[ગીતાની શીખ અને મહાભારતનો મર્મ /મનુભાઈ પંચોળી-દર્શક //પ્રકરણ—5 /કર્મયોગ

[ગીતાની શીખ અને મહાભારતનો મર્મ /મનુભાઈ પંચોળી-દર્શક

પ્રકાશક: શકિલમ ફાઉન્ડેશન, મલાડ-પશ્ચિમ મુંબઈ-400064]

                 પ્રકરણ—5 /કર્મયોગ

gita4ko8

 

 

        લોકસંગ્રહના કર્મની પ્રશંસા તો કરી, પણ કર્મ કરીએ તો બંધન થાય. ભગવાનના ઉપદેશનો પાતો એ છે. લોકસંગ્રહ કે જીવનના ધારણ્પોષ્ણ માટે જરૂરી કર્મો અનિવાર્ય છે, તો પછી કેવી રીતે કરવાં કે તે આપણને બાંધે નહિ.

          આ યુક્તિને ભગવાને કર્મયોગ કહ્યો. અહીં યોગ એટલે પ્રાણાયામ ઈત્યાદિ પતંજલિનો યોગ નથી. ભગ્વાને જૂદું જ કહ્યું છે.

         “યોગ: કર્મસુ કૌશલમ્ ”

          કર્મમાં કુશળતા તે યોગ. આ કુશળતા એટલે કર્મનો ચેપ ન લાગે તે. કર્મ થાય પન તેનો અમને ચેપ ન લાગે તેવી યુક્તિ.

          કર્મનો ચેપ તો લાગે છે, એક વખત ખાધું, ભોગવ્યું તે જરૂર ન હોય તો પણ ખાવા, ભોગવવાની ઈચ્છા રહે છે, અને એ ઈચ્છા જ નહિ વાસના, તીવ્ર રાગનું રૂપ લે છે. અને એ અતિ રાગ જ ભાન ભુલાવે છે. ઈચ્છા અને રાગ જુદી વસ્તુ છે. ઈંદ્રિયોને પોતપોતાની જરૂરિયાતો છે. ભગવાનના મતે તેનો ઈન્કાર કરવાથી ફાયદો નહિ થાય. આપણે શ્વાસ લઈએ, સાંભળીએ છીએ, સૂર્યોદય-સૂર્તાસ્તના રંગો જોઈ આનંદ થાય, સૂરાવલી સાંભળવાથી કાન દ્વારા મનને સારું લાગે છે. આ પ્રકૃતિના ધર્મો છે. આ સહજ ધર્મો તે ઈચ્છા છે. પન ઈચ્છાનું રાગમાં રૂપાંતર બંધનકારણ છે.

          ભગવાને તો આ કૌશલ એટલે, ફળની ઈચ્છા રાખ્યા વિના, કામ કરવું તે જ ફરી ફરીને સમજાવ્યું છે.

          કર્મણ્યે વ ધિકારસ્તે, મા ફલેષુ કદાચન: તને કર્મ કરવાનો અધિકાર છે, પણ ફળનો નથી.

          ફળ નથી આવતાં તેમ નથી, પણ તેનો તું માલિક છે તેવું ન માન.

          આ રાગ, માલિકી ભાવ, ફલની લાલસામાંથી આવે છે. આ લાલસા બેચેન બનાવે છે. ક્રોધ ઉપજાવે છે. અને ધીમે ધીમે સારાસારનું ભાન પણ ખોવરાવે છે. ભગવાને બીજા અધ્યાયમાં આનાં પગથિયાં બતાવી છેવટે બુદ્ધિનાશ કેમ થાય છે તે હુબહુ બતાવ્યું છે.

    દ્રોણનું માથું ધૃષ્ટદ્યુમ્ને વાઢ્યું તે સાંભળી અશ્વત્થામાને ક્રોધ ચડેલો. પિતાનું વેર લેવાની તીવ્ર વાસના થઈ. ધૃષ્ટદ્યુમ્ન અર્જુનનો સાળો, અને કૃષ્ણનો પ્રિયજન છે. તેને આમ તો તે પહોંચી શકે તેમ નથી. દિવસે સામી છાતીએ લડવાનો અર્થ નથી, રાત્રિયુદ્ધ તો પહેલેથી ન જ કરવું તેમ બેઉ પક્ષે સમજણ કહો, કરાર કહો, પ્રતિજ્ઞા કહો તેવું કર્યું છે. છતાં વેરના તીવ્ર રાગે તેની બુદ્ધિ ભ્રષ્ટ કરી છે. એટલે યુદ્ધ પૂરું થયા પછીની રાત્રે ધૃષ્ટદ્યુમ્ન નિરાંતે સૂતો છે, તેના પાંચાલો નિરાંતે ઊંઘે છે, ત્યારે બધાને કાપી નાખે છે; ન વાપરવા જેવું અણુશસ્ત્ર સમાન બ્રહ્માસ્ત્ર વાપરે છે, અને તે પન તેને ખબર છે કે આ માત્ર અર્જુનનો જ નાશ નહિ કરે, આખા જગતનો, નિરપરાધી સ્ત્રી બાળકોનો નાશ કરશે, જેને પાછું વાળતાં તો આવડતું જ નથી. આ છતાં તે બ્રહ્માસ્ત્ર છોડે છે, પ્રલયનાં મોજાં ઉછળે છે. એ તો શ્રીકૃષ્ણ-વ્યાસ ત્યાં છે, એટલે અટકાવી શકે છે, તેને પાછું વાળતાં ન આવડતું હોય તો કોઈ એક જગ્યાએ જ તે જાય તેવો સંકલ્પ કરવાનું કહે છે, ત્યારે વૈરની વાસનાએ બુદ્ધિભ્રષ્ટ થયેલ અશ્વત્થામા સંકલ્પ કરે છે કે, પાંડવ્ના વંશનું એક માત્ર સંભવિત બીજ ઉત્તરાના ગર્ભમાં છે, તેના પર બ્રહ્માસ્ત્ર જાઓ; ભગવાન કહે કે, “નારકી અશ્વત્થામા ભલે તેં આવો અધમ સંકલ્પ કર્યો પણ હું ગર્ભનું રક્ષણ કરીશ જ;” પછીથી મરેલ અવતરેલ પરીક્ષિતને ભગવાન જીવતદાન આપે છે.

    ફળવાસનાએ જેની વિચારશક્તિનો લોપ કર્યો હોય તેનું અધ:પતન ક્યાં સુધી થઈ શકે તેનું આવું ઉદાહરણ જગતના સાહિત્યમાં બીજું નથી.

    શ્રીકૃષ્ણ પોતાના અનુભવે જાણે છે કે, માણસ માત્રમાં અશ્વત્થામા છે. તે અશ્વત્થામાનું બીજ આગળ ન ફૂટે તે માટે જરૂરી એ છે કે ફળની વાસના ફળનો રાગ ન રાખવો, અને છતાં પોતાના ભાગે આવતું કામ કરવું.

    આ બોધ દુર્મતિ હિટલર જેવાને જ લાગુ પડે છે તેવું નથી. સંસ્થા માટે, કુટુંબ માટે, પોતાની કીર્તિ માટે ભય કે નિરાશાને કારણે બધે જ કર્મ કરનારા જૂઠાણું, દંભ, પ્રપંચ, પક્ષપલટા, લાંચ-રૂશ્વત, દગા ફટકા, અને ખૂન પન કરાવે છે. જો ફળનો તીવ્ર રાગ ન હોય તો આમ ન થાય.

    ફલકાંક્ષાના રાગનાં પડળો ડુબાડે છે. મુળે સહેજે તરતી સુકાયલી દૂધી પર કપડછાણનું પડ વીંટાળો તો એ દૂધી ડૂબી જાય. દૂધીનો વાંક નથી, ઉપરના કપડછાણનાં પડળોનો વાંક છે.

    ફલાકાંક્ષાનો રાગ આવી ચીજ છે તે અકારણ યુદ્ધો, હત્યાઓ, નિર્દોષોની કત્લેઆમ, રિબામણીને જન્મ આપે છે. પણ ભગવાને કહ્યું છે કે, ફળનો તને અધિકાર નથી. નકામો દાવો શા માટે કરે છે?

    એનો અર્થ શું? ભગવાન તે સમજાવે છે તે હવે જોઈશું.

    કર્તાપણાનું અભિમાન ટાળવા માટે ગીતાએ જે વિવિધ હકીકતો બતાવી છે તેમાં સૌથી મહત્ત્વની પૂરી વૈજ્ઞાનિક રજુઆત એ છે કે કર્મનાં પરિણામો લાવવા માટે માત્ર તેનો કર્તા જ પૂરતો નથી. બીજાં બળોની સમયસર મદદ ન મળે તો ક્ર્મનું ધારેલું પરિણામ આવે નહિ. ખેડૂતે ખેતર ખેડ્યું હોય, પણ વ્રસાદ આવે જ નહિ તો? વરસાદ આવે અને બિયારણ સડેલું નીકળે તો? વરસાદ, બિયારણ, ખેડૂત હોય અને વાવણીઓ વાવવાનું સાધન ખોટું નીકળે તો?

    પરિણામ લાવવા માટે માત્ર કર્તા જ પૂરતો નથી. જો આમ હોય તો પછી આ મેં નીપજાવ્યું, હું તેનો માલિક એમ કહેવાનો શો અર્થ? જેને આ વાતનું જ્ઞાન થયું તે તો કહેશે કે હું કોણ? આટલાં બધાં બીજાં બળો, માણસો, પશુઓ, ઋતુ, હવામાન વિજ્ઞાન મને મદદગાર ન થયા હોત તો મારાથી શું નીપજત? આ અનુભવે જ કહેવત થઈ શકે ‘માળી સીંચે સો ગણું, ઋતુવિણ ફળ નહીં હોય.’

               ——————————-

              સિદ્ધિ માટે પાંચ બળો

    ગીતાના જે શ્લોકમાંથી આ અનુપમ જ્ઞાન વિજ્ઞાન પ્રગટ અથાય છે તે છે:

    અધિષ્ઠાનં તથા કર્તા કરણં ચ પૃથગ્વિધમ્

વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા: દૈવમ્ ચૈવાત્ર પંચમમ્

                          (ભ.ગીતા 18:64)

    કર્મની સિદ્ધિ માટે આ પાંચ બળો શાસ્ત્રે જણાવ્યાં. અધિષ્ઠાન એટલે આધારરૂપ ક્ષેત્ર જેમ કે આ પૃથ્વી ઘણાં બધાં કર્મોનો એ આધાર છે. અર્થશાસ્ત્ર કહેશે કે ઉત્પાદન માટે લેંડ, લેબર, કેપીટલ ત્રણે જોઈએ.

    ગીતાને મતે આ અધૂરું છે, અધિષ્ઠાન એટલે આધારભૂત પદાર્થ-જેમ કુંભારને માટી, સુથારને લાકડું-આ અધારભૂત પદાર્થને પન કર્તા જોઈએ. કુંભાર વિના માટી કાંઈ આપોઆઅપ વાસણ નહિ બની જાય, એટલે કર્તાને પણ સાધનો જોઈએ. ચાકડો, વાંસલો, શાળ, ધમણ—આ સાધન વિના કુંભાર, સુથાર, વણકર, લુહાર શું કરે?

    એટલે તીજું બળ સાધનો.

    હવે સાધનો હોય છતાં વાપરતાં ન આવડે તો? જેને આજે ટેકનિક કહે છે એ ચોથું, કુહાડો હોય છતાં ઘા કરતાં ન આવડે તો પગ કપાઈ જાય. એંજીન મોટર રેલગાડી ચલાવવા માટેની આવડત જોઈએ., આ આવડત ન હોય તો? સાધન-કર્તા પન નકામાં. પરિણામ ઊંધું જ આવે. આને ભગવાને વિવિધાશ્ર પૃથક ચેષ્ટા: કહ્યું.

    આ બધું હોય અને છતાં પાંચમું દૈવ. દૈવ અનુકૂળ ન હોય તો પણ પરિણામ ન આવે. કુંભારે ચાકડાની મદદથી સુંદર વાસણોનો નીંભાડો ખડક્યો પણ વરસાદ તૂટી પડે તો?

       દૈવ એટલે આપણો જેના પર કાબુ નથી, કે આપણે જેનાથી અજાણ છીએ તેવાં આપણને અસર કરતાં બળો.

               દૈવ અધીન પાંચમું બળ

    બીજી લડાઈમાં બંને પક્ષો અણુબોમ્બ બનાવવા મથતા હતા જ, તે માટેવ ડેનિશ વૈજ્ઞાનિક નીલ બોહરને અટકાયતમાં રાખેલો, પણ તે છટકી ગયો. અમેરિકા પહોંચી ગયો. અને અમેરિકા અણુબોમ્બ બનાવવામાં આગળ નીકળી ગયું. હિટલરની બધી પૂરા હિસાબથી મૂકેલી ગણતરીઓ ખોટી પક્ડી.

    ચર્ચિલે ભારે વિશ્વાસથી કહેલું કે ‘હિન્દુસ્તાનને એટલાંટિક ચાર્ટર(ચાર સ્વાતંત્ર્યો આપતું ખતપત્ર) નહિ લાગુ પડે. હું સામ્રાજ્ય હરરાજ કરવા વડોપ્રધાન નથી થયો.’તેણે હિટલરને હરાવ્યો પણ ગણ્યાં અઠવાડિયામાં તેનો પક્ષ ચૂંટણીમાં હાર્યો. અને એટલીએ ભારત છોડી જવાની ઘોષણા કરી. ક્યાં ગયો ચર્ચિલનો ગર્વ?

       આને કહે છે ‘દૈવમ્ ચેવાત્ર પંચમમ્’ કર્મ સિદ્ધિ માટે પાંચમું છે અનુકૂળ દૈવ.

    બધ પ્રયત્નો પછી પન જીવનમાં આવું બને છે, રામ સવારે ગાદી પર બેસવાના છે, પન તે જ સવારે તેમને મળે છે વનવાસ. વાલ્મીકિ આપણને ઢંઢોળીને કહે છે ‘દૈવમ્ ચેવાત્ર પંચમમ્ ’

    હવે જ્યાં આટલાં બધાં બળો ભેગાં મળીને પરિણામ લાવે છે ત્યાં કર્તા ‘મેં કર્યું- હું જ તેનો માલિક, હું જ ભોગવીશ’ તેમ કહેવાનો અર્થ? આમ કહેનાર અજ્ઞાની કે મિથ્યાભિમાની જ કહેવાય ને?

    કર્મ ફળનો આપણને અધિકાર નથી તેમ સમજાવતા પાછળ ભગવાનની સ્પષ્ટ અને સૂક્ષ્મદૃષ્ટિ છે.

    બીજાં કારણો પણ છે, ભગવાન તે સમજાવે પન છે, પણ મુખ્ય તો આ જ છે. એટલે ખેદથી ઠપકો આપતાં 19મા શ્લોકમાં કહે છે.

     “આમ હોવા છતાં અશુદ્ધ બુદ્ધિને લીધે જે પોતાને કર્તા માને છે તે મૂઢમતિ કંઈ સમજતો નથી. ”

    આમ હોવા છતાં

    ય: અકૃત બુદ્ધિવાન્ –અશુદ્ધ બુદ્ધિ(સમજણ)ને કારણે

    સ: દુર્મતિ: ન પશ્યતિ—આ અળવી બુદ્ધિવાળો સાચું જોઈ શકતો નથી.

    ફલાસક્તિ છોડીને કામ કરવાની ભગવાને સલહ આપી, અને તાર્કિક કે હકીકતની રીતે ફળ પર કર્તાનો બહુ તો 1/5 અધિકાર કહેવાય. જો કે તે પન શંકાસ્પદ છે. વરસાદ વખતસર પૂરતો થયો અને તેથી બાજરો 30 મણ ઊતર્યો, વખતસર કે પૂરતો ન થયો હોય તો 5 મણ જ ઊતર્યો, તો 25 મણ તો દૈવને ફાળે જાય. એટલે 1/5 ફળનો હક્ક છે એમ કહેવું પણ શંકાસ્પદ છે.

    પન જાણવાથી કાંઈ વાસના કે અહંકાર ચાલ્યો જતો નથી. તો તેનો રસ્તો ખરો?

    ભગવન એને માટે પણ રસ્તો બતાવે છે કે

(1)          કામ ગોઅતતા ન જવું, સહેજે આવી પડે તે કરવું, જ્યાં તમે કામ ગોતવા ગયા ત્યાં કીર્તિ, ધન, સત્તા કાંઈક વાસના હશે જ. એટલે સોનેરી નિયમ એ કે કામ ગોતતા ન જવું.

“અનારંભો હિ કર્માણામ્

પ્રથમમ બુદ્ધિ લક્ષણમ્ ”

આપણે સામે ચાલીને કાર્યારંભ ન કરવો.

(2)          સ્વભાવનિયત કર્મ કરવું.

(2)સ્વભાવ એટલે? જે આપણાં ચિત્તના આનંદ સાથે અસ્તિત્વભાવે સંકળાયેલ મનોવૃત્તિ.

સ્વભાવ એટલે બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય સ્વભાવ નહિ, બ્રાહ્મણનો દીકરો ક્ષત્રિય સ્વભાવનો હોય.

    જે કર્મથી આપણાં ચિત્તને સ્વત: આનંદ આવે, કર્મ પોતે જ કર્મના બદલા જેવું લાગે, જેના વિના આપણે બેચેન બની જઈએ તે આપણે માટે સ્વાભાવિક કર્મ.

    સંગીતના શોખીનને ગાવાની મનાઈ કરોતો તેને ચેન ન પડે, ખાવું ન ભાવે, સંગીત ગાવા દ્યો તો ખાવાનું ભુલી જાય, આવું ચિત્રકાર, સાહિત્યકાર, શિલ્પકારનું તો સમજાય છે. પણ બાગબાન, ગોપાલક વ્યાપારીનું પણ હોઈ શકે.આપણાં ઈસ્માઈલભાઈ નાગોરી આવા કૃષિકાર બાગબાન હતા. પ્રવાસના શોખીનને પણ આવું જ થાય.

     આપણને જે કમમાં લગની લાગે, તેમાં કેટલા પૈસામળે છે તે પ્રશ્ન ઊઠતો નથી,તેથી કીર્તિ મળે તો તે ફલ ગૌણ છે, ન મળે તો પણ તે પ્રવૃત્તિ કરવાનો જ.

    જે કામ આપણને કામ ખાતર ગમે તે આપણો સ્વભાવ. તેમાં સફળતા મળે કે નિષ્ફળતા. તે છોડાય નહિ. તે તો જીવ સાથે જડાયેલ પ્રવૃત્તિ.

    આ અર્થમાં ભગવાને અર્જુનને સ્વધર્મે નિધનં શ્રેયં કહ્યું. અહીં સ્વધર્મ એટલે હિન્દુ કે મુસ્લિમ, પારસી ધર્મ નહિ. તેવા ધર્મો તે વખતે હતા જ નહિ. ધર્મો બહુવચન છે, એ અર્થમાં તો માત્ર વૈદિક ધર્મ જ હતો, છતાં ભગવાન “પરધર્મો ભયાવહ: ” કહે છે. ત્યાં ધર્મ એટલે સ્વભાવધર્મ.

          અને પછી કહે છે કે તારો સ્વભાવધર્મ ક્ષત્રિયનો છે, તારો રસ આતત્રાણ દુ:ખિયાને બચાવવા આડે ઢાલ થવાનો છે. તું જંગલમાં જઈશ ત્યાં પણ તરો સ્વભાવ તો સાથે આવશે જ. જાતને જોખમમાં મૂકીને પણ તું આતતાયી દુષ્ટ લોકો દમન કરતા હશે તો લડવાનો જ. તો અહીં તારી સામે જ લડવાનો ધર્મ આવ્યો છે. બધી સમજાવટના પ્રયત્નો કર્યા પછી આવ્યો છે. ત્યારે સગાંવહાલાંને કેમ મતાય? એવા સંદેહ કે મોહમાં રણાંગણ છોડી જઈશ તેથી કાંઈ તારો સ્વભાવ નહિ બદલાય કે તે સંન્યાસ લીધો છે તેમ કહી નહિ શકાય. સંન્યાસ કર્મફળ કે કર્તાપણાનો ત્યાગ કરવામાં છે તે તું જરૂર કર.

          રામાયણમાં રામચંદ્રજી વનમાં પ્રવેશ કરે છે ત્યારે કૈકેયીની આજ્ઞા મુજબ જટા ધારણ કરે, ફળમૂળ ખાય છે, ઝાડ નીચે સૂઈ રહે છે.મુનીવ્રત રખે છે. પન દંડકારણ્યમાં ઋષિઓના આશ્રમમાં જાય છે. અને ત્યાં દરવાજા પાસે સફેદ હડકાંનો ઢગ જોઈ પૂછે છે કે “આ શું છે?” ઋષિઓ કહે છે કે “અ તો અમારા આશ્રમવસીઓના હાડકાં છે. રાક્ષ્કસો અમને પકડીને ખાઈ જાય છે. ને પછી હાડકાં ફેંકી દે છે.”

          ત્યારે રામચંદ્ર જેમણે મુનિવ્રત લીધુ|ં છે તે કહે છે કે “ હું રક્ષસોનો સંહાર કરીશ.”

          ત્યારે સીતાજી તેમને કહે છે કે “તમે મુનિવ્રત લીધું છે. તમે હથિયાર ધારણ કરી યુદ્ધ કરો તે ઠીક નહિ. ”

          રામચંદ્રજી કહે છે, “હું તમારો ત્યાગ કરી શકું. લક્ષ્મણને પણ તજી શકું. પણ આ દુ:ખિયારા ઋષિઓનું રક્ષણ કરવાનો મારો ધર્મ—ક્ષત્રિયધર્મ ન છોડી શકું. ”

          રામચંદ્રજીને દ્વિધા નથી. તેમને તેમનો સહજ ધર્મ દેખાયો છે.

          અર્જુનને ભગવાન દેખાડે છે અને કહે છે. આ તારું સહજ કર્મ-તેનો કરવાનો આનંદ લે, તેના ફળની આસક્તિ સહેજે તારા માટે બિનમહત્ત્વની બની જશે.

          શિક્ષક ભણાવે જ, કોઈ ના પાડે તો પણ ભણાવ્યા વગર ન રહે. તે થયો તેનો સ્વભાવધર્મ.

          ભગવાન આ શોધવાનું અને બીજા આકર્ષ્ણો હોય તો પણ તેને પરધર્મ સમજી તજવાનું-પોતાના સ્વભાવધર્મને જે મોક્ષનું સાધન બનાવવાનું સૂચવે છે.

          ગીતાનો સમ્ગ્ર પ્રયાસ કર્મ કરો છતાં તેનાથી ન લેપાઓ તે છે, ગીતા આના પરનું ભાષ્ય છે.

          કર્મના બે જાતના લેપ લાગે છે. એક ‘આ કર્મ મેં કર્યું. મારા લીધે થયું. હું ન હોત તો ન થાત’ તે છે. અને બીજો લેપ છે તે કર્મના ફળની માલિકી અને તે ભોગવવાની લાલસાનો. એમાં પહેલો લેપ જાય તો બીજો લેપ આપોઆપ ઓછો થાય. આપણા એકલાને લીધે બધું થતું નથી, આપણે તો અનેક બળોમાંના એક બળ છીએ, અને તે પણ મામુલી. દરેક મહાન વિજયને અને જે સ્મૃતિસ્થાનો રચાય છે તેમાં એક હોય છે ‘અનામી સૈનિક’નું. એને સેનાપતિઓ, મંત્રીઓ, મહારાજાઓ નમે છે. અનામી સૈનિક કોણ, ક્યાંનો, કેવો , કેવડો હતો એ કોઈ જણતું નથી છતાં પણ તેને બધા નમે છે કારણ કે આ અજ્ઞાતના બળ વિના વિજય ન સાંપડત, તેને નમીને વિજેતાઓ પોતના અહંકારને ગાળી નાંખે.

          આ થયું તો માલિકીની ભાવના, હક્કનો તરફડાટ, વિલંબની અધીરાઈ બધું શમે.

          શિવાજી મહારાજ કોંકણના સમુદ્ર કાંઠે બે મહાદુર્ગદ્વિપો બાંધતા હતા. રામદાસ સ્વામી સાથે એકવર વિજયદુર્ગનું કામ તપાસવા ગયેલ. હજારો માણસોને કામ કરતા જોઈને મહારાજાના મનમાં થયું “ઓહોહો ! કેટલા જણને હું રોજીરોટી આપું છું ! આવું કોનાથી થાય ! ”

          રામદાસ સ્વામી આ પારખી ગયા. સમુદ્ર કાંઠે ફરતા હતા ત્યાં એક કાદી બતાવી કહે, “શિવ આ કાદી—આ પથ્થર ઉપાડી લે. ”

          શિવાજીએ પથ્થર ઉપડ્યો. નીચી પાણીના ખાબોચિયામાં એક દેડકો હતો.

          રમદાસ કહે ‘આને પણ તું ખાવાનું પહોંચાડે છે ને !’     આથી જ્ઞાની નરસિંહ મહેતાએ ગાયું કે’

હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,

શકટનો ભાર જેમ શ્વાન તાણે

               છતાં ગીતા કાંઈ ગમે તે કર્મ કરવાનું કહેતી નથી. તેના નકશામાં કેટલાંક કામો નિષિદ્ધ ત્યાજ્ય છે. જુગાર ન રમાય, રમીયે તો વનમાં જવું પડે, મહાભારત થાય. દારૂ ન પીવાય, પીઓ તો શાનભાન ભૂલી અંદર અંદર કપાઈ મરો.

          ના—બધાં કર્મો કરવાનું ગીતા કહેતી જ નથી.

          જે કર્મો સંસારચક્રને વસાવવા અનિવાર્ય છે. દેહધારણ પોષણ માટે જરૂરી છે તે જ કરવાનાં છે. બીજા નહિ જ. ન કરવા જેવા કર્મો અનાસક્તિથી થઈ જ નથી શકતાં. દરૂ અનાસક્તિથી પીવાતો નથી. જુગર અનાસક્તિથી ખેલી શકાતો નથી.

          પણ જે કર્મો વિહિત એટલે કરવાં જેવાં છે તે પણ ફળાસક્તિ વિના જ કરવાના છે, અને તેની સ્વભાવ મુજબ પસંદગી કરવાની છે. છેવટે લોકસંગ્રહર્થે કરવાનાં છે.

          સ્વભાવ મુજબનાં કમો-આત્મતૃપ્તિ- અંતરનો સંતોષ આપે ક્ક્ષ્હ્હે. આ આત્મતૃપ્તિ તેને સોનાનાં ઢગલાં કરતાંયે વધારે વહાલું લાગે છે.

          સ્વાભાવિક કર્મો છોડી જે અસ્વાભાવિક કર્મોમાં પ્રસંગવશાત કે લાભેલોભે પડે તેને આત્મતૃપ્તિની ખોટ ધન, કીર્તિ, બડાશ, બધી સ્વકેન્દ્રી લાગણીઓ વડે પૂરવી પડે છે.

          આ સ્વભાવ સ્ત્રીનો, પુરૂષોમાં સંશોધન અધ્યયન અધ્યાપનનો, ધન પેદા કરી કોઈનું પોષણ, સંરક્ષણ કે જવાબદારી ઊઠાવવાનો હોય છે.

          હિંદુ ધર્મે તેને બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય, શૂદ્ર નામ આપ્યાં.

          વેદોમાં આરંભે ત્રિવર્ણ જ હતા. સદાય પારકાની ચાકરી કરવાનો સ્વભાવ ન હોય. તે પાછલી ઐતૈહસિક નીપજ છે. ત્રિવર્ણો ખરા.

          ઉપરાંત આ સ્વભાવો બધા સાવ અલગ અલગ જ છે તેવું નથી. ગૌણ-પ્રધાન ન્યાયે આ વહેંચણી થઈ છે. હરેકમાં આ ત્રણે ગુણો હોય છે એથી તો વિશ્વામિત્ર રાજા હોવા છતાં બ્રહ્મર્ષિ થાય છે. સરદાર પટેલ ખેડૂતમાંથી રાજવીપદ મર્દન કરનારા મહાક્ષત્રિય બની શકે છે. આમ હોવા છતાં સ્વભાવનો છેદ ઊડી શકતો નથી. તેને વળગી રહીને જે ચાલે છે તેને સંતોષ મળે છે, તેને પોતાનું સ્વભાવ કર્મ-સુચારૂ, સુગ્રથિત રીતે કરવાનો જ આનંદ આવે છે. જેમ ચિત્રકારનું –કવિ- શિલ્પકાર, કર્મકાર, વણકર-કૃષિકાર બધાનું. ગીતાએ આના પર ભાર દઈને ફલાશક્તિનો કાંટો મોરી નાખવાની ચાવી બતાવી છે.

          આ કર્મોનું પણ આયોજન કરવાનું નથી, પ્રવાહપ્રાપ્ત રીતે આવે તે કરવાનાં છે.

          અનપેક્ષ શુચિદક્ષ:

          સર્વારંભ પરિત્યાગી ખરો, પણ સ્વભાવ નિયત કર્મ આવ્યું તો દક્ષતાથી તે પાર પાડે. જેમ શુકદેવજી જેવ મહાત્યાગીને સતત આઠ દિવસ ભાગવત પારાયણ કરવાનું આવ્યું તે દક્ષતથી પરીક્ષિતને સંભળાવી.

          તમે આયોજન કરો, ઘોડા ઘડો એટલે આસક્તિની બારીઓ ખૂલે, કર્મો નદીના પ્રવાહની જેમ આવે ને જાય.

           ઈશુ ખ્રિસ્તે તો આ વાત પોતાની પ્રાર્થનામાં લંબાવી કે, “હે માલિક ! તું મને રોજનો રોટલો આપજે. ”

          ભગવાને ભક્તનાં જે લક્ષણો ગણાવ્યાં છે તેમાં દક્ષતા પણ ગણાવેલ છે.

——————————————————–

                      પ્રકરણ-6

                    ગીતા-ભક્તિયોગ

કેટ્લાક અભ્યાસીઓ ગીતાના ત્રણ સ્પષ્ટ હિસ્સા પાડે છે. કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ. તેમના મતે ગીતા આ ત્રણે માર્ગનો સ્વીકાર કરી જેને જે માર્ગે જવું તેને તે માર્ગે ઈશ્વરદર્શન કરવા ઉત્સાહ આપે છે.

          આ વાત સાથે ગીતાની કર્મયોગો વિષિયસ્તે વાળું પ્રતિપાદન મેળ ખાય તેમ નથી. તેવી જ રીતે ભગવાને અર્જુન પાસે યુદ્ધ કરાવ્યું તે પણ બંધ બેસતું નથી.

          હકીકતમાં ભગવાનની સમજાવટ મુજબ અનાસક્તિથી કર્મ કરવા માટે ભક્તિ ને જ્ઞાન બન્ને અનિવાર્ય છે.

          માણસમાં ત્રણે વૃત્તિઓ છે.તે કર્મની, જ્ઞાનની અને ભાવ કે લાગણીની. આને અલગાલગ પાડી શકાતાં જ નથી, માણસ કર્મ કરે છે, તે સાચો કે ખોટો વિચાર કરીને કરે છે. તેની પાસે સાચું કે ખોટું, પૂરું કે અધુરું જે જ્ઞાન હોય છે તેનો ઉપયોગ કર્મની સફળતા માટે કરે છે, તેવી જ રીતે કર્મ કરતાં પહેલાં તે દરમ્યાન અને તે પછી તેને અનુકુળ કે પ્રતિકુળ લાગણી હોય જ છે.

          હકીકતમાં દૂધ અને સફેદાઈ, ગરમી અને પ્રકાશ, પાણી અને ભીનાશ છૂટા પડી શકતા નથી, તેમ-કર્મ-જ્ઞાન- ભક્તિ અલગાલગ પડી શક્તા નથી. તે વ્યાજબી હોય કે ગેતવ્યાજબી કે કુબુદ્ધિવાળા કે સુબુદ્ધિવાળ તે અલગ અલગ છે પન ત્રણે બાબત સાથે જ હોય છે.

          હા, ગૌણ-પ્રધાન હોઈ શકે.

          હકીકતમાં કર્મના લેપાવાને તેના પ્રત્યેના ભાવ કારણભૂત થાય છે. માને બાળક માટે મમતા કે ભવ છે, તેને માટે અનેક નાનાં મોટાં કામોમાં ગુંથાયેલી રહે છે, પણ મમતા ભાવ તેને બાંધે છે. છતાં ભાવ વિના કર્મ થઈ શકતા પન નથી, તે મૂળભૂત સત્ય છે.

          પ્રવૃત્તિનું મૂળ જ ભાવ છે.

          ભગવાન કર્મ જોડે ભાવ રાખવાનું કહે છે પણ તે ભાવને ભગવાન સાથે જોડવાનું કહે છે, ઈશ્વરપ્રીત્યર્થે કરવાનું કહે છે.

          આગળ સમજાવ્યું જ છે કે કર્મના પરિણામો લાવનાર બળોમાં પાંચમું બળ દૈવ છે.

          એટલે અર્જુનને કહે છે કે તારે કર્મમાંથી આસક્તિ કાઢી નાખવી હોય તો ભક્તિ ભાવે કર્મ કર. ભક્તિ એટલે ઈશ્વર માટેની આસક્તિ.

          તે સર્વજ્ઞ, સર્વ શક્તિમાન, સર્વ મિત્ર, સર્વના પિતા, માતા છે, તે જ કર્તાહર્તા છે. તો તેના સેવક, મુનીમ કે મિત્ર-પુત્ર ભાવે કર્મ કર. મુનીમ પોતાને નફાનો માલિક નહીં માને. તે પેટિયું લઈ હસતો હસતો કામ કરશે અને નફો શેઠને ધરશે. તેમા6 જ તેને આનંદ, આસક્તિ નહીં આનંદ. સેવ્યની સેવા કર્યાનો ભગવાનને રીઝવ્યનો આનંદ.

          બાળક માને માટે બોર વીણી લાવે, તેનું પાણી ભરી આવે, તેની પથારી કરી આપે તેનો આનંદ. માનું સ્મિત તે જ બાળકના આનંદનું કારણ.

          હ્વા વિનની જેમ કોઈ જગ્યા નથી તેમ સારી કે માઠી લાગણી વિનાનું કર્મ હોઈ શકતું નથી, તો પછી કર્મ પરત્વે કઈ લાગણી કેળવવી?

          ભગવાન કહે છે, તું મારા માટે કામ કરજે, તેથી હું તારી ચિંતા કરીશ, તને પ્રેરીશ, તારી મદદે આવીશ. અરે જરૂર પડ્યે તારા રથ પર બેસીશ. જનાબાઈને ઘંટી દળવામાં મદદ કરીશ, તું મારા પર બધું છોડી, મારા સખા-સેવક તરીકે કામ કરે છે તેમ માન.

          આ વાત ભગવાને જુદી જુદી રીતે અર્જુનને સમજાવી છે એટલું જ નહીં પણ વિશ્વરૂપ દર્શન કરાવી પ્રત્યક્ષ ખાતરી કરાવી છે કે ઈશ્વર સિવાય કશું નથી, વિશ્વમાં જન-મૃત્યુ, પ્રકાશ-અંધકાર, વિયોગ-સંયોગ, સુખ દુ:ખ જે કાંઈ અણુથી બ્રહ્માંડ સુધી છે તે ઈશ્વરમય છે, તો પછી બીજે જવાનું ક્યાં છે? “કાહે રે બનખોજન માઈ,” તેને શોધવા માટે દૂર જવાની જરૂર શું છે? કાંખમાં છોકરું ને ગામ ઘૂમી વળ્યો તેવું લોકો કરે છે.

          જ્યાં જે કાંઈ કરો છો તે તેના સેવક-સખા તરીકે કરો, પત્ર-પુષ્પ જે ફળ આવ્યું તે તેને આપી દો.

          તેને માટે નવી યાત્રાની જરૂર નથી. મહાદાનની જરૂર છે. ભક્તિથી જે અર્પો તે મહાદાન જ છે. અને અર્પવાનું વળી શું? તેના પ્રતાપથી થયું અને તે તેને પાછું સોંપ્યું—મારું હતું ક્યાં? કે મેં આપ્યું શું?

          તે અમૃત મોકલે તોય કબૂલ અને વિષ મોકલે તો ય કબૂલ.

          જેને વિશ્વ સમગ્ર તેની લીલા રૂપે તેનાથી સભર જોયું તેને આ વૃત્તિ સ્થિર અને સહજ થાય છે. ઉત્કટ ભક્તિ કરનારાનો આવો અનુભવ અવશ્ય છે.

          ત્યાં કર્મ રહે છે, પણ માલિકીનો ભાવ લોપ થતાં આસક્તિ રહેતી નથી. અને લડતાં ભક્તિભીનો રહે છે.

          આ અવસ્થાએ પહોંચી નરસિંહે ગાયું:

          એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે,

         કંઈ એક જાણે વ્રજની રે ગોપી, ભણે નરસૈયો ભોગી રે.

          નમ્રતાથી પોતને ભોગી કહ્યો પણ તેને આ ગાવાની સૂઝ આવી તે ભક્તિના પ્રતાપે. પણ પ્રશ્ન થાય કે ઈશ્વર છે?

          ઈશ્વર વિષે શંકા ધરાવવાવાળા કહે છે “ભક્તિ મા-બાપની કરીએ છીએ, ગુરુની કરીએ છીએ, મોટા સાધુ-સંતની કરીએ છીએ કારણ કે તેઓ છે. પણ ઈશ્વર પ્રત્યેની દ્રઢભક્તિ તો ઈશ્વર છે જ તેવો દ્રઢ વિશ્વાસ બંધાય તો જ થાય ને! ”આવું આજના વિજ્ઞાન-સાબીતી , અનુભવ પર જ ચાલનારા જમાનામાં પૂછાય તો કાંઈ નવાઈ જેવું નથી જ.

          પહેલું—વિજ્ઞાનના આ જમાનામાં પણ ઈંદ્રિય પ્રત્યક્ષ ન હોય તેવી વસ્તુઓ વિષે વૈજ્ઞાનિકો માને છે. અણુ-પરમાણુ પ્રત્યક્ષ નથી જ. તેની હયાતી પરિણામોથી છે. પણ પરિણામનું કારણ અણુશક્તિ કે અણુ-પરમાણુ કોઈએ જોયું નથી.

          બીજું—જે નથી દેખાતું કે નથી અનુભવાતું તે જો સુયોગ્ય સાધનો અને માર્ગદર્શક મળે તો જોઈ શકાય છે. દા.ત. આકાશમાં ન ગણી શકાય તેટલા તારા, આકાશગંગાઓ છે. પન ટેલીસ્કોપ-જોરદાર ટેલીસ્કોપ મળે તેને કોઈ બેસાડી, કેન્દ્રિત કરી આપે તો અધધધ તારા-આકાશગંગાઓ દેખાય છે. આમ જ કોઈક દિવસ અણુ જોઈ શકાશે.

          અનુભવ? પરમહંસ દેવ તેની પાસે આવનાર કોલેજિયનોને પૂછતા, ‘તમે ઈશ્વરને ખરેખર ઝંખ્યો છે? તે માટે મારી જેમ વલવલો છો? તે માટે જરૂરી યમ-નિયમ પાળવા તૈયાર છો? તો તે પણ અનુભવી શકાય તેમ છે જ.’

          પણ અનેક કાણાંવાળા કોસમાં કાંઈ પાણી થોડું જ ભરી શકાય છે.

          જેણે એ માર્ગે ચાલવા જરૂરી શિસ્ત પાળવી નથી તેને એ અનુભવ કેમ થાય?

          પ્રયોગશાળામાં પણ માર્ગદર્શક કહે તે પ્રમાણે જ કામ કરવું પડે છે.

          તો અધ્યાત્મની પ્રયોગશાળામાં એમ કેમ ન સ્વીકારવું?

          ઈશ્વરનો ઈન્કાર કરવો સહેલો છે. તેથી તે કાંઈ ચાલ્યો જવાનો નથી, પણ જે હોય તેનો ઈન્કાર કરવાથી શું મેળવશું? ખોટી ગણતરી થશે.

          જો કે ગીતા તો અતિ ઉદાર ભાવે “તું જો ઈશ્વરમાં ન માનતો હો તો પણ હરકત નથી. પણ તારી નજર સામે હાલતીચાલતી, વિકસતી, વિરમતી પ્રકૃતિ છે ને? ”

          હાલ જો એ જ તારું આધારસ્થાન હોય તો ય ચાલશે, કહ્યું:

          ગુણા: ગુણેષુ વર્તન્ત,

          ઈતિ મત્વા ન સજ્જ્તે.

          ગુણો ગુણોનું કામ કરે છે તેમ માનીને પણ કર્મફળ વિષે આસક્તિ ન કેળવ. કર્તાભાવ છોડ તો પણ હાલ ચાલશે. તું તો કરતો નથી,પ્રકૃતિ ગુણ પ્રમાણે કરે છે. તું દ્રષ્ટા રહે, સ્રષ્ટા તો પ્રકૃતિ છે.

          આ તથાગતનો માર્ગ છે. ભગવાન ન હોય તેમ લાગે તો કાંઈ નહિ, પણ પંચસ્કંધો તેનાં પરિણામો તો છે ને? જન્મ, જરા, વ્યાધિ, મૃત્યુ તો છે ને ? ચાલ એમાંથી તો છૂટ્ય, એનો માર્ગ લે. ભગવાન બુદ્ધ ઈશ્વર છે કે નહિ તેની વાત ઘડીભર છોડી દે છે તેની જેમ જ ગીતા કહે છે, પ્રકૃતિતો છે ને? તું તો છે ને? ચાલ, આ બે ના અસ્તિત્વના આધરે વાત કરીએ. પ્રકૃતિ જડ નથી. તેમાં વસંત, ગ્રીષ્મ, શિશિર, વર્ષા આવે છે. પ્રકૃતિ અજીવ જડ નથી, તે તેના નિયમો પ્રમાણે વર્તે છે. તારામાં પણ આ જ પ્રકૃતિ છે. આ પ્રકૃતિને તું જોયા કર, તેના ખેલમાં તારી જાતને ઝબોળી ન દે. કર્તા તું નથી, દૃષ્ટા, શ્રોતા છું તે તું અનુભવે તો એટલેથી પણ હાલ મારું કામ પતશે.

          ગીતા ડૉગ્મેટિક—પરંપરાગ્રસ્ત નથી.

          પણ જે બુદ્ધિશાળી છે તે તો પૂછવાનો જ કે આ સદાય ગતિમાન, ડોલયમાન પ્રકૃતિને કોણ ચલાવે છે? તેમાં ગતિ ઈત્યાદિ ક્યાંથી આવ્યાં?

          પ્રકૃતિના આ ગુણધર્મો ક્યાંથી આવ્યા?

          સોક્રેટીસની દલીલ સાંભળીએ. તે કહે છે કે “રસ્તામાં તમને વાંસળી મળી તો શું તમને નહિ થાય કે વાંસળી બનાવનારો ક્યાંક હોવો જોઈએ?”

          પ્રકૃતિ ગતિમાન છે, અણુઓ ગતિમાન છે. પણ તેને પહેલો ધક્કો કોણે માર્યો? માની લઈએ કે પછી તો ગતિએ ગતિને વેગ આપ્યો, પણ પહેલી ગતિ કોણે આપી?

          એ કોણ છે? ક્યાં છે?

          ભગવાને તો પોતાના વિભૂતિયોગમાં કહી નાંખ્યું છે કે આ જે કાંઈ છે તે હું છું. નદીઓમાં ગંગા, સ્થાવરોમાં હિમાલય, મુનીઓમાં કપિલ, કવિઓમાં ઉશનસ,અશ્વોમાં ઉચ્ચેશ્રવા, ધર્નની મર્યાદામાં રમતી બધી ઈચ્છાઓ, બધું બધું હું જ છું. અરે હજુ તો મારા સમગ્રનો અંગૂઠા જેટલો જ ભાગ છે-અનંત પ્રદેશમાં પણ જાણ્યે હું છું.

          અને પછીના અધ્યાયમાં અર્જુનને પોતાનું વિશ્વરૂપ દર્શન દર્શાવી પોતે આગળ રજ જેટલીયે અતિશયોક્તિ નથી કરતા તેવી ખાત્રી કરાવી આપે છે.

          એ યુગ વિજ્ઞાનનો નથી. કવિતાનો છે, જે રહસ્યમય છે. અદ્ ભુત છે તેને સમજાવવા માટે સૂક્ષ્મદર્શક કે દૂરદર્શકયંત્ર તે જમાનામાં નથી. પણ હજારો દૂરબીનો ન દેખાડી શકે તેવો અદ્ ભુત કલ્પના વૈભવ છે.વિશ્વરૂપદર્શનયોગ પાસે વિજ્ઞાન ઝાંખું પડી જાય છે. તે સત્ય, સૌંદર્યનું મહાગીત છે.

          કહે છે કે, મહાન અણુ વૈજ્ઞાનિક ઓપનહેમરે જ્યારે પોતે ગોઠવેલ પ્રથમ અણુ ધડાકો નિહાળ્યોત્યારે વિશ્વરૂપદર્શન યોગન કેટલાક શ્લોકો ગાઈ ઊઠેલ!

          અનાદિ મધ્યાન્ય, અનંતવીર્યમ્,

          અનંતબાહુમ્ શશીસૂર્યનેત્રમ્    

પશ્યામિ, ત્વામ્, દીપ્તહુતશ વક્ત્રમ્

          સ્વતેજસા વિશ્વમ્ ઈદમ્ તપન્યમ્.

       દંષ્ટ્રાકરાલાનિ ચ તે મુખાનિ

       દૃષ્ટ્રૈવ કાલાનલસન્નિભાનિ.

          દિશો ન જાને નલભે ચ શમ

          પ્રસીદ દેવેશ જગન્નિવાસ.

          જેને આદિ, મધ્ય કે અંત નથી, જેની શક્તિ અનંત છે, જેને અનંત બાહુ છે, જેને સૂર્ય-ચંદ્રરૂપી આંખો છે, જેનું પ્રજવલિત મુખ અગ્નિના જેવું છે અને જે પોતાના તેજે આ જગતને તપાવે છે, એવા તમને જોઉં છું.

          પ્રલયકાળના અગ્નિસમાન અને વિકરાળ દાઢોવાળા તમને જોઈને મને નથી સુજતી દિશા કે નથી પામતો શાંતિ, માટે હે દેવેશ, હે જગન્નિવાસ પ્રસન્ન થાઓ.

          ઓપનહેમર એ મહાન વૈજ્ઞાની હતા, તેણે જ અણુમાં રમતી શક્તિને બહાર આણી હતી, તેની શક્તિ કે રૂપની પૂરી ખબર હતી, તેની શક્તિ કે રૂપની પૂરી ખબર ન હતી, પણ પ્રત્યક્ષ થતાં તે ભક્તિના સીમાડ, અનંતના આરા પન ઊભા રહી દિગ્મૂઢ-ગદ્ ગદ, અર્જુનની જેમ ભયભીત થઈ ગયા.

          વસ્તુત: વિજ્ઞાન અને અધ્યાત્મ અલગ નથી, એક જ સિક્કાની બે બાજુ છે. જ્ઞાન અને ભક્તિ એકમાંથી –બીજામાં- બીજામાંથી પહેલામાં સમાય છે. ખરું જ્ઞાન, પૂરું જ્ઞાન(અર્ધદગ્ધ જ્ઞાન કે અધગ્ધ ભક્તિ ન્હિ! ) અહોભાવ, નમ્રતાભરી નિરપેક્ષ ભક્તિમાં પરિણમે જ. હજુ આગલ ચાલીએ.

          ઈશ્વરના મહિમા વિષે એક બીજી રીતે સમજી શકાય તેમ છે.

          જ્યારે આપણે ઈશ્વર શબ્દ વાપરીએ છીએ ત્યારે આપણા મનમાં તેની સર્વવ્યાપકતા, તેનો ન્યાય, તેની સર્વ શક્તિમત્વ-તેવા ગુણો હોય છે.

          ઈશ્વર એક જ હોય-બે નહીં. ઈશ્વર સર્વસ્થળે,સાર્વભૌમ હોય, તેનામાં પૂર્ણજ્ઞાન તો હોય જ, અને સાથોસાથ કરૂણાજન્ય ન્યાયબુદ્ધિ હોય.

          આવું આવું આપણા મનમાં હોય છે.

          જે ઋષિઓ કે જ્ઞાનીઓએ અંદર કે બહાર અવલોકન કર્યું, તેને દેખાયું કે જીવ, જગત અને ઈશ્વર-ત્રણ તત્ત્વો તો દેખાય છે. તે તત્ત્વો અલગ છતાં પરસ્પરમાં ગુંથાયેલા છે.

          આ સૃષ્ટિ આપણામાં રહેલા ચૈતન્યની જેમ બધે ચૈતન્યથી ભરેલી છે.

          અને તેની સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે ચોક્કસ પ્રકારની વ્યવસ્થિત- સ્વનિયમનની ગોઠવાયેલી વ્યવસ્થા છે.

              —————————–

                    ચૈતન્ય સભાર સૃષ્ટિ

          પ્રાચીન ગ્રીકોએ વિશ્વને ‘કોસમોસ’ કહ્યું છે. વ્યવસ્થિત હજારો વર્ષો સુધી યાનમાં પ્રવાસ કરીએ તો પણ જેનો અંત ન આવે તેવું આ અનંત વિશ્વ કોઈ ગૂઢ શક્તિએ કરેલી ગોઠવણી પ્રમાણે કશી અથડામણ વિના ચાલ્યા કરે છે. ગ્રહો, ઉપગ્રહો, સૂર્યો, ચંદ્રો, ભટકાઈ પડતા નથી, કોઈ ધૂમકેતુ નીકળી પડે તો તેનું પણ ગણિત છે. આ અગાઉથી તેના વિષે આગાહી થઈ શકે છે.

          બીજી બાજુ ચૈતન્ય વિકસતું છે. તે સ્થૂળમાંથી સૂક્ષ્મ, સૂક્ષ્મતર તરફ જાય છે. અબુદ્ધિમાંથી બુદ્ધિમાં જાય છે, સ્વકેન્દ્રીપણામાંથી સર્વકેન્દ્રીપણા તરફ જાય છે.

          વળી આ ચૈતન્ય બીજાને જ જુએ છે તેવું નથી, પોતાને પણ જોઈ શકે છે, એટલે કે આત્મનિરીક્ષણ, વૃત્તિગ્મ કે બુદ્ધિગત કોઈક રીતે કરે છે.

          આ ચૈતન્ય લાગણીસભર છે, લજામણીનો છોડ પણ સ્પર્શ થતાં સંકોચાય છે, અને પાર્વતી પણ શંકરના સ્પર્શે વ્રીડા, લજ્જા અનુભવે છે.

          આ ચૈતન્ય પોતની જ નહીં બીજાની પીડાને પણ અનુભવી શકે છે. પીડ પરાઈ જાણે રે. વિષ્ણુનો અંશધારી વૈષ્ણવ તેનું આ પ્રથમ લક્ષણ ગણાયું. આવા સર્વવ્યાપી ચૈતન્યને કોઈએ સત્યમ શિવમ સુંદરમ , કહ્યું, તો કોઈએ સત્યનારાયણ ખ્યું, કોઈએ સત્ય, પ્રેમ, કરૂણા-કહ્યું, પન આ વિશ્વ જડ છે તેમ તો કોઈ કહી શકે તેમ ન રહ્યું.

          અલબત્ત આ ચૈતન્યનો વિકાસ એક રાતમાં, એક ક્ષણે કે એક તબક્કે નથી થયો-આજે પણ પૂરો નથી થયો, વૃક્ષમાં જે ચૈતન્ય છે, તેના કરતાં પશુ-પંખીમાં વધારે ઊંચી કક્ષાએ છે, પશુ-પંખી કરતાં મનુષ્યમાં ઊંચી કક્ષાએ છે.

          પણ તે બધે જ છે, બધે જ ઉપરના ગુણોનાં બીજમાં છુપાયેલો પડ્યો છે.

          “નથી”માંથી “છે”બને નહીં. વડ તેના બીજમાં છૂપાયેલો પડ્યો છે. માટે જ વડ ઊગે છે. ભૂતળમાં પાણી છે માટે જ ફૂવારો ફૂટી નીકળે છે.

          ચૈતન્યનું અવતરણ કહો કે ઊર્ધ્વીકરણ આમ કહો કે તેમ કહો તે બધું એકનું એક છે.

          મહાન પર્વતો, મહાન નદીઓ, મહાન સ્ત્રી-પુરુષો, બધાં એનાં સર્જન છે. હા રમકડાં નથી, કારણકે તેમાં જે ચૈતન્યનો અંશ છે, તે જ પોતાની જ્ઞાત-અજ્ઞાત ઈચ્છા પ્રમણે કામ કરે છે. આ સમગ્ર મહાલીલાને આપણા ઋષિઓએ દશાવતારમાં અદ્ ભુત કાવ્યરૂપે સમજાવી છે. મત્સ્યાવતારથી બુદ્ધવતાર સુધીની આ વિકાસયાત્રાનું મહાકાવ્ય લખાયું.

          પણ આ સમજ્યા પછી કોણ ભાવવિભોર ન થાય? કોને રોમાંચ ન થય? કોનો અહંભાવ વિગલીત થઈ ભક્તિ રૂપે વહેવા ન માંડે?

          જે પરમ ચૈતન્યે, પરમેશ્વર કે પરંબ્રહ્મ આ અવર્ણનીય સ્વરૂપ પ્રગટ કર્યું, તે સર્વેશ્વર સર્વભૂતહિતેરતને પ્રણામ કર્યા વિના કોણ રહી શકે?

          આ છે ભક્તિયોગ. “તું અને હું-અર્જુન અને શ્રીકૃષ્ન સાવ જુદા નથી, પન હું તુ6 નથી-તું સેવ્ય છે—હું સેવક છું. તું મારો સારથી થા. આ મહાભારતમાંથી મને ક્ષેમકુશળ બહાર કાઢ.”

          આ વિરાટસ્વરૂપની ઝાંખી કરી અર્જુને હાથ જોડી કહ્યું: “મેં અજ્ઞાનમાં તમને સખા કહ્યો, તમારી જોડે એકાસને બેઠો તે ધૃષ્ટતા માટે ક્ષમા કરો.”“પ્રસેદ દેવેશ જગન્નિવાસ.”

          ગીતને કોઈક રીતે અહંકાર નિરસન કરાવવું છે. તે થાય પછી કર્તાપણાનું મમત્ત્વ જાય, અનાસક્તિ આવે, એટલે જ નરસિંહે ગાયું:

          “હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા

              શકટનો ભાર જેમ શ્વાન તાણે.”

          ગાડું તો તેના નિયમો પ્રમાણે ચાલે છે, પણ નીચે ચાલતો કૂતરો એમ માને છે કે હું ગાડું ચલાવું છું.

          આસુરી પ્રકૃત્તિના લોકોનું વર્ણન કરતાં ફરી ભગવાને આ જ કહ્યું છે કે “આવા લોકો માને છે કે હું જ ધનવાન, જ્ઞાનવાન, આબરૂવાળો છું. મેં દાન કર્યા છે, આને આજે જીત્યો, કાલે પેલાને જીતીશ, મારા જેવો કોઈ નથી…. આવા માણસો નરકાનુભવ કરે છે.”

          ભગવદ્ ગીતા વિવિધ સમજાવટથી આ કર્તાપણાના ભ્રમમાંથી વાંચનારને કાઢવા માંગે છે.    

        માણસનું ચાલતું હોત તો ગાંધીજીને હિંદુ-મુસલમાનનું ભયાનક રક્તસ્નન જોવું ન પડત- કે અંતે કહેવું ન પડતકે, “મારું કોઈ સાંભળતું નથી.”

          આ જ અનુભવ વ્યાસનો છે. પોતાના જ સંતાનો તેમના જેવા એમના જમાનાના શ્રેષ્ઠ જ્ઞાની પુરુષનું સાંભળતા નથી, એટલે બોલી ઊઠે છે:

         “ઊર્ધ્વબાહુ વિરૌમ્યૈષ

               ન કશ્ચિત્ શ્રૃણોતિ મે ”

     “હાથ ઊંચા કરીને કહું છું તો ય મારું કોઈ સાંભળતું નથી.”

          બંને નસેનસે મહાપુરુષ, પુણ્યપુરુષ અને છતાં તેમનું સાંભળયું નહિ.

          તો આપણે કોણ કર્તાપણાનું મિથ્યાભિમાન રાખવાવાળા?

          કર્મનું પરિણામ આવતું નથી તેમ નહિ પણ તેનું કારણ આપણે જ નથી, અનેક બળો છે. તેમાં આસુરી-મદવેલાં બળો પણ છે. ગાંધી એકલાં નથી, ઝીણા, માઉન્ટબેટન અને બીજાં ઘણાં ઘણાં છે.

               આ જ્ઞાનદૃષ્ટિ છે, પણ આ પકડવાનું કેટલાકની શક્તિ બહાર હોય.

          એમને ત્યારે ભગવાન રસ્તો બતાવે છે. ભક્તિ એટલે ભગવાન પર છોડી દેવાની સાધના.

          બાઈબલમાં કહ્યું છે કે, “તે મારા માથા પરના વાળની સંખ્યા પણ જાણે છે, તેવા સઈરીને શું કહેવું? ”

          આ પાયા પરની ભક્તિ વેવલી કે આળસુની નથી, આખરે જ્ઞાનની જ છે.

          ભક્તે જોઈ લીધું કે બધું તે ચલાવે જ છે, તે બધું જાણે છે,આપણે ડહાપણ શું ડોળવું? આપણને સોંપાયેલું કામ કરવું. તે બધું કરશે; નહિ કરે તે આપણા હિતમાં હશે.

          આ ભક્તોમાં અજાણપણે એક એવો વર્ગ છે કે જે ભગવાનના ગુણ ગાવા સિવાય કશું કરતો નથી.

          ગીતાનો ભક્ત આવો નથી. ગાંધીજીએ ભક્ત સકર્મ છતાં ભારે કર્મા છે તેમ કહ્યું.

          બધાએ પોતાના ભાગે આવે તે કામ કરવાનું જ છે. “કર્મ પર જ સંસાર ચાલે છે. હું પણ ઘડીપળ માટે પણ કાંઈ છોડતો નથી.” તેમ ભગવાને આરંભમાં જ કહ્યું. એટલે ભક્તિ એટલે જવાબદારી ફગાવી, ભિક્ષાન્ન ખાવું તે નથી. આપણે સ્વભાવ કર્મ કરતાં રહી, તેને ઈશ્વરને ચરણે સમર્પિત કરવાનો રસ્તો છે. જે આપણું છે જ નહીં તેને આપણું કેમ કહેવાય?

          જેનું છે તે તો કરુણાનિધાન, સર્વેશ્વર છે. તે માલિક, હું તેનો સેવક, તે પિતા-હું પુત્ર, તે માતા- હું સંતાન ને તે શેઠ-હું વાણોતર, તે પ્રિયતમ-હું તેની રાધા.

          આવાં કાંઈ સ્વરૂપે ભક્તિ ચાલી. પણ તે બધામાં અહંકાર તો વિગલીત થયો જ અને “પાપ-મૂળ અભિમાન”ગુંસાઈજી મહારાજનું આ મહાવાક્ય.

           અભિમાન ગયું એટલે આ લીધું, આ લઉં, આને હરાવ્યો, આને હરાવું-આણે અપમાન કર્યું, એનો બદલો લઉં- આને ઉપકાર નીચે લાઉં. આ દુશ્મન, આવા ઘોડા બંધ થયા. પછી તે જીવે, ભાગે આવતું કામ કરે, પણ અભિમાન ન હટે. પરિણામ અનુકૂળ આવે કે પ્રતિકૂળ-ભગવાનને ધરી દે. “મારે શું? શામળિયાને ગમ્યું તે સાચું. ” હસતાં હસતાં ઝેર પણ પીએ.

          આવા ભક્તનું હ્રદ્યસ્પર્શી ચિત્ર બારમા અધ્યાયમાં આપ્યું છે. ગીતા સૂત્રાત્મક નથી, તેમાં જ્ઞાની, ભક્ત, કર્મયોગી, ગુણાતીત-બધાની સહેજ યાદ રહી જાય તેવી છબીઓ આપી છે. “આવો સ્થિતપ્રજ્ઞ કેમ બોલે ચાલે? ” એમ અર્જુન પૂછે એટલે નખશીખ સુંદર આકૃતિ ખડી કરી દે. એમાં પણ ભક્તનું વર્ણન કરવામાં શ્રીકૃષ્ણે અવધિ કરી છે, થોડા જ શ્લોકો, બધા જ યાદ રાખી શકે તેવા—બધા સમજે તેવા, ભાગ્યવાનનું તે ભાથું, આનંદનો જાણે ઓઘ .

અદ્વૈષ્ટા સર્વભૂતાનાં મૈત્ર: કરુણ એવ ચ .

નિર્મમો નિરહંકાર: સમદુ:ખસુખ: ક્ષમી. . 13 .

સંતુષ્ટ: સતતં યોગી યતાત્મા દ્રઢનિશ્ચય: .

મય્યાર્પિતમનો ર્બુદ્ધિયો મદ ભક્ત: સ મે પ્રિય: . 14 .

યસ્માન્નો દ્વિજતે લોકો લોકોન્નો દ્વિજતે ચ ય:

હર્ષામર્ષભયોદ્વેગૈર્મુક્તો ય: સ મે પ્રિય: . 15 .

યો ન હ્રષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતિ ન કાંક્ષતિ.

શુભાશુભપરિત્યાગી ભક્તિમાન્ય: સ મે પ્રિય: . 16 .

સમ: શત્રૌ ચ મિત્રે ચ તથા માનાપમાનયો: .

શીતોષ્ણસુખદુ:ખેષુ સમ: સંગવિવર્જિત: . 18 .

          આવો એ ભક્ત મને પ્રિય છે એમ ભગવાને વારે વારે કહ્યું, ધ્રુવપદની જેમ ગાયું- “ય ચ મે પ્રિય: ”આવા ભક્તને આપણે જરાક ધ્યાનથી નિરખીએ.

          ભક્તિ હંમેશા કોઈક રૂપમય હોય છે, તે કૃષ્ણની હોય કે રામની, પણ નામ અને રૂપ હોય ત્યાં ભાવ-ભક્તિ ઉદ્ ભવે છે, આને કેટલાક સાકાર ભક્તિ, સગુણોપાસના કહે છે.

          હવે ઈશ્વર એના આખરી સ્વરૂપ નિર્ગુણ ગણાય છે. બધા ગુણો આકારોનું મૂળ નિર્ગુણ છે. જેમ બધા ગળ્યા અનુભવાતા પદર્થો, શેરડી, સાકર, કેળાં, કેરી બધાનું મૂળ ગળપણ . તેને કશો આકાર નથી. ગળપણ છે, તેના લીધે જ સાકર-શેર્ડી ગળ્યા લાગે છે. પણ તે ગળપણ આકાર સિમિત નથી. જો તેમ હોત તો શેરડી બરાબર ગળપણ કહેવાત. અને છતાં આ ગળપણ નામના સાઅચા નિર્ગુણ ગુણનો અનુભવ શેરડી દ્વારા આપણે સાકાર કરીએ છીએ.

          ભક્તિયોગના આરંભે જ અર્જુન પૂછે છે કે નિર્ગુણ બ્રહ્મ જ સૌનું આધાર સાધન છે. તેની મારે ભક્તિ કરવી કે તમારી વાસુદેવની?

          ભગવાને જે જવાબ આપ્યો છે કે ભક્તિશાસ્ત્ર માટે પાયા રૂપ છે. તેઓ કહે છે કે નિર્ગુણ બ્રહ્મની ભક્તિ થઈ શકે છે, પણ તે દેહધારી માટે ઘણી મુશ્કેલ છે, એટલે તારે મારી જ ભક્તિ કરવી તે સહેલું છે. અહીં “દેહધારી” શબ્દ પાયામાં છે, દેહધારી સૌ પદાર્થો, ભાવો કે વિચારનો અનુભવ નામ કે રૂપ અથવા નામ અને રૂપ દ્વારા જ કરી શકે.

          વીરતા કે શૌર્ય નામના ભાવનો ગુણ કોઈ વીરપુરુષ-સ્ત્રીના પરાક્રમોના પ્રત્યક્ષઈકરણ દ્વારા જ થઈ શકે. પ્રેમના ભાવની સમજણ કોઈક સીતા, રામ, દ્રૌપદી, સત્યવાન-સાવિત્રી, લયલા-મજનુ દ્વારા જ થઈ શકે છે. વિચારોની પકડ કોઈ પ્રત્યક્ષ આકૃતિ ગણિત કે કમ્પ્યુટર દ્વાર જ કરી શકે છે.

          સૃષ્ટિ જ દેહધારી માટે નામ-રૂપમય છે. ત્યાં જેને નામ કે રૂપ નથી. તેને તે કેવી રીતે પ્રત્યક્ષ કરી શકે? સાવ અશક્ય નથી તો પણ તે સીધા-માખણ ના પહાડ પર ચઢવા જેવું છે.

          આથી ભક્તિ કરનારા માટે મૂર્તિપૂજા-મૂર્તિમં આરાધ્યનું સ્થાપન, તેના ગુણો-શક્તિઓનું કીર્તન, તેની સેવા-પૂજા, અર્ચના અનિવાર્ય લેખાયાં છે. તેના દ્વારા તે અપ્રત્યક્ષ, પણ મૂળમાં રહેલ પરમ તત્ત્વને પ્રમાણે છે અને પહોંચે છે.

          અલબત્ત. તેમ નથી પણ થ્તું-તેવો અનુભવ છે જ. પણ તેનું કારણ સાકરમાં ગળપણ છે, ગળપણ અનુભવ અને સાકર દ્વારા જ થાય છે. પણ તે છતાં સાકર પોતે ગળપણ નથી. આ વાતનું વિસ્મરણ છે. તે ભૂલી જાય છે કે સાકરનો આકાર તે ગળપણ નથી, તેમ સાકર સિવાય બીજે પણ ગળપણ છે.

          આમાંથી જ્ઞાન તો નથી થતું, પણ મૂઢ અગ્રહ અને પ્રસંગોપાત ઝનૂન પેદા થાય છે. મારો આકાર જ સાચો, તેની જ ભક્તિ થાય તે સિવાયના બધા ખોટા, ધાર્મિક ઝગડાઓ, યુદ્ધો, કોઈક ચોપડી પર, કોઈક મૂર્તિ પર, કોઈક મંદિર પર થયા છે. કારણ કે તે ગ્રંથ, મૂર્તિ કે મંદિરને એક માત્ર સ્વરૂપ માની લીધું છે; ગળપણ અનેક પદાર્થોમાં હોઈ શકે તે બ્રહ્માનુભવ અનેક નામો, રૂપો, દ્વારા થઈ શકે તે વાત વીસરાઈ જાય છે.

          પરમહંસ દેવે ઘણા રસ્તે સાધના કરી, તેમને તો વિવિધ નામ, રૂપ, ક્રિયાકાંડો કાંઈ આડાં ન આવ્યાં, કારણ કે તેમણે જ્ઞાનનો દોર બરાબર પકડ્યો હતો, અનેક નામ-રૂપોમાં એક જ છે, એક જ છે. તો ઝગડો શાને? ઝનૂન શું?

          “ ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા,

          અંતે તો હેમનું હેમ   હોયે. ”

          પરમ ભક્ત, પરમ જ્ઞાની નરસિંહે સાર કાઢ્યો. પરમહંસ દેવે તેનું સમર્થન કર્યું. પણ ભક્તિયોગના આરંભનાં શ્લોકોમાં ભગવાનને ભાર દઈને જે કહેવાનું છે તે એ કે નિર્ગુણ ભક્તિ કઠણ છે. માણસ નામ-રૂપ દ્વારા જ ભક્તિ કરી શકે છે.

          આ છે મૂર્તિપૂજાની અનિવાર્યતાનું પરમ રહસ્ય. આને લીધે જ મૂર્તિપૂજાના વિરિધીઓ કે મૂર્તિભંજકો પણ છેવટે નવી મૂર્તિઓ સ્થાપનારા બની જાય છે. શીખો મૂર્તિને સ્થાને ગ્રંથ સાહેબને બેસાડે છે. મુસ્લિમો મસ્જિદમાં અલ્લાહનું આરોપણ કરે છે કે પશ્ચિમ દિશામાં જ નમાજો પઢે છે. આ છેવટે મૂર્તિપૂજા જ છે. તે ક્રોસની, કાબામી હોય કે કૃષ્ણની.

          તમે નિર્ગુણભક્તિ કરી શકતા નથી તેવી જ રીતે સગુણના આધારસ્થાન નિર્ગુણને ભૂલીને ય ભ્ક્તિ કરી શકતા નથી.

          કેળું તે ગળપણ નથી, પણ કેળાં જેવો કોઈ આધાર વિના પણ ગળપણનો અનુભવ થતો નથી.

          અને અનુભવ થાય જ નહિ તો પોપટપંચી, ઘટઘટ ન્યાય, ક્રિયાકાંડો, ઓચ્છવોથી શું વળ્યું? આટલા માટે જ ભક્તિને અસિધારા વ્રત કહ્યું- અને આવા ભક્તનું વર્ણન કરતાં ભગવાન પણ ખીલી ઊઠ્યા-ભક્તિયોગમાં ભગવાન પોતાના ગુણ નથી ગાતા, પણ ઉત્સાહથી ભક્તના ગુણ ગાય છે.

          ભક્તોનાં લક્ષણો વર્ણવતા ભગવાનનો આનંદ ઉભરાય છે. એમ તો ભગવાને આગળ સ્થિતપ્રજ્ઞ અને જ્ઞાનીની મૂર્તિઓ ખડી કરી છે. પન તેમાં ભગવાનનો આનંદ ઉભરાતો નથી. પોતાના ભક્તની વાત કરતાં તેમને ઉમળકો આવ્યો છે, એમણે તો નારદને ત્યાં સુધી કહી નાખ્યું છે કે:

          મદ ભક્તા યત્ર ગાયન્તિ

       તત્ર તિષ્ઠામિ નારદ ..

          જ્યાં મારા ભક્તો કીર્તન કરે છે ત્યાં હું હોઉં છું.

          ઈશુ ખ્રિસ્તે પણ તેના શિષ્યોને કહેલું કે તમે ત્રણ જણા જ્યાં ભેગા થશો ત્યાં હું ચોથો હોઈશ.

          સમાનશીલોની યાત્રાના ભગવાન કર્ણધાર થાય છે.

          આ ગુણોનું વર્ણન કરતાં ભક્તને ‘સર્વભૂતહિતે રત:’અને ‘દક્ષ’ શબ્દો વાપર્યા છે. જે ચાલુચીલાના ભક્તોની વાત નથી. ભક્ત તો પોતાની ભક્તિમાં મસ્ત છે. આવી પડેલાં કામોને પન તે અવગણે છે. કરવાં પડે તો ફુવડની જેમ કરે છે, બાકી તેની સેવાપૂજા, લાલજીને નવરાવવા, જમાડવા, પોઢાડવા તેની પાસે કાલાં કાઢવાં, ભગવાન આને ખરો ભક્ત કહેતા નથી. ‘સર્વભૂતહિતે રત:’ પ્રાણી માત્રના કલ્યાણમાં જે પરોવાયેલો રહે છે, પ્રાણી માત્રના- પોતાની ન્યાત, કોમ, દેશ અને મનુષ્ય જાતિ પણ ભગવાનને ટુંકા પડે છે. પ્રાણી માત્રનું હિત આગળ પણ ભગવાને પંડિતનું લક્ષણ વર્ણવતા કહ્યું જ છે કે–

          “ હાથે, ગાય, કૂતરો ચાંડાળ બ્રાહ્મણ સૌ પ્રત્યે જે સમદૃષ્ટિથી વ્યવહાર કરે છે તે જ્ઞાની છે.”

          ગીતાને સર્વ સ્થાવર-જંગમ સૃષ્ટિથી કશું ઓછું ખપતું નથી.

          હવે આ જેને સમજાય તે લોઈના કામધંધાને કેમ છીનવે? તે અસ્પૃશ્યતામાં, રંગભેદમાં કેમ માને? તે ખાદી જ કેમ ન પહેરે? તે બીજાની ખાંધ પર તો બેસે જ નહિ, શક્ય તેટલી સમાજસેવા કરતો જ રહે, તેને કોઈ કામ નાનું મોટું તો કેમ હોય?

          અરે, વગર કારણે પાંદડું પણ શા સારુ ચૂંટે? આજકાલ જેની બોલબાલા છે તે ઈકોલોજી તો આખી ને આખી સર્વભૂતહિતે રત: શબ્દમાં સમાઈ ગઈ છે.

          ભક્ત દક્ષ: ચતુર-ભક્તને ભોળિયો કહે છે, તેને સંસારની ગતાગમ નહિ, સંસારની આસક્તિ, મોહ નહિ તે તો સમજાય છે. પણ સંસાર વ્યવહારની સમજ નહિ તે ખ્યાલ ભગવાનને કબૂલ નથી. બધા સાચા ભક્તોને પણ કબૂલ નથી. રામકૃષ્ણદેવ, નાના શારદામાને શાક કેમ સમારવુ, મહેમાનને કેમ સાચવવા તે શીખવતા. મહાત્મા ગાંધીએ ઘડેલો મુસદ્દો ભલભલાને છક કરી દેતો.

          બધાં પ્રાણીઓનું હિત ચતુરાઈ વિના જડે કેમ ? ભક્ત ભોળો હોય તો બધં તેને દોરવી જાય અને બધાને બદલે થોડાંનું હિત તેના હાથે થાય. એટલે દક્ષતા, ચાતુર્ય એ આવા ભક્તનો ગુણ ગણાવ્યો.

          સ્પીનોઝા યુરોપનો અજોડ તત્ત્વજ્ઞાની થઈ ગયો. કોઈકે કહ્યું છે કે ખ્રિસ્તી ધર્મમાં બે જ ખ્રિસ્તીઓ થયા. એક ઈશુ પોતે અને બીજો સ્પીનોઝા. ચસ્માના કાચ સાફ કરીને સદાય આજીવિકા મેળવી. કાચની સફાઈની જોડાજોડ અનેક વિચારોની સફાઈ કરી.

          તેની બહેને તેનો વારસા ભાગ પચાવી પાડ્યો. એ તો ભગત, એને શું જરૂર છે એવું કહ્યું હશે. સ્પીનોઝાએ બહેનના આ અયોગ્ય પગલાં સામે કેસ માંડ્યો. જાતે જ દલીલો કરી જીત્યો અને કોર્ટની બહાર નીકળતાં મળેલી મિલક્ત બહેનને આપી દીધી.

          દક્ષ: ચતુર

          આમ જોવા જઈએ તો ગીતાને જે મુખ્ય વાત કહેવાની છે તે ભક્તિયોગઆગળ પૂરી થઈ લાગે છે. ભગવાનને ત્રણ વાતો જ કરવાની છે: (1) કર્મ છૂટતાં નથી, તે સહજભાવે, પ્રકૃતિ જોઈને તે કરવાનાં, (2) તે જ્ઞાનપૂર્વક કરવાનાં, (3) ભક્તિભાવે એટલે ઈશ્વરાર્પણ વૃત્તિથી ઈશ્વરાર્પણ બુદ્ધિ આવી એટલે માલિકી ભાવ, મયભાવ ગયો. ગીતાની મુખ્ય વાત આટલી જ છે.

          પણ જિજ્ઞાસુને ઈશ્વર એટલે શું? કેવા હશે? ક્યાંથી આ બધું આવ્યું?

          ક્યાં જઈને અટકે છે? જીવ-જગત-ઈશ્વરના રહસ્ય સંબંધો પરનો પડદો ઘટે તો શું દેખાય? આવા સવાલો થાય જ છે. જો કે ગીતા કે ધર્મ સાધનામાં એ ગૌણ છે. છતાં બધા ધર્મોએ કોસમોલોજી-સંસારની ઉત્પત્તિ, સ્થિતિ-લય વિષે ચર્ચાઓ કરી છે.

          ગીતામા, ક્ષરાક્ષર સૃષ્ટિ, પુરુસ્જ, તેનાથી પર, પુરુષોત્તમ, ત્રિગુણાત્મક પ્રકૃતિ વિષે પાછલા અધ્યાયોમાં કહ્યું છે એ પણ ગૌણ છે. તે બધું જ સાચું ન પણ હોય. તે વખતના સાધનોથી જે દેખાયું તે કહ્યું. નવા સાધનોમાં જે નવું દેખાય તે સાચું તેવી બુદ્ધિથી આ અધ્યાયોને જોવા સારા.

          ગીતાએ અનાસક્તિથી કર્મો કરતાં રહેવાં તેમ વારે વારે સમજાવ્યું, પ્ણ તેની જોડે જ કહ્યું કે આપણી પ્રકૃતિ જોઈ, તપાસીને કર્મો કરવાં,આ પ્રકૃતિ એટલે સ્વભાવ.

          બધાના સ્વભાવ સરખા નથી હોતા તે જોઈએ છીએ.

          એનો અર્થ એ છે કે બધાની પ્રકૃતિ સરખી નથી હોતી.

          ગીતાના 14-16-17 અધ્યાયો આ પ્રકૃતિને ઓળખવાની ચાવી આપનારા છે. 14મો અધ્યાય ત્રણ ગુણોની વાત કરે છે.આ ગુણો તે જ પ્રકૃતિ. કોઈની પ્રકૃતિ-ગીતાની ભાષામાં સાત્ત્વિક,કોઈની રાજસી, કોઈની તામસી હોય છે. સાત્ત્વિક પ્રકૃતિનાં લક્ષણો અને ગુણધર્મો ગણાવ્યાં છે કે સાત્ત્વિક લોકોને પ્રવૃત્તિ એ મુખ્ય નથી, પણ શુદ્ધિ-સત્ય વિગેરે મુખ્ય છે. પ્રવૃત્તિ તે કરે છે પણ તે સત્યની શોધ માટે. જે પ્રવૃત્તિમાં અસત્ય હોય, અહંકાર, ઈર્ષા, દ્વેષ હોય તે પ્રવૃત્તિ તેને ગમતી નથી. વર્ણધર્મમાં આને બ્રાહ્મણવૃત્તિ કહી છે. હનુમાનજીને સીતાજીએ તેના પોતાના ગળાનો નવલખો હાર આપ્યો, તેના હીરા દાંત કરડીને અંદર જોવા માંડ્યું તે જોઈને સામે આવેલા હસ્યા અને ઠપકો આપ્યો. “અરે, સીતાજીએ પોતાના કંઠમાં શોભતો હાર તમને આપ્યો. તે હારના હીરા કર|ડીને તમે ફેંકી દ્યો છો. આવા અનાડી જ રહ્યા તમે !”

          હનુમાનજી કહે “હું જોતો હતો કે આ હીરામાં ક્યંયે ભગવાન છે? તેમાં ભગવાન નથી એટલે ફેંકી દઉં છું.”

          તેમ સાત્ત્વિક પ્રકૃત્તિવાળો જે પ્રવૃત્તિ મેલી હશે તે કરશે નહિ. પછી તે મેલો વેપાર હોય, મેલું શિક્ષણ હોય કે મેલું રાજકારણ અથવા તો પ્રવૃત્તિમાં રહેલ મેલને દૂર કરવાનું જ કરશે.

રાજસી પ્રકૃતિવાળાને પ્રવૃત્તિમાં રહેલાં જોશ યશ, ગીતાનું ચિંતન ઘણું ઊંડું છે. તે બાહ્ય લક્ષબણોસફળતા ગમે છે. તેનથી આવી પ્રવૃત્તિ કર્યા વિના રહેવાતું જ નથી. કર્તાપણાનું અભિમાન તેનાથી છૂટતું નથી. તામસી પ્રકૃત્તિવાળું લક્ષણ પ્રમાદ,આળસ છે. તેને પડ્યા રહેવું ગમે છે. તેમં કર્તાપણાનું જોશ નથી હોતું તેથી તેને અકર્તા નથી ગણવાનો.

         જેમ જે બેસી રહે છે તે બધા યોગી નથી.

ગીતાનું ચિંતન ઘણું ઊંડું છે. તે બાહ્ય લક્ષણો પરથી પ્રમાણપત્ર નથી આપતી. કઈ વૃત્તિ, કેવી સાવધતાથી, કેટલી અહંકાર શૂન્યતાથી તે કમ કરે છે તે જોઈને ગીતા ચાલે છે.

          ગીતા આ પ્રકૃતિ પ્રમાણે સૌની શ્રદ્ધા હોય છે તેમ દર્શાવે છે.સાત્ત્વિક, રાજસી-તામસી ત્રણે પ્રકારની શ્રદ્ધા.

          જેની જેવી શ્રદ્ધા હોય તેવા તેના દેવતા.

          અનેજેની જેવી શ્રદ્ધા તેવું તેનું ફળ.

          ગીતા ઉદાર હ્રદયની માતા છે એટલે તામસી લોકો ભૂત-પ્રેતને માને છે,-તો તેને તેવું ફળ મળે છે તેમ કહે છે.

          પણ ભગવાન જે વાત પર ભાર મૂકે છે તે એ છે કે આ ફળ આપનારો પણ હું જ છું. તે ગમે તે માને. તે માને કે મને મેવડી માતાએ ફળ આપ્યું કે ગણેશજીએ કે હનુમાને આપ્યું. –પણ સર્વનો ફળદાતા તો હું જ છું. તેની શ્રદ્ધા અલ્પ છે, અશુદ્ધ છે એટલે એવું ફળ આપું છું. આ વાત જેમ જેમ સમજતો જાય તેમ પ્રકૃતિ ઊંચી થતી જાય છે.

          ગુણો વર્ણવતી વખતે પણ ભગવાન આ જ કહે છે, કે પોતાનું કામ કરો, તેનું તમેઊર્ધ્વીકરણ કરી શકો છો. પણ નાશ કરી શકતાં નથી.

          વિજીગિંષુ વૃત્તિ ક્ષાત્રવૃત્તિ છે જ, તેને ટાળી ન શકો પણ તે ત્રાતા, આર્તત્રાણ થાય તેમ કરી શકો.

          આત્માએ શરીર, મન, ઈંદ્રિયો લીધાં, તે એકલો અલગ નથી એટલે શરીર, મન, ઈંદ્રિયો તેનો ભાગ તો ગણવાનાં જ.

          એટલે તેને સાત્ત્વિક કર્મો રાજસી કર્મોમાં વાળવા.

          અને તેથી યે વધારે મહત્ત્વની વાત એ છે કે ગુણોનું સ્વતંત્ર અસ્તિત્ત્વ છે, તે વાળી શકાય, ટાળી ન શકાય,તે જોઈને ગુણો ગુણોનું કામ કરે છે, તું તે ક્રતો નથી. હું ના પાડું તો પણ તે તો કામ કરશે જ એમ સમજી ગુણકર્મમાં કર્તાભાવ ન આરોપવો કે ભેળવવો, દૃષ્ટાભાવ રાખવો, નદીની વચ્ચેની મોટી શિલા પર ઊભા રહી જેમ બેઉ બાજુનાં પ્રવાહને જોઈએ. હોઈકવાર ખપજોગું પાણી લઈએ, કોઈકવાર તેને પાકને જીવાડવા વાળીએ, આ પ્રકૃતિને ભગવાનની માતા કહી છે.

          પણ આપણે નદી નથી તેવું સ્પષ્ટ ભાન રાખીએ, આને કહી ગુણતીત અવસ્થા.

          આવા ગુણાતીતનું વર્ણન કરતાં ભગવાન કવિ બની જાય છે. ગીતામાં કર્મ, ધ્યાન, ભક્તિ બધા માર્ગોની સમજ અને મહિમા છે. ગીતા નકારવાદી નથી, કે એકમાર્ગી નથી તે ગીતાની મહાન શિખામણ છે,

          કર્મ માર્ગમાં જ્ઞાન હોય જ –બે વચ્ચે કોઈ વિરોધ નથી.

          એકં સાખ્યં ચ યોગં ચ

          ય: પશ્યતિ સ પશ્યતિ ..

          જ્ઞાનમાર્ગ અને કર્મમાર્ગ એક જ છે એમ જે જુએ છે તે જ સાચો જોનારો છે. –આ બેઉ અલગ છે તેમ કહેનાર તો બાળબુદ્ધિ છે.

          દૂધ, તેનો રંગ, તેની મીઠાશ, તેની ચીકાશ બધું સાથે જ છે તેમ જે કર્મ કરે છે તે જ્ઞાનપૂર્વક કરે, એ જ્ઞાનપૂર્વક કરે તો તે પણ તેમાં ઊંધું જ્ઞાન જ છે, જ્ઞાન તો છે જ પણ, વિપરીત જ્ઞાન.

          તેવ્વી જ રીતે કોઈ પન કર્મ અને તેમાં પડતો રસ કે પ્રવર્તતો ભાવ અલગ નથી જ. ગરમી અને પ્રકાશ ભેગાં જ છે.

          રસ ન હોય તેવું બને જ નહીં, અશુદ્ધ હોય , ઓછો પણ હોય, પણ શ્વાસોશ્વાસ વિનાનું જીવન ન હોય તેમ ભાવ કે રસ વિનાનું કર્મ ન હોય.

          એટલે જે આ ત્રણેને જુદા પાડે તે બાળબુદ્ધિ છે.

          આથી ભગવાને સ્થિતપ્રજ્ઞ, ગુણાતીત કે ભક્તનાં વર્ણન કર્યા ત્યારે સરખા જ ઉમળકાથી અને સરખા જ આદરથી કરેલ છે.

          ગુણાતીત એટલે ગુણોને સમજી, જોઈ, તેનાથી પર થયેલો જ્ઞાની પુરુષ.

          સમદુ:ખસુખ: સ્વસ્થ:

          સમલોષ્ટાશ્મ કાંચન:

          તુલ્યપ્રિયાપ્રિયો પીર:

          તુલ્યનિન્દાત્મ સંસ્તુતિ: ..

 

          આ જ ગુણો ભક્તિયોગમાં ભક્તનાં પણ વર્ણવ્યાં છે.

          અદ્વેષ્ટા સર્વભૂતાનાં

          મૈત્ર: કરુણ એવ ચ .

         સમદુ:ખદુખ: ક્ષમી ..

સુખદુ:ખ, માન-અપમાનમાં તુલ્યવૃત્તિ બન્નેમાં છે તેમ ભગવાન કહે છે. અને વળી કહે છે ભક્ત પણ

          અનપેક્ષ: શુચિર્દક્ષ

          ઉદાસીનો ગતવ્યથ:

          સર્વારંભ પરિત્યાગી

          યો મદ ભક્ત: સમે પ્રિય ..

          અહીં પણ સર્વારંભ પરિત્યાગી કહે છે. જે ગુણાતીતનું વર્ણન કરતાં કહે છે.

          જેને જ્ઞાન થયું કે ગુણો જ ગુણોનું કામ કરે, ત્યાં મારે આરંભ કરવાનો જ શું કામ હોય?

         સ્હેજે કામ આપ્યું તે કર્યું. પણ જ્ઞાની કે ભક્ત એકે સાચા હોય તો કર્મોનો આરંભ, ખટાટોપ ન કરે.

          આવું જ સ્થિતપ્રજ્ઞનાં ગુણો વર્ણવતાં કહ્યું:

          સ્થિતપ્રજ્ઞને દુ:ખમાં ઉદ્ વેગ નથી, સુખોની સ્પૃહા નથી. એટલે તે તુલ્યબુદ્ધિવાળો છે.

          ગીતાની દૃષ્ટિ સર્વાંગી છે. તે કર્મ, ભાવ અને તેનું જ્ઞાન અલગ છે તેવું જોતી જ નથી. મનુષ્યના આવા ભાગલા પાડી નથી શકાતા. કર્મ ભાવથી થાય છે, અને જ્ઞાનથી થાય છે.

          કર્મ કર્યા વિના રહેવાતું નથી. એટલે સવાલ કર્મશુદ્ધિ અને કર્તાપણાના ત્યાગનો છે.

         એટલે ત્રણ માર્ગે કર્મશુદ્ધિ કરતા છેવટે કર્મ અને તેનું ફળ ઈશ્વરને અર્પણ કરવાનું જ આવે છે.

          આવું અદ્ ભુત દર્શન હોવાથી ગીતા બધા હિન્દુઓની માતા ગણાઈ, એટલું જ નહિ બધા માણસોની માતા બની.

=========================================

 

   

 

 

 

 

 

 

 

 

         

 

         

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 627,742 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
એપ્રિલ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: