રામાયણકથા//(કિષ્કિંધાકાંડ)
વાલ્મીકિની કેડીએ કેડીએ//અમૃતલાલ યાજ્ઞિક
પ્રકાશક: જમનાબાઈ નરસી આધ્યાત્મિક ટ્રસ્ટ–મુંબઈ
પ્રકરણ પહેલું
રામ-લક્ષ્મણ અને હનુમાનનું મિલન
ઋષિના શાપથી રાક્ષસ બનેલા કબંધના મૃત્યુ પછી તેનો અગ્નિસંસ્કાર થયો ત્યારે તેની ચિતામાંથી ધુમાડા વિનાના અગ્નિ જેવો તેજસ્વી દિવસ પુરુષ બહાર નીકળ્યો. તેણે રામને કહ્યું હતું કે પંપા સરોવરથી સહેજ દૂર ઋષ્યમૂક પર્વત ઉપર સુગ્રીવ નામે વાનરશ્રેષ્ઠ રહે છે. તે બળવાન અને તેજસ્વી છે. તેના મોટાભાઈ વાલીએ તેને નગરમાંથી બહાર કાઢી મૂક્યો છે. તેની સ્થિતિ પણ તમારા જેવી થઈ છે તેથી તે ત્યાં જઈને તમે તેની સાથે મૈત્રી બાંધો. મિત્રતા અંગિદેવની સાક્ષીમાં બંધાય તેમ કરો. તેમણે (દિવ્ય પુરુષે) ત્યાંથી ઋષ્યમૂક તરફ જવાનો રસ્તો રામલક્ષ્મણને બતાવ્યો. પછી રામલક્ષ્મણે તે તરફ પ્રયાણ કર્યું. વન તરફ જતાં જતાં રામે વૃક્ષોમાંથી ખરતાં ફૂલો જોઈને ઊંડી પ્રસન્નતા અનુભવી, તેના સૌંદર્ય-ઉદ્-ગારો કાઢતાં રામે લક્ષ્મણને કહ્યું :
જલવૃષ્ટિ કરે મેઘ, પુષ્પ વર્ષાવતા ત્યમ,
પુષ્પોયુક્ત વનો કેરું જો ને સૌંદર્ય લક્ષ્મણ!
વસંત ઋતુનો પ્રારંભ થયેલો હતો. વનનાં અનેકવિધ વૃક્ષો તથા પુષ્પલચિત પુષ્પવૃક્ષો તેમજ જુદી જુદી જાત-ભાતનાં પંખીઓનાં ગીત નાદો સાંભળીને રામ બોલી ઊઠ્યા :
વસંતે વૃક્ષની જોને,પુષ્પોસમૃદ્ધિ લક્ષ્મણ !
ચૈત્ર માસે કરે સ્પર્ધા વૃક્ષો જાને પરસ્પર.
વસંતઋતુનું સૃષ્ટિસૌંદર્ય જોતાં જ રામને સીતાનું તીવ્ર સ્મરણ થયું. સીતાના વિરહથી રામનું હૃદય દુઃખવ્યાકુળતા પ્રબળપણે અનુભવી રહ્યું. અશ્રુ સાથે રામના અંતરના ઉદ્-ગારો નીકળી ગયા કે ‘હવે હું જાનકી વિના જીવી શકીશ નહીં.’ આવી રીતે વિલાપતા અને શોકક્ષુબ્ધ બનેલા. અંતર-વ્યથા અને નિરાશા અનુભવતા રામને જોઈને વાણીનિપુણ લક્ષ્મણે તેમને સ્વસ્થ કરવા માટે કહ્યું :
‘ત્યાગોને શોકને રામ ! હે ભદ્ર પુરુષોત્તમ !
શુધ્ધાત્મા આપ જેવાની ગૂંચવાય નહિ મતિ.’
વળી પાછું કહ્યું કે ‘હે રામ ! બીજું બધું ભૂલીને આપણે રાવનનો નાશ કરવા જઈએ છીએ એનો વિચાર કરવો જોઈએ. એ રાવણ જ્યાં હશે ત્યાં જઈને આપણે તેનો નાશ કરીશું :
‘જશે પાતાળ માંહી કે એથી દુર્ગમ કો સ્થળે
રહેશે રામ ! ના કેમે જીવતો એ જ રાવણ.’
પછી છેવટે લક્ષ્મણે કહ્યું : ‘તમે સ્વસ્થ થાઓ અને શોકને લીધે તમારા જેવા શુદ્ધ અંતઃકરણવાળી અંતરની શક્તિ ઘટે તે યોગ્ય નથી. આપણે જાનકીને પાછા લાવીશું, તેથી હે રામ ! એ માટેનો ઉત્સાહ મંદ ન થવો જોઈએ.’
લક્ષ્મણનાં વચન સાંભળીને રામે તરત શોક અને મોહનો ત્યાગ કરીને અંતરમાં ધૈર્ય ધારણ કર્યું. પછી વનમાંનું સૌન્દર્ય જોતાં જોતાં રામ અને લક્ષ્મણ ઋષ્યમૂક પર્વતની નજીક પહોંચ્યા. તેના શિખરે બેઠેલા રામ અને લક્ષ્મણને નિહાળ્યા. આવા મહાબળવાન વીર પુરુષો જોઈને સુગ્રીવના મનમાં શંકા જાગી : ‘મારો વિનાશ કરવા માટે જ વાલીએ તેમને અહીં મોકલ્યા હશે.’ તેના મનમાં વિષાદ અને બીક જન્મ્યાં. ભયથી તે નિરુત્સાહી બની ગયો. અન્ય વાનરો પણ રામ-લક્ષ્મણ જેવા તેજસ્વી વીર પુરુષોને જોઈને ચારે બાજુ નાસભાગ કરવા લાગ્યા.
ઉદ્વિગ્ન બનેલા સુગ્રીવના મનમાં થયું : હવે અહીં જ રહેવું કે અન્ય સ્થાને જવું ? વાનરોના અધિપતિ સુગ્રીવની ચિંતા જોઈને તેના બધા સચિવો તેમની પાસે ગયા. સુગ્રીવે તેમને કહ્યું :
‘છળથી વલ્કલો ધરી આવ્યા છે ફરતા અહીં
વાલીએ મોકલ્યા દીસે નિશ્ચે દુર્ગમ આ વને.’
સ્વસ્થ ચિત્તે પોતાના હાથ જોડીએ પગે લાગતા બધા મંત્રીઓમાંથી વાણીનિપુણ પ્રધાન મંત્રી હનુમાને સુગ્રીવને કહ્યું : “વાલી છળકપટથી બે ભાઈઓને મોકલ્યા છે એવો ભય રાખવાની જરૂર નથી, તેથી
વાલીની ઉદ્-ભવેલા આ ત્યજોને સૌ મહાભય,
મલયે આ ગિરિશ્રેષ્ઠ વાલીનો ભય છે નહીં.
વાલી અહીં નથી, પછી તમારે ભય રાખવાનું કારણ નથી. હે સુગ્રીવ, તમે સ્થિર ચિત્તે વિચાર કરો. તમે બુદ્ધિજ્ઞાનવાળા છો તેથી આવેલા એ બે ભાઈઓ કેવા છે તે તેમની સાથે વાતચીત કરીને પછી યોગ્ય લાગે તેમ કરજો.”
હનુમાનનાં પ્રસંગોચિત વચનો સાંભળીને સુગ્રીવે ખુશ થઈને તેમને કહ્યું : “હે હનુમાન ! ધનુષ્યબાણ તથા ખડ્ગને ધારણ કરનારા દેવપુત્રની કાંતિ ધરાવતા આ બન્ને પુરુષોને જોઈ મારા મનમાં શંકા ઉત્પન્ન થઈ છે. તેનું કારણ છે :
કાર્યની સિદ્ધિને અર્થે છે વાલી ખૂબ ધીમત
શત્રુને છળવા કેરી રીતે જાણે બધા નૃપ.
પણ હનુમાન ! તું એ બન્નેની પાસે જુદું રૂપ ધરીને જા, અને હાવભાવ તેમજ પ્રશંસાથી તેમને પ્રસન્ન કરીને જાણી લે કે તેઓ બન્ને ધનુષ્યબાણ લઈને શા માટે અહીં વનમાં આવ્યા છે. મને ખાત્રી છે કે જો બન્ને શુદ્ધાત્મા હશે તો તું તેમને તે રીતે જાણી શકીશ. દુષ્ટ હશે તો તેમની સાથેની વાતચીત ઉપરથી દુષ્ટતાની પણ તને ખબર પડશે.”
કપિરાજે કરી આજ્ઞા આ રીતે વાયુપુત્રને,
રામ-લક્ષ્મણ જ્યાં છે ત્યાં જવાની કરતા મતિ.
મહાપ્રતાપી રામ-લક્ષ્મણ જ્યાં હતા ત્યાં જવા હનુમાન ઊપડ્યા. અવિશ્વાસને લીધે તેમણે વાનરનું રૂપ તજીને સામાન્ય તાપસ (ભિક્ષુક)નું રૂપ ધારણ કર્યું. પછી તે રામ-લક્ષ્મણની પાસે જઈને, તેમને પ્રણામ કરીને, હનુમાને તેમનું યથાવિધિ પૂજન કર્યું, તેમની પ્રશંસા કરી અને પછી વિનમ્રતાથી કહ્યું. ‘હે તપસ્વી પુરુષો ! રાજર્ષિ અને દેવર્ષિ સરખા અપ્રતિમ સ્વરૂપવાળા તમે બન્ને ભાઈઓ આ વનમાં ત્રાસ ઉપજાવનાર પ્રાણીઓ વસે છે ત્યાં શા માટે આવ્યા છો ? તમારી કાંતિથી આ સામેનો ઋષ્યમૂક પર્વત ઝળહળી ઊઠ્યો છે. રાજ્યાસનને યોગ્ય તમે બન્ને જટા-વલ્કલ ધારણ કરીને શા કારણથી આ નિર્જન પ્રદેશમાં આવ્યા છો ? તમારી કેડ ઉપર બાંધેલાં પહોળાં અને સોનાની મૂઠવાળાં આ બે ખડ્ગો કાંચળી વિનાના સર્પ જેવાં શોભી રહ્યાં છે…..”
હનુમાને આમ કહ્યું છતાં રામલક્ષ્મણ કાંઈ પણ બોલ્યા નહીં એટલે ફરીથી કહ્યું , “હું તમને આવી નિષ્કપટ રીતે પૂછું છું, છતાં તમે મારી સાથે કેમ કાંઈ બોલતા નથી ?”
આ સાંભળીને રામલક્ષ્મણ એક બીજાની સામે જોવા લાગ્યા, એટલે હનુમાને વિચાર્યું : ‘આ વીર પુરુષો નિર્જન વનમાં આવેલા હોવાથી તેઓ મને પોતાનું વૃત્તાંત નહિ જણાવે, માટે પ્રથમ હું જ તેમને મારું વૃત્તાંત કહી સંભળાવું : પછી તેમને વિશ્વાસ આવશે એટલે તેઓ પોતાની વાત જણાવશે.’ તેમણે બન્ને ભાઈઓને ઉદ્દેશીને કહ્યું :
આમ હું બોલતો તો યે શેં બોલો મુજ સાથ ના ?
હવે હું મારો પરિચય આપું : ઋષ્યમૂક પર્વત ઉપર વાનરશ્રેષ્ઠ સુગ્રીવ રહે છે. તેમના મોટાભાઈ વાલીએ તેમનો ત્યાગ કર્યો હોવાથી દુઃખ પામીને તે ભમે છે, ને અત્યારે અહીં રહે છે. તેમણે મને અહીં મોકલ્યો છે, તેથી હું આપને મળવા આવ્યો છું. સુગ્રીવના હિતને કારણે મેં આ તાપસનું રૂપ ધર્યું છે. હું ઇચ્છું તે રૂપ ધારણ કરી શકું છું અને જ્યાં ઇચ્છું ત્યાં જઈ શકું છું સુગ્રીવે મને મોકલ્યો છે તેથી હું અહીં તમારી પાસે આવ્યો છું. ધર્માત્મા સુગ્રીવ આપની મિત્રતા ઇચ્છે છે. મારું નામ વાયુપુત્ર હનુમાન છે,” આમ બોલીને હનુમાન શાંત રહ્યા.
હનુમાનનાં વચનોથી રામ ખૂબ રાજી થયા. તેમણે લક્ષ્મણની સામે જોઈને કહ્યું : ‘વાનરોના રાજા સુગ્રીવનો સચિવ આ હનુમાન મારી પાસે આવ્યો છે. હું પણ સુગ્રીવને મળવા જ ચાહું છું ! માટે તું હવે આ હનુમાન સાથે વાતચીત કર. હનુમાનની વાણી ઉપરથી તે વેદાંતનો અભ્યાસી જણાય છે, તેથી તે ઉત્તમ રીતે શુદ્ધોચ્ચારથી આપણી સાથે વાતચીત કરી શકે છે.’
સ્પષ્ટ છે પદ એનાં ને સ્પષ્ટ અક્ષરથી ભરી,
હૃદયે હર્ષ દે આવી, વાણી એ વદતો શુભ.’
વાણીનિપુણ લક્ષ્મણે સુગ્રીવના મંત્રી વાણીજ્ઞ હનુમાનને કહ્યું : “હે સુગ્રીવના મંત્રી હનુમાન ! તમે વાનર અધિપતિ સુગ્રીવની ઇચ્છા અમને કહી છે, તે રીતે અમે પણ તેમને મિત્રભાવે મળવા ઇચ્છીએ છીએ, તેમ તમે એમને કહેશો.”
લક્ષ્મણનાં વચનો સાંભળીને હનુમાન ખૂબ હર્ષ પામ્યા. તેમને મનમાં થયું કે ‘હવે સુગ્રીવને કાંઈ ભય નથી; જરૂર તેનો વિજય થશે.’ એટલે હનુમાને સુગ્રીવની રામ-લક્ષ્મણ સાથે મૈત્રી થાય તેવી ઇચ્છા મનમાં કરી. હનુમાન તેથી ખૂબ હર્ષ-પુલકિત બન્યા.
ખૂબ જ સરસ…. આપ શ્રી ને એક વિનંતિ છે. મને કિષ્ક્રિન્ધાકાન્ડ ની ચોપાઈ ની જરૂર છે…
આપ મને મદદ કરશો તો આપ નો હૌ આભારી રહીશ.
ધન્યવાદ..
જય શ્રી રામ..