‘શૂન્ય’ પાલનપુરીની બે ગઝલો

શૂન્યપાલનપુરીની બે ગઝલો  

 

લો આવજો, સલામ !

રાહત-પસંદ સાથીઓ, લો આવજો સલામ !

પંથે ચડી ગયા પછી આરામ છે હરામ !

થાકેલ મંદ ચાલ પણ મૃત્યુથી કમ નથી,

ઝડપી સમયનો કાફલો કરતો નથી વિરામ.

મનના ઉમંગી અશ્વને સમયની કેદ શી ?

કાબેલ હો સવાર તો ઊડવા દો બે-લગામ !

સૂકી સરિત્ આંખડી ! સૂની સમાધ મન ?

હદથી વધે વિયોગ તો આવે છે એ મુકામ !

ગાયે જા શૂન્ય, પ્રેમને ફળની તમા વિના !

કાંટાનો તાજ હોય છે પેગંબરી ઈનામ !

———————————————

બધા ઓળખે છે

પરિચય છે મંદિરમાં દેવોને મારો,

અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે;

નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી,

તમારા પ્રતાપે બધા ઓળખે છે

સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી,

અરે ! ખુદ અતિથિ ઘટા ઓળખે છે;

ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો,

મને તારું સૌ મયકદા ઓળખે છે.

પ્રણય-જ્યોત કાયમ છે મારા જ દમથી,

મેં હોમી નથી જિંદગી કાંઈ અમથી;

સભાને ભલે હોય ના કૈં ગતાગમ,

મને ગર્વ છે કે શમા ઓળખે છે.

મેં લોયાં છે પાલવથી ધરતીનાં આંસુ,

કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું;

ઊડી ગઈ છે નીંદર ગગન-સર્જકોની,

મને જ્યારથી તારલા ઓળખે છે.

અમે તો સમંદર ઉલેચ્યો છે, પ્યારા !

નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે;

મળી છે અમોને જગા મોતીઓમાં,

તમોને ફક્ત બુદ્-બુદા ઓળખે છે.

તબીબોને કહી દો કે માથું ન મારે,

દરદ સાથે સીધો પરિચય છે મારો;

હકીકતમાં હું એવો રોગી છું જેને,

બહુ સારી પેઠે દવા ઓળખે છે.

સ્વયં હું જ રાહી, સ્વયં હું જ મંઝિલ,

મળી છે મને સ્થિરતા ધ્રુવ જેવી;

સદીઓથી મારી ખબર છે દિશાને

યુગોથી મને કાફલા ઓળખે છે.

દિલે શૂન્ય, એવા મેં જખ્મો સહ્યા છે,

કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો;

છું ધીરજનો મેરુ ખબર છે વફાને,

દયાનો છું સાગર ક્ષમા ઓળખે છે.

—————————————–

 

 

 

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

Leave a comment

વાચકગણ
  • 771,857 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
મે 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો