યુધિષ્ઠિરની શત્રુ સેના તરફ ગતિ…/કૃષ્ણ અને માનવ સંબંધો/હરીંદ્ર દવે

યુધિષ્ઠિરની શત્રુ સેના તરફ ગતિ…

[કૃષ્ણ અને માનવ સંબંધો/હરીંદ્ર દવે/પ્રવીણ પ્રકાશન]gita4ko8

પાના: 174 થી 181

 

હિન્દુ ધર્મનો ઉઅત્તમમાં ઉત્તમ ગ્રંથ ગીતા યુદ્ધની ભૂમિ પર કહેવાયો છે. આપણે ત્યાં ‘પેંગડે પગ અને બ્રહ્મ ઉપદેશ’એ કહેવત છે. ગીતામાં તો ખરેખર એવું જ છે. પેંગડામાં પગ ભરાવ્યો હોય પછી અશ્વને પલાણવામાં આંખનું મટકું મારીએ એટલી વાર પણ ન લાગે.એટલી વારમાં બ્રહ્મ ઉપદેશ આપી શકાય? કૃષ્ણ એ ચમત્કાર કર્યો છે. ગીતા આરંભાય છે, એ પહેલાં પણ યુદ્ધારંભના સૂચક સિંહનાદો સંભળાય છે. અને કૃષ્ણ તથા અર્જુનને કોઈ ગાઢ સંબાદમાં ખોવાયેલા જોઈ કંઈક વિસ્મિત અને કદાચ યોગમાયાથી કંઈક મૂર્છિત થઈ ગયેલા મહારથીઓ ધનંજયને ફરી બાણગાંડીવ ધારણ કરતાં જોઈ ફરી વાર માહાનાદ કરી રહે છે.

પાંડવોને પક્ષે ધર્મ અને કૃષ્ણ બંને છે. ધર્મ એટલે ધર્મરાજ યુધિષ્ઠિર પણ ખરા અને કૃષ્ણ જે અર્થમાં શાશ્વત ધર્મગોપ્તા કહેવાતા, એ અર્થમાં નો ધર્મ પણ. કુરુક્ષેત્રના અત્યંત સંહારક યુદ્ધના આરંભમાં વ્યાસે પ્રથમ નાટ્યાત્મકઘટના મૂકી ગીતા રૂપે. એ પછીની નાટ્યાત્મક ઘટના આવે છે, યુધિષ્ઠિર કવચ ઉતારી નિ:શસ્ત્ર બની શત્રુસેના તરફ ગતિ કરે છે ત્યારે. ક્ષ્ણેક તો સૌને લાગે છે કે ધર્મરાજ યુધિષ્ઠિર ડરી ગયા કે શું? તેઓ હવે અર્જુનની માફક ફરી વિષાદયોગ અનુભવી રહ્યા છે કે કેમ એવો સવાલ પણ થાય. બધાને જાતજાતના તર્કવિતર્ક થાય છે. ત્રિકાળજ્ઞાની સહદેવ પાસે મહાભારતકારે બહુ ઓછા તર્કવિતર્ક કરાવ્યા છે, પણ આ તબક્કે તો એ પણ પૂછી ઊઠે છે:

અસ્મિન્ રણસમૂહે વૈ વર્તમાને મહાભયે,

યોદ્ધવ્યે ક્વ નુ ગન્તાસિ શત્રૂનભિમુખો નૃપ.

(ભીષ્મ.41: 18-19)

હે રાજવી, આ મહાભયાનક વર્તમાનમાં, આ રણસમૂહમાં તમે અમને છોડી શત્રુની દિશામાં ક્યાં ચાલ્યા?

સહદેવ પણ તર્કવિતર્કમાં સરી પડે છે. બીજા સૌને થાય છે કે યુધિષ્ઠિર કંઈક ભ્રમમાં પડ્યા. પન આ તબક્કે એકમાત્ર કૃષ્ણ યુધિષ્ઠિરની આ શત્રુસૈન્યની દિશામાંની ગતિનું રહસ્ય પામી શકે છે. એ કહે છે: નક્કી એ ભીષ્મ, દ્રોણ, કૃપ, શલ્ય વગેરે ગુરુજન્ની પરવાનગી લેવા જઈ રહ્યા છે. કારણકે:

શ્રૂયતે હિ પુરાકલ્પે ગુરૂજન નુમાન્ય ય:,

યુદ્ધ્યતે સ ભવેદ્ વ્યક્તમપધ્યાતો મહત્તરૈ:

અનુમન્ય યથાશાસ્ત્રં યસ્તુ યુદ્ધયેન્મહત્તરૈ:,

ધ્રુવસ્તસ્યજ્યો યુદ્ધે ભવેદિતિ મતિર્મમ.

(ભીષ્મ.41;18-19)

કૃષ્ણે ગીતામાં પણ શાસ્ત્રના વિધાનનો મહિમા સ્થાપ્યો છે. શ્રુતિનો તેઓ હંમેશાં આદર કરતા આવ્યા છે. એટલે જ એ કહે છે કે હું પુરાલક્પથી સાંભળતો આવ્યો છુ6 કે ગુરુજનોની અનુમતિ વિના જે યુદ્ધ કરે છે એ હારે છે, પણ જે શાસ્ત્રમાં માન્ય છે એ રીતે ગુરુજનોની અનુમતિ લઈને પછી યુદ્ધ કરે છે એનો જય નિશ્ચિત છે. આટલું કહ્યા પછી પન કૃષ્ણ આ જ સત્ય છે એવું નથી કહેતા: ‘આ મારી મતિમાં આવે છે’એમ કહે છે.

યુધિષ્ઠિરના મનની વાત કૃષ્ણ બરાબર સમજી ગયા હતા. યુધિષ્ઠિર આ યુદ્ધને પૂર્ણપણે ધર્મયુદ્ધ બનાવવા ચાહે છે. એટલા માટે તો તેઓ જેમની સાથે લડવા ઈચ્છે છે એ ગુરુજનો પાસેથી લડવાની આજ્ઞા માગે છે. હવે યુધિષ્ઠિરનો ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય અને શલ્ય સાથેનો સંવાદ આવે છે. આ સંવાદ એકસરખો છે. એ એકસરખા સવાલ યુધિષ્ઠિર કરે છે, એકસરખો ઉત્તર આ સૌ આપે છે. એમાં પણ બે શ્લોકો અને પહેલાંનો પ્રશ્નોત્તર લગભગ એકસરખો જ છે. યુધિષ્ઠિર જઈ તેઓને કહે છે કે યુદ્ધનો આરંભ કરતા પહેલાં હું તમારા આશીર્વાદ લેવા આવ્યો છું જેથી હું વિજયી નીવડું. એ ચારે ઉત્તર આપે છે કે અમારી આજ્ઞા વિના તેં યુદ્ધ શરૂ કર્યું હોત તો અંતે તું પરાજિત થા એવો અભિશાપ આપત. પરંતુ હવે હું પ્રસન્ન છું એટલે હું યુદ્ધ કર અને વિજયી થા. આ સમાન આવતી ઉક્તિઓમાં સૌથી વધુ મહત્ત્વની આ છે. ભીષ્મ સૌ પ્રથમ યુધિષ્ઠિરને કહે છે:

અર્થસ્ય પુરુષો દાસો દાસસ્ત્વર્થો ન કસ્યચિત,

ઈતિ સત્યં મહારાજ બદ્ધો સ્મ્યર્થેન કૌરવે:.

અર્થનો પુરુષ દાસ છે; અર્થ કોઈનોયે દાસ નથી આ સત્ય છે મહારાજ. અને હું કૌરવો દ્વારા અર્થથી બંધાયેલો છું.

આ જ શ્લોક દ્રોણ પણ યુધિષ્ઠિરને કહે છે; કૃપાચાર્ય પણ આ જ શબ્દો કહે છે; શલ્ય પણ પોતાના ભાણેજને આ જ શબ્દો કહે છે.

અહીં ‘અર્થ’ નો અર્થ શું કરીશું?

કોઈ સામાન્ય શબ્દકોશ લઈએ તોપણ ‘અર્થ’

શબ્દના અર્થમાં ખાસ્સી જગ્યા અપાયેલી મળે. અર્થનો પ્રથમ અર્થ છે ‘વિનંતી(આપટેના શબ્દકોશ મુજબ). એ પ્રમાણે જોઈએ તો વિનંતીનો’પ્રાર્થનાનો માણસ દાસ હોઈ શકેછે. પ્રાર્થના કોઈની દાસ નથી. દ્રોણ, ભીષ્મ આદિ આવી પ્રાર્થના કે વિનંતી નો અનાદર ન કરી શક્યા હોય એ અર્થમાં દુર્યોધનની વિનંતી કે પ્રાર્થનાથી આ લોકોબંધાયેલા છે. ‘ઈચ્છા’ એ બીજો અર્થ , એટલે કે ઈચ્છાથી જ આ મહારથીઓ બદ્ધ છે. ‘શોધવું’એ ત્રીજો અર્થ છે. ‘સમર્થન’ એ ચોથો અર્થ છે. ‘ઉદ્દેશ’એ પાંચમો અર્થ છે. ઉદ્દેશથી બંધાયેલા છીએ એવો અર્થ પણ સમજવા જેવો છે. ‘હેતુ’ . ‘કારણ’એ છઠ્ઠો અર્થ છે. ‘અર્થ’ એ પણ એક અર્થ છે. ‘અર્થો હિ કન્યા પરકીય એવ’એમાં ‘અર્થ’ જુદો જ અર્થ ધારણ કરે છે. વ્યવસાય એ એક વધુ અર્થ છે.આ રીતે અર્થના જુદા જુદા દશ અર્થ ગણાવ્યા પછી સંસ્કૃતશબ્દકોશ અગિયારમા અર્થ તરીકે ‘સંપત્તિ’ એવો અર્થ આપે છે. હવે જે ધર્મ અર્થ કામ તથા મોક્ષ એ ચાર તત્ત્વોની વાત છે, એમાં જે અર્થ આવે છે, તેનો અર્થ દુન્યવી સંપત્તિ જ? જો એ હોય તો એને માનવપ્રાપ્તિનાં ચાર સાધનોમાં સ્થાન કઈ રીતે મળ્યું હોઈ શકે?

‘અર્થ’ શબ્દના અર્થ હજી આગળ ચાલે છે.આપણે અહીં શબ્દકોશને ઉતારવો નથી. પણ ભીષ્મ, દ્રોણ, કૃપ તથા શલ્ય જે અર્થના દાસ છે કે જે અર્થ વડે કૌરવ સાથે બદ્ધ છે એ અર્થ ક્યો?

એ ધનના અર્થમાં તો નથી જ, આ ચારમાંથી કોઈ વ્યક્તિ ધનની દાસ થઈને કહે કે દુર્યોધન તેઓને ધન વડે ખરીદી શકે એ શક્ય નથી. અલબત્ત, આ શ્લોક અવારનવાર ધનાના સૌ કોઈ દાસ છે એ અર્થમાં મૂકવામાં આવ્યો છે. પરંતુ આ ચાર વ્યક્તિઓના પ્રતાપને જોતાં એનો સૂચિતાર્થ બીજી કોઈક અસહાયતામાં હોઈ શકે. આ કઈ અસહાયત છે તેનો અર્થ સૌ પોતપોતાની ઈચ્છા પ્રમાણે કરી શકે. કોઈ પણ એક અર્થ આપી વાચકની અર્થવિસ્તારની ગુંજાયશને સીમિત ન કરવી જોઈએ. એ સાથે જ કોઈ એક અર્થમાં વાચક બંધાઈ જાય કે અટવાઈ જાય એ ન બનવું જોઈએ. એટલે અહીં ‘અર્થ’ એટલે ‘સંપત્તિ’ એવા અર્થમાં અટવાઈ ગયા વિના આ શ્લોકનો ભીષ્મ, દ્રોણ, કૃપ અને શલ્ય જેવાં ચાર પોતપોતાની રીતે મહાન પુરુષો ઉચ્ચાર કરે છે એ સંદર્ભને યાદમાં રાખી અર્થ કરવા બેસીશું તો પારાવાર અર્થ જડ્યા વિના રહેશે નહિ. આમાંના દરેક અર્થનુ6 કંઈક મૂલ્ય છે.

આ દાસત્વની અસહાયતાનો એક કરુણ રણકો પછીનો શ્લોક જે પણ ચારે વ્યક્તિ પાસેથી કોઈ ને કોઈ ફરક સાથે સાંભળવા મળે છે તેમાં સંભળાય છે. ભીષ્મ આગલા શ્લોકના અનુસંધાનમાં જ આગળ કહે છે:

અતસ્ત્વાં કલીબવ વાક્યં બ્રવીમિ કુરુનન્દન,

હ્રતો સ્મ્યર્થેન કૌરવ્ય યુદ્ધાદન્યત્ કિમિચ્છસિ.

(ભીષ્મ,41;37)

કલૈબ્યં શબ્દ આપણને ગીતામાં પણ પરિચિતિ છે. કૃષ્ણ અર્જુનને ‘ક્લેબ્યં મા સ્મ ગમ:પાર્થ’ જેવા શબ્દો કહે છે.અહીં પોતા માટે આ ચારે પુરુષો આ જ શબ્દોનો ઉપયોગ કરે છે. ક્લૈબ્ય એટલે નપુંસકતા જ નહિ, કાયરતા જ નહિ, અસહાયતા પણ ખરી. અને અહીં અસહાયતાના અર્થમાં જ એ શબ્દ આવે છે. ‘આથી જ આ અસહાયતાભર્યું વાક્ય હું ઉચ્ચારું છું હે કુરુનન્દન, કે હ્રતોસ્મિ’ એટલે કે મારું હરણ કરાયું છે—કૌરવોએ અર્થ દ્વારા મારું હરણ કર્યું છે.’હરણ કરાયેલ વ્યક્તિમાં અસહાયતાનો ભાવ જ સર્વોપરિ હોય છે. ભીષ્મ કહે છે: ‘હું અર્થ દ્વારા કૌરવોને આધીન છું: એટલે યુદ્ધ સિવાય બીજું કાંઈ પણ માગી લે.’એવા આ ભીષ્મના અને એ જ શ્વાસમાં ઉચ્ચારાયેલા દ્રોણ, કૃપાચાર્ય અને શલ્યના શબ્દો પણ અર્થની ચર્ચા કરવા જઈએ તો એક પુસ્તકમાં ન સમાય એટલા બહુલ છે.

યુદ્ધ માટે ભીષ્મ વચનબદ્ધ છે: એટલે યુદ્ધ સિવાય જે માગવુ6 હોય તે માગી લે. એવા શબ્દો ભીષ્મ કહે છે.

યુધિષ્ઠિર એ ધર્મરાજ છે. જ્યારે મા ગવા જ બેઠા છે, ત્યારે આડંબર કે દંભ તેમને ખપતા નથી. તેઓ સ્પષ્ટપણે પૂછે છે કે ‘હું તમને યુદ્ધમાં કઈ રીતે જીતી શકું?’ આટલેથી તે અટકતા નથી. એ તો કહે છેકે યુદ્ધમાં જો ઈન્દ્ર પણ તમને જીતી કે મારી ન શકે તો પછી મને કહો–

જ્યોપાયં બ્રવીતિ ત્વમાત્મન: સમરે પરૈ:.

‘યુદ્ધભૂમિમાં તમારા પર જય કી રીતે મેળવાય તે ઉપાય કહો.’

ભીષ્મ યુધિષ્ઠિરના દાદાના ભાઈ છે પોતાના જ આ વડીલ સ્વજન પાસે તેમને જીતવાનુ6 નિમિત્ત પૂછવું એ કાં તો ધૃષ્ટતાની પરાકાષ્ટા હોય કાં નિર્દંભની પરાકાષ્ટા, સમરભૂમિમાં આ પ્રશ્ન પુછાયો છે. આ રણભૂમિમાં ભીષ્મ આદિને હણવા એ કર્તવ્ય બની જાય છે. એટલે જ આ પ્રશ્ન નિર્દંભની પરાકાષ્ટારૂપે આવે છે. ભીષ્મ કહે છે:

ન શત્રું તાત પશ્યામિસ મરે યો જયેત મામ્,

ન તાવન્મૃત્યુકાલો મે પુનરાગમનં કુરુ.

(ભીષ્મ.41:43)

હે તાત, એવા કોઈ શત્રુને હું જોતો નથી જે યુદ્ધમાં મને જીતી શકે.અને હજી મારો મૃત્યુકાળ પન આવ્યો નથી; એટલે ફરી પાછો મળજે.

ભીષ્મ આ ઉત્તર આપી શકે છે, કારણ કે એમને ઈચ્છામૃત્યુનું વરદાન છે. મૃત્યુ એ ઈચ્છે ત્યારે આવી શકે એવું વરદાન હતું. એટલે એ હજી પોતાના મૃત્યુની ક્ષણ વિશે કોઈ નિર્ણય કરી શક્યા નથી.

આ જ ક્રમમાં દ્રોણ સાથે સંવાદ થાય છે. પણ દ્રોણના ઉત્તરમાં થોડો ફરક આવે છે: એ કહે છે કે હું યુદ્ધ કૌરવોની તરફથી કરીશ, પણ જય તારો ઈચ્છીશ:

યોત્સ્યમિ કૌરવસ્યાર્થે તવાશાસ્યો જ્યો મયા.

(ભીષ્મ.41;52)

એટલું જ નહિ, એ આગળ કહે છે:

ધ્રુવસ્તે વિજયો રાજન્ યસ્ય મંત્રી હરિસ્તવ…

યતો ધર્મસ્તત: કૃષ્ણો યત: કૃષ્ણસ્તતો જય:.

(ભીષ્મ.41; 54-55)

હે રાજન, સાક્ષાત હરિ(કૃષ્ણ) તારા મંત્રી છે, એટલે તારો વિજય તો નિશ્ચિત છે. જ્યાં ધર્મ છે ત્યાં કૃષ્ણ છે; જ્યાં કૃષ્ણ છે ત્યાં જય છે.

હવે યુધિષ્ઠિર દ્રોણને તેમના મૃત્યુનું નિમિત્ત પૂછે છે: અને દ્રોણ તરત જ કહે છે: ‘હું ન્યસ્તશસ્ત્ર અને અચેતન (શસ્ત્રરહિતાને જડ જેવો) થઈ જાઉં ત્યારે મને મારજો.’હવે દ્રોણ જેવો વીર આ સ્થિતિ કઈ રીતે પ્રાપ્ત કરે?સત્યવક્તા તરીકે પ્રકીર્તિત યુધિષ્ઠિરને સ્વયં દ્રોણ પોતાના મૃત્યુનો ઉપાય સૂચવે છે. યુધિષ્ઠિરનો રથ નીચે ઊતર્યો તેનું રહસ્ય અહીં છે.

શસ્ત્રં ચાહં જહ્યાં શ્રુત્વા સુમહદપ્રિયમ્,

શ્રદ્ધેયવાક્યાત પુરુષાદેતત્ સત્યં બ્રવીમિ તે.

(ભીષ્મ.41; 61)

જેના વાક્યમાં મને શ્રદ્ધા હોય એવો પુરુષ મને કોઈ અપ્રિય વાત સંભળાવે તો રણમાં શસ્ત્રનો ત્યાગ કરીશ.

દ્રોણ ‘ન્યસ્તશસ્ત્ર’થાય તો જ તેમને હણી શકાય. અને ‘ન્યસ્તશસ્ત્ર’તો જ થાય જો અપ્રિય ખબર જેના વાક્યમાં શ્રદ્ધા મૂકી શકાય એવો પુરુષ કહે. પાંડવોના પક્ષે આવા બે જ પુરુષો છે: એક કૃષ્ણ છે, પણ એ કદી ‘નરો વા કુંજરો વા’ જેવી વાણી બોલે નહિ. બીજા યુધિષ્ઠિર ધર્મરાજ એટલે જ હવે ધર્મરાજની શ્રદ્ધેય વાક્ય ઉચ્ચારવાની જવાબદારી વધી ગઈ છે. દ્રોણે યુધિષ્ઠિરની ધર્મનિષ્ઠ પર શ્રદ્ધા મૂકી સમરભૂમિમાં પોતાના મૃત્યુનું રહસ્ય પ્રગટ કરી દીધું છે.

કૃપાચાર્ય આગળ વાત જરા જુદા વળાંકે વળી છે, કૃપાચાર્ય અવધ્ય છે . એનો યુદ્ધમાં કોઈને હાથે વધ નથી, એ સત્ય યુધિષ્ઠિરને જ્ઞાત છે. એટલે કે કૃપાચાર્યને પૂછવા જાય છે મૃત્યુનું રહસ્ય પણ ‘હે આચાર્ય, હુ6 તમને પૂછવા માગું છું કે… ’એટલું કહેતાં જ–

ઈત્યુક્ત્વા વ્યથિતો રાજા નોવાચ ગતચેતન:.

(ભીષ્મ.41;69)

આટલું બોલતાં જ યુધિષ્ઠિર વ્યથાપૂર્ણ થઈ ગયા. એ ન બોલી શક્યા; ન એમનામાં બોલવા જેવુ6 ચેતન રહ્યું.

કૃપ સમજી ગયા કે યુધિષ્ઠિરને શુ6 પૂછવુ6 છે. એટલે જ કહી બેઠા કે ‘હું અવધ્ય છું: યુદ્ધમાં મને કોઈ મારી નહિ શકે. પણ રોજ સવારે ઊઠીને હું તારા જય માટે પ્રાર્થના કરીશ.’કૃપાચાર્ય જેવા ગુરુજન પાસેથી આવું વરદાન મેળવવું પાંડવોનું સૌભાગ્ય જ ગણાય.છેલ્લે શલ્ય પાસે યુધિષ્ઠિર એટલું જ માગે છે: ‘રણસંગ્રામમાં તમે કર્ણનો તેજોવધ કરતા રહેજો.’એ પણ આ વરદાન આપે છે.

યુધિષ્ઠિરની આ નિર્દંભ મગણીઓ, એ યુદ્ધનો પ્રથમ તબક્કો છે, અને ઘણો મહત્ત્વનો તબક્કો છે.

યુદ્ધારંભ પહેલાં ગીતા એ પ્રથમ મહત્ત્વની ઘટના છે. યુધિષ્ઠિરની ગુરુવંદના એ બીજો મહત્ત્વનો બનાવ છે. તીજી ઘટનામાં કૃષ્ણ સંકળાયેલાછે. કૃષ્ણ અને કર્ણ વચ્ચે એક વિશેષ સંબંધ સ્થપાયેલો આપણે આગળ જોયો છે: કૃષ્ણે કર્ણને ‘વેદવાદાન્ સનાતનાન્’ જેવા વિશેષણથી સંબોધ્યો છે.(ઉદ્યોગ.138;7). અને કર્ણ કોઈ પણ પ્રલોભન આવે તોયે સત્યથી પોતે વિચકિત નહિ થાય એમ કહે છે. કૃષ્ણ છેલ્લી ઘડી સુધી કસોટી કરે છે. કૃષ્ણ આ કસોટી બે કારણે કરે છે. જો કસોટીમાં કોઈ પાર ન ઊતરે તો એના દંભનો પડડો ચિરાઈ જાય. અને જો પાર ઊતરે તો શુદ્ધ સુવર્ણ જેવું એનું અસ્તિત્વ પુરવાર થઈ શકે.એટલે એ કર્ણ પાસે જઈને કહે છે: ભીષ્મના દ્વેષને કારણે તું રણભૂમિ પર ભીષ્મ હશે ત્યાં સુધી લડવાનો નથી. તો તુ6 ભીષ્મ લડે ત્યાં સુધી અમારા પક્ષે થી લડ. અને ભીષ્મ પડે પછી સામા પક્ષે ફરી ચાલ્યો જજે. કર્ણ આનો ઉત્તર આપે છે.

ન વિપ્રિયં કરિષ્યામિ ધાર્તરાષ્ટ્રસ્ય કેશવ,

ત્યક્ત્ પ્રાણં હિ માં વિદ્ધિ દુર્યોધનહિતૈષિણમ્.

(ભીષ્મ.41;87)

હે કેશવ, હું દુર્યોધનનુ6 અપ્રિય ક્યારેય ન કરી શકું. દુર્યોધનના હિત માટ પ્રાણ પન આપી દેવામાં મને સંકોચ ન થાય.

કર્ણ કૃષ્ણની કસોટીમાં શુદ્ધ સુવર્ણ પુરવાર થાય છે.

હવે એક માત્ર છેલી વિધિ રહે છે: યુધિષ્ઠિર રણક્ષેત્રની મધ્યમાં જઈ જે કોઈને પોતાની સહાયતાએ આવવું

હોય તેને સાદ કરે છે: અને આ વખતે છેલ્લી ક્ષણે ધૃતરાષ્ટ્રનો પુત્ર યુયુત્સુ પાંડવોને પક્ષે જોડાઈ જાય છે.

યુદ્ધ તો છે જ. પણ જેમ યુદ્ધ પહેલાં વિષ્ટિ માટે એ નિષ્ફળ જવાની છે એ છતાં કૃષ્ણ બધા જ પ્રયત્નો કરી ચૂક્યા હતા, તેમ હવે યુદ્ધવેળા પણ યુદ્ધધર્મ પાંડવો ચૂકે નહિ એવું બન્યું છે. યુદ્ધ પહેલાં ધર્મસંગત આચાર માત્ર પાંડવોનો જ છે. કૌરવોના પક્ષેથી કયાંય મનમાં વેદનાનું સ્પંદન પણ જાગતું નથી.કુરુઓ માટે યુદ્ધ એ ધર્મ નથી, યુદ્ધ એ સ્વાર્થપ્રેરિત ઝનૂન છે. નહિતર,પાંડવોના પક્ષે આટાઆટલો પ્રક્ષોભ જાગ્યો અને છતાં કૌરવોના પેટનું પાણી ન હલે? વળી ગ્રંથકર્તા વ્યાસ કૌરવોના પણ કુળપિતા છે અને યુદ્ધવર્ણન તો કુરુઓના મંત્રી સંજયના સ્વમુખે થઈ રહ્યું છે એટલે કૌરવોના પક્ષે જો કોઈક ગતિ આ દિશામાં હોય તો એને નોંધ્યા વિના તેઓ રહેત નહિ.

 

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 287,404 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
નવેમ્બર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: