નીકળ્યો ત્યારે મોટાભાઈ સ્કૂટર લઈને મને સ્ટેશને મૂકવા આવ્યા. ટ્રેન આવવાનો સમય થયો એટલે એકદમ મને ભેટીને રડી પડ્યા. કહેવા લાગ્યા, ‘મા ગઈ એટલે ગામને સાવ ભૂલી નહીં જતો. ક્યારેક ફોન કરતો રહેજે. અનુકૂળતા હોય ત્યારે આવતો રહેજે.’ પછી ખીસામાંથી એક કવર કાઢીને મને કહે, ‘આ દસ લાખનો ચેક છે. બેંકમાંથી લોન લીધી છે તને આ પૈસા આપવા માટે. તું જમીન આપે કે નહીં એ તારી મરજીની વાત છે પણ મારા દીકરાએ આટલો વખત તારી જમીન વાપરી તો તારા હકની રકમ મારે તને આપવી જ જોઈએ.’
ટ્રેન ઊપડી. પ્લેટફોર્મ પર ઊભેલા મોટાભાઈને જોઈને મને બાપુજી યાદ આવ્યા, જે સાઈકલ પર મને શાળાએ મૂકવા આવતા. મારું મન ભરાઈ આવ્યું. મને થયું, આ પૈસાનું હું શું કરીશ? પત્ની માટે દાગીના લઈશ, શેરબજારમાં રોકાણ કરીશ, એ જ કે બીજું કંઈ? મેં ચેકના ટુકડે ટુકડા કરી નાખ્યા. બારીમાંથી એ ટુકડા ઉડાડવા ગયો. ત્યાં માનો હસતો ચહેરો દેખાયો. એ કહેતી હતી. ‘હાશ ! નાનકા, આજે મારા જીવને શાંતિ મળી.’
(જગવિંદર શર્માની હિંદી વાર્તાને આધારે)
========================================================================
(2)શર્ત મંજૂર
[તર્પણ –40ટૂંકી વાર્તાઓ//આશા વીરેન્દ્ર
પ્રકાશક; યજ્ઞ પ્રકાશન]
(પાના: 11થી 13)
રમેશભાઈ નારાજ તો હતા જ, સાથે દુ:ખી પણ એટલા જ હતા. એટલે જ આવેશમાં આવીને જે મનમાં આવે એ બોલ્યે જતા હતા. દેવું કરીને દીકરાને કાનપુરમાં આઈ.આઈ.ટી. કરાવ્યું. પછી વળી થયું કે, ભણવામાં આટલો હોંશિયાર છે અને એની લખનૌ જઈને આઈ.આઈ.એમ. કરવાની ઈચ્છા છે તે ભલે ભણતો. આપણા ઘડપણની લાકડી થાય એવું એના સિવાય બીજું છે કોણ? એને ભણાવવામાં હું વહેલો ઘરડો થઈ ગયો તે શું આ દિવસ જોવા માટે?
પાણીનો ગ્લાસ ધરતાં ઈંદિરાબહેને કહ્યું: ‘પાણી પીને શાંત થઈ જાવ. આટલો બધો ઉશ્કેરાટ કરશો તો બી.પી. વધી જશે.’
‘જ્યારથી મેં મારા સગા કાને દીકરા-વહુની વાત સાંભળી ત્યારથી બી.પી. તો વધેલું જ છે. હવે વધવામાં શું બાકી રહ્યું છે?’
આમેય રમેશભાઈનો સ્વભાવ ગરમ. જરાક કંઈક કારણ મળ્યું નથી કે વઘારમાં મૂકેલી રાઈની જેમ તતડી ઊઠે. પણ ઈંદિરાબહેન ગજબનાં ઠરેલ અને સમજુ. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢવાની આવડત અને સૂઝ એમનામાં હતાં. જો કે, આજે રમેશભાઈ ઉશ્કેરાય એમાં કશું ખોટું નહોતું એ સમજવા છતાં એમણે હસીને કહ્યું. ‘પૂરા 280 દિવસ એને પેટમાં રાખ્યો, મેં કે તમે? જો હું નથી પડી ભાંગી તો તમે શામાટે આટલા દુ:ખી થાવ છો? ને આપણે એને ભણાવ્યો તો આપણા સ્વાર્થે. એ તો કહેવા નહોતો આવ્યોને, કે મને ભણાવવા માટે લોન લો !’
લખનૌ ભણતો હતો ત્યારે જ સંકેતની સેજલ સાથે ઓળખાણ થયેલી. બે વર્ષમાં તો બંને એકબીજા સાથે પરણવા જેટલાં નજીક આવી ગયાં. બેઉએકમેકને ટક્કર મારે એવાં તેજસ્વી. મુંબઈ આવ્યાં કે તરત બંનેને વર્ષના 22-24 લાખના પેકેજવાળી નોકરી તો મળી જ, સાથે સંકેતને જુહુસ્કીમમાં ચાર બેડરૂમ વાળો વિશાળ ફલેટ પણ કંપનીએ આપ્યો. ઘરના વાસ્તુપૂજન માટે રમેશભાઈ અને ઈંદિરાબહેન નાલાસોપારાથી આવેલાં. સાંજ પડ્યે ઈંદિરાબહેન નજીકની હવેલીમાં દર્શન કરવા ગયાં ત્યારે રમેશભાઈ પણ ચાલવા ગયા છે એવું સંકેત અને સેજલે માની લીધેલું, પણ રમેશભાઈ હજી ઘરમાં જ હતા.
‘જો સંકેત, મમ્મી-પપ્પા આવ્યાં છે તો ભલે થોડા દિવસ રોકાઈ જાય પણ હંમેશ માટે તો એમનું નાલાસોપારાનું ઘર જ બરાબર છે.’ ‘કેમ?’ ‘અરે કેમ શું? આપણી ને એની લાઈફસ્ટાઈલ જ તદ્દન અલગ. આટલી બધી સાહ્યબી એમનાથી હજમ જ ન થાય. પછી નફામાં આપણી લાઈફ માંમાથાકૂટ કર્યા કરે. એના કરતાં એ લોકો ત્યાં ખુશ, ને આપણે અહીંયા. હા, ટાઈમ મળે ત્યારે એમને મળવા જરૂર જઈશું ને ફોનથી ખબર તો રોજ પૂછીશું જ ને ! ’ ‘પણ સેજલ, મને ભણાવવા પપ્પાએ કેટલી મહેનત કરી છે, ખબર છે? ને બેંકમાંથી લોન લીધી છે એ પણ ભરપાઈ કરવાની બાકી છે અને મમ્મી…’ ‘તું ખોટાં બહાનાં ન કાઢ. પપ્પાને કહેજે, લોન આપણે ચૂકવી દઈશું. બસ? ’
સંકેતે ચૂપચાપ સેજલની વાત સાંભળી લીધી—કશાય પ્રતિકાર વિના, બે દિવસ પછી ઈંદિરાબહેન અને રમેશભાઈ નાલાસોપારા જવા તૈયાર થયાં ત્યારે દીકરા-વહુએ ‘આવતા રહેજો હં પાછા ! તમે કહેશો ત્યારે ગાડી મોકલીશું, લેવા’ એમ કહીને વિદાય આપી.
‘જુઓ, તમે જરાય હિંમત નહીં હારતા. આપણે જે લોન લીધી છે તે આપણે જ ચૂકવીશું. તમારો ગણિત, અંગ્રેજી અને વિજ્ઞાન—ત્રણે વિષયો પર કેટલો કાબૂ છે! તમે ટ્યુશન કરવાના શરૂ કરો.’ ‘લો, બોલ્યા, ટ્યુશન શરૂ કરો. હવે આ બુઢ્ઢા પાસે કોણ આવશે ટ્યુશન લેવા? ’ ‘એક વખત પ્રયત્ન તો કરી જુઓ ! તમારી પાસે અનુભવની મૂડી છે, ને ચિંતા નહીં કરો. હું પણ તમને પૂરો સાથ આપીશ. નોકરીએ જતા લોકોને સવારે કોઈ ટિફીન બનાવી આપે એવી જરૂર હોય છે ને તમે કહો છો ને કે, મારી રસોઈ આજે પન એટલી જ ટેસ્ટી બને છે! વળી અડોશ-પડોશની ઘણી બહેનોને બંગાળી મીઠાઈ બનાવતાં શીખવું છે. એ કામ પણ કરી શકાય.’
સાચે જ, ધાર્યું હતું એ કરતાં ય બંનેનાં કામ સરસ ચાલવા લાગ્યાં. આજે અચાનક જ સંકેત અને સેજલ આવી પહોંચ્યાં. કંઈક મૂંઝાયેલા લાગતાં હતાં. વાત કરીને ત્યારે ખબર પડી કે, સમાચાર તો બહુ સારા હતા. સેજલને ત્રીજો મહિનો જતો હતો. હવે બેઉને ફિકર થવા લાગી હતી. આવતા બાળકને સાચવશે કોણ? આટલી ધરખમ પગારવાળી નિઓકરી છોડવાનુ6 પન પોસાય એમ નહોતું. સેજલનાં મા-બાપ હતાં નહીં. એ કાકા-કાકી પાસે મોટી થઈ હતી. આઈ-બાબાના સહારા વિના બાળકનો ઉછેર શક્ય નહોતો. એટલે જ, બંને હવે ત્યાં આવીને રહે એવી વિનંતી કરવા સંકેત અને સેજલ આવ્યાં હતાં.
‘તારી માને આવવું હોય તો ભલે આવે, મારી ના નથી પણ હું નહીં આવું. હું અહીં એકલો રહીશ.’ રમેશભાઈ મોઢું ચઢાવીને આડું જોઈ બોલ્યા. ઈંદિરાબહેન હસીને એમની સામે જઈને ઊભાં રહ્યાં.
‘તમને સાવ એકલાં મૂકીને હું થોડી જ જવાની છું? ને હવે બે જીવ સોતી વહુને પણ સંભાળવી જ પડે. મારી હાલત તો સૂડી વચ્ચે સોપારી જેવી થવાની. સંકેત, મને એક ઉપાય સૂઝે છે.એમ કરજે કે, દર શુક્રવારે સાંજે બાબાને નાલાસોપારા પહોંચાડી દેવાના. શનિ-રવિ એ ટ્યુશન કરશે ને સોમવારે પાછા જુહુ આવી જશે. ’સંકેત ગળગળો થઈ ગયો, ‘હું સમજું છું, કે તમને અમારા પર ભરોસો જ નથી રહ્યો,પણ બાબા હવે આવી હાડમારી ન ભોગવે તો સારું !’
સેજલે ઈંદિરાબહેનનો હાથ પકડી લેતાં કહ્યું, ‘મા, હવે જ્યારે હું પોતે મા બનવા જઈ રહી છું ત્યારે મને સમજાય છે કે, તમારી સાથેના વર્તનમાં મેં કેટલી મોટી ભૂલ કરી છે ! પ્લીઝ, અમને ભૂલ સુધારવાનો મોકો આપો. ’ ઈંદિરાબહેને સ્નેહથી કહ્યું, ‘હશે, જે થયું તે થયું. ભૂલ્યા ત્યાંથી ફરી ગણવાનું. પણ અમે અમારી શરતે જ ત્યાં આવીશું. સૌથી પહેલી શરત એ કે, હું ને બાબા અમારી કમાઈમાંથી જ દેવું ચૂકવશું. બીજું કે, અમારા જીવતાં નાલાસોપારાનું આ ઘર વેચીશું નહીં અને ત્રીજી વાત એ કે, આપણા બાળકને તો હું ઉછેરીશ જ પણ સાથે બીજાં બાળકો માટે પારણાંઘર ચલાવીશ. બોલો, છે મંજૂર? ’સેજલની આંખો સજળ થઈ ગઈ. ‘મા, તમે અમને બાંધી લીધાં. પોતાના ઘરે આવવા માટે પણ આવી શરતો મૂકવાની? ખેર ! પણ મંજૂર, મંજૂર કહ્યા વિના અમારો છૂટકો જ નથી.’
(મનોહર જોગલેકરની મરાઠી વાર્તાને આધારે)
=====================================
(3)એક વરસાદી રાતે….
[તર્પણ –40ટૂંકી વાર્તાઓ//આશા વીરેન્દ્ર
પ્રકાશક; યજ્ઞ પ્રકાશન]
(પાના: 14 થી 16)
અંધારી ઘોર રાત હતી. સવારથી શરૂ થયેલો ધોધમાર વરસાદ અટકવાનું નામ નહોતો લેતો. ઝડપથી ભાગવાના પ્રયત્નમાં ઝૂબેદા બે વાર પડી હતી. આખું શરીર અને કપડાં કાદવથી લથબથ અને ભયથી ચકળ-વકળ થતી આંખો. આવતી-જતી ગાડીની હેડલાઈટ દેખાય કે બે હાથ લાંબા કરી કરીને રોકવાનો પ્રયત્ન કરવા લાગતી. ‘રોકો, ગાડી ઊભી રાખો. ખુદાને ખાતર મને મદદ કરો.’
કેટલીય વારે આગળ નીકળી ગયેલી એક ગાડી રીવર્સ લઈને પાછી આવી. ગાડી ચાલકે એની પાસે આવીને દરવાજો ખોલ્યો. મોટી લાલ લાલ આંખો. ગોળ ફ્રેમ વાળાં ચશ્માં અને જાડી ભરાવદાર મૂછ. એણે દરવાજો ખોલ્યો એ સાથે જ શરાબની તીવ્ર ગંધ ઝૂબેદાના નાકમાં ઘૂસી ગઈ. એ પગથી માથા સુધી ધ્રૂજી ઊઠી. એને થયું, આ તો ઊલમાંથી ચૂલમાં પડવાની ! પણ અત્યારે ગાડીમાં બેસી જવા સિવાય બીજો કોઈ ઉપાય જ નહોતો. ભીના, કાદવવાળા શરીરે એ આગલી સીટ પર બેસી ગઈ. મનમાં ને મનમાં એણે પ્રાર્થના કરી, ‘રબ્બા મુઝે બચાના.’
‘તારે ક્યાં જવું છે? ક્યાં ઉતારું તને ?’થોડી વાર પછી ગાડી ચાલકે કડક અવાજે પૂછ્યું. કશો જવાબ આપ્યા વિના ઝૂબેદા ચૂપચાપ હોઠ બીડીને બેસી રહી.
‘નામ શું છે?’ફરીથી એક સવાલ. ‘ઝૂબેદા.’
‘સરસ નામ છે. મારું નામ શિવદાસ. ક્લબમાં પાર્ટી હતી, જરા વધારે પિવાઈ ગયું એટલે જ તને જોઈને ગાડી ઊભી રાખી. નશો ન કર્યો હોત તો ગાડી ઊભી જ ન રાખત.’
શિવદાસ હો હો કરતો હસવા લાગ્યો. ઝૂબેદાને ચીડ ચડી. કેવા ગંદા દાંત છે, છી ! ‘હવે બોલ, તારે ક્યાં ઊતરવું છે?’જરા આગળ ગયા પછી શિવદાસે ફરીથી પૂછ્યું. જવાબ ન મળતાં એ એની તરફ ધ્યાનથી જોવા લાગ્યો. હશે બારેક વર્ષની છોકરી. કપડાં ફાટી ગયેલાં અને નીચલા હોઠમાંથી લોહી નીકળતું હતું. હવે છોકરીએ જોરથી રડવાનું શરૂ કર્યું. પળવારમાં શિવદાસનો નશો ઊતરી ગયો.
‘કોણે તારી આ હાલત કરી? ચાલ, આપણે પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોંધાવીએ.’
ઝૂબેદા બે હાથ જોડીને કહેવા લાગી, ‘ના સાહેબ, ફરિયાદ નથી કરવી. એ લોકો મારો જીવ લઈ લેશે. મને એમનો બહુ ડર લાગે છે.’કટકે કટકે કરતાં ઝૂબેદાએ પોતાની આપવીતી કહેવા માંડી, ‘અહીંથી કોણ જાણે કેટલું ય દૂર બદિરમપલ્લીમાં મારું ઘર છે. મા-બાપ ને મારાથી નાનાંત્રણ ભાઈ-બહેન. બાપને ટી.બી. થયો. નોકરી છૂટી ગઈ. મા એકલી મજૂરી કરે પન ખાવા-પીવાનો, બાપુની દવાનો ખર્ચ ક્યાંથી કાઢવો?
એવામાં એક દિવસ માના દૂરના સગા તાજુદ્દીનભાઈ અને એમનાં પત્ની ઘરે આવ્યાં. કહે, ઝૂબેદાને અમારી સાથે મોકલો. તમારે માથેથી એકનો બોજો તો ઓછો થાય ! રસોઈના કામમાં હાથવાટકો થશે ને સારી સ્કૂલમાં ભણાવશું. મા-બાપુએ ખુશ થઈને એમની સાથે મોકલી.’
‘તું કઈ સ્કૂલમાં ભણે છે?’ શિવદાસે પૂછ્યું.
‘સ્કૂલમાં મોકલવાની વાત તો દૂર રહી. આખો દિવસ મારી પાસે કમરતોડ કામ કરાવે ને મને જરાક એકલી જુએ એટલે તાજુદ્દીનભાઈ મારી સાથે જાતજાતના ચેનચાળા કરે. પછી તો બીજા માણસોને પણ લાવી લાવીને મને કમાણીનું સાધન બનાવી દીધી. એ બધાને સાચવવાની ના પાડું તો તાજુદ્દીનભાઈની પત્ની મને ડામ દેતી.’
‘તો અત્યારે તું રસ્તા પર કેવી રીતે પહોંચી?’
‘એક જાડોપાડો માણસ મારા રૂમમાં આવ્યો એને જોઈને હું ખૂબ ગભરાઈ ગઈ. બાથરૂમમાં જવાનું બહાનું કાઢી બારીના કાચ કાઢી નાખ્યા ને ત્યાંથી ભાગી નીકળી.શિવદાસે એક નાનકડા બંગલા પાસે ગાડી ઊભી રાખી.
‘ચાલ અંદર ’, એણે ઝૂબેદાને કહ્યું. ઝૂબેદા અવિશ્વાસભરી નજરે એને જોઈ રહી. અડધી રાત થાઈ હતી અને સાથે દારૂ પીધેલો મરદ હતો. એને કમકમાં આવ્યાં. એ ઘરમાં ચારે તરફ જોવા લાગી. પછી એણે દબાયેલા અવાજે શિવદાસને કહ્યું, ‘સાહેબ, બહુ થાકી ગઈ છું. ભૂખ પણ બહુ લાગી છે. કંઈ ખાવાનું મળશે?’
શિવદાસે એને એક ટુવાલ આપ્યો ને કહ્યું: ‘તું કાદવકીચડથી આખી ભરાઈ ગઈ છે. જા, જઈને પહેલા નાહી લે.’
એ નાહીને આવી. ત્યારે શરીરે ફક્ત ટુવાલ જ લપેટેલો. શિવદાસે કબાટમાંથી એક સ્કર્ટ-બ્લાઉઝ કાઢીને એને આપ્યાં. એ કપડાં પહેરીને આવી ત્યાં શિવદાસે દૂધ ગરમ કરીને ગ્લાસ ભરી રાખેલો અને બ્રેડ શેકી રાખેલા.
‘સાહેબ, તમે આપેલાં કપડાં બરાબર મારા માપનાં જ છે, કોનાં છે?’જવાબની રાહ જોયા વિના ઝૂબેદા ઊંધું ઘાલીને ખાવા પર તૂટી પડી. એની તરફ જોતાં શિવદાસ વિચારી રહ્યો, મારી ગુડ્ડી પણ બરાબર આવડી જ હતી. આ દારૂની લતે એને અને એની માને મારાથી દૂર કરી દીધાં. એક વખત મોઢું ફેરવી જતાં રહ્યાં પછી કોઈ દિવસ કંઈ ખબર જ ન મળ્યા કે, ક્યાં છે, કેવી હાલતમાં છે.
ખાઈને ઝૂબેદા નિરાંતે સોફા પર બેઠી. બાજુમાં પડેલી સોનેરી રંગની ઢીંગલી પર નજર પડતાં એની આંખો ચમકી ઊઠી. એણે ડરતા6 ડરતાં પૂછ્યું, ‘સાહેબ, હું આને હાથ લગાડું? હું કોઈ દિવસ આવાં રમકડાંથી રમી નથી.’શિવદાસે ઢીંગલી એના ખોળામાં મૂકી, અને હસતાં હસતાં કહ્યું, ‘એને તારી સાથે સૂવડાવજે, બસ !’
‘સાહેબ, મને બહુ ઊંઘ આવે છે, ક્યાં સૂઉં?’
‘આ પલંગ પર તું સૂઈ જા, હું અહીં સોફા પર સૂઈશ.’થાકેલી ઝૂબેદા ઢીંગલીને ગળે વળગાડીને પલંગ પર પડી. ડીમલાઈટના ઝાંખા પ્રકાશમાં શિવદાસ એને જોઈ રહ્યો. જાણે ગુડ્ડીની નાની બહેન જ જોઈ લ્યો ! એણે ઝૂબેદાને ધાબળો ઓઢાડ્યો, એને કપાળ પર ચૂમી ભરીને કહ્યું, ‘ગુડનાઈટ બેટા !’
થોડીવાર સોફા પર પડખાં ફેરવ્યાં કર્યાં પછી એણે કહ્યું, ‘હું તારી પાસે સૂઈ જાઉં ?’ ‘હા જરૂર’, ઝૂબેદાએ અડધી પડધી ઊંઘમાં જવાબ આપ્યો. શિવદાસ ઊઠીને પલંગપર સૂતો. નક્કી કર્યું હતું કે એ રડશે નહીં પણ જ્યારે ઝૂબેદાને ગળે વળગાડી ત્યારે એ નાના બાળકની જેમ રડવા લાગ્યો.
(અંબિકાસૂતન માંગડની મલયાલમ વાર્તાની આધારે)
saras varta o chhe.
ત્રણે ત્રણ હૃદય સ્પર્શી વાર્તાઓ બહુ ગમી.