અખંડ આનંદની પ્રસાદી

 

 

(1)કરીમચાચા/અંબાલાલ ઉપાધ્યાય

[અખંડ આનંદની પ્રસાદી(ડિસેમ્બર,2014)]

(જોયેલું ને જાણેલું વિભાગ:પાના નં:89-90)

નવસો ખોરડાનું અઢારે જ્ઞાતિનું ગામ રામપુર, વસવાયાને બાદ કરતાં બધા જ ખેડૂતો હતા. પંચાલ, દરજી, કુંભાર, સોની, બ્રાહ્મણોની પોત પોતાના ધંધાની ઘરાકવટી વહેંચાઈ ગયેલ. વર્ષ દહાડો જે તે ધંધાનું કામ થાય તેને ઉચક વર્ષનું અનાજ બાંધી દીધેલ. ખેડૂતો પોતે ખેતરમાં પકવેલ તેલીબિયાં જરૂરિયાત મુજબ ગામથી પંદર ગાઉ દૂરના શહેરમાં ઘાણી કરાવી તેલ લાવે, તલ,મગફળી,સરસવ, એરંડા, વર્ષ દરમિયાનની જરૂરવાળું તેલ કઢાવી લેતા.

ગામના બેસતા વર્ષના રાવણામાં વાતચીત થઈ. આખું ગામ માથે વજન લઈ વીસ ગાઉ ઘાણીએ પિલાવવા રસુલચાચાને ઘેર જાય છે એના કરતાં રસુલ ચાચાને સમજાવી આપણા ગામે જ લાવી દઈએ. ગામના પાંચ આગેવાનો રસુલચાચાને મળ્યા અને કહ્યું કે આખા ગામને તમારા ઘેર આવવું પડે છે એના કરતાં તમે જ અમારા ગામે આવી જાઓ. રસુલચાચાએ કહ્યું: ‘તમારા ગામે મારું ઘર નહીં, મારો સમાજ નહીં.’ત્યારે આગેવાનોએ કહ્યું, ‘તમારું દેશી નળિયાનું માટીનું ઘર છે. તેનો સામાન ગાડામાં લઈ જઈએ અને તમોને ઘર બનાવી દઈએ. અને આખા વર્ષ દરમિયાન તમામ ઘેર અમે જ હોઈએ છીએ. અમને તમારા સમાજના ગણી લો.’

બે ત્રણ ગાડાં ભરી કાચા મકાનનો કાટમાળ ઘાણી સાથે લાવી દીધો. પંચાલ, કુંભાર, કડિયા, સુથાર બધા મંડી પડ્યા અને ઘર ઊભું કરી દીધું.

ત્યારથી રસુલ ચાચાની પાંચમી પેઢી કરીમચાચા હયાત છે. અને ઘાણી ફેરવે છે. ગામમાં ગમે તેના ઘેર સામાજિક પ્રસંગ હોય તો કરીમચાચા આખા ઘર સાથે હોય જ. કરીમચાચાની દીકરી ફાતમાની શહેરથી આવેલી જાનમાં આખા ગામે હાજરી આપેલી. ગામ માટે ગામની ધર્મશાળામાં રસોઈયા બોલાવી રસોઈ કરાવેલી. હોંશે હોંશે આખા ગામે જમણવાર ઊજવેલો. ગામમાં કોઈનાય ઘેર મૃત્યુ પામ્યાના સમાચાર જાણે અને કરીમચાચા માથે લાકડું લઈ પહેલા સ્મશાને પહોંચી જતા.

2002માં ગુજરાતમાં કોમી તનાવની ઊભી થયેલ પરિસ્થિતિમાં આખા તાલુકાના ગામડેથી મુસ્લિમ પરિવારો શહેરમાં જતા રહ્યા હતા. કરીમચાચાનાં ઘરનાંએ કહ્યું: ‘આપણે શહેરમાં જતાં રહીએ. પરિસ્થિતિ થાળે પડશે ત્યારે પાછા આવી જઈશું.’પણ કરીમચાચા સંમત ન થયા. ‘આપણે તો અહીં જન્મ્યા છીએ અને અહીં જ મરીશું. અલ્લાહ પર ભરોસો રાખો !’

તે જ રાત્રે વીસ પચીસ યુવાનો હાથમાં લાકડી-ધારિયા લઈ કરીમચાચાના ઘેર આવી, સૂતેલાંને જગાડી કહ્યું: ‘આખા પરગણામાંથી ગામડેથી મુસ્લિમો શહેરમાં ગયા છે અને તમે કેમ ગયા નથી. કાલે આવીશું. ગયેલા નહીં હોય તો બધાંને ઘરમાં સૂતેલા ઘર સળગાવી દઈશું.’

આખી રાત ભયના ફફડાટ માં આખો પરિવાર ક્યારે દિવસ ઊગે તેની રાહ જોતો બેસી રહ્યો. કરીમચાચાએ ઘણું સમજાવ્યા પણ રહેવા સંમત ન થયાં. કપડાં લઈ શહેરની છાવણીમાં જતાં રહ્યાં.

સવારે ગામ આગેવાનોને જાણ થઈ. પાંચદસ આગેવાનો કરીમચાચાના ઘેર આવી કથની સાંભળી લીધી. આગેવાનોએ આશ્વાસન આપ્યું: ‘કરીમચાચા, તમોએ હિંમત રાખી અમારા પર ભરોસો મૂક્યો છે. તો અમે જવાબદારી ઉઠાવીશું.’

રાત્રે ગામના પચીસ જેટલા યુવાનો હાથમાં લાકડી-ધારિયાં સાથે કરીમચાચાને ઘેર હાજર થયા. મોડી રાત્રે આગલા દિવસનું ટોળું હોકારા કરતું આવી ગયું. ત્યાં ઘરમાં બેઠેલા ગામના જુવાનિયા બહાર નીકળી ટોળા પર લાકડીઓ લઈ તૂટી પડ્યા. ઊભી પૂંછડીએ બધા ભાગી ગયા. ફરીથી કોઈ આવ્યું નહીં. ગામ આગેવાનો બીજા દિવસે શહેરની છાવણીમાંથી ગાડું જોડી કરીમચાચાના પરિવારને લઈ આવ્યા. કરીમચાચા નેવું વર્ષની ઉંમરે આજેય ખખડધજ છે અને કહે છે કે ‘મરીશ તો ગામમાં જ.અહીં જન્મ્યો અને અહીં મરીશ. પાંચ પેઢીથી એકરસ થઈ જીવીએ છીએ.’

મુ.પો. લીંબાઈ, તા. મોડાસા જિ.અરવલ્લી

———————————————————————————

(2) પુરુષાર્થની દીપમાળા//ડૉ. એન.એસ.ગૌદાની(પાના: 93 થી 95)

ઉના દેલવાડા રોડ પર પરિમલ સોસાયટી પાછળ, રફાળેશ્વર મહાદેવનું નાનકડું મંદિર છે. તેની બાજુમાં જ હસુમતીબહેન સોની રહે છે. મા-બાપની એકની એક દીકરી, કુટુંબમાં કોઈ મળે નહિ. હસુમતીબહેન જો લગ્ન કરે તો મા-બાપનું શું થાય. હસુમતીબહેને માતા પિતાની સેવા માટે જ નિર્ણય કર્યો લગ્ન ન કરવાં . ઘરમાં એક જૂનું પુરાણું સીવવાનું મશીન હતું તેના પર દરજીકામ કરે, ગાજ બટન બા-બાપુજી કરે. આમાં ઘરગુજરાન ચાલતું હતું. બાપુજી બીમાર પડ્યા, દવાના પૈસા ન હતા એટલે સીવવાનું મશીન હતું તે વેચી નાખી બાપુજીની દવા કરી. કમાણીનું કોઈ જ સાધન ન રહ્યું. જેનાં તેનાં ઘરનાં કામ કરે, આંગણવાડીમાં જાય, મહામુશ્કેલીએ રોટલા નીકળે છતાં ઉના હવેલીમાં નિયમિત દર્શન કરવા જવાનું ચાલુ. પોતે જ બીમાર પડી ગયાં. દવાના પૈસા ઘરમાં ન હતા. મારા મિત્ર પાનસુરિયા સાહેબ ઉના ઈરિગેશનમાં નોકરી કરતા હતા. તેમના પત્ની પણ હવેલીયે જતાં. તેમને પોતાની તબિયતની વાત કરી. મારા દવાખાને લઈને આવ્યાં, તપાસીને દવા કાઢી આપી ચાર દિવસ પછી બતાવી જવાનું કહ્યું હતું. ચોથા દિવસે પાછાં આવ્યાં, આનંદમાં હતાં એટલે મને થયું એમની તબિયત સારે છે.

હસુમતીબહેન બીજી વખત બતાવવા આવ્યાં ત્યારે પાનસુરિયા સાહેબ, મંગળદાસ ગાંધી, દીપકભાઈ શાહ(મહેતા હૉસ્પિટલના)મૅનેજિંગ ટ્રસ્ટી, મારા દિવના મિત્ર પુષ્પસેનભાઈ વાજા બેઠા હતા ત્યારે હસુમતીબહેનની હાજરીમાં જ પાનસુરિયા સાહેબે આ સોની કુટુંબની કઠણાઈ અને સીવવાનું મશીન વેચવું પડ્યું તે વાત કરી. મારાથી બોલી જવાયું: “હસુમતીબહેન સીવવાનું મશીન કેટલામાં થાય?”

“સારું લઈએ તો છ હજારનું થાય.” એમણે જવાબ આપ્યો. હું કંઈ જ બોલું એ પહેલાં પુષ્પસેન ભાઈ બોલ્યા: ‘હું આમને મશીન લેવા માટે બે હજાર રૂપિયા આપીશ.’દીપકભાઈ શાહ કહે: ‘હજાર રૂપિયા મારા’. મંગળદાસભાઈ કહે, ‘હજાર મારા. ’ પાનસુરિયા સાહેબ: ‘હજાર હું આપીશ.’ઘટતી રકમ મેં આપી મને પણ એમ થયું કે ઘણા માણસોને બીમારી પણ સારા કામ માટે જ આવતી હશેને, પછી તો હસુમતીબહેન દવાખાને અવારનવાર આવતાં. બહારથી જ બંને હાથ જોડી નમન કરીને જતાં રહે.

************

ગિરગઢડા તાલુકાનું સનવાવ ગામ. ત્યાંની એક બહેન જયા તેમના દીકરા પંકજને લઈને દવાખાને આવી હતી. પૈસા આપી કેઈસ કઢાવ્યો. તેનો છેલ્લો જ વારો હતો. વારો આવતાં જ પંકજને બોલાવ્યો. જ્યાબહેનને પૂછ્યું: ‘પંકજને શું થાય છે?’

‘મારા પંકજને 13 વર્ષ થયાં છે. છેલ્લા એક વર્ષથી વાઈ આવે છે.’દવા કેટલી કરી એમ પૂછ્યું તો કહે, ‘મારો ભાઈ રિક્ષા ચલાવે છે. જે અમને બંનેને ભાવનગર લઈ ગયો હતો. વાઈના સ્પેશિયલ ડૉક્ટરને બતાવ્યું હતું. એક મહિનાની દવા મારા ભાઈએ પંકજ માટે લઈ આપી હતી. ડૉક્ટરે દર મહિને બતાવી જવાનું કહ્યું હતું. પરંતુ અમે તો ગરીબ, દર મહિને ભાવનગર કેમ જઈ શકાય? ઘરમાં કોઈ કમાવવાવાળું નથી. થોડી ખેત-મજૂરી ચાલે પણ આ મારા દીકરાને કોઈ પણ સમયે વાઈ આવે એટલે એને રેઢો પણ ન જ મૂકી શકાય એટલે ઘરમાં જ રહું છું અને જેનાં તેનાં ગોદડાં સીવું આમાં માંડ મા દીકરાના રોટલા નીકળે.’

‘પંકજના બાપુજી શું કરે છે?’એવા પ્રશ્નના ઉત્તરમાં બોલ્યા: ‘એ તો ઘણું જ કમાય છે.’આટલી વાતમાં જયાની આંખમાં આંસુ આવી ગયાં એટલે મેં વધારે કશું જ પૂછ્યું નહીં. રડતાં રડતાં જ એ બોલી: ‘મારા ઘરની બાજુમાં જ રામભાઈના દીકરાને વાઈ આવતી હતી. તેમને તમે દવા લખી આપી હતી. સાહેબ, મારા પંકજને આ દવા ચાલુ કરું?’ અને ટેબલ ઉપર એપટોઈન ગોળીની ખાલી બાટલી મૂકી. ‘પંકજને આ જ દવા ચાલુ કરો મને એ દવા સાહેબ લખી આપો.’

મેં જયાને 60 ગોળી લખી આપી. મા-દીકરો બહાર દુકાનમાં ગયા. વીસ ગોળી લઈને આવ્યાં. ‘જયા આખી બોટલ લઈ લીધી હોત તો તારે ધક્કા ન થાય.’

‘સાહેબ, મારી પાસે પૈસા નથી.’

‘સારું, આ ગોળી પાછી આપને પૈસા પાછા લઈ લો.’મેં તેમને 60 ગોળી મંગાવીને આપી. તેમના કેઈસ કઢાવવાના પૈસા પણ પાછા આપ્યા. બંને મા દીકરો ખુશ થતાં થતાં દવાખાનાનાં પગથિયાં ઊતર્યા અને પાછાં આવ્યાં એટલે મેં પૂછ્યું કે કંઈ ભૂલી ગયા? તો કહે, ના સાહેબ, અને થેલીમાં હાથ નાખી એક સફરજન કાઢ્યું અને મારા ટેબલ પર મૂક્યું. મેં પૂછ્યું, કેમ? તો કહે, ‘મારા પંકજને સફરજન ખૂબ જ ભાવે છે. હું ઉના આવવા નીકળી ત્યારે મારા ભાઈએ મને 50રૂપિયા આપ્યા હતા.’

એ 50,રૂપિયાનાં બે સફરજન પંકજને લઈ દીધાં. સાહેબ, આપ આ એક રાખો.’ મેં એ સફરજન પાછું આપ્યું. અને બીજા સો રૂપિયા આપી કહ્યું: ‘જયા, તારા પંકજ માટે સફરજન લેતી જજે. ’બંને મા-દીકરો રાજી રાજી થઈ ગયાં.

એક મહિના પછી પાછા બતાવવા આવ્યાં. પંકજને એક મહિનામાં માત્ર બે જ વખત વાઈ આવી હતી. આજે હું પણ થોડી નવરી હતી એટલે થોડી આડી અવળી વાતો કરી પછી પૂછ્યું, ‘પંકજના બાપુજી શું કરે છે?’

‘એ લોકો તો ઘણાં જ સુખી છે. તેમને કોઈ ભૂવાએ કીધું કે પંકજની મા અને પંકજ અપશુકનિયાળ છે. તમારા ઘરમાં દુ:ખના ઢગલા જ થવાના છે. ત્યારથી અમને બંનેને મારીને કાઢી મૂક્યાં છે. મા-બાપ નથી, મારા ભાઈએ એક રૂમ કાઢી આપી છે. તેમાં રહું છું.’

‘તને ગોદડાં સીવતાં આવડે છે. તો મશીન લૂગડાં સીવવાનું લઈ લે.’

‘અરે સાહેબ, અમે ક્યાંથી મશીન લઈએ. આ મારાં તથા પંકજનાં કપડાં તો જુઓ, કેટલાં થીંગડાં માર્યા છે.’મેં બંનેનાં કપડાં સામે જોયું ત્યારે થીંગડાંનો ખ્યાલ આવ્યો. એક મહિનાની ગોળી લઈ આપી. સો રૂપિયા સફરજનના આપ્યા. બંને રવાના થયાં.

એક મહિના પછી પાછાં આવ્યાં, પંકજને ખૂબ જ સારું હતું. બંને આનંદમાં હતાં. દવા મંગાવી આપી, જતાં પહેલાં મને એક ભરત ભરેલ થેલી બતાવી.

‘આવી પચાસ થેલીમાં ભરત ભરવાનું છે. એક થેલીએ ત્રીસ રૂપિયા આપશે.’

‘અરે, જયા, આ થેલી તો સરસ છે, તું આવી થેલી બનાવવા મંડી જા.’ ‘સાહેબ, આ સિલાઈ કામમાં અર્ધા આંટાના મશીનની જરૂર પડે એ હું ક્યાંથી લાવું?’

‘સારું, આઠેક દિવસ પછી મને મળજે.’

એ જ સાંજે હસુમતીબહેન સોની દવા લેવા આવ્યાં હતાં તેમને જયાની બધી જ વાત કરી અને અર્ધાઆંટાનું એક જૂનું પણ સારું કંઈથી ગોતી આપવા કીધું. હસુમતીબહેને 4800 રૂપિયામાં સરસ જૂનું મશીન ગોતી આપ્યું. જયાને તેના ભાઈ સાથે રિક્ષા લઈને આવવા જણાવ્યું. તુરત આવી ગયાં. જ્યાંથી મશીન લેવાનું હતું ત્યાંથી હસુમતીબહેન સોનીએ મશીન અપાવ્યું અને એક મોટી પ્લાસ્ટિકની થેલી આપી, ‘જ્યા, મારા તરફથી લેતી જજે.’ગાંઠિયા અને જલેબી, તું કાલે દુકાન ચાલુ કરીશ તો તારા ભાઈ, ભાભી, પાડોશીને તારા તરફથી ખવડાવજે. હસુમતીબહેન સોની દવાખાને આવ્યાં. કામ પતી ગયું તેની વાત કરી.

‘પછી પોતે જે ગાંઠિયા જલેબી આપ્યા તેની વાત કરી. અરે હસુમતીબહેન આવો ગાંઠિયા જલેબીનો મને તો વિચાર જ ન આવ્યો.’

‘અરે સાહેબ, તમે મને નવું મશીન અપાવડાવ્યું. હવે મને સારા પૈસા મળે છે. આપ આવું અમારા ગરીબોનું સુંદર કાર્ય કરો તો જયા જેવી મારી અભાગણી બહેન જેવીનું હું આટલું પણ ન કરી શકું?’

અમે બંને સજળનેત્રે બેસી રહ્યાં. ગરીબીની પન કેવી સુંદરતા હોય છે. આવાં પવિત્ર આંસુ તમને ક્યાં જોવા મળશે.

———————————–

લાઈબ્રેરી ચોક, ઉના, જિ. ગિરનાર

 

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
One comment on “અખંડ આનંદની પ્રસાદી
  1. varma કહે છે:

    Hats off Karimchachaji, and his family in Rampur. Hats off Trustee of Hospital, All Doctors, other people are doing wonderful their job, faithfully, honestly, to help other by giving own money from pocket, time, taking matter sincerely. In 1968 was sick of Jaundice (Kamli) , next year Cholara in Bombay. My mother requested Trustee of Bhatia Hospital in Tardeo Rd. He listen the matter and agreed to give free treatment to me.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,213 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ડિસેમ્બર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: