સંજય –દૂતના પાત્રમાં [કૃષ્ણ અને માનવ સંબંધો/હરીંદ્ર દવે/પ્રવીણ પ્રકાશન] (પાના: 58 થી 66) સંજય નિષ્ટાવાન દૂત છે. એ યુધિષ્ઠિરની સભામાં પોતાના દૂતકાર્યમાં લેશ પણ ઊણો ઊતરતો નથી. રાજા ધૃતરાષ્ટ્ર અને તેનાં સંતાનો વતી પાંડવોને વાજબી અને ગેરવાજબી બધું જ કહી ચૂકે છે. એટલું જ નહિ, કૃષ્ણ કે યુધિષ્ઠિર જે કંઈ કહે છે એ શાંતિપૂર્વક સાંભળી લે છે. પરંતુ સંજય એ માત્ર સંદેશવાહક નથી. એ માત્ર સંદેશવાહક નથી. એ ધૃતરાષ્ટ્રના મંત્રીઓમાંનો એક છે. આખાયે મહાભારત યુદ્ધને ભગવાન વ્યાસ સંજયની દૃષ્ટિએ નિરૂપવા માગે છે, એટલે જ સંજયની સૂઝ કેટલી છે અને એનું ગજું કેવું છે એ વિશે એ વાચકોને અંધારામાં રાખતા નથી. યુધિષ્ઠિર પાસે જઈ યુદ્ધ કરવા કરતાં તો ભીખ માગવી એમ કહેનાર સંજય હસ્તિનાપુર પાછા ફરે છે, ત્યારે શું બને છે? કૃષ્ણ આ તમામ ઘટનાઓમાં આમ જુઓ તો ક્યાંય પણ નથી. પણ કૃષ્ણ ન હોય એવી કોઈ ઘટના લાગે છે ખરી? સંજયે પાછા ફરી જે કંઈ કહ્યું અને ધૃતરાષ્ટ્રના માનસપટપર તેની જે અસર થઈ એ વાત એટલા માટે સંગત છે કે કૃષ્ણ ની ઐતિહાસિક વિષ્ટિની પશ્ચાદ ભૂમિકા તરીકે આ બધી જ ઘટનાઓ આવે છે.વ્યાસ ભગવાને પર્વની અંતર્ગત પર્વો પાડ્યાં છે: એમાં આપણે આ વખતે જેની વાત કરવાના છીએ એ ‘સંજયયાન પર્વ’ ‘પ્રજાગર પર્વ’ અને ‘સનત્સુજાત પર્વ’ને નામે ઓળખાય છે. સંજય પાછો ફરે છે ત્યારે રાત પડી ચૂકી હશે. વ્યાસ ભગવાન સમયનો નિર્દેશ સ્પષ્ટ રીતે કરતા નથી; પણ સાંયોગિક રીતે એ સ્પષ્ટ થઈ જાય છે કે રાત પડી ચૂકી છે. મહારાજ અંત:પુરમાં છે. સંજય બહાર જઈને દ્વારપાળને કહે છે કે ‘મહારાજ જાગતા હોય તો કહેજો કે સંજય અનુજ્ઞા મળતાં અંદર પ્રવેશ કરશે.’ધૃતરાષ્ટ્ર ‘જાગતા હોય તો’—એ પૃચ્છા આમ તો ધૃતરાષ્ટ્ર સૂતા તો નથી ને એ વિશેની છે, પણ એ ‘જાગર્તિ’ ની પૃચ્છાનો અર્થ ધૃતરાષ્ટ્રની હજી ઊંઘ ઊડી છે કે નહિ એવો પણ ઘટાવી શકાય. યુધિષ્ઠિરની સભામાં ધૃતરાષ્ટ્રના સંદેશાને પ્રામાણિકપણે રજૂ કર્યા પછી, હવે ધૃતરાષ્ટ્ર પાસે આવીને એ જે કંઈ કહે છે તેની સરખામણી કરવા જેવી છે. સંજય આખીયે પરિસ્થિતિને અથથી ઈતિ સુધી પામી ગયો છે. ધૃતરાષ્ટ્રને નીંદ ક્યાંથી હોય ? છતાં એ સાચા અર્થમાં જાગેલો પણ નથી. એ સંજયને તત્કાળ અંદર બોલાવે છે. પ્રારંભિક કુશળની આપલે થયા પછી તરત જ સંજય સીધો મુદ્દા પર આવે છે. એ કહે છે: ‘જેમ દોરીથી બંધાયેલી કઠપૂતળી બીજાઓથી પ્રેરિત થઈ નૃત્ય કરે છે, એમ જ મનુષ્યપરમાત્માની પ્રેરણાથી જ બધાં કાર્ય માટે પ્રવૃત્ત થાય છે.’પાંડુપુત્ર યુધિષ્થિરને જે કષ્ટ સહન કરવું પડે છે એ જોઈને હું માનવા લાગ્યો છું કે મનુષ્યના પુરુષાર્થ કરતાંયે દૈવ—ઈશ્વરીય વિધાન—વધારે બળવાન છે. અને પછી એ ધૃતરાષ્ટ્રને એમની સ્વાર્થવૃત્તિ આડે એ કૌરવોનું પણ કુશળ જોઈ શકતા નથી, એ વાત સ્પષ્ટપણે કહી, છેવટે કહે છે: સ ત્વા ગહે ભારતાનાં વિરોધા- દન્તો નૂંનં ભવિતાયં પ્રજાનામ્, નો ચેદિદં તવ કર્માપધારાત્ કુરૂન્દહેત કૃષ્ણવર્ત્મેવ કક્ષમ્ (ઉદ્યોગ.32:27) સંજયના આ શબ્દો ચોંકાવનારા છે; મંત્રી પોતાના સમ્રાટને આ શબ્દો કહી શકે છે; પણ એ શબ્દો ધૃતરાષ્ટ્રની નિદ્રા ઉડાડવા સમર્થ નથી. સંજય સ્પષ્ટ્સ શબ્દોમાં કહે છે: ‘તમે ભરતવંશમાં જે વિરિધ પ્રસરાવો છો એ કારણે હું તો તમારી નિંદા કરું છું; કારણકે આ વિરોધને કારણે સમસ્ત પ્રજાઓનો વિનાશ થશે. તમે જો મારા કહ્યા મુજબ કામ નહિ કરો તો તમારા અપરાધને પરિણામે કૃષ્ણ (એટલે કે અર્જુન) સમસ્ત કૌરવ વંશને એ રીતે પ્રજાળશે જે રીતે આગ ઘાસના પૂળાને જલાવી દે છે.’ આગળ સંજય કહે છે: સમસ્ત સંસારમાં એકમાત્ર તમે જ તમારા સ્વેચ્છાચારી પુત્રની પ્રશંસા કરતા એને આધીન થઈને દ્યૂતક્રીડાને સમયે એનો જ પક્ષ લેતા હતા અને રાજ્યનો લોભ છોડી શકતા નથી. તો હવે એનું ભયંકર પરિણામ તમે તમારી નજરે જ નિહાળજો. સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે તમે આ પૃથ્વીની રક્ષા કરી શકો એમ નથી. કારણ કે તમે મનોદૌર્બલ્ય બતાવ્યું છે. આટલું કહીને યુધિષ્ઠિરનો સંદેશો હવે કાલે સવારે કૌરવસભામાં કહીશ એમ જણાવી એ ચાલ્યો જાય છે. સંજયના આ શબ્દોથી ધૃતરાષ્ટ્રની બેચેની વધી જાય છે. ઉત્તાપની પરિસીમામાં એ વિદુરને બોલાવે છે. વિદુર પાસેથી કંઈક સાંભળવા મળે તો કદાચ શાતા વળે એ આશાએ એ વિદુરને કહે છે : સંજય મને ખરુંખોટું સંભળાવી ચાલ્યો ગયો અને મારી ઊંઘ ઊડી ગઈ છે. વિદુર કહે છે: અભિયુક્તં બલવતા દુર્બલં હીનસાધનમ્, હ્રતસ્વં કામિનં ચોરમાવિશંતિ પ્રજાગરા:; કચ્ચિદેતૈર્મહાદોષૈર્ન સ્પૃષ્ટોસિ નરાધિપ, કચ્ચિન્ન પરવિતેષુ ગૃધ્યંવિપરિતપ્યસે. (ઉદ્યોગ. 33: 13-14) બળવાન મનુષ્ય સાથે વાંકું પડ્યું હોય એવા સાધન વિનાના દુર્બળ મનુષ્યને, કામીને, ચોરને કે પરાયા ધનનો લોભ રાખનારને ઊંઘ નથી આવતી; હે નરાધિપ, તમને આ મહાદોષોમાંનો કોઈ સ્પર્શ્યો તો નથી ને? વિદુરે બરાબર મર્મ પર આંગળી મૂકી છે. નિદ્રા ન આવવાના કારણોમાંથી પાયાનું કારણ છે પરાયા ધનનો લોભ, પાંડવોનુ6 પચાવી પાડેલું રાજ્ય પાછું સોંપવું નથી. એમાંથી જ બધી મુશ્કેલી ઊભી થઈ છે. હવે ધૃતરાષ્ટ્ર વિદુરને કહે છે કે અત્યારે હું અત્યંત સંતપ્ત અને બેચેન છું ત્યારે મારે તારી પાસેથી કંઈક સારી વાણી સાંભળવી છે. ધૃતરાષ્ટ્રના પાત્રની આ વિચિત્રતા છે. એને સારી વાણી સાંભળવી છે. ધર્મ શું છે, નીતિ શું છે એ જાણવું છે, છતાં એ આચરણમાં મૂકવું નથી. ‘દરદ બિન રૈન ન જાગે કોઈ’એ આપણા પ્રચલિત ગીતની પંક્તિ યાદ આવે છે. ધૃતરાષ્ટ્ર રાત જાગે છે; એનું દરદ એ છે કે પાંડવોને એમનો હક આપવો નથી; છતાં પાંડવો સાથેનું યુદ્ધ ટાળવું છે. આ કેમ બને? આ અશક્યને શક્ય કરવાનો સંતાપ જ્ઞાનથી ટળે ખરો ? જો એ જ્ઞાનથી ટળી શકે એમ હોત તો ‘વિદુરનીતિ’ને નામે જાણીતા આ આઠ અધ્યાયો દ્વારા અપાયેલું જ્ઞાન કે પછી સનત્સુજાતે આવી સંભળાવેલું જ્ઞાન( જે સનત્સુજાત પર્વના પાંચ અધ્યાયોમાં છે.)ધૃતરાષ્ટ્રની આંખ ખોલવા માટે પૂરતું હોત. વિદુર કહે છે: એકો ધર્મ: પરંશ્રેય: ક્ષમૈકા શાંતિરુત્તમા, વિદ્યૈકા પરમા દૃષ્ટિરહિંસેકા સુખાવહા. (ઉદ્યોગ: 33;48) કેવળ ધર્મ જ પરમ શ્રેયસ્કર છે; શાંતિનો સર્વોત્તમ ઉપાય છે ક્ષમા; વિદ્યા એજ પરમ દૃષ્ટિ છે, અને અહિંસા એ જ પરમ સુખ છે. આ એક શ્લોકમાં વિદુર કેટકેટલું કહી દે છે! ધર્મ શબ્દનો પારંપારિક અથ છે, સમાજને ધારણ કરનાર તત્ત્વ(‘ધારયતિ ઈતિ ધર્મ’). આવો ધર્મ એ જ કલ્યાણકારી છે. શાંતિ સિદ્ધ કરવી હોય તો ક્ષમા એ શ્રેષ્ઠ ઉપાય છે. ક્ષમા બાબતમાં વિદુર અન્યત્ર કહે છે:ક્ષમાશીલ માણસોને એક જ દોષ લાગી શકે; એ છે અસમર્થતાનો. ક્ષમાશીલ માણસોને લોકો ‘અશક્ત’(નિર્બળ)માની બેસે છે. પણ આ દોષ સહન કરીને પણ ક્ષમાશીલ થાય તો જ શાંતિ સંપન્ન થાય છે. લોકો ચર્મચક્ષુથી જુએ છે, પણ પરમદૃષ્ટિ છે વિદ્યાની. અને અહિંસામાં પરમ સુખ છે. ધૃતરાષ્ટ્ર જો વિદુરનીતિમાંથી માત્ર એક જ શ્લોકને અમલમાં મૂકે તો ક્ષમા અને અહિંસાને આચરણમાં મૂકી ધર્મ તથા વિદ્યાના માર્ગે ચાલી પાંડવોને તેઓનું રાજ્ય પાછું સોંપી દે, પણ વિદુરજી કહે છે: ય ઈર્ષુ: પર વિત્તેષુ રૂપે વીર્યે કુલાન્વયે, સુખે સૌભાગ્યસત્કારે તસ્ય વ્યાધિરનંતક: (ઉદ્યોગ: 34;40) જે બીજાઓના ધનની, રૂપની, પ્રાક્રમની, કુલીનતાની, સુખની, સૌભાગ્યની કે સત્કારની ઈર્ષા કરે છે તેનો આ વ્યાધિ અસાધ્ય છે. એના રોગનો ઇલાજ નથી, દુર્યોધનને પાંડવોનાં ધન, પ્રાક્રમ, સુખ, સૌભાગ્ય, તેઓને મળતાં આદરમાન –આ બધાની ઈર્ષ્યા છે અને એટલે જ આ ઈર્ષ્યાનો રોગ અસાધ્ય છે, એ વાત વિદુરજી સમજાવે છે. ધૃતરાષ્ટ્રને તો ભીમ-દ્રોણ આદિ વૃદ્ધોથી અલંકૃત રાજસભા છે : પરાક્રમી પુરુષોનો સાથ છે: તો એનો વિજય કેમ ન થાય? વિદુર એને એ જ લક્ષમાં લઈ કહે છે: ન સા સભા યત્ર ન સન્તિ વૃદ્ધા ન તે વૃદ્ધા યે ન વદન્તિ ધર્મમ્, નાસૌ ધર્મો યત્ર ન સત્યમસ્તિ ન તત્સત્યં યચ્છેનાનુવિદ્ધમ્ (ઉદ્યોગ. 35;49) જ્યાં વૃદ્ધો ન હોય તે સભા નથી; જે ધર્મનો ઉચ્ચાર ન કરે એ વૃદ્ધો નથી; જેમાં સત્ય ન હોય એ ધર્મ નથી અને જેમાં છળ હોય એ સત્ય નથી. ધૃતરાશ્ટ્રની સભામાં વૃદ્ધો છે, પણ એ ધર્મનો ઉચ્ચાર કરતાં ડરે છે. નહિતર દ્રૌપદી—ચીરહરણ વખતે ભીષ્મ અને દ્રૌણ ચૂપ રહ્યા હોત ખરા? માણસ વયેથી વૃદ્ધ બને એટલે વૃદ્ધ નથી થતો; એ ધર્મ ઉચ્ચારી શકે ત્યારે વૃદ્ધ થાય છે. વૃદ્ધનો અર્થવૃદ્ધિ પામેલો—અભ્યુદય પામેલો એવો પણ થાય છે. એટલે જ જે ધર્મ ન ઉચ્ચારી શકે, કે ન આચરી શકે એ ઘરડા થાય છે, વૃદ્ધ નથી થતા. ધર્મ ક્યારેય સત્યથી વંચિત હોઈ શકે નહિ. અને જ્યાં શકુનિનું છળ ચાલતુ6 હોય, ત્યાં સત્ય ટકી કેમ શકે? વિદુરનીતિમાં કેટલીક સરસ વાતો છે. ભગવાન વ્યાસનાં ગ્યાન અને કવિતા બંનેનો સ્પર્શ એમાં થાય છે. એ કહે છે: જેમ સૂકા સરોવર પર હંસ ચકરાવો લઈ ઊડી જાય છે, પણ એમાં પ્રવેશ કરતા નથી, એ જ રીતે ઐશ્વર્ય જેનું ચિત્ત ચંચળ છે, જે અજ્ઞાની અને ઇન્દ્રિયોનો ગુલામ છે, એનો ત્યાગ કરે છે. જે ધૃતરાષ્ટ્ર કુલરક્ષણ માટે પાંડવોને એમનું ઉચિત આપવાનો પણ ઇનકાર કરે છે એ ધૃતરાષ્ટ્રને વિદુર કહે છે: કુળની રક્ષા માટે પુરુષોનો, ગ્રામની રક્ષામાટે કુળનો, દેશની રક્ષા માટે ગામનો અને આત્માના કલ્યાણ માટે સારીયે પૃથ્વીનો ત્યાગ કરી દેવો જોઈએ.(ઉદ્યોગ.37;16) વિદુરની આટાઅટલી વાત સાંભળ્યા છતાં ધૃતરાષ્ટ્રના મનને શાંતિ થતી નથી; એ કહે છે કે હજી મારે વધારે સાંભળવું છે. એટલે વિદુર બ્રહ્માના પુત્ર અને પ્રાચીન ઋષિ સનત્સુજાતનું સ્મરણ કરે છે અને ઋશિ હાજર થઈ જાય છે. આ ઋષિ એમ માને છે કે મૃત્યુ જેવી વસ્તુ છે જ નહિ. એ કહે છે: પ્રમાદ એ મૃત્યુ છે અને અપ્રમાદ એ અમૃત છે.(ઉદ્યોગ.42;4).કામનાઓની પાછળ જવાવાળો મનુષ્ય કામનાઓની સાથે જ નષ્ટ થઈ જાય છે; પરંતુ જ્ઞાની પુરુષ કામનાઓનો ત્યાગ કરી જે દુ:ખનું મૂળ છે એને જ નષ્ટ કરી દે છે(ઉદ્યોગ.42;10). હે ક્ષત્રિય, જેઓ વિષયભોગની જરા પણ ગણના (પરવા)નથી કરતા, તેમના માટે ઘાસના વાઘની માફક વૃદ્ધાવસ્થા ભયજનક નથી હોતી(ઉદ્યોગ.42;13) વૃદ્ધાવસ્થાને ઘાસના વાઘની ઉપમા આપતા આ મહાકવિ પ્રાચીન હોવા છતાં કેટલા આધુનિક લાગે છે ! સંતસુજાત આગળ કહે છે: આ પ્રકારે મોહથી થવાવાળા મૃત્યુને જાણીને જ્ઞાનનિષ્ઠ થઈ જાય છે, એ આ લોકમાં મૃત્યુથી કદી નથી ડરતા; એની પાસે આવી મૃત્યુ એ રીતે વિનાશ પામે છે, જે રીતે મૃત્યુના અધિકારમાં આવેલો મર્ત્ય. સંતસુજાતનું એક વધુ બોધવચન જાણવા જેવું છે: ન વૈ માનં ચ મૌનં ચ સહિતૌ ચરત: સદા, અયં હિ લોકો માનસ્ય અસૌ મૌનસ્ય તદ્વિદુ:. (ઉદ્યોગ. 43;30) માન અને મૌન એકસાથે ક્યારેય રહેતાં નથી, માનથી આ લોકમાં સુખ મળે છે; મૌનથી પરલોકમાં. માન અને મૌન વચ્ચેનો આ સૂક્ષ્મ તફાવત કેટલી આકર્ષક રીતે મુકાયો છે! રાતનું જાગરણ આવી રીતે વીત્યું છે: વિદુરના આ બોધના આઠ અધ્યાયો વિદુરનીતિ તરીકે દુનિયામાં પ્રકીર્તિત થયા છે:પણ આ રીતે વિતાવેલી રાત ધૃતરાષ્ટ્રના હ્રદયનું પરિવર્તન કરી શકતી નથી. એ તો બીજે દહાડે સંજય સભામાં પોતાની વિષ્ટિની ફળ-શ્રુતિ કહે છે, અને ભીષ્મ તથા દ્રોણ બંને સાચી સલાહ આપે છે ત્યારે — અનાદત્ય તુ તદ્વાક્યમર્થવદ્ દ્રોણભીષ્મયો:, તન: સ સંજયં રાજા પર્યપૃચ્છત પાંડવમ્. (ઉદ્યોગ.48:46) દ્રોણ અને ભીષ્મની વાત અર્થપૂર્ણ હતી છતાં એનો અનાદર કરી રાજા ધૃતરાષ્ટ્ર ફરી સંજયને પાંડવોના સમાચાર પૂછવા લાગ્યા. આ આખોય પ્રસંગ શું સૂચવે છે? વ્યક્તિ, જ્ઞાન, અને કર્મ એ ત્રણેમાં રહેલા ભેદનું એથી સૂચન મળે છે. સંજય ‘યુધિષ્ઠિરે જે કહ્યું છે એ સભામાં કહીશ ’ એવું કહીને, છતાં ‘તમે તમારા પુત્રના સ્વાર્થને વશવર્તી કુરુકુળનો વિનાશ નોતરી રહ્યા છો ’એવા શબ્દો સંભળાવી ચાલ્યો ગયો ત્યારે જેનું ચેન નષ્ટ થયું છે એવા ધૃતરાષ્ટ્રની જ્ઞાનપિપાસા ભ્રામક હતી? ના. ધૃતરાષ્ટ્રની જ્ઞાનપિપાસા સાચી હતી. તેમને મનને શાંત કરે એવા શબ્દો સાંભળવા હતા. પણ વિદુર કે સન્તસુજાતે કહી એ વાણી જ્ઞાનીઓને પણ દુર્લભ હોવા છતાં ધૃતરાષ્ટ્ર પર કોઈ પ્રકારની અસર ન કરી શકી. કારણ સ્પષ્ટ છે. ધૃતરાષ્ટ્રને સાંત્વન જોઈતું હતું. સાંત્વન એટલે વ્યક્તિ પોતે ઈચ્છે એ પ્રકારની વાત. ધૃતરાષ્ટ્રને પોતે અને દુર્યોધનજે કંઈ કરે છેતેનું સમર્થન જોઈતું હતું. આવા સમર્થન જ્યારે આ જ્ઞાનની વાણીમાં નથી મળતું ત્યારે બધું જ જ્ઞાન પથ્થર પરના પાણીની માફક વહી જાય છે. આથી જ રાતભર જાગરણ કરી વિદુર અને સન્તસુજાત જેવા જ્ઞાનીઓ પાસે જ્ઞાન મેળવ્યા પછી ધૃતરાષ્ટ્ર પલટાતો નથી એમાં જ્ઞાન મિથ્યા નથી થતું; ધૃતરાષ્ટ્રપોતે જ મિથ્યા પુરવાર થાય છે. વિદુરનીતિ કે સંતસુજાતની વાણીનો મહિમા આથી ઘટતો નથી. સાચે જ ગમે તેટલું જ્ઞાન માણસનેધર્મના માર્ગ પર પ્રેરી શકે નહિ. એવાં વ્યક્તિત્વો પણ હોય છે એની પ્રતીતિ ધૃતરાષ્ટ્રના વ્યક્તિત્વમાંથી મળે છે. ધૃતરાષ્ટ્રને આટાઅટલું જ્ઞાન મળ્યું છતાં એ જ્ઞાનનો વિનિયોગ તેઓ કરી શકતા નથી. સંજય બીજા દિવસે રાજસભામાં જે વાત કરે છે એ સુવિદિત છે. સંજય આ સંદેશ આપતી વખતે સતત કૃષ્ણનો ઉલ્લેખ કરે છે. એનું પ્રથમ વાક્ય જ આ છે: ‘યુધિષ્ઠિરની આજ્ઞાથી યુદ્ધમાં ઉદ્યત એવા મહાત્મા અર્જુને ભગવાન શ્રીકૃષ્ણના સાંભળતાં જે વાત કહી એ ભલે દુર્યોધનસાંભળે!’ (ઉદ્યોગ. 47:2)પછી પણ કહે છે: ‘ધીર એવા વાસુદેવની સમીપ મને આ સંદેશ કહેવામાં આવ્યો છે.’ પાંડવોના સંદેશામાં બળ પુરાય છે, કારણકે એ કૃષ્ણના સાંભળતાં આપવામાં આવ્યો છે. કૃષણની મહોર એને લાગી છે. આગળ એમાં કહે છે: જે યુદ્ધ દ્વારા કૃષ્ણને જીતવા ઈચ્છે છે એ બે હાથથી પ્રજવલિત અગ્નિને બુઝાવવાની ચેષ્ટા કરે છે, અથવા તો ચન્દ્ર કે સૂર્યની ગતિને રોકવાનો પ્રયત્ન કરે છે !(ઉદ્યોગ.47:65-67) સંજયના આસંદેશામાં અર્જુને જે કંઈ કહેવડાવ્યું છે તેની વાત છે; અર્જુન પોતે કૃષ્ણની સહાયતાથી સમસ્ત કુરુકુળનો નાશ કરશે તેની વાત છેદ. ભીષ્મ અને દ્રોણ અક વાતનું સમર્થન કરે છે. ધૃતરાષ્ટ્ર ભીમના ભીષણ રૂપનું સ્મરણ કરી કંપારી અનુભવે છે. સંજય પછી કૃષ્ણ અને અર્જુનને તેમના અંત:પુરમાં તેઓ દ્રૌપદી અને સત્યભામા સાથે હતા ત્યારે મળ્યા એની વાત કરે છે. યત્ર કૃષ્ણૌ ચ કૃષ્ણા ચ સત્યભામા ચ ભામિની. (ઉદ્યોગ.58:4) અને ત્યાં કૃષ્ણના બંને ચરણ અર્જુનની ગોદમાં હતા અને અર્જુનનો એક પગ દ્રૌપદીની અને એક પગ સત્યભામાની ગોદમાં હતો. વિશાળ એવા સુવર્ણના એક જ આસન પર બંને કૃષ્ણો—એટલે કે કૃષ્ણ વાસુદેવ અને અર્જુન બેઠા હતા. શ્યામૌ બૃહન્ંતો તરુણૌ શાલસ્કન્ધાવિવોદ્ ગતૌ, એકાસનગતૌ દૃષ્ટવા ભયં માં મહાદાવિશત્. (ઉદ્યોગ.58:10) શ્યામ, બૃહત, તરુણ અને શાલવૃક્ષના સ્કન્ધ એટલે થડ જેના ઉન્નત –એવા આ બંનેને એક આસન પર બેઠેલા જોઈ મારા મનમાં મહાન ભય પ્રગટ થયો. બે કૃષ્ણ એક આસન પર બેસે ત્યારે તેમના માટે દુર્જેય એવું કશું રહે ખરું? અને અહીં કૃષ્ણ સંજયને જે સંદેશો આપે છે એ પણ નોંધવા જેવો છે. કૃષ્ણ સૌ પ્રથમ તો એ કહે છે કે આ વાત જ્યારે ભીષ્મ અને આચાર્ય દ્રોણ સાંભળી રહ્યા હોય ત્યારે રાજા ધૃતરાષ્ટ્રને કહેજે. (ઉદ્યોગ.58:18) આ કહેવામાં એક ઔચિત્ય છે. રાજા ધૃતરાષ્ટ્રને એકલા જો આ સંદેશો મળે તો કદાચ કૃષ્ણે ચેતવ્યા નહોતા એવો ભ્રમ પ્રસરેલો રહે. કૃષ્ણ પછી આગળ કહે છે: તેજોમયં દુરાઘર્ષં ગાંડીવં યસ્ય કાર્મુકમ, મદ દ્વિતીયેન તેનેહ વૈરં વ: સવ્યસાચિના; મદ દ્વીતીયં પુન: પાર્થ ક: પ્રાર્થયિતુમિચ્છતિ, યો ન કાલપરીતો વાપ્યપિ સાક્ષાત્પુરંદર:. (ઉદ્યોગ.58:22-23) જેની પાસે અજેય અને તેજસ્વી ગાંડીવ ધનુષ્ય છે, અને જેની સાથે હું છું એ સવ્યસાચીની(સવ્યસાચી એટલે ડાબે હાથે પણ બાણ છોડી શકનાર) સાથે તમે વેર બાંધ્યું છે. વળી જેને કાળે ઘેરી ન લીધો હોય એવો ક્યો પુરુષ, ભલેને એ સાક્ષાત્ પુરંદર(ઈન્દ્ર) કેમ ન હોય, એ અર્જુન સાથે લડવા ઈચ્છશે, અને તેય જ્યારે હું એની સાથે હોઉં ત્યારે? કૃષ્ણની આ વાણીમાં આપણે જોઈ એ નમ્રતા પણ દેખાય છે .સાથે સાથે એ અધિકારવાણી પણ છે. એ અર્જુનને પ્રથમ સ્થાન આપે છે અને ‘મદ્ દ્વીતીયેન’(બીજો હું) એમ બંને વખત કહે છે. એક તો મનુષ્ય અને બીજો ભગવાન— આ બે સાથે મળે એને કોણ જીતી શકે? ——————————————————
પ્રતિસાદ આપો