સ્વર્ગ અને નર્ક/ચેરિયન થોમસ/[મિલાપની વાચનયાત્રા : 1956//સંપાદક : મહેન્દ્ર મેઘાણી

logo-download 

સ્વર્ગ અને નર્ક/ચેરિયન થોમસ

[મિલાપની વાચનયાત્રા : 1956//સંપાદક : મહેન્દ્ર મેઘાણી//લોકમિલાપ//પાનું:119]

 

રમેશ કરીને એક છોકરો હતો. એણે પાંચ વરસ તપ કર્યું. ભગવાન કંટાળ્યા. આવીને પૂછ્યું, “ તારે શું જોઈએ?”

“મારે સ્વર્ગ જોવું છે.”

ભગવાને એને સ્વર્ગ જોવાનો ‘પાસપોર્ટ’ ઝટ કાઢી આપ્યો.

રમેશ તો ભગવાનનો પરવાનો લઈને સ્વર્ગ જોવા ચાલ્યો. અડધે રસ્તે એણે જોયું કે ઘણાં લોકો બીજી તરફ જતાં હતાં. એણે પૂછ્યું, “આટલાં બધાં લોકો ક્યાં જાય છે?”

“નરક તરફ.”

રમેશને થયું કે, ચાલો, રસ્તે જ આવે છે તો આપણેય નરક જોતાં જઈએ. એ તો ઊપડ્યો નરક તરફ.

જઈને જુએછે: ભવ્ય સ્ફટિકની મહેલાતો છે. રંગીન રાચરચીલું છે અને હાંડી-ઝુમ્મરનાં ઝાકઝમાળ છે. નકશીદાર પાટલા સામે સોનેમઢ્યાં બાજોઠ પર બત્રીસ પકવાનથી છલોછલ ભરેલા થાળ ભોજનશાળામાં હારબંધ માંડેલા છે. ભાતીગળ રંગોળી અને મઘમઘતો ધૂપ ઘી-સાકરની સોડમ ભેળાં મળી જીવને તલપાપડ કરી મૂકે છે.

પણ આ શું? ખાનારાંનાં મોઢાં કેમ કરમાયેલાં છે? એમના શરીરનું હાડકેહાડકું ગણી શકાય એવું કેમ છે? એમના ગાલ પર સુરખી કેમ નથી?

આવાં ભૂખ્યાં ડાંસ જેવાં કેમ દેખાય છે?

રમેશે ધ્યાનથી જોયું. દરેકના હાથ પર એકે એક ગજ લાંબા ચમચા જડી દીધેલા છે. ચમચા ચળકતા રૂપાના છે ને હીરાજડિત સોનાના પણ છે. એક જણ ખાવા કરે છે. બદામ-ભરી બાસુંદી ચમચે ચઢાવી મોં તરફ લઈ જાય છે…પણ ચમચો માથાની પેલી બાજુ પહોંચી જાય છે અને બાસુંદી ભોંય પર ઢોળાય જાય છે. રમેશે બીજા સામે જોયું. બહુ બહુ મહેનત કરે છે કે મિષ્ટાન્ન મોંમાં પહોંચે. પણ કાં ડાબા ખભા પર થઈને પીઠ પાછળ પડે છે, કાં જમણા ખભા પર થઈને વેરાય છે, કાં માથા પર થઈને ઢળે છે !

બત્રીસ પકવાનથી ભાણાં ભરચક છે. હાથમાં સોના-રૂપાના ચમચા છે. પેટમાં કકડીને ભૂખ લાગી છે. પણ અન્નકૂટની વચ્ચે બેઠાં તમામ દુકાળિયાની જેમ વલવલે છે.

માથું ખંજવાળતો રમેશ સ્વર્ગમાં પહોંચ્યો: ‘ચાલો, હવે સ્વર્ગમાં કેવું છે જોઈએ.’

એવ ને એવા સ્ફટિકના મહેલ છે, ઝાકઝમાળ હાંડી—ઝુમ્મર છે, ધૂપસળીનો પમરાટ છે, રંગોળીના રંગરાગ છે અને એનાં એ બત્રીસ પકવાનના ઠસોઠસ થાળ છે. પણ અહીં બધાંનાં મોં હસું હસું છે. ચહેરા પર ગુલાબ ખીલ્યાં છે.

‘શું અહીં ચમચા નહીં હોય?’રમેશ વિચારે છે. પણ ના, ચમચા પણ છે સ્તો—દોઢ ગજ લાંબા, ચાંદીના, સોનાના અને હીરે મઢેલા! સ્વર્ગને દરવાજે જ દરેકના હાથ પર ચમચા જડી દેવામાં આવે છે. સ્વર્ગમાં ને નરકમાં આમ દેખીતો કશો ફેર નથી. પણ ત્યારે અહીં લોકો ભૂખ્યા કેમ નથી?

રમેશ ભોજનશાળામાં જઈને જૂએ છે. બધા આનંદપ્રમોદ કરતાં ભોજન કરે છે. પણ કોઈની બાસુંદી પોતાની પીઠ પાછળ ઢળતી નથી. માંયરામાં સાજન-મહાજન એકબીજાને કોળિયા ભરાવે તેમ એક જણ બીજાના મોંમાં હેતથી છલોછલ ચમચા ભરી ભરીને જમાડે છે. એકમેકને ખવડાવી બધાં હસે છે, કિલ્લોલ કરે છે અને બધાના ગાલ પર ગુલાબ ઝૂલે છે.

રમેશે જોયું. સ્વર્ગ અને નર્ક વચ્ચે આ જ ફેર છે. બંને સ્થળે સામગ્રીમાં કશો ફેર નથી, પણ મનોવૃત્તિમાં ફેર છે. સ્વર્ગ અને નરક બંનેમાં અન્નકૂટ ભરાયાં છે, પણ નરકમાં દરેક પોતાનું પેટ ભરવા વલખાં મારે છે અને દરેક ભૂખે મરે છે. સ્વર્ગમાં દરેક લળીલળીને પડોસીને જમાડે છે અને દરેક સંતોષથી હેતભર્યા ઓડકાર ખાય છે.

રમેશની જેમ હજી આજે ય કોઈને જોવું હોય તો સ્વર્ગ ને નરકનો આ ખેલ જોવા મળે તેમ છે. પાંચ વરસનું તપ કરવાની ય જરૂર નથી. ભગવાને પકવાનની ભોગળો બધા માટે ખોલી નાખી છે ! આપણી આંખોની સામે જ એ ખેલ રોજ ચાલે છે. સોનારૂપાથી ય ચઢી જાય એવી સીમેન્ટ-પોલાદની કુશળ યંત્રવિદ્યા છે. દુનિયાએ દીઠી નહોતી તેટલી સમૃદ્ધિ છલકાય છે. પણ યંત્રયુગમાં ઉત્પાદન અને ઉપભોગની વચ્ચે ચમચા લાંબા છે. પોતાનું પેટ ભરવા જઈએ છીએ તો અન્નકૂટની વચ્ચે દુકાળિયાની જેમ વલવલીએ છીએ. એકમેકને હેતપ્રીતથી જમાડીએ છીએ તો ધરતી પર નંદનવનનાં ગુલાબ ખીલી ઊઠે છે.

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 300,741 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
નવેમ્બર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: