(પાના નં : 5 થી 7)
ગીતાની શીખ//મનુભાઈ પંચોળી-દર્શક
પ્રકરણ-2
(પ્રકાશક : શક્લિમ્ ફાઉન્ડેશન મલાડ,મુંબઈ – 400 064)
હરેક જીવની, હરેક ક્રિયા પાછળ કોઈક ને કોઈક હેતુ છે, તે હેતુ અજ્ઞાત હોઈ શકે પણ કીડીથી માંડી માણસ સુધીનો કોઈ જીવ જડ ક્રિયા કરતું જ નથી. આપણે કાંકરા નથી કે કોઈક આપણને ફેંકે.
ગીતાને પણ તેનો હેતુ છે. ક્યો?
ગીતા ભગવાને અર્જુનને કહી છે, વાર્તાલાપ રૂપે એમાં કેવળ ભગવાન પ્રવચન આપે છે તેવું નથી. સંવાદ પદ્ધતિ શિક્ષણની ઉત્તમ પદ્ધતિ મનાઈ છે, કારણ કે તેમાં શિક્ષણ લેનાર તેને શું જાણવું છે તે કહે છે, તેટલું જ નહિ તેને સમજાયું કે નહિ, તે પણ પોતાના પ્રશ્ર્નો શંકા રજૂ કરીને કહે છે. આરંભ પ્રશ્નથી થાય છે, અને અંત પણ “મને હવે સમજાયું, મારી સ્મૃતિ સાફ થઈ, હવે તમે કહો છો તેમ કરીશ.” તેવા શ્લોકથી થાય છે.
આ વાર્તાલાપની બીજી મોટાઈ એ છે કે ભગવાન એકની એક વાત ફરી ફરી સમજાવે છે, જુદા જુદા દૃષ્ટિકોણથી એકની એક વાત સમજાવતાં અધિરાઈ દર્શાવતા નથી અને છેવટે પણ ‘તને આ વાત ગળે ઉતરી?’ ‘જો વાત સમજાઈ હોય તો તેમ કર.’ ગુરુને સુયોગ્ય શિષ્ય પરના વાત્સલ્યનો કોઈ પાર હોતો નથી તે વાત્સલ્ય એટલે સુધીનું છે કે તું મારા કહેવા પ્રમાણે કર તેમ આગ્રહ રાખતા નથી, મારી વાત તને બરાબર બેઠી હોય તો તેમ કર.
શ્રીકૃષ્ણને શાસ્ત્રોએ જગદ્-ગુરુ કહ્યા છે, તે આ મહત્તાને લીધે. અને તેથી જ કહ્યું :
“બધા ઉપનિષદો ગાયો છે,
ભગવાન એ દૂધ દોહનાર ગોવાળ છે.
અર્જુન વાછડો છે,
અને સુયોગ્ય ભક્તો તેને પીનારા છે.”
ગીતા કેવળ અર્જુન માટે ગવાઈ નથી. બધાં જિજ્ઞાસુઓ માટે ભગવાને કહી છે.
જિજ્ઞાસુ એટલે તીવ્ર પ્રશ્નોવાળા અર્જુનનો પ્રશ્ન શો છે? સામે ઊભેલાં સૈન્યોની અધવચ્ચે લડવા રથ ઊભો રખાવી, ધનુષ્યનો ટંકાર કરવા જાય છે, ત્યાં દેખાય છે બધે જ પોતાનાં સગાંવહાલાં, મિત્રો, વડીલો, ગુરુ, ભાણેજ, ભત્રીજા. અંતે તે થરથરી જાય છે. આ બધાંને મારવાં? એમને મારીને રાજ્ય ભોગવવું? આ પિતામહ જેને ખોળે હું રમ્યો, આ દ્રોણ જેની વિદ્યાને પ્રતાપે હું અજેય બાણાવળી થયો, આ ઉગતા ભાણેજ ભત્રીજા? આ બધાંને ઢાળી દઈ મારે રાજ્યના ભોગો ભોગવવા? ધિક્કાર છે આ રાજ્ય લોભને ! ધિક્કાર છે આ ક્ષત્રિયધર્મ ! તેને પરસેવો વળે છે, શરીર કંપવા માંડે છે. ગાંડીવ સરી પડે છે, અને ભગવાનને કહે છે “મારી સ્મૃતિ ચાલી ગઈ છે, મને કશું સમજાતું નથી – શું કરવું – શું ન કરવું ? પણ હું ત્રિલોકના રાજ્ય માટે પણ લડવા ઇચ્છતો નથી, આ મારા દુષ્ટ દુર્યોધન વગેરે ભાઈ તો કંઈ સમજતા નથી, અને લડવા તૈયાર થયા છે, પણ હું તો સમજું છું ને કે આ ઘોર પાપ છે, તેના પરિણામો કુળક્ષયમાં આવશે, કુળક્ષય થતા કુળધર્મો નાશ પામશે, કુળધર્મો નાશ પામતાં અમારાં પિતૃઓ નરકે જશે. અહોહો કેવડું મોટું પાપ કરવા અમે નીકળ્યા છીએ? “આના કરતાં કૃષ્ણ, હું ભિક્ષા માંગીને જીવવા તૈયાર છું પણ આવું પાપ કરવાની હિંમત નથી. મને કાયર ગણો તો કાયર, પણ હું નહિ લડું. હું તમારે શરણે આવું છું. મને રસ્તો બતાવો.”
અઢાર અક્ષોહિણી સૈન્ય વચ્ચે, બધાંની દેખતા દેવોને હરાવનાર, શંકરને હંફાવનાર યોધ્ધો હથિયાર છોડી વ્યાકુળતાથી કહે છે, “મને સમજાવો શા માટે આ ગોત્રહત્યાનું પાપ કરવું?”
હવે આ વાત અર્જુનના મનમાં તે ઘડીએ જ આવી છે તેમ નથી. ઉઘોગપર્વમાં પણ યુદ્ધની ચર્ચાકરતી વખતે અર્જુને કહ્યું જ હતું કે ‘બધાને હું હણી શકીશ, પણ પિતામહ અને ગુરુદ્રોણને હું નહિ મારી શકું.’ તેના ચિત્તમાં આ ચીજ પડી જ હતી, તે યુદ્ધ પ્રત્યક્ષ થતાં બહાર આવી ગઈ.
બધા જ પાંડવો યુદ્ધોપ્સુ નથી. ધર્મરાજ તો નથી જ. એટલે તો સંધિ માટે શ્રીકૃષ્ણને સૌએ મોકલેલા. થોડું મળે તો પણ સંધિ કરવા કહેલું. પણ એ બધામાંયે અર્જુન વિશેષ સરળ ઋજુ સૂક્ષ્મ સંવેદનશીલ છે, ધર્મરાજાની જેમ ધર્મોધર્મની બહુ ચર્ચા તે નથી કરતો પણ તેને ધર્મ ભાન જિજ્ઞાસા રૂચિ છે જ. વળી તે શ્રીકૃષ્ણનો સમવયસ્ક, અને સખા છે. બંને વચ્ચે એટલો બધો નિખાલસ સ્નેહ છે કે અર્જુનને બાર વર્ષના વનવાસ વખતે શ્રીકૃષ્ણની બહેન સુભદ્રા પ્રત્યે આકર્ષણ થાય છે, ત્યારે કૃષ્ણ તેની મશ્કરી કરે છે, ‘આવો જ તારો સંન્યાસને?’ અને પછી સુભદ્રાનું હરણ કરવાની પોતે જ યોજના ઘડી આપે છે.
આવો છે બન્ને સ્નેહનો દ્દઢબંધ. અર્જુન સંસ્કારી અને કોમળ હૃદયનો છે તેની બીજી સાહેદી વ્યાસે આ જ પ્રકરણના અનુસંધાને આપી છે. પોતે સુભદ્રાને પરણ્યો છે તે વળી દ્રૌપદીને કહેવાની તેની હિંમત નથી. આમ તો બધા જ પાંડવો દ્રૌપદી ઉપરાંત બીજી સ્ત્રીને પરણ્યા હતા. ભીમ તો બે સ્ત્રીઓને પરણેલો, પણ અર્જુનને ઘણો સંકોચ થાય છે, એટલે હસ્તિનાપુર પહોંચતા જ સુભદ્રાને કહે છે કે, ‘આ રૂડાં વસ્ત્રાભૂષણો બાજુ પર મૂકી દાસીનાં વસ્ત્રો પહેરી મહારાણી દ્રોપદીને પ્રણામ કરવા જા.’
અને આ જ ઋજુતા તેને જ્યારે ઉર્વશી સ્વર્ગની અપ્સરા, ઈન્દ્રના કહેવાથી પોતાની જાત આપવા રાત્રે આવે છે, ત્યારે પોતાને નિષ્કંપ રાખે છે. વળી દીન બનીને કહે છે કે, ‘તમે અમારા પૂર્વજ પુરૂરવાનાં પત્ની એટલે કુળમાતા ગણાઓ. મને પાપમાં ન નાંખો.’
ઉર્વશી પોતે અપ્સરા છે. તેને આવા બંધનો નથી હોતાં, તેથી સમજાવે છે ત્યારે પણ મક્કમ રહે છે અને ક્રોધે ભરાયેલી ઉર્વશીનો ‘તુ નપુંસક થઈ જઈશ’ તેવો ભયાનક શાપ વહોરે છે. પણ પોતાના માનેલા ધર્મને છોડતો નથી. વ્યાસના મતે મહાભારત મૂળે જ ધર્માધર્મની શોધ છે. ધર્મના સ્વરૂપો પણ નવી નવી પરિસ્થિતિમાં બદલાય છે. સામાન્ય માણસ તો પોતે જે સ્વરૂપથી ટેવાયો હોય તેને જ ધર્મ માને છે, તે સ્વરૂપ નકામું થયું છે, કાળગ્રસ્ત થયું છે તે જોઈ શકતો નથી. તેથી જુની વાતને વળગી રહી ધર્મને નામે ભળતો જ વ્યવહાર કરે છે.
આથી જ અર્જુન ‘સનાતન કુલધર્મો’ શબ્દ વાપરે છે તેનો નાશ કેમ થવા દેવાય? તેને એ જાણ નથી કે ધર્મ નીચે પેલી પાર જે સમાતન ધર્મ છે તે તો જુદો જ છે. તેની જાણ વિના ક્યો ધર્મ કાળગ્રસ્ત થઈ ગયો છે તેની ખબર ન પડે. જેમ સૂર્ય બધા દીવા, મશાલો, મહિના, રાશિઓનું મૂળ છે તેમ સનાતન ધર્મ એ આવા ધર્મોનું મૂળ છે.
ગોપાલન ધર્મ છે જ. પણ પીડાતા વાછરડાને ઝેર આપી મારી નાખવો તે પણ ધર્મ છે. આ વાત સામાન્યજન ન સમજી શકે, ગાંધી જ તે જોઈ શકે. વ્યાસ એમ કહે છે કે શ્રીકૃષ્ણ જ આ ધર્મના ગોપ્તા, જાણનાર, જોનાર છે તે જ બતાવી શકે કે કઈ પરિસ્થિતિમાં ક્યો ધર્મ છે ક્યો અધર્મ છે, અને તે કેમ નક્કી થઈ શકે, નક્કી કરનાર કેવો હોય, આથી જ તેમણે કહ્યું કે જ્યાં કૃષ્ણ છે ત્યાં ધર્મ છે.
અર્જુનનું ઋજુ હૃદય ધર્મ જિજ્ઞાસુ અને શ્રીકૃષ્ણ વત્સલ ધર્મગોપ્તા.
બંને અધિકારી અને બંને પરપસ્પરના સખા.
ભક્તોએ કહ્યું : જીવ અને શિવ.
========================================
પ્રતિસાદ આપો