રેવાવહુ/મુકુન્દરાય પારાશર્ય

 

રેવાવહુ

logo-download

 

(મારાં મોટીબા/મુકુન્દરાય પારાશર્ય[ખીસાપોથી] સંપાદક: મહેન્દ્ર મેઘાણી/લોકમિલાપ)

પ્રખ્યાત પુરાતત્ત્વવિદ પંડિત ભગવાનલાલ(1839-1888)ના પિતા ઈન્દ્રજી. એ ઈન્દ્રજીના કાકા શાસ્ત્રી જેઠાલાલના કુટુંબની આ વાત છે.

જેઠાલાલના પિતા જગન્નાથ મૂળ પોરબંદરના. તેના ત્રણ પુત્રો: મુરારજી, અંબારામ અને જેઠાલાલ. ત્રણેય ભાઈઓ વિદ્યાસંપન્ન, શાસ્ત્રનિપુણ અને કર્મકાંડી હતા. જૂનાગઢના નાગરોના આગ્રહને વશ થઈ મુરારજી તથા અંબારામ જૂનાગઢ જઈ વસ્યા અને જેઠાલાલ પોરબંદર જ રહ્યા.

ત્રણેય ભાઈઓમાં જેઠાલાલ વધુ વિદ્યાસંગી ને કાવ્યકોવિદ હતા. પણ તેમની વિદ્વતા કરતાં તેમની ધર્મપરાયણતા અને સરળતાને કારણે તેમની સુવાસ ઘણી હતી. નિયમિત સારી આવકને અંગે જ્ઞાતિમાં સ્થિતિ પણ સારી ગણાતી; પરંતુ પતિપત્નીની ઉદારતાને કારણે પાસે સ્થાયી પૂંજી ન રહેતી.

એ શાસ્ત્રી જામનગર પરણેલા.પત્નીનું નામ મટીબાઈ. આ દંપતીને મોટી વયે સંતાનમાં એક પુત્ર થયો. પણ એ પુત્રમાં કુળની વિદ્વતાના કે બુદ્ધિક્ષમતાના ગુણો ન હતા. ભગવાનનો માણસ કહેવાય એવો સાવ ભોળિયો ને સમજહીન એ હતો. વળી બોલવામાં બહુ થોથરાતો.

માતાપિતાએ ઘણા પ્રયત્નો કર્યા, પણ છોકરો કંઈયે ભણી ન શક્યો. તેમાં વળી સાતેક વર્ષની વયે, રસ્તામાં વીફરીને ભાગેલા બળદના પગ તળે આવી જતાં તે એક પગે સાવ લંગડો બની ગયેલો. એ છોકરાનું નામ ચતુર્ભુજ.

અપંગ છોકરાને નવડાવી મા તેને ઓસરીને ઓટલે બેસાડી દે. પડખે બે સૂંડલી મૂકે; એકમાં હોય જાર, બીજીમાં હોય બાજરાનો લોટ. છોકરો પારેવાંને જાર નાખીને ચણાવે, ને જે કોઈ બ્રાહ્મણ આવે તેને બે ચપટી લોટ આપે. સાંજે સીમમાંથી ગાય આવે ત્યારે માની ઓઠે રહી ગાયને ને વાછરડાંને પૂળા ખવડાવી તેને હાથ ફેરવે.

અપંગ થયા પછી વળતે વર્ષે ચતુર્ભુજને જનોઈ આપી. એ પ્રસંગે મટીબાઈનાં બાળસહિયર પ્રભાકુંવર મોરબીથી આવેલાં. જામનગરમાં એ બંને એક પછીતે આવેલાં બે ઘરમાં પડખે પડખે રે’તાં, સાથે રમતાં, વર્ષોથી ‘મટી’ને જોઈ ન હતી તેથી મળવા માટે જનોઈના આ પ્રસંગે તે આવ્યાં, મટીને મળી એ હરખથી રોઈ પડ્યાં. જેઠાલાલ શાસ્ત્રી પ્રત્યે આખા ગામનો ભાવ જોઈ સંતોષ પામ્યાં; પણ ચતુર્ભુજને જોઈ તેનું દિલ દુભાયું.

“મટી, તારો છોકરો અપંગ થયો તે ભારે થઈ !”

“ને સ્વભાવે જડભરત.” મટીબાઈએ કહ્યું.

“આ તો દેખીને દાઝવા જેવું થયું.” પ્રભાકુંવરે કહ્યું.

“હા, એમ થાય છે કે અમે માવતર કેટલાક દી? પછી આ છોકરો સાવ પરાધીન થશે. સૌનો ભગવાન છે, તોય, હું તો કળજગની મા છું એટલે થાય છે કે આનું શું થાશે?”કહી મટીબાઈ ઢીલાં થઈ ગયાં.

“પાછું, તારે બીજો દીકરો નથી; નહીંતર ચિંતા ન રહે.”

“છતે દીકરે ડેલીએ તાળાં દેવાશે.”કહેતાં મટીબાઈને કમકમાં આવ્યાં.

“તાળાં નહીં દેવાય. આવા શાસ્ત્રીને ઘેર તાળાં ન હોય.”

“આને પોતાની દીકરી કોણ દે, બે’ન? ને પારકી દીકરીનો ભવ બગડે એમ મારાથી લેવાય પણ કેમ?” મટીબાઈએ કહ્યું.

“કેમ ન લેવાય? દે એની લેવાય.”પ્રભાકુંવરે કહ્યું ને ઉમેર્યું: “હાલ્ય, મારી દીકરી રેવા તારા દીકરાને આપી, લે !”

“હં, હં ! એવું ન બોલ ! મારે એને પરણાવવો નથી. મારે મરતાં મરતાં કોઈના નિસાસા લેવા નથી.” મટીબાઈએ કહ્યું.

“હવે ના ન હોય, મારી જીભ કચરાઈ ગઈ.” પ્રભાકુંવરે કહ્યું.

“પણ મારે તારી દીકરી નથી લેવી.”

“મેં વચન દઈ દીધું. હવે તું ન લે તો મારી દીકરીને ગાળ ચોટે. તું એટલી હદે જઈશ? તારાથી મને ના ન કહેવાય.” પ્રભાકુંવરે કહ્યું.

“પણ તારા ઘરમાં તો પૂછ. યદુરાયને પૂછ્યા વગર….”

“ઈ મને ના પાડે?ધરમના કામમાં ઈ ના નો કહે. એકબીજાની હા જ હોય ને?”

ને વાતચીતને અંતે, મટીબાઈ તથા તેનાં નણંદ-જેઠાણીને સમજાવી ને શાસ્ત્રી તથા તેના ભાઈઓને સમજાવી, પ્રભાકુંવરે પોતાની દીકરી રેવાનું સગપણ એ અપંગ જડભરત ચતુર્ભુજની સાથે કર્યું ને મોરબી પાછાં આવ્યાં.

એ વાત ઉપર બીજાં સાત વર્ષ ગયાં ને ચતુર્ભુજનાં રેવા સાથે લગ્ન થયાં.

પરણીને રેવા પિયર આવ્યા પછી એકવાર તેની બહેનપણીઓએ ‘રેવાનો વર લંગડો’, ‘રેવાનો વર લંગડો’ કહીને ચીડવી તેથી રેવા ખૂબ રોઈ, ત્યારે રેવાની મા પ્રભાકુંવરે છોકરીઓને કહ્યું: “ધણી લંગડો હોય કે માંદો, ગરીબ હોય કે ગાંડો, ધણીની સેવા કરી ઘર ઉજાળે એનું નામ સ્ત્રી. સ્ત્રીનો ધરમ સમજો ને પછી આ રેવા એના ધણીની કેવી સેવા કરે છે તે જોઈને બોલજો.”

આ પછી વર્ષે દોઢ વર્ષે આણું વળી રેવા સાસરે આવી. આવતાંની સાથે તેણે ઘરભાર ઉપાડી લીધો. રેવામાંથી રેવાવહુ બની ગયાં.

દળણુંપાણી, છાણવાસીદું વગેરે કામ એ આનંદથી કરતાં. ચતુર્ભુજને કપડાં પહેરીને બેસવાની ટેવ પાડી. સાસુને કહીને સસરાના કોઈ શિષ્ય સાથે લાકડીને ટેકે ટેકે હવેલીએ દર્શન કરવા માટે સાંજે મોકલવા માંડ્યો. આ કારણે, કે કોઈ બીજાં કારણે, ચતુર્ભુજમાં થોડીક પ્રસન્નતા દેખાવા લાગી. બહુ બુદ્ધિ આવી ગઈ એવું તો ન થયું, પણ ચતુર્ભુજમાં ફેર થયો. પહેલાં એ ગમે તેવાં મેલાં કપડાંપહેરીને ઓસરીએ-ઓટે નીચે સૂઈ જતો, તે હવે પાથરણા વગર સૂતો –બેસતો નથી. સ્વચ્છતાનો ખ્યાલ વધ્યો છે. ઘેર આવતાંજતાંની સાથે થોડીઘણી સરખી વાત કરે છે. જે શિખાબંધ ન રાખતો તે જાતે શિખાબંધ રાખે છે. શાસ્ત્રી પિતાને એ વાતનો હર્ષ થયો કે છોકરો ભલે અર્થ ન સમજતો પણ રોજ સવારે સૂર્યોદય પહેલાં નાહી, ઘરના ઠાકોરજી સામે બેસી ગાયત્રીની એક માળા કરે છે; ચંદન ઘસે છે.રોજ કંઈક નવો સુધારો છોકરામાં દેખાય છે. તે પ્રતાપ વહુના છે એમ કહેતા. ને એ રેવાવહુ રોજ સાયંકાળે ઘરમાં દેવ પાસે દીવો મૂકી સાસુસસરાને પાયે પડતાં ત્યારે આંખમાં ઝળઝળિયાં ભરાઈ આવતાં અને ગદ્ ગદિત થઈ શાસ્ત્રી કહેતા: “વહુ બેટા ! તમે અમારી લક્ષ્મીમાતા છો. બેટા,તમે પગે ન લાગો. ”

આ રેવાવહુ વ્રતો-ઉપવાસો બહુ કરતાં. ઉત્તરોત્તર તેના મુખ પર પ્રસન્ન ગંભીરતા અને ઓજસ વધતાં જતાં હતાં. લગ્ન પછી દશબાર વર્ષને અંતે જોનારને ‘આ એ જ રેવા?’ એમ આશ્ચર્ય સાથે માન થતું. એવો ફેરફાર તેમાં થયો હતો.

લગ્ન પછી બાર વર્ષે રેવાવહુને સીમંત આવ્યું ને પુત્રજન્મ થયો. સુવાવડ પછી પિયરથી રેવાવહુ પાછાં આવ્યાં ત્યારે મટીબાઈએ શાસ્ત્રીના હાથમાં પૌત્રને મૂકતાં કહ્યું: “લો, લક્ષ્મીજીના આશીર્વાદને રમાડો.”

જ્યારે નવરા હોય ત્યારે શાસ્ત્રીજી પૌત્રને રમાડતા; પણ એ જ્યારે પૂજામાં બેઠા હોય, શિષ્યોને ભણાવતા હોય કે શ્રવણ કરાવતા હોય ત્યારે તેની સામે ગોદડી નાખી તેમાં રેવાવહુ બાળકને સુવડાવી જતાં. એ બાળક અઢી વર્ષનો થયો ત્યારે શાસ્ત્રીજી અવસાન પામ્યા.

શાસ્ત્રીજીના કારજમાં તેમના ભત્રીજા ઈન્દ્રજીએ કહ્યું: “કાકી, હવે જૂનાગઢ ચાલો. ત્યાં સહુ સાથે રે’શું તો ચતુર્ભુજને ગમશે.”

આનો નિર્ણય રેવાવહુએ લઈ સાસુને કહ્યું: “એ તો ગાય જેવા મૂંગા છે એટલે સમજાવી નહીં શકે, પણ આ ખોરડા વગર એમનું દુ:ખ હળવું નહીં થાય. અજાણ્યું રહેઠાણ એમને નહીં ગોઠે. ઓળખીતા આવ્યા કરે તેથી જીવ અહીં હળવો થશે. બાકી એ જે રીતે અહીં રહે છે તે ત્યાં નહીં બને. બાપદાદાનાં ખોરડાં તળે તમારા દીકરાનું કલ્યાણ જોઉં છું.”

વહુનાં વચને જૂનાગઢ જવાનો વિચાર પડતો મુકાયો.

શાસ્ત્રીજી ગયા એટલે રાજ્યમાંથી આવક બંધ થઈ. પણ ચતુર્ભુજને તેની સમજ ન હતી. સવારે નાહીને એ ઓટે બેસે તે વખતે જાર-લોટથી ભરેલી બે સૂંડલી પડખે તૈયાર હોય. એક સવારે અર્ધી સૂંડલી જોઈ ચતુર્ભુજે કહ્યું: “મા, આખી સૂંડલી આપો.”

માએ કહ્યું: “બેટા, હવે તારા બાપ નથી. હવે પછેડી પ્રમાણે સોડ તાણતાં શીખ.”

વહુએ આ વાત સાંભળી સાસુને કહ્યું: “જેણે આજ દિવસ સુધી આપણી રખેવાળી કરી છે. એ ભગવાન હજીયે દઈ રે’શે. ભલે તમારો દીકરો દેતા હોય તેમ દે. એમનો જીવ દેવાથી રાજી રે’છે.”

પણ આપમેળે સ્થિતિ સમજીને બ્રાહ્મણો જ ઓછા આવવા લાગ્યા, ત્યારે રેવાવહુએ આવનાર બ્રાહ્મણોને ફરી આવતા કર્યાં. શાસ્ત્રીજીના સમયમાં બારસ-અમાસે પાકાં સીધાં દેવાતાં, તે દેવાતાં કર્યાં. શાસ્ત્રીજીની વરસીમાં રાજ્ય તરફથી ફરી દરમાયો શરૂ થઈ ગયો.

ચતુર્ભુજના પુત્રનું નામ જગન્નાથ. એ બોલતાં શીખ્યો ત્યારથી રેવાવહુ તેને સંસ્કૃત શ્લોકો ને કવિતાઓ શીખવતાં, બોલાવતાં. રોજ પૂજા વખતે શાસ્ત્રીજી જે સ્તોત્રો બોલતા તે રેવાવહુએ સાંભળીને કંઠસ્થ કરી લીધેલાં. તે વારસો તેણે જગન્નાથને જનોઈ દીધી તે પહેલાં આપી દીધો. જગન્નાથની જનોઈ પ્રસંગે પ્રભાકુંવર આવેલાં. તેને મટીબાઈએ કહ્યું: “રોજ ચતુર્ભુજ પૂજા કરે તે ટાણે છોકરો સ્તોત્રો ભણે છે, એ કામ રેવાનાં છે. એટલે એ ઘરકામ કરતાં હોય ત્યાં માળામાંથી ઊઠીને મારું મન એને નમે છે. તારી તો એ દીકરી છે, પણ મારી તો મા છે !”

એ પ્રસંગે ગામની થોડી સ્ત્રીઓ પ્રભાકુંવરને ખોળો પાથરી પગે પડી.

“બાઈયું, બે’ન્યું, તમે શું કામ પગે લાગો છો?”એમ પ્રભાકુંવરે પૂછ્યું, ત્યારે તે સ્ત્રીઓએ કહ્યું: “રેવાવહુ દેવી છે, તેનાં તમે જનેતા છો, એટલે પગે લાગ્યાં. તમારાં દર્શન ક્યાંથી?”

જગન્નાથની જનોઈ પ્રસંગે તેનું વેવિશાળ પણ થયું; ને થોડા માસ પછી મટીબાઈનું અવસાન થયું.

જગન્નાથને પહેલાં જૂનાગઢ ઈન્દ્રજી કાકા પાસે ને પછી મોરબી શાસ્ત્રી મહેશ્વર પાસે ભણવા મોકલેલો. એ મોરબી ભણતો ત્યારે રેવાબાઈ, મરે તો એ જ મરે એવાં માંદાં પડ્યાં. માંદી પત્નીની પથારીએ ચતુર્ભુજ બધો વખત બેસી રહેતા. સગાંવહાલાં હતાં તે તેને જમવાસૂવા જવા કહે તોયે ન ઊઠે. પત્નીના મંદવાડે એનું શરીર લેવાઈ ગયું હતું.

આ રાત નહીં કાઢે, માનીને સગાંસંબંધી બધાં જગતાં બેઠાં હતાં. બીમાર પત્નીને ઓશીકે ચતુર્ભુજ બેઠા હતા. રેવાવહુએ પાણી માગ્યું. એ પાણી ટોતાં ટોતાં ચતુર્ભુજ રોઈ પડ્યા ને બે વખત બોલ્યા: “તું મરીશ તો મારું શું થાશે?”

રેવાવહુ તેની સામે તાકી રહ્યાં. પછી હાથ જોડી આંખો મીંચી ગયાં ને થોડી વારે કહ્યું: “હું નહીં મરું.”

ને એ મર્યાં નહીં. થોડા દિવસમાં હતાં તેવાં સાજાંથઈ ગયાં.

પછી તો અપંગ પતિને લઈ ગાડામાં બેસી તેણે દ્વારકા તથા પ્રભાસની યાત્રા કરી. જગન્નાથને પરણાવ્યો. ભણતર પૂરું કરી જગન્નાથ દાદા પેઠે શાસ્ત્રીપદું કરવા લાગ્યો ને વહુએ રેવાબાઈને માથેથી ઘરકામનો બોજો ઉપાડી લીધો.

એ પછી બેચાર વર્ષે ચતુર્ભુજ માંદા પડ્યા. મંદવાડ ભયંકર બન્યો ને ચતુર્ભુજ ગુજરી ગયા. રેવાબાઈ પણ સખત માંદાં થઈ ગયાં. ચાલતાં પડી જાય, એવી અશક્તિ આવી ગઈ. પન તેણે ઓટે બેસી બ્રાહ્મણોને લોટ આપવાનું પતિનું કામ ચાલુ રાખ્યું એ લોટ તે જાતે દળતાં.

અને ચતુર્ભુજની વરસી પછી આખા કુટુંબને લઈ જગન્નાથ દ્વારકા ગયા ને પિતાનાં અસ્થિ પધરાવ્યાં. રાતમાં રેવાબાઈએ પુત્રને જગાડી કહ્યું: “ઘેરથી ગંગાજળની લોટી લઈને આવી છું. આ લે, હવે હું જાઉં છું.”કહી તે થોડી વારમાં અવસાન પામ્યાં !

ગોમતીને ઓવારે રેવામાનો અગ્નિસંસ્કાર કરી તેનાં અસ્થિને પિતા પાછળ પધરાવીને જગન્નાથ પાછા પોરબંદર આવ્યા.

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 303,818 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
ડિસેમ્બર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   જાન્યુઆરી »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: