વાલ્મીકિની કેડીએ કેડીએ//અમૃતલાલ યાજ્ઞિક

રામાયણકથા//(કિષ્કિંધાકાંડ)

વાલ્મીકિની કેડીએ કેડીએ//અમૃતલાલ યાજ્ઞિક

પ્રકાશક: જમનાબાઈ નરસી આધ્યાત્મિક ટ્રસ્ટ–મુંબઈ

પ્રકરણ ત્રીજું(પાના નં: 10 થી 14)

રામ અને સુગ્રીવની કરુણ કથની

        સુગ્રીવ પ્રેમભરી રીતે રામને કહ્યું: ‘હે રામ! તમે આ નિર્જન વનમાં કેમ આવ્યા છો, તમારાં પ્રિય પત્ની સીતાનું છળકપટ કરીને દુષ્ટ રાક્ષસે હરણ કર્યું છે, ને તેમના વિરહવિયોગે તમને અસહ્ય દુ:ખમાં નાખ્યા છે તે બધું હનુમાને મને કહ્યું છે. પણ થોડા સમયમાં જ તમે એ દુ:ખમાંથી મુક્ત થશો, કારણ કે તમારી હરણ થયેલી પત્નીને હું પાછાં લાવી આપીશ :

                નથી   જીરવવી   અન્ન   ઝેરભર્યા     સમ,

                ત્યાગો શોક મહાબાહુ ! સીતા લાવીશ હું તમ.

        તમારાં સહધર્મધારિણી સીતાને રાવણ નામનો રાક્ષસ હરી ગયો છે તેમ તમે કહો છો તેથી મને યાદ આવે છે કે થોડા દિવસ પહેલાં રાકણ નામનો રાક્ષસ એક સુંદરીને ઊંચકીને આકાશમાર્ગે અહીં થઈને ચાલ્યો જતો હતો. તેને અમે સૌએ આ શિખર ઉપર બેઠાં બેઠાં જોયો હતો. એ સુંદરી કરુણ સ્વરે ‘હે રામ ! હે લક્ષ્મણ !’ બોલતી જતી હતી. તે ઉપરથી હું ધારું છું કે જરૂર તે તમારી પત્ની સીતા જ હશે. એ દુષ્ટ રાક્ષસ તે સ્રીને બળાત્કારે હરણ કરીને લઈ જતો હોય તેમ લાગતું હતું, કારણ કે એ સુંદરી તે દુષ્ટ રાક્ષસના ખોળામાં પાશ વડે બંધાયેલી નાગણીની માફક તરફડિયાં મારતી હતી. એ આ રીતે આકાશમાર્ગે જતી હતી ત્યારે તેણે અમને પાંચ વાનરોને એક શિલા પર બેઠેલા જોઈને પોતાનાં શ્રેષ્ઠ આભૂષણો તથા એક ઉત્તરીય વસ્ર અમારા ઉપર ફેંક્યાં હતાં. અમે તે સાચવીને રાખ્યાં છે. તે લઈ આવીને આપને બતાવું છું, આપ તેને સારી રીતે ઓળખી શકશો,’ આ સાંભળતાં જ તરત રામ બોલી ઊઠ્યા :

        રામે આમ કહ્યું કે તરત જ સુગ્રીવ ઊઠીને એ પર્વતની ગુફામાં ગયો અને વસ્રાભરણ લઈ આવ્યો, ને ‘જુઓ, આ !’ એમ કહીને તેણે રામને દેખાડ્યાં. એ વસ્રાભૂષણો સીતાનાં જ હતાં તેથી રામની આંખોમાં અખંડ અશ્રુધારા વહેવા લાગી. રામ લક્ષ્મણને ઉદ્ બોધીને બોલી ઊઠ્યા :

                ‘હરાતાં વાર સીતાએ ફેંક્યાં છે, જો તું લક્ષ્મણ !’

        લક્ષ્મણે તે વસ્રાભૂષણો જોઈને ગદ્-ગદ્ કંઠે કહ્યું : “હે રામ ! હું મારી ભાભી સીતાનાં કેયૂર તથા કુંડળ ઓળખી શક્તો નથી, પણ ઝાંઝરને હું ઓળખું જ છું કારણ કે તેમને પગે લાગતો ત્યારે તે હું જોતો.”

        રામે સુગ્રીવને પૂછ્યું: “હે મિત્ર !તે ભયંકર રૂપવાળો રાક્ષસ સીતાને કઈ તરફ લઈ જતો તારા જોવામાં આવ્યો હતો?

               મૈથિલીને હરી જેણે કર્યો રોષિત છે મને,

               મૃત્ય્દ્વાર ઉઘાડ્યાં છે એણે જીવન અંતનાં.

સુગ્રીવ !સીતાનું હરણ કરનાર મારો શત્રુ ક્યાં રહે છે તે જણાવ એટલે હું તેને યમલોકમાં પહોંચાડું.”

        રામની ઊંડી મનોવેદનાથી સુગ્રીવની આંખમાં પણ આંસુ આવ્યાં. તેણે બન્ને હાથ જોડીને નમ્રતાથી રામને કહ્યું :

        ‘હું એ દુષ્ટ કુળમાં જન્મેલા રાવણના નિવાસસ્થાનને જાણતો નથી, તેમ જ તેના કુળને કે પરાક્રમને પણ જાણતો નથી. પણ તમે ચિંતા ન કરો, કારણ કે

                કરું હું યત્ન જેનાથી મળે મૈથિલી આપને,

                પ્રતિજ્ઞાથી કહું સત્ય, ત્યજો શોક અરિંદમ !

        આપ પ્રસન્ન થાઓ તેમ કરવાનો હું સત્વર પ્રયત્ન કરીશ. હે રામ ! તમારી માફક જ મને પણ પત્નીવિયોગનું મહાદુ:ખ થયું છે, છતાં પણ્ હું ધૈર્ય રાખું, તેથી હું આપને વિનવું છું કે

                આવતાં અશ્રુને આપે રોકવા ધૈર્યથી ઘટે,

                ત્યાગો ના ધૈર્યને છે જે મર્યાદા સત્ત્વશીલની.”

        આમ, મધુર વચનો કહીને સુગ્રીવે રામને સાંત્વન આપ્યું એટલે રામે પોતાનાં આંસુ વસ્ત્રના છેડલાથી લૂંછયાં અને પછી રામ સુગ્રીવને પ્રેમથી ભેટ્યા. રામે કહ્યું :

                ‘કરી છે સાંત્વના તેથી થયો છું સ્વસ્થ હું સખા !

                ખરે દુર્લભ છે મિત્ર વળી વિશેષ   આ સમે.

        હે મિત્ર સુગ્રીવ ! હવે સીતાની શોધ કરવા માટે તેમ જ દુષ્ટ રાવણનો સંહાર કરવા માટે તમારે પ્રયત્નશીલ થવાનું છે. તમારું કાંઈ પણ કામ હું કરી શકું તેમ હોય તો તમે મને નિર્ભયતાથી જણાવો. વર્ષાઋતુમાં સારા ફળદ્રુપ ખેતરમાં વાવેલું બીજ જેમ સફળ થાય છે, તેમ તમે મને સોંપશો તે કામ સફળ થશે જ. મેં તમને અભિમાનથી ઘટે છે, કારણ કે

                કદાપિ ના વદ્યો જૂઠું, વદું ના હું કદી પણ,

                પ્રતિજ્ઞાથી કહી આવું, સત્યનું હું લઉં ‘પણ.’

        ત્યાર પછી રામ અને સુગ્રીવ એકાંતમાં મિત્રભાવથી મળીને એકબીજાની સુખદુ:ખની વાતો કરવા લાગ્યા. રામનાં આવાં મિત્રપ્રેમથી વ્યક્ત કરેલાં વચનો સાંભળીને હવે પોતાનું કાર્ય અવશ્ય સફળ થશે એવી સુગ્રીવને ખાત્રી થઈ. સંતોષ પામેલા સુગ્રીવે રામને કહ્યું :

                ‘કૃપા નિ:શંક દેવોની સૌ રીતે મુજની   પર,

                ગુણી મિત્ર થયા પ્રાપ્ત આપના સરખા મને.

        હે નિષ્પાપી રામ ! આપની મદદથી મને મારું રાજ્ય પાછું મળશે તેની મને ખાત્રી છે. અગ્નિની સાક્ષીમાં આપના જેવા રાઘવકુળના મિત્ર મને મળ્યા તેથી બંધુ-મિત્રોમાં મારું માન વધ્યું છે તેમ હું માનું છું કે

                જોઈને સ્નેહ નિષ્પાપી! થાય છે મિત્ર કારણ,

                ધનત્યાગ, સુખત્યાગ, દેશનો ત્યાગ રાઘવ !’

સુગ્રીવને રામે કહ્યું, “હે વાનરેન્દ્ર! આપે કહ્યું તે યોગ્ય જ છે. મૈત્રી તેવી જ હોવી જોઈએ.”

બીજે દિવસે સવારે નિત્યકર્મથી પરવારીને રામ અને લક્ષ્મણ કાંઈ પણ બિછાવ્યા વિના પૃથ્વી પર બેઠા. તેમને બેઠેલા જોઈને સુગ્રીવે સાલવૃક્ષની પાંદડાંવાળી જમીન પર આસન બિછાવીને રામલક્ષ્મણને તેના ઉપર બેસાડ્યા, ને પોતે પણ એવી બેઠક પર બેઠા. પછી સુગ્રીવે સ્નેહભરી મધુરવાણીથી કહ્યું: “હે રાઘવ! મારા ભાઈ વાલીએ મને કાઢી મૂકવાથી તથા મારી પત્નીનું    હરણ કરવાથી મારે તેની સાથે દઢ વેર બંધાયું છે. હું તેનાથી ઘણો ત્રાસ પામ્યો છું, ને ભયગ્રસ્ત બન્યો છું. માટે સર્વ લોકોને નિર્ભય બનાવનાર રામ! મારા જેવા વાલીના ભયથી પીડા પામનાર ઉપર કૃપા કરવા યોગ્ય છો.”

રામે હસીને કહ્યું: “હે સુગ્રીવ! ઉપકાર કરવો એ સન્મિત્રનું લક્ષણ છે, ને અપકાર કરવો એ શત્રુનું લક્ષણ છે, તેથી હું તારી ભાર્યાનું હરણ કરનાર દુષ્ટ વાલીનો વધ કરીશ. મારા સુતીક્ષ્ણ બાણોથી વાલી નામનો દુશ્મન હણાશે.” સુગ્રીવે આ સાંભળીને અનન્ય પ્રકારનો હર્ષ અનુભવ્યો, ને બોલ્યો :

‘રામ! હું શોકથી ગ્રસ્ત, આપ શોકાર્તની સ્થિતિ

જાણીને આપને મિત્ર, દુ:ખ જણાવતો મુજ.’

આમ બોલતાં તેની આંખો આંસુથી ઉભરાઈ. પછી બોલ્યો: “હે રામ! આપ બન્ને જોઈને પ્રથમ મને શંકા ઉત્પન્ન થઈ કે વાલીએ આપને મોકલ્યો હશે, તેથી હું આપની પાસે ન આવ્યો, ને મારા વિશ્ર્વાસુ મિત્ર હનુમાનને ત્યાં મોકલ્યો. હવે આપની પાસે ન આવ્યો, ને મારા વિશ્ર્વાસુ મિત્ર હનુમાનને ત્યાં મોકલ્યો. હવે મેં મારા શોકનો અંત આવે તેથી આપને મિત્ર તરીકે મારી અંતર્ગત વાત કરી છે.”

        રામે કહ્યું, “હે સુગ્રીવ! તમારે વાલી સાથે કેમ વેર થયું? હું તે જાણવા – સાંભળવા ઈચ્છું છું. તમારા બન્નેના વેરનું કારણ તથા બન્નેનાં બળાબળ જાણ્યા પછી હું તમને સુખ થાય તેમ કરીશ. વાલીએ વિના અપરાધે તમારું અપમાન કર્યું છે એ સાંભળીને મને તેના તરફ ક્રોધ ઉત્પન્ન થયો છે. હવે હું મારા ધનુષ્યને સજ્જ કરું છું, એટલા સમયમાં તમે મારા પ્રશ્ર્નોના જવાબ આપો. મારાં બાણોથી તમારા શત્રુ વાલીનો વધ થયો છે તેમ નક્કી માનજો.”

        રઘુવીર રામનાં વચનો સાંભળીને હનુમાન અને તેના ચાર સાથી વાનરો તથા કપીશ્વર સુગ્રીવ અત્યંત હર્ષ પામ્યાં. પછી વાલીની સાથે પોતાને વેર થવાનું કારણ રામને પ્રસન્નવદને સુગ્રીવ કહેવા લાગ્યો.

                                                        *

 

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 287,488 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
ઓગસ્ટ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: