આચમન–‘વિષ્ણુસહસ્રનામ-આંતર પ્રવેશ ’ મકરન્દ દવે -કાંતિલાલ કાલાણી

‘વિષ્ણુસહસ્રનામ-આંતર પ્રવેશ ’ મકરન્દ દવે -કાંતિલાલ કાલાણીgita4ko8

(પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર)–માંથીશ્રાવણના પવિત્ર મહિનામાં થોડું આચમન

     યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણને પૂછ્યું કે ‘તમે કોનું ધ્યાન ધરી રહ્યા છો?’ ત્યારે મહાપુરુષ ભીષ્મની પ્રશંસા કરતાં શ્રીકૃષ્ણે જે કહ્યું તે ધ્યાનમાં લેવા જેવું છે :

દિવ્યાસ્રાણિ મહાતેજા યો ધારયતિ બુદ્ધિમાન્ |

સાડ્ગાશ્ચ ચતુરો   વેદાંસ્તમસ્મિ મનસા ગત: |

આધારં સર્વવિદ્યાનાં તમસિ મનસા ગત: ॥

                                         ( શાંતિપર્વ, 46 :17)

       મહાબુદ્ધિમાન અને મહાતેજસ્વી એવા જે ભીષ્મ દિવ્ય અસ્રોને તથા સાંગોપાંગ ચારે સંપૂર્ણ રીતે જાણે છે, તે ભીષ્મની પાસે હું મન દ્ધારા ગયો હતો. જેઓ સર્વ વિદ્યાઓના આધારરૂપ છે તેમની પાસે હું મન દ્વારા પહોંચી ગયો હતો.

        મહર્ષિ વેદવ્યાસે તો ઘણી વાર ભીષ્મના મહિમાનું વર્ણન કર્યું છે. અહીં એક જ પ્રસંગ લઈએ. તેઓ યુધિષ્ઠિરને કહે છે કે :

                શ્રોતુમિચ્છસિ  ચેદ્ધર્માત્ન્નખિલેન    નરાધિપ |

              પ્રેહિ ભીષ્મં   મહાબાહો વૃદ્ધં કુરૂપિતામહમ્ |

              સ તે સર્વરહસ્યેષુ સંશયાન્ મનસિ સ્થિતાન્ |

              છેત્તા ભાગીરથીપુત્ર: સર્વજ્ઞ: સર્વતત્ત્વવિત્ ॥

                                                                                    ( શાંતિપર્વ, 37 : 6 – 7)

        હે રાજા, ધર્મનું પૂર્ણ સ્વરૂપ સાંભળવાની જો તમારી ઇચ્છા હોય તો તમે કુરુઓમાં વૃદ્ધ એવા ભીષ્મ પિતામહની પાસે જાઓ. ધર્મરહસ્યોના સંબંધમાં તમારા જેટલા સંશયો હશે તે સર્વને ગંગાપુત્ર ભીષ્મ દૂર કરશે; કારણકે ભીષ્મ સર્વંજ્ઞ હોવાથી સર્વ ધર્મોને જાણે છે.

        ધર્મોના જ્ઞાતા તરીકે શ્રીકૃષ્ણ અને મહર્ષિ વ્યાસ સુખ્યાત હતા. તેઓ ભીષ્મ પિતામહને ધર્મજ્ઞ તરીકે અસામાન્ય મહત્ત્વ આપે છે તે દર્શાવે છે કે એ યુગમાં તેઓ વરિષ્ઠ ધર્મજ્ઞ હતા.

        ભીષ્મ પિતામહના પોતાના જ શબ્દોમાં તેમના વ્યક્તિત્વને જોઈએ :

                યચ્ચ ભૂતં ભવિષ્યચ્ચ ભવચ્ચ પરમચ્યુત |

              તત્સર્વમનુપશ્યામિ   પાણૌ   ફલમિવાહિતમ્ ॥

              વેદોત્કાશ્ર્ચૈવ યે ધર્મા વેદાંતનિયતાશ્ર્ચ યે |

              તાન્ સર્વાન્ સંપ્રપશ્યામિ વરદાનાત્તવાચ્યુત..|

              વક્તું શ્રેય: સમર્થોડસ્મિ ત્વત્ત્પ્રસાદાજ્જનાર્દન ॥

                                     (શાંતિપર્વ, 54 : 18 : 19 : 23)

        હે પરમ તેજસ્વી પ્રભુ ! ભૂતકાળના, ભવિષ્યકાળના તેમ જ વર્તમાનકાળના સર્વ વિષયોને હું હાથમાં રહેલા ફળની જેમ પ્રત્યક્ષ જોઈ શકું છું. હે અચ્યુત! તમારા વરદાનના પ્રભાવથી વેદ અને વેદાંતમાં કહેલા સર્વ ધર્મોનું જ્ઞાન હું સારી રીતે જાણી શક્યો છું. હે જનાર્દન ! હવે તમારી કૃપાથી સર્વ વિષયોનો શ્રેયસ્કર ઉપદેશ આપવા હું સમર્થં છું.

        સર્વ જ્ઞાનયજ્ઞોમાં ભીષ્મને કંઈ પણ અજાણ્યું નથી. સર્વ ધર્મોનાં તત્ત્વોને જાણનારા ભીષ્મ બાણશય્યા પર સૂઈ ઉઅત્તરાયન આવે તેની રાહ જુએ છે. તેમનું શરીર આરપાર વીંધાઈ ગયું હોવા છતાં ભગવદ્ સ્મરણ કર્યા કરવું અને યુધિષ્ઠિરને રાજધર્મની સંપૂર્ણ સમજ આપવી એ એમની અસાધારણ આત્મશક્તિનાં દ્યોતક છે. ભગવદ્ નામથી અસહ્ય પીડા સહ્ય બનાવી શકાય છે એટલું જ નહીં પણ ભગવદ્-ગુણગાનથી પરમ શાંતિ અને આનંદનો અનુભવ કરી અને કરાવી શકાય છે એવું તેમણે પોતાના અનોખા આચરણથી સિદ્ધ કરી બતાવ્યું છે.

        ભગવદ્તત્ત્વ અગાધ અને અપ્રમેય છે. એને અગોચર, બુદ્ધિથી પર, અનિર્વચનીય અને અનંત કહ્યું છે. કલ્પનાતીત અને જ્ઞાનાતીત એવા આ તત્ત્વને શ્રુતિ ‘નેતિ’, કહે છે. એક, અદ્ધિતીય, અનુપમ, અભેદ, વ્યાપક અને શુદ્ધ એવું આ તત્ત્વ નિરાકાર – રૂપરહિત છે, ગુણાતીત છે, અખંડ, અનાદિ અને અનંત છે. એ અનામી – નિર્ગુણ – નિરાકાર હોવા છતાં ભક્તોએ એને સગુણ અને સાકાર પણ કહ્યું છે.

        ભગવદ્તત્ત્વ પૂર્ણ છે. એમાં બધું સમાવિષ્ટ થઈ જાય છે. એટલે એનું વર્ણન કરતાં એને નિર્ગુણ અને સગુણ, નિરાકાર અને સાકાર, અવ્યક્ત અને વ્યક્ત, ગુણરહિત અને ગુણસંપન્ન એવાં વિશેષણો યોજવામાં આવે છે. તત્ત્વનાં આ સકલ લક્ષણોને ધ્યાનમાં રાખી ભીષ્મ પિતામહે ભગવદ ગાન કર્યું છે.

        આ તત્ત્વ માટે અવ્યય, અક્ષર, અપ્રમેય, અમરપ્રભુ, અગ્રાહ્ય, શાશ્ર્વત, અજ, અમોધ, અતુલ, અનંત, અવ્યક્ત એવાં નામ પ્રયોજ્યાં છે, તેમ કપિલ, કૃષ્ણ, કેશવ, ગદાધર, ગરુડધ્વજ, ધનંજય, નહુષ, પ્રદ્યુમ્ન, ભીમ, મધુસૂદન, મહાદેવ, મહાવરાહ, મહેન્દ્ર, માધવ, વનમાલી, વામન, વિષ્ણુ, શિખંડી, શિવ, સ્કન્દ, હરિ, હલાયુધ, હૃષીકેશ જેવાં દૈવી અથવા માનુષી નામો પણ આ તત્ત્વને આપવામાં આવ્યાં છે.

        વિષ્ણુ સાથે જોડાયેલા સહસ્ર શબ્દ અનંતવાચક છે. શ્રુતિ પરમાત્માને સહસ્રશીર્ષ પુરુષ: કહે છે. વિષ્ણુસહસ્રનામમાં સહસ્રમૃર્ધા, વિશ્ર્વાત્મા, સહસ્રાક્ષ:, સહસ્રપાત્, અસંખ્વ્યેય:, અનેકમૂર્તિ:, શતમૃર્તિ:, શતાનન:, અનન્તરૂપ:, બહુશિર:, વિશ્ર્વબાહુ:, સર્વતોમુખ: એવાં નામ આપીને તેમનું વર્ણન કરવામાં આવ્યું છે.

        પરમાત્મા અનંત નામધારી હોઈ તેમની આ રીતે સ્તુતિ કરવામાં આવે છે :

                નમોડસ્ત્વનંતાય સહસ્રમૂર્તયે

                 સહસ્રપાદાક્ષિરોરૂબાહવે

              સહસ્રનામ્ને પુરૂષાય શારવતે

                 સહસ્રકોટીયુગધારિણે નમ: |

        હજારો સ્વરૂપવાળા, હજારો ચરણ, નેત્ર, મસ્તક, સાથળ અને બહુવાળા, સહ્યસ્ર નામવાળા તથા સહસ્ર કોટી યુગોને ધારણ કરનારા શાશ્ર્વત એવા પરમ પુરુષને નમસ્કાર હો.

        શ્રીમદ્દભગવદ્ ગીતાના 11મા અધ્યાયમાં વિશ્વરૂપનું જે વર્ણન કર્યું છે તે એક રીતે તો અનંત પરમાત્માનો જ સંકેત કરે છે:

                અનેકબાહૂદરવક્ત્રનેત્રમ્

                     ઓઅસ્યામિ ત્વાં સર્વતાડનંતરૂપાદમ્ || 16

        તમને હું અનેક હાથ, ઉદર, મુખ અને નેત્રવાળા, સર્વ આજુએ અનંત રૂપવાળા જોઉં છું.

                અથવા તો

                        રૂપં મહત્ તે બહુવક્ત્રનેત્રમ્

                           મહાબાહો ! બહુબાહૂરૂપાદમ્ |

                     બહૂદરં બહુદંષ્ટ્રાકરાલમ્

                           દૃષ્ટ્વા લોકા: પ્રવ્યથિતાસ્ તથાડહમ્ ॥ 23

       હે મહાબાહો ! ઘણાં મુખ અને આંખોવાળું, ઘણા હાથ, જાંગ્હ અને પગવાળું, ઘણાં પેટવાળું, ઘણી દાઢો વડે વિકરાળ દેખાતું વિશાળ રૂપ જોઈને લોકો વ્યાકુળ થઈ ગયા છે. તેમ જ હું પણ વ્યાકુળ થયો છું.

            આ મહાવિનાશક સ્વરૂપ સાથે ભગવાનનું નયનમનોહર સુંદર સ્વરૂપ પણ છે. આ સમસ્ત વિશ્ર્વ પરમાત્માનું જ પ્રગટીકરણ છે. અહીં જે કાંઈ છે તે પરમાત્માના જ અંગરૂપ છે. સૃષ્ટિનાં સકલ દ્ધન્દ્ધો એમના જ અંશરૂપ છે. ભગવાને ગીતામાં કહ્યું છે :

                                નાસ્ત્યન્તો વિસ્તરસ્ય મે |

       મારા વિસ્તારનો અંત છે જ નહીં.

        ભગવદ્દતત્ત્વ સર્જનમાત્રાના આદિમાં, મધ્યમાં અને અંતમાં વિલસી રહ્યું છે:

                અહમ્ આત્મા ગુડાકેશ !     સર્વભૂતાશયસ્થિત: |

              અહમ્ આદિશ્ચ મધ્યં ચ ભૂતાનામ્ અંત એવ ચ ॥

                                                                (ગીતા, 10 : 20 )

 

        હે ગુડાકેશ ! હું બધાં પ્રાણીઓનાં હૃદયમાં રહેલો આત્મા છું. હું જ ભૂતમાત્રનો આદિ, મધ્ય અને અંત છું.

        ભગવાન પોતે શેમાં શું છે તેનું વર્ણન કરી કહે છે : મારી દિવ્ય વિભૂતિઓના અંત નથી… જે કાંઈ વિભૂતિમાન, લક્ષ્મીવાન અથવા પ્રભાવશાળી છે તે મારા તેજના અંશથી જ થયેલું જાણ… મારા એક અંશમાત્રથી આ આખા જગતને ધારણ કરીને હું રહેલો છું. (ગીતા, : 10 : 40-42.)

        જગત નામરૂપમય છે. જે એક અને અદ્ધિતીય છે તે માયા અથવા અવિદ્યાને કારણે ભિન્ન ભિન્ન લાગે છે. વાસ્તવમાં સચ્ચિદાનંદરૂપ પરમાત્માનું નથી કોઈ પ્રાકૃતિક નામ કે પ્રાકૃતિક રૂપ. ભગવદ્ નામ સિવાયનાં સકલ નામ પ્રાકૃતિક છે. ભગવદ્ નામ પ્રકૃતિના બંધનમાંથી છોડાવતું ચિન્મય નામ છે. એ નામ સ્વયં આપણને જગાડનારું છે. એટલે એનું મહત્ત્વ છે.

        નામીનું મહદ્ ન આમ અને સ્વરૂપ હૃદયમાં ધારણ થઈ જાય છે ત્યારે આપણું ક્ષુદ્ર નામ અને રૂપ છૂટી જાય છે. આ જીવનમાં જેને નામ-રૂપની ગાંઠ છોડતાં આવડી તે મુક્ત થઈ જાય છે. એટલે મુંડક ઉપનિષદે પણ નામ-રૂપનો ત્યાગ કેવી રીતે થાય છે તે વિષે કહ્યું છે :

        યથા નદ્ય: સ્યન્દમાના: સમુદ્રેડસ્તં ગચ્છંતિ નામરૂપે વિહાય |

       તથા વિદ્ધાન્નામરૂપાદ્ધિમુક્ત: પરાત્પરં પુરુષમુપૈતિ દિવ્યમ્ ॥

                   ( 3 : 2 : 8 )

       જેવી રીતે વહેતી નદીઓ પોતપોતાનાં નામ-રૂપ ત્યજી દઈને સાગરમાં શમી જાય છે, તેથી જ રીત જ્ઞાની નામ-રૂપથી છૂટીને પરાત્પર એવા દિવ્ય પુરુષને પામે છે.

        પ્રશ્ર ઉપનિષદે આ જ વાત બીજી રીતે કહી છે:

        સ યથેમા નદ્ય: સ્યન્દમાના: સમુદ્રાયણા: સમુદ્રં પ્રાપ્યાસ્તં ગચ્છન્તિ મિદ્યેતે તાસાં નામરૂપે સમુદ્ર ઇત્યેવં પ્રોચ્યતે | એવમેવાસ્ય પરિદ્રષ્ટુરિમા: ષોડશ કલા: પુરુષાયણા: પુરુષં પ્રાપ્યાસ્તં ગચ્છન્તિ મિદ્યેતે તાસાં નામરૂપે પુરુષ ઇત્યેવં પ્રોચ્યતે | (6 : 5 )

        જેવી રીતે સાગર તરફ વહેતી નદીઓ સમુદ્રને મળીને વિલય પામી જાય છે અને તેમનાં નામરૂપ બદલાઈ જાય છે અને તેઓ સાગર તરીકે જ ઓળખાય છે, તેવી જ રીતે બધું જોનારા આ દ્રષ્ટાની પુરુષ તરફ જતી સોળ કળાઓ પુરુષને મળીને વિલય પામી જાય છે અને તેમનાં નામરૂપ ભેદાઈ જાય છે. માત્ર તેઓ પુરુષ તરીકે જ ઓળખાય છે.

        નામ-રૂપમાંથી મુક્ત થવું દુષ્કર છે. હજી રૂપમાંથી કોઈ મુક્ત થવા ધારે તો થઈ શકે છે, પણ નામમાંથી છૂટવું અઘરું છે. એમાંથી મુક્ત થવાનો ઉપાય ભગવાનનાં સહસ્રનામમાં એટલે કે અનંત નામમાં રહેવા દેતો નથી, તેમ ભગવાનનાં અનંત નામ સાથે તાદાત્મ્ય સધાય ત્યારે ક્ષુદ્ર, ક્ષણભંગુર નામરૂપમાં બદ્ધ જીવાત્માનો પરમાત્મામાં લય થઈ જાય છે. જો કે તેની શરૂઆત થાય છે મૂર્તરૂપથી. મૂર્તિપૂજામાંથી નામજપ, માનસીપૂજા અને અંતે તત્ત્વ સાથે તદ્રૂપતા એ ક્રમે આગળ વધવાનું હોય છે :

                        પ્રથમા પ્રતિમા પૂજા જપસ્તોત્રાણિ મધ્યમા |

                     ઉત્તમા માનસી પૂજા સોડહમ્ પૂજોત્તમોત્તમા ॥

        વિષ્ણુઅસહસ્રનામ જપસ્તોત્ર છે. નામજપથી નામી કેવી રીતે જાગ્રત થાય છે તેની વિવિધ રીતોનું વર્ણન ભગવદ્દનામોની વિચારણા કરતી વેળા રજૂ કરાયું છે. સૌથી મહત્ત્વની વાત બહિર્મુખ વૃત્તિને અંતર્મુખ કરવાની છે. અંતર્મુખતા એ સાધનાનું પ્રથમ પગથિયું છે. એમાં નામસ્મરણ ઘણું સહાયરૂપ થાય છે. અહીં એવો પ્રશ્ર ઊઠી શકે કે ભગવદ્દતત્ત્વનું નામ દ્ધારા સ્મરણ કરતી વેળા નામનું રહસ્ય જાણવું અનિવાર્ય ખરું ?

        નામની પાછળ જે ભાવ, દર્શન અને પરમાત્માની લીલા પ્રગટ-અપ્રગટપણે રહ્યાં છે તે જાણતા હોઈએ તો નામસ્મરણ કરતી વેળા વિશેષ આનંદ થાય, મન ખીલે બંધાય અને કાળાંતરે નામી સાથે એકરૂપતા સધાય.

        શ્રીમદ્ ભાગવતકારે તો અજાણતાં ભગવાનનું નામ હોવાય તેનો પણ મહિમા કર્યો છે. અજામિલની કથાને અહીં યાદ કરી શકીએ. એના પુત્રનું નામ નારાયણ હતું. અજામિલના અંતિમ શ્વાસ ચાલી રહ્યા હતા ત્યારે તેણે નારાયણ – નારાયણ કહીને પુત્રને બૂમ પાડી. દરમ્યાન એનો પ્રાણ નીકળી ગયો.

        જીવનની ઉત્તરાવસ્થામાં એણે પાપ કરેલાં એટલે એને યમદૂતો લેવા આવ્યા. બીજી બાજુ વિષ્ણુદૂતો પહોંચી ગયા. આ જીવાત્માને કોણ લઈ જાય તે માટે વાદવિવાદ થયો. યમદૂતોએ યમરાજા પાસે જઈ ફરિયાદ કરી ત્યારે યમદેવે કહ્યું : “પ્રિય દૂતો, ભગવાનના નામોચ્ચારણનો મહિમા તો જુઓ ! અજામિલ જેવો પાપી પણ એક વાર નામોચ્ચારણ કરવા માત્રથી મૃત્યુપાશથી મુક્તિ પામે છે. ભગવાનનાં ગુણ, લીલા અને નામોનું સારી રીતે કરેલું કીર્તન મનુષ્યોનાં પાપોનો સર્વથા વિનાશ કરી નાખે એ કાંઈએનું બહુ મોટું ફળ નથી; કારણ કે અત્યંત પાપી અજામિલે મૃત્યુ વેળા ચંચલ ચિત્તથી પોતાના પુત્ર નારાયણનું નામ ઉચ્ચાર્યું. આ નામ-આભાસમાત્રથી જ એનાં સકલ પાપ ક્ષીણ થઈ ગયાં અને તેને મુક્તિ મળી…

        “પ્રિય દૂતો, બુદ્ધિમાન પુરુષ આવું વિચારી પરમાત્મામાં સંપૂર્ણ અંત:કરણથી પોતાનો ભક્તિભાવ સ્થાપિત કરે છે. તેઓ મારા દંડપાત્ર નથી. પહેલી વાત તો એ કે તેઓ પાપ કરતા જ નથી, પણ જો કદાચ સંયોગવશ કોઈ પાપ થઈ જાય તો ભગવાનનાં ગુણગાન એને તત્કાલ નષ્ટ કરી દે છે. જે સમદર્શી સાધુ ભગવાનને જ પોતાનાં સાધ્ય અને સાધન બંને સમજી એમના પર નિર્ભર છે તેમની રક્ષા ભગવાનની ગદા સદૈવ કરે છે. તમે એમની પાસે ભૂલથી પણ ન જતા. એમને શિક્ષા કરવાનું સામર્થ્ય નથી આપણામાં કે નથી સાક્ષાત્ કાળમાં.”

        યમરાજે દૂતોને આવાં વચન કહ્યાં તેના પર ટીકાટિપ્પણ કરતાં શ્રીશુકદેવજીએ પરીક્ષિતને કહ્યું કે “તમે પણ સમજી લો કે મોટામાં મોટાં પાપ અને વાસનાઓને નિર્મૂળ કરવાનું પ્રાયશ્ચિત્ત આ જ છે કે કેવળ ભગવાનનાં ગુણો, લીલાઓ અને નામોનું કીર્તન કરવું. એનાથી જ સંસારનું કલ્યાણ થઈ શકે છે. જે લોકો વારંવાર ભગવાનના ઉદાર અને કૃપાપૂર્ણ ચરિત્રોનું શ્રવણ-કીર્તન કરે છે એમનાં હૃદયમાં પ્રેમમયી ભક્તિનો ઉદય થઈ જાય છે. એ ભક્તિથી જેવી આત્મશુદ્ધિ થાય છે એવી આત્મશુદ્ધિ કૃચ્છ-ચાન્દ્રાયણ વગેરે વ્રતોથી થતી નથી.

        શ્રીમદ્ ભાગવતકાર નામસંકીર્તનનો મહિમા સમજાવતાં કહે છે કે :

                        અજ્ઞાનાદથવા જ્ઞાનાદુત્તમશ્ર્લોકનામ યત્ |

                     સંકીર્તિતમઘં પુંસો     દહેદેધો યથાનલ: ॥

                                                                       (6:2:18)

        જેવી રીતે જાણતાં અથવા અજાણતા લાકડાને અગ્નિનો સ્પર્શ થઈ જાય તો તે લાકડું ભસ્મ થઈ જાય છે, તેવી રીતે જાણી જોઈને અથવા અજાણમં ભગવાનના નામનું સંકીર્તન કરવાથી મનુષ્યનાં સકલ પાપ ભસ્મ થઈ જાય છે.

વધુ આવતે અંકે

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 286,247 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
ઓગસ્ટ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: