[ગીતાની શીખ અને મહાભારતનો મર્મ /મનુભાઈ પંચોળી-દર્શક/ કર્મયોગ

[ગીતાની શીખ અને મહાભારતનો મર્મ /મનુભાઈ પંચોળી-દર્શક

પ્રકાશક: શકિલમ ફાઉન્ડેશન, મલાડ-પશ્ચિમ મુંબઈ-400064]gita4ko8

                 પ્રકરણ—5 /કર્મયોગ

        લોકસંગ્રહના કર્મની પ્રશંસા તો કરી, પણ કર્મ કરીએ તો બંધન થાય. ભગવાનના ઉપદેશનો પાતો એ છે. લોકસંગ્રહ કે જીવનના ધારણ્પોષ્ણ માટે જરૂરી કર્મો અનિવાર્ય છે, તો પછી કેવી રીતે કરવાં કે તે આપણને બાંધે નહિ.

          આ યુક્તિને ભગવાને કર્મયોગ કહ્યો. અહીં યોગ એટલે પ્રાણાયામ ઈત્યાદિ પતંજલિનો યોગ નથી. ભગ્વાને જૂદું જ કહ્યું છે.

         “યોગ: કર્મસુ કૌશલમ્ ”

          કર્મમાં કુશળતા તે યોગ. આ કુશળતા એટલે કર્મનો ચેપ ન લાગે તે. કર્મ થાય પન તેનો અમને ચેપ ન લાગે તેવી યુક્તિ.

          કર્મનો ચેપ તો લાગે છે, એક વખત ખાધું, ભોગવ્યું તે જરૂર ન હોય તો પણ ખાવા, ભોગવવાની ઈચ્છા રહે છે, અને એ ઈચ્છા જ નહિ વાસના, તીવ્ર રાગનું રૂપ લે છે. અને એ અતિ રાગ જ ભાન ભુલાવે છે. ઈચ્છા અને રાગ જુદી વસ્તુ છે. ઈંદ્રિયોને પોતપોતાની જરૂરિયાતો છે. ભગવાનના મતે તેનો ઈન્કાર કરવાથી ફાયદો નહિ થાય. આપણે શ્વાસ લઈએ, સાંભળીએ છીએ, સૂર્યોદય-સૂર્તાસ્તના રંગો જોઈ આનંદ થાય, સૂરાવલી સાંભળવાથી કાન દ્વારા મનને સારું લાગે છે. આ પ્રકૃતિના ધર્મો છે. આ સહજ ધર્મો તે ઈચ્છા છે. પન ઈચ્છાનું રાગમાં રૂપાંતર બંધનકારણ છે.

          ભગવાને તો આ કૌશલ એટલે, ફળની ઈચ્છા રાખ્યા વિના, કામ કરવું તે જ ફરી ફરીને સમજાવ્યું છે.

          કર્મણ્યે વ ધિકારસ્તે, મા ફલેષુ કદાચન: તને કર્મ કરવાનો અધિકાર છે, પણ ફળનો નથી.

          ફળ નથી આવતાં તેમ નથી, પણ તેનો તું માલિક છે તેવું ન માન.

          આ રાગ, માલિકી ભાવ, ફલની લાલસામાંથી આવે છે. આ લાલસા બેચેન બનાવે છે. ક્રોધ ઉપજાવે છે. અને ધીમે ધીમે સારાસારનું ભાન પણ ખોવરાવે છે. ભગવાને બીજા અધ્યાયમાં આનાં પગથિયાં બતાવી છેવટે બુદ્ધિનાશ કેમ થાય છે તે હુબહુ બતાવ્યું છે.

    દ્રોણનું માથું ધૃષ્ટદ્યુમ્ને વાઢ્યું તે સાંભળી અશ્વત્થામાને ક્રોધ ચડેલો. પિતાનું વેર લેવાની તીવ્ર વાસના થઈ. ધૃષ્ટદ્યુમ્ન અર્જુનનો સાળો, અને કૃષ્ણનો પ્રિયજન છે. તેને આમ તો તે પહોંચી શકે તેમ નથી. દિવસે સામી છાતીએ લડવાનો અર્થ નથી, રાત્રિયુદ્ધ તો પહેલેથી ન જ કરવું તેમ બેઉ પક્ષે સમજણ કહો, કરાર કહો, પ્રતિજ્ઞા કહો તેવું કર્યું છે. છતાં વેરના તીવ્ર રાગે તેની બુદ્ધિ ભ્રષ્ટ કરી છે. એટલે યુદ્ધ પૂરું થયા પછીની રાત્રે ધૃષ્ટદ્યુમ્ન નિરાંતે સૂતો છે, તેના પાંચાલો નિરાંતે ઊંઘે છે, ત્યારે બધાને કાપી નાખે છે; ન વાપરવા જેવું અણુશસ્ત્ર સમાન બ્રહ્માસ્ત્ર વાપરે છે, અને તે પન તેને ખબર છે કે આ માત્ર અર્જુનનો જ નાશ નહિ કરે, આખા જગતનો, નિરપરાધી સ્ત્રી બાળકોનો નાશ કરશે, જેને પાછું વાળતાં તો આવડતું જ નથી. આ છતાં તે બ્રહ્માસ્ત્ર છોડે છે, પ્રલયનાં મોજાં ઉછળે છે. એ તો શ્રીકૃષ્ણ-વ્યાસ ત્યાં છે, એટલે અટકાવી શકે છે, તેને પાછું વાળતાં ન આવડતું હોય તો કોઈ એક જગ્યાએ જ તે જાય તેવો સંકલ્પ કરવાનું કહે છે, ત્યારે વૈરની વાસનાએ બુદ્ધિભ્રષ્ટ થયેલ અશ્વત્થામા સંકલ્પ કરે છે કે, પાંડવ્ના વંશનું એક માત્ર સંભવિત બીજ ઉત્તરાના ગર્ભમાં છે, તેના પર બ્રહ્માસ્ત્ર જાઓ; ભગવાન કહે કે, “નારકી અશ્વત્થામા ભલે તેં આવો અધમ સંકલ્પ કર્યો પણ હું ગર્ભનું રક્ષણ કરીશ જ;” પછીથી મરેલ અવતરેલ પરીક્ષિતને ભગવાન જીવતદાન આપે છે.

    ફળવાસનાએ જેની વિચારશક્તિનો લોપ કર્યો હોય તેનું અધ:પતન ક્યાં સુધી થઈ શકે તેનું આવું ઉદાહરણ જગતના સાહિત્યમાં બીજું નથી.

    શ્રીકૃષ્ણ પોતાના અનુભવે જાણે છે કે, માણસ માત્રમાં અશ્વત્થામા છે. તે અશ્વત્થામાનું બીજ આગળ ન ફૂટે તે માટે જરૂરી એ છે કે ફળની વાસના ફળનો રાગ ન રાખવો, અને છતાં પોતાના ભાગે આવતું કામ કરવું.

    આ બોધ દુર્મતિ હિટલર જેવાને જ લાગુ પડે છે તેવું નથી. સંસ્થા માટે, કુટુંબ માટે, પોતાની કીર્તિ માટે ભય કે નિરાશાને કારણે બધે જ કર્મ કરનારા જૂઠાણું, દંભ, પ્રપંચ, પક્ષપલટા, લાંચ-રૂશ્વત, દગા ફટકા, અને ખૂન પન કરાવે છે. જો ફળનો તીવ્ર રાગ ન હોય તો આમ ન થાય.

    ફલકાંક્ષાના રાગનાં પડળો ડુબાડે છે. મુળે સહેજે તરતી સુકાયલી દૂધી પર કપડછાણનું પડ વીંટાળો તો એ દૂધી ડૂબી જાય. દૂધીનો વાંક નથી, ઉપરના કપડછાણનાં પડળોનો વાંક છે.

    ફલાકાંક્ષાનો રાગ આવી ચીજ છે તે અકારણ યુદ્ધો, હત્યાઓ, નિર્દોષોની કત્લેઆમ, રિબામણીને જન્મ આપે છે. પણ ભગવાને કહ્યું છે કે, ફળનો તને અધિકાર નથી. નકામો દાવો શા માટે કરે છે?

    એનો અર્થ શું? ભગવાન તે સમજાવે છે તે હવે જોઈશું.

    કર્તાપણાનું અભિમાન ટાળવા માટે ગીતાએ જે વિવિધ હકીકતો બતાવી છે તેમાં સૌથી મહત્ત્વની પૂરી વૈજ્ઞાનિક રજુઆત એ છે કે કર્મનાં પરિણામો લાવવા માટે માત્ર તેનો કર્તા જ પૂરતો નથી. બીજાં બળોની સમયસર મદદ ન મળે તો ક્ર્મનું ધારેલું પરિણામ આવે નહિ. ખેડૂતે ખેતર ખેડ્યું હોય, પણ વ્રસાદ આવે જ નહિ તો? વરસાદ આવે અને બિયારણ સડેલું નીકળે તો? વરસાદ, બિયારણ, ખેડૂત હોય અને વાવણીઓ વાવવાનું સાધન ખોટું નીકળે તો?

    પરિણામ લાવવા માટે માત્ર કર્તા જ પૂરતો નથી. જો આમ હોય તો પછી આ મેં નીપજાવ્યું, હું તેનો માલિક એમ કહેવાનો શો અર્થ? જેને આ વાતનું જ્ઞાન થયું તે તો કહેશે કે હું કોણ? આટલાં બધાં બીજાં બળો, માણસો, પશુઓ, ઋતુ, હવામાન વિજ્ઞાન મને મદદગાર ન થયા હોત તો મારાથી શું નીપજત? આ અનુભવે જ કહેવત થઈ શકે ‘માળી સીંચે સો ગણું, ઋતુવિણ ફળ નહીં હોય.’

               ——————————-

              સિદ્ધિ માટે પાંચ બળો

    ગીતાના જે શ્લોકમાંથી આ અનુપમ જ્ઞાન વિજ્ઞાન પ્રગટ અથાય છે તે છે:

    અધિષ્ઠાનં તથા કર્તા કરણં ચ પૃથગ્વિધમ્

વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા: દૈવમ્ ચૈવાત્ર પંચમમ્

                          (ભ.ગીતા 18:64)

    કર્મની સિદ્ધિ માટે આ પાંચ બળો શાસ્ત્રે જણાવ્યાં. અધિષ્ઠાન એટલે આધારરૂપ ક્ષેત્ર જેમ કે આ પૃથ્વી ઘણાં બધાં કર્મોનો એ આધાર છે. અર્થશાસ્ત્ર કહેશે કે ઉત્પાદન માટે લેંડ, લેબર, કેપીટલ ત્રણે જોઈએ.

    ગીતાને મતે આ અધૂરું છે, અધિષ્ઠાન એટલે આધારભૂત પદાર્થ-જેમ કુંભારને માટી, સુથારને લાકડું-આ અધારભૂત પદાર્થને પન કર્તા જોઈએ. કુંભાર વિના માટી કાંઈ આપોઆઅપ વાસણ નહિ બની જાય, એટલે કર્તાને પણ સાધનો જોઈએ. ચાકડો, વાંસલો, શાળ, ધમણ—આ સાધન વિના કુંભાર, સુથાર, વણકર, લુહાર શું કરે?

    એટલે તીજું બળ સાધનો.

    હવે સાધનો હોય છતાં વાપરતાં ન આવડે તો? જેને આજે ટેકનિક કહે છે એ ચોથું, કુહાડો હોય છતાં ઘા કરતાં ન આવડે તો પગ કપાઈ જાય. એંજીન મોટર રેલગાડી ચલાવવા માટેની આવડત જોઈએ., આ આવડત ન હોય તો? સાધન-કર્તા પન નકામાં. પરિણામ ઊંધું જ આવે. આને ભગવાને વિવિધાશ્ર પૃથક ચેષ્ટા: કહ્યું.

    આ બધું હોય અને છતાં પાંચમું દૈવ. દૈવ અનુકૂળ ન હોય તો પણ પરિણામ ન આવે. કુંભારે ચાકડાની મદદથી સુંદર વાસણોનો નીંભાડો ખડક્યો પણ વરસાદ તૂટી પડે તો?

       દૈવ એટલે આપણો જેના પર કાબુ નથી, કે આપણે જેનાથી અજાણ છીએ તેવાં આપણને અસર કરતાં બળો.

               દૈવ અધીન પાંચમું બળ

    બીજી લડાઈમાં બંને પક્ષો અણુબોમ્બ બનાવવા મથતા હતા જ, તે માટેવ ડેનિશ વૈજ્ઞાનિક નીલ બોહરને અટકાયતમાં રાખેલો, પણ તે છટકી ગયો. અમેરિકા પહોંચી ગયો. અને અમેરિકા અણુબોમ્બ બનાવવામાં આગળ નીકળી ગયું. હિટલરની બધી પૂરા હિસાબથી મૂકેલી ગણતરીઓ ખોટી પક્ડી.

    ચર્ચિલે ભારે વિશ્વાસથી કહેલું કે ‘હિન્દુસ્તાનને એટલાંટિક ચાર્ટર(ચાર સ્વાતંત્ર્યો આપતું ખતપત્ર) નહિ લાગુ પડે. હું સામ્રાજ્ય હરરાજ કરવા વડોપ્રધાન નથી થયો.’તેણે હિટલરને હરાવ્યો પણ ગણ્યાં અઠવાડિયામાં તેનો પક્ષ ચૂંટણીમાં હાર્યો. અને એટલીએ ભારત છોડી જવાની ઘોષણા કરી. ક્યાં ગયો ચર્ચિલનો ગર્વ?

       આને કહે છે ‘દૈવમ્ ચેવાત્ર પંચમમ્’ કર્મ સિદ્ધિ માટે પાંચમું છે અનુકૂળ દૈવ.

    બધ પ્રયત્નો પછી પન જીવનમાં આવું બને છે, રામ સવારે ગાદી પર બેસવાના છે, પન તે જ સવારે તેમને મળે છે વનવાસ. વાલ્મીકિ આપણને ઢંઢોળીને કહે છે ‘દૈવમ્ ચેવાત્ર પંચમમ્ ’

    હવે જ્યાં આટલાં બધાં બળો ભેગાં મળીને પરિણામ લાવે છે ત્યાં કર્તા ‘મેં કર્યું- હું જ તેનો માલિક, હું જ ભોગવીશ’ તેમ કહેવાનો અર્થ? આમ કહેનાર અજ્ઞાની કે મિથ્યાભિમાની જ કહેવાય ને?

    કર્મ ફળનો આપણને અધિકાર નથી તેમ સમજાવતા પાછળ ભગવાનની સ્પષ્ટ અને સૂક્ષ્મદૃષ્ટિ છે.

    બીજાં કારણો પણ છે, ભગવાન તે સમજાવે પન છે, પણ મુખ્ય તો આ જ છે. એટલે ખેદથી ઠપકો આપતાં 19મા શ્લોકમાં કહે છે.

     “આમ હોવા છતાં અશુદ્ધ બુદ્ધિને લીધે જે પોતાને કર્તા માને છે તે મૂઢમતિ કંઈ સમજતો નથી. ”

    આમ હોવા છતાં

    ય: અકૃત બુદ્ધિવાન્ –અશુદ્ધ બુદ્ધિ(સમજણ)ને કારણે

    સ: દુર્મતિ: ન પશ્યતિ—આ અળવી બુદ્ધિવાળો સાચું જોઈ શકતો નથી.

    ફલાસક્તિ છોડીને કામ કરવાની ભગવાને સલહ આપી, અને તાર્કિક કે હકીકતની રીતે ફળ પર કર્તાનો બહુ તો 1/5 અધિકાર કહેવાય. જો કે તે પન શંકાસ્પદ છે. વરસાદ વખતસર પૂરતો થયો અને તેથી બાજરો 30 મણ ઊતર્યો, વખતસર કે પૂરતો ન થયો હોય તો 5 મણ જ ઊતર્યો, તો 25 મણ તો દૈવને ફાળે જાય. એટલે 1/5 ફળનો હક્ક છે એમ કહેવું પણ શંકાસ્પદ છે.

    પન જાણવાથી કાંઈ વાસના કે અહંકાર ચાલ્યો જતો નથી. તો તેનો રસ્તો ખરો?

    ભગવન એને માટે પણ રસ્તો બતાવે છે કે

(1)          કામ ગોઅતતા ન જવું, સહેજે આવી પડે તે કરવું, જ્યાં તમે કામ ગોતવા ગયા ત્યાં કીર્તિ, ધન, સત્તા કાંઈક વાસના હશે જ. એટલે સોનેરી નિયમ એ કે કામ ગોતતા ન જવું.

“અનારંભો હિ કર્માણામ્

પ્રથમમ બુદ્ધિ લક્ષણમ્ ”

આપણે સામે ચાલીને કાર્યારંભ ન કરવો.

(2)          સ્વભાવનિયત કર્મ કરવું.

(2)સ્વભાવ એટલે? જે આપણાં ચિત્તના આનંદ સાથે અસ્તિત્વભાવે સંકળાયેલ મનોવૃત્તિ.

સ્વભાવ એટલે બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય સ્વભાવ નહિ, બ્રાહ્મણનો દીકરો ક્ષત્રિય સ્વભાવનો હોય.

    જે કર્મથી આપણાં ચિત્તને સ્વત: આનંદ આવે, કર્મ પોતે જ કર્મના બદલા જેવું લાગે, જેના વિના આપણે બેચેન બની જઈએ તે આપણે માટે સ્વાભાવિક કર્મ.

    સંગીતના શોખીનને ગાવાની મનાઈ કરોતો તેને ચેન ન પડે, ખાવું ન ભાવે, સંગીત ગાવા દ્યો તો ખાવાનું ભુલી જાય, આવું ચિત્રકાર, સાહિત્યકાર, શિલ્પકારનું તો સમજાય છે. પણ બાગબાન, ગોપાલક વ્યાપારીનું પણ હોઈ શકે.આપણાં ઈસ્માઈલભાઈ નાગોરી આવા કૃષિકાર બાગબાન હતા. પ્રવાસના શોખીનને પણ આવું જ થાય.

     આપણને જે કમમાં લગની લાગે, તેમાં કેટલા પૈસામળે છે તે પ્રશ્ન ઊઠતો નથી,તેથી કીર્તિ મળે તો તે ફલ ગૌણ છે, ન મળે તો પણ તે પ્રવૃત્તિ કરવાનો જ.

    જે કામ આપણને કામ ખાતર ગમે તે આપણો સ્વભાવ. તેમાં સફળતા મળે કે નિષ્ફળતા. તે છોડાય નહિ. તે તો જીવ સાથે જડાયેલ પ્રવૃત્તિ.

    આ અર્થમાં ભગવાને અર્જુનને સ્વધર્મે નિધનં શ્રેયં કહ્યું. અહીં સ્વધર્મ એટલે હિન્દુ કે મુસ્લિમ, પારસી ધર્મ નહિ. તેવા ધર્મો તે વખતે હતા જ નહિ. ધર્મો બહુવચન છે, એ અર્થમાં તો માત્ર વૈદિક ધર્મ જ હતો, છતાં ભગવાન “પરધર્મો ભયાવહ: ” કહે છે. ત્યાં ધર્મ એટલે સ્વભાવધર્મ.

          અને પછી કહે છે કે તારો સ્વભાવધર્મ ક્ષત્રિયનો છે, તારો રસ આતત્રાણ દુ:ખિયાને બચાવવા આડે ઢાલ થવાનો છે. તું જંગલમાં જઈશ ત્યાં પણ તરો સ્વભાવ તો સાથે આવશે જ. જાતને જોખમમાં મૂકીને પણ તું આતતાયી દુષ્ટ લોકો દમન કરતા હશે તો લડવાનો જ. તો અહીં તારી સામે જ લડવાનો ધર્મ આવ્યો છે. બધી સમજાવટના પ્રયત્નો કર્યા પછી આવ્યો છે. ત્યારે સગાંવહાલાંને કેમ મતાય? એવા સંદેહ કે મોહમાં રણાંગણ છોડી જઈશ તેથી કાંઈ તારો સ્વભાવ નહિ બદલાય કે તે સંન્યાસ લીધો છે તેમ કહી નહિ શકાય. સંન્યાસ કર્મફળ કે કર્તાપણાનો ત્યાગ કરવામાં છે તે તું જરૂર કર.

          રામાયણમાં રામચંદ્રજી વનમાં પ્રવેશ કરે છે ત્યારે કૈકેયીની આજ્ઞા મુજબ જટા ધારણ કરે, ફળમૂળ ખાય છે, ઝાડ નીચે સૂઈ રહે છે.મુનીવ્રત રખે છે. પન દંડકારણ્યમાં ઋષિઓના આશ્રમમાં જાય છે. અને ત્યાં દરવાજા પાસે સફેદ હડકાંનો ઢગ જોઈ પૂછે છે કે “આ શું છે?” ઋષિઓ કહે છે કે “અ તો અમારા આશ્રમવસીઓના હાડકાં છે. રાક્ષ્કસો અમને પકડીને ખાઈ જાય છે. ને પછી હાડકાં ફેંકી દે છે.”

          ત્યારે રામચંદ્ર જેમણે મુનિવ્રત લીધુ|ં છે તે કહે છે કે “ હું રક્ષસોનો સંહાર કરીશ.”

          ત્યારે સીતાજી તેમને કહે છે કે “તમે મુનિવ્રત લીધું છે. તમે હથિયાર ધારણ કરી યુદ્ધ કરો તે ઠીક નહિ. ”

          રામચંદ્રજી કહે છે, “હું તમારો ત્યાગ કરી શકું. લક્ષ્મણને પણ તજી શકું. પણ આ દુ:ખિયારા ઋષિઓનું રક્ષણ કરવાનો મારો ધર્મ—ક્ષત્રિયધર્મ ન છોડી શકું. ”

          રામચંદ્રજીને દ્વિધા નથી. તેમને તેમનો સહજ ધર્મ દેખાયો છે.

          અર્જુનને ભગવાન દેખાડે છે અને કહે છે. આ તારું સહજ કર્મ-તેનો કરવાનો આનંદ લે, તેના ફળની આસક્તિ સહેજે તારા માટે બિનમહત્ત્વની બની જશે.

          શિક્ષક ભણાવે જ, કોઈ ના પાડે તો પણ ભણાવ્યા વગર ન રહે. તે થયો તેનો સ્વભાવધર્મ.

          ભગવાન આ શોધવાનું અને બીજા આકર્ષ્ણો હોય તો પણ તેને પરધર્મ સમજી તજવાનું-પોતાના સ્વભાવધર્મને જે મોક્ષનું સાધન બનાવવાનું સૂચવે છે.

          ગીતાનો સમ્ગ્ર પ્રયાસ કર્મ કરો છતાં તેનાથી ન લેપાઓ તે છે, ગીતા આના પરનું ભાષ્ય છે.

          કર્મના બે જાતના લેપ લાગે છે. એક ‘આ કર્મ મેં કર્યું. મારા લીધે થયું. હું ન હોત તો ન થાત’ તે છે. અને બીજો લેપ છે તે કર્મના ફળની માલિકી અને તે ભોગવવાની લાલસાનો. એમાં પહેલો લેપ જાય તો બીજો લેપ આપોઆપ ઓછો થાય. આપણા એકલાને લીધે બધું થતું નથી, આપણે તો અનેક બળોમાંના એક બળ છીએ, અને તે પણ મામુલી. દરેક મહાન વિજયને અને જે સ્મૃતિસ્થાનો રચાય છે તેમાં એક હોય છે ‘અનામી સૈનિક’નું. એને સેનાપતિઓ, મંત્રીઓ, મહારાજાઓ નમે છે. અનામી સૈનિક કોણ, ક્યાંનો, કેવો , કેવડો હતો એ કોઈ જણતું નથી છતાં પણ તેને બધા નમે છે કારણ કે આ અજ્ઞાતના બળ વિના વિજય ન સાંપડત, તેને નમીને વિજેતાઓ પોતના અહંકારને ગાળી નાંખે.

          આ થયું તો માલિકીની ભાવના, હક્કનો તરફડાટ, વિલંબની અધીરાઈ બધું શમે.

          શિવાજી મહારાજ કોંકણના સમુદ્ર કાંઠે બે મહાદુર્ગદ્વિપો બાંધતા હતા. રામદાસ સ્વામી સાથે એકવર વિજયદુર્ગનું કામ તપાસવા ગયેલ. હજારો માણસોને કામ કરતા જોઈને મહારાજાના મનમાં થયું “ઓહોહો ! કેટલા જણને હું રોજીરોટી આપું છું ! આવું કોનાથી થાય ! ”

          રામદાસ સ્વામી આ પારખી ગયા. સમુદ્ર કાંઠે ફરતા હતા ત્યાં એક કાદી બતાવી કહે, “શિવ આ કાદી—આ પથ્થર ઉપાડી લે. ”

          શિવાજીએ પથ્થર ઉપડ્યો. નીચી પાણીના ખાબોચિયામાં એક દેડકો હતો.

          રમદાસ કહે ‘આને પણ તું ખાવાનું પહોંચાડે છે ને !’     આથી જ્ઞાની નરસિંહ મહેતાએ ગાયું કે’

હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,

શકટનો ભાર જેમ શ્વાન તાણે

               છતાં ગીતા કાંઈ ગમે તે કર્મ કરવાનું કહેતી નથી. તેના નકશામાં કેટલાંક કામો નિષિદ્ધ ત્યાજ્ય છે. જુગાર ન રમાય, રમીયે તો વનમાં જવું પડે, મહાભારત થાય. દારૂ ન પીવાય, પીઓ તો શાનભાન ભૂલી અંદર અંદર કપાઈ મરો.

          ના—બધાં કર્મો કરવાનું ગીતા કહેતી જ નથી.

          જે કર્મો સંસારચક્રને વસાવવા અનિવાર્ય છે. દેહધારણ પોષણ માટે જરૂરી છે તે જ કરવાનાં છે. બીજા નહિ જ. ન કરવા જેવા કર્મો અનાસક્તિથી થઈ જ નથી શકતાં. દરૂ અનાસક્તિથી પીવાતો નથી. જુગર અનાસક્તિથી ખેલી શકાતો નથી.

          પણ જે કર્મો વિહિત એટલે કરવાં જેવાં છે તે પણ ફળાસક્તિ વિના જ કરવાના છે, અને તેની સ્વભાવ મુજબ પસંદગી કરવાની છે. છેવટે લોકસંગ્રહર્થે કરવાનાં છે.

          સ્વભાવ મુજબનાં કમો-આત્મતૃપ્તિ- અંતરનો સંતોષ આપે ક્ક્ષ્હ્હે. આ આત્મતૃપ્તિ તેને સોનાનાં ઢગલાં કરતાંયે વધારે વહાલું લાગે છે.

          સ્વાભાવિક કર્મો છોડી જે અસ્વાભાવિક કર્મોમાં પ્રસંગવશાત કે લાભેલોભે પડે તેને આત્મતૃપ્તિની ખોટ ધન, કીર્તિ, બડાશ, બધી સ્વકેન્દ્રી લાગણીઓ વડે પૂરવી પડે છે.

          આ સ્વભાવ સ્ત્રીનો, પુરૂષોમાં સંશોધન અધ્યયન અધ્યાપનનો, ધન પેદા કરી કોઈનું પોષણ, સંરક્ષણ કે જવાબદારી ઊઠાવવાનો હોય છે.

          હિંદુ ધર્મે તેને બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય, શૂદ્ર નામ આપ્યાં.

          વેદોમાં આરંભે ત્રિવર્ણ જ હતા. સદાય પારકાની ચાકરી કરવાનો સ્વભાવ ન હોય. તે પાછલી ઐતૈહસિક નીપજ છે. ત્રિવર્ણો ખરા.

          ઉપરાંત આ સ્વભાવો બધા સાવ અલગ અલગ જ છે તેવું નથી. ગૌણ-પ્રધાન ન્યાયે આ વહેંચણી થઈ છે. હરેકમાં આ ત્રણે ગુણો હોય છે એથી તો વિશ્વામિત્ર રાજા હોવા છતાં બ્રહ્મર્ષિ થાય છે. સરદાર પટેલ ખેડૂતમાંથી રાજવીપદ મર્દન કરનારા મહાક્ષત્રિય બની શકે છે. આમ હોવા છતાં સ્વભાવનો છેદ ઊડી શકતો નથી. તેને વળગી રહીને જે ચાલે છે તેને સંતોષ મળે છે, તેને પોતાનું સ્વભાવ કર્મ-સુચારૂ, સુગ્રથિત રીતે કરવાનો જ આનંદ આવે છે. જેમ ચિત્રકારનું –કવિ- શિલ્પકાર, કર્મકાર, વણકર-કૃષિકાર બધાનું. ગીતાએ આના પર ભાર દઈને ફલાશક્તિનો કાંટો મોરી નાખવાની ચાવી બતાવી છે.

          આ કર્મોનું પણ આયોજન કરવાનું નથી, પ્રવાહપ્રાપ્ત રીતે આવે તે કરવાનાં છે.

          અનપેક્ષ શુચિદક્ષ:

          સર્વારંભ પરિત્યાગી ખરો, પણ સ્વભાવ નિયત કર્મ આવ્યું તો દક્ષતાથી તે પાર પાડે. જેમ શુકદેવજી જેવ મહાત્યાગીને સતત આઠ દિવસ ભાગવત પારાયણ કરવાનું આવ્યું તે દક્ષતથી પરીક્ષિતને સંભળાવી.

          તમે આયોજન કરો, ઘોડા ઘડો એટલે આસક્તિની બારીઓ ખૂલે, કર્મો નદીના પ્રવાહની જેમ આવે ને જાય.

           ઈશુ ખ્રિસ્તે તો આ વાત પોતાની પ્રાર્થનામાં લંબાવી કે, “હે માલિક ! તું મને રોજનો રોટલો આપજે. ”

          ભગવાને ભક્તનાં જે લક્ષણો ગણાવ્યાં છે તેમાં દક્ષતા પણ ગણાવેલ છે.

——————————————————–

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 627,738 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
એપ્રિલ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: