અખંડ આનંદની પ્રસાદી

 

a.anand oct

અખંડ આનંદની પ્રસાદી

અખંડ આનંદ ઑક્ટોબર-નવેમ્બર,2014/જોયેલું ને જાણેલું વિભાગ/પાના : 183 થી 185

દૃઢ ઈચ્છાશક્તિ- મક્કમ મનોબળનાં ઉદાહરણો /પ્રતિમા દવે

 

    *હમણાં હમણાં મને બે સ્ત્રીઓનો મેળાપ થયો. એક બહેન યુવાન વયનાં છે અને એક પ્રૌઢવયનાં ! તેમના જીવનની વાતો જાણી મને લાગ્યું કે તેમણે જે દૃઢતાથી મૃત્યુનો સામનો કર્યો છે તે જોઈને મૃત્યુ પણ પાછું હઠી ગયું છે. એક બહેન પ્રૉફેસર હતાં. પીએચ.ડી. થયેલાં છે. તેમણે પૂ. બાપુ પર ડૉક્ટરેટ કરેલું છે. બહેનને પોતાના વિશે કોઈ લખે તે ગમતું નથી તેથી તેમનું નામ હું આપતી નથી.

    તે આમ તો સાદાં, લગભગ સફેદ કહેવાય તેવાં, સુતરાઉ સાદી ગુજરાતી ઢબની સાડી પહેરે છે. આ તેમની ઓળખ નથી. તેમના વિચારો ને વાતોથી તેમનું જ્ઞાન-ઓળખ છતાં થાય છે. જિંદગીનો તેમનો અભિગમ જાણીને આપણને જીવવાની—ઝઝૂમવાની પ્રેરણા મળે છે. બહેનની સાથે રહેવાનો મને થોડા દિવસનો લહાવો મળ્યો. તેમાં જાણવા મળ્યું કે તેમની જિંદગીમાં અકસ્માતોની પરંપરા હતી !

    એક વખત તેઓ બહાર જઈ રહ્યાં હતાં. અને અકસ્માત બસની નીચે આવી ગયાં. બસ સાથે ઘસડાયાં પણ ખરાં. આજુબાજુના લોકો ભેગા થઈ ગયા, અને લોકોને લાગ્યું કે આ બહેન હવે બચ્યાં નહીં હોય. ત્યાં તો બહેન થોડાં સળવળ્યાં. લોકોને થયું કે ‘આ તો જીવે છે ! જલદી કરો. બહેનને હૉસ્પિટલ પહોંચાડો. ’બસને થોડી આગળ પાછળ કરાવીને તેમને બહાર કાઢીને હૉસ્પિટલ લઈ ગયાં. માથામાં ખૂબ જ વાગ્યું હતું. એટલે ડૉક્ટરે કહ્યું કે આ બહેનને થોડી પ્રાથમિક સારવાર આપી ઘરે આરામ કરાવવો પડે. માથાની ઈજાને કારણે એનેસ્થેશિયા અપાય નહીં . બહેનને નાકમાં ફ્રેક્ચર હતું. બે પાંસળીમાં ફ્રેક્ચર હતું. ઘરે લઈ ગયાં. તેમની ભત્રીજી રોજ બે કલાક સુધી હળદરનો લેપ કર્યા કરે, આમ કરતાં મહિનો થયો. તેમના ઘામાં રુઝ આવી ગઈ ! નાકનું ફ્રેક્ચર પણ સંધાઈ ગયું. આગળના ચાર દાંત હલી ગયા હતા. તેને માટે હળદર-જેઠીમધ-ત્રિફળાને પાણીમાં પલાળી તેના કોગળા કરતાં હતાં.અને બહેન ધીમે ધીમે દાંતને જીભથી આગળ કરતાં હતાં. તે પણ બરાબર થઈ ગયું ! ડૉક્ટર પાસે ગયાં તો કહે નાકનું હાડકું સંધાઈ ગયું છે. થોડું ત્રાંસું છે. સીધું કરવા ઑપરેશન કરવું હોય તો કરીએ. બહેને ના પાડી.

    મેં પૂછ્યુંકે, ‘તમને પથારીમાં પડ્યાં શું વિચાર આવતા હતા? ’ તો કહે કે ‘મને થતું કે બધાંને અકસ્માતો થતા હોય છે તેમ મને પણ અકસ્માત થયો છે. મારે સાજા થવું જ છે અને મારા ઘરમાં બધાંનો સહકાર છે તો મારે આવેલ આપત્તિનો સામનો કરીને હિંમત રાખવી જોઈએ !’

    સાજા થયાંને માત્ર બે-ત્રણ મહિનામાં જ એ બહેન ફરીથી બસમાં જઈ રહ્યાં હતાં. તેમની સીટ આગળની અને ડ્રાઈવરની પાછળની હતી. બે બસ ટકરાઈ ને બહેનને ફરીથી ખૂબ વાગ્યું. ફરી એ જ ઘટમાળ ચાલી અને સાજાં થયાં. લોકો પૂછવા લાગ્યાં કે ‘હવે તો તમને બસની બીક જ લાગતી હશે !?’

    બહેન કહે: ‘ના રે ! એમાં શેની બીક. અકસ્માત તો બધાને થાય છે તેમ મને થયો ! ’

    તે પછી ભરૂચમાં ગાંધીજી વિશે વ્યાખ્યાન આપવા તેમને બોલાવ્યાં હતાં. ભરૂચ કોઈના ઘરે ઊતર્યા . ત્યાંથી સવારના સાત વાગ્યે દાદર પરથી પડી ગયાં. બે મણકા તૂટી ગયા. બે મણકાની ગાદી ખસી ગઈ ! દવાખાને લઈ ગયાં. બેડ-રેસ્ટ-સંપૂર્ણપણે આરામ કરવાનું કહેવામાં આવ્યું. છતાં કહે કે, ગમે તેમ થાય મારે સાંજનું વ્યાખ્યાન છે તે તો આપવું જ છે. અને ડૉક્ટર સાથે આવ્યા. સાંજે એક કલાક વ્યાખ્યાન આપ્યું. ડૉક્ટરે પછી કહ્યું કે ‘બહેન, બાજુના રૂમમાં તમારી પથારી તૈયાર છે આરામ કરો. ’

    એવી જ રીતે હાર્ટમાં બ્લોકેજ હોવાથી સ્ટેન્ટ મુકાવવાનું હતું. ડૉક્ટર કહે કે 20-25મિનિટ લાગશે. તેના બદલે દોઢ કલાક થયો. બહેને પૂછ્યું કે ‘કેમ વાર થઈ? ’ ડૉક્ટર કહેકે બહેન, લોહીનો ગઠ્ઠો ખૂબ મોટો હતો. સ્ટેન્ટ તૂટી જતાં ફરીથી બીજું સ્ટેન્ટલગાવવું પડ્યું. તેથી વાર થઈ. વાત કરતાં બહેન કહે કે, ‘ઑપરેશન પત્યું ત્યારે મેં જોયું કે મારો આખો હાથ લોહીથી લથબથ હતો.’ આમ જિંદગીમાં આવા અકસ્માતો સામે આ સન્નારી ઝઝૂમતાં રહ્યાં છે. અત્યારે પણ તેમનાં વ્યાખ્યાનો યોજાય છે. પૂ. મોરારીબાપુને ત્યાં સાહિત્યપર્વમાં એક વખત તેમનું ગાંધીજી પર વ્યાખ્યાન હતું તે પૂરું થતાં 10 મિનિટ સુધી તાળીઓ ગાજતી રહી હતી !

    **આવાં બીજાં એક બહેન વ્યવસાયે ડૅન્ટિસ્ટ છે. મા-બાપનું લાડકું સંતાન , સુખી ઘરની દીકરી અને ભણવામાં હોંશિયાર હોવાથી એક સાથે બે-બે ધોરણ કુદાવતાં ગયાં પરિણામે નાની વયે જ ડૅન્ટિસ્ટની ડિગ્રી મેળવી લીધી. તે બહેન અમદાવાદમાં જ છે. તેમનું નામ છે ડૉ.યોજનાબહેન દોશી.

    ડિગ્રી લીધા બાદ શહેરના સરસપુર-ગોમતીપુર તરફના વિસ્તારમાં પોતાનું દવાખાનું શરૂ કર્યું. એક વખત એવું બન્યું કે તેમના મદદનીશથી ભૂલમાં ગૅસનો કોક ચાલુ રહી ગયો હશે. બહેન ચોકઠાં બનાવવાનું કામ કરી રહ્યાં હતાં. ગૅસની જરૂર પડતાં તે ચાલુ કર્યો. ચાલુ કરવા જતાં ગૅસની જવાળા એકદમ બહાર આવી અને જોતજોતામાં આગે તેમના લાંબા વાળને લપેટમાં લીધા. બહેન આ શું થઈ રહ્યું છે એવું કંઈક વિચારે ત્યાં તો આગ તેમના ચહેરા પર-ગળા પર પહોંચી ગઈ. ‘આગ—આગ… બચાવો’ કરતાતેમના મદદનીશ બહાર દોડ્યા. આજુબાજુના માણસો દોડીએ આવ્યા. બહેનને તરત જ આગથી બચાવી, કોઈ જાડા કપડામાં લપેટી લઈને, બાજુમાં જનરલ હૉસ્પિટલ હતી ત્યાં લઈ ગયાં. આ જનરલ હોસ્પિટલમાં ઉતાવળમાં તેમના પહેલાં કોઈ ચેપી રોગનો દર્દી હતો. તેની ચાદર બદલવાની રહી ગઈ હતી. દાઝવાને કારણે બહેનને તુરત જ ચેપ લાગ્યો અને લગભગ અઢી મહિના હૉસ્પિટલમાં રહેવું પડ્યું. દાઝયાની વેદના-બળતરા અને તીમાંય ચેપ બંનેને કારણે યોજનાબહેને ખૂબ તકલિફો વેઠી. ડૉક્ટર્સ પણ ઘણી વખત નિરાશામાં હિંમત હારી જતા. પરંતુ બહેનની હિંમત-નાની વય અને મૃત્યુ સામે ઝઝૂમવાની તાકાતે તેમને સાજા કર્યાં. પછી કદાચ એકાદ વર્ષમાં અમદાવાદમાં કોમી હુલ્લડો થયાં હતાં. બહેન સરસપુરમાં તેમના દવાખાને રિક્ષામાં જઈ રહ્યાં હતાં. ત્યારે દવાખાના પાસે જ તેમને એક ઝનૂની ટોળાએ ખેંચી લીધાં અને ગોમતીપુર તરફ ઢસડીને લઈ ગયા. ગુપ્તીથી ત્રણ જગ્યાએ ઘા કરવામાં આવ્યા. તેમાંનો એક ઘા બરાબર લિવર પર થયો. આમ તો તેઓને જીવલેણ ઘા જ કરવો હતો, પરંતુ ગુપ્તી ગમે તેમ હ્રદય તરફ ન વાગતાં લિવર પર વાગી ! લિવરના ત્રણ કટકા થઈ ગયા. તે તો ઑપરેશન થિયેટરમાં ખબર પડી. પરંતુ લોહી નીંગળતી હાલતમાં તેમના જ એક મુસ્લિમ દર્દી તેમને ઓળખી ગયાને યોજનાબહેનને એકદમ ટોળામાંથી ખેંચી લઈને હૉસ્પિટલ તરફ દોડ્યા. તેમનું પોતાનું દવાખાનું ત્યાંથી એકાદ કિલો મિટર દૂર હતું . બહેન બોલી–ચાલી શકતાં હતાં. ત્યાંથી તેમના ભાઈ જે ડૉક્ટર છે, તેમને ફોન કર્યો. અને બહેને કહ્યું તે હૉસ્પિટલમાં તેમના મુસ્લિમ દર્દીભાઈ તેમના મદદનીશ વગેરે યોજનાબહેનને લઈને ગયા.

    ત્યાં ડૉક્ટરે તુરત જ ઑપરેશન થિયેટરમાં લીધાં ! પેટ ખોલ્યું ત્યાં લોહીનો ફુવારો ઑપરેશન-થિયેટરની છત સુધી ઊડ્યો ! ઘણાં વર્ષો સુધી ડૉક્ટરે એ નિશાની સાચવી રાખી હતી ! લિવરના ત્રણ કટકા થઈ ગયા હતા. પરંતુ તાત્કાલિક સારવારને કારણે યોજનાબહેનનું જીવન બચી શક્યું. છતાં લિવરને બરાબર કામ કરતું થવામાં લગભગ વર્ષ થયું . ખોરાક –લેવા-પચાવવાની ખૂબ મુશ્કેલી રહી હતી. ડૉક્ટરે કહ્યું કે ‘યોજનાબહેન તેમના મનોબળ્ને લીધે જીવ્યાં છે-બચ્યાં છે ! નહિતર જે હાલતમાં હૉસ્પિટલમાં આવ્યાં હતાં ત્યારે એમ જ લાગતું હતું કે બચવાની તક બહુ જ નહિવત્ છે !

    આમ દૃઢ મનોબળ અને ઈચ્છાશક્તિ માનવજીવનમાં શું કરી શકે છે તેનાં આ જીવંત ઉદાહરણછે.

—પ્રતિમા દવે.

14, બ્રહ્મક્ષત્રિયનગર સોસાયટી. વિ-2, નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ

ફોન: 079- 26672315

==============================================

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 304,067 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
ઓક્ટોબર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: