જીવનનું પરોઢ//પ્રભુદાસ છ. ગાંધી

9331mahatma-gandhi-posters

         જીવનનું પરોઢ//પ્રભુદાસ છ. ગાંધી

[મિલાપની વાચનયાત્રા : 1959//સંપાદક : મહેન્દ્ર મેઘાણી//લોકમિલાપ//પાનું:9થી 16]

 

ફીનિક્સને આંગણે

બાપુજી આવ્યા; ટૉલ્સટૉયવાડીનો આખો કબીલો લઈને આવ્યા. બાપુજીએ બાંડિયું પહેરણ પહેર્યું હતું અને પાટલૂન સારી પેઠે નીચેથી વાળી લીધું હતું. લાંબે ડગલે ઝપાટાભેર સૌને મોખરે તેઓ પ્રસન્નતા વેરતા ચાલ્યા આવતા હતા. એમની પાછળ ત્રણત્રણ-ચારચારની ટોળીમાં નાના ને મોટાં કદના ફાર્મવાસીઓ તણાયે આવતા હતા.

મોટે ઘેર પહોંચતાં સારી પેઠે મોડું થઈ ગયું. મોટું ઘર ખરેખર હવે મોટું બન્યું. બાપુજીને એકલાને રહેવાના ઘરમાં દસ ગણા માણસો વસ્યા. સૂવાનું જુદે જુદે ઘેર રાખેલું, પણ ફાર્મથી આવેલા બધાનું જમવાનું એક જ ઘેર રહ્યું. બધા જમવા ગયા ત્યારે ઘેરથી જમીને ભાગ્યો ભાગ્યો હું સૌનું જમવાનું જોવા ગયો.

મોટા ઘરના મોટા ઓરડામાં બાપુજીનું લાંબુટૂકું થઈ શકે એવું ટેબલ બધાં પાટિયા ભરીને લાંબામાં લાંબું કરવામાં આવ્યું હતું અને દાબીદાબીને ખુરશી-બાંકડા ગોઠવાયા હતા. પચીસ-ત્રીસ જણ મૂંગે મોઢે ઊંધું ઘાલી જમવા અડપ્યાં હતાં અને એકલા બાપુજી ઊભે પગે ટેબલની પ્રદક્ષિણા કરતા ખાવાનું પીરસતા હતા. દરેકની પાસે એનામલનું એક એક તાંસળું અને એક-એક ચમચો હતો. બાપુજી દાળ, ભાત, શાક, રોટલી બધું એક જ તાંસળામાં પીરસતા હતા.

ભોજનપાનથી પરવારી એ સૌ ફાર્મના સામાનની ગોઠવણીમાં લાગી ગયા. બાપુજી હથોડી, ખીલા અને કરવત લઈ પુસ્તકો માટેના ઘોડા બનાવવામાં એકાગ્ર હતા. બાપુજીએ એક ઊંચો—જમીનથી છાપરાને અડે એટલો ઊંચો—ઘોડો પાટિયા ઠોકીને ઊભો કરી દીધો.

એ મોટા ઓરડામાં રાત પડ્યે મીટિંગ થઈ. બાપુજીનું પ્રવચન થયું. તેના શબ્દો મને યાદ નથી રહ્યા, પણ સાર આ હતો:

“અહીં આપણે ફીનિક્સમાં આવ્યા છીએ. આ ટૉલ્સટૉય ફાર્મ નથી.જે કાચાપોચા હતા તે પોતપોતાને ઘેર સગાંવહાલાંઓ પાસે ચાલ્યા ગયા છે. જે અહીં આવ્યા છે તે સમજપૂર્વક આવ્યા છે. અહીં આવીને કેદીનું કડક જીવન આપણે ગાળવાનું છે. કેદીજીવન જેને ન ગમતું હોય તે હજુ પાછા જઈ શકે છે. ”

વખત આવ્યે જેલ જવાની જેને હોંશ હોય તે જ અહીં રહે. ટાણું આવે ને ઢીલા પડી જાય એવા કોઈ ફીનિક્સમાં ન રહે એમ હું ઈચ્છું છું. અને એમ તો જ બને, જો આપણે કેદમાં જ છીએ એમ માની સવારથી સાંજ સુધી વરતીએ. આપણા ખાવામાં, પીવામાં, પહેરવામાં કેદીથી પણ વધુ સખ્તી હોય તો જ કેદમાં ગયા પછી આપણને અકળામણ ન ઊપજે. ધારો કે કેદમાં જવાનું ન થાય અને હિન્દુસ્તાનજવાનું થાય, તો પણ આપણે સાદાઈ અને કડક વ્રતો પાળવાં જ જોઈએ. ત્યાં જઈને આપણે અહીંના કરતાં પણ વધુ કામ કરવાનું છે, એટલે અહીં ઘણા એવા નિયમો થશે જે ફાર્મ પર ન હતા. એ નિયમો જે તોડશે તે ફીનિક્સમાં રહેવાને લાયક નહીં રહે. આ બધું કરવાનેતમે તાજા થઈ જાઓ એ સારું હું તમને સાત દિવસની છુટ્ટી આપવાનો છું. આવતા સોમવારથી આપણી શાળા શરૂ થશે. આવતા રવિવારની સાંજ સુધી તમે મન ભરીને રમી લો, આળસ કરી લો, અને જે મજા કરવી હોય તે માણી લો. પહેલાં રમી લો. પછી આપણે કસીને કામ કરશું.”

***

જોતજોતામાં અઠવાડિયું પૂરું થયું અને રવિવાર આવ્યો. રવિવારે નાનામોટા સૌ નાળા પર નાહવા ગયેલા. કપડાં ધોવાઈ ગયાં અને નાહવાનો વખત થયો ત્યાં હાથમાં વાળ કાપવાનો સંચો લઈ બાપુજી આવી પહોંચ્યા. એક મોટી સેંથીવાળા અને રુપાળા ગુચ્છાવાળા છોકરાને બોલાવ્યો અને ચારપાંચ મિનિટમાં તેના માથાના વાળ સફાચટ કરી નાખ્યા. બધા છોકરાઓમાં છૂપો હાહાકાર મચી ગયો. પોતાના મહામહેનતે પાળેલા વાળ બચાવવા નાની સરખી દલીલ જેણે કરી તેને બાપુજીએ સમજાવી દીધું કે, “આજથી વખત બદલાયો છે. હવે જૂના ચેનચાળા વિસારે પાડવાના છે. એ વિસારવા ન પોસાય તો આવતીકાલથી શરુ થનારા નવા સત્રમાં જોડાવાનું માંડી વાળો ને ઘરભેગા થાઓ.” કલાક સવા કલાકમાં તો વીસપચીસ જણને મૂંડી ઝપાટાભેર આગલો કાર્યક્રમ પૂરો કરવા બાપુજી મોટે ઘેર પહોંચ્યા.

સાધારણ રીતે ત્રણ વાગ્યે—ને ઘણી વાર તો બે વાગ્યે—બાપુજી પથારી છોડતા અને દીવો સળગાવી સવાર પડતાં સુધી એકચિત્તે લખતા-વાંચતા. નિશાળ, છાત્રાવાસ અને રસોડું એમ ત્રણ જુદી જુદી જગ્યાએ વિદ્યાર્થીઓ સૂતા.એક એકની પથારી પાસે જઈ, એમને ઢંઢોળીને જગાડવામાં બાપુજીનો અર્ધો-પોણો કલાક જતો. હોંશિયાર માળી જેટલી ધીરજથી પરોઢિયે ઊઠી એકેએક છોડની પ્રદક્ષિણા કરે તે તેની ક્યારી ગોડે, તેમ એક એક વિદ્યાર્થીની પરિક્રમા બાપુજી કરતા.

દાતણ ઊકલે ત્યાં છાપખાનાનો મોટો ઘંટ ધણેણી ઊઠતો અને વિદ્યાર્થીઓ, બાળકો, મોટાઓ ને બાપુજી પોતપોતાની કોદાળી, પાવડા કે દાતરડું લઈ ઠરાવેલી જગ્યાએ પહોંચી જતા.

એક ટોળી બાપુજીની, બીજી મગનભાઈ માસ્તરની અને ત્રીજી મિ.સૅમની, એમ ત્રણ ટોળીઓમાં ફીનિક્સને જુદે જુદે ખૂણે સ્વરના બે કલાક ખરેખરી મજૂરી ચાલતી. નબળા, નાના અને નગુણા છોકરાઓને બાપુજી પોતાની ટોળીમાં રાખતા, અને ફીનિક્સના રસ્તાઓ તથા અવાવરુ જમીન પરથી ઘાસ ખોદી સાફ કરવાનું કામ એનું રહેતું. મોટી ટોળીઓને ફળઝાડના ક્યારા ખોદવાનું અને જમીન ખેડવાનું રહેતું.

 

ખેતરાઉ નિશાળ

મને ભય છે કે હું જે લખવા માગું છું તે નહીં લખી શકું. એ અનુભવ, એ ચેતન અને એ ઉલ્લાસનો વણથંભ્યો પ્રવાહ આ લૂખા કોરા કાગળ ઉપર કેવી રીતે દેખાડી શકાય?

પરોઢિયે છથી આઠ સુધી ખેતી ચાલ્યા પછી શિરામણ કરી મોટાઓ પાછા ખેતરે પહોંચતા અને અમે છોકરાઓ નિશાળના ઝૂંપડામાં, ત્યાં નવથી અગિયાર સુધી તડામાર કામ ચાલતું. અરધા-પોણા કલાકે ટકોરા થતાં વારા પ્રમાણે ભણાવનારા શિક્ષક અમારી સામે હાજર થતા. ઘણી વાર શિક્ષકજીના પગે ખેતરનો ગારો ચોંટી રહેતો અને વચ્ચે આવી પડેલું કામ પતાવી ઝટ પાછા ખેતરે પહોંચી જવાની ઉતાવળ અમારા શિક્ષકના ચહેરા પર દેખાઈ આવતી. ગણિત, ગુજરાતી, ગીતા અને વ્યાકરણ એ અમારા મુખ્ય વિષયો હતા. અંગ્રેજી પન બધા શીખતા. મુખ્ય અધ્યાપક બાપુજી પોતે રહેતા. એવી નિશાળ ભાગ્યે જ કોઈએ જોઈ હશે, જ્યાં ચાલુ નિશાળે મુખ્યાધ્યાપક પાસે પહોંચો તો તેમના હાથમાં વેલણ કે કડછી દીપી રહ્યા હોય !નિશાળના બે કલાકનો મોટો ભાગ બાપુજી મોટા રસોડામાં મુખ્ય રસોઈયાનું કામ કરવામાં આપતા. પોતાના પચીસ-ત્રીસબાળકોમાં કોઈને કાચી કે બળેલી રોટલી ન પહોંચે એની એમને ફિકર રહેતી. તેઓ જાતે રસોઈ કરતા. અબોધને ગીતાનો ગંભીર બોધ રસભરી રીતે આપવાનું પણ તેઓ જ કરતા.

દર શનિવારે અમારી પરીક્ષા લેવામાં આવતી. એક અઠવાડિયે ગણિતની, બીજે અઠવાડિયે ગુજરાતીની, ત્રીજે ગીતાની, ચોથે અંગ્રેજીની, એમ દર મહિને એક એક વિષયની પરીક્ષા થતી. શનિવારની અમે આતુરતાથી રાહ જોતા. બાપુજી કે મગનભાઈ માસ્તર અમને પ્રશ્નપત્રો આપી પોતાને કામે ચાલ્યા જતા. અમારા ઉપર ચોકી કરતું કોઈ ઊભું રહેતુ6એવુ6 કાંઈ મને યાદ નથી આવતું. અમને કોઈને એકબીજામાં છાનો છાનો ઉતારો કરી લઈ પોતે હોય તે કરતાં વધુ હોશિયાર દેખાવાની ઈચ્છા જ થતી.

અમારી ખેતરાઉ શાળાના વર્ગો નવથી અગિયાર સુધી ચાલ્યા પછી સાડાઅગિયાર સુધી ફરી પાછું અમારે કોદાળીપાવડા લઈ ખેતર પર જવું પડતું. જ્યારે છુટ્ટી મળતી ત્યારે અમે નાહવા ઊપડતા. છાપખાનાના કૂવા પર એક ભારે પંપ હતો. તે બે જણ મળી માંડ ચલાવી શકતા. એમાંથી પાણીની ત્રણ ઈંચ જાડી ધાર વહેતી. વારાફરતી બે જણ નળ ચલાવ્યે જતા અને બાકીનાઓ દિગંબર બની શરીર પરનો કલાકોનો પરસેવો, માટી, મેલ ધોઈ કાઢી ઝપાટાભેર તૈયાર થઈ જતા. સાબુથી કપડાંધોવ-ધફાવવાનું રવિવારે જ થતું. આડે દિવસે તો મળતી થોડી મિનિટમાં જ નહાવા-નિચોવવાનું પતાવી વેળાસર ભોજનની પંગતમાં અમે પહોંચી જતા. નાનામોટા શિક્ષક-વિદ્યાર્થી સૌનું ટોળે વળી ઝપાટાભેર દિગંબર સ્નાન એ પણ દક્ષિણ આફ્રિકાની જેલની એક તૈયારી જ હતી.

જમીને વાસણ અજવાળ્યા બાદ એક વાગ્યે અમારો બપોરનો કાર્યક્રમ શરુ થતો. એકથી પાંચ સુધી મોટેરાઓ છાપખાનામાં પોતપોતાનું લખવાનું, બીબાં ગોઠવવાનું તથા અઠવાડિક છાપા માટે કરવાનું બીજું કામ કરતા.

બાપુજીને ‘ઈંડિયન ઓપીનિયન’ના મુખ્ય લેખો લખવાનો વખત પણ આ જ હતો.પરોઢિયે બે વાગ્યે ઊઠ્યા છતાં ખરે બપોરે ક્ષણભર ઝોલું લેવાની તો શું, બગાસુ ખાવાનીયે ન હતી તેમને ફુરસદ કે ન હતો તેમના મનને કે શરીરને તલભાર થાક ! જમીને સીધા તેઓ છાપખાનાના દફતરમાં પહોંચતા અને એકાગ્ર ચિત્તે સંપાદકીય અને પત્રવ્યવહારનું કામ ઉકેલતા.એમાંથીયે વખત બચાવી મોટા વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવવા અર્ધો કલાક આવી જતા.

 

ત્રણસો શબ્દ

 

દિવસે ને દિવસે અમારે ત્યાંનું આખું વાતાવરણ ઊપડવાની તૈયારી નું થતું જતું હતું. ક્યારે ઊપડીશું એ કોઈ કહી શકતું ન હતું. દેશ જવાની મોટી મોટી ઉમેદો અમારા મનમાં હતી. અને જેલ જવાનીયે હોંશ ઓછી ન હતી. કઈ ઘડીએ ક્યો હુકમ મળે છે એ સાંભળવાને અમારા કાન સળવળી રહ્યા હતા.

ઐ મુસાફિર કુચકા સામાન કર,

ઈસ જહાંમેં હૈ બસેરા ચંદ રોજ;

ફિર તુમ કહાં ઔર મેં કહાં ઐ દોસ્તો

સાથ હૈ મેરા તુમ્હારા ચંદ રોજ

એ નઝીરની કડીઓ અમે હાલતાંચાલતાં એકબીજાને સંભળાવતા અને કોનો કોનો સાથ રહેશે અને કોનો નહીં રહે એની કલ્પના કરતા. દેશ જવાનું થાય તો અમુક અમુક જશે અને અમુક અમુક અહીં રહી જશે એવી ગણતરીઓ ચાલતી. છોકરાઓ ખાસ કરીને એકબીજાને કહેતા, “કાચા બનવું હોય તો, ભાઈ, હમણાં જ ઘર ભેગો થઈ જા. પાછળથી મોઢે મેશ લગાડી અમને ન લજવતો.”ટૂંકમાં, ફીનિક્સના તબેલામાં બધાયે ઘોડા હણહણી રહ્યા હતા.

એમ છતાં બાપુજીને ભારે ફિકર હતી કે કોઈ ખોટા જોશમાં તણાઈ જઈ પાછળથી પસ્તાય નહીં. સાંજની પ્રાર્થનામાં બધા સાથે ભેગી વાતો કરી લીધા પછી દિવસનો મોટો ભાગ બાપુજી એક એક જણ સાથે ખાનગી વાતો કરવામાં વિતાડવા લાગ્યા. ત્રણચાર દિવસ સુધી તો તેમણે વારાફરતી મારા પિતાશ્રી અને મગનકાકા સાથે વાત કરી. પછી અમારે ઘેર આવી મારી બા અને કાકી સાથે વાતો કરી.

અનેક દિવસની ચર્ચાઓ પછી હું અટકળ બાંધી શક્યો કે અમારા ઘરમાંથી બધાં જ જેલમાં જાય એવી ચર્ચા ચાલે છે અને બધાં વડીલો જતાં રહે તો અમ બાળકોની શી દશા થાય એ ફિકર એ બધાંને કોરી રહી છે. વાતાવરણની ગંભીરતાની છાપ મારા પર પડવા છતાં મને ભાન ન હતું કે, અમને ટીનબટુકડિયાંઓને પાછળ એકલાં મૂકી લડાઈમાં હોમાવા જતાં માતૃહ્રદયને કેટલી વેદના થતી હશે? કેટકેટલી શંકાકુશંકાઓ એમના દિલને વેધતી હશે? પરંતુ અત્યારે એ અવસર યાદ કરું છું ત્યારે સમજાય છે કે જેલમાં જવાનું ઠરાવ્યા પહેલાંનો મહિનો પંદર દિવસ મારી બાને અને કાકીને કેટલા વસમા વીત્યા હશે. બાપુજીની સત્યાગ્રહની લડાઈ તો એ પહેલા છસાત વર્ષથી ચાલુ હતી, પણ સ્ત્રીસત્યાગ્રહનો ઈતિહાસ હજુ નોંધાયો ન હતો. પરંતુ હવે દક્ષિણ આફ્રિકાની સરકાર તરફથી હિંદુસ્તાની ઢબનાં લગ્ન ફોક કરનારો અણધાર્યો હુમલો થયો હતો. ને એ ભયાનક માનભંગનો જવાબ તો બહેનો આપે એ જ શોભે એમ હતું. આ રીતે સત્યાગ્રહના ઈતિહાસમાં અપૂર્વ એવો નવો આરંભ કરવાનો હતો . બાપુજીની રીત પ્રમાણે એ પગલું ઘરેથી જ લેવું જરુરનું હતું. ફીનિક્સ સિવાયની કોઈ બહેનો જેલ જવા તૈયાર થાય કે ન થાય, ફીનિક્સની બહેનોએ જવાની વીરતા ધારણ કરવી એવું બાપુજીનું આમંત્રણ હતું. પોતાની નબળી તબિયત છતાં પૂજ્ય બા ફીનિક્સવાસી સૌ બહેનોને મોખરે જવાને તૈયાર થયા6 અને કુલ ચાર બહેનો સૌ પહેલા સત્યાગ્રહી નોંધાયાં: પૂજ્ય બા, મારી બા, મારા કાકી અને ડૉ.પ્રાણજીવનદાસ મહેતાનાં દીકરી જેકીબહેન.

એક બપોરે મારી બાએ મને પાસે બોલાવી ખોળામાં બેસાડી માથે હાથ ફેરવતાં પૂછ્યું, “ પ્રભુ, અમે જેલ જઈએ તો આ પછી આ નાનાં ભાઈબહેનોને તું સંભાળીશ ને?”

“પણ બા, મને જેલ જવાનું ક્યારે મળશે?”

“હજુ તો તું નાનો છે. તને બારમું વરસેય શરૂ નથી થયું. ચાર વરસ પછી તુંય અમારી સાથે જેલમાં આવજે. તું સોળ વરસનો થઈશ એટલે તને જેલમાં જવા દેશે. ત્યાં સુધીમાં આ નાનાં ભાઈબહેનો પણ મોટાં થઈ જશે. તું તેમને સંભાળજે, ખવડાવજે, પથારી કરી દેજે, નવડાવીને કપડાં પહેરાવજે, જેથી અમને યાદ કરીને રુએ નહીં. ”

મારી બાની પાસેથી ઉપલી વાતો સાંભળી હું કૂદતો કૂદતો મારા કામમાં લાગી ગયો. બેત્રણ દિવસપછી મેં ચોક્કસપણે જાણ્યું કે પિતાશ્રી, માતુશ્રી અને કાકી જેલ જશે અને મગનકાકા અમને બાળકોને તથા છાપાને સંભાળવા અમારી સાથે રહેશે.

હવે નિશાળમાં પણ અમારા ભણતરનું મીંડું જ રહ્યું. અમે સૌ ઈચ્છતા હતા કે હવે બાપુજી વર્ગો બંધ કરી દે તો સારું. અમે પ્રસ્તાવ પણ કર્યો. પર6તુ બાપુજીએ સંભળાવી દીધું કે, “એમ ભણતર બંધ કરવું ન પોસાય.જેલ જનારા જેલ ગયા પછી પણ જે બહાર રહે તેમણે તો નિશાળ ચાલુ રાખવી જ જોઈએ.

જોહાનિસબર્ગના કેટલાક નીવડેલા સત્યાગ્રહીઓ અને અમારા ફીનિક્સના મૂઠીભર માણસો, બસ એટલા લોકો વડે જ લડાઈના મોરચા લેવાની હામ બાપુજીએ ભીડી હતી. બાપુજીએ દરેક ફીનિક્સવાસીને સાચો મરણિયો બનાવી મૂક્યો હતો.

એક દિવસ બપોરે હું ટપાલ નાખવા સ્ટેશને ગયો અને સ્ટેશન માસ્તરને ટપાલ સોંપીને પૂછ્યું કે, “કંઈ લઈ જવાનું છે?”ત્યારે તેમણે થોડા કાગળ અને છાપાં મારા હાથમાં મૂક્યાં અને કહ્યું કે, “મિ.ગાંધીને કહેજે કે કેપટાઉનથી તમારા પર જનરલ સ્મટ્સનો ત્રણસો શબ્દનો તાર છે. એ ડરબન આવ્યો ત્યારે મને ત્યાંથી પુછાવ્યું કે એ તાર હમણાં મોકલવો કે નહીં?મેં અત્યારે એ સ્વીકાર્યો નથી, મને અત્યારે ઘણું કામ હોવાથી પાંચ વાગ્યે ટ્રેનમાં જ મેં તે મંગાવ્યો છે. ”

મને ખબર હતી કે એ તારની આજ ચાર દિવસ થયા આતુરતાથી રાહ જોવાય છે. એ તાર આવ્યો છે એ વધામણી ખાવા હુ6 તો ત્યાં તરત દોડતો દોડતો આશ્રમમાં પહોંચ્યો.

સાંજની પ્રાર્થના પહેલાં ત્રણસો શબ્દોનો એ તાર આવી પહોંચ્યો. બાપુજીએ એ વાંચ્યો ને લડત શરુ કરી દેવાનું નક્કી કરી નાખ્યું. પ્રાર્થના થઈ ગયા પછી બાપુજીએ મારી બા પાસે ‘વૈદર્ભી વનમાં વલવલે, અંધારી છે રાત’એ પદ ગવડાવ્યું. એ ગવાઈ રહ્યું એટલે બધાને સાવધાન કરી બાપુજીએ કહ્યું:

“હવે જેલ જવાના દિવસો અવી પહોંચ્યા છે. જેલ જવું એ રમત વાત નથી. આખો દિવસ પથરા ફોડવા પડશે. કઠણ જમીન ત્રિકમથી ખોદવી પડશે ને બાવડાં ભરાઈ આવશે. ખાવામાં બહુ વેઠવું પડશે. સ્વાદ તો કોરે રહ્યો, પન દાળચોખા બફાઈ આવે એ જો સ્વચ્છતાથી રંધાયા હોય તો તેટલુંયે ભાગ્ય સમજવું. ઉપવાસ કરવાના પ્રસંગો પન આવ્યા વિના નહીં રહે. અને ઉપવાસ કરવાં છતાં મજુરી કરવાની ના નહીં પડાય. શરીર બેભાન થઈ પડી જાય ત્યાં સુધી કામ કરવાનું છોડી શકાશે નહીં જ. આ બધી વાતોકહી જાઉં છુ6 કારણકે તમે હજી ફરીને એના ઉપર વિચાર કરો. જેટલો વિચાર કરવો હોય એટલો આજે કરી લો. જેલમાં ગયા પછી ત્યાંનાં દુ:ખ ન સહેવાય અને આંખમાં આંસુ આવે તેના કરતાં આજે ન જવું એ જ સારું. આજે જે સોળ જણા જવા તૈયાર છે એને બદલે દસ જ જણ જાય અને બીજા બધા રોકાઈ જાય તો મને કાંઈ ખોટું લાગવાનું નથી. પણ એક વાર જેલમાં ગયા પછી ગમે એટલાં વર્ષ લડત લંબાય તોપણ એક વાર જેલમાં જઈ આવી બીજી વાર નાહિંમત થઈ જાઓ તે કામ ન આવે. એવી રીતે રણમાંથી પાછાં પગલાં ભરવા કરતાં જવું જ નહીં એ વધારે સારું છે. ”સાવધાન કરવાને બાપુજી આટલા શબ્દો બોલી રહ્યા પછીદસેક મિનિટ સુધી બધે શાંત ગંભીર વાતાવરણ ફેલાઈ ગયું. બધા ઊંડા વિચારમાં પડી ગયા.અને બાપુજી દરેક જણની ચર્યા નિહાળવા લાગ્યા.

કોઈ કાંઈ બોલ્યું નહીં, એટલે થોડી વાર રહીને બાપુજી એકે એકે કરીને દરેકને પૂછ્વા લાગ્યા. દરેકનુ6 મન કેટલું દૃઢ છે એનો તાગ કાઢવાને કસી કસીને—પોતાની બધી બૅરિસ્ટરી વાપરીને –ઊલટાસૂલટી પ્રશ્હ્નો પૂછ્યા. જેને જેને સારું સ્વાદભર્યું ખાવાનું જોઈએ છે એમ બાપુજી જાણતા હતા તેને ખાવાનો ટેસ કરવા બહાર રોકાઈ જવા કહ્યું; જેને કામમાંથી છટકી જવાની વૃત્તિ રહેતી તેને પન જેલ જવાનું માંડી વાળવા ચેતવ્યા, તથા અતિસ્વમાન જાળવનારાઓને જેલમાં જઈ તુંકાર ખમવાને બદલે સ્વમાન જાળવી રાખવા બહાર જ રહી પડવાની ભલામણ કરી. એમ લલચાવી, ફોસલાવી, હસાવી દરેક જણ કેટલા પાણીમાં છે એ જાણી લીધું. બાપુજીના લલચાવ્યાથી કોઈએ પોતાનો આગલો નિર્ણય ફેરવ્યો નહીં; ઊલટો વધુ દૃઢ કરી લીધો.

વિદ્યાર્થીઓનો વારો પૂરો થયો એટલે બાનો અને બીજી બહેનોનો વારો આવ્યો. મારી બા તથા કાકીને એક એ વાત પણ કહી કે, “આ વખતે જેલમાં જઈને પાછાં આવો ને તમને એમ જણાય કે અમારાં છોકરાં રખડી પડ્યાં છે, તો એ નહીં ચાલે. તમારાં છોકરાંઓની સંભાળ લેનારાં તમે જ છો એમ નથી માનવાનું. ઈશ્વરને છોકરાંની જે વલે કરવી હશે તે તો તે કરશે જ. તમે એમને રઝળતાં મૂકી દેશો તોપણ ઈશ્વર તેમને સંભાળશે અને તેમનું તમે કરી શકો તેથી હજાર ગણું ભલું કરશે. માટે તમે છોકરાંઓના મોહ આડે કર્તવ્ય ચૂકો તે સારું ન કહેવાય. આ બધો વિચાર દરેક જણ સાત વાર કરીને જેલ જવા નીકળજો. હોડે હોડે ન નીકળતાં.”

આમ રાતના મોડે સુધી વાતો ચાલતી હતી. આ બધી વાતો સાથે મારે તો કંઈ લેવાદેવા હતી જ નહીં. હું તો મારી ઉંમર નાની છે એટલે કાલે તો મારાથી નહીં જવાય, પણ ચાર વર્ષ પછી હું પણ જેલમાં જઈ શકીશ એવી આશાઓના તરંગો કરતો કોન જાણે ક્યારે નિદ્રાદેવીની જેલમાં પુરાઈ ગયો.

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 287,488 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
ડિસેમ્બર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   જાન્યુઆરી »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: