બાળવાર્તાઓ

 

 

 

 

                                                                                                                         બાળવાર્તાઓ

કૂકડા –શિયાળની વાર્તા

   એક હતો કૂકડો અને એક હતું શિયાળ . એક વખત બંનેને ભાઇબંધી થઇ. બંને જણે એક બોરડી રાખી . કૂકડો પોતાની બોરડીને રોજ પાણી ન પાય , અને હંમેશ બોરડીના થડમાં મૂતરી જાય.

     શિયાળની બોરડી સાવ સુકાઇ ગઇ : અને કૂકડાની બોરડીએ સારાં મજાનાં મીઠાં બોર આવ્યાં .

   એક દિવસ કૂકડો પોતાની બોરડી પર ચડી બોર ખાતો હતો ત્યાં તો બોરડી નીચેથી શિયાળ નિકળ્યું .

   શિયાળ કહે : “ કૂકડાભાઇ, કૂકડાભાઇ બોર આપો ને ? “

   કૂકડાએ જવાબ આપ્યો : “ હું તો બોર નહિં આપું .”

   આમ કહીને કૂકડાએ શિયાળના માથામાં બોરના ઠળિયા માર્યા .

   શિયાળ ગુસ્સે થઇને તે વખતે ચાલ્યું ગયું .

   પછી એક દિવસ બોરડી પાસે કૂકડો ન હતો એટલામાં શિયાળ આવ્યું. અને બોરડી પર ચડીને બોર ખાઇ ગયું .

   કુકડે આવીને શિયાળને પુછ્યું : “ મારી બોરડીનાં બોર તે કેમ ખાધાં ?”

   શિયાળ કહે : “ ખાધાં ,ખાધાં ! અને વધારે બોલીશ તો તનેય ખાઇ જઇશ !”

   એમ કહી શિયાળ કૂકડાને પણ હફહફ કરી ખાઇ ગયું .

   પછી તો શિયાળ તો રોફ મારતું ચાલ્યું.

   રસ્તામાં શિયાળને ડોશી મળી .

   શિયાળે ડોશીને કહ્યું : “ ડોશી ! ડોશી ? તું મને છાણ આપ .”

ડોશી કહે : “ ચાલતું થા , ચાલતું . જો વધારે બોલીશ તો આ ઇંઢોણી મારીશ ને , તો તારું માથું ફૂટી જશે ! “

     શિયાળ કહે :

     “ ડોશી !

     કળશી ખાધાં કાચાં બોર ,

     કળશી ખાધાં પાકાં બોર ;

     એક ખાધો કૂકડો

     ને હવે ખાઇશ તને .”

 આમ બોલીને શિયાળ તો ડોશીને હફહફ કરતું ગળી ગયું . પછી શિયાળ તો જાડું બની આપ આમ ફરતું રોફબંધ આગળ ચાલ્યું.

   આગળ જતાં શિયાળને એક ખેડુત મળ્યો . શિયાળે ખેડુતને કહ્યું: “ ખેડુત, ખેડુત ! મને પાણી પા .”

   ખેડુત કહે : “ હું કાંઇ નવરો નથી . તું તારે માર્ગે ચાલ્યું જા, નહીંતર મૂકિશ ને એક પરોણી તે જીવ નીકળી જશે ! “

         શિયાળ કહે :

           “ કળશી ખાધાં કાચા બોર,

             કળશી ખાધાં પાકાં બોર :

             એક ખાધો કૂકડો

             એક ખાધી ડોશી ને હવે ખાઇશ તને. “

       આમ બોલીને શિયાળ તો મોઢું ફાડી ખેડૂતને હોઇયાં કરી ગયું .

     ત્યાંથી શિયાળ ઢેઢવાડે ગયું . જઈને ઢેઢને કહે : “ ઢેઢ, ઢેઢ ! હાડકું દે . “

     ઢેઢ કહે : “ લે ભાઇ ! રસ્તો પકડ .”

     શિયાળ જરા દૂર જઇને હાડ્કું ખાવા બેઠું , ત્યાં હાડકું ગળે રહ્યું એટલે મરી ગયું .

   શિયાળ મરી ગયાની ઢેઢને ખબર પડી એટલે શિયાળને ઢેઢે ચીર્યુ . ત્યાં તો તેમાંથી ઘણાં બધાં બોર , ‘ કૂકડે કૂક’ કરતો કૂકડો , ડોશી અને ખેડૂત નીકળી પડ્યાં .

   પછી સૌ પોતપોતાના ઘેર ગયાં અને ખાધું પીધું ને મોજ કરી .

            સસાભાઇ સાંકળિયા

   એક હતું શિયાળ અને એક હતો સસલો . બંને જણાને એક વાર ભાઇબંધી થઇ. બેઇ જણા એક વાર ગામ ચાલ્યા . રસ્તામાં બે મારગ આવ્યા . એક મારગ હતો ચામડાનો અને બીજો હતો લોઢાનો . શિયાળ કહે : “ હું ચામડાને રસ્તે ચાલું .” પછી શિયાળ ચામડાને રસ્તે ચાલ્યું ને સસલો લોઢાને રસ્તે ચાલ્યો .

      લોઢાને રસ્તે ચાલ્તાં એક બાવાની મઢી આવી . સસલાને તો ખૂબ ભૂખ લાગી હતી તેથી તે બાવાજીની મઢીમાં ગયો. મઢીમાં આમતેમ જોયું ત્યાં તો ભાઇને ગાંઠિયા ને પેંડા હાથ લાગ્યા. સસલાભાઇએ તો ખૂબ ખાધું ને પછી લાંબા થઇને મઢીમાં બારણાં બંધ કરીને સૂતો .

     એટલામાં બાવો આવ્યો . ને મઢીમાં બારણાં બંધ જોઇને બાવાએ પૂછ્યું : “ મારી મઢીમાં કોણ છી ?”

     અંદરથી સસલાભાઇ તો ખૂબ રોફથી બોલ્યા :

     “ એ તો સસોભાઇ સાંકળિયા ,

       ડાબે પગે ડામ ;

       ભાગે બાવા ,

       નીકર તારી તુંબડી તોડી નાખું !”

     બાવો તો બીને નાઠો . ગામમાં જઇને એક પટેલને તેડી આવ્યો.

     પટેલ ઝુંપડી પાસે જઇને બોલ્યો : “ બાવાજીની ઝુંપડીમાં કોણ છે ? “

     અંદરથી રોફથી ફરી સસલાભાઇ બોલ્યા :

     “ એ તો સસોભાઇ સાંકળિયા ,

     ડાબે પગે ડામ ;

       ભાગ પટેલ ,

       નીકર તારી પટલાઇ તોડી નાખું ! “

   પટેલ પણ બીનો ને ભાગી ગયો . પછી પટેલ મુખીને તેડી આવ્યો . મુખી કહે : “ કોણ છે ત્યાં બાવાજીની ઝુપડીમાં ? “

     સૂતાં સૂતાં સસલાભાઇએ રોફબંધ કહ્યું :

         “ એ તો સસોભાઇ સાંકળિયા,

           ડાબે પગે ડામ ;

             ભાગ મુખી,

           નીકર તારું મુખીપણું ભાંગું ! “

     આ સાંભળીને મુખી પણ બીનો ને નાસી ગયો . પછી તો બાવાજી પણ બયા .

       બધા ગયા પછી સસલાભાઇ મઢીમાંથી બહાર નીકળ્યાં , શિયાળ ને મળ્યા ને બધી વાત કહી.

       શિયાળને પણ ગાંઠિયાપેંડા ખાવાનું મન થઇ ગયું . તે કહે : “ ત્યારે હું પણ મઢીમાં જઇને ખાઇ આવીશ . “

       સસલો કહે : “ પણ જો બાવો આવશે તો મઢીમાંથી બોલીશ કેમ ? “

       શિયાળ કહે : ‘ હું પણ “એ તો શિયાળભાઇ સાંકળિયા

       ડાબે પગે ડામ ;

       ભાગ બાવા ,

       નીકર તારી તુંબડી તોડે નાખું ! “

   એમ બોલીશ .”

       સસલો કહે : “ઠીક જાઓ ત્યારે ; લ્યો ગાંઠિયાપેંડાનો સ્વાદ! “

     પછી તો શિયાળ તો અંદર ગયું . ત્યાં તો તરત જ બાવાજી આવ્યા અને બોલ્યા : “ મારી મઢીમાં કોણ છે ? “

     શિયાળે હળવેકથી કહ્યું

       ડાબે પગે ડામ ;

       ભાગ બાવા,

       નીકર તારી તુંબડી તોડી નાખું !”

   બાવાજી તો સાદ પારખી ગયા એટલે કહે “ ઓહો, આ તો શિયાળ છે ! “

   પછી બાવાજીએ બારણાં ખેડવ્યાં અને અંદર જઇ શિયાળને બહાર કાઢી ખૂબ ખૂબ માર માર્યો.

           શિયાળભાઇને ગાંઠિયાપેંડા ઠીક મળ્યા !

 

એક ચકલીની વાર્તા

એક હતી ચકલી. તે એક વાર રાજાના મહેલમાં ગઇ ત્યાંથી તેને એક ઢીંગલો જડ્યો . રાજાનો ઢીંગલો લઇ તે બોલવા લાગી :

       “ રાજાના મહેલમાંથી મંને ઢીંગલો જડ્યો

         રાજાના મહેલમાંથી મને ઢીંગલો જડ્યો .”

   રાજા આથી ગુસ્સે થઇ કહે : “ આંચકી લો એની પાસેથી ઢીંગલો . “

       ઢીંગલો આંચકી લીધો એટ્લે ચકલી કહે :

         “ રાજાને ભૂખ પડી 1

           મારો ઢીંગલો આંચકી લીધો ;

           રાજાને ભૂખ પડી!

           મારો ઢીંગલો આંચકી લીધો. “

   રાજા કહે : “ અરે આ તો આપણે લોભી ઠર્યા ! “ એટલે કહે : “ આપી દો ચકલીને ઢીંગલો પાછો .”

   ઢીંગલો પાછો આપી દીધો એટલે વળી ચકલી કહે :

     “ રાજા મારાથી બીનો ,

       મને ઢીંગલો આપી દીધો ;

       રાજા મારાથી બીનો ,

       મને ઢીંગલો આપી દીધો . “

   રાજા ખીજાયો એતલે તેણે ચકલીને મારી નાખી અને તેના કટકેકટકા કરી નાખ્યા. પછી રાજા કહે :

   “ નાખો એના કટકા પર હળદર , મીઠું ને મરચું એટ્લે હું એને ખાઇ જાઉં ! “

     વળી ચકલી બોલી ,

         “આજ તો હું લાલ પીળી થઇ ,

               હું લાલપીળી થઇ ;

         આજ તો હું લાલપીળી થઇ,

               હું લાલપીળી થઇ ;

     રાજા કહે : “ હજી તો ચકલી હાલે છી , માટે એને વઘારીને તળી નાખો એટલે બોલતી બંધ થાય .”

     ચકલીને તો તેલમાં વઘારી એટલે વળી ચકલી બોલી :

             “ આજ તો હું છનનન થઇ,

                         હું છનનન થઇ;

               આજ તો હું છનનન થઇ

                        હું છનનન થઇ

   રાજા તો ઘણો ખિજાયો ને ખિજાતો ખિજાતો ચકલીને ખાવા લાગ્યો. ત્યા6ંગળામાં જતાં જતાં ચકલી બોલી:

           “ આજ તો હું સાંકડી શેરીમાં ગઇ,

                       હું સાંકડી શેરીમાં ગઇ;

             આજ તો હું સાંકડી શેરીમાં ગઇ,

                      હું સાંકડી શેરીમાં ગઇ

   રાજા કહે : “ ચાલો , જવા દો એને પેટમાં . પછી ક્યાંથી બોલશે ?

   ચકલી તો પેટમાં ગઇ પણ ત્યાંથીય બોલ્યા વિના ન રહી તે બોલી :

             “ આજ તો હું રાજમહેલમાં ગઇ

                       હું રાજમહેલમાં ગઇ;

             આજ તો હું રાજમહેલમાં ગઇ,

                       હું રાજમહેલમાં ગઇ;

   રાજા તો બહુ જ ગુસ્સે થયો . પછી પોતે દિશાએ જવા બેઠો ત્યારે સિપાઇઓને આસપાસ ઊભા રાખ્યા અને તેમને કહ્યું :

       “જ્યારે ચકલી બહાર નીકળે ત્યારે તેને કાપી નાખજો. “

       રાજા દિશાએ બેઠો ને ફરતા ઉઘાડી તલવારે સિપાઇઓ ઊભા રહ્યા. ત્યાં તો ચકલી નિકળી ને રાજાના વાંસા પર બેઠી . સિપાઇઓ જ્યાં તલવાર ચકલીને મારવા ગયા ત્યાં તો ચકલી ભરરર કરતી ઊડી ગઇ અને રાજાનો વાંસો કપાઇ ગયો!

       પછી ચકલી એક ઝાડ ઉપર બેઠી બેઠી બોલવા લાગી :

             “ મને તો કાંઇ ન થયું ,

             પણ રાજાનો તો વાંસો કપાયો;

             મને તો કાંઇ ન થયું ,

             પણ રાજાનો તો વાંસો કપાયો ! ”

 

 

વાદીલો કાગડો

     એક હતી કાબર ને એક હતો કાગડો. કાગડાભાઇ વાદીલા ; કાબર જે કરે તે પોતે કરે

       એક દિવસ કાબર નાહીધોઇને જઇને પીપળે બેઠી.

     ઊંચું જોયું તો આંખમાં આંજણ.

     નીચું જોયું તો પગમા6 ઝાંઝર.

     ખાડામાં હાથ નાખ્યો તો વીંટી જડી.

     ખડમાં હાથ નાખ્યો તો રૂપિયા જડ્યા.

     રેતીમાં હાથ નાખ્યો તો હીરરા જડ્યા.

     પાદર ગઇ ત્યાં ગાડીઘોડા મળ્યા !

     કાગડો પણ નાહીધોઇને બાવળને ઝાડે બેઠો , પણ ચાંચમાં નરક રહી ગયેલું.

       ઊચું જોયું તો આંખ ફૂટી.

       નીચું જોયું તો પગ ભાંગ્યા.

       ખાડામાં હાથ નાખ્યો તોં વીંછી કરડ્યો.

     ખડમાં હાથ નાખ્યો તો એરુ કરડ્યો.

     રેતીમાં હાથ નાક્લ્હ્યો તો ઝાંઝરું કરડ્યું.

     પાદર ગયો ત્યાં મરી ગયો!

   ચકલી અને કાગડો

   એક હતી ચકલી ને એક હતો કાગડો . ચકલીનું ઘર મીણનું અને કાગડાનું ઘર છણનું.

   એક દિવસ વરસાદ આવ્તો. આવ્યો આવ્યો, તે બસ આવ્યા જ કર્યો ! સડસડ સડસડ , સડસડ સડસડ!

     પાણી ખળખળ વહેવા લાગ્યું . જ્યાં જુઓ ત્યાં એકલુ પાણી પાણી!

     ચકલીનુ ઘર તો હતું છણનું ; છાણનું ઘર તો તણાઇ ગયું.

     બિચારો કાગડો ઉડીને ડાળ પર બેઠો. સામી જ ડાળ ઉપર ચકલી બાઇનું ઘર. કાગડાભાઇની નજર ત્યાં ગઇ. મનમાં કહે : “ ચાલ ને ચકલીના ઘરમાં રાત ગાળું ! “

       કાગડો તો એના બારણા પાસે ગયો ને સાંકળ ખખડાવી : “ચકલીબેન , ચકલીબેન ! બાર ઉઘાડો .”

       ચકલી કહે : “ થોભ જરા ; મારા બાળકને નવડાવું છું. “

       કાગડો તો થોડી વાર બેઠો પણ ફરી પાછો ખડખડ ખડખડ સાંકળ ખખડાવવા લાગ્યો : “ ચકલીબાઇ ,ચકલીબાઇ ! જરા બાર ઉઘાડો ને ? “

       ચકલી કહે : “ થોભ જરા ‘ હજી મારા બાળકને લૂગડાં પહેરાવું છું. “

   કાગડો બિચારો બેઠો બેઠો થોડી વારે પાછો ખડખડ કરી કહે : “ ચકલીબાઇ ચકલીબાઇ ! બાર ઉઘડો .”

   ચકલી કહે : “ થોભ જરા : હજી માંરા બાળકને જમાડું છું . “

   કાગડો જરા બેઠો ; થોડી વારે પાછું ખડખડ કાગડો કહે : “ ચકલીબાઇ , ચકલીબાઇ ! બાર ઉઘાડો .”

     ચકલી કહે : “ થોભ જરા ; હજી મારા બાળકને સુવાડું છું .”

     કાગડો તો બેઠો .

     ફરી પાછું ખડખડ કાગડો કહે : “ ચકલીબહેન ચકલીબહેન ! બાર ઉઘાડો.”

     છેવટે ચકલીબાઇએ બારણું ઉઘાડ્યું. કાગડો તો ટાઢથી એકદમ ઠરી ગયો હતો.

     ચકલી કહે : “ ક્યાં બેસીશ ? ચોખાના હાંડલામાં કે ઘઉંના હાંડલામાં ? “

     કાગડો કહે : “દાળના.”

     રાત્રે સૌ ઊંઘી ગયાં એટલે કાગડાભાઇ દાળ ખાવા લાગ્યા : “ કડુક કડુક!”

   ચકલી જાગી ગઇ કહે : “ આ કડુક કડુક ક્યાં થાય છે ? “

   ચકલી ચારેકોર જોવા લાગી . પણ ત્યાં તો અવાજ બંધ થયો.

   ચકલી ખાટલે જઇને સૂતી . ત્યાં તો ફરી અવાજ થવા લાગ્યો : “ કડુક કડુક!”

     ચકલીએ વળી ઊઠીને ચારેકોર તપાસ્યું .

     પણ ત્યાં તો અવાજ બંધ !

     વારે વારે ‘કડુક કડુક્જ ‘ થાય અને ચકલી જોવા ઊઠે : પણ જ્યાં ઊઠે ત્યાં તો પાછું ટાઢુંટમ.

       સવાર પડી એટલે કાગડાભાઇ તો “કૉ કૉ ન! કરતા ઊડી ગયા.

       ચકલીએ જઇને માટલામાં જોયું તો દાળનો એક દાણો પણ ન મળે , ને આખુંયે માટલુંયે ચરકથી ભર્યુ હતું !”

 

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
One comment on “બાળવાર્તાઓ
  1. richpeoplefrompoorcountry કહે છે:

    Mr Young man you forgot the word using by you may sue you, please remove word ” ઢેઢ” . its shows mentality towards backwards people still live and we cannot remove from our genesis that not good for nourishing mind specially when plying with kids.

    we should think about it together.

    thanks.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 300,741 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
જૂન 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે   જુલાઈ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: