ગીતાની શીખ અને મહાભારતનો મર્મ/મનુભાઈ પંચોળી-‘દર્શક’

gita4ko8             પ્રકરણ-4

ગીતાનો પાયો (પાના નં : 11 થી 18)

      પોતાનાં સગાંવહાલાંને મારવાં પડે તે કરવા જેવું નથી. એ જોઈ અર્જુન ‘હું નહીં લડું, આ રાજ્ય ભોગ મારે નથી જોઈતો, ‘ કહી હથિયાર મૂકી ભગવાનને શરણે જઈ કહે છે:’ ‘હે ઋષીકેશ, મારું મન ભમે છે. મારાથી નક્કી થઈ શકતું નથી કે મારું કર્તવ્ય શું છે. હું તમારે શરણે આવ્યો છું. મારે શું કરવા જેવું છે તે મને સમજાવો.’

      તે જમાનામાં, અને હજુ પણ ઘણાને મનથી આ સંસાર જ બંધન છે. સંસાર કર્મનો બનેલો છે અને કર્મ જ બંધનનું મૂળ છે. જે પાણીમાં પડે તે ભીંજાય જ, તેમ કર્મ કરે તે બંધાય જ, કર્મ છુટે એટલે બંધ તૂટે. એટલે જેણે પાપ મુક્ત થવું હોય, મોક્ષ મેળવવો હોય તેણે સંન્યાસ લેવો. એટલે હિન્દુ ધર્મ પણ મોક્ષ માટે છેલ્લો આશ્રમ તો સંન્યાસ જ કહે છે. નામ-રૂપની ઉપાધિ છોડી દઈ ચાલી નીકળવું તેમ કહે છે. એટલે યાજ્ઞવલ્ક્ય જેવા મહાન ઋષિ પણ છેલ્લે પોતાની સંપત્તિ બન્ને પત્નેઓને વહેંચી ચાલી નીકળે અને બુદ્ધ જેવા અવતારી પુરુષ પણ કહે કે નિર્વાણ તો અગૃહીને જ મળે; ઘર તો છોડવું જ રહ્યું. સંસાર મિથ્યા છે, માયાનો પ્રપંચ છે, આપણા આત્મા સિવાય બધું જ ઝાંઝવાના જળ જેવી માયા છે. માટે આત્મા જ જોવા જેવો, સાંભળવા જેવો, મનન કરવા જેવો છે.

           આ કહેતી વખતે આ વિદ્વાનો એ ભૂલી જાય છે કે સાંભળવા માટે કાન, અંદરના કે બહારના જોઈશે ને? મનન કરવા માટે મન તો જોઈશે ને? તે તો માયા છે, કે છે જ નહીં? તો ઉપલું કામ થશે કેમ? અંત:કરણ એટલે અંદરનું સાધન કે હથિયાર એના વિના ચાલશે? ત્યારે જ્ઞાનીઓ કહેશે, આત્મા જ આત્માને જોશે, સાંભળશે, વાત કરશે, ચિતવશે, આને કહેવાયો જ્ઞાનમાર્ગ. તેનું બાહ્ય રૂપ સંન્યાસ. આ વિચાર કે અવિચાર કે અર્ધ સત્યની આપણી સંસ્કૃતિ પર એવડી મોટી પકડ છે. કે જિંદગીભર ઉપયોગી કામ કરનારા પણ વૃદ્ધ થતાં કહે, ‘હવે આત્મનું કરીએ, દુનિયાનું બહુ કર્યું ’ અને એમાંથી દુનિયાની તકલીફોમાંથી ભાગી છૂટવાની ભાગેડુ વૃત્તિ ફેલાઈ. જો સંસાર ખોટો જ છે, તેમાંથી છૂટવનું જ છે. તો જેટલા વહેલા છૂટાય એટલું સારું, ઘડપણ સુધી રાહ જોવાની શી જરૂર?

           કર્મ બંધન પેદા કરે છે એની ના નથી. આત્માનું હિત નજર સમે રાખવું જોઈએ તેની પણ ના ન હોય. પણ ગીતાકારનો પ્રશ્ન એ છે કે કર્મ છોડ્યાં એમ કહેવાથી કર્મ છૂટીશકાય છે ખરાં? અને આત્માનું ચિંતન કરતી વખતે દેહ-ઈન્દ્રિયો- મનનું અસ્તિત્વ મટી જાય છે? અથવા સંન્યાસ લેતાં પહેલાંની સાંસારિક પ્રવૃત્તિઓ વખતે આત્મા નહોતો?

           ઝીણવટથી વિચારીએ તો દેહ અને આત્મા સાથે જ રહે છે. તે કંઈ પહેરણનાં બટન કાઢી બાજુ પર મૂકીએ છીએ તેમ થતું નથી. તે કંઈ કપડાં નથી કે અલગ મૂકી દેવાય.

           તેવી જ રીતે કર્મથી બંધન પેદા થાય છે. તેમાં કર્મનો વાંક છે કે આપણો? કર્મમાંથી સાવ છૂટી શકાય છે ખરું? કે કર્મ એ વાયુની જેમ જ્યાં જઈએ ત્યાં હોય છે? તેનાથી છૂટવું શક્ય જ નથી. ગાંધીજીએ ‘અનાસક્તિયોગ’માં આ કોયડો અને તેનો ઉકેલ જેવી સચોટ રીતે બતાવ્યો છે તેવી આબાદ રીતે ભાગ્યે જ કોઈએ મૂક્યો છે.

           ‘અનાસકિયોગ’ની પ્રસ્તાવનામાં તેઓ લખે છે: “પણ એક તરફથી કર્મ માત્ર બંધનરૂપ છે એ નિર્વિવાદ છે, તો બીજી તરફથી દેહી ઈચ્છા અનિચ્છાએ પણ કર્મ કર્યા કરે છે. શારીરિક કે માનસિક ચેષ્ટા માત્ર કર્મ છે. ત્યારે કર્મ કરતાં છતાં મનુષ્ય બંધનમુક્ત કેમ રહે? આ કોયડાનો ઉકેલ ગીતાજીએ જેવી રીતે કર્યો છે તેવા બીજા એકપણ ધર્મગ્રંથે કર્યો મારી જાણમાં નથી. ”

           આ આંટીને વધારે ચિત્રાત્મક રીતે રજુ કરતાં તેઓ કહે છે: “લૌકિક કલ્પનામાં શુષ્ક પંડિત પણ જ્ઞાનીમાં ખપે. તેને કશું કામ કરવાનું હોય નહીં. લોટો સરખો પણ ઉપાડવો તે પણ તેને માટે કર્મબંધન હોય! લૌકિક કલ્પનામાં ભક્ત એટલે વેવલો, માળા લઈને જપ જપનાર. સેવાકર્મ કરતાં પણ તેની માળામાં વિક્ષેપ આવે. તે ખાવાપીવા વગેરે ભોગ ભોગવવા સમયે જ માળાને હાથમાંથી મૂકે, ઘંટી ચલાવવાને સારું કે દરદીની સારવારને સારું કદી નહીં ”બીજી બાજુ તેઓ આબાદ રીતે જે ધ્યાન ખેંચે છે તે એ કે મનાતા જ્ઞાનીઓ પણ કર્મ છોડતા નથી. કર્મનો ફેરબદલો જ કરે છે.

           આનો અર્થ એ પન નથી જ કે બધા કર્મો પરિણામે સરખાં જ છે કે કર્મમાં વિવેકની જરૂર નથી. છરીથી શાક સમારવાનું કર્મ, અને એ જ છરીથી કોઈનું ગળું કાપવાનું કર્મ સરખાં નથી જ. વળી એ જ છરીથી કોઈ અબળાને ઉપાડી જનારને ઘાયલ કરવો, જરૂર પડ્યે મારી નાખવો તે કર્મ પન ખૂનની બરાબર નથી.

           એટલે પ્રશ્ન આટલા ઊભા થાય છે:

(1)કર્મો છોડી કર્મ સંન્યાસ સ્વીકારવો તે શક્ય છે ખરું? (2) જો તે શક્ય ન હોય તો શું ફાવે તે કર્મો કરવા? કે કર્મમાં ઈષ્ટ-અનિષ્ટ, યોગ્ય-અયોગ્ય કર્મો છે ખરા? (3) યોગ્ય કર્મ કરીએ તો કેમ કરવાં? કે યોગ્ય કર્મોનો ચેપ લાગતો જ નથી? જો એનો ચેપ પણ લાગતો હોય તો તે ન લાગે તેવો ઉપાય કર્યો છે? (4) આવો ઉપાય હાથવગો કરવા માટે ક્યા ક્યા સાધનો અને ક્યા ક્યા આધારો છે? માર્ગે જતાં થાકી ગયા, પડી ગયા તો શું? મદદ માટે કોને સાદ કરવો?

(1)            ગીતામાં બીજી ઘણી મહત્ત્વની વાતો છે. પણ પાયાની વાત અર્જુનના સમાધાન માટે આટલી જ છે. પહેલાં પ્રશ્નનો જવાબ—ગીતાજીએ અસંદિગ્ધ ભાષામાં –કશીય શંકા ન રહે તે રીતે આપ્યો છે.

(1)            કર્મ છોડ્યાં છૂટતાં નથી, દેહ છે ત્યાં સુધી કર્મ છે જ. બેસવું, ઊંઘવું, ઊઠવું, અરે શ્વાસ લેવો મૂકવો તે કર્મ જ છે. અર્જુન, કર્મમાંથી તને કે મને મુક્તિ જ નથી.”

           ન હિ કશ્ચિત્ ક્ષણમપિ જાતુ તિષ્ઠત્ય કર્મ કૃત્ .

             કાર્યતે હ્યવશ: કર્મ સર્વ: પ્રકૃતિજૈર્ગુણૈ:

  “કોઈ ક્ષણભર પન કર્મ કર્યા વિના નથી રહી શકતું. પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણો પરવશ હોય તેમ પ્રત્યેક જણ પાસે કર્મ કરાવે છે. ”

                                            ભગવદ્ ગીતા, 3/5

           કર્મ છૂટતાં નથી.

          શ્રીકૃષ્ણે અર્જુનનો રણ્ભૂમિ છોડી જવાનો વિષાદ મટાડવા જે પાયાની વાત કરી તે છે “કર્મ છૂટતાં નથી ”તે નહિ કશ્ચિત્ ક્ષણમ અપિ, જાતુ તિષ્ઠતિ અકર્મકૃત્- જીવ એક ક્ષણ પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી.

           શ્વાસ લેવો, બેસવું-તે પણ કર્મ છે. ઊંઘવું તે પણ ક્રિયા છે.

           આ વિષે તેમનું અવલોકન એટલું બધું તટસ્થ અને સૂક્ષ્મ છે કે તેઓ વગર અચકાયે કહી નાખે છેકે “અર્જુન ! મારે તો કશું કરવા કે નહી6 કરવાપણું છે નહીં, છતાં હું પણ

           યદિ હ્યહં ન વર્તેયં જાતુ કર્મણ્યતન્દ્રિત:

           મમ વર્ત્માનુવર્તન્તે મનુષ્યા: પાર્થ સર્વશ: .

ઉત્સીદેયુરિમે લોકા ન કુર્યાં કર્મ ચેદહમ .

           સંકરસ્ય ચ કર્તા સ્યામુપહન્યામિમા: પ્રજા:

                             ભગવદ્ ગીતા 3/23-24

           હું જો ક્ષણ પણ કર્મ ન કરું તો આ લોકનો નાશ કરવા વાળો થાઉં. ભગવાન અતંદ્રિત શબ્દ વાપરે છે. સહેજ ઝોકું પણ ખાધા વિના હું કર્મ કરું છું. માટે જ સંસાર ચાલે છે. અને પછી પોતાના જ અંગ જેવા સૂર્યની વાત કરે છે. પોતે આ યોગ પહેલા સૂર્યને શીખવ્યો, તેથી તે ઘડી-પળના હેર વિના ઊગે છે, અને આથમે છે.

           તેમાંથી પોતાના જીવનનું તત્ત્વજ્ઞાન એટલે દેખાતી-અણદેખાતી સૃષ્ટિનું આધારભૂત તત્ત્વ વર્ણવે છે કે, આ સંસાર આવા કર્મ યજ્ઞથી જ ચાલે છે. “અર્જુન, સૂર્ય પાણીને વરાળ રૂપે લઈ જાય છે, તે પાછું વરસે છે, તેનથી ધાન્ય પાકે છે, જીવો તે ધાન્ય ખાય છે, આગળ કર્મ કરી, દેવોને અર્પણ કરી, દેવોને રીઝવે છે, એટલે દેવો તેમને જોઈતું આપે છે—આમ આ વિશ્વ યજ્ઞચક્ર પર ચાલે છે-” સંસાઅર્ને આપેલો ઘસારો ન પુરાય તો સંસાર તૂટી પડે. જમીનમાંથી પાક લઈએ તેની શરત તેને ખાતર આપીએ તે છે. આપણું જીવન છે ત્યાં સુધી વિશ્વને આપણે ઘસારો આપીએ જ છીએ. તે ઘસારો ન પૂરે તે ચોર, કે પાપનું અન્ન ખાનારો, ઈન્દ્રિયારામી, આ ત્રણે શબ્દો ગીતાના છે.

           આપણે લઈએ છીએ, તેનું વળતર નથી આપતા કારણ કે હાથ, પગ, મન-ઈન્દ્રિયો ચલાવવાની આળસ છે, હરામનાં હાડકાં છે, શિયાળામાં ટાઢ દૂર કરવાં લાકડાં બાળીએ છીએ. જોઈએ તેટલા જ કે વધારે? અને તે પછી કાપેલ ઝાડના બદલામાં નવા ઉગાડીએ છીએ? ન કરીએ તો એક દહાડો લાકડાં ન મળે.

           માબાપ આપણને બાલ્યાવસ્થામાં ઉછેરે છે. ગુરૂ આપણને જ્ઞાન આપે છે, શેઠ આપણને કામ આપે છે, ગૃહિણી આપણને હૂંફ-શાંતિ આપે છે, મિત્ર સાંત્વના માટે છે. આ બધાં વિના ન જીવી શકીએ. તેનું ઋણ આપણે પાછું વાળીએ છીએ? તે માટે પરિશ્રમ કરીએ છીએ?

           જો ન કરીએ તો સૂર્ય નારાયણે પ્રવર્તાવેલો કાયદો તોડી, સંસારનું શોષણ કરીએ છીએ.

           આજની દુનિયામાં આ કાયદાનું જ્યાં પાલન થાય છે ત્યાં સુખ છે. જ્યાં પાલન નથી ત્યાં વિપત્તિ-વિમાસણ છે.

           દક્ષિણ આફ્રિકાના ગોરાઓને કાળાઓ પાસેથી લેવું છે-દેવું નથી, તેઓ ઈન્દ્રિયારામી છે, પરિણામે છે, કલહ.

           અરે દરેક દેશ, દરેક જૂથ, બીજાની પાસેના લાભ ખાટી જવા માગે છે. આંતરરાષ્ટ્રીય વેપારમં પોતાનું પાસું જમા રહે, બીજાનું નબળું-દૂબળું રહે તે કાર્યક્ષમ વેપાર કહેવાય તેમ મનાય છે. હકીકતમાં યજ્ઞના કાયદા મુજબ ન જમા હોય, ન ઉધાર. ત્રાજવા ફલોફલ-સમ હોય. તેવુ6 આજે નથી. એટલે આળસ, ગરીબી અને પછાતપણાની વિરાટ સમસ્યા છે. ગીતા અધ્યાત્મ એટલે કે મૃત્યુ પછીના અજ્ઞેય જગતની કેડી બતાવનારો ગ્રંથ નથી જ નથી. આ જગતમાં આજની ઘડીએ ભલે તમે યંત્ર જગતમાં માનતા હો કે હાથઉદ્યોગમાં, તમે 21 મી સદીમાં માનતા હો કે 19મી સદીમાં/ તમે ઉપગ્રહમાં વસવાના હો કે અહીં-ચાલુ જીવનને સુખી કરવાનો કાયદો બતાવનારો ગ્રંથ છે. એ વૈજ્ઞાનિકોના “લો ઑફ કન્ઝર્વેશન”ના કાયદાનું હજારો વર્ષ પર કરેલું પ્રસ્થાપન છે.

           “લૉ ઑફ કન્ઝરવેશન” જેવો અફર, યજ્ઞનો કાયદો છે. અને કર્મ વિના યજ્ઞ શક્ય નથી.

     ભગવાને પ્રાપ્ત કર્મ ન છોડવા માટે અર્જુનને બે કારણો આપ્યાં:

 1. કર્મ છૂટી શકતાં જ નથી, સંસાર આખો કર્મથી જ ઓતપ્રોત છે.
 2. સંસાર યજ્ઞચક્રથી ચાલે છે, તેમાં જે ફાળો ન આપે- છતાં ઘસારો આપે તે પાપ કરે છે.

કર્મસંસાર બધે છે, પણ અહીં ભગવાન એક વિશેષ પ્રકારના કર્મની હિમાયત અને સમજણ આપે છે.

           આને માટે તેમણે શબ્દ આપ્યો છે “લોકસંગ્રહ” . ગાંધીજીએ આ શબ્દને પ્રચલિત કર્યો. યજ્ઞકર્મો એટલે લોકસંગ્રહ બુદ્ધિથી થતાં કર્મો. લોકસમૂહનું ધારણ-પોષણ, સત્ત્વસંશુદ્ધિ, થયા કરે તે કર્મો લોકસંગ્રહનાં કહેવાય.

           ધારણ અને પોષણ જે જે કર્મોથી થાય છે તે સમજાય તેવાં છે જ. અન્ન, વસ્ત્ર, આશ્રયનું ઉત્પન્ન ઉઘાડું છે. આ દૃષ્ટિએ ગાંધીજીએ કાંતણને વસ્ત્ર ઉત્પાદન માટેનું આવશ્યક કર્મ છે તેને યજ્ઞકર્મકહ્યું, કાળક્રમે નવાં શોધી શકાય, જૂનાં છોડી પણ શકાય.

           કસોટી એક જ છે. સૌનું જે વડે ધારણ-પોષણ થાય તે કર્મો યજ્ઞકર્મ. થોડાનું થાય, અને ઘણાંનું ન થાય. તે કર્મ યજ્ઞકર્મ નથી. કારણકે જીવનનું ધારણ-પોષણ સૌને માટે સરખું જરૂરી છે. આમાં ઝાઝા-થોડાની લોકશાહી નથી: ઝાઝાને શ્વાસ લેવાની સગવડ હોય, અને થોડાને ન હોય તે અસ્વીકાર્ય છે. કારણકે થોડા પણ તે વિના મરી જ જાય. બધાને પોષે તે યજ્ઞકર્મ.

           પણ સત્ત્વસંશુદ્ધિ એટલે શું?

           સંસારમાં અનેક યોનિઓ છે. શાસ્ત્રો તેનો મભમ આંકડો ચોરાશી લાખનો ગણાવે છે. આ દરેક યોનિને પોતાની વિશેષતા છે. તેથી જ તે અલગ પડે છે. ગાયનું ખાસ લક્ષણ અલગ છે. વાઘનું અલગ છે. જે યોનિની જે વિશેષતા તે તેનું સત્ત્વ કહેવાય.

           હવે મનુષ્યની વિશેષતા શું છે?

           કોઈકે કહ્યું કે, મનન કરી શકે તે મનુષ્ય. ખાવા-પીવાનું-ઊંઘવાનું, સંતતિ પેદા કરવાનું તો અનેક યોનિઓ કરે છે.

           પણ મનુષ્ય યોનિની વિશેષતા શું છે?

           અલબત્ત વિચાર-વિવેક શક્તિ તો છે જ.

           સ્વામી વિવેકાનંદે જડ ચેતનનો ભેદ સમજાવતાં એક જગ્યાએ કહ્યું છે કે જબરદસ્ત એંજીન કરતાં કીડી ચડિયાતી છે.

           કારણકે એંજીનનો અવાજ સાંભળી કીડી પાટા પરથી ઊતરી જાય છે. પણ એંજીન પાટા પર બેઠેલ બાળકને જોઈ ઊભું નહિ રહે કે બાજુ પર ઊતરીને નહિ ચાલે.

            કીડી ચેતન છે. પોતાના જીવને બચાવવાની વૃત્તિ ધરાવે છે. પણ તેને બીજાના જીવને બચાવવાનું જ્ઞાન નહિ.

           મનુષ્યમાં સહાનુભૂતિનું તત્ત્વ છે. તેમાંથી દયા-કરુણા, સેવા વગેરે ભાવો જાગે છે: તે કારણે જ દેવાશ્રમો, રેડક્રોસ, રક્તપિતીયાંની હોસ્પિટલો, વૃદ્ધાશ્રમો ચાલે છે. આ સહાનુભૂતિ વિકસતાં છેક વિશ્વ સુધી વિસ્તરે છે. આફૈકાનો ભૂખમરો ગુજરાતને હલાવે છે.

           આજે તેના શ્રેષ્ઠ પ્રતીક મધર ટેરેસા છે.

           આવું જ ત્રીજું લક્ષણ દેખાયું છે “સૌંદર્યબોધ”

તેમાં ભલે ગડથોલાં ખાધાં હોય, તે તો વિચાર અને સહાનુભૂતિના ક્ષેત્રમાં પણ બને છે.

            પણ જંગલી કે સંસ્કારી, કાળો, પીળો, કે ધોળો સહુને સૌંદર્ય ગમે છે. આકાશનાં રંગો હોય કે તેના અનુકરણરૂપે ચિત્રના રંગો હોય પણ તે ગમે છે, આલબદ્ધ નાચવું, સૂરમાં ગાવું ગમે છે.

           આ છે મનુષ્યનું સત્ત્વ, કોઈ કહેશે માનવીના આ ત્રણે વાનાં ટકી રહે, વિકસે તેવાં કર્મો તે લોકસંગ્રહ.

           આને માટે છે મનુષ્ય જન્મ.

           એક દહાડો પૃથ્વીનો નાશ થવાનો છે તેમ માનીને તેથી ખાવા-પીવાનું કર્મ અટકતું નથી, તેમજ સત્ત્વસંશુદ્ધિની શોધનાં કર્મો પણ અટકાવનાં નથી. આને ટકાવવા માટે યુદ્ધ જેવું ભીષણ કર્મ આવી પડે તો તે પણ કરવાનું છે.

           એટલે જ આગળ જતાં ભગવાને અર્જુનને કહ્યું કે, “અદર્મીઓનું દમન કરવા અને ધર્મીઓનું પ્રસ્થાપન કરવા હું અવતરું છું.”સંભવામિ યુગે યુગે.

           પણ કર્મની અનિવાર્યતા કે મહિમા કહેવાથી પતતું નથી. પ્રશ્ન કર્મ કેમ કરવા જેથે તે બંધનરૂપ ન થાય તે છે. ધારણ-પોષ્ણ-સત્વસંશુદ્ધિના નામે જૂનાં કર્મો પણ સમજ વગરના કે બાંધનારાં હોઈ શકે.

=========================================

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
2 comments on “ગીતાની શીખ અને મહાભારતનો મર્મ/મનુભાઈ પંચોળી-‘દર્શક’
 1. dtdesai કહે છે:

    Dr. Dipak .T. Desai Professor & Head Department of (Vegetable Science) ASPEE, College of Horticulture & Forestry Navsari Agricultural University Navsari 396 450 India

 2. વસંત ભાઇ કહે છે:

  કર્મ વિષે ની સમજણ શ્રી મનુભાઇ પંચોળી લીખીત ગીતા વિષે ની ટિપણી વાંચી વધારે સ્પષ્ટ થઇ.
  વિશેષ વાંચ્યાની અનુભૂતી થઇ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
 • 627,741 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
એપ્રિલ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: