ગીતા-ઉપસંહાર [ગીતાની શીખ અને મહાભારતનો મર્મ//મનુભાઈ પંચોળી-દર્શક.]

gita4ko8

ગીતા-ઉપસંહાર

[ગીતાની શીખ અને મહાભારતનો મર્મ//મનુભાઈ પંચોળી-દર્શક.//શકિલમ ફાઉન્ડેશન,મલાડ. મુંબઈ]

 

 

         ગીતાનો કરુણાનો કોઈ પાર નથી. વત્સલ કરુણા છે ગીતાની. સાંભળનાર બરાબર સમજે, કોઈ જગ્યાએ એને શંકા ન રહે તે જોવા માટે ભગવાન આતુર છે.

       એટલે ઉપદેશ-સમજાવટ કે રજુઆત પ્રશ્નોત્તર રૂપે જ થઈ છે, એક સળંગ પ્રવચનરૂપે નહીં.

         વળી કર્મફળ ત્યાગનો ખરો, પણ કર્મનો નહીં એ સિદ્ધાંત સમજાવી કે કહીને જ ભગવાન અટકી ગયા નથી. તો તો પાંચમાં અધ્યાય આગળ ગીતા પૂરી થઈ ગઈ હોત. પણ કયું કર્મ કરવું –કયું ન કરવું- કેમ કરવું- તેના ખુલાસા કરે છે.

           વળી કર્મ પણ સ્વભાવ પ્રમાણે કરવાનું છે, સ્વાભાવિક ન હોય તે કર્મના ફળનો ત્યાગ બહુ કઠિન છે. એટલે સ્વભાવ પ્રમાણે કર્મ કરે તેમ કહ્યું. એટલે પ્રશ્ન થયો સ્વભાવ એટલે શું? ભગવાનને મન સ્વભાવ અને સ્વધર્મ એકબીજાને માટે સહેજે અદલબદલ થતા શબ્દો છે.

ગીતા જ્યારે સ્વધર્મ શબ્દ વાપરે છે ત્યારે સ્વભાવના અર્થમાં વાપરે છે. તે વખતે હિંદુધર્મ ન હતો. ન તો જૈન કે વૌદ્ધ ધર્મ હતા.

         પાણીનો સ્વધર્મ વહેવાનો છે, તે જ તેનો સ્વભાવ.

       ભગવાન સ્વભાવ કે સ્વધર્મની જ વાત કરીને અટકતા નથી, છેલ્લા અધ્યાયમાં બધી બાબતમાં તપશીલવાર એક ધીરજવાન શિક્ષકની જેમ સમજાવે છે કે, બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય, આ ત્રણ પ્રકારના સ્વભાવો છે અને બ્રાહ્મણના શમ-દમ-તપ-ક્ષમા વગેરે લક્ષણો દર્શાવે છે. ભગવાનને કશુંય અસ્પષ્ટ કે ભેળસેળ્વાળું રકહવું નથી. તેવી જ રીતે ક્ષત્રિય એટલે તે જ દર્પ યુદ્ધમાં પાછા ન ફરવાનું, વૈશ્યમાં ખેડૂત ગોપાલકનો સમાવેશ કરે છે, તે પણ સમજવા જેવું છે.

         માણસ પોતાના સ્વભાવ મુજબ કર્મો કરે તો તેમાંતેને આનંદ આવે, તેને બીજા બદલાની ઘડપડ ન રહે . કામનો આનંદ જ ફળ કરતાં શતગણો લાગે.

         ભગવાનને મન આ વાતો પાયાની હોવાથી છેલ્લા અધ્યાયમાં અર્જુનને કહે- ‘હે અર્જુન, હું તારો મિત્ર અને સખા છું. એટલે તને કહું છું કે અત્યારે તને ગમે તે લગે, પણ તરો સ્વભાવ ક્ષત્રિયનો છે. તે નહીં બદલાય. ભગવાં પહેરી, બ્રાહ્મણ બનવાનો પ્રયત્ન કરીશ તો પણ કોઈને અન્યાય થતો જોઈ કોઈ પર અત્યાચાર થતો જોઈશ એટલે ઉકળી જવાનો.બ્રાહ્મણની શાંતિ નહીં રાખી શકે, માટે તારા સ્વભાવ મુજબનું કર્મ કર, અને ફળો મને અર્પણ કર.’

     એટલું જ નહીં આથી આગળ જઈને ચેતવે છે કે ‘ અહંકારને વશ થઈ સ્વભાવના વિરુદ્ધનું કંઈ કરવા જઈશ તો પણ તારો સ્વભાવ તને બળાત્કારે ઘસડી જશે.’

     આજનું માનસશાસ્ત્ર આને પૂરું સમર્થન આપે છે.તે કહે છે કે સ્વભાવ મુજબનુ& કર્મ પણ કઈ વૃત્તિથી થાય છે, તેના પર બંધ કે મોક્ષનો આધાર છે. ત્રણ પ્રકારની બુદ્ધિ, ત્રણ પ્રકારની શ્રદ્ધા અને ત્રણ પ્રકારની પ્રકૃતિ તેઓ વર્ણવે છે, કહે છે “પ્રવૃત્તિ, કર્મ-અકર્મ, ભય-ભયનો ભેદ જે બુદ્ધિ યોગ્ય રીતે જાણે છે તે સાત્ત્વિક બુદ્ધિ છે. આવી બુદ્ધિથી પોતાન સ્વભાવ મુજબનું કર્મ કરવું અને ફળની આસક્તિ છોડવી.”

પોતાના સ્વભાવ મુજબનું કર્મ અઘરું લાગે, અને બીજાનું કર્મ સહેલું લાગે તો પણ સ્વભાવનિયતકર્મ ન છોડવું

પરમાત્માની ભક્તિ સ્વભાવ મુજબના કર્મ કરીને જ થાય છે.

અને એક ભારે લાક્ષણિક ટકોરકરે છે ‘ભાઈ, છતાં કોઈ કોઈવાર ઉણપ રહી જવાની, સાવ નિર્દોષ કર્મ તો જવલ્લે જ હોય. અગ્નિ હોય તો કાંઈક ધુમાડો હોય, પણ તેથી અગ્નિ ચેતવવાનુંથોડું જ અટકાવી દેવાય છે?’

યજ્ઞ-દાન-તપ તો કરવાં જેવાં જ છે, તે ન છોડાય. આ કર્મો પણ આસક્તિ વિના કરવાં. આ કર્મો ચિત્તશુદ્ધિ કરનારાં છે. હા, જો દેખાવ, કીર્તિ કે લાલચમાં આ કર્મો કરો તો સાત્ત્વિક પરિણામ નહિ આવે.

પણ નિયત કર્મનો ત્યાગ તો ન જ થાય. એનો ત્યાગ તો હઠીલો તામસ ગણાય. કારણ કે ત્યાગ પણ ભય કે લાલચના માર્યા કરે તો તે ત્યાગ પણ બંધન કરે.

મોર પોતાની પાંખો પ્રસરાવી કલા કરે, કલા કરતાં નાચે, અને પાછી એ કળા આસ્તેઆસ્તે ચારે દિશાએથી સંકેલી લે તેવું ભગવાને છેલ્લા અધ્યાયમાં કર્યું છે.

     સત્તર અધ્યાય સુધી પોતાની કળા ફેલાવી રંગીન પીંછાનો વૈભવ દર્શાવ્યો. પહેલાં સામાન્ય સમજાવટથી શરૂ કર્યું, જીવનના, મૃત્યુના, આલોકના, પરલોકના, વ્યક્તિન, સમષ્ટિના, વ્યવહારના, આદર્શના અનેક ઓરશ્નો ઊભા કર્યા, જેમાં શું ખાવું, કેટલું ખાવું, અધ્વાશી ઓછું ખાનારાથી માંડીને વિશ્વરૂપદર્શન સુધી લઈ ગયા. તે તો કૃપા કરવા બેઠા હતા. સામે અર્જુન પ્રાણસખા હતા જેની સાથે અદ્વૈત હતું.જેના સારથિ થવામાં, પોતાને આનંદ હતો. નર રથી અને નારાયણ સારથિ એટલે બધું ફરીફરી વાર્તાલાપથી જ સમજાવ્યું. સંવાદ એટલે સમ સ્થિતિ પ્રાપ્ત કરવા માટેનો વાર્તાલાપ. હરેક અધ્યાયને અંતે આવે, “શ્રીકૃષ્ણાર્જુન સંવાદે”

   જે પ્રશ્ન પૂછવા ન દે તે ગુરુ નહિ, મિત્ર બહિ, અને જે પ્રશ્ન પૂછે જ નહીં તે શિષ્ય નહીં, જિજ્ઞાસુ નહીં..

     આ છેલ્લા અઢારમા અધ્યાયમાં ભગવાન પોતાની કલા સંકેલે છે, ત્યારે પણ સંવાદનું રહસ્ય ચૂકતા નથી. વારેવારે પુન:પુન: બદું સમજાવ્યા પછી પૂછે છે:

“તેં આ ધ્યાન દઈને એકાગ્ર ચિત્તે સાંભજ્ળ્યુંને અર્જુન” (18/32)

ત્વયૈકાગ્રેણ ચેતસા !

     ત્વયામ એકાગ્રેણ ચેતસા..

તારું મન ભટકતું નહોતું ને?

     જ્ઞાન એકાગ્ર મનવાળાને જ મળે, અને પછી ખખડાવીને જ્ઞાન લીધું છે ને?એમ પૂછે છે:

‘ તારો અજ્ઞાન સંમોહ નષ્ટ થયો છે ને?

અજ્ઞાન, સંમોહ, પ્રનષ્ટતે ધનંજય ..

આરંભમાં અર્જુને જ કહ્યું છે: ‘શું કરવું શું ન કરવું, તે સૂઝતું નથી. મારું મન અસ્થિર થઈ ગયું છે.’                                                                

આ અનિશ્ચાત્માક સ્થિતિને વ્યાસે શોકસંવિગ્ન માનસ કહ્યું છે. શોકથી જેનું મન ખળભળી ગયું છે તેવો, તેમ વર્ણવ્યું છે.

એટલે ભગવાન સંવાદને સંકેલી લેતાં બે પ્રશ્નો પૂછે છે : ‘ તું એકાગ્ર થયો ?’ ‘તારો મોહ નષ્ટ થયો ?’

અને અર્જુન કહે છે, “નષ્ટો મોહ : સ્મૃતિ : લબ્ધા” મારો મોહ- કર્તવ્ય- અકર્તવ્યનો મોહ નષ્ટ થયો છે, મારી સ્મૃતિ ડહોળાઈ ગઈ હતી, તે સ્થિર થઈ છે.

આખરે ગાંડા અને સાજા વચ્ચેનો ભેદ સ્મૃતિલોપ કે સ્મૃતિભ્રંશનો જ છે, હકીકતો એની એ જ હોય છે પણ સાજો માણસ સ્વસ્થતાથી જુએ છે, ગાંડો અસ્થિરતા, બેચેની કે વિકૃતિથી જુએ છે.

ગાંડાની સ્મૃતિ ગઈ હોય છે, તેના પરિચયની કે તર્કની કે વિતર્કની કે પૂર્વાનુભવની સ્મૃતિ જ નથી હોતી, તેથી તેના અસંબદ્ધ કર્મો આપણે ગાંડપણ કહીએ છીએ.

અર્જુઅન કહે છે, ‘મને મારી સ્મૃતિ પાછી નળી છે” અને તેથી, સ્થિતોસ્મિ ગતસંદેહ :

‘મારા બધા સંદેહો શમી ગયા છે, હું દ્ઢપણે ઊભો છું’

પણ ભગવાન તો ગુરુણામગુરુ : છે એટલે કહે છે ‘મેં તો તને બધું સમજાવ્યું છે હવે તને ગમે તે કર, તારો નિર્ણય તું જ લે.’

‘યથેચ્છસી તથા કરું’

ભગવાન કોઈનું સ્વાતંત્ર્ય હરીને જ્ઞાન આપતા નથી કે તે હુકમ કરનાર નથી. તે સ્નેહપૂર્ણ માર્ગદર્શક છે. ‘ભલે મેં તને બધુ ઉત્તમ કહ્યું હોય પણ તને ગળે ઉતરે તો જ કર, તું મારા ઉપદેશને બાજુ પર મૂકવા પણ છૂટો છે.’

પણ અર્જુન કહે છે :

‘કરિષ્યે વચનમ્ તવ’

      તમારા વચન મને સાચાં લાગે છે, તમે કહો છો તેમ કરીશ.

ભગવાન નથી એન્જિન કે આપણને ડબાની જેમ ખેંચી જાય. નથી તે જાલીમ કે અતિઉત્સાહી ક્રાંતિકારી જે ગુલામ બનાવી સ્વાધીનતાના મુલક લઈ જવાનું કહે છે, એટલે ટકોરા મારી મારીને ભગવાન પૂછે છે, ‘તને સમજાયું ને ?’ ‘તને ગળે ઉતર્યું ને ?’

આ ગળે ઉતારવા સત્તરમા અધ્યાયનો સમારોપ- બધા જ મુદ્દાઓનો સંક્ષેપ અઢારમાં અધ્યાયમાં કર્યો. આરંભમાં જ ભગવાનને અર્જુન જ પૂછે છે :

‘તમે મને સમજાવ્યું તો ખરું પણ છતાં મને ફરી એ સાંભળવનું મન છે કે ત્યાગ અને સંન્યાસ વચ્ચેનો ભેદ, ફરી એ સાંભળવા ઈચ્છું છું. ત્યાગ એટલે કર્મફલ ત્યાગનો રસ્તો અને સંન્યાસ એટલે બધાં કર્મ છોડવાનો નિવૃત્તિ માર્ગ.

ભગવાન કહે છે :

કામ્ય કર્મોનો ત્યાગ તે સંન્યાસ છે અને કર્મના ફલનો ત્યાગ તે કર્મયોગ છે.

અર્જુન પૂછે છે :

પણ નિત્યકર્મ, નૈમિત્તિક- આવી પડેલાં કર્મો તેનું શું ? તેને છોડી દેવાં ?

ભગવાન કહે છે : ના, આવા કર્મોની ફલાસક્તિ છોડો એટલે પત્યું. આખરે બન્ને માર્ગની સર્વસામાન્ય વાત તો આસક્તિ છોડવાની છે.

જે કર્મો અનિવાર્ય હોય તેને છોડી શકતાં નથી. તેનો ત્યાગ એ ઉલટો મોહ છે. તેની ફલાસક્તિ છોડવી તે જ સાચો સન્યાસ છે. અને ધરબીને ખીલો મારતા હોય તેમ કહે છે :

‘યજ્ઞ, દાન, તપ ન છોડાય. આ મારો નિશ્ચિત અભિપ્રાય છે. અને પછી જે આગળ કહ્યું છે તે જ કહે છે :

યજ્ઞ, દાન, તપ તો જીવને ઊંચે ચડાવી મન, બુદ્ધિને પવિત્ર કરે છે, તે જ્ઞાન બ્ન્હક્તિ તરફ જતી સીડી જેવાં છે. હા, આનો પણ અહંકાર ન રાખવો, પણ સ્વભાવ નિયત કર્મ તો કરવાં જ. કારણ કે દેહથી સર્વ કર્મોને ત્યાગ શક્ય જ નથી.

આ છેલ્લા અધ્યાયના વાંચનારાને એક શ્લોક દ્વિધા ઉત્પન્ન કરે છે. અર્જુનને બધું સમજાવ્યા પછી ભગવાન એમ કહે છે :

સર્વધર્માન્પરિત્યજ્ય મામેકં શરણં વ્રજઃ |

અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ ॥

                                          (ભગવદ્-ગીતા, 18/66)

“હે અર્જુન ! તું આ બધા ધર્માધર્મની પંચાત છોડી દે. મારે શરણે આવ. હું તને બધા પાપોમાંથી છોડાવીશ. શંકા ન રાખ.”

જે કેવળ ભક્તિમાર્ગી એટલે પૂજા, યાત્રા, ભજનકીર્તન ઈત્યાદિ સાધનોમાં જ ભગવાન પ્રાપ્તિ જુએ છે, તેમને આ શ્લોક મોટા આધારરૂપ થઈ ગયો છે; અને તેઓ ગીતાના કર્મયોગ-કર્મ મીમાંસાવાળા આખા ઉપદેશને ભૂલી જાય છે, કે નિરર્થક ગણે છે.

હવે એ વિષે શંકા નથી કે ઈશ્વરને સૃષ્ટિઓ આધાર, ભર્તાભોક્તા મહેશ્વર ગણી સમજીને કર્મ કરવાનાં છે. અહંકારને સ્થાને ભક્તિ કે દાસભાવ રાખવાનો છે. કર્મફળ ઘણાં પરિબળોથી આવે છે. આપણા એકલાથી ફળ આવતું નથી. તેનો દાતા છેવટે ઈશ્વર છે. તેને ફળ સમર્પણ કરવું તે વિષે મતભેદોને સ્થાન નથી પણ તેમાં પ્રાપ્ત કર્મોનો ત્યાગ કરી, ફક્ત હરિકીર્તન કરી ભિક્ષાન્ન ખાવાની શિખામણ ભગવાને આપી નથી. ભગવાને એટલું જ કહ્યું હોત તો આરંભમાં જ અર્જુને આ સ્વજનોનો વધ કરવા કરતાં ભિક્ષાન્ન ખાઈને ગુજારો કરવો સારો તેમ કહ્યું જ હતું. ભગવાનને જો તે મંજુર હોત તો બે પૈસાનો ગેરુ અને કરતાલ આપી તેને કુરૂક્ષેત્રમાંથી વિદાય કર્યો હોત.

પણ તેમ કર્યું નથી, એટલું જ નહિ ઉપદેશને અંતે તેની પાસે યુદ્ધ કરાવ્યું છે, પોતાનાં સ્વજનો, ગુરૂજનોની સામે યુદ્ધ કરાવ્યું છે. એટલે ભગવાનનો પુરુષાર્થ અર્જુનને ભાગેડુ બનાવવાનો નથી પણ તેનો સ્વજનમોહ દુર કરી અન્યાય સામે લડાવવાનો છે. કારણ કે તે પ્રાપ્ત કર્મ છે, અને અર્જુન જે ક્ષત્રિય છે, તેનો તે સ્વભાવ છે.

એટલે આ છેલ્લા અધ્યાયમાં ફરી કહ્યું છે કે, “સૌ પોતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે, તું અત્યારે અભિમાનને વશ થઈને તારા સ્વભાવની વિરુદ્ધ એવો નિવૃત્તિ માર્ગ લઈશ તો પણ છેવટે વનમાંયે તારો સ્વભાવ ફરી તને ખેંચી જશે. આર્તત્રાણનો તારો સ્વભાવ જવાનો નથી તો અત્યારે આર્ત અત્યારે દ્રોપદી, આર્ત કુંતી, આર્ત પ્રજાજનોને માટે લડવાનો પ્રસંગ પ્રાપ્ત થયો છે ત્યારે બીકણ થયા વિના વિગતજવર થઈને લડ. જવર એટલે આવેગ, અહંકારજ્ન્ય આવેશ. તેને વશ થયા વિના યુદ્ધ કર.

જો ભગવાનને અર્જુનને કોઈ ભજન મંડળીમાં દાખલ કરવો હોત તો ઉપરનું કહેવું, સમજાવવું ન પડત. તો પછી બધા ધર્મો છોડી મારે શરણે આવ એ શ્લોકનો અર્થ શું સમજવો ? તેમા6 તો બધા ધર્મોને તજી મારે શરણે આવ એમ સ્પષ્ટ કહ્યું છે.

એ વાર તો સ્પષ્ટ છે કે અહીં ધર્મ કે ધર્મોનો અર્થ હિંદુ, બૌદ્ધ, જૈન, પારસી એવો નથી. તે ધર્મો તે કાળે હતા જ નહિ. વૈદિક આર્યધર્મ નામનો એક જ ધર્મ હતો. ગીતામાં ધર્મનો અર્થ બહુધા સ્વભાવ મુજબનાં પ્રાપ્ત કર્તવ્યો એવો લીધો છે. સમાજમાં રહેનારને અણધાર્યા કર્તવ્યો બજાવવાનાં આવે છે. નોકરીએ જનારને ઓચિંતાના ઘરમાં બિમારની સેવા માટે રોકાવું પડે છે, લગ્નમાં જવા ઇચ્છતા ડોક્ટરને કોઈ ગંભીર દર્દી આવતાં લગ્નનો સત્કાર સમારંભ છોડવો પડે છે. આ કર્તવ્યો તે ધર્મો છે. તેના વડે સમાજનું ધારણપોષણ થાય છે. તે તે સમય માટે કેટલીક પરંપરાઓ બંધન જેવી છે. તેવા વિવિધ નામે કહે છે. પહેલાં અધ્યાયના 38, 39, 40, 41, શ્લોકો એ ખેંચતાણ દર્શાવનારા છે. જેમાં કુળધર્મો તૂટતાં કુળ સ્ત્રીઓ ભ્રષ્ટા બને છે. અને વર્ણસંકર પ્રજા જન્મે છે- વગેરે ભયો બતાવી “અહોહો કેવું મહાપાપ કરવા અમે તૈયાર થયા છીએ, આના કરતાં તો ભિક્ષાન્ન ખાવું સારું” તેમ કહી નાખે છે. પણ તે વખતે પણ અર્જુનને પોતાનો આ વિષાદ, આ લાગણી સાચાં છે તેવું તો અંદરથી લાગતું નથી. તેનો થાય છે કે શોકથી ખળભળી ગયો છું, એટલે કદાચ ઉતાવળ કરતો હોઉં, તો તમારા પગે બેઠો છું. મને કાં સુઝતું નથી, સમજાતું નથી. હું તમારો શિષ્ય છું. મારી મૂંઝવણ ટાળો.”

ભગવાન છેલ્લા અધ્યાયમાં જ્યારે બધા ધર્મોને બાજુ પર મૂકી દે તેમ કહે છે ત્યારે ઉપલા જાતિધર્મો કુળધર્મોનો ખ્યાલ છે.

જાતિ ધર્મો, કુળધર્મો, તેને સ્થાને ઠીક છે, પણ એ બધા સમય પ્રમાણે ફેરવવા જોઈએ. તે અચળ નથી. સામાન્યજનને તે નથી સમજાતું એટલે રોમિયો-જુલિયેટની ટ્રેજડી કરુણાંતિકા સરજાય છે. બે કુટુંબનાં સ્વમાનો, તેમના અભિમાનની પરંપરા તે તોડવી પડે તો જ રોમિયા-જુલિયેટ એકઠાં થઈ શકે, એમ ન થાય તો રોમિયો-જુલિયેટનો ભોગ લેવાય. શેક્સપિયરે કુળધર્મોએ બે નિ:સહાય પ્રણયીઓનું કેવું સત્યાનાશ વાળ્યું તેનું હૃદયભેદક નાટ્યકાવ્ય સર્જયું છે.

હિંદુ-મુસ્લિમના જાતિ ધર્મો-એક ગાયને પવિત્ર ગણે, બીજો તેની કતલમાં માને અને તેમાંથી મોટાં હુલ્લડો, અસંખ્ગ્ય માણસોનો ભોગ-પશુ કરતાં માણસ તૂચ્છ-આ ખ્યાલો મિત્રતાની આડે આવે છે. મૂર્તિપૂજા પાપ છે. તેમ માનનારા મૂર્તિપૂજા કરવા વાળાની કતલ કરે. આ જાતિધર્મોનું અધઃપતન, જાતિ ધર્મો ખરા, પણ તેનો ય પાયો છે અચલ ધર્મ.

ગીતાને મન કુરૂક્ષેત્રના પ્રસંગો એ અચલ ધર્મ છે, આતતાતીઓને હણવાનો, દુર્યોધનને સંધિ વાર્તાલાપ, મધ્યસ્થી બાંધછોડ ખપતાં નથી. તો રહ્યું માત્ર યુદ્ધ-તેમાંથી જાતિ કે કુટુંબ ધર્મને કારણે પાછા ન હઠાય.

હા, આ યુદ્ધ પણ કુળના કે કર્તાપણાના આવેશથી નથી કરવાનું, પણ તે આવ્યું તો માર્ગ ચૂકી જવાથી યુદ્ધને સ્થાને વૈર આવશે.

દુર્યોધન પોતને કર્તા માને છે. પોતાને જ કેન્દ્રમાં મૂકે છે. એટલે રસ્તો ચૂકી જાય છે, ભાઈઓ ભાઈઓ સુખશાંતિથી રહી શકતા નથી, કુરૂક્ષેત્રની કરુણાંતિકાનું મૂળ દુર્યોધનનો અહમ્ ભાવ છે.

આ વખતે રૂપકથી સમજાવવા વ્યાસ ભગવાનને અલૌકિક પ્રતિભાથી એવું યોજ્યું છે કે યુદ્ધના છેલ્લા દિવસે-યુદ્ધ પુરું થતા સંધ્યાકાળે અર્જુનનો રથ શિબિરમાં પાછો આવે છે ત્યારે ભગવાન અર્જુનને કહે છે કે, “તું ઊતરીજા. તે પછી હું ઊતરું,” રોજ ભગવાન પહેલા હેઠા ઉતરતા. સારથિ તરીકે અર્જુનને હાથ આપી ઉતારતા.

આજે જુદું કહ્યું એટલે અર્જુનને જરાક નવાઈ લાગી. પણ તેને અનુભવયુક્ત શ્રદ્ધા હતી એટલે પહેલાં એ હેઠે ઉતર્યો, પછી ભગવાન જેવા ઊતરુઆ કે તરત જ રથ ભડભડ બળવા લાગ્યો અને ક્ષણોમાં ભસ્મિભૂત થઈ ગયો. અર્જુન દિંગ્મૂઢ બની જોઈ રહ્યો. તેને થયું કે પોતે પાછળથી ઉતરવાની હઠ કરી હોત તો રથ જોડે જ બળી જાત. તેણે હાથ જોડીને કૃપા સ્વરૂપ ભગવાનને પ્રણામ કર્યા. ભગવાન હસીને કહે ‘તને થતું હતું ને કે રોજ કરતા આજ જુદું કેમ કર્યું ? મિત્ર, રથ તો ભીષ્મ-દ્રોણનાં દૈવી બાણોથી સળગી જ રહ્યો હતો પણ મારી યોગમાયાથી મેં ટકાવી રાખેલો. હવે રથની જરૂર નથી એટલે મેં યોગમાયા ખેંચી લીધી એટલે રથ બળવા લાગ્યો.”

આપણે કર્તાકારવતા નથી, “દૈવં એવાત્ર પંચમમ્’ દૈવ એટલે બધાં આજ્ઞાત બળોનો સ્વામી ઈશ્વર. કર્મ કરવાનાં અહંકાર વિના કરવાનાં. ફળ તેને આપનારા ઈશ્વરને અર્પણ કરવાનાં અને તેમાંથી તેની રજા લઈને-તેની કૃપાથી આપણા માટે જરૂર જોગું લેવાનું. એ થયો પ્રસાદ. પવિત્ર અને પોષક. અર્જુન આ પ્રસાદ-શબ્દ જ અંતે વાપરે છે.

“હે અચ્યુત ! તમારા પ્રસાદથી મારો મોહ નષ્ટ થયો છે, હું તમે કહો છો તેમ કરીશ. હું હવે દૃઢપણે ઊભો છું.”

આનું નામ ભગવાનનું શરણ લીધું તે. તેના ઉપદેશની આડે આવતા માનેલા ધર્મો નિસંશયપણે છોડી દેવાના અને તેણે બતાવેલા માર્ગે-વિગતજવર થઈને ઝુઝવાનું.

સંજય અંધ ધૃતરાષ્ટ્રને કહે છે, “આ અદ્-ભૂત સંવાદ સાંભળીને હું કૃતકૃત્ય થયો છું. એ સંભારતાં મારાં રોમાંચ ખડા થાય છે. જ્યાં શ્રીકૃષ્ણ એટલે નિર્ભેળ નિશ્ચયાત્નક જ્ઞાન છે અને જ્યાં અર્જુન એટલે દૃઢ સંકલ્પવાળું શુદ્ધ કર્મ છે ત્યાં વિજય નિશ્ચિત છે” છતાં ધૃતરાષ્ટ્રનો અંધાપો ન ગયો. આપણો જાય તેમ પ્રભુને નમ્રભાવે પ્રાર્થીએ.

                        ************

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 287,406 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
જુલાઇ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: