સત્યકથા //મુકુન્દરાય પારાશર્ય

                         સત્યકથા//  મુકુન્દરાય પારાશર્યlogo-download

                                 એક ગુરુપુષ્યામૃતયોગ

આ શીર્ષક જ્યોતિષવિદ્યાને લગતું છે. આકાશમાં બાર રાશિ વચ્ચે સત્યાવીશ નક્ષત્રો વહેંચાયેલાં છે. તેમાં કર્ક રાશિમાં પુષ્ય નક્ષત્ર આવે છે. ચન્દ્ર દર માસે એક વખત તેના પરથી પસાર થાય છે. ચન્દ્ર એ નક્ષત્ર પરથી ગમે તે વારે નીકળી શકે, પણ એ ગુરુવારે જ નીકળે તેવું તો ભાગ્યે જ બને છે. એવું થાય તેને ગુરુપુષ્યામૃતયોગ ગણવાયો છે. તેમાંય ગુરુવારના પ્રારંભથી ચન્દ્ર નક્ષત્ર પર હોય ને તે દિવસ પૂર્ણિમાનો હોય તેવો યોગ બહુ વિરલ છે. આવી પોષી પૂનમ જોવા હું ભાગ્યશાળી થયો છું.

     પ્રભાશંકર પટ્ટણી(1862-1938)ના અવસાન પછી ત્રણ વરસે તેના અંગત સેક્રેટરીએ કરેલી આ વાત મારા શબ્દોમાં રજૂ કરું છું.

     1934ની શરૂના શિયાળામાં એક દિવસ કોઠી સાથે કામ હોવાથી પ્રભાશંકર રાજકોટ ગયેલા. ભાવનગર તરફથી ગાડી ઊપડવાને પોણા કલાકની વાર હતી. તે વખતે પ્રભાશંકર તેમના બે સેક્રેટરી સાથે રાજકોટ સિટી સ્ટેશને આવી ગયા. એ સ્ટેશનેથી સામાન્ય રીતે ઘણા ઓછા ઉતારુઓ ચડતા. એક સેક્રેટરી પૉર્ટફોલિયા સાથે બાંકડે બેઠા ને પ્રભાશંકર પ્લૅટફૉર્મના આ છેડેથી તે છેડે ફરવા નીકળ્યા. પ્લૅટફૉર્મના છેડેથી જરા આગળ તેમણે સાંધાવાળાનું ક્વાર્ટર જોયું.

     બાજુમાં કાચી છાપરી નીચે એક ભેંસ ને ગાય બાંધેલાં જોઈ તે ત્યાં ગયા. એક આધેડ બાઈ સામે આવી, આવકાર આપતાં બોલી કે, “પધારો મહાતમાજી.” આમ કહી ખાટલો ઢાળી તે પર ગોદડું નાખી કહ્યું કે, “હ્યાં બેસો.” પ્રભાશંકરે બેસતાં કહ્યું કે, “દુઝાણું જોયું એટલે તમારે આંગણે બેસવા આવ્યો. ઘરમાંથી ક્યાં. ફરજ પર ગયા છે ?” સામે નીચે બેસતાં બાઈએ હા કહી ને પૂછ્યું, “મહાતમા બાપુ, તમે કોણ, કાં રો’ છો ?” પ્રભાશંકરે કહ્યું, “હું મહાત્મા નથી, બ્રાહ્મણ છું. પણ પચાસ વરસથી એક રાજની નોકરી કરું છું. ભાવનગર રહું છું. ઢોર બહુ ગમે ને એ જેને ત્યાં હોય ત્યાં જાવું-બેસવું ગમે.” બાઈએ કહ્યું, “દેવ, મારે હ્યાં તો ભગવાને દીધાં બે જ ઢોર છે, ઝાઝાં નથી. તમારાં પગલાં થ્યાં, હવે ઝાઝાં થાય ઈમ માગું. પણ બાપુ, તમે ભલે કો’ કે રાજનો નોકર છું પણ હું માનું નૈં. તમે તો મે’ની ઘોણે દયા કરવા આવ્યા છો, નહીંતર આંઈ વગડામાં આટલે છેટે છાપરીએ કોણ આફૂડું ડોકાય ? કોણ સાધુમા’તમા આવે ? આવ્યા છો તો હમણે જ ગા દોઈ છે, દૂધ લેસો ? તાંસળી ભરી દઉં, સેડકઢું છે.” પ્રભાશંકરે કહ્યું કે, “બે’ન, દૂધ તો નથી પીવું, છાશ દ્યો તો પીઉં.” “શીદં નો દૌં, ઈ પીયો,” કે’તી બાઈ ઊઠી ને એક હાથમાં ભરી તાંસળી ને બીજા હાથમાં છાશની દોણી લઈ આવી. કીધું કે, “રોજ સવારે કરીએ છૈં.” બાઈએ કહ્યું, “છાશમાં શું વખાણ ? સંધેય સરખી.” પ્રભાશંકરે કહ્યું, “માડી, મને ફેર લાગે.”

     બાઈએ કહ્યું, બાપુ, કાંક ઉપદેશ દો.” પ્રભાશંકરે કહ્યું, “એ દેનારો હું નથી. મળેલા ઉપદેશ મુજબ જીવવા મે’નત કરું છું. તમે હ્યાં એકાંતમાં ઢોર રાખી સેવા કરો છો ને મને એવે ઠેકાણે બેસવું બહુ ગમે, બાળપણ તાજું થાય, એટલે તમારે ત્યાં રાજી થઈને આવ્યો.” બાઈએ કહ્યું, “અમે વસવાયાં કે’વાઈં. અમને અમારા જેવાં હારે ગમે એટલે બે બાંધ્યાં છે.”

     પ્રભાશંકરે પૂછ્યું, “માડી, આપણાં જેવાં છે એમ તમને કેમ કરતાં લાગ્યું ?”

     બાઈએ કહ્યું, “ઈ કાંઈ નો સમજું. પણ એવું થ્યું કે આંઈ એની નોકરી થૈ ને જાતે દા’ડે છાસવારે ભારખાનાના ડબામાં પૂરેલી ગામાતા ને ભેંસુ જોઈ મેં એક દાણ એને પૂછ્યું કે, આ ઢોરાં ભારખાનાં કૈ દેમણાં જાય છે ? તો કે, મુંબઈ. મેં પૂછ્યું, હ્યાં સુ કામ ? તો કે, હ્યાં મોટું કતલખાનું છે. દેસમાંથી કૈંક ઢોરાં હ્યાં જાય છે. સાંભળીને મને અરેરાટી થૈ : હાય જીવ, આ કળજગ ! ઘરેઘરે ગાય બંધાય ને સેવા થતી, છોરાં સેડકઢું દૂધ પીતાં, ઈ માતાના આ હાલ ? આમ થોડા દી નો થ્યા ને મને કાંઈ ગોઠતું નૈં એટલે એને કીધું કે તમે હા કો’ તો ગા મારે પીરથી લાવું ને તમે એક ગા કે ભેંસ લાવી દ્યો. સેવા કરીએ. જે ગાડીમાં આ સારું ઢોર ચડે ઈ ગાડીવાળાનું કામ કરી એનો દીધો રોટલો ક્યા ભવ સારુ ખાવો ? તો મને ક્યેં કે, નીણપૂર તો તું કર, પણ ઈ લાવવાં ક્યાંથી ? મેં કીધું, તમ તમારે દી આખો તમારું કામ કરો. મારે બે છોડી, રાંધી ખવરાવું પછી સાવ નવરી. છાણ-લાકડાં વીણવા જૌં છું ઈને બદલે છાણ ઘેર થાશે એટલે દી આખો ચારીશ, ચોમાસા કેડે ખડ વાઢ્યાવીસ. તમ તમારે એક ગા કે ભેંસ લાવી દો. ઈયે હું સરખા છે. ઈ ભેંસ લાવ્યા, બે ઢોર ઘેર બાંધ્યાં. છોડીયુંને લૈ સીમમાં ચારવા જાઉં, ઝાડને છાંયે બેસી છોડીયુંને ચણિયા-કમખા ને કડિયાં ભરતાં શીખવું. કરગઠિયાંય વીણીએ. છોડીયું જરા મોટી થૈ એટલે ઈયે ખડ વઢાવે. હવે તો ઈ સાસરે ગ્યું. આ ઢોર છે તો મારે સંગાથ છે. ઈ હતાં ઈ મરી ગ્યાં. ઈ ગાને પાંચ વાછડી. ભેંસને પાંચ પાડી થૈ. આ બે છે ઈ એનાં. વાછડી વોકડી થાય ને પાડી ખડાઈ થાય એટલે ભામણને કે એવા કોકને, જ્યાં છોરાં હોય હ્યાં દૈ આવું. આમ ને આમ દી પૂરા થાય તો હાંઉં.” પ્રભાશંકરે કહ્યું, “આતલુંયે હું કરી શકતો હોઉં !” બાઈએ કહ્યું, “ઈમ કેમ કો’ છ ? તમને જોયા ને લાગે છે કે તમે કૈંકનાં દખ ટાળતા હસો.”

     પ્રભાશંકરે કહ્યું, “છે, પણ નીરણપૂળો કોક વાર થાય. મારાં માવતર ને મોટેરાં તો ગાયુંની વચમાં સૂઈ રે’તાં. બાળપણમાં હુંયે સૂતો છું. પણ છેલ્લાં બત્રીસ વર્ષથી બંગલામાં રહું છું. હું દોતોય ખરો, વહુ-દીકરાને આવડે, પણ હવે કરે કોક વાર. છું ભામણ તોય હવે તમારા જેવી સેવા અમારી નહીં. હું તો તમારાથી થયેલો રાજીપો બોલી બતાવું છું. છાશ પાઈને તમે ટાઢક કરી. માડી, બેસવાનું તો ગમે, પણ ગાડીનો વખત થયો છે એટલે રજા લઉં. મારા જેવું કામ હોય તો કહો. રાજી થઈને કરીશ.”

     “આવું શીદ બોલો છો ? મારે સું કામ હોય ! હોયે તે કોક દણ, પણ ઈ કાંઈ તમને ચીંધાય ? મારે તો કાંઈ કામ નથી. સખે રોટલા ખાઈને રૈ છૈં. તમે પગલાં કર્યાં પણ મેંથી કાંઈ થ્યું નૈં. દુવા દ્યો કે આ ઢોરને સાજાંનરવાં જાળવી શકું ને મનમાની સેવા કરું.” બેઠા થતાં પ્રભાશંકરે કહ્યું, “માડી, જે ધણીએ આટલાં વરસ તમારી રખેવાળી કરી ને સહુ જીવજંતુનીય કરતો રહ્યો છે, એ બહુ દયાળુ છે. તમારા જેવાંનું એ રક્ષણ કરશે જ. મને એ ભરોસો છે. ખોળો પાથરી પગે ન પડો,” એમ કહેતાં પ્રભાશંકરે સામે નમી પ્રણામ કર્યા ને ઢોર તરફ હાથ જોડી માથું નમાવી પાછા ફર્યા. પાછા ફરતાં ગાય-ભેંસને પંપાળતા આવ્યા.

     પાટા ઓળંગી પ્લૅટફૉર્મ પર આવતાં પ્રભાશંકરના કહેવાથી સેક્રેટરી પાછા ફરી એ બાઈને દશ રૂપિયા દેવા માંડ્યા તો બાઈએ કહ્યું કે, “ઈ નો લેવાય ભૈલા, પાપમાં પડીએ. અમે સખનો રોટલો ખાઈં છૈં.” સેક્રેટરીએ કહ્યું કે બાપુ તો ભાવનગર દીવાન હતા. બાઈએ કહ્યું, “ઈ ભલે રહ્યા. ભગવાન એને કરોડ વરસના કરે. હું નૈં લઉં.” સેક્રેટરીએ કહ્યું, “ઉપરથી ભગવાન મેઘ વરસાવે એ આપણે સૌ ઝીલીએ છીએ. એમ આયે ભગવાનનો જ પ્રસાદ છે. બાપુએ કે’વાનું કીધું છે કે બીજાને દેવા માટે જ ભગવાન મને નાણું આપે છે.” આમ કહી ખાટલે રૂપિયા મૂકી સેક્રેટરી પાછા આવ્યા.

     ગાડી ઊપડયા પછી સેક્રેટરીએ બાઈની આનાકાનીની વાત કરી, ત્યારે પ્રભાશંકરે કહ્યું કે, “છેલ્લા સિત્તેર વરસથી આ દેશમાં ભોળાંભલાં માણસોની મતિ ફેરવવા ઘણા પ્રયત્નો થતા રહ્યા છે. પણ ઋષિમુનિઓએ હજારો વરસ પહેલાં સીંચેલા સંસ્કાર એટલા મૂળ સ્વભાવમાં ઊતરી આવ્યા છે કે સૈકાઓથી આ પ્રજા પીડાતી આવી છે છતાં હજી આવાં સાચાં માણસો રહ્યાં છે. પ્રભુએ આવાં માણસ જાળવીને બાળવની કાંટમાં ક્યાંક ચંદનનાં ઝાડ ઉગાડ્યાં છે.”

                                  *  

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જુલાઇ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: