રામાયણનાં પાત્રો// હનુમાન//નાનાભાઈ ભટ્ટ


રામાયણનાં પાત્રો હનુમાન

પાનું: 162

                                હનુમાન

                અંજનાસુત

    ‘અંજના !’ ગોતમીએ કહ્યું, ‘તારો હનુમાન હમણાં હમણાં ડાહ્યો થતો જાય છે.’

          ‘માતાજી !’ અંજના બોલી, ‘એનાં છેક બચપણનાં તોફાન

યાદ કરું છું ત્યારે તો હજી મારા હૈયામાં ફાળ પડે છે. ઋષિપત્ની

મેં તમને વાત નથી કરી. એ છેક જ નાનો હતો અને અમે મેરુ

પર્વત પર રહેતાં ત્યારે એક દિવસ હનુમાને સૂર્યને ઊગતો દીઠો

અને જોઈ લ્યો એની મસ્તી ! એ તો કહે : ‘મારે આ ફળ જ જોઈએ

!’ અને ઊઠી ઊઠીને પકડવા જ દોડે. મેં એને ઘણો ઘણો

સમજાવ્યો, ફોસલાવ્યો, પણ હું જરા દૂર ગઈ એટલામાં તો એણે

સૂર્યને પકડવા માટે આકાશમાં સીધી દોટ દીધી. આ વખતે

પછડાતાં એની દાઢી ભાંગી ગઈ, તેથી તો અમે એને હનુમાન

કહીએ છીએ.’

‘અંજના !’ ગુરુપત્નીએ જણાવ્યું, ‘નાનાં બાળકો આવાં

આવાં તોફાનો કરે એ તો સારી વાત છે. તેં કહી તે વાત હું જાણતી

ન હતી, પણ મેં પોતે એનો ઉન્માદ ક્યાં નથી જોયો ! એક ઝાડ

પરથી બીજે ઝાડે જ નહી, ત્રીજે-ચોથે ઝાડેય નહિ, પણ પાંચમે ને

દસમે ઝાડે કૂદકા દેવા, પર્વતના એક શિખર પરથી બીજા શિખર

પર ઠેકવું, ડુંગર પર ચડીને મોટાં મોટાં શિખરોને હચમચાવીને

દેડવી પાડવાં, મોટાં મોટાં વૃક્ષોને મૂળિયાં સાથે જમીનમાંથી ખેંચી

કાઢવાં, આકાશમાર્ગે કૂદાકૂદ કરી મૂકવી, મોટા મોટા સાગરને

તળિયે ડૂબકી મારવી, ફાલ્યાંફૂલ્યાં અનેક જંગલોને ધડાધડ

સળગાવી મૂકવાં – આ બધું હનુમાનનું તોફાન મારાથી ક્યાં

અજાણ્યું છે !’

     ‘માતાજી !’ અંજના બોલી, ‘એ તો સારા આશીર્વાદ તમ

ઋષિજનોના કે હવે ધીમે ધીમે હનુમાન ઠેકાણે આવવા લાગ્યો છે.’

     ‘અંજના !’ ગોતમીએ જણાવ્યું, ‘હજી તો કાલ સવારે

હનુમાને આપણા આશ્રમમાં આવીને વલ્કલોના ચીરેચીરા કરી

નાખ્યા છે. હજી તો કાલ સવારે વાછરડાંને ધવરાવી દઈને અમારાં

બાળકોને તથા અમારા હોમોને દૂધ વિનાનાં રાખ્યાં છે. અને

આશ્રમનાં ઝાડો ? હજી તો આંબે મોર બેઠા હોય ત્યારથી રોજ

આવીને ઝીણી આંખો તપાસે, ને કેરીઓ બેઠી એટલે તો ભોગ

મળ્યા ! ઘડીક પહેલાં જોઉં કે કેરીઓ બેઠી છે ને હમણાં ફળ

વીણીને ઉતારેશ, ને પાછી આવું ત્યાં કેરી હોય જ શાની ! ભલો

હોય તો ઉપર બેઠો બેઠો હનુમાન ગલોફાં હલાવતો હોય. અને

અંજના ! કોઈ વાર હાથમાં આવી ગયો ને મારવા હાથ ઉગામું

ત્યારે એવું તો સુંદર હસે કે મારો ઉગામેલો હાથ એમ જ રહી જાય

ને એ બીજા હાથમાં સરકી પડે ! અને વળી પાછો બીજે દિવસે એ

જ આંબાની ડાળ પર હનુમાન કોયલને બોલાવતો બેઠો જ હોય.

અંજના ! આંબો, જમરૂખડી, કેળ, ફણસ, જાંબુડો – એક પણ ઝાડને

એ ફળ રહેવા ન દે. અંજના ! આશ્રમમાં કૂદાકૂદ કરી મૂકવી,

સમિધોના મોટા મોટા ભારાઓને સળગાવી દેવા, વાછરડાંઓને

ધવરાવી દેવાં, ફળોને ખાઈ જવાં, છાપરાંઓને વીંખી મારવાં ને

આખાય આશ્રમને ખેદાનમેદાન કરી મૂકવો – આ તારા હનુમાનનો

ધંધો ! ચીડ તો એવી ચડે કે હાથમાં આવે તો જીવતો ન મૂકીએ;

પણ હાથમાં આવે ત્યારે એનું મોઢું જોયા જ કરીએ એમ થાય.’

‘તોય માજી ! તમારા સૌના આશીર્વાદથી હવે મારો

હનુમાન ડાહ્યો થવા લાગ્યો છે.’ અંજના બોલી.

     ‘અંજના !’ ગોતમી બોલી, ‘એક વાત કહું ? તારે પેટમાં

રાખવાની છે, હો.’

‘માજી !’ અંજના બોલી, ‘હું કોને કહેવાની હતી ?’

     થોડા દિવસ પહેલાં,’ ગોતમીએ કહ્યું, ‘બધા ઋષિમુનિઓ

એકાંતમાં મળીને વાતો કરતા હતા કે આ હનુમાનને હાથે

વિશ્વકલ્યાણનાં મોટાં મોટાં કામો થવાનાં છે. એ ઋષિઓ કહેતા

હતા કે હનુમાનનાં આ તોફાનો વિશ્વશાંતિમાં ભારે કામ આવશે.’

     ‘અહોભાગ્ય મારાં !’ અંજના બોલી, ‘માજી ! હું તો પામર

સ્ત્રી છું. આપણું જગત આજે ઘોર રાક્ષસોથી ત્રાહિ ત્રાહિ પોકારી

રહ્યું છે, એમાંથી આપણે કેમ ઊગરશું તે મને સમજાતું નથી. માજી

! જુઓ ને, આપણા આખાય દક્ષિણમાં એ લોકો આજે પહોળા

પથરાઈને પડ્યા છે. જનસ્થાનને તો એ લોકોએ એવું કરી મૂક્યું છે

કે કોઈ ઋષિમુનિ પગ મૂકી ન શકે. આ બધામાંથી શાંતિ કેમ

આવશે તે સૂઝતું નથી.’

     ‘અંજના ! ગોતમી બોલી, ઋષિમુનિઓને તો થોડા વખતમાં

તમામ ત્રાસનો અંત દેખાય છે. એમને તો નવા યુગમાં સૂર્ય

દેખાઈ રહ્યો છે. તારો હનુમાન આ નવા યુગમાં આગળ પડશે

એવી એમની ભવિષ્યવાણી છે. બાકી આજે તો તારો હનુમાન

આશ્રમમાં વ્યાકરણ શીખે છે.’

‘વ્યાકરણ !’ અંજના બોલી, ‘અમારે વાનર લોકોને વ્યાકરણ

શાં ને વેસ શા ! અમે તો જંગલનાં પ્રાણીઓ; અમારાં શરીર

જંગલી, અમારી રીતભાત જંગલી, અમારી અક્કલ જંગલી, અમારી

ભાષા પણ જંગલી, અમારું બધુંય જંગલી.’

     ‘પણ વાનરોનો આત્મા તો જંગલી નથી ના ?’ ગોતમીએ

કહ્યું, ‘આજે જે સંસ્કારી દેખાય છે તે ગઈ કાલે જંગલી હતા; અને

આજે જે જંગલી દેખાય છે તે આવતી કાલે સંસ્કારી થવાના છે.’

          ‘માતાજી !’ અંજના બોલી, ‘વ્યાકરણ ગમે તેટલું શીખે તો

પણ હનુમાનની ભાષા તો જંગલી જ રહેવાની.’

     ‘એમ કેમ બને ?’ ગોતમીએ જણાવ્યું, ‘કહે છે કે હનુમાન બહુ

હોશિયાર છે. એણે અષ્ટાધ્યાયી તો પૂરી કરી ને હવે આગળ વધ્યો

છે. વાનર હોવા છતાં એ કોઈ ઉગ્ર સંસ્કારવાળો આર્ય હોય એવી

ઝડપથી બધું ઝીલી શકે છે.’

’એ તો તમ આશ્રમવાસીઓના પ્રતાપથી હોય.’ અંજનાએ

જણાવ્યું, ‘બાકી તો મારા પિતા કુંજર વાનર, હનુમાનના પિતા

કેશરી વાનર, ને જેની કૂખમાં નવ માસ એ આળોટ્યો તે હું અંજના

વાનરી. આ બધુંય હોય ત્યાં હનુમાનને નવા સંસ્કાર ક્યાંથી પડે

?’

     ‘અંજના !’ ગોતમી બોલી, ‘તને ખબર નથી. જગતમાં જેમ

અનેક વસ્તુઓના વારા આવે છે, તેમ સુધારાના અને સંસ્કારિતાના

પણ વારા આવે છે. આવા વારાફેરા એ કુદરતનો ક્રમ છે, અને

તેથી જ જગતનું સ્વાસ્થ નિરંતર સચવાયા કરે છે. આજે આર્યો

આગળ વધે છે કાલે રાક્ષસો ને વાનરો આગળ વધશે; આજે ધોળી

પ્રજા આગળ હશે તો કાલે પીળી પ્રજા આગળ આવશે, ને પરમ

સિવસે કળી પ્રજા આગળ થશે; આજે નદીઓની આસપાસ રહેતા

લોકો વધારે આગળ પડશે તો આવતી કાલે સમુદ્રકાંઠે રહેનારા

લોકો થશે; આજે શરીરબળવાળા લોકો મોખરે હશે તો કાલે

અક્કલબાજ લોકો મોખરે આવશે. જેમ પ્રજાઓમાં આવા ફેરફારો

થયા કરે છે, તેમ દેશો પરત્વે પણ ફેરફારો થયા કરે છે. એક

દિવસ પૂર્વના દેશો આગળ હશે તો એક દિવસ પશ્ચિમના દેશો

આગળ હશે; એક દિવસ ઉત્તરના દેશોનો વારો હશે તો બીજે

દિવસે દક્ષિણના દેશોનો વારો આવશે. જગતના આવા સનાતન

ફેરફારોને પારખનારા ઋષિઓ જીવનમાં સર્વદા જાગૃત જ રહે છે,

અને આવા ફેરફારોમાં નિરંતર મોખરે રહીને જગતનું કલ્યાણ

વિચાર્યા કરે છે.’

‘માતાજી !’ અંજના બોલી, ‘તમે તો ઋષિનું પડખું સેવો છો,

એટલે આવી આવી વાતો કરી શકો છો. મારામાં તો એવું

સમજવાનીય શક્તિ નથી.’

     ‘અંજના ! એમ ન બોલ.’ ગોતમી બોલી, ‘તારા જેવી સ્ત્રી એક

મહાપુરુષની જનેતા થાય એ જ બસ નથી શું ? લોકો હનુમાનને

ઓળખશે અંજનાના પુત્ર તરીકે. હનુમાન આખીય પૃથ્વી પર ડંકો

વગાડીને આખરે તે આવશે તો અંજનાના ખોળામાં માથું મૂકવા.

અંજના ! આવા વીરપુત્રની જનેતા થવું એથી મોટું સદ્-ભાગ્ય

બીજું ક્યું હોય ? હનુમાનને તારા આશીર્વાદ આપ એટલે બસ છે.’

‘બેટા હનુમાન !’ અંજનાથી બોલાયું, ‘તારું કલ્યાણ થાઓ.

આ ઋષિમુનિઓના સંગને અને તારી જનેતાની કૂખને શોભાવે એવું

જીવન જીવજે. ગોતમી ! હવે હું જઈશ. મેં તમને બહુ રોક્યાં !’

એમ કહી અંજના વનમાં ફળફૂલ તોડવા ચાલી ને ગોતમી આશ્રમ

તરફ વળી.

    

 

 

                    રામચંદ્રદર્શન

     દક્ષિણમાં મતંગ નામે પર્વત છે. આ પર્વતના જ એક ભાગને

ઋષ્યમૂક કહેતા અને બીજા ભાગને મલય કહેતા. આ મતંગ પર્વત

ઉપર જ પંપા નામનું મનોહર સરોવર હતું. આ પર્વત ઉપર જ

વ્યાકુળ થઈને રામે દીન વદને રુદન કર્યું હતું. આ પર્વત પર જ

મતંગ ઋષિનો આશ્રમ હતો. આ પર્વત પર જ એક ભાગમાં

શબરીએ રામચંદ્રનું ભાવભીનું આતિથ્ય કરીને દેહ છોડ્યો. આ

પર્વત પર જ વાલીએ એક મરેલા દુશ્મનના શરીરને ફેંકીને

આશ્રમને અપવિત્ર કર્યા હતો એટલે ઋષિએ વાલીને શાપ આપ્યો

હતો. આ પર્વતને આપણે નીલગિરિના નામથી ઓળખીએ છીએ.

’મતંગની તળેટીમાં કિષ્કિંધા નામની મોટી નગરી હતી.

ઋક્ષરજા નામનો વાનર રાજા એ કિષ્કિંધામાં રાજ્ય કરતો હતો.

તેને સુગ્રીવ ને વાલી નામે બે પુત્રો હતા. ઋક્ષરજાના મૃત્યુ પછી

વાલી ગાદીએ આવ્યો ને સુગ્રીવ યુવરાજ થયો. એક વાર એક

રાક્ષસની સામે વાલી યુદ્ધે ચડ્યો. નાસતાં નાસતાં રાક્ષસ એક

ગુફામાં પેઠો એટલે વાલી તેની પાછળ ગયો. જતાં જતાં સુગ્રીવને

કહેતો ગયો : ‘હું ગુફામાંથી પાછો આવું ત્યારે સુધી આ ગુફાના દ્વાર

પાસે બેસજે.’ સુગ્રીવે ગુફાના દ્વાર પાસે બાર મહિના રાહ જોઈ પણ

વાલી આવ્યો નહિ; ઊલટું એક દિવસ ગુફામાંથી લોહી નીકળતું

જોયું એટલે સુગ્રીવ ગભરાયો ને રાક્ષસે વાલીને મારી નાખ્યો હશે

એમ માની ગુફાના દ્વાર પર મોટી શિલા મૂકી ત્યાંથી કિષ્કિંધા તરફ

ચાલી નીકળ્યો. સુગ્રીવે કિષ્કિંધા આવીને વાલીની સ્ત્રે તારાને તેમ

જ સમસ્ત પ્રજાને બધા સમાચાર કહ્યા અને પ્રજાની સંમતિથી

ગાદી પર બેઠો. સુગ્રીવની ભાર્યા રુમા પટ્ટરાણી બની.

     એવામાં એક દિવસ અચાનક વાલી કિષ્કિંધામાં આવી ચડ્યો.

તેણે સુગ્રીવને બૂમ મારી, ગાદી ઉપરથી ઉતારી મૂક્યો. પ્રજાની

પાસે પોતાની બધી હકીકત મૂકી અને સુગ્રીવને કિષ્કિંધાની હદ

છોડી જવાનો હુકમ કર્યો. સુગ્રીવની ભાર્યા રુમાને વાલીએ પોતાના

અંતઃપુરમાં રાખી. સુગ્રીવને વાલીને ઘણા કાલાવાલા કર્યા, તેની

માફી માગે પોતાની વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ

વાલીનો કોપ એવો ઉગ્ર હતો કે સુગ્રીવને કિષ્કિંધા છોડવી પડી.

અંજનાપુત્ર હનુમાન સુગ્રીવનો પ્રાણપ્રિય મિત્ર હતો. બંનેએ

સાથે રહીને કેટલાંય તોફાનો કર્યાં હતાં; બંનેએ સાથે રહીને

કેટલીયે મોજો ઉડાવી હતી; બંનેએ સાથે રહીને કેટલાંયે સ્વપ્નો

સેવ્યાં હતાં; બંનેએ સાથે રહીને એકબીજાનાં દિલ પિછાન્યાં.

વાલીએ સુગ્રીવને કિષ્કિંધામાંથી હાંકી કાઢ્યો ત્યારે હનુમાન પણ

સુગ્રીવની સાથે નીકળ્યો; હનુમાનની સાથે નલ, નીલ અને

જાંબવાન પણ સુગ્રીવની પાછળ ચાલ્યા. વાનરરાજ સુગ્રીવ અને

તેના મિત્રો ઋષ્યમૂક પૂર્વક ઉપર રહેવા લાગ્યા. અહીં વાલીનો

હાથ તેમને કોઈ રીતે પહોંચી શકે એમ નથી, એવી તેમની ખાતરી

હતી.

     એક વાર સુગ્રીવ અને આ વાનરો પર્વતના શિખર ઉપર બેઠા

હતા, ત્યાં દૂર દૂર વૃક્ષોની એક હાર વચ્ચે તેમણે રામ-લક્ષ્મણને

જોયા. સુગ્રીવની નજર તેમના ઉપર પડી કે તરત તેણે હનુમાનને

કહ્યું : ‘હનુમાન ! જો પેલા વૃક્ષોને આધારે વાલીના બે જાસૂસો

ચાલ્યા આવે. એમને તેં જોયા ? કેવો તાપસનો વેશ કાઢ્યો છે !

વાલીને તો ઋષિનો શાપ છે એટલે તે જાતે અહીં આવી શકતો

નથી, માટે આપણને મારવા તેણે આ ગુપ્તચરોને મોકલ્યા છે.

વાલી બહુ ઝેરીલો છે; તે માર્યા વિના મારો કેડો છોડે એમ લાગતું

નથી.

     સુગ્રીવના મોંમાંથી આ શબ્દો નીકળ્યા કે તરત જ વાલીની

બીકના માર્યા બીજા વાનરો તો ત્યાંથી નાઠા તે મલય પર્વત પર

ચડી ગયા; સુગ્રીવ પણ બેબાકળો બનીને આમતેમ નજર ફેરવવા

લાગ્યો; હનુમાનનું રૂંવાડું સરખુંય ફરક્યું ન હતું.

હનુમાને સુગ્રીવને કહ્યું : ‘વાનરરાજ ! ભયનું કશુંય કારણ

નથી. જે બે ભાઈઓ ચાલ્યા આવે છે તે વાલીના જાસૂસો હોય

એમ મને બિલકુલ લાગતું નથી. કેવો મનોહર એમનો દેહ છે !

એમની આંખોમાં નરી સજ્જનતા ભરી છે. એમની ચાલ વીરની છે.

એમના મુખ પર શાંતિ ને શોકની છાયા છે. ન હોય એ વાલીના

જાસૂસો.’

     ‘હનુમાન !’ સુગ્રીવ બોલ્યો, ‘રાજાઓના છૂપા દૂતો કેવી

ખૂબીથી ધારે તેવો પહેરવેશ પહેરી શકે છે, કેવી ચતુરાઈથી ધારે

તેવી મુખમુદ્રા ધારન કરી શકે છે, અને ઉપરથી મધ ચોપડેલાં

પણ ગર્ભમાં હળાહળ ઝેરભર્યાં વાક્યો કેવી ચાલાકીથી બોલી શકે

છે, તેની તને ખબર નથી. આવા જાસૂસો સો કાને સાંભળતા હોય

છતાં બહેરા જેવો દેખાય છે; હજાર આંખો વડે જોતા હોય છતાં

જાણે જોયું જ નથી એવો દેખાય કરે છે; અને ઊંડા હૃદયમાં જે

ભર્યું હોય છે તેથી કેવળ વિરુદ્ધ મોઢા પર દેખાડે છે હનુમાન !

મારો દિવસ આજે આથમતો છે એટલે વાલીએ જરૂર મને મારી

નાખવા માટે જ આ લોકોને મોકલ્યા છે.’

          ‘વાનરરાજ !’ હનુમાન બોલ્યો, ‘માણસ નજરે પડ્યો એટલે તે

દુશ્મન જ હશે એમ શા માટે માની લ્યો છો ? એ કોઈ વટેમાર્ગું કા

ન હોય ? કોઈ તાપસ કાં ન હોય ? અથવા આપણી માફક

વખાના માર્યા એ રખડતા હોય એમ પણ કાં ન બને ?’

’હનુમાન, હનુમાન !’ સુગ્રીવે હનુમાનનો વાંસો થાબડતાં કહ્યું,

‘એક વાર રાજ્યાસન પર ચડી જો અને પછી આવું બોલ તો તને

વીર કહું. રાજાનું જીવનનિરંતન કેટલું બધું ભયથી ઘેરાયેલું રહે

છે તેની તને કલ્પના પણ ન હોય. સુગ્રીવ ઋક્ષવાનરનો પુત્ર ન

હોત અને માત્ર એક સાધારણ વાનરપુત્ર હોત તો આજે તારાથી

પણ વધારે હિંમત રાખત. પણ હનુમાન ! રાજાઓને તો સદાય

સત્યની ઝાળ વચ્ચે જ જીવવાનું હોય છે.’

‘સુગ્રીવ !’ હનુમાન બોલ્યો, ‘તમે ગમે તેમ કહો, પણ સારું

હૃદય સાક્ષી પૂરતૂં નથી. આવી સૌમ્ય મુદ્રાઓ તો પવિત્ર

આશ્રમોમાં પણ ભાગ્યે જ જોવામાં આવે છે.’

     ‘તો હનુમાન !’ સુગ્રીવ બોલ્યો, ‘તું તેમની પાસે જા, અને એ

પોતે કોણ છે ને શા માટે આવે છે તે જાણી આવ. જોજે, સાંભાળીને

જજે. તું તાપસનો વેશ લઈને જા; દરમિયાન હું અહીંથી મલય

પર્વત ઉપર જઈને બેસું છું. ત્યાં અમે ચારે જણા તારી રાહ જોઈશું.

હનુમાન ! સાવધાન ! તારા વિના આ સુગ્રીવ એક ક્ષણ પણ

જીવવાનો નથી. વગરવિચાર્યે સાહસ ન કરતો.’

એમ કહીને સુગ્રીવ મલય પર્વત પર ચડી ગયો અને

હનુમાને પંપાને માર્ગે થઈને રામલક્ષ્મણ ચાલ્યા આવતા હતા તે

તરફ વળ્યો. બંને કુમારોની નજીક તે આવ્યો એટલે બોલ્યો :

‘મહાશયો ! આપ બંને કોણ છો ? આપ ક્યાંથી આવો છો ? આ

સરોવરની પાળે ઊગેલાં ઝાડોને આપ બહુ બારીકાઈથી નિહાળો

છો એટલે મને લાગે છે કે આપ કોઈ વસ્તુની શોધમાં નીકળ્યા છો.

આપના તેજથી આ આખો પર્વત ઝળહળી ઊઠ્યો છે. આપના

દેખાવ પરથી મને લાગે છે કે આખા જગતનાં આભૂષણો આપને

પામીને કૃતાર્થ થાય, છતાં આપના દેહ પર હું એક પણ આભૂષણ

દેખતો નથી. આપની ગતિ જોતાં મને થાય છે કે આખી પૃથ્વી

આપને ચરણે હોય, છતાં આપ અકિંચન જેવા ફરો છો. આપ કોણ

છો ? આપ મને કેમ કશોય જવાબ આપતા નથી ? હું પોતે કોણ

છું તેની આપને શંકા હોય તો હું જણાવું છું કે અહીં સુગ્રીવ નામનો

વાનરોનો રાજા છે તેનો હું સેવક છું. સુગ્રીવને તેના ભાઈ વાલીએ

હાંકી કાઢ્યો છે. મારું નામ હનુમાન છે. મને સુગ્રીવે પોતે આપની

પાસે મોકલ્યો છે. સુગ્રીવના ખાસ આગ્રહથી મેં આવો વેશ ધારણ

કર્યો છે. મારો સ્વામી સુગ્રીવ આપની મૈત્રી ઇચ્છે છે.’ આ પ્રમાણે

કહી હનુમાન શાંત ઊભો રહ્યો.

હનુમાનની આવી વાણી સાંભળીને તદ્દન નજીક ઊભેલા

લક્ષ્મણને રામચંદ્રે કહ્યું : ‘ભાઈ લક્ષ્મણ ! આપણે જે સુગ્રીવને

શોધીએ છીએ તે સુગ્રીવનો મંત્રી આપણી પાસે ખડો થયો છે

તે કેવા હર્ષની વાત ! લક્ષ્મણ ! તું જ આ સુગ્રીવના મંત્રી સાથે

વાત કર. તેં એની વાણી સાંભળી ? જેણે ત્રણ વેદોનો અભ્યાસ ન

કર્યો હોય તે આવી વાણી બોલી ન શકે. તેની વાણી કેવી શુદ્ધ છે !

આપણે ઘણા ઘણા પંડિતોને સાંભળ્યા છે, આપણે ઘણા ઘણા

ન્યાયશાસ્ત્રીઓને સાંભળ્યા છે. પંડિતો બોલવા બેસે ત્યારે શું કહેવા

માગે છે તે તો સમજાય જ નહિ; ને કાન પર મોટા મોટા અર્થ

વગરના શબ્દો જ અથડાયા કએ; કેટલીક વાર તો બે વાક્યોથી

અર્થ સરે ત્યાં બાવીશ વાપરે; કેટલીક વાર પોતે શું કહેવા માગે છે

તે નક્કી જ ન હોય, એટલે જે આવે તે ગગડાવે; ઘણી વારે તો

આવા લોકોના શબ્દોને નિચોવો તો અર્થનું એક ટીપું પણ ન પડે.

છતાં આવા પંડિતો આપણા લોકોમાં મોટા વક્તાઓ મનાય છે

અને ક્ષુદ્ર લોકો મોં તેમ જ આંખો ફાડીને તમને સાંભળે છે.

હનુમાનની ભાષા કેવી સાદી ને સરળ છે ! બોલવામાં એક પણ

નકામો શબ્દ નહિ; જે કહેવું હતું તે સીધું સ્પષ્ટ કહી દીધું; ને

ભાષામાં એક પણ દોષ નહિ. આ વાનર જે કહેવા માગે છે તેને જ

અનુરૂપ શબ્દો તે વાપરી જાણે છે, જે વાત એના મનમાં છે તે જ

એ વાણી દ્વારા બહાર લાવે છે, એટલે તેની વાણીમાં ભારે વજન

આવે છે. નાનપણથી જ ઋષિપત્નીઓના સહવાસમાં ઊછર્યો હોય

તે જ આવી સંસ્કારી ભાષા બોલી શકે. જે રાજા પાસે સ્પષ્ટતાથી

વિચાર કરી શકે તેવા અને પોતાના વિચારોને સ્પષ્ટતાથી

ભાષામાં ઉતારી શકે એવા મંત્રીઓ હોય તો રાજા આજે આફતમાં

હોય તોપણ આવતી કાલે એનો સૂરજ તપવાનો છે એમ નક્કી

સમજ. લક્ષ્મણ ! જો એ કેવી શાંતિથી ઊભો છે ? તું એની સાથે

વાત કર.’

રામની આજ્ઞા થતાં જ લક્ષ્મણે કહેવા માંડ્યું : ‘હનુમાન !

અમે વાનરાજ સુગ્રીવની શોધમાં છીએ. અહીંથી ઘણે દૂર કોશલ

નામનો દેશ છે, તેમાં અયોધ્યા નામની મોટી નગરી છે. એ

અયોધ્યાના મહારાજ દશરથના અમે પુત્રો છીએ. મારું નામ

લક્ષ્મણ, ને મારા મોટાભાઈ રામચંદ્ર છે. અમે પિતાના વચનની

ખાતર વનવાસ સ્વીકાર્યો છે. અમારી સાથે મોટાભાઈનાં પત્ની

સીતા હતાં તેને રાક્ષસરાજ રાવણ ઉપાડી ગયો છે. અમે સીતાની

શોધમાં ફરીએ છીએ. અમે આ બાજુ નીકળ્યા ત્યારે ઘણા

તપસ્વીઓએ અમને કહ્યું કે તમે વાનરરાજ સુગ્રીવને મળો તો તે

તમને સીતાનો પત્તો મેળવી આપશે. માટે અમે આ તરફ નીકળ્યા

છીએ.’

     લક્ષ્મણનાં વચન સાંભળતાં સાંભળતાં જ હનુમાનનાં રૂંવાડાં

હર્ષથી ઊભાં થયાં અને બંને હાથ જોડીને તે બોલ્યો : ‘મહાનુભાવ

! કેટલાય દિવસથી આપનાં દર્શનનો હું તરસ્યો હતો તે આજે

આપને જોઈને કૃતાર્થ થયો. મહારાજ ! દક્ષિણના અનેક આશ્રમોમાં

મેં આપનાં નામ સાંભળ્યાં છે; અનેક ઋષિમુનિઓ પાસેથી મેં

આપનાં પરાક્રમોની વાતો જાણી છે; અનેક સાધુપુરુષો રામચંદ્રને

યુગપુરુષ માને છે, અને આપને હાથે આ રાક્ષસી જમાનાનો અંત

આવે એની રાહ જોઈ રહ્યા છે. મહારાજ ! જેનાં દર્શન આપો છો

એથી મોટું સદ્-ભાગ્ય ક્યું હોય ? આપ પધારો. હું આપને સુગ્રીવ

પાસે લઈ જાઉં. આપ થાકી ગયા જણાઓ છો એટલે હું આપને

મારી કાંધ ઉપર બેસારીને લઈ જઈશ. આ ખભા પર આપનાથી

વધારે પવિત્ર વસ્તુ કઈ ચડવાની છે ?’

એમ બોલી હનુમાન રામલક્ષ્મણને પોતાના ખભા પર

બેસાડીને જ્યાં સુગ્રીવ હતો ત્યાં મલય પર્વત ઉપર લઈ આવ્યો.

 

                    સાગરોલ્લંઘન

     સુગ્રીવ અને રામચંદ્રને અગ્નિની સાક્ષીએ મૈત્રી થઈ.

રામચંદ્રે પોતાના કોલ પ્રમાણે વાલીને માર્યો ને સુગ્રીવ

કિષ્કિંધાનો રાજા થયો. હનુમાન તો પહેલેથે જ સુગ્રીવની પડખે

હતો.

     વર્ષાઋતુ પૂરી થઈ એટલે સુગ્રીવે તમામ વાનરોને સીતાની

શોધ કરવા માટે મોકલ્યા. સુગ્રીવના હુકમને માન આપીને તારાનો

પિતા તાર આવ્યો તથા હજારો વાનરોને સાથે લઈને હનુમાનનો

પિતા કેસરી આવ્યો; અંજનના જેવા રંગવાળો નીલ આવ્યો,

સોનેરી વાળવાળો ગવય આવ્યો, જાંબવાન આવ્યો, રંભ આવ્યો,

દુર્મુખ આવ્યો, દશમુખ આવ્યો, કુમુદ આવ્યો – બધાય કૂદતા,

નાચતા, શરીર પર કાપ કરતા, મારફાડ ને રંજાડ કરતા અને

બૂમબરાડા પાડતા કિષ્કિંધામાં એકઠા થયા, અને વાનરરાજ

સુગ્રીવને વંદન કરી તેના હુકમની રાહ જોતા ઊભા.

સુગ્રીવે વિજયને તેની ટુકડી સાથે પૂર્વ દિશામાં રવાના કર્યો

સુષેણને પશ્ચિમ તરફ મોકલ્યો, શતબલિને ઉત્તર દિશા ખેડવા

મોકલ્યો અને વાલીના પુત્ર અંગદની ટુકડીમાં નીલ હતો,

જાંબવાન હતો, હનુમાન હતો, મૈન્દ હતો, ઉલ્કામુખ હતો. અંગદને

વિદાય આપતી વખતે સુગ્રીવે વાનરરાજની કડકાઈથી કહ્યું :

‘અંગદ ! તું દક્ષિણ તરફ જા. રાક્ષસરાજ રાવણે સીતાને જ્યાં

સંતાડી હોય ત્યાંથી શોધી કાઢજો. તમારે સૌએ એક માસની અંદર

અહીં પાછા આવવાનું છે. એક માસથી વધારે બહાર રહેનારનું

માથું સલામત નથી.’

એક માસને વીતતાં કેટલી વાર ! વાનરો તો સુગ્રીવની

આજ્ઞાને બરાબર વળગી રહ્યા; વાનરો તો શહેરો, ગામડાં, નદી,

સરોવર, વાવ, કૂવા, સાગર, પર્વત, જંગલ, ગુફા, બધુંય શોધી

વળ્યા છતાં સીતાનો પત્તો ન લાગ્યો એટલે એક માસની મુદતને

બરાબર ધ્યાનમાં રાખીને વખતસર પાછા આવી ગયા. પૂર્વ

તરફથી વિજય પણ વખતસર પાછા આવી ગયો; ઉત્તર તરફથી

શતબલિ પણ નિરાશ થઈને પાછો ફર્યો, અને સુષેણે પણ આખીય

પશ્ચિમને ઢૂંઢીને છેક છેલ્લે દિવસે કિષ્કિંધામાં પગ મૂક્યો.

     અંગદની ટુકડી છેલ્લી ઘડી સુધી ન આવી. આ લોકોએ

વિંધ્યાચળની ગુફાઓ ઢૂંઢી; ભયંકર એવાં જંગલોને ખોળ્યાં,

પર્વતનાં શિખરો પર ફરી વળ્યા. નદીઓને ઓળંગી, ઝાડોને ફેંદી

માર્યાં પણ સીતાનો પત્તો લાગ્યો નહિ ! વાનરો બધા થાકીને લોથ

થઈ ગયા; એક ડગલું આગળ મૂકવાની તેમનામાં શક્તિ ન રહી.

વાનરરાજે આપેલી મુદત તો ખલાસ થઈ ગઈ હતી; અધૂરમાં પૂરું

બધા વિચિત્ર ગુફામાં ભરાઈ ગયા તે મહામહેનતે બહાર નીકળ્યા

ત્યારે દક્ષિણસાગરનો કિનારો દેખાયો. પાછળ જુઓ તો આકાશ

સાથે વાતો કરતો વિંધ્ય પર્વત, આગળ જુઓ તો ઠેઠ દક્ષિણ ધ્રુવ

સુધી ઘૂઘવતો મહાસાગર, પગ તળે જુઓ તો કઠણ પૃથ્વી અને

માથા પર વાનરરાજની લટકતી તલવાર ! વાનરો બધા હતાશ

થઈને પૃથ્વી પર અળોટવા લાગ્યા એટલે અંગદ બોલ્યો :

‘વાનરરાજ સુગ્રીવના હુકમથી આપણે સૌ નીકળ્યા છીએ. આપણે

આટઆટલું રખડ્યા છતાં ન તો સીતાને જોઈ, ન તો સીતાનું હરણ

કરનાર રાવણને જોયો. અને છતાંય આપણે આપેલી મુદતને

વટાવી ગયા છીએ. રાજાનો હુકમ એ શી વસ્તુ છે તે તમે સૌ

બરાબર જાણો છો. આવા કટોકટીના પ્રસંગે તો હુકમનો જરાયે

ભંગ થયો એટલે મોતના મોંમાં પડ્યા સમજો. તમે એમ ન

સમજતા કે હું યુવરાજ છું એટલે સુગ્રીવ મને માફ કરશે. હું ગમે

તે હોઉં, પણ વાલીનો પુત્ર છું એ વાત સુગ્રીવ શી રીતે ભૂલે ?

મારી જનેતા તારા સુગ્રીવના મહેલમાં છે; એનું ખૂન મારી આંખમાં

સુગ્રીવ શું નથી દેખતો ? તમે સૌ જવું હોય તો સુખેથી જાઓ; હું

તો અહીં જ રહીશ ને રાજહુકમને માન આપીને અન્નપાણીની

આખડી રાખી મરી જઈશ. સુગ્રીવને હાથે મરવું એ કરતાં સાગરને

કિનારે આ પ્રમાણે મરવું વધારે સારું છે.’

કુમાર અંગદનાં આ વાક્યે સાંભળીને વાનરો ભયભીત બની

ગયા. તારાનો પિતા તાર બોલ્યો : ‘કુમાર અંગદ બોલે છે તે સાચું

છે. આપણે પાછા જશું તો સુગ્રીવ આપણને મારી નાખશે. પણ

રાજહુકમનો એવો અર્થ નથી કે સુગ્રીવ ન મારે તોપણ આપણે

જાણીબૂજીને મરી જવું. આપણે સૌ આ રમ્ય ગુફામાં જ રહીએ.

અહીં સુગ્રીવનો પણ ભય નથી. વાલીપુત્ર અંગદ આપણો રાજા

આપણે સાથે છે, એટલે જ્યાં રહીએ ત્યાં આપણું રાજ્ય જ છે.’

તારાનો પિતા અને અંગદનો દાદો તાર આ પ્રમાણે બોલ્યો

એટલે વાનરો બધા હર્ષમાં આવી ગયા. પરંતુ હનુમાનને એ

શબ્દોમાં નવું રાજ્ય સ્થાપવાની ગંધ આવી. સુગ્રીવના વર્તનથી

અંગદ તેનાથી વિમુખ થયો છે એમ હનુમાને સ્પષ્ટ જોએ લીધું

અને વાનરજાતિમાં ઐક્યભંગ ન થાય એવી હિતબુદ્ધિથી બોલ્યો :

‘યુવરાજ ! તારાના સમર્થ પુત્ર ! તું તારા પિતા વાલી કરતાં

વધારે બળવાન છે. આ તમામ વાનરોનો રાજા થવા માટે તું જ

લાયક છે. પણ આપણા વાનરો કેવા ચંચળ સ્વભાવના છે તેની

ખબર છે ? આજે તેઓ ગમે તેટલા હર્ષથી કૂદતા હોય પણ એમનાં

સ્ત્રીછોકરાંને કિષ્કિંધામાં છોડીને તેઓ તારી સાથે રહે એવું ન

માનતો. આ જાંબવાન, આ નીલ, આ સુષેણ ને હું – આ ચાર

જણાને તો બ્રહ્મા પણ સુગ્રીવથી છૂટા પાડી શકે તેમ નથી. આ

ગુફા સલામત લાગતી હશે પણ લક્ષ્મણના બાણો પાસે આ ગુફા

ટકી શકે એમ તને લાગે છે ? આજે તને ‘હા જી હા’ કરતા આ

વાનરો બે દિવસ પછી પોતાનાં સ્ત્રીછોકરાંને સંભારવાના અને

કંગાળ જેવા બનીને કિષ્કિંધા પાછા જવાના. અંગદ, યુવરાજ !

સુગ્રીવ ગમે તેવો તોપણ દઢ છે; તારા પર તેની પ્રીતિ હતી; તારી

માતા માટે તેને માન છે; સુગ્રીવને પુત્ર નથી એટલે તને યુવરાજ

નીમ્યો છે. અંગદ ! આપણે થાક્યા હોઈએ તો બે દિવસ વિસામો

લઈએ.’

હનુમાનનાં આવાં સાંત્વનનાં વચનો સાંભળીને અંગદ બોલી

ઊઠ્યો : ‘હનુમાન ! તું સુગ્રીવનાં ગમે તેટલાં વખાણ કરે પણ

સુગ્રીવમાં સાધુતાનું એક પણ લક્ષણ નથી. જે મારી સન્મુખ મારી

માતાને – અરે પોતાના ભાઈની સ્ત્રીને પોતાની ભાર્યા કરી શકે

તેનામાં ધર્મબુદ્ધિની શી આશા રખાય ? જેણે મારા પિતાનો દ્રોહ

કરીને ગુફાનું બારણું બંધ કરી દીધું ને પાછળથી ગાદીએ ચડી

બેઠો તેનામાં ધર્મબુદ્ધિની આશા રખાય ? જેણે એક વાર અગ્નિની

સાક્ષીએ રામચંદ્રની મૈત્રી બાંધી અને પાછળથી રાજ્ય મળ્યું એટલે

ચાર માસ ઊંધી રહ્યો એનામાં ધર્મબુદ્ધિ ક્યાંથી હોય ? જેણે

પોતાની પવિત્ર પ્રતિજ્ઞા ખાતર નહિ પણ લક્ષ્મણની બીકથી

આપણને સીતાની શોધ કરવા માટે મોકલ્યા તેનામાં ધર્મબુદ્ધિ

ક્યાંથી હોય ? સુગ્રીવ પોતાના દુશ્મનના દીકરાને ગાદી પર

બેસાડે એવો સજ્જ કે મૂર્ખ નથી. એ તો રામચંદ્ર ટેકીલા છે; એટલે

તેમના કહેવાથી મને યુવરાજ બનાવવો પડ્યો છે; બાકી સુગ્રીવને

હું ઓળખું છું. આજે મારા નિયમભંગને બહાને એ મને ઠાર કરે

એમાં મને લેશ પણ શંકા નથી. તમે સૌ ખુશીથી ઘરે જાઓ; હું

અહીં જ મારા પ્રાણ છોડીશ. આપણા રાજા સુગ્રીવને, રામચંદ્ર

-લક્ષ્મણને અને મારી વહાલી માતાને મારા પ્રણામ કહેજો. મારી

માતા તારાને ધીરજ આપજો. એ બિચારી તો કોણ જાણે જીવતી

રહે તો !’

     એટલું બોલી અંગદ ત્યાં જ બેસી ગયો એટલે વાનસો બધા

આંસુભરી આંખોએ તેની આસપાસ વીંટળાઈ ગયા. હનુમાન આ

બધું જોઈ રહ્યો અને વિચારમાં ઊતરી પડ્યો.

     *              *              *

     રેતાના રણમાં મુસાફરી કરતાં કરતાં તરસને લઈને ગળે

કાંચકી બાઝી હોય તેને પાણીનું ટીપું હોઠ પલાળવા માટે ત્યારે

કેવો આનંદ થાય તે જોયો છે ? ભૂખના માર્યા જેનું પેટ ઠેઠ બરડે

અડ્યું છે તેવા ભૂખ્યાને જારની પાતળી રાબડી મળે ત્યારે કેવો

આનંદ થાય તે જોયું છે ? વાનરો બધા રેતીમાં લાંબા થઈને

પડ્યા. માથા ઉપર સખ્ત તપવો સૂર્ય; આસપાસ કાંઠા પરની

ઊની રેત; મનમાં કિષ્કિંધામાં છોડેલાં સ્ત્રી-છોકરાં ને કાળમુખો

સુગ્રીવ; નિરાશ થયેલાં માનસ, હતવીર્ય તેમનાં શરીરો, શૂન્ય જેવી

બનેલી તેમની ઈન્દ્રિયો.

આવા ઉજ્જડ વેરાનમાં વાનરોના કાન પર પડ્યું : ‘રાવણે

સીતાને લંકામાં રાખી છે. હું સંપાતિ, જટાયુનો ભાઈ, તેને દેખું છું.

તમે સાગરને ઓળંગીને જશો તો તેને જોઈ શકશો.’

અને તરત જ અમૃતના વરસાદથી મડદાં ઊભાં થાય તેમ

વાનરો બધા ઊભા થઈ ગયા, સંપાતિને પૂછપરછ કરવા લાગ્યા

અને જોરભેર સાગરને કાંઠે દોડી ગયા. જઈને જુએ છે તો અફાટ

સાગર ઊછળે પર્વત જેવડાં મોટાં મોજાં પછડાય. અને લંકા ? એ

દેખાય શી રીતે ? વળી બધા વાનરો હતાશ થયા; વળી અન્નપાણી

છોડવાના વિચારો કરવા લાગ્યા; વળી કિષ્કિંધા, વાનરરાજ સુગ્રીવ, સ્ત્રી-છોકરાં બધાં આંખ આગળ ખડાં થયાં. એવામાં અંગદ

બોલ્યો : ‘ખેદ શા માટે કરો છો ? ખેદ માણસના પુરુષાર્થ હણે છે.

આપણી સન્મુખ વિશાળ સાગર પડ્યો છે. આ સાગરને તરવાની હિંમત કોનામાં છે ? કોના પરાક્રમથી આપણને વિજય મળવાનો છે ? કોના શૌર્યને લઈને આપણે હિંમત હારવાની જરૂર નથી. આપણામાં મોટાં મોટાં અંતરોને ઠેકી જનારા ઘણા પડ્યા છે; આ સૌ પોતપોતાની શક્તિને જાહેર કરે એટલે આપણને ખરી ખબર

પડે.’

     અંગદનાં આવાં વચનો સાંભળીને વાનરો એક પછી એક પોતાની શક્તિ જણાવવા લાગ્યા. કોઈએ પોતાની છ યોજન

ઠેકવાની શક્તિ જણાવી; કોઈએ દસ યોજન ઠેકવાની શક્તિ જણાવી; કોઈએ પચાસ યોજન નોંધાવ્યા તો કોઈએ એંશી યોજન નોંધાવ્યા; પણ એથી આગળ કોઈ વધ્યું નહિ, એટલે વૃદ્ધ જાંબવાન ઊભો થયો ને ખોંખારી બોલ્યો : ‘એક દિવસ એવો હતો કે હું ગમે તેટલા યોજનો ઠેકી શકતો; પણ આજે હવે હું વૃદ્ધ થયો છું છતાં નેવું યોજન તો હું કાપીશ. પણ આ સાગર સો યોજન પહોળો છે. સો યોજન કૂદી શકે એવો વાનર આપણે શોધવો રહ્યો.’

     જાંબવાનનાં આવાં વચન સાંભળીને અંગદથી ન રહેવાયું. ‘તમે સૌ ગમે તેવો તોપણ સૈનિકો છો; હું તમારો સરદાર છું સાગર નહિ ઓળંગાય તોય તમે માત્ર દિલગીર થઈને પાછા જશો, તે તમારાં સ્ત્રી–છોકરાંને જોશો એટલે વાત વીસરી જશો. પણ હું તો તમારો સરદાર. હું પાછો ફરીશ તો વાનર-બાળકો યુગ પર્યંત મારી નામોશી ગાશે ને વાનર-માતાઓ અંગદના નામથી લાજશે. હું અંગદ સો યોજન ઠેકીને લંકામાં જઈશ પણ ત્યાં ગયા પછી હું સમાચાર આપવા પાછો આવી શકીશ કે કેમ તે કહી શકતો નથી.’

     તરત જ જાંબવાન ઊઠ્યો : ‘અંગદ ! તમે તો અમારા સરદાર છો. તમારી શક્તિ અમને મોકલવામાં વાપરવાની; જાતે હોમાવામાં નહિ. તમારા રક્ષણમાં અમારું સૌનું રક્ષણ છે; આખી વાનરજાતિનું હિત તમારા રક્ષણમાં છે. માટે તમને અમારાથી ન મોકલાય.’

     આવી ભાંજઘડની વાનરો બધા ફરીથી હતાશ થઈને બેઠા. તેમને કોઈ પણ માર્ગ ન સૂઝ્યો; મૃત્યુ તેમની સામે જ પડ્યું હોય એમ દેખાવા લાગ્યું.

     દરમિયાન હનુમાન એકલો વિચારમાં ને વિચારમાં લીન થઈને બેઠો હતો. જાંબવાન તેની પાસે ગયો ને બોલ્યો : ‘હનુમાન ! તું કેમ મૂંગો મૂંગો આ બધું જોઈ રહ્યો છે ? તેજમાં અને પરાક્રમમાં તું સુગ્રીવથી ચડિયાતો છે. બુદ્ધિમાં અને બળમાં તું અમારાથી ચડિયાતો છે. મારો દિવસ હતો કે જ્યારે મેં એકવીશ વાર આ પૃથ્વીની પ્રદક્ષિણા કરી હતી; પણ આજે હું વૃદ્ધ થયો છું. હનુમાન ! ઊઠ. બધા વાનરો હતાશ થઈને બેઠા છે. તું સાગરને પેલે પાર જા; અમારા સૌમાં નવો પ્રાણ લાવ.’

     જાંબવાનનાં આવાં વચનો સાંભળી હનુમાન બોલ્યો : ‘યુવરાજ, જાંબવાન ! હું પ્રતિક્ષા કરું છું કે હું સો યોજન ઓળંગીને સામે કાંઠે જઈશ. મારી આ પ્રતિક્ષાને તમે અભિમાન ન માનતા. હું તમારા સૌના જેવો સામાન્ય વાનર છું એ હું બરાબર જાણું છું. પણ જે મહાકાર્ય માટે આપણે સામે કાંઠે જવું છે એ મહાકાર્ય મારી પ્રતિક્ષાને પાર પાડશે એવી મારી ઉમેદ છે. હું સમુદ્રને ઓળંગીશ એ મારા હનુમાનના બળથી નહિ, પણ રામચંદ્રના બળથી. એ મહાનુભાવને આપણે હજી બરાબર પિછાન્યા નથી. એમના જીવનકાર્ય માટે હનુમાન તો શું, આ પથ્થરો પણ સો યોજન ઠેકી જાય. મને દેખાય છે કે હું લંકામાં જઈને સીતાને શોધી કાઢીશ ને પાછો તરત જ તમારી પાસે હાજર થઈશ. યુવરાજ અંગદ ! મને આજ્ઞા આપો.’

     એમ બોલી હનુમાન મહાસાગરને ઓળંગવા માટે તૈયાર થયો.

                    સીતાની શોધ

     ‘હવે મારા પગ ભાંગવા લાગ્યા છે. સો યોજન પહોળો સમુદ્રને

ઓળંગીને હું આવ્યો; બહારથી એક માખીનો પણ સંચાર થઈ ન શકે એવો લંકાના ગઢમાં દાખલ થયો, એની આખી લંકાને ખૂંદી વળ્યો તોય મને સીતાનો પત્તો લાગ્યો નહિ. હું લંકાનો ખૂણેખૂણો ઢૂંઢી વળ્યો છું; બાગબગીચા, નદીનાળાં, ગુફાપર્વત, અશ્વશાળાઓ, ગોશાળાઓ, ગુજશાળાઓ, ક્રીડામંદિરો, જ્ઞાનમંદિરો, દેવમંદિરો, બધાંયને મારા પગ તળે ને આંખે તળે કાઢી લીધાં; લંકાની સાત સાત માળની હવેલીઓને હું જોઈ વળ્યો; રાવણના પોતાના મહેલમાં પણ તેનું અંતઃપુર , સ્નાનગૃહ, પાનગૃહ , આરામગૃહ, ભોજનગૃહ, શયનગૃહ, બધાં મેં તપાસી લીધાં છે, પણ મેં ક્યાંય સીતાને જોયાં નથી. હે દૈવ ! હવે હું શું કરું ? ક્યાં જઉં ? સુમદ્રને ઓળંગવાનું મેં સાહસ કર્યું તેનું આ જ પરિણામ ? સમુદ્રને તીરે યુવરાજ અંગદ મારી રાહ જોતા હશે; કિષ્કિંધામાં રામચંદ્ર અમારી સૌની રાહ જોતા હશે. હું સુગ્રીવને જઈને શું કહીશ ? સીતાનો પત્તો નથી લાગ્યો એ સાંભળ્યા પછી શું રામચંદ્ર એક ક્ષણ પણ જીવવાના છે ? એમને ખભા પર બેસાડીને હું ઋષ્યમૂક પર્વત પર ચાલતો હતો ત્યારે એમની સેવા કરવાના મને કેટકેટલા કોડ હતા ! એ બધાય શું ધૂળ મળશે ?

     ‘રાવણને સીતાને ક્યાં રાખ્યાં હોય ? મને લાગે છે કે એ બિચારાં રાવણના ત્રાસથી આપઘાત કરી પરવાર્યાં હશે. લંકાના રાક્ષસી વાતાવરણમાં હું ગૂંગળાઈ ગયો છું, તો સીતાનું શું ગજું ! અથવા તો રાવણે એમને મારી નાખ્યાં કાં ન હોય ?

     ‘મારે હવે શું કરવું ? આ મહાસાગરમાં શું ડૂબી મરું ? પણ… ન મા, ઊંડેથી કોઈ ના પાડે છે. મેરુ પર્વત પરથી મારી અંજના જાણે કે બોલે છે : “બેટા ! મારે કૂખને દીપાવજે !” મેરુ પર્વત પરના ઋષિમુનિઓ મારા વાંસા પર હાથ મૂકે છે ને કહે છે : “હનુમાન ! તારો ખપ છે.” ઋષ્યમૂક પર રહેતા મારા રામ બોલે છે : “હનુમાન ! નિરાશ ન થા.” હવે એક અશોકવન જ શોધવું બાકી છે; તેની શોધી વળું. ત્યાં પણ સીતા નહિ હોય તો મારી બધી આશા ભાંગી પડવાની !’

     વજ્રકાય હનુમાન, સાગરને ઓળંગનાર હનુમાન આજે દીન બની ગયો. તેને ચારે બાજુ ઘોરન અંધકાર વિના બીજું કશુંય ન દેખાયું. છતાંય ઘડીમાં એક ડગલું આગળ દેતો, ઘડીમાં એક ડગલું પાછળ ભરતો , ઘડીમાં શૂન્ય જેવો થઈ જતો, ઘડીમાં કંઈક આશાને દેખાતો, અંજનાપુત્ર હનુમાન અશોકવનમાં આવ્યો અને સીસમના એક ઝાડ પર લપાઈને બેઠો ત્યાં તેની નજરે એક સ્ત્રી પડી.

     તેની કેડ પર પીળું વસ્ત્ર પડ્યું હતું; પાછળ તેની પીઠ પર છિન્નબિન્ન થયેલી વેણી રોળાતી હતી; તેની આંખો રોઈ રોઈને સૂજી ગઈ હતી, તેના હોઠ પરથી લાલાશ તદ્દન ઊડી ગઈ ગતી; તેના મોં પર કેવળ નિરાશા અને ઉદાસીનતા છવાઈ રહ્યાં હતાં.

‘આ સીતા તો ન હોય !’ એમ હનુમાન વિચાર કરે છે ત્યાં તો પેલી સ્ત્રી સીસમના ઝાડ પાસે આવી; પોતાના એક હાથે તેણે ઝાડની એક ડાળ પકડી ને બીજે હાથે પોતાની લાંબી વેણીને ગળા ફરતી વીંટાળીને ઊંડા વિચારમાં હોય એમ શૂન્ય જેવી બની ગઈ.

     ‘રામ ! તમે મને બહુ રાહ જોવરાવી, હો ! આપણે પંચવટીમાં રહેતાં ત્યારે હું કોઈ વાર ગોદાવરીકાંઠે રમતે ચડી જાઉં ત્યારે તરત તમે મારી તપાસ લેવા દોડી આવતા. આજે દશ દશ મહિનાઓ વહી ગયા છે, ને મારી આંખનાં નીર પણ ખૂટી ગયાં છે, તોય તમે કેમ નથી દેખાતા ? લક્ષ્મણ, વીરા ! તમારાંયે બાણ ખૂટી ગયાં ? પૃથ્વીમાતા ! આજે તો તુંય વેરણ બની છે. હે રામ, હે રામ ! હવે હું જીવી શકું તેમ નથી. રાવણે છૂટાં પાડ્યાં આપણે હવે ક્યાં એકઠાં થશું ? હે દૈવ !…’

     આટલા શબ્દો બોલીને સીતા વેણીથી ગળાફાંસો ખાવા જાય છે ત્યાં હનુમાન બોલી ઊઠ્યો : ‘દેવે ! સબૂર.’

     આ શબ્દો સીતાના કાન પર પડ્યા ન પડ્યા કે તરત જ બેબાકળી બનીને ચોતરફ જોવા લાગી. આસપાસ ઘોર અંધકાર વ્યાપી રહ્યો હતો; ચંદ્રમા આથમી ગયો હતો; રાક્ષસીઓ બધી ઘેનમાં પડી પડી ઘોરતી હતી. સીતાએ ડાબી બાજુ જોયું, જમણી બાજુ જોયું. સામે જોયું, સામે જોયું, પાછળ જોયું, પણ કોઈને ન દીઠું. એટલે ફરીથી વેણીને હાથમાં લઈ ડાળ પકડી કે તરત પાછો અવાજ આવ્યો : ‘દેવી ! સબૂર.’

એકદમ સીતાની નજર ઊંચે ગઈ. ત્યાં તેણે એક વાનરને સીસમના ઝાડમાં લપાયેલો જોયો એટલે બીઈને ત્યાંથી નાસવા માંડ્યું. અવાજ શરૂ હતો : ‘અયોધ્યામાં દશરથ નામે રાજા હતા. તેમના વચન ખાતર તેમના પુત્રો રામલક્ષ્મણે વનવાસ સ્વીકાર્યો. રામની ભાર્યા સીતા પણ વનમાં સાથે હતાં. એક વાર રાવણ લાગ જોઈને સીતાને ઉપાડી ગયો. રામલક્ષ્મણ શોધમાં ફરે છે. મને પણ શોધ કરવા માટે અહીં મોકલ્યો છે.’

અમૃતથી પણ મીઠા એવા આ શબ્દો સીતાને કાને પડ્યા એટલે તેનું દાઝેલું હૈયું તૃપ્ત થયું. પરંતુ બીજી જ ક્ષણે તે બોલી ઊઠી : ‘લંકાપતિ રાવણ ! આજે વળી વાનરનું રૂપ લઈ મને બળેલીને શા માટે વધારે બાળતો હોઈશ ? રાક્ષસરાજ ! આ સીતા તારા કામની નથી. તું મને સુખે મરવાય નહિ દે ? નાહક રામનું નામ આપીને મને શા માટે રોકતો હોઈશ ?’

     સીતાનાં આવાં વાક્યો સાંભળીને હનુમાન થોડો હેઠો ઊતર્યો અને બોલ્યો : ‘માતાજી ! ભય ન રાખો. હું રાવણ નથી, પણ રામનો દૂત હનુમાન છું.’

     સીતા ફફડી ઊઠી : ‘રાક્ષસરાજ ! આક્ષસી માયા હવે મારાથી અજાણી નથી. દુષ્ટ ! ત્યાં જ રહેજે. ખબરદાર વધારે હેઠો ઊતર્યો તો.’

     ‘દેવી, દેવી !’ હનુમાને જણાવ્યું, ‘ભય ન રાખો. હું રાવણ નથી.’

     ‘મને ખાતરી નથી થતી. તને બધાય વેશ ભજવતાં આવડે છે.’ સીતાએ જણાવ્યું.

     ‘માતા ! લ્યો આ ખાતરી.’ એમ કહી હનુમાને રામની વીંટી નાખી.

વીંટી પડી કે તરત જ સીતાએ તે લઈ લીધી. તેને પોતાના હૈયા સરપી ચાંપી અને બોલી : ‘હનુમાન ! મારા રામ કુશળ છે ? મારા લક્ષ્મણ સુખી છે ? એ બંને રોઈ રોઈને અર્ધા તો નથી થઈ ગયા કે ?’

     ‘માતાજી !’ હનુમાને ચલાવ્યું, ‘રામચંદ્ર તથા લક્ષ્મણ બંને કુશળ છે ને આપની ચિંતા કરે છે. વાનરરાજ સુગ્રીવની સાથે તેમણે મૈત્રી બાંધી છે, અને અમને વાનરોને આપની તપાસ કરવા માટે મોકલ્યા છે. હું અહીંથી જઈને આપના સમાચાર તેમને આપું છું.’

     ‘વીરા !’ સીતા વધારે નજીક આવીને બોલી, ‘મારા રામને કહેજે કે મને જીવતી જોવી હોય તો જલદી આવે. હવે પૂરા બે મહિના પણ બાકી નથી. નહિતર રાવણ મને કાપીને ખાઈ જશે.’

     ‘જગતમાં કોન ભાર છે, માતાજી !’ હનુમાન બોલ્યો, ‘છતાં આપને ઈચ્છા હોય તો હું આપને મારી પીઠ પર બેસારીને સમુદ્ર ઓળંગી જાઉં ને રામચંદ્રની પાસે આપને મૂકી દઉં. આપની મરજી હોય તો હનુમાન તૈયાર છે.’

     ‘વીરા !’ સીતા બોલી, ‘તું આવું આવું ઘણુંયે બોલ અને હું સાંભળ્યા કરું એમ મનમાં થાય છે. પણ હનુમાન ! સવાર પડવા આવી છે એટલે તું જલદી જતો રહે. આ પાપણીઓ ઊઠશે ને તને દેખશે તો મારા પણ ભોગ મળશે. મારાથી તારી સાથે એમ ન અવાય. મને તો મારા રામચંદ્ર જ છોડાવે. રામચંદ્રને જઈને કહેજે કે બે માસ પૂરા થયા તો પછી સીતાને નહિ દેખે.’

     હજી તો વાક્ય પૂરું ન થયું ત્યાં દૂરથી લંબકર્ણી આવી પહોંચી અને સીતાને ખેંચી ગઈ. હનુમાન ઝાડની ટોચ પર ચડી ગયો.

    

*              *              *

     ‘મહારાજ !’ એક રાક્ષસે આવીને લંકાના દરબારમાં જાહેર કર્યું. ‘રક્ષકો પેલા વાનરને પકડી લાવ્યા છે. હકુમ હોય તો તેને અંદર લાવે.’

     ‘લાવો; એ દુષ્ટને હું જોઉં તો ખરો !’ રાવણ બોલ્યો. ‘અકંપન ! આપણા લંકામાં આટઆટલી ચોકસાઈ હોવા છતાં બહારથી વાનર આવી જાય, આપણા આખા ગામમાં ફરી વળે. આખા અશોકવનને ખેદાનમેદાન કરી મૂકે, આપણા રાક્ષસોને મારે નાખે અને છતાંય આપણી આંખ ન ઊઘડે એ આપણું તંત્ર કેવું કહેવાય !’

     ‘મહારાજ !’ અકંપન બોલ્યો, ‘મેં એની તપાસ શરૂ કરી છે. પૂરેપૂરી ખાતરી એકઠી થયે આપને નિવેદન કરીશ.’

     ‘અકંપન !’ રાવણ બોલ્યો, ‘એવી તો કેટલીયે તપાસો આપણે માથે લીધી. મને તો લાગે છે કે આપણા તંત્રમાં જ ક્યાંઈક સડો છે. ચૌદ બ્રહ્માંડનું રાજ્ય મેં ઘેર આણ્યું પછી તો મને પણ થાક લાગે કે નહિ ? લાવો એ દુષ્ટ વાનરને !’

     હનુમાનને બાંધીને ખેડો કર્યો.

     ‘અલ્યા દુષ્ટ !’ રાવણે હનુમાનને ક્રોધથી કહ્યું, ‘તું કોણ છે ? ક્યાંથી આવે છે ?’

     ‘લંકાપતિ !’ હનુમાન બોલ્યો, ‘હું હનુમાન નામનો વાનર છું આપ રામની ભાર્યા સીતાને ઉપાડી લાવ્યા છો તેની તપાસ કરવા માટે મને વાનરરાજ સુગ્રીવે મોકલ્યો છે.’

     ‘સુગ્રીવ તો પેલા વાલીનો ભાઈ છે, એ જ કે ?’ રાવન કહ્યું.

     ‘હા, એ જ. વાલીને આપ ક્યાં નથી જાણતા !’ હનુમાને કહ્યું.

     ‘એ વાલી ક્યાં છે ?’

     ‘વાલીને રામચંદ્રે એક જ બાણથી મારી નાખ્યો અને સુગ્રીવને કિષ્કિંધાનો રાજા બનાવ્યો.’ હનુમાને કહ્યું.

     ‘તારા સુગ્રીવને એટલું ન સૂઝ્યું કે મૈત્રી કરીએ તો રાક્ષસો સાથે કરીએ; પણ આ રામ સાથે ન કરીએ ?’ રાવણે કહ્યું, ‘ઠીક; પણ તેં અશોકવનના ઝાડો શા માટે તોડી નાખ્યાં.

     ‘મહારાજ !’ હનુમાન બોલ્યો, ‘રામચંદ્રના દૂત તરીકે મારે તમારાં દર્શન કરવાં હતાં; પણ અહીં લંકામાં તમારાં દર્શન કરવા મને મુશ્કેલ લાગ્યાં એટલે ઝાડોને તોડ્યાં તેથી આ રીતે ખડો થયો.’

     ‘પણ માર રાક્ષસોને શા માટે માર્યા ?’

     ‘મારી જાતને બચાવવા જતાં મારે મારવા પડ્યા છે.’ હનુમાને જવાબ દીધો.

     ‘અકંપન !’ રાવણ ચિડાઈ ઊઠ્યો, ‘હું ગમે તેવા જોસથી સવાલો પૂછું તોયે આ ઠંડે કાળજે બધાયના જવાબો આપ્યે જાય છે ને મનમાં ડરતો પણ નથી, માટે આ દુષ્ટ વાનરને મારી નાખો.’

     રાક્ષસરાજનાં આ વાક્યો સાંભળીને રક્ષકોએ તરત જ હનુમાનને ખેંચવા માંડ્યો એટલે પાસે બેઠેલ વિભીષણ બોલ્યો : ‘મહારાજ ! આ વાનરનો વધ ન થાય. હનુમાન તો સુગ્રીવનો દૂત માત્ર છે; એ તો ફક્ત સીતાની શોધ કરવા માટે આવ્યો છે. સુગ્રીવ આપણો દુશ્મન નથી; અને દુશ્મન હોય તોપણ દૂતો સર્વદા અવધ્ય જ હોય છે.’

     ‘તો તો દૂતો ફાવે તેવું વર્તન કરે, અને આપણે તેમને મારીએ નહિ એટલે તેમને કશીયે બીક નહિ !’

     ‘મહારાજ ! એમ નથી.’ વિભીષણે ચલાવ્યું. ‘આપણાં યુદ્ધો એ એક જાતનો આવશ્યક છતાં જંગલી વ્યવહાર છે. આવા જંગલી વ્યવહારમાં આપણા શાસ્ત્રપ્રણેતાઓએ થોડા થોડા માનુષી વર્તનના વ્યવહરોને દાખલ કરીને યુદ્ધની ભીષણતાને ઓછી કરી છે. આવા માનુષી વ્યવહારો તે આપણી યુદ્ધમર્યાદાઓ છે, અને આપણાથી તેનું ઉલ્લંઘન ન થઈ શકે. દૂતોને ન મારવા, સ્ત્રીઓ પકડાઈ હોય તોપણ માનભરી રીતે તેમને પાછી પહોંચાડવી, શસ્ત્ર વિનાના શત્રુઓ ઉપર ઘા ન કરવો, બાહ્મણ અને બાળકોને અવધ્ય ગણવાં, ઘાયલ થયેલાઓને ને વૈદકીય સારવાર આપનરાઓને હાથ ન અડકાડવો, આ બધી આપણાં યુદ્ધોની માનુષી મર્યાદાઓ છે. આપણાં યુદ્ધો આજે છે તેથી વધારે માનુષી કેમ થાય તે માનવસમાજે નિરંતર જોવાનું રહે છે; પણ છે તેથી વધારે જંગલી તો આપણે તેમને ન જ કરીએ. સમાજે એ જંગલીપણાને જે હદે હઠાવ્યું છે તે હદને આપણે ઓળંગીએ નહિ. આપ યુદ્ધશાસ્ત્રના અભ્યાસી છો, તો એ શાસ્ત્રમર્યાદા પર પગ ન મૂકો એવી મારી વિનંતિ છે.’

     ‘વિભીષણ ! તારી વાત યથાર્થ છે. પણ આ વાનરે તે આપણું નાક કાપી નાખ્યું ! તે પેઠો એની કોઈને ખબર જ ન પડી.’ રાવણ બોલ્યો, ‘એને મારી નાખીએ એટલે આપણી વાત દુશ્મનને કાને જ ન પડે, તેમ જ આપણા માણસો પણ ચેતી જાય.’

     ‘મહારાજ !’ વિભીષણ બોલ્યો, ‘આપની ગણતરી બરાબર નથી. જે થવાનું છે તેને કોઈ મિથ્યા કરી શકવાનું નથી. આ વાનરને મારવામાં કશોય અર્થ નથી. કાં તો આપ સીતાને પાછી મોકલી આપો એટલે બધું પતી જશે; અથવા તો વાનરને છોડી મૂકો. અને જેને આવવું હોય તેને લંકાપતિ જોઈ લે.’

     ‘હા, એ બરાબર છે.’ રાવણ બોલ્યો, ‘તમે સાંભળો તે કહેવાનું તો ઘણુંય છે. તમે સીતાને પાછી સોંપી દો. તમારી કીર્તિ મેં ઘણી સાંભળી છે. તમે જ્ઞાની છો, ભક્ત છો, વેદવિદ છો; મંદોદરી જેવાં સતીઓ આપના કુળને શોભાવે છે. રાવણ, કૈકસીના પુત્ર ! સીતા પર નજર ન કરો. રામચંદ્રની સાથે મૈત્રી કરો તો આખાય રાક્ષસકુળનું કલ્યાણ થશે.’

     ‘સુગ્રીવે તારા જેવા કેટલાલ ઉપદેશકોને રોક્યા છે ?’ રાવણ બોલ્યો.

     ‘રાવણ ! તમે એક વાર કિષ્કિંધાના મહેમાન થઈ ગયા છો એટલે મિત્રભાવે કહું છું. બાકી તો હું આખા રાક્ષસકુળનો વિનાશ જોઈ રહ્યો છું. તમે એમ ન માનતા કે રામલક્ષ્મણ તમને કદી છોડે. રાવણ ! જગત આખાનો વાયુ આજે એ રીતે વાય છે, તેમાં તમે શું કરો !’

     ‘અકંપન ! આ વાનર બહુ બકવાસ કરે છે, માટે એને ઠાર જ કરો.’ રાવણે ક્રોધથી જણાવ્યું, ‘અને એનું માંસ મારા માટે રંધાવો.’

     ‘મહારાજ !’ વિભીષણ બોલ્યો, ‘એમ ન થાય. યુદ્ધધર્મને આપ જાણનારા છો એટલે એ ધર્મના નિયમને ન તોડો. એ દૂત છે એટલે અવધ્ય છે. એના કોઈ એકાદ અંગને વિકૃત કરવું હોય તો તે કરો, પણ એનો સમૂળગો ઘાત ન કરો.’

     ‘વિભીષણ !’ રાવણ નરમ થઈને બોલ્યો, ‘ભલે તું કહે છે એમ કરીએ. ખરી રીતે આ લોકોનો વેશ દૂતનો છે પણ તેઓ તો છૂપા જાસૂસો છે, આપણું પેટ લેવા આવ્યા છે. રક્ષકો ! જાઓ એના શરીરના કોઈ પણ એક ભાગને સળગાવી મૂકો. હનુમાન ! તારા સુગ્રીવને કહેજે કે બીજા કોઈને મોકલતાં પહેલાં વિચાર કરે. જાઓ, આ વાનરને લઈ જાઓ.’

     એમ કહી રાવણ સભામાંથી ચાલતો થયો અને રાક્ષસો હનુમાનને પકડીને થાણા પર લઈ ગયા.

    

                    મૂક સેવક

     ‘મામા, મામા !’ સુગ્રીવ બોલ્યો, ‘જરા શાંત થઈને વાત તો કરો ! આમ એકાએક રાતાચોળ થઈ ગયા છો અને આંખમાંથી આંસુની ધાર ચાલી રહી છે, તેમાં મને કશીય સમજણ પડતી નથી. વાત તો કરો !’

     ‘મહારાજ ! કયે મોઢે વાત કરું !’ દધિમુખ રોતો રોતો બોલ્યો, ‘વાલી હતો ત્યારે મારા મધુવનમાં કોઈ વાનરબચ્ચો મારી રજા વિના ફરકી ન શકતો. વાલી પોતે પન વરસે-છ મહિને મધુવનમાં આવે, બે દિવસ રહે અને નવાં ઉછરેલાં ઝાડો જોઈને મારો વાંસો થાબડે. વાલી ગયો તો ગયો, પણ વ્યવસ્થાનું આખું તંત્ર પણ સાથે લઈ ગયો. તું હવે મહેલમાં લહેર કર, આ બે ભાઈઓ આવ્યા છે તેમને રાજી રાખ, અને તારા વાનરો પોતાને ફાવે તેમ વર્તે. આ બધાય સ્વતંત્ર થઈ ગયા છે.’

     ‘પણ મામા !’ સુગ્રીવ બોલ્યો, ‘તમારે શું કહેવું છે તે મારાથી સમજાતું નથી.’

     ‘વાલી હોય તો તો,’ દધિમુખે ચલાવ્યું, ‘મધુવનમાં વાનરો પેઠા છે તે સાંભળે એટલી જ વાર; બીજી જ ક્ષણે સૌનાં ચામડાં ઉતાર્યાં દેખો ! આજે તો તારો અંગદ, તારો હનુમાન, તારો જાંબવાન, બધા મારા વનમાં માતેલા સાંઢની માફક રંજાડ કરે છે અને હું તારી પાસે રડતો ઊભો છું તેને દાદ પણ મળતી નથી !’

     ‘મામા !’ સુગ્રીવે આશ્ચર્યપૂર્વક કહ્યું, અંગદ ને હનુમાન મધુવનમાં ક્યાંથી હોય ?’

‘મારી સગી આંખે જોયા છે.’ દધિમુખ બોલ્યો.

‘તમારી ભૂલ થાય છે, મામા !’ સુગ્રીવ બોલ્યો, ‘એ લોકો

તો સીતાની શોધ કરવા ગયા છે. બીજી ટુકડીઓ મુદતસર પાછી આવી ગઈ છે પણ આ લોકોનો તો હજી સુધી પત્તો જ નથી. હજી તો આ ઘડીએ તારા પણ અંગદની ચિંતા કરતી હતી.

     ‘માથાના વાળ મધુવનમાં જ ધોળા થયા છતાં તારે ન માનવું હોય તો કાંઈ નહિ.’ દધિમુખ બોલ્યો, ‘તેં તેમને સીતાની શોધ કરવા મોકવ્યા હશે પણ એ બધા તો લહેરથી જંગલમાં રખડે છે, મધપૂડાઓને મોજથી ઉડાવે છે, અને મહામહેનતે મેં પાળીપોષીને ઉછેરેલાં વૃક્ષોને સાવ ઠૂંઠાં જેવાં કરી મૂકે છે. હા, આવીને કહે કે અમને ભૂખ લાગી છે તો તો કેરી આપું, જામફળ આપું, દ્રાક્ષ આપું, દાડમ આપું; પણ આ તો આવ્યા કે તરત જ સીધા મધપૂડાને જ વળગ્યા, અને હું વારવા જાઉં ત્યાં તો મને પણ પાડી દીધો. સુગ્રીવ ! શી વાત કરું ! જમાનો બહુ બદલાઈ ગયો ! વાલીના વકતમાં જુવાન ઊંચી આંખે ચાલી ના શકે, એવો તેનો કરપ હતો. આ તો બધું જુવાનિયું વાજું થઈ ગયું, જુવાનિયું ! એક ? ઠેકાણે બે જણ એકબીજાના ગળામાં હાથ નાખી એકબીજને ચૂપી લેતા છાની છાની વાતો કરે તો બીજે ઠેકાણે આંબાની સામસામી ડાળે બેસીને એકબીજા સામે કેરીનાં ગોટલાં ફેંકે; એકાદ મનોહર લતાકુંજમાં એકઠા મળીને થોડાએક નાચવા કૂદવા લાગે તો વળી બીજા એકાદ ખૂણે થોડાએક ઘાસનું તાપણું કરીને ચિચિયારી કરી મૂકે. અને મારા જેવો ઘરડિયો સમજાવવા જાય તો મારા બેટા દાંતિયાં કરે, ઠીઠીઠી હસે અને મારી પૂંઠ પછવાડે ચાળા કરે એ જુદા ! સુગ્રીવ ! મારે હવે આંખે આ નવો તમાસો નથી જોવો. આ તું અને તારું મધુવન ! કોઈ બીજ વનપાળને રાખ એટલે વનને સાચવશે અને જુવાડાઓને લહેર પડશે.’

     ‘મામા !’ સુગ્રીવ બોલ્યો, ‘મધુવનના વનપાળ તો તમે જ. તમારા વિનાનું મધુવન સુગ્રીવને ન ખપે. હું જોઉં છું તમને હવે કોણ રંજાડી શકે છે. મામા ! તમે જઈને આ બધા લોકોને મારી પાસે મોકલો. એ અંગદ નહિ હોય, જાંબવાન પણ નહિ હોય; તમારી કાંઈક ભૂલ થાય છે. પણ અંગદ જ હોય તો મારે તેનું ઉતાવળે કામ છે માટે જલદી મોકલો.’

     દધિમુખ કપાળ પર હાથ દેતાં બોલ્યો : ‘તું તો રાજા થઈને છૂટી પડીશ પણ મારાથી એમ શી રીતે છૂટી પડાય ? આજે તો જાઉં છું; પણ હવે પછી તારા કોઈ જુવાનિયા આવું કરશે તો જીવતા નહિ મૂકું એમ કહી દેજે. પછી ભલે એમની મા તારી પાસે રડતી કરગરતી આવે. સુગ્રીવ ! આજે મધુવન તો કાલે કિષ્કિંધાનું રાજ્ય, એ ધ્યાનમાં રાખજે.’

     ‘મામા !’ સુગ્રીવ દધિમુખની પીઠ થાબડતો બોલ્યો, ‘તમે કહો છો તે બરાબર છે; પણ હું એનો પાકો બંદોબસ્ત કરું છું. તમે એ લોકોને જલદી અહીં મોકલો.’

*              *              *

‘મહારાજ રામચંદ્ર !’ સુગ્રીવ અબંને હાથ જોડીને બોલ્યો, ‘મને સમાચાર મળે છે તે ઉપરથી તો સ્પષ્ટ લાગે છે કે

સીતાદેવીનો પત્તો લાગ્યો છે.’

     ‘વાનરરાજ !’ રામચંદ્ર બોલ્યો, ‘એ લોકો ખરેખર અંગદ, હનુમાન, વગેરે જ હોય છતાં દેવીનો પત્તો ન પણ લાગ્યો હોય, એમ ન બને ?’

     ‘તર્કથી વિચારીએ તો તો એમ પણ બંને.’ સુગ્રીવે જવાબ વાળ્યો, ‘પણ મારું અંતર એ સ્વીકારવાની ના પાડે છે. સીતાનો પત્તો ન લાગ્યો હોત તો આ પ્રમાણે મધુવનની લહેર ઉડાવવાની એમને વૃત્તિ જ ન થાય. દેવીનો પત્તો ન લાગ્યો હોત તો હનુમાન વગેરે પોતાના દેહને લઈને પાછા આવે જ નહિ; અને ધારો કે આવ્યા તો રાતે અંધારામાં કિષ્કિંધામાં આવીને ઘરમાં ભરાઈ જાય.’

     ‘વાનરરાજ ! તેઓ દેવીના સમાચાર લાવ્યા હોય તો પરભાર્યા આપણી પાસે જ આવે, મધુવનમાં ન રોકાય, એમ નથી લાગતું ?’ લક્ષ્મણ બોલ્યો.

     ‘લક્ષ્મણ !’ સુગ્રીવે જણાવ્યું, ‘એ લોકો જાણે છે કે હુકમ પ્રમાણે તો પાછા આવવાનો વખત ક્યારનો પૂરો થયો છે, ને હુકમ પ્રમાણે તો તેમને સૌને મોતની શિક્ષા થવી ઘટે છે. પણ

છતાં મધુવનમાં લહેર કરવા જેટલો ઉલ્લાસ તેમનામાં છે, એ જ સ્પષ્ટ બતાવે છે કે તેમના મનમાં સીતાની શોધનો ઉછરંગ છે. માત્ર સુગ્રીવની મનોદશાને જાણી લેવા માટે એમણે મામાને રંજાડીને મારી પાસે મોકલે દીધા. બાકી દેવીનો પત્તો લાગ્યો છે એ વિષે મારા મનમાં જરા પણ સંદેહ નથી.

     ‘વાનરરાજ !’ રામચંદ્ર બોલ્યો, ‘તમારા મનમાં જેવી ખાતરી થઈ છે તેવી જ મારા મનમાંય થાય એમ હું ઇચ્છું છું.’

        ‘મહારાજ રામચંદ્ર !’ સુગ્રીવ બોલ્યો, ‘જુઓ, આખી મંડળી હર્ષમાં ને હર્ષમાં કિલકિલાટ કરતી ચાલી આવે છે, એ જ બતાવે છે કે દેવીનો પત્તો લાગ્યો છે. મહિતર તો મોઢા પર નૂર ન હોય.’

     આ પ્રમાણે વાતચીત ચાલે છે ત્યાં અંગદે આવીને સુગ્રીવને રામચંદ્રને તેમ જ લક્ષ્મણને પ્રણામ કર્યા ને હાથ જોડીને ઊભો રહ્યો.

     ‘બેટા અંગદ !’ સુગ્રીવે અંગદના વાંસા પર હાથ થાબડતાં કહ્યું, ‘સીતાદેવેનો પત્તો આખરે લાવ્યા ખરા !’

     ‘જી મહારાજ !’ અંગદ બોલ્યો.

     ‘તું દીર્ઘાયુ થા, ભાઈ !’ રામચંદ્ર બોલ્યા.

     ‘સીતાદેવી કુશળ છે કે ?’ લક્ષ્મણે પૂછ્યું.

     ‘સીતાદેવી જીવે છે કે ?’ રામચંદ્રે પૂછ્યું.

     ‘સીતાદેવીનો પત્તો કેવી રીતે લાગ્યો વગેરે બધુંય તું અમને વિસ્તારથી કહે. બેટા અંગદ ! તેં વાલીનું નામ રાખ્યું. તારી તારાને તેં વધારે ઊજળી કરી. આવ, ભાઈ ! બેસીને વાત કર.’

     ‘મહારાજ !’ અંગદ બોલ્યો, ‘આપના મનમાં એમ છે કે સીતાદેવીનો પત્તો હું મેળવી લાવ્યો છું, પણ એમ નથી; એક તો હું વાલીનો કુંવર અને એ ટુકડીનો સરદાર, એટલે આખી ટુકડીનો યશ મને મળે છે; પણ સીતાદેવીના પાકા સમાચાર લાવનાર તો પેલો ઊભો !’

     ‘કોણ છે એ દૂર ઊભો રહેનાર ?’ લક્ષ્મણે પૂછ્યું.

     ‘એ છે હનુમાન.’ અંગદે જણાવ્યું, ‘મહારાજ ! અમે લોકો બહારથી મોટા છીએ, હનુમાન અંદરથી મોટો છે; અમારી પાસે દમામ છે, હનુમાનની પાસે નર્યું કાર્ય છે; અમારી પાસે બહુબહુ તો તર્કકુશળ બુદ્ધિ છે, ત્યારે આ હનુમાન પાસે શ્રદ્ધાભર્યું દર્શન છે. જંગલોમાં અમે જીવનથી થાકી ગયા હતા ત્યારે હનુમાને અમારામાં પ્રાણ પૂર્યા હતા; ગુફાઓમાં અમારી ચારે તરફ અંધકાર હતો ત્યારે હનુમાને પ્રકાશનાં કિરણો દેખાડ્યાં હતાં. મહારાજ ! ખુદ આપથી મારું મન વિખૂટું પડવા જવું હતું ત્યારે આ હનુમાને મારામાં વિશ્વાસ ઊભો કર્યો હતો; સાગરને ઓળંગવા માટે જ્યારે આખરે મારે તૈયાર થવું પડ્યું ત્યારે યુદ્ધશાસ્ત્રની શિસ્ત પ્રમાણે હનુમાને એ જોખમ પોતાને માથે લીધું ને પાર ઉતાર્યું. મહારાજ રામચંદ્ર ! અત્યારે આપના કરમાઈ ગયેલા મનને અ સમાચારથી કંઈક જીવન મળે છે તે સાચો પ્રતાપ હનુમાનનો છે. સુગ્રીવ ! આપનો હુકમ હોય તો તમામ હકીકત જણાવવા હું તૈયાર છું. પણ હકીકત જણાવવાનો ખરો અધિકાર તો હનુમાનનો જ છે. હનુમાન ! સંતાય છે શા માટે ?’

     ‘મહારાજ !’ હનુમાન બોલ્યો, ‘કુમારને તો ટેવ છે મારી મશ્કરી કરવાની; હું છું ત્યાં જ ઠીક છું.’

     ‘નહિ નહિ.’ સુગ્રીવ બોલ્યો, ‘હનુમાન ! આજે હવે વિવેકનો વખત નથી. તમે આગળ આવીને રામચંદ્રને અથથી ઇતિ સુધીની હકીકત જણાવો એટલે એમના હૈયાનો ભાર હળવો થાય. તમારી મૂંગી સેવાને આજે આટલી વાચા ફૂટવી ઘટે છે.’

     સુગ્રીવના આગ્રહથી હનુમાન આગળ આવ્યો ને સીતાએ આપેલો મણિ પોતાના બંને હાથે રામચંદ્રની પાસે મૂકતો બોલ્યો : ‘મહારાજ રામચંદ્ર ! લંકામાં દેવી અઘોર રાક્ષસીઓની વચ્ચે રહે છે, ને પોતાની પવિત્રતાને બળે રાક્ષસરાજના બળને, તેના પ્રલોભનોને તથા ધમકીને હઠાવી શક્યાં છે.’

     ‘દેવીના દિવસો ત્યાં કેમ જતા હશે ?’ લક્ષ્મણે પૂછ્યું.

     ‘મહારાજ રામચંદ્રના અને આપના જાય છે એવી રીતે જ.’ હનુમાન બોલ્યો, ‘પંચવટી છોડી ત્યારથી આ જ સુધી આપને યાદ કર્યા વિનાની ક્ષણ ગઈ નથી. રાતદિવસ જાગતાં તેમ જ ઊંઘતાં. દેવી રામચંદ્રને જ સંભારે છે.

     ‘દુષ્ટ રાક્ષસીઓના ત્રાસથી બિચારી કેવી થઈ ગઈ હશે ?’ રામચંદ્ર બોલ્યા.

     ‘પંચવટીમાં હતું તે એક જ વસ્ત્ર આખા શરીરે વીંટાળે છે; રાતદિવસ રોઈ રોઈને આંસુને પણ સૂકવી દીધાં છે; શરીર પર મેલ જામી ગયો છે; કપાળનું તિલક પણ ભૂખરા જેવું બની ગયું છે; અને છતાંય આ સર્વની પાછળથી દેવીનું આત્મતેજ ઝળક્યા કરે છે. રાક્ષસીઓનો ત્રાસ ને અપશબ્દો : રાવણનાં ધમકી, પ્રલોભનો ને નીચતાભર્યાં વાક્યો : આપનો વિયોગ : લંકાની દુર્ગંધભરી હવા : આ બધુંય દેવી પોતાના આત્માબળથી સહી રહ્યાં છે અને એ આત્મબળને વધારે ને વધારે પોષી રહ્યાં છે.’

     ‘દેવીએ મને કાંઈ કહાવ્યું છે ?’ રામચંદ્રે પૂછ્યું.

     ‘દેવી શું કહાવે તે આપ ક્યાં નથી સમજતા ! છતાં મારે કહેવું જોઈએ એટલે કહું છું. દેવીએ આ મણિ આપને મોકલ્યો છે, ને-’

     ‘વાનરરાજ !’ રામચંદ્ર વચ્ચે જ બોલી ઊઠ્યા, ‘આ મણિમાંથી કેવી શીતળતા ઝરે છે તે તમને કઈ રીતે સમજાવું ! અમે પરણ્યાં ત્યારે સીતાની માતાએ આ મણિ મારા પિતાના હાથમાં મૂક્યો ને દશરથ મહારાજે આ મણિ સીતાના કપાળ પર સેંથામાં શણગાર્યો. મારા સસરા જનકને આ મણિ ઇન્દ્રે ખાસ આપેલો. આજે આ મણિને જોઉં છું ત્યારે મને આ બધાં સ્મરણો તાજાં થાય છે અને મારું અંતર કોઈ અનેરી શીતળતા અનુભવે છે. હનુમાન ! આપણી વાત અધૂરી રહી ગઈ.’

     હનુમાન કહ્યું : ‘મહારાજ રામચંદ્ર ! આ મણિ મોકલ્યો તેની સાથે જે દેવીએ કહાવ્યું છે કે ‘રામચંદ્ર ! મને એક માસની અંદર નહિ છોડાવો તો તમે મારું મોઢું દેખવાના નથી.’ દેવીને કનડનારા કાગડાની આપે કેવી વલે કરી હતી તે વાત મને વિસ્તારથી કહીને પછી કહાવ્યું : કાગડાની આવી વલે કરનારા મારા રામચંદ્ર રાવણનું આ કૃત્ય કેમ સાંખી રહ્યા છે ? યમરાજને પણ પાધરો કરે એવા મારા દિયર, લક્ષ્મણ ધનુષ્ય લઈને કેમ સજ્જ થતા નથી ?’

     ‘મહારાજ !’ લક્ષ્મણથી ન રહેવાયું, ‘મને આજ્ઞા આપો એટલે રાવણને મારીને દેવીને અહીં હાજર કરું.’

     ‘મહારાજ !’ હનુમાને ચલાવ્યું, ‘મેં દેવીને જણાવ્યું કે રામચંદ્રને આપના વાસની ખબર પડે એની જ વાર છે. ઉપરાંત મેં એમ પણ જણાવ્યું કે આપને પીઠ પર લઈને હું રામચંદ્રની પાસે મૂકી દેવા તૈયાર છું.’

     ‘એમ ?’ સુગ્રીવ બોલ્યો, ‘દેવીને ઉપાડી લાવવાં હતાં ના !’ રાવણ હાથ ઘસતો રહેત !’

     ‘પણ દેવીએ એમ કરવાની ના પાડી.’ હનુમાન બોલ્યો, ‘દેવીએ મને જણાવ્યું કે પુરુષની પીઠ પર બેસીને જવામાં મને નાનમ લાગે છે.’

     ‘ધન્ય છે, દેવી ! ધન્ય છે.’ રામચંદ્ર બોલ્યા, ‘એ દુષ્ટ પાસેથી તને તો મારે જ છોડાવવી છે.’

     ‘મહારાહ !’ હનુમાને ચલાવ્યું, ‘દેવી એમ પણ કહેતાં હતાં કે રાવણ તો મને ચોરીછૂપીથી ઉપાડી લાવ્યો, પણ મારા રામ તો મને દુનિયા દેખે એવી લડાઈ કરીને રાવણને મારીને લઈ જાય એમાં જ મારી, મારા રામચંદ્રની અને આખા રઘુકુળની શોભા છે. માટે તારી સાથે આવવાની હું ના પાડું છું.’

     ‘બરાબર છે, સીતા ! બરાબર છે.’ રામચંદ્ર બોલ્યા, ‘લક્ષ્મણ ! આપણે હવે તૈયારી થાઓ. સુગ્રીવ ! તૈયાત થાઓ. હનુમાન ! તેં મને સીતાના આ સમાચાર આપીને જીવતર આપ્યું છે એમ કહું તો જરાય અતિશયોક્તિ નથી. અયોધ્યાનો મહારાજ હોય તો આજે તારી વધામણીના બદલામાં તને અયોધ્યાનું અર્ધું રાજ્ય આપી દેત, પણ રામ આજે તો અકિંચન વનવાસી છે.’

     ‘મહારાજ !’ હનુમાન બોલ્યો, ‘મને તો આપની તેમ જ દેવીની સેવા કરવાની તક મળે એ જ જીવનનું અહોભાગ્ય હું સમજું છું. એ ન હોય તો અયોધ્યાનું તો શું, પણ આખી દુનિયાનું રાજ્ય મળે તો પણ હનુમાનને તેનો શો ખપ છે ?’

     વીર હનુમાન !’ રામચંદ્ર બોલ્યા, ‘આવ, તું મારી નજીક આવ. તને મારા હૃદય સરખો ચાંપીને હું તારા આ ઉપકારનો થોડોઘણો પણ બદલો વાળ્યાનો સંતોષ લઉં.’

     એમ બોલી રામચંદ્રે હનુમાનને પોતાના હૃદય સરખો ચાંપ્યો. ઘડીભર તો પોતાને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો છે એવો અવર્ણ્ય આનંદ હનુમાને ચાખ્યો.

     ત્યાર બાદ રામચંદ્ર, લક્ષ્મણ, સુગ્રીવ, હનુમાન વગેરે પોતપોતાને કામે છૂટા પડ્યા.

         

              ભક્ત હનુમાન

     રાવણની રાજસભામાં વિભીષણે રાવણને કડવાં લાગે તેવાં વચનો સંભળાવ્યાં એટલે રાવણે ગુસ્સે થઈને તેનો ત્યાગ કર્યો. વિભીષણ હવે લંકામાં એક દિવસ પણ રહી શકે તેવું ન રહ્યું, એટલે પોતાની સ્ત્રી તથા છોકરાંને ત્યાં રાખી વિભીષણે લંકાને છોડી. પોતાના પ્રાણથી પણ વહાલા એવા ચાર મિત્રોને લઈને તે લંકામાંથી ઊપડ્યો અને સમુદ્રને પેલે પાર જ્યાં રામચંદ્રનો પડાવ હતો ત્યાં આવી પહોંચ્યો.

     રામચંદ્ર, લક્ષ્મણ, સુગ્રીવ વગેરે જ્યાં સાથે મળીને બેઠા હતા, ત્યાં આકાશમાં જ રહ્યાં રહ્યાં વિભીષણે જણાવ્યું : ‘હે દશરથના પુત્ર રામચંદ્ર ! હું રાક્ષસરાજ રાવણનો ભાઈ વિભીષણ છું. રાવણ આપની ભાર્યાને ઉપાડી લાવ્યો છે એ નીચ કર્મમાં મારી સંમતિ નથી, તેથી મારે લંકામાં રહેવું ભારે થઈ પડ્યું છે. હું આપને શરણે આવ્યો છું; મારો સ્વીકાર કરો.’

     વિભીષણના આ શબ્દો સાંભળીને રામચંદ્રની છાવણીમાં ભારે ઊહાપોહ થઈ રહ્યો. ‘વિભીષણ શા માટે આવ્યો હશે ?’ ‘આપણા લશ્કરનું માપ કાઢવા માટે તો રાવણે તેને નહિ મોકલ્યો હોય ?’ ‘આખરે તો એ પણ રાક્ષસ જ છે એટલે તેનો શો વિશ્વાસ છે ?’ ‘મિત્ર થવાનો ઢોંગ કરીને પાછલથી એ ઘા કરે તો ?’ આવી આવી અનેક શંકાકુશંકાઓ સૌના મનમાં ઊઠવા લાગી.

     રામચંદ્રે સુગ્રીવનો અભિપ્રાય પૂછ્યો, લક્ષ્મણને પૂછ્યું, જાંબવાનને પણ પૂછ્યું, અને આખરે હનુમાનનો અભિપ્રાય માગ્યો. હનુમાન બોલ્યો : ‘મહારાજ ! અમારી સૌની નજર પહોંચે તેના કરતાં આપની નજર દૂર અને વધારે સ્પ્ષ્ટ પહોંચે છે. હું કહું છું તે બુદ્ધિની કુશળતાથી કહું છું અથવા તો માર શબ્દોમાં ભારે વજન છે માટે કહું છું એમ નથી. આજે કટોકટીના પ્રસંગે આ ગંભીર પ્રશ્ન ઊભો થયો છે અને આપ આજ્ઞા કરો છો એટલે મારી માન્યતા પણ મારે સ્પષ્ટ જણાવી દેવી જોઈએ. વાનરરાજ સુગ્રીવ, કુમાર અંગદ, જાંબવાન વગેરે વિભીષણના સ્વીકારનો વિરોધ કરે છે તે મને યોગ્ય જણાતું નથી. આ સંબંધમાં બધી તર્કબાજીને એક તરફ મૂકીએ તો વિભીષણના ચહેરા પર, તેનાં વચનોમાં, તેની રીતભાતમાં તેમ જ તેની માગણીમાં મને સચ્ચાઈ દેખાય છે. વ્યવહારદ્રષ્ટિથી જોઈએ તો રાવણે આજે તેનો તિરસ્કાર કર્યો છે. આપ સમર્થ છો; આપે વાલીને મારીને સુગ્રીવને રાજા બનાવ્યા છે તો વિભીષણ આપને શરણે ન આવે તો કોને શરણે જાય ? આપના હાથે લંકાના રાજા થવાની તેને છૂપી છૂપી પણ આશા હોય તો તેમાં શું ખોટું છે ? વિભીષણના મનમાં મને કપટનો ભાસ દેખાતો નથી. પછી તો આપ અમારા કરતાં વધારે જોઈ શકો છો. મારું પોતાનું મન તો આપ વિભીષણનો સ્વીકાર કરો એ તરફ વધે છે.’

     આખરે રામચંદ્રે વિભીષણને શરણ આપ્યું.

               *              *              *

     લંકાને પાદર વાનરો અને રાક્ષસો વચ્ચે યુદ્ધ જામ્યું. લંકાને પૂર્વ દરવાજે કુમુદ વાનરસેના લઈને ઊભો; દક્ષિણ તરફનો દરવાજો સાચવવા માટે શતબલિ હાજર હતો; તારાનો પિતા સુષેણ પશ્ચિમને દરવાજે પર્વત જેવો ખડ્ગ થઈને પડ્યો હતો; લક્ષ્મન તથા સુગ્રીવને સાથમાં રાખીને રામચંદ્ર ઉત્તરને દરવાજે ખડા થયા; હાથમાં મોટી ગદા ધારણ કરીને સજ્જ થયેલો વિભીષણ રામચંદ્રને પડખે જ હાજર હતો; ગજ ને ગાવાક્ષ પોતપોતાની સેનાઓ સાથે જરૂર પડે ત્યાં પહોંચી જવા તૈયાર જ હતા. તરત દ્વંદ્વયુદ્ધ જામી પડ્યું. તેમાં હનુમાન જંબુમાલી સામે ઊતર્યો, ગવ્ય તપન સામે કૂદી પડ્યો, વિભીષણે શત્રુઘ્નને સકંજામાં લીધો, લક્ષ્મણ ને વિરૂપાક્ષ સામસામા ભેટી પડ્યા, મૈન્દે વજ્રમુષ્ટિને પકડ્યો, સુષેણે વિદ્યુન્માલી સામે કમર કસી.

     યુદ્ધ દરમિયાન રાક્ષસોના કેટલાય સેનાપતિઓ એક પછી એક માર્યા ગયા. ધૂમ્રાક્ષ મરાયો, વજ્રદંષ્ટ્ર મરાયો, બલાધ્યક્ષ ને પ્રહસ્ત ધૂળ ચાટતા થયા, અકંપન ગયો અને રાવણે પણ ઠીકઠીક માર ખાધો. આખરે તો કુંભકર્ણ પણ પડ્યો.

     રાક્ષસસેનાનો પરાજય થતો જોઈને ઇંદ્રજિત ફરીથી પાછો મેદાનમાં પડ્યો. એક વખત તો તેણે પોતાના પરાક્રમથી રામલક્ષ્મણને સુધ્ધાંત ગભરાવી દીધા હતા. કપટયુદ્ધમાં ઇંદ્રજિત ઘણો હોશિયાર હતો. ઇંદ્રજિતે આવીને બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો ને રામલક્ષ્મણ સહિત આખીય વાનરસેનાને મૂર્છામાં નાખી દીધી. સુગ્રીવને તથા જાંબવાનને મૈન્દને તેમ જ દ્વિવિદને, નલને તથા કુમુદને ઇંદ્રજિતે પોતાનાં બાણોથી આવરી લીધા, અને રામલક્ષ્મણની પણ એવી દશા કરી નાખી.

     વાનરસેનાની આવી સ્થિતિ જોઈને વિભીષણે કહ્યું : ‘હનુમાન ! આપણામાંથી જેના જેના પ્રાણ ટકી રહ્યા હોય તેને ચાલો આપણે સંભાળીએ.’ એમ કહીને હનુમાન-વિભીષણ હાથમાં દીવા લઈને રણમેદાન પર ફરવા લાગ્યા. સુગ્રીવ ને અંગદ, નીલ ને જાંબવાન, સુષેણ ને વેગદર્શી, બધાય તેમને મરેલા જેવા લાગ્યા. મહસાગર જેવા વિશાળ વાનરસૈન્યને આ પ્રમાણે પડેલું જોતા જોતા જ્યારે બંને જણા જાંબવાન પાસે આવ્યા ત્યારે વિભીષણ બોલ્યો : જાંબવાન ! તીક્ષ્ણ બાણોએ તમારા પ્રાણને તો રહેવા દીધા છે ?’ વિભીષણના આ શબ્દો સાંભળીને જાંબવાન બોલ્યો : ‘વીર રાક્ષસરાજ ! તીક્ષ્ણ બાણોથી મારાં નેત્રો વીંધાયાં છે એટલે તમને દેખી શકતો નથી, પણ અવાજથી તમને ઓળખું છું. જેના જન્મથી અંજના અને વાયુ બંને ભાગ્યશશાળી છે એવો હનુમાન જીવતો રહ્યો છે કે કેમ ?’

     જાંબવાનનાં આ વાક્યો સાંભણીને વિભીષણે પૂછ્યું : ‘જાંબવાન ! રામલક્ષ્મણની જીવવાની વાત ન પૂછતાં તમે પહેલો હનુમાનને શા માટે સંભાર્યો ? વાનરરાજ સુગ્રીવ, કુમાર અંગદ, આપણા સૌના આધાર રામચંદ્ર, એ કોઈને વિષે ન પૂછ્યું ને હનુમાન માટે જ કેમ પૂછ્યું ?’

     વિભીષણના આ શબ્દો સાંભળીને જાંબવાન બોલ્યો : ‘મેં હનુમાન માટે પૂછ્યું તેનું કારણ છે. હનુમાન જીવે છે ત્યાં સુધી આપણું લશ્કર મરેલું હોય તોપણ જીવતું છે; હનુમાન મર્યે આપણે સહુ જીવતાં છતાં મૂઆ છીએ એમ સમજજો. હનુમાન જીવતો હશે ત્યાં સુધી જ આપણે સૌ જીવવાની આશા રાખી શકીએ એટલું ખાતરીથી માનજો.

     જાંબવાનનાં આવા વચનો સાંભળીને પાસે જ ઊભેલો હનુમાન તેને પગે પડ્યો એટલે જાંબવાને શરુ રાખ્યું : ‘હનુમાન ! તું જ આ વાનરસેનાનું રક્ષણ કરવા સમર્થ છે. તારા જેવો પરાક્રમી બીજો કોઈ હું આપણામાં જોતો નથી. તું આ સાગરને ઓળંગીને હિમાલય પર્વત પર પહોંચ. ત્યાં ઋષભ ને કૈલાસ નામનાં બે શિખરોની વચ્ચે ઔષધિ પર્વત છે. આ પર્વત પર મૃતસંજીવની વિશલ્યકરણી સુવર્ણકરણી તથા સંધાની એવી ચાર મહા ઔષધિઓ છે તેને લઈને તું તરત ચાલ્યો આવ.’

     જાંબવાનનાં આ વાક્યો સાંભળ્યાં કે તરત જ હનુમાન સાગર ઓળંગીને હિમાલય પર પહોંચ્યો ને પર્વત પર ઔષધિઓને ન જોઈ એટલે આખાય પર્વતને મૂળથી ઉપાડી લંકા આવી પહોંચ્યો. આ ઔષધિપર્વત ઉપરની મહા ઔષધિઓની ગંધ માત્રથી જ રામલક્ષ્મણની મૂર્છા વળી. તેમનાં બણો આપોઆપ નીકળી ગયાં અને તમામ વાનરો કેમ જાણે ઊંઘમાંથી તાજા થઈને જાગતા હોય તેમ બાણોથી મુક્ત થઈને ઊભા થયા. આખુંય વાનરસૈન્ય ફરીથી ટટ્ટાર થયું ત્યારે જાંબવાને વિભીષણને કહ્યું : ‘રાક્ષસરાજ ! હનુમાનનો પ્રતાપ જોયો ! અમે કોઈએ રામલક્ષ્મણને ન ઓળખ્યા ત્યારે તેણે પોતાનાં અંતઃચક્ષુથી તેમને ઓળખી લીધા અને પરિણામે સુગ્રીવને રામચંદ્ર સાથે મૈત્રી થઈ; અમે સૌ દેવીની શોધમાં થાકી ગયા ને શ્રદ્ધા ગુમાવી બેઠા ત્યારે હનુમાને અમને શ્રદ્ધા આપી; સો યોજન સાગરને ઓળંગવાને કોઈ બહાર ન આવ્યું ત્યારે આ હનુમાને પરાક્રમ કર્યું અને પરિણામે આજે આપણે અહીં છીએ. રાક્ષસરાજ ! તમે પોતે જ્યારે રામચંદ્રને શરણે આવ્યા ત્યારે તમારા દિલની પારખ પહેલી હનુમાને કરી લીધી; આજે રામલક્ષ્મણને તમે જ આખા સૈન્યને મૂર્છા વળી એ પ્રતાપ પણ હનુમાનનો. રાક્ષસરાજ ! હું સાચું કહું છું; કોઈ પણ અણીને પ્રસંગે હનુમાને જ સૌને માર્ગદર્શન કરાવ્યું છે અને આફતમાંથી ઉગાર્યા છે. માટે જ હું કહેતો હતો કે હનુમાન જીવ્યે આપણે જીવતા છીએ. આ રામચંદ્ર, લક્ષ્મણ, સુગ્રીવ, આપ પોતે, બધાય મારે શિરોવંદ્ય છો; પણ મારે કહેવું જોઈએ કે આપણે સીતાદેવીને લઈને પાછા જઈ શકીશું તે પણ હનુમાનના પ્રતાપે.’

     વિભીષણે જવાબ વાળ્યો : ‘જાંબવાન ! મને હનુમાનનો થોડોઘણો પરિચય છે. તમે કહો છો તે સાવ સાચું છે. હું આવ્યો છું ત્યારથી રામચંદ્ર તરફની એની નિષ્ઠાને જોયા જ કરું છું. અને સાચે જ લાજી મરું છું. પણ આપણે વાતે ચડી ગયા. ચાલો, પેલા રાક્ષસો આવી ચડ્યા.’ એમ બોલી જાંબવાન-વિભીષન લશ્કરમાં વળ્યા, અને હનુમાન આખાય પર્વતને ઉપાડીને પાછો હિમાલય તરફ ચાલ્યો.

*             *              *

        ‘મહારાજ !’ સીતા બોલી, ‘મારા મનમાં એક વસ્તુ આજે ઘણા વખતથી ઘોળયા કરે છે, તે પૂછું ?’

     ‘દેવી ! જરૂર પૂછ.’ રામચંદ્ર બોલ્યા, ‘એમાં આટલો બધો સંકોચ શા માટે ?’

     ‘રામચંદ્ર !’ સીતા બોલી, ‘ગઈ કાલે આપણો અભિષેક થયો ત્યારે આપે સૌને યોગ્યતા પ્રમાણે જુદી જુદી ભેટો આપી.’

     ‘આપણે આપવી જ જોઈએ ના !’ રામચંદ્ર બોલ્યા, ‘આપણે ચૌદ વર્ષે અયોધ્યામાં પાછો પગ મૂક્યો, દરમિયાન રાવણને મારીને તને હું પાછી લાવ્યો એ લાંબા ગાળામાં આપણ માટે જેઓએ શ્રમ લીધો, આપણા માટે મોટાં મોટાં સાહસો ખેડ્યાં અને સુગ્રીવ-વિભીષણ જેવાએ આપણી મૈત્રી બાંધી, એ બધાયને આ શુભ પ્રસંગે તેમની નિષ્ઠાની કદર તરીકે કંઈક તો આપવું જ જોઈએ ના !’

     ‘જરૂર, રામચંદ્ર !’ સીતા બોલી, ‘ન આપવું જોઈએ એમ કહેવાનો મારો આશય નથી; આપ્યું એ તો આપે બહુ સરસ કર્યું; પણ એક વ્યક્તિને આપ ભેટ આપવી ભૂલી ગયા છો.’

     ‘કાને ?’ રામચંદ્રે પૂછ્યું.

     ‘વીરા હનુમાનને.’ સીતા બોલી.

     ‘સીતા !’ રામચંદ્રે તરત જવાબ વાળ્યો, ‘એને હું ભૂલી નથી ગયો. પણ એને ભેટ આપવાને કોઈ ચીજ હવે મારી પાસે રહી નથી.’

     ‘વહાલા રામચંદ્ર !’ સીતા બોલી, ‘માઠું ન લગાડશો. આપે મને આપેલો મુક્તાહાર હું કોઈને ન આપું; એ તો મારા રામનું સ્મરણચિહ્ન. પણ મને થયું કે એથી ઊતરતું બીજું કશુંય મારાથી હનુમાનને ન અપાય. રામચંદ્ર ! ઉપકાર તો ઘણા લોકોએ કર્યા – સુગ્રીવ, અંગદ, વિભીષણ, વાનરો, સૌએ; પણ આ હનુમાને તો મને જીવતર આપ્યું. એને જ્યારે જ્યારે જોઉં છું ત્યારે ત્યારે મને તો મારા દીકરા જેટલું હેત ઊભરાય છે. માટે જ અભિષેક વખતે મારા જીવતરની મોંઘામાં મોંઘી વસ્તુ – આપનો આપેલો હાર મેં એને આપ્યો. પણ આપે કેમ કંઈ ન આપ્યું તે હું સમજી નહીં તેથી આપને પૂછ્યું.’

     ‘સીતા !’ રામચંદ્ર બોલ્યા, ‘તને ન સમજાય. જો હનુમાન તારા સમાચાર લઈને મતંગ પર્વત પર પહેલવહેલો આવ્યો ત્યારે મારા મનમાં કેવો હર્ષ થયો હશે તેની કલ્પના આવે છે ? એ સમાચારની વધામણીમાં તેને આપવા જેવું કશુંય મારી પાસે ન હતું. એટલે મેં તેને મારી છાતી સરસો ચાંપ્યો. દેવી ! કાલે સૌને જુદી જુદી ભેટો આપી ત્યારે આ હનુમાન મારા ખ્યાલમાં ન હતો. એમ ન સમજ. પણ એક વાર જેને છાતી સરસો ચાંપ્યો તેને એથી વધારે કિંમતની ભેટ બીજી કઈ આપી શકાય ? અને સીતા ! સાચું કહું ? હવે તો હનુમાનનો મારાથી જુદો વિચાર જ કરી શકતો નથી. હું માનું છું કે તું કહે છે તેવી કોઈ પણ ભેટ હનુમાનને મેં આપી હોત તો ભેટ એને ખૂંચત.’

     ‘સમજી, વહાલા રામચંદ્ર !’ સીતા બોલી, ‘હવે સમજી, આપે તો હનુમાનનું હું કહું છું તેથીયે ઘણું ઊંચું મૂલ્ય આંકી લીધું છે એટલે હવે મારે કશુંય કહેવાનું નથી. મારી ધૃષ્ટતા માટે મને માફ કરશો ના ?’ એમ બોલતાં બોલતાં રામ તથા સીતા અભિષેક માટે આવેલા વાનરો, રાક્ષસો વગેરેને વળાવવા ચાલ્યાં.

               *              *              *

     રામચંદ્રને અભિષેક થયો ત્યાર પછી તો વર્ષો વહી ગયાં. ત્યાર પછી તો રામે સીતાનો ત્યાગ કર્યો, સીતાને બે બાળકો થયાં, રામે દર્ભની સીતા બનાવીને અશ્વમેધ યજ્ઞ કર્યો, લવકુશને લઈને વાલ્મીકિ રામ પાસે આવ્યા, સીતાને પ્રજા સમક્ષ હાજર કર્યાં, ને સીતાએ ભૂમિપ્રવેશ કર્યો. આ બધા બનાવો કેમ જાણે ઇંદ્રજાળ ચાલતી હોય એવા વેગથી બની ગયા અને આજે જુઓ તો રામચંદ્ર લવકુશને ગાદી સોંપીને મહાપ્રસ્થાન માટે તૈયાર થયા છે. વીર લક્ષ્મણ કાળધર્મને સમજીને ક્યારન પરલોક સિધાવ્યા છે. શત્રુઘ્ન પોતાના પુત્રોને ગાદી સોંપીને મારતે ઘોડે આવી પહોંચ્યા છે. સુગ્રીવ અને વિભીષણ પોતપોતાના માણસો સાથે હાજર થઈ ગયા છે. અયોધ્યાની પ્રજા આજે રામચંદ્રની સાથે સ્વર્ગે ચડવા તૈયાર થઈને ઊભી છે.

     સરયૂ નદીને કિનારે માણસોની ઠઠ જામી છે. રામચંદ્ર આખીય માનવમેદની તરફ એક નજર નાખતા હતા ત્યાં હનુમાન તેમની પાસે આવ્યા અને બે હાથ જોડીને ઊભા. રામચંદ્રે ગંભીર અવાજે પૂછ્યું : ‘કેમ હનુમાન ! અયોધ્યાની પ્રજા તો સ્વર્ગનું સુખ ભોગવવા મારી સાથે તૈયાર થઈ છે. તારે પણ સ્વર્ગમાં આવવું કે ?’

     ‘મહારાજ !’ હનુમાન બોલ્યો, ‘આપ મારા અંતરને ક્યાં નથી જાણતા ! મારે મન સ્વર્ગ-નરકનો હિસાબ નથી. હનુમાનને તો રામની આજ્ઞા તે સ્વર્ગ ને બાકીનું બધું નરક. મહારાજ ! આપની શી આજ્ઞા છે ? અયોધ્યાની પ્રજાને આપ ખુશીથી સ્વર્ગે લઈ જાઓ.’

     ‘હનુમાન !’ રામચંદ્ર બોલ્યા, ‘તારા જેવા સેવકો સ્વર્ગની લાલસા નથી રાખતા એ હું સમજું છું. તારે મારી સાથે આવવાનું નથી; ત્યારે આ લોકમાં રહેવાનું છે. મારી જીવનકથા એ ખરી તારી જ જીવનકથા છે. તારી સેવાકથા લોકો વધારે જાણે તો મને હર્ષ થાય. તારા જેવા સેવકોની જગતને ઘણી જરૂર છે માટે તું અહીં જ રહે. હનુમાન ! તું તો ચિરંજીવી છે. જગત તને કેમ ભૂલશે ?’

     ‘જેવી આજ્ઞા, પ્રભો !’ કહી હનુમાને હાથ જોડ્યા.

     શ્રદ્ધાળુ લોકો માને છે કે હજી આજે પણ જ્યાં જ્યાં રામાયણ વંચાય છે ત્યાં ત્યાં હનુમાન કોઈ ને કોઈ રૂપે હાજર થાય છે અને રામસ્મરણથી પોતાનું આ લોકમાં રહ્યું સાર્થક સમજે છે.

                         *

 

 

 

 

 

 

 

 

 

 

 

 

    

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,834 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
મે 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: