સાફલ્યટાણું// ‘સ્નેહરશ્મિ’/લોકમિલાપ ટ્ર્સ્ટ

સાફલ્યટાણું// ‘સ્નેહરશ્મિ’

 

એ અવિસ્મરણીય દિવસો

શ્રીઝીણાભાઈની અત્મકથાનો આ બીજો ભાગ અસહકારનું આહ્વાન થયું ત્યાંથી શરૂ થાય છે અને પછી દેશભરમાં જે વ્યાપક ધરપકડો થઈ તેના ભાગરૂપે ઝીણાભાઈ પણ પકડાયા ને 1933ના પાછલા ભાગમાં છૂટીને બહાર આવ્યા ત્યાં પૂરો થાય છે. આમ, એ તેર વર્ષની કથા છે. એ વર્ષો આપણા દેશના અને ઝીણાભાઈની પેઢીના માણસોના જીવનનાં ઉજ્જવળ ત્યાગભાવના અને દેશની આઝાદી માટે કંઈક કરી છૂટવાની તીવ્ર તમન્નાભર્યાં વર્ષો છે. ખરું જોતાં, આ ઝીણાભાઈ નામે એક વ્યક્તિની કથા નથી રહેતી પણ એ જમાનાની અનેક વ્યક્તિઓની, અને ખાસ તો એ ગાળામાં દેશે અનુભવેલા અપૂર્વ અને અદ્ ભુત જીવનસાફલ્યના ટાણાની, કથા બની જાય છે. ગાંધીજી માટીમાંથી માનવ સરજતા હતા એમ જે કહેવાયું છે, તે ક્રિયા અહીં પ્રત્યક્ષ જોવા મળે છે. એ જમાનાનો ઉચ્ચ આદર્શવાદ અને ધ્યેયનિષ્ઠ ત્યાગભાવના સામાન્ય માણસમાં પણ કેવું બળ પૂરતાં હતાં તેનો અહીં પાને પાને પરિચય થાય છે. એ રીતેકથા આજની પેઢીને આપણી આઝાદીની લડતના એક ઉજ્જવળ ગાળાના પ્રેરક અને પાવક વાતાવરણનો જાણે કે પ્રત્યક્ષ અનુભવ કરાવે છે.

–નગીનદાસ પારેખ

 

અસહકારનું આહ્ વાન

          ઑક્ટોબર 1920: કોઈ મોટા ગુરુત્વાકર્ષણથી હોય તેમ ભરૂચથી અમે કેટલાક વિદ્યાર્થીઓ સુરતના ‘પાટીદાર આશ્રમ’માં ખેંચાઈને ગયા. તે વખતે વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માટે એક પ્રચંડ સભા યોજાઈ હતી. એ સભાને ગાંધીજી સંબોધવાના હતા. માત્ર વિદ્યાર્થી-જગતમાં જ નહીં, પણ આખા જાહેર જીવનમાં ભારે ઉત્સાહનું પૂર આવ્યું હતું. ટ્રેન મારફતે, બળદગાડાં મારફતે કે પગપાળા ઠેરઠેરથી, ગામગામથી વિદ્યાર્થીઓ, જુવાનો અને વૃદ્ધોનો પ્રવાહ અસ્ખલિત રીતે, સભાના સમયથી ઘણો વહેલો, પાટીદાર આશ્રમ તરફ વહેતો થયો હતો. ગાંધીજીને જોવાનું અને એમને સાંભળવાનું ભારે કુતૂહલ લોકોના મનમાં હતું. કંઈક અવનવું બનવાનું છે, અંગ્રેજ સરકારના પાયા ડગમગવા લાગ્યા છે, અને દક્ષિણ આફ્રિકામાં મોટી જીત મેળવી ગાંધીજી આવ્યા હતા તેમ આપણે ત્યાં પણ સરકાર સામે તે એવો જ વિજય મેળવવાના છે, એવી લોકોને જાણે કે ખાતરી થઈ ગઈ હતી; જોકે અસહકારની લડતનો પૂરો ખ્યાલ લોકોને ન હતો.એમને પોતે શું કરવાનું છે એનો પણ એમને ખ્યાલ ન હતો. એમને એક જ ખ્યાલ હતો, ને તે એ કે ગાંધીજી જે કંઈ કહે તેવું અચૂક થાય જ. આવી અખૂટ શ્રદ્ધા, ગાંધીજીને જેમણે જોયા ન હતા, સાંભળ્યા ન હતા, પણ જેમનાં કેટલાંક લખાણો વાંચ્યાં હતાં, તેવા અમારા જેવા વિદ્યાર્થીઓમાં હતી.

          આજે લગભગ છ દાયકા બાદ પણ એ ભવ્ય દૃશ્યને વર્ણવવા મારી પાસે શબ્દો નથી. પહાડ જેવા મૌલાના શૌકતઅલી અને મહમ્મદઅલીની વચમાં સળેકડા જેવા ગાંધીજીને જોવા એ એક અપૂર્વ અનુભવ હતો. અલીભાઈઓની લીલા ઝભ્ભા અને ચાંદતારા અંકિત ઊંચી ટોપી ભવ્ય દૃશ્ય સર્જતાં હતાં.

          ગાંધીજીનું ઉદ્ બોધન ખાસ કરીને વિદ્યાર્થીઓને અનુલક્ષીને હતું: એક વર્ષને માટે જો આખો દેશ અસહકાર કરે, શાળા-કૉલેજોનો વિદ્યાર્થીઓ બહિષ્કાર કરે, વકીલો કોર્ટનો, અધિકારીઓ સરકારી નોકરીનો બહિષ્કાર કરે, તો સ્વરાજ એક વર્ષમાં હસ્તામલકવત્ બને. ગાંધીજીની જાદુભરી વાણી મારા ચિત્તતંત્રને કોઈ નવા પ્રકાશથી ભરી ગઈ. મૅટ્રિકની પરીક્ષામાં પહેલા દસમાં સ્થાન મેળવી જગન્નાથ સ્કૉલર બનવાની મહત્ત્વાકાંક્ષા સાથે હું ભરૂચ આવ્યો હતો. સિદ્ધિઓનાં તે રંગીન સ્વપ્નાં, કાશીબા ને નાનાં ભાઈ-બહેનો માટેની ચિંતા – એ બધું જાણે કે મનમાંથી સરી પડ્યું, શેષ રહી માત્ર એક જ ઝંખના—શાળા છોડી દઈ મુક્તિસંગ્રામમાં સ્વયંસેવક બનવાની અને તે માટેની પાત્રતા પામવાની.

          એ માટે સૌથી પહેલું કામ તો શાળા છોડવાનું હતું. એ મારે માટે કેટલું બધું મુશ્કેલ હતું એનો વિચાર કરવામાં પણ જાણે બલિદાન માટેની પાત્રતા ઝંખવાતી હોય એવી મારા મનની સ્થિતિ બની. હું કઈ રીતે કાશીબાની પાસે જાઉં, કઈ રીતે એમની પાસે રજા માગું? એ તો રાહ જોતાં હતાં કે ક્યારે એમનો બોજ હું હળવો કરું. પણ જે પ્રચંડ આહ્ વાન હતું એની આગળ આ બધી વસ્તુ આંગળી જતી લાગી.

          મેં અસહકારમાં ઝંપલાવ્યું અને જોતજોતામાં ભરૂચમાં એ લડતના એક વિદ્યાર્થીનેતા તરીકેનું મને સ્થાન મળી ગયું. બટુકનાથ વ્યાયામશાળાના મેદાનમાં એક સભામાં મને ભાષણ લરવાની તક મળી. એ વખતે મારી સમજ પ્રમાણે વાણીની છટા સાથે ઉગ્ર તથા ઝનૂનભર્યાં વિધાનો મેં કર્યાં અને ઉપરાઉપરી પડતી તાળીઓથી હું જાણે કે સાતમા આસમાને ચડ્યો.આ ઘેન ઘણું ભારે હતું, અને હું વ્યાખ્યાન કરવાની તકો શોધવા માંડ્યો.

          મારી શાળા હજુ અસહકારમાં ભળી નહોતી. એ વખતે શાળાઓને સરકારી અંકુશમાંથી મુક્ત કરાવવા માટે પિકેટિંગ કરવાનો પવન શરૂ થઈ ગયો હતો. એ પવન અમારે ત્યાં પણ જોરથી ઊઠ્યો; અને મારી શાળા ઉપર પિકેટિંગ કરવા માટેનાં ટોળામાં હું ફંગોળાયો. છોટુભાઈ મારી પાસે આવ્યા. તેમણે કહ્યું, “આપણે પોતાને જે ઠીક લાગે તે કરવા સ્વતંત્ર છીએ, પરંતુ બીજાના ઉપર આપણા વિચારો બળજબરીથી લાદવા એ શું બરોબર છે? આપણે આપણી શાળાને પણ અસહકારમાં લઈ જવી છે, પણ એને માટે બધાની સંમતિ જોઈએ, એમાં કદાચ થોડો સમય પણ જાય.” એ વખતની એમની બધી વાતો તો મને યાદ નથી, પણ એમના ગૌરવભર્યા વ્યક્તિત્વ આગળ હું અત્યંત શરમિંદો બની ગયો. મને થયું કે હું જે કંઈ કરી રહ્યો હતો, તેમાં અવિનયની પરિસીમા હતી. તેમાંથી પાછા વળવાનું મેં વિચાર્યું, પણ મારા સાથીઓએ મને પડકાર્યો. શાળાનાં પગથિયાં આગળ સૂઈ જવાની મને તેઓ ફરજ પાડવા માંડ્યા. એને તો હું વશ ન થયો, પણ ટોળાની બહાર પણ ન જઈ શક્યો.

          લડતના કામમાં જોડાયા પછી મારે સુરત જવાનું થયું. એ વખતે સુરતમાં પાટીદાર આશ્રમ અને અનાવિલ આશ્રમ તો જાણે યુદ્ધનાં મોટાં કેન્દ્રો બની ગયાં હતાં. એકમાં સેનાપતિ તરીકે કલ્યાણજીભાઈ, બીજામાં હતા દયાળજીભાઈ. હું અનાવિલ આશ્રમમાં ગયો. આખું વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયેલું હતું.

          સુરત એ વખતે દલુ-કલુની જોડીથી ગાજતું હતું. દલુ એટલે શ્રીદયાળજીભાઈ દેસાઈ અને કલુ એટલે શ્રીકલ્યાણજીભાઈ મહેતા. જીવનમાં ઘણાં શક્તિશાળી સ્ત્રી-પુરુષોનો પરિચય મેળવવાનું સદ્ ભાગ્ય મને મળ્યું છે. સમર્થ અધ્યાપકોને ચરણે બેસી જ્ઞાનામૃતનું પાન કર્યું છે. ગૂજરાત વિદ્યાપીઠ, મુંબઈ યુનિવર્સિટી આદિ યુનિવર્સિટીઓનાં અધિકાર મંડલોમાં તથા આંતરરાષ્ટ્રીય કક્ષાની અનેક પરિષદોમાં પણ ભાગ લેવાનું અને એ નિમિત્તે ઘણી તેજસ્વી વ્યક્તિઓના સમાગમમાં આવવાનું સદ ભાગ્ય સાંપડ્યું છે . પણ દલુ-કલુની મારા મન પર જે છાપ રહી છે, અને એનું સ્મરણ કરતાં મારું મન જે આનંદથી પુલકિત થઈ ઊઠે છે, જે ઊંડી ઉષ્મા અનુભવે છે, તેવું આચાર્ય કૃપાલાનીજી કે ગિદવાણીજી જેવી વિરલ વ્યક્તિઓ બાદ કરતાં આંગળીને વેઢે ગણી શકાય તેવી પરિમિત વ્તક્તિઓ માટે જ મેં અનુભવ્યું હશે. દક્ષિણ ગુજરાતની ગભરુ, નિખાલસ ને બાળક જેવી સરળ આમજનતામાંથી આવેલા આ બંને ધરતીજાયા એ પ્રદેશના ઉત્તમ પ્રતિનિધિઓ જેવા હતા. ફળદ્રુપ એવા એ પ્રદેશમાં નદી, નાળાં, ઝરણાં અને તળાવોની મનોરમ ફૂલગૂંથણીથી ભરેલી એની હરિયાળી વાડીઓ જે માનવીઓના અખૂટ પરિશ્રમ અને તપથી પલ્લવિત બનતી રહી છે, તે ખેડૂતોના એ વારસ હતા. દયાળજીભાઈ જ્ઞાતિએ અનાવિલ બ્રાહ્મણ, અને કલ્યાણજીભાઈ પાટીદાર. બેમાંથી એકેયે યુનિવર્સિટીનુ6 પ્રવેશ્દ્વાર દીઠેલું નહીં. પરંતુ એમની ચોમેરની અનેક યુગોના અનુભવોથી ભરેલી પ્રકૃતિએ એમને નિતપાંગરતા ને નિત તાજા રાખ્યા હતા, અને બેઉ આપણા ઉચ્ચ કોટિના કર્મનિષ્ઠ આજીવન સારસ્વત બન્યા. દયાળજીભાઈએ પોતાની કોમના વિદ્યાર્થીઓ માટે સુરતમાં અનાવિલ આશ્રમની સ્થાપના કરી, અને કલ્યાણજીભાઈએ પણ બાજુમાં જ એમની કોમના બાળકો માટે પાટીદાર આશ્રમ સ્થાપ્યો. આ બંને આશ્રમો સહોદરની જેમ વિકસ્યા અને બંનેની ક્ષિતિજો પણ વિસ્તીર્ણ બનતી ગઈ. વખત જતાં નાતજાતનાં બંધન વિના એમાં સૌ કોઈને પ્રવેશ મળે તેવી પરિસ્થિતિ પણ સર્જાઈ અને એમણે રાષ્ટ્રીય સંસ્થાનું બિરુદ પ્રાપ્ત કર્યું.

               આ બે સંસ્થાઓનો હું જ્યારે વિચાર કરુ6 છું ત્યારે એ વખતના ગુજરાતમાં જે નવી સાંસ્કૃતિક ચેતના ઉદય પામી રહી હતી તેનું પ્રેરક દૃશ્ય નજર સમક્ષ રમી રહે છે. એ જ અરસામાં ચરોતરમાં શ્રીમોતીભાઈ અમીન અને સૌરાષ્ટ્રમાં શ્રીનાનાભાઈ ભટ્ટ જેવા જીવનવીરોએ જ્ઞાનની નવી રોશનીઓ પ્રગટાવી હતી અને ગુજરાત એના વિવિધ ભાગોમાં પ્રગટેલી આ નાની નાની ઘીની દીવડીઓના મઘમઘાટભર્યા પ્રકાશથી દીપી રહ્યું હતું.

          કલ્યાણજીભાઈની એ સ્મયની એક કવિતા લાખો લોકોની જીભને ટેરવે રમતી થઈ ગઈ હતી:

          દીવાલો દુર્ગની ફાટે, તમારા કેદખાનાની

          તૂટે જંજીર લોખંડી, તમારી આત્મશ્રદ્ધા તો.

          એમને નિકટથી જોવાની અને એમની વાણીમાંથી પ્રેરણા મેળવવાની મને તક મળી.

          દયાળજીભાઈ સાથે જે થોડો સમય ગાળ્યો તેમાં એમના વ્યક્તિત્વથી હું અત્યંત પ્રભાવિત થયો અને એમઈ પાસેથી ઘણું શીખ્યો. જ્યારે જ્યારે એમનું સ્મરણ થાય છે ત્યારે ત્યારે સ્વામી વિવેકાનંદ યાદ આવે છે. સ્વામીજીની અને એમની મુખમુદ્રા લગભગ એકસરખી, મુંડન કરેલું તેજસ્વી માથું, શરીર ઘાટીલું ભરાવદાર અને ગોલમટોળ. પહેરવેશ સાદગીના ઉત્તમ નમૂના જેવો: અર્ધે બાંયનું બદન અને ટૂંકી ચડ્ડી. જેવો એમનો પહેરવેશ, તેવું જ સાદું એમનું જીવન ને વર્તન. અવાજ ભવ્ય અને બુલંદ. એ વખતે લાઉડસ્પીકરોન હતાં, છતા|ં તાપીના ડક્કા ઓવરા ઉપરની એમની વાણીના સામે કાંઠે પણ પડઘા પડતા હોવાનું એમના અવાજ અંગે કહેવાતું. આમ તો એક છાત્રાલયના ગૃહપતિ તરીકેની જ એમની કારકિર્દી. પણ એમના શીલ અને એમની પ્રતિભાની આખા દક્ષિણ ગુજરાતની સમગ્ર આમજનતા ઉપર બહુ ઊંડી ચાપ.

                    વિનીત થયો

          અસહકારની શરૂઆતના એ દિવસો યાદ કરતાં, જેમ કોઈ ઊંચા ગિરિશિખર પરથી ધરતીના જુદા જુદા ભૂમિખંડો એકબીજામાં ગૂંથાઈ ગયેલા દેખાય, તેમ વિગતો જાણે કે પૂર્વાપર સંબંધ ઓગાળી નાખી એકબીજામાં ઓતપ્રોત થયેલી મનમાં ઊભરાય છે. શાળા –મહાશાળાઓના બહિષ્કારના આહ્વાનેઅનેક વિભૂતિઓને નેતૃત્વનો બોજ આપી દેશ સમક્ષ ધરી દીધી. કલુ-દલુ જો આપણા ઘરાઅંગણાના ચેતનફુવારા હતા, તો ગુજરાતની ધરતીને નવપલ્લ્વિત કરતા અનેક ભવ્ય સ્ત્રોતો દેશના જુદા જુદા ભાગમાંથી આપણે ત્યાં વહેતા થયા હતા.

          અખૂટ ચેતના ને પ્રેરણાના એવા એક ભાવનાસભર સ્ત્રોત હતા આચાર્ય ગિદવાણી. આ જીવનયાત્રામાં મારા પર એમનું કેવું ભારે ઋણ છે, તેનો અંદાજ કાઢવાનું મારી શક્તિ બહાર છે. એમને પહેલવહેલા મેં ક્યાં સાંભળ્યા તે યાદ નથી, એમને એ વખતની જાહેર સભાઓમાં કેટલી વાર સાંભળ્યા તેનો પણ કશો હિસાબ આપી શકાય એમ નથી. પણ આજે જ્યારે એ વખતની સ્મૃતિઓ તાજી થાયછે ત્યારે પ્રાચીન રોમની સેનેટનો કોઈ પ્રતિભાવંત સેનેટર આપણે ત્યાં ઊતરી આવ્યો હોય એવી, શ્વેત ખાદીના ઝભ્ભા ઉપર જનોઈઢબે શાલ વેષ્ટિત એક ભવ્ય આકૃતિ અડધી સદીના કાળના પડદાને હટાવી દૃષ્ટિગોચર થાય છે. એમના મુગ્ધ શ્રોતા અમે સૌ કિશોર ને તરુણો એમની વાક્ છટા ને ભાષાવૈભવના રસિયા હતા.

          ગિદવાણીજીની વાણીનું વશીકરણ કેવું ભારે હતું, એ શબ્દોથી ભાગ્યે જ દાખવી શકાશે. કોઈ પ્રચંડ ધોધ પડતો હોય એવી અસ્ખલિત એમની વાણી સાંભળતાં અમે એમને શબ્દે શબ્દે જાત ને ભૂલી એ જેમ દોરે તેમ જાણે કે દોરવાયે જતા: “ભારતમાતા પરાધીનતાની બેડીમાં છે ત્યારે ક્યાં સુધી એ બેડીઓને આલિંગતા તમે આ સંસ્થાઓને વળગી રહેશો? ક્યાં સુધી ઝેરી સર્પોની જેમ તમારાં મન અને આત્માને દૂષિત કરતાં વિદેશી વસ્ત્રો, પેન, ઘડિયાળ આદિને તમારા અંગ પર રાખવાની ક્ષુદ્રતા ને હીણપત તમે વેઠશો? …. ”એમનાં આ વાક્યો પૂરાં થાય ન થાય ત્યાં તો ઈન્ટર આર્ટ્સની પરીક્ષા માટે તૈયારી કરતા મારા એક મિત્રે થોડા જ દિવસ પર ખરીદેલી દોઢસો રૂપિયાની, તે જમાનામાં ખૂબ કીમતી લેખાય એવી, કાંડાઘડિયાળ જમીન પર ફગાવી દીધી! ગજબનં હતું એ વશીકરણ. સુન્દરમ્ નેસત્યાગ્રહની લડત વખતે ‘સાફલ્યટાણું’

કાવ્યમાં લાધેલું દર્શન રોજ રોજ નજર આગળ અ ભજવાતું અમે જોતા, અને એના વધતા જતા અદમ્ય નશામાં અમે એકબીજા સાથે ત્યાગની હોડમાં ઊતરતા.

          એમનું નામ સૂચવે છે તેમ ગિદવાણીજી મૂળે સિન્ધી.અસહકાર વખતે દિલ્હીની રામજસ કૉલેજના આચાર્યપદે એ હતા. શાળા-કૉલેજના બહિષ્કારની હાકલના જવાબમાં આચાર્યપદનો ત્યાગ કરી પોતાની જાત તેમણે ગાંધીજીને ચરણે ધરી દીધી હતી, ને ગાંધીજીએ તેમને ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયકપદની જવાબદારી સોંપી હતી. એમની આયોજનશક્તિ ને સર્જક પ્રતિભા કેવી અમોઘ હતી તે પ્રચંડ ઝંઝાવાતમાં પણ એની અપૂર્વશ્રી સાથે દૃષ્ટિગોચર થવા લાગ્યું.ગુજરાત મહાવિદ્યાલયનું ગ્રંથાલય એનું એક ઉત્તમ પ્રતીક બન્યું.

          એ ગ્રંથાલય જ્યારે જોવાનું સદ્ ભાગ્ય મને પ્રાપ્ત થયું ત્યારે કોઈ અપૂર્વ સંવેદના મેં અનુભવી. શક, હૂણ આદિ વિદેશીઓનાં આક્રમણોને ખાળતા પ્રચંડ ધનુષટંકારોથી પોતાની ચોમેરની સીમાઓ જ્યારે ગાજી રહી હતી, ત્યારે એ ધનુષટંકારથી પોતાના મનની સ્વસ્થતાને વિચલિત થવા દીધા વિના રઘુકુળના દિગ્વિજયને અમર કવિતામાં ઉતારતા કાલિદાસની સારસ્વત ચેતના જાણે ત્યાં ચોમેરના સ્વાધીનતા માટેના તુમુલ ઝંઝાવાતોમાં નવપલ્લ્વિત થતી સુષમાભરી વિલસી રહી હતી. ગિદવાણીજીના જ્ઞાનનું ફલક કેવું વિશાળ હતું એનો જોતાંવેંત જ ખ્યાલ આવે એવો વૈભવવંતો એ ગ્રંથભંડાર એટલા તૂંકા સમયમાં એ કેવી રીતે એકઠો કરી શક્યા હશે એ નવાઈ પમાડે એવું હતું. ત્યાં અભ્યાસમાં નિમગ્ન વિદ્યાર્થીઓને પંડિતોને જોયા, એ કોઈ તીર્થભૂમિમાં આવેલા મંદિરની શાંતિ ને શુચિતામાં પ્રવેશ્યા જેવી અનુભૂતિ હતી.

          અને જો વિદ્યાપીઠના ગ્રંથાલયમાં આપણને જ્ઞાનોપાસના માટેના ગિદવાણીજીના યોગનું આ દર્શન લાધતું હતું, તો વિદ્યાપીઠના મકાનથી થોડે દૂર કોચરબ આશ્રમ પાસે ગિદવાણીજીએ સ્થાપેલા સ્વરાજ આશ્રમમાં એમના યોગનું બીજું એવું પ્રાણવાન પાસું જોવા મળતું હતું. સ્વરાજ માટે ગાંધીજીની અધીરાઈને સીમા ન હતી. એક વર્ષમાં દેશને સ્વરાજ મેળવી આપવાનો એમણે કોલ આપ્યો હતો. ‘એક વર્ષમાં સ્વરાજ’ શબ્દપ્રયોગે જાણે કે એક પ્રકારની મંત્રશક્તિ મેળવી લીધી હતી. આ ભવ્ય રાષ્ટ્ર્યજ્ઞમાં આપણે રખે રહી જઈએ, એ ઝંખના આબાલવૃદ્ધ લાખો ને કરોડો લોકોના હૈયામાં થનગની ઊઠી હતી. એક કરોડનો ટિળક ફાળો, કૉંગ્રેસના કરોડ સભ્યો ને વીસ લાખ રેંટિયાના ગુંજારવથી દેશને ભરી દેવાના કાર્યક્રમને પાર પાડવા અસંખ્ય જણે પોતપોતાની શક્તિ અને રૂચિ અનુસાર ઝંપલાવ્યું હતું. શાળા-પાઠશાળા છોડી આવેલા વિદ્યાર્થીઓને પોતાનો અભ્યાસ ચાલુ રાખવાની સગવડ વિદ્યાપીઠોની સ્થાપના કરી ગાંધીજીએ ઊભી કરી આપી. પણ તેમના લોભને થોભ ન હતો. સ્વરાજ તેમને મન સૂતરના તાંતણામાં દેખાતું થયું હતું. ઘેરઘેર રેંટિયા ગુંજતા થઈ જાય તો જોતજોતામાં અંગ્રેજોને અહીંથી ઉચાળા ભરી જતા રહેવું પડે, એવું ચિત્ર તેમનાં વ્યખ્યાનોમાં તે દોરતા. એટલે ગાંધીજીએ યુદ્ધસમયના વિદ્યાર્થીધર્મની વાત શરૂ કરી. યુદ્ધમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પુસ્તકોને અભરાઈએ ચડાવી, શસ્ત્ર સજી રણભૂમિ પર ધસી જતા હોય છે. રવિબાબુ

સાથે એમને એ અરસામાં જે સંવાદ થયો તેમાં પણ, ઘર જ્યારે ભડકે બળતું હોય ત્યારે વીણાને બાજુએ મૂકી દઈ પાણીની ડોલ ભરી આગ ઠારવા દોડી જવાના કવિધર્મની વાત તેમણે કહી. ગિદવાણીજીએ ગાંધીજીની વાતનો આ તંતુ પકડી લઈ, શાળા-પાઠશાળા છોડી આવેલા વિદ્યાર્થીઓ પૈકી જેઓ આખો વખતના રચનાત્મક કાર્યક્રમમાં જોડાઈ જઈ સ્વાધીનતાના સૈનિક થવા માગતા હોય તેમને માટે સ્વરાજ આશ્રમની સ્થાપના કરી. સ્વરાજ અશ્રમમાં એક જ કાર્યક્રમ હતો—કાંતવાનો ને કાંતણ શીખવવાનો, ને એ રીતે તૈયાર થયેલા વિદ્યાર્થીઓને ગામડાંમાં મોકલવાનો. એ વખતે કાંતવાની પ્રવૃત્તિએ આશ્ચર્યજનક આકર્ષણ જમાવ્યું હતું. એમાં જ જાણે મુક્તિની અમોઘ શક્તિ હોય એવી પ્રાણવાન હવા એણે ઊભી કરી હતી.

          સ્વરાજ આશ્રમમાં અલ્પ સમય મારે રહેવાનું થયું. ત્યાંના વિચાર, વર્તન ને વાણીમાં અદમ્ય ઉત્સાહ, ભાવનાશીલતા અને ત્યાગની ભાવના હતી. રાત્રે ગીતો, લોકનૃત્યો, જુદા જુદા દેશોની સ્વાધીનતાની લડતની વાતો, આપણે ત્યાંના ક્રાંતિકારીઓના જીવનની રોમાંચક કહાણીઓ વગેરેથી મન ભર્યું ભર્યું બની જતું. અહિંસક યુદ્ધના સૈનિકોમાટેનો એ એક પ્રકારનો તાલીમશિબિર હતો, ને ત્યાંથી તૈયાર થઈ વિદ્યાર્થીઓ ગામડે પ્રચાર અર્થે જતા અથવા નવી સ્થપાતી રાષ્ટ્રીય શાળાઓમાં અધ્યાપન માટે જતા.

          સ્વરાજ આશ્રમમાં જઈ આવ્યા પછી ભરૂચમાં વિદ્યાર્થી નેતા તરીકેનો મારો દરજ્જો વધ્યો. સ્વરાજનો સંદેશો ઘેરઘેર પહોંચાડવાની કીમતી કામગીરી મને સોંપાઈ. ખભે બગલથેલો નાખી, મને સોંપવામાં આવેલાં ગામોની યાદી ગજવામાં રાખી, પગપાળો હું નીકળી પડ્યો. જ્યાં જ્યાં જવાનું થયું ત્યાં બધે ભાવભર્યો આવકાર હતો. એમાં સદ્ ભાગ્યે મને એક સમર્થ મુરબ્બીનો એક-બે ગામ પૂરતો સાથ મળી ગયો. એ હતા ઇન્દુલાલ યાજ્ઞિક—ઇન્દુચાચા. ગિદવાણીજીની પ્રતિભાથી જેમ હું અંજાયો હતો, તેમ જ એમના વ્યક્તિત્વથી પણ પ્રભાવિત થયો. ઊંચી તેજસ્વી કાયા, મેઘાવી ચમકવાળી ને સ્નેહનીતરતી ભાવનાશાળી આંખો, સાંભળતાં કદી ધરાઈએ નહીં એવી અમૃત જેવી મીઠી ને વીજળી જેવી ધારદાર ઉદ્ બોધક વાણી, અને એમાં રહેલી હ્રદયંગમ નાગરિકતા—એ બધાંની મારા મન પર ઊંડી છાપ રહી છે.

          ગામડામાં ફરવાનું મળ્યું તે એક પ્રકારની ઘનિષ્ઠ તાલીમ જેવું હતું. એમાં સાચું દેશદર્શન હતું. આપણા લોકોનાં સુખદુ:ખ સાથે તાદામ્ય સાધવાની ને તેમને ઓળખવાની એમાં વિપુલ તકો હતી. લગભગ બધાં જ ગામે પગપાળા જવાનું થતું. લોકો સવારીગાડી, ગાડું, ડમણિયું વગેરે આગ્રહ કરીને આપતા, પણ કોઈને ઓજારૂપ ન થવાની સ્વયંસેવકોમાં સાર્વત્રિક બનેલી લાગણી હંમેશ એ આગ્રહ સામે વિજયી બનતી અને દેશદર્શન કરતા, એની વૈવિધ્યસભર ભૂરચના જોતા, લોકોના મનના વિવિધ સ્તરોમાં દૃષ્ટિ કરતા અમે એક ગામથી બીજે જતા.

               ‘ઋષિઓના વંશજ’

          અસહકારે દેશમાં જે નવી હવા ઊભી કરી એનું સંપૂર્ણ ચિત્ર આપવું અશક્ય છે.એ વખતે સાપ્તાહિક ‘નવજીવન’નો પ્રવાહ આખા દેશને માટે પ્રેરણાના પ્રચંડ નદ જેવો હતો. દર અઠવાડિયે એના આગમનની અમે આતુરતાથી રાહ જોતા, અને તેના દરેક અંકમાંથી કંઈક નવી પ્રેરણા, નવી દૃષ્ટિ, નવી ભાવના વગેરે મેળવતા. એ અરસામાં ‘નવજીવન’માં આવેલા સહી વિનાના એક લેખનું શીર્ષક મને યાદ આવે છે. એ હતું ‘ઋષિઓના વંશજ’. એ લેખમાં, સત્યાગ્રહ અશ્રમમાં એ વખતે જે નવું ભાવનાજગત સર્જાઈ રહ્યુ6 હતું. એ માટેનો મુગ્ધ અહોભાવ હતો. બહાર કામગીરી બજાવી ઘણે દિવસે પાછા વળતાં લેખકે આશ્રમમાં જાણે કે કોઈ નવી જ દુનિયા જોઈ. એ દુનિયા હતી આદર્શોની રંગબેરંગી ઝાંયવાળી, એમાં હતી નિર્મળ ચારિત્ર્ય માટેની સાત્ત્વિક સ્પર્ધા અને ત્યાગ માટેની ઊંડી તમન્ના. લેખકે આશ્રમમાં જેનું દર્શન કર્યું તે, નાખી નજર ન પહોંચે એવી અમારી તે દિવસોના આદર્શોની ક્ષિતિજો એમાં અમે લહેરાતી જોતા. આખો દેશ અને ખાસ કરીને એની કિશોર અને તરુણ દુનિયા અમને ઋષિઓના વંશજ જેવી લાગતી. જ્યાં નજર પડે ત્યાં આદર્શઘેલાં યુવક-યુવતીઓનાં મુખ ઉપર મુક્તિની ઝંખના અને એ માટેની સાધનાની દીપ્તિ નજરે પડતી. એ વખતે અસહકારના રંગે રંગાયેલી જે કોઈ વ્યક્તિને—કિશોરોથી માંડી યુદ્ધો સુધી—મળવાનું થતું, તે બધી જાણે ભાવનાના પ્રચંડ તરંગો પર ઝોલાં ખાતા દેવો જેવી લાગતી. એ પ્રત્યેકને ભારે મનોમંથન અને વેદનાઓના બોજને હસતે મુખે હળવા ફૂલની જેમ ઉપાડી, પોતે જ્યાં હોય ત્યાં પોતાનું શ્રેષ્ઠ અર્પતા જોવા અને એ બલિદાનની ધન્યતાથી પુલકિતતા અનુભવત જોવા, એ જીવનનો એક અણમોલ લહાવો હતો.

          1920-21ના અરસાના એ બધા દિવસો નવી નવી વ્યક્તિઓના પરિચયના, નવા ઉન્મેષોના ને નવી જ્ઞાનક્ષિતિજોના ઉઘાડના ને અદમ્ય ઉત્સાહના હતા. અનાવિલાઅશ્રમમાં ભાગ્યે જ કોઈ એવો દિવસ જતો જ્યારે કોઈ નવી વ્યક્તિનું દર્શન થતું નહિ. એ વ્યક્તિઓ અસહકારની મોહિનીથી દૂર દૂરથી આકર્ષાતી અહીં એકઠી થતી. એ સૌ પોતપોતાની સાથે પોતાની દુનિયાનું આગવું વતાવરણ લઈને આવતા, ને એ વાતાવરણમાં ડોકિયું કરવાનો ને એમાં ગરક થઈ જવાનો અમને લહાવો આપતા.

 

          અસહકારના પાયામાં પ્રેમ અને અહિંસા રહેલાં છે. એ વાત શરૂશરૂમાં એટલી સ્પષ્ટ ન હતી. ત્યારે તો સરકારને સાથ આપવો બંધ કરી તેનું કામ થંભાવી દઈ તંગ કરી, સ્વરાજ આપવાની તેને ફરજ પાડવા પૂરતી જ સામાન્ય સમજ હતી. પરંતુ મને, ખબર નથી કેવી રીતે, પહેલેથી જ લાગેલું કે આ લડત અનોખી છે, એની પાછળ પ્રેમનું બળ છે. અસહકારના રંગે રંગાયા પછી એ ભાવના મારા મનમાં વધુ સુરેખ રીતે આકાર લેતી બની, ને સરકારને સાથ આપતા હિંદીઓ માટે જે રોષની લાગણી થતી તેનો સામનો કરી એ સૌના હ્રદયપલટા માટે આપણે મોટાં બલિદાન આપવાં જોઈએ એવું હું માનતો થયો. આથી લડતનો રંગ જ્યારે પૂરેપોરો જામ્યો ને સરકારી નોકરોના ઘૃણાજનક બહિષ્કારની હિલચાલ ઊપડી ત્યારે હું ઘણો વ્યથિત રહેતો. મારી એ વ્યથાને 1932ની સાલમાં સાબરમતી જેલમાં લખાયેલી મારી નવલિકા ‘બાબાજાન’માં અસંદિગ્ધરીતે—તે વખતે એમ કરવામાં રહેલા જોખમનો મને ખ્યાલ હોવા છતાં—મેં વ્યક્ત કરેલી છે.

          અસહકારની લડત જેમ જેમ વેગ પકડતી ગઈ તેમ તેમ એના વિરોદીઓ પ્રત્યેનો અસહિષ્ણુતાનો પારો પણ ઊંચે ચડતો ગયો. નેતાઓનાં ભાષણોમાં પણ ઘણું ઝનૂન પ્રવેશતું. લાલા લજપતરાયે તો ‘જે અમારી સાથે નથી તે અમારી સામે છે’એવું સૂત્ર આપ્યું, ને અમે અમારાં વ્યાખ્યાનોમાં એને વેદવાક્યની જેમ ટાંકી એના પરના ભાષ્યમાં વાણીને અંકુશવિહોણી બનાવી દેતા. આપણા દેશમાં અનેક વાર સામાજિક અત્યાચારોમાં પરિણમેલું ન્યાતબહાર મૂકવાનુ6 શસ્ત્ર પણ અવારનવાર વપરાવા લગ્યું ને કેટલીક વાર તે ઘોર હિંસામાં પણ સરી પડતું. ચૌરાચૌરીમાં એણે એનું અતિ વરવું સ્વરૂપ દાખવ્યું. આમ, અસહકારનો અખતરો ઘણો મુશ્કેલ હતો. માણસના સ્વભાવગત રાગ-દ્વેષ પર વિજય મેળવી માનવતાનો, પ્રેમનો ને અહિંસાનો મહિમા માનવહ્રદયમાં વધારવાનો હતો—અને એ કાર્ય ગાંધીજીએ અમારા જેવાં અસંખ્ય અપૂર્ણ કે પાંગળાં સાધનો દ્વારા સાધવાનું હતું !

          હું તો એ વખતે વિદ્યાર્થી હતો એટલે કાચી ઉંમરનો લેખાઉં; પણ આ ઘટનાઓએ મારા મનને ખળભળાવી મૂક્યું. હિંસક સંગ્રામમાં સિપાઈઓને ચર્ચા કરવાપણું હોતું નથી, તેમ અહિંસક લડતમાં પણ એની કોઈક શિસ્ત હોવી જોઈએ એવુ6 અમને જણાવાતું, ને સાધનો અંગેની વ્યર્થ ચિંતામાં ન પડવાની શિખામણ અપાતી. અસહકારના કાર્યક્રમને જે અસાધારણ સફળતા મળી રહી હતી, જે પ્રચંડ લોક-જાગૃતિ થઈ હતી, તે ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અમારે તો અમારી ફરજ બજાવ્યે જવી, ને લડતમાં જે કંઈ આડુંઅવળું નજરે પડે તે સુધારી લેવા જેવી શક્તિવાળા નેતાઓ આપણી પાસે છે તેથી નિશ્ચિત રહી વ્યર્થ ચર્ચામાં સમય બરબાદ ન કરવાનો અમને જાણે કે આદેશ અપાતો.

          લોકોના મોહ ને પ્રેમને રચનાત્મક માર્ગે વાળવાનું ગાંધીજી માટે મુશ્કેલ ન હતું. પણ એમની મોટી મુશ્કેલી તો આ દેશના અનેક સારાનરસા વરસાવાળી વિરાટ જનતામાં નૈતિક મૂલ્યો માટેની ભૂમિકા સર્જવાની હતી. ગાંધીજી કરતાં સહેજ પન ઓછી શક્તિવાળી વ્યક્તિ આવા વિષમ સંજોગોમાં ભાંગી પડ્યા વિના ભાગ્યે જ રહી શકી હોત. પોતાને એક અમોઘ શસ્ત્ર લાધ્યું હતું; પણ જેમના હાથમાં એ મુકાય તે હાથમાં એ માટેની પાત્રતા ઓછી હતી એ, જગતના અન્ય મહાન પયગમ્બરોની જેમ, ગાંધીજીના જીવનની મોટી કરુણતા હતી.

 

                    વિદ્યાપીઠ અને આશ્રમ

           અમારું ગુજરાત મહાવિદ્યાલય સાબરમતી નદીના એલિસબ્રિજ બાજુના તટ ઉપર હાલ જ્યાં જવાહર પુલ છે તેની નજીક આવેલા આગાખાનના બંગલામાં હતું. હું વિદ્યાલયમાં પ્રવેશ્યો તે વખતે આચાર્ય ગિદવાણીને સ્થાને આવેલા આચાર્ય કૃપાલાનીજીનું વ્યક્તિત્વ અમને સૌને પ્રભાવિત કરતું હતું.એમના ફરફરતા છૂટા વાળ, આકર્ષક મુખમુદ્રા, બેસવાની એમની ઢબછબ, વાક્ છટા—એ બધામાં અમને નખશિખ જીવનના કોઈ કલાધરનાં દર્શન થતાં. મારા જીવન ઉપર જે અનેક વ્યક્તિઓનું ઋષિઋણ છે, તેમાં આચાર્ય કૃપાલાનીને હું મોખરાના સ્થાને ગણું છું. એ વખતે મહાવિદ્યાલયમાં જે જુદા જુદા વિષયોની તાલીમ અપાતી હતી તેમાં ગુજરાતી, હિંદી, સંસ્કૃત, અંગ્રેજી, બંગાળી આદિ ભાષા પૈકી વિદ્યાર્થી ગને તે એક લઈ શકતા. એ જ પ્રમાણે રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ઇતિહાસ અને સમાજશાસ્ત્રની સગવડ હતી. વાણિજ્ય, તત્ત્વજ્ઞાન અને ગણિતના વિષય પણ હતા.

           અમારા વર્ગો પ્રમાણમાં નાના હતા. એના પરિણામે અધ્યાપકો અને વિદ્યાર્થીઓ વચ્ચે આદાનપ્રદાનની ઘણી અનુકૂળતા રહેતી. બહાર જ્યારે રાજકીય ઝંઝાવાતો ફૂંકાતા હતા ત્યારે અમારા અભ્યાસ-ખંડોમાં એ અમને ક્યાંય સ્પર્શતા ન હોય એમ અમે વિદ્યોપાસનામાં ગરક રહેતા.

           વિદ્યાલયના એ વખતના વાતાવરણને શબ્દો દ્વારા જીવંત કરવાનું મુશ્કેલ છે. એમાં જે ચેતન ધબકતું હતું તે અનુભવગમ્ય હતું. ભાષા એને માટે ઊણી પડે.

           ગુજરાત મહાવિદ્યાલયમાં વહેતી ભાવનાની ગંગોત્રીનું મૂળ વિદ્યાલયથી થોડે દૂર આવેલા સત્યાગ્રહ આશ્રમમાં હતું. ત્યાં હતા ગાંધીજી. આ વખતે તો તે જેલમાં હતા, પરંતુ એમની આશ્રમમાંની અનુપસ્થિતિમાં પણ જાણે કે તે સતત ત્યાં જ હોય તેમ અમારી મીટ તેની પર મંડાયેલી રહેતી. અસહકાર કર્યા પછી એમાં એકાદ માસ રહેવાની મને તક મળી હતી.

           એ વખતે આશ્રમ આપણા ઘણા તેજસ્વી પુરુષોની પ્રવૃત્તિઓ અને પ્રતિભાથી સભર હતો. ત્યાં હતા ગાંધીજીના જમણા હાથ જેવા અને આશ્રમના આત્મારૂપ ગાંધીજીના ભત્રીજા મગનલાલ ગાંધી. એ કેવા મોટા ગજાના હતા, તે એમના અકાળ અવસાન વખતે ગાંધીજીએ જે વેદનાભર્યા ઉદ્ ગાર કાઢ્યા હતા તેમાંથી સહેજ સમજાશે. એ વખતે ગાંધીજીએ લખ્યું હતું કે, “ભગવાનમાં મારી અટલ શ્રદ્ધા ન હોત તો હું ઘેલાં કાઢતો પાગલ બની જાત.” “વિધવા બનેલી એની પત્ની કરતાં હું વધુ વિધુર બન્યો છું.”મૃત્યુને જીવનની એક સ્વાભાવિક સ્થિતિ તરીકે લેખનાર, સ્થિતપ્રજ્ઞ સ્થિતિએ પહોંચેલા ગાંધી આવા ઊર્મિવશ બની જાય, તે મગનલાલ ગાંધીની પ્રતિભા કેટલી મોટી હશે તેનો કંઈક ખ્યાલ આવે તે માટે પૂરતું છે.

           એ જ પ્રમાણે એ વખતે ત્યાં હતા ગાંધીજીના વહાલાસોયા પુત્ર જેવા મહાદેવભાઈ દેસાઈ. ગાંધીજીની વિરાટ પ્રતિભાના પાયામાં દટાઈ જશે એ પ્રતિભાને વિશ્વવ્યાપી બનાવવામાં મહાદેવભાઈનો ફાળો કેટલો હતો, એ તો કેવળ ગાંધીજી જ કહી શકે. પણ એ વખતના સમકાલીનો મહાદેવભાઈની ગાંધી-ભક્તિ અને એમની તેજસ્વી કલમથી ઘણા પ્રભાવિત હતા. એમનું વ્યક્તિત્વ પણ એવું જ આકર્ષક હતું . ગૌર વર્ણ, ધ્યાન ખેંચે એવી ઊંચાઈ, વિદ્યાની ચમકવાળી આંખ ને એવું બધું એમને જોતાંવેંત જ સૌના મનમાં રમી રહે એવું હતું.

           એ સાથે ત્યાં હતા કાકાસાહેબ કાલેલકર, માતૃભાષા મરાઠી હોવા છતાં થોડા જ વખતમાં ગુજરાતીમાં સિદ્ધહસ્ત બની ‘સવાયા ગુજરાતી’તરીકેનું બિરુદ પ્રાપ્ત કરી તેમણે ગાંધી તત્ત્વજ્ઞાનના એક સમર્થ ભાષ્યકાર તરીકે મોટી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. એવા જ હતા સામ્યયોગી વિનોબા ભાવે. આ બધું કાંઈક વિગતે હું એથી નોંધું છુંકે આશ્રમના આકાશમાં કેટલાં બધાં તેજસ્વી નક્ષત્રો ઝળહળતં હતાં એનો કંઈક ખ્યાલ આવે. એમાં રહેવાની અમને તક મળી, એ અમારું સદ્ ભાગ્ય ઈર્ષા કરાવે એવું હતું.

           પણ સદ્ ભાગ્ય એમ ને એમથોડું સાંપડે છે?બે-ત્રણ દિવસમાં જ મને લાગવા માંડ્યું કે આશ્રમની કડક શિસ્તનું પાલન કરવું ઘણું કપરું હતું. અમારા ચોવીસે કલાકનો હિસાબ અમારે આપવાનો હતો. એ બધો સમય અમારી પ્રવૃત્તિની ગતિ એક વર્ષમાં સ્વરાજ્ય સિદ્ધ કરવા માટેની જ દિશામાં અમારે રાખવાની હતી. આડી-અવળી ક્યાંય નજર નહીં કરવાની, અને નિયત કામ ચીવટથી કરવાની જવાબદારી સભાન રીતે અમારે સ્વીકારવાની હતી. પણ મેં જોયું કે અમે બધા જે કામ કરતા હતા તેમાં નિયમોનું કેટલું પાલન થાય છે, ક્યાં ક્યાં ક્ષતિ થવા પામે છે એની જાણે કે બધા એકબીજા ઉપર અમે ચોકી રાખતા ! આ પણ અસ્વસ્થ બનાવે એવું હતું.

જે થોડાક દિવસ મેં આશ્રમમાં ગાળ્યા હતા અને તેના વાતાવરણની મારા પર જે છાપ પડી હતી, તેનાથી મને લાગ્યું કે હું એની સાથે મેળ નહીં સાધી શકું. બહારથી લદાતી શિસ્ત મને હંમેશાં અળખામણી લાગે છે. આશ્રમમાં તો એની કડક આચારસંહિતા હતી. પરિણીત યુગલોને લેવાની બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા ઉપરાંત બીજા કેટલાક વિધિનિષેધો એવા હતા કે જેમાં સામાન્ય માણસોને આત્મપીડન જેવું લાગે. મેં અનુભવ્યું કે ઘણું દેખાદેખીથી થતું, મોટાઈ બતાવવા થતું, ગાંધીભક્તિમાં અમે સૌથી આગળ છીએ એવી છાપ ઉપસાવવા થતું. આને પરિણામે ગાંધીજીની બેસવાની ઢબછબથી માંડેને બોલવાની લઢણ વગેરેનું અનુકરણ કરવામાં જાણે કે હરીફાઈ થતી. ગાંધીજીએ જ્યારે વસ્ત્રો ત્યજી કેવળ કચ્છથી જ ચલાવવા માંડ્યું, ત્યારે એનું અનુકરણ કરનારની સંખ્યા ઠીક ઠીક વધી ગઈ. ગાંધીજીને માટે મને માત્ર આદર જ નહીં અખૂટ પ્રેમ હતો, છતાં આશ્રમની આચારસંહિયામાંની કેટલીક વિગતો માટે હું સમભાવ દાખવી શક્યો નહીં. એટલે મને લાગ્યું કે આશ્રમમાં મારી સ્થિતિ મજહબીઓની જમાતમાં કાફર જેવી હતી. આમ આશ્રમનો મારો નિવાસ અલ્પ સમયમાં જ પૂરો થયો, પન તેણે જીવનને વધુ સમજવાની મને જે સામગ્રી આપી તે ઘણી કીમતી હતી.

           વિદ્યાપીઠમાં મુક્ત વાતાવરણ હતું, પણ તે સાથે શિસ્તની પણ કાળજીથી જાળવણી થતી. ગાંધીજીએ અસહકારની લડતના એક ભાગ તરીકે શાળા—મહાશાળા છોડવાનો જે આદેશ આપ્યો હતો તેમાં સ્પષ્ટ કર્યું હતું કે, જો વિદ્યાર્થીઓએ પોતાની સરકારમાન્ય શાળાઓમાં ભણવાનું ચાલુ રાખવું હોય તો તેમનાથી શાળાની શિસ્તને હાનિ પહોંચે એ રીતે નહીં વર્તી શકાય, એટલે કે તેઓ હડતાળ નહીં પાડી શકે. કાયમ માટે એ સંસ્થા છોડવી હોય તો જ તેમણે એ છોડીને બહાર આવવું. વિશેષમાં ત્યારે એમણે એ પણ કહ્યું હતું કે, જે વિદ્યાર્થીઓ શાળા છોડી બહાર આવે તેમણે થોડો વખત ભણવાની સગવડ નહીં મળે તો તે માટેની માનસિક તૈયારી રાખવી જોઈએ. તેમને એવી સગવડ મળે તે માટે બનતા બધા જ પ્રયત્ન થશે, પર6તુ એવું કાંઈ ન થઈ શકે અને તેમને ભણવાને બદલે પથ્થર ફોડવા જેવું કામ કરવું પડે તો તે માટે પણ તૈયાર રહેવું જોઈએ. આ બધું આટલી વિગતે એથી હું ઓંધું છું કે ગાંધીજીના શિસ્ત અંગેના આ ખ્યાલ આજ તો બધા ક્યાંય ફંગોળાઈ ગયા છે, અને જે જોતાં ગાંધીજી અકળાઈ જાય એવી ગેરશિસ્ત આપણી શિક્ષણસંસ્થાના જાણે કે એક નિત્યના વ્યવહારરૂપ ગઈ છે.

              ‘સત્યાગ્રહ પત્રિકા’ના તંત્રીપદે’

           સુરતથી શ્રી જુગતરામ દવેના તંત્રીપદ હેઠળ એક દૈનિક ‘સત્યાગ્રહ પત્રિકા’ શરૂ થઈ હતી. તેની જવાબદારી સંભાળી લેવાનું મને સોંપાયું. મારે માથે ગાંધીજીની દાંડીયાત્રાના રોજબરોજના હેવાલ તૈયાર કરવાનું આવ્યું. એ નિમિત્તે ગાંધીજીની ટુકડી જ્યાં મુકામ કરે ત્યાં પહોંચી જઈ ત્યાંથી જરૂરી માહિતી ભેગી કરી ‘પત્રિકા’ની ઑફિસે પાછાઆવી,હેવાલ તૈયાર કરી હું છાપવા આપતો. દરરોજ એ હેવાલો પત્રિકામાં પ્રસિદ્ધ થતા.પત્રિકાએ ઘણું આકર્ષણ જમાવ્યું અને જોતજોતામાં એની રોજની છત્રીસ હજાર જેટલી નકલ લોકો પાસે જતી થઈ. ગાંધીજીએ છઠ્ઠી એપ્રિલે સવારે જ્યારે મીઠાના કાયદાનો ભંગ કર્યો ત્યારે ત્યાં હાજર રહેવાની તક મને મળી ન હતી. પરંતુ બપોરે હું જ્યારે એમના નિવાસે પહોંચ્યો ત્યારે એની ચારે બાજુ નજર કરતાં એક વિરલ દૃશ્ય જોવા મળ્યું. એક બાજુ અફાટ સાગર એનાં પ્રચંડ મોજાં સાથે ઊછળી રહ્યો હતો, તો બીજી બાજુ વિશાળ માનવમહેરામણ હેલે ચઢ્યો હતો.

ગાંધીજી મીઠાનો કાયદો તોડ્યો તેની સાથે, આખા દેશના દરિયાકિનારા ઉપર મીઠાના કાયદાનો ભંગ કરવાની પ્રવૃત્તિ વેગથી ઊપડી. ઠેરઠેર લાઠીમાર થયા. લોકોની ધરપકડ થઈ. સરકાર ગાંધીજીને છૂટા રાખતી હતી; પરંતુ જ્યારે સરકારનો દમનનો કોરડો બહેનો પર વીંઝાવા માંડ્યો, વીરમગામમાં બહેનો ઉપર પોલીસે ઘોડા દોડાવ્યાના સમાચાર ગાંધીજીને મળ્યા, ત્યારે તેમનો પુણ્યપ્રકોપ ભભૂકી ઊઠ્યો. તેમણે સરકારને આખરીનામું પાઠવ્યું કે તેઓ વલસાડ તાલુકામાં આવેલા ધરાસણા ગામના મીઠાના ડુંગરો પર ધાડ પાડી લૂંટ ચલાવશે. ગાંધીજી પોતાનો આ જલદ કાર્યક્રમ અમલમાં મૂકે એ પહેલાં સરકારે તેમને ગિરફતાર કર્યા.

           ધરાસણાના મીઠાના અગરોની લૂંટના કાર્યક્રમે જગતના ઇતિહાસનું એક અદ્ ભુત પ્રકરણ સરજ્યું. પોલીસના પડછાયાથી પણ ફફડી ઊઠતી ગુજરાતની ભોળી, ગભરુ ગ્રામજનતા સેંકડો નહીં, હજારોની સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાવા થનગની ઊઠે એ એક વિરલ ચમત્કાર હતો. ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી આ ધાડમાં જોડાવા સ્વયંસેવકોની ટુકડીઓનો ધસમસતો પ્રવાહ ધરાસણા તરફ આવવા માંડ્યો.

                 મર્દોની મર્દાની ક્યાં?

                 ધરાસણા ભાઈ, ધરાસણા !

                 ઢાલ બનતી છાતી ક્યાં?

                 ધરાસણા ભાઈ, ધરાસણા !

                 હૈયે ગોળી ઝિલાય ક્યાં?

                 ધરાસણા ભાઈ, ધરાસણા !

           સરકારે આ લડતને કચડી નાખવા ગંજાવર તૈયારીઓ કરી હતી. લશ્કરની એક ટુકડી ધરાસણાના આ સંગ્રામક્ષેત્રથી થોડેક દૂર પડાવ નાખી પડી હતી.

           વર્તમાનપત્રોના પ્રતિનિધિઓ જ્યાંથી આ સંગ્રામ જોઈ રહ્યા હતા, ત્યાં તેમની સાથે હું પણ ભળ્યો હતો. જે ભયાનક દૃશ્ય અમે જોયાં, તે યાદ કરતાં આજ પણ હચમચી જવાય છે. જે સ્વયંસેવકો આમાં ભાગ લઈ રહ્યા હતા તે બધાને હિંસક યુદ્ધના સૈનિકોને પૂર્વ-તૈયારી રૂપે કડક તાલીમ અપાય છે તેના પ્રમાણમાં, તાલીમ બહુ ઓછી મળી હતી. આમ છતાં એમનામાં મુક્તિ માટેની જે પ્રબળ ઝંખના અને ઉદાત્ત ભાવનાઓ હતી તેણે એમના મનોબળને બને એટલું દૃઢ કર્યું. એમના પર લાઠીઓ વીંઝતા પોલીસ જ્યારે તૂટી પડ્યા, ઘોડાઓ દોડાવવામાં આવ્યા ત્યારે માર ખાતાં, પડતાં-આખડતાં, વેરણ-છેરણ થઈ જતાં પણ અડગ ખડકની જેમ સામી છાતીએ ઘા ઝીલવાની અદ્ ભુત શક્તિ એમનામાંના કેટલાકે દાખવી. એ પૈકી શ્રીનરહરિભાઈ પરીખે માથાથી પગ સુધી લોહી નીગળતા બની શારીરિક વેદનાઓને દૃઢતાપૂર્વક દબાવી જે ધૈર્યથી ઘા ઝીલ્યા, તે સંયમી મનુષ્યની સંકલ્પશક્તિ વિષમ સંજોગોમાં કેવું આત્મબળ દાખવી શકે છે તેના એક અવિસ્મરણીય પ્રતીક રૂપ હતું. ત્યારે સત્યાગ્રહ અશ્રમના ગાંધીજીના એક અત્યંત નિકટના સાથી તરીકે આશ્રમની શિસ્તનુ6 પાલન કરી તેમણે જે આત્મબળ કેળવ્યું હતું તેનો લોકોને શ્રદ્ધાપ્રેરક ખ્યાલ આવ્યો. અહિંસક સિનિકોને જો આ જાતની તાલીમ મળે તો હથિયાર એની આગળ નિષ્ફળ નીવડે, એવો ગાંધીજીનો દાવો કેટલો બધો સાર્થ હતો !

           સરકારે લડતને તોડી પાડવા એક બાજુથી જેમ લાઠીઓ વીંઝવા માંડી હતી તેમ જેલો પણ ભરવા માંડી.સુરતમાં વિજ્યા એ વખતે બહેનોની છાવણીમાં હતી. એ છાવણીમાં કોઈ કોઈ વાર જવાનું થતાં, જે મોટી સામાજિક ક્રાન્તિ થઈ રહી હતી તેનું મને દર્શન થતું.બ્રાહ્મણ, વાણિયા, પાટીદાર, પારસી, મુસલમાન, હરિજન એવા ભેદો જાળવતી શહેરો તેમજ ગામડાંની બહેનો પોતાની સદીઓ જૂના આચારને ફગાવી એક પંગતે જમવા બેસે, એ સ્વરાજની લડત પહેલાં આપણા દેશમાં કોઈ માની શકે એવું ન હતું, પણ એ હવે નિત્યના આચાર જેવું બની જતાં આપણા દેશે ઘણી મોટી સામાજિક ક્રાન્તિ સાધી.

           તા.25 જૂન, 1930ને દિવસે નવ મહિનાની સખત કેદની મને સજા કરવામાં આવી. દોઢસો રૂપિયાનો દંડ પણ થયો હતો. એ વખતે તો મને કલ્પના સરખી પણ ન હતી કે દંડ મારા કુટુંબને માટે કેવી મુશ્કેલીઓ અને સમસ્યા સર્જશે. પોલીસ દંડ વસૂલ કરવા આવે તો કોઈ પણ સંજોગોમાં દંડ ભરવો નથી જ, એ સંકલ્પ સાથે કાશીબા વગેરી પૂરી માનસિક તૈયારી રાખી હતી. રોકડ કશું ન મળતાં છંછેડાયેલી પોલીસ ચિ. લીનાનું ઘોડિયું ઉપાડી ગઈ. આથી કાશીબા ચીખલી ગયાં.પોલીસચીખલી પણ પહોંચી અને ત્યાંથી ખાટલા, વાસણ, મારાં પુસ્તકો, નોટો વગેરે જે કંઈ હાથ આવ્યું તે લઈ તેની આંગણામાં જ હરાજી કરી. કોઈ વસ્તુ હરાજીમાં એક આનાથી વધુ કિંમતે વેચાઈ નહીં, મોટે ભાગે એ બધી વસ્તુઓપોલીસે જ ખરીદી લીધી હતી, પણ આમાંથી દંડનો નાનો સરખો પન હિસ્સો વસૂલ થઈ શક્યો ન્હીં. મારાં પુસ્તકો અને નોટોની પોલીસે આંગણામાં જ હોળી કરી અને તેમાં વિદ્યાપીઠમાં મેં લખવા શરૂ કરેલા ઈતિહાસનાં પ્રકરણો પણ બળી ગયાં. આ રંજાડ સામે કાશીબાએ ઘરની રહેણીકરણી સંપૂર્ણપણે બદલી નાખી. તાંબા-પિત્તળનાં વાસણોની જગાએ માટીનાં વાસણો વસાવ્યાં. ખાટલા અને ગોદડાં તો પોલીસ ઉપાડી ગયા હતા, એટલે તેની જગ્યાએ ઘાસની સાદડીઓ પર સૂવાનું રાખ્યું.પોલીસ સામેટક્કર લેતાં અડીખમ ખડકની જેમ કાશીબા એકલાં ઊભાં રહ્યાં. અડોશી-પડોશીઓ અને અન્ય લોકો પણ આ ઘટનાથી ઘણા હલબલી ઊઠ્યા. તેમણે સલાહ આપી કે દંડ ભરી દઈ આ રંજાડમાંથી મુક્ત થવું સારું હતું. કાશીબાએ કહ્યું કે, “જેલમાં ઝીણાને માટે થોડી જ સુખની પથારી છે? ભગવાન જાણે ત્યાં તેને કેવા રોટલા મળતા હશે, કેવું પહેરવા ઓઢવાનું મળતું હશે ! તો પોલીસની આ રંજાડ એટલી ખરાબ નહીં હોય. ”

           કાશીબાની અગ્નિપરીક્ષા વધતી જ રહી. પોલીસની રંજાડથી લોક પણ અકળાયાં. અમારા દૂબળા ગભરાવા લાગ્યા અને ઘરકામ માટે આવતાં પણ આઘાપાછા થવા લાગ્યા. પીવાનું પાણી ઘરથી દૂર આવેલા કૂવમાંથી લાવવામાં આવતું. કામ કરનારી મોડી-વહેલી થતાં અવારનવાર તે બંધ થવા લગ્યું. આ સંજોગોમાં, હાર નથી જ સ્વીકારવી એવા સંકલ્પ સાથે કાશીબા વાંસદાના જંગલમાં આવેલા મીંઢાબારીમાંનાં એમનાં બહેનપણી ઈચ્છાબહેનને ત્યાં હિજરત કરી ગયાં.

           કાશીબા જે દૃઢતાથી પોલીસ સાથેની લડતમાં ગામમાંથી હિજરત કરી જંગલમાં જઈ રહ્યાં, તેવી રીતે અનેક કુટુંબે જાતજાતના ભોગ અને અદ્ ભુત બલિદાન આપ્યાં. તેની પૂરી કથા ભાગ્યે જ આલેખી શકાય. જેલમાં વીરતાના એવા જે પ્રસંગો અવારનવાર અમે સાંભળતા તે અત્યંતપ્રેરક અને તે સાથે ઘણાહ્રદયદ્રાવક હતા. આવાં મૂગાં બલિદનના અનેક પ્રસંગો ટાંકવા ગમે અને એ દરેકમાં વીરત્વની, શ્રદ્ધાની, દૃઢ મનોબળની અને મુખ પરની રેખાઓમાં સહેજ પણ વિકૃતિ આવવા દીધા વિના અસહ્ય યાતનાઓનો બોજ ઉપાડવાની કથા આવે. એની કથાઓ આલેખાય તો સ્વાધીનતા કેટલાં મોટાં બલિદાનો માંગે છે તેનો ખ્યાલ આવતાં વજ્ર જેવાં કઠોર હૈયાં પણ પીગળી જાય.

         

 

  

 

         

 

 

  

                    

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 627,741 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
એપ્રિલ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: