બાપુ : મારી નજરે//રામનારાયણ ચોધરી

MLPVY 59 – 156

મિલાપની વાચનયાત્રા : 1959//સંપાદક : મહેન્દ્ર મેઘાણી//લોકમિલાપ//પાના:156 થી 160

                         બાપુ : મારી નજરે

                         રામનારાયણ ચોધરી

     1920ના ડિસેમ્બરમાં નાગપુરમાં કોંગ્રેસનું અધિવેશન હતું. શ્રી મહંમદઅલી ઝીણા કોઈક ઠરાવ પર બોલવા ઊભા થયા હતા. બાપુને તે વખતે ‘મહાત્મા’ની ઉપાધિ મળી ગઈ હતી. ઝીણાસાહેબની ભાષા અંગ્રેજી અને પહેરવેશ પણ અંગ્રેજી હતો. બાપુનું નામ આવ્યું ત્યાં તેમણે ‘મહાત્મા ગાંધી’ ન કહેતાં ‘મિસ્ટર ગાંધી’ કહ્યું, એટલે મૌલાના મહંમદઅલીએ ઊભા થઈ ને કહ્યું, “મિસ્ટર નહીં, મહાત્માં ગાંધી કહો.” પ્રેક્ષકોએ પણ ‘મહાત્મા ગાંધી કહો’ એવી બૂમો પાડી. પણ ઝીણાસાહેબ ન ડગ્યા. વયોવૃદ્ધ પ્રમુખ શ્રી વિજય રાઘવાચાર્યે પણ તેમને સમજાવ્યા કે આમજનતાની ભાવનાનો ખ્યાલ કરવો સારો. પણ જનાબ ઝીણા એકના બે ન થયા. પછી બાપુએ ઊઠીને લોકોને મીઠો ઠપકો આપતાં કહ્યું, “હું મહાત્મા નથી, સામાન્ય માણસ છું. ઝીણાસાહેબના વિચાર-સ્વાતંત્ર્યમાં દખલ કરીને તમે મને માન નથી આપતા. આપણા વિચાર બીજાઓ પર લાદીને આપણે શુદ્ધ સ્વરાજ નહીં લઈ શકીએ. જ્યાં સુધી કોઈની ભાષામાં કશું અશિષ્ટ ન હોય ત્યાં સુધી તે બીજા વિશે ગમે તે અભિપ્રાય ધરાવી શકે ને પ્રગટ કરી શકે.”

ત્યારે લોકો કંઈક શાંત પડ્યા.

                              *

     સાબરમતી આશ્રમમાં એક દિવસ સરદાર વલ્લભભાઈ અને બાપુ બેઠા હતા. બાપુની સામે બાજઠ પર તેમનો લખવા-વાંચવાનો સરંજામ રહેતો. પેનસિલ જમણી બાજુ રહેતી હશે. સરદાર સાથે વાત કરતા કરતા તેમણે પેનસિલ લેવા જમણી બાજુ હાથ લંબાવ્યો, તો પેનસિલ ત્યાં નહોતી; ડાબી બાજુએથી મળી. બાપુના ચહેરા પર વ્યગ્રતાની આછી છાયા જણાઈ. એમણે તરત પ્યારેલાલજીને બૂમ પાડી. પ્યારેલાલજી આવ્યા એટલે તેમને પૂછ્યું, “મારી પેનસિલ ક્યાં મૂકી દીધી હતી?” સવાલ પૂછવાની રીત અને બાપુનો ચહેરો જોઈને પ્યારેલાલજી સમજી ગયા અને નિરુત્તર થઈને છત તરફ જોવા લાગ્યા. તેમને ઝંખવાણા પડેલા જોઈને સરદારે બાજી સંભાળી લીધી; જરા સ્મિત કરીને બોલ્યાં “એ તો કવિ છે.” બાપુ હસ્યા. સરદારના ગયા પછી મેં પૂછ્યું “બાપુ, આ તો બહુ સામાન્ય બાબત હતી.” બાપુ તરત ગંભીર થઈને કહેવા લાગ્યા “માણસના જીવનમાં વ્યવસ્થિતતા હોવી બહુ જરૂરી છે. જો સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી કુદરતના નિયમોનું પાલન ન કરે તો ક્ષણ વારમાં આખું વિશ્વ વેરણછેરણ થઈ જાય. મારા જેવા માણસની એક એક ક્ષણ કામથી ભરેલી રહે છે. મારી વસ્તુઓ તેને ઠેકાણે ન મળે તો મારો કેટલો સમય બગડે, મને કેટલી અગવડ થાય અને કામને કેટલું નુકસાન થાય? મારા નિકટના સાથીઓને તો આ બધી બાબતોનો ખ્યાલ રહેવો જ જોઈએ. અને અંગ્રેજીમાં ગંદકીની વ્યાખ્યા શી છે, તે જાણો છો?”

     “ના જી,” કહીને મેં મારું અજ્ઞાન પ્રગટ કર્યું એટલે બાપુ બોલ્યા, “જે કોઈ વસ્તુ પોતાને સ્થાને ન હોય તે કચરો છે. મળમૂત્ર યોગ્ય રીતે ખેતરમાં પહોંચી જાય તો ધરતી સોનું આપવા માંડે છે અને આમતેમ ખુલ્લાં પડ્યાં રહે તો અનેક રોગ ઉત્પન્ન કરે છે.”

                              *

     એક રાતે રસોડામાં ચોર પેઠો. તે દિવસોમાં આશ્રમવાસીઓ વારાફરતી ટુકડીઓ બનાવીને પહેરો ભરતા હતા. ચોરને પકડવામાં આવ્યો. રાતે તો તેને કોટડીમાં પૂરી રાખવામાં આવ્યો. સવારે બાપુ નાસ્તો કરતા હતા તે વખતે તેને તેમની આગળ રજૂ કરવામાં આવ્યો. તેમણે સૌથી પહેલાં પૂછ્યું, “આને નાસ્તો કરાવ્યો છે?” ચોરને નાસ્તો કરાવીને લાવવામાં આવ્યો એટલે બાપુએ તેને બહુ પ્રેમથી સમજાવ્યું કે ચોરી ન કરવી જોઈએ. ચોરી કરવી એ પાપ છે, અને ગરીબાઈને કારણે ચોરી કરી હોય તો આશ્રમમાં કામ પણ મળશે. ચોર તો ચાલ્યો ગયો, પણ સાજે પ્રાર્થનામાં બાપુએ કહ્યું, “સમાજમાં ચોરી થાય છે તેનું કારણ એ છે કે મોટા ભાગના લોકોને સખત મજૂરી કરવા છતાં પૂરતું ખાવાનું કે પહેરવાનું નથી મળતું અને થોડાક લોકો શારીરિક શ્રમ ન કરવા છતાં આરામથી રહે છે. આપણે આશ્રમવાળાઓએ વ્રત તો ગરીબાઈનું—અપરિગ્રહનું લીધું છે, પણ આપણી પાસે વધારાનો સંગ્રહ કેટલો છે? તે જોઈને પડોશના ગામવાળાઓને ઈર્ષા આવે તો તેમાં શું આશ્ચર્ય? આપણે અંતર્મુખ થઈને એવું આચરણ કરવું જોઈએ જેથી બીજાઓને ઉદ્વેગ ન થાય.”

                              *

     હરિજન-યાત્રામાં બાપુ અજમેર આવ્યા હતા. એમની પાછળ લાગેલી લાલનાથની ટોળી પણ આવી પહોંચી. એ ટોળી બાપુના સનાતની વિરોધીઓની હતી અને બાપુ જ્યાં જતા ત્યાં તેમની પાછળ જતી, તેમને કાળા ઝંડા બતાવવી અને તેમના અસ્પૃશ્યતાનિવારણના કાર્ય સામે પ્રચાર કરતી. બાપુ પોતાને માટે જેટલી સ્વતંત્રતા ઈચ્છતા તેટલી જ પોતાના વિરોધીઓને પણ આપવાના પક્ષના હતા. એટલે દરેક જગ્યાએ એ ટોળીના રક્ષણનો ખ્યાલ રાખતા અને પોતાના સાથીઓ તથા જનતાને તેમના પ્રત્યે સહનશીલતા રાખવાનો ઉપદેશ આપતા. ખૂબ સાવધાની રાખવા છતાં, દુર્ભાગ્યે અજમેરમાં એ લોકોને મારપીટ થઈ. તેથી ગાંધીજીને ભારે આઘાત લાગ્યો. તેમણે લાલનાથને મલમપટ્ટી કરાવી અને તેમને મંચ પર બોલાવીને તેમના ઘા બતાવી લોકોને શરમાવ્યા અને લાલનાથને પોતાના વિરોધી વિચારો જાહેર કરવાની તક આપી. કરાંચી પહોંચ્યા પછી બાપુએ આ બનાવના પ્રાયશ્ચિત તરીકે સાત દિવસના ઉપવાસ કરવાનું જાહેર કર્યું.

                              *

     હરિજન સેવક સંઘમાંના અમે લોકો હરિજનોને દારૂ તથા મુડદાલ માંસની સાથે દરેક પ્રકારનું માંસ પણ છોડવાનું કહેતા હતા. એક દિવસ છાપામાં વાંચ્યું કે ઓરિસાના પ્રવાસ દરમિયાન બાપુએ કહ્યું કે, દરિયાકિનારે રહેતા ગરીબ લોકોને બીજી રીતે પોષક તત્ત્વો નથી મળતાં તેથી તેમને માછલી છોડવાનું કહેતાં મારો જીવ નથી ચાલતો. તે જ દિવસથી મેં હરિજનોને માંસાહાર છોડવા વિશે કહેવાનું બંધ કર્યું. પણ આ મારો નિર્ણય ભાવપ્રધાન હતો. સિદ્ધાંતની દૃષ્ટિએ મારી શંકા ઊભી હતી. તે શંકાનું સમાધાન તો થોડા વખત પછી વર્ધામાં ગાંધી સેવા સંઘનું સંમલેન થયું અને તેમાં સભ્યોની લાયકાત વિશે ચર્ચા થઈ ત્યારે થયું. કેટલાક લોકો માંસાહારીઓને સભ્ય બનાવવાની વિરુદ્ધ હતા. તેમાં હું પણ હતો. હિંસક માણસને અહિંસક સંસ્થાનો સભ્ય કેમ બનાવવાય એ મારી સમજમાં ઊતરવું નહોતું. તે પ્રસંગે બાપુએ કહ્યું તેનો સાર આ હતો: “જેઓ વંશપરંપરાથી અથવા લાંબા કાળથી માંસાહારની ટેવાયેલા છે અને માંસ જેમના ખોરાકનો એક કુદરતી ભાગ બની ગયો છે તેમને માંસ છોડવાનું કહેવું એ એક પ્રકારની હિંસા છે. તેમની આ હિંસાને અનિવાર્ય હિંસા માનીને સહન કરી લેવી જોઈશે. હા, જેઓ ચોરીછૂપીથી ખાય છે અથવા જેમને ત્યાં માંસ ખાવાનો રિવાજ ન હોવા છતાં હવે નવેસરથી ખાવા લાગ્યા હોય તેમને આપણે સંઘના સભ્ય ન બનાવી શકીએ.” પાછળથી મારા જણાવામાં એટલે સુધી આવ્યું કે એક વાર ડૉ. સૈયદ મહમૂદ બીમાર થઈને સેવાગ્રામ આવ્યા હતા ત્યારે તેમને મરઘીનો શેરવો તૈયાર કરાવીને આપ્યો હતો. તે જ પ્રમાણે મૌલાના આઝાદને આશ્રમમાં સિગારેટ પીવાની છૂટ હતી અને પંડિત મોતીલાલ નહેરુને આશ્રમમાં ચા બનાવીને આપવામાં આવતી હતી. પણ આ છૂટાછાટ તો મહેમાનો માટે હતી. બાપુ તો નિકટના સાથીઓ પર પણ સખતાઈ ન કરવાનું અને મુખ્ય ને ગૌણ વસ્તુઓમાં વિવેક કરવાનું ધ્યાન રાખતા. તેથી જ તો કિશોરલાલભાઈ, મહાદેવભાઈ વગેરેને જુદું રસોડું રાખીને આશ્રમમાં વર્જિત એવી ખાંડ, મસાલા અને તળેલી વસ્તુઓ પણ ખાવાની છૂટ આપવામાં આવી હતી.

                              *

     અજમેર-મેરવાડામાં એક જાહેર સમારંભના પ્રમુખ તરીકે એક પ્રખ્યાત રાજપુરુષ આવ્યા હતા. તેમને દારૂ પીતા જોઈને તેમનું આતિથ્ય કરનારા કેટલાક કોંગ્રેસી કાર્યકર્તાઓને બહુ ખરાબ લાગ્યું. એક દિવસ સેવાગ્રામમાં બાપુ સાથે ફરતી વખતે આ ઘટનાનો ઉલ્લેખ કરીને મેં પૂછ્યું, “આપ નાના કાર્યકર્તાઓ પર આટલી સખતાઈ કરો છો, ત્યારે આવા મોટા લોકો સામે કેમ કંઈ કરતા નથી?” બાપુને ટેવ હતી કે જ્યારે કોઈ સવાલ તેમને સારો લાગે તો સારો કહ્યા વગર રહેતા નહીં. આ સવાલ વિશે પણ એવો જ અભિપ્રાય આપીને બોલ્યા, “…તે શરાબ જ નથી પીતા, દુરાચારી પણ છે, પણ હું શું કરું? ઘણા વખતથી આપણા રાજકીય ક્ષેત્રમાં એવું માનવાનો રિવાજ પડી ગયો છે કે વ્યક્તિનું અંગત અને જાહેર જીવન એ બંને અલગ અલગ વસ્તુ છે. મેં એ રિવાજ તોડવાની બહુ કોશિશ કરી, પણ હાર્યો, કારણ કે એમાં મોટામાં મોટા કાર્યકર્તાઓ સખત વિરોધ કરે છે… સાંજે શરાબની બોટલ અને વેશ્યા સાથે લઈને બગીચામાં ફરવા નીકળતા, પણ કોઈની મગદૂર નહીં કે તેમને કંઈ કહે. કારણ કે તેઓ પ્રભાવશાળી પુરુષ તો હતા જ; વળી તે વખતે જનતાના અગ્રગણ્ય સેવક પણ હતા. આ છે આપણા રાજકીય ક્ષેત્રની હાલત! ખાનગી જીવનની શુદ્ધિને રાષ્ટ્રીય કાર્યક્રમનું અંગ બનાવવામાં મને આથી વધારે સફળતા નથી મળી. આથી મેં એવી મર્યાદા આંકી છે કે પોતાના સાથીઓ એટલે કે પોતાની સંસ્થાઓના કાર્યકર્તાઓ પ્રત્યે કઠોર થવું અને બીજાઓ પ્રત્યે ઉદારતા રાખીને ચાલવું.”

                              *

     ખબરપત્રીઓને મુલાકાત આપતી વખતે બાપુ બહુ સાવધ રહેતા. મુલાકાતનો રિપોર્ટ તેમને બતાવીને મોકલવામાં આવે એવો આગ્રહ રાખતા. ખબરપત્રી પોતાની ભૂલ કબૂલ ન કરે અને કહ્યા છતાં ન સુધરે તો પછી તેને મુલાકાત ન આપતા. કેટલાંક પરદેશી છાપાં તો તાર કરીને અને ઉત્તર માટે પૈસા મોકલીને તે તે સમયે ચર્ચાતા મહત્ત્વના પ્રશ્નો વિશે તેમના વિચારો મેળવી લેતાં. આવા તારો ઓછામાં ઓછા શબ્દોમાં મોકલવાની કળા તેમણે એટલી ખીલવી હતી કે તેમાં એક પણ વધારાનો શબ્દ આવતો નહીં. તેઓ જ્યાં જતા ત્યાંનો ટપાલ અને તારનો સમય જાણી લેતા અને ટપાલ વખતસર મોકલવાનું ધ્યાન રાખતા. યંગ ઈન્ડિયા અને હરિજન પત્રોના લેખો તેઓ પ્રવાસમાંથી પણ બરાબર વખતસર મોકલી દેતા. આગગાડીનો સમય પણ જાણતા અને કઈ ગાડીનું કનેકશન ક્યાં મળશે તે પણ તેમને બરાબર યાદ રહેતું. હરિજનયાત્રામાં હું મુદ્રાસથી અજમેર આવવા નીકળ્યો ત્યારે મને ઠેઠ સુધીની ગાડીઓનાં કનેકશન એવાં ચોક્કસ બતાવી દીધાં કે રસ્તામાં મને ક્યાંય કશું પૂછવાની જરૂર ન પડી.

                              *

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
One comment on “બાપુ : મારી નજરે//રામનારાયણ ચોધરી
  1. નિરવ કહે છે:

    ગોપાલ’દાદા ગાંધીજયંતી નિમીતે ખુબ અદભુત પ્રસંગો વહેંચ્યા આપે . . .

    ખરેખર આ સઘળી ઘટનાઓ પાઠ્યપુસ્તકોમાં સમાવેશ પામવી જોઈએ કે જેથી બાળકોને પણ તેમના આ સરળ અને સહજ દાદા વિષે જાણ થાય અને તેઓ ભવિષ્યમાં તેમનું માત્ર કહેવા ખાતર નહિ , પણ હૃદય’થી અનુસરણ કરે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 304,069 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
ઓક્ટોબર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: