“હે… અલ્લા! હે… અલ્લા!”/ ઝવેરચંદ મેઘાણી/[મિલાપની વાચનયાત્રા:1956

      123(1)               

  “હે… અલ્લા! હે… અલ્લા!”/ ઝવેરચંદ મેઘાણી

 [મિલાપની વાચનયાત્રા:1956/સંપાદક:મહેન્દ્ર મેઘાણી/લોકમિલાપ/પાનું:42]

[પ્રકાશક: ગોપાલ મેઘાણી, લોકમિલાપ.પો.બો.23 (સરદારનગર) , ભાવનગર 364001 ફોન: (0278) 2566402]

 

           રાતના આઠ વાગ્યે જ્યારે હું ને ઘૂઘો પગી નાસ્તો લઈને ગામમાંથી કિનારે આવ્યા ત્યારે સુકાન પર બેઠેલો સામતભાઈ રોટલો ચાવતો હતો.

       “અરે અરે, સામતભાઈ!” મેં કહ્યું : “હું નાસ્તો લાવું છું એમ કહીને ગયો’તો ને?”

       “તમતમારે નાસ્તો જમો, ભાઈ; મારે રોટલો ઘણો છે.”

       “એમ હોય કાંઈ?” મેં ત્રણ જણ વચ્ચે નાસ્તો પાથરવા માંડ્યો.

       “ના,ભાઈ, તમે નોખા જમો-અમને એમાંથી થોડુંક આપી દ્યો; તમે ઊંચ વરણ કે’વાઓ.”

        મેં જીદ કરીને પણ ભેળા જ નાસ્તો જમી મારું સ્વભાવગત શુદ્રપણું સાબિત કર્યું અથવા મારા મનને એમ મનાવી લીધું કે હું શુદ્ર જ છું. જમાનો હવે શૂદ્રોના શાસનનો આવ્યો ખરો ને!

        “ભાઈ!” સામત બોલ્યો : “આજ પીરે જાનારા ઘણા જણા આવવાના છે, માટે તમે આંઇ સોખવાણ (સુકાન) પાસે મારી ભેળા આવી જાવ. આપણને બેયને ઠીક પડશે.”

         મેં સામતભાઈની ગોદમાં બિછાનું પાથર્યું; પૂછ્યું : “આપણે પાછા ક્યારે ઊપડશું?”

         “ચંદરમા આથમ્યે આર ઊતરીને વીળ્યનાં પાણી ચડશે ને, ભાઈ, તયેં મછવો હંકારશું. વીળ્ય ને વાવડો-બેયનો લાગ જડશે.”

          એમ કહી સામતે ભંડકિયામાંથી એક પુરાતન હાફ-કોટ કાઢીને ઠંડીમાં કંપતે કંપતે ધારણ કર્યો.

          “સામતભાઈ, મોટી મુસાફરીઓમાં મારગ ને દિશા કેમ સૂઝે તમને?”

           “દરિયામાં કેડા તો થોડા છે, ભાઈ? પણ દિયાળે કરતાંય રાતે અમારી આંખ્યું વધુ ભાળે : ક્યાં કાદો છે, ક્યાં ડાંડો છે – એ સંધું અમે અમારી આંખ્યુંને મહાવરેથી પાણીની હેઠયે માપી શકીએ. ને મોટા દરિયામાં દૃશ્ય સૂઝે અમને આભના લાખતર ઉપરથી.”( ‘લાખતર’ એટલે નક્ષત્ર.)

           “ક્યાં ક્યાં નખતર તમારાં?-બતાવો જોઉં!”

           ડોલતા નાવડામાંથી નોખનોખી દિશામાં આંગળી ચીંધતો ખલાસી એનાં રોજ રાત્રીનાં આકાશી સાથીઓની ઓળખાણ આપવા લાગ્યો :

           “જુઓ, ભાઈ, આ ધરૂ (ધ્રુવ)… એની સામે આ ચોકી…. આ ઊગમણ્ય ને આ આથમણ્ય…. આ ધરૂ અને ઊગમણ્યની વચ્ચે કળાય એ સૂરતીલાલ… ધરૂ ને આથમણ્યની વચ્ચે ચળકે  એ મકરાણીલાલ… આ મકરાણીલાલની સામો રિયો એ બખાઈલાલ… આ ડુંગરને પડખે ટમકે હિંદવાણીલાલ. હવે આમા બખાઈલાલની દૃશ્યે આવ્યો અપાર મોટો દરિયો; એ દૃશ્યે ન હંકારીએ. હવે, ભાઈ,” સામતે સમજાવ્યું : “ગમે તેવી મેઘલી રાત હોય, મે હોય-પણ આ ચાર દૃશ્યમાંથી એક જ દૃશ્ય ઉઘાડી હોય, એ એક જ લાખતર દેખાતું હોય, તો અમે તમામ કેડા નક્કી કરી શકીએ.”

          “દિશા બિલકુલ ન કળાય તો?”

          “તો વાણ હોદારીને બેઠા રહીએ જ્યાં હોઈએ ત્યાં. સવાઈ પીર! સવાઈ પીર! પીર કનારે પોગાડે તયેં ખરું. નીકર અમારાં મોત તો રતનાગરને ખોળે લખ્યાં છે ને !”

  ખાડીમાં કૈંક વહાણો લોથારી (લંગર) નખી પડ્યાં હતાં. ચંદ્રમાનાં અંઘોળ ઝીલતું આકાશ શાંતિમય હતું .ઓટનાં પાણીને લઈને પાછો ચાલ્યો જતો દરિયો, અનેક ધોળા ગાડરનું ટોળું હાંકીને વગડે જતા ગોવાળ જેવો, પોતાની નિગૂઢ સરજૂ લલકારતો હતો. તે વખતે એક વહાણ ઉપર કશીક તકરારના બોલ સાંભળીને સામતના કાન ચમક્યા. એણે લોથારી ઉપાડી લઈને પોતાના દસેક માણસે ભર્યો મછવો એ વહાણની નજીક લીધો.

           વહાણમાંથી અવાજ આવ્યો : “કાં સામત?”

          “કોણ? રૂખડમામો કે?”

          “હા, ભાઈ! હાલ્ય રોટલો ખાવા.”

          “મીંએ ખાધું; તમે ખાવ. પણ રીડયું શીની પડતી’તી, મામા?”

          “સાચું કે’જે, સામત!” રૂખડમામાએ ભોળી વાણી કાઢી : “મારી વઉ બેટમાંથી આંહી કામકાજે આવી હોય, ને પાછી જાવા સારુ તારે મછવે ચડે, ને તું ઈની પાસે ગેરવાજબી માગણી કર, તો કીમ?”

           “અરે, રામ રામ! મારો પીરનો મછવો : ઈમાં એવી નાલાયકી હોય? કુણ ઈમ બોલનારો હતો?”

            “આપણો બેટવાળો કરણો. મારી બાયડીને ઈણે આવું વેણ કહ્યું. ઈ બાપડી આંઈ આવેલી તયેં પૈસા આપીને ઈને મછવે ચડવા ગઈ’તી.”

           “હશે, ભાઈ; નાલાયકને શું કે’વું! વાત પડી મેલ્ય. ને હાલ્ય, મામા,’ આવવું છે બેટ?”

“હા, માલ હજી ભરાણો નથી એટલે આજની રાત છોકરાંને મળી જાવા આવવું છે.”

            મછવો રૂખડમામાને લઈને ઊપડ્યો. “હાલ્યો આવજે ઘેરે!” રૂખડમામાએ ખાડીમાં ચીસ નાખી : “કરણા, હાલજે ઘેરે; જો બીજે કીંયે જાતો નહિ. હું ઘેરે જ જાઉં છું. ન્યાં મલશું આપણે.” 

            મેં કહ્યું : “રૂખડભાઈ, એ ખારવાએ તમારી વહુને આમ કહ્યું એ તો બહુ ગેરવાજબી! તમે હવે એને શું કરશો?”

           “શું કરીએ, ભાઈ?” રૂખડે ખામોશભર્યો સ્વભાવ પ્રગટ  કર્યો : “અમારે રોજ દરિયા ખેડવા – બાયડીયું ઘેરે એકલી : એને પાશેર મરચું જોતું હોય આંઈ લેવા આવે : એમાં કોઈક નાલાયક આવું બોલે તો એને ઠપકો દઈએ; બીજું શું કરીએ, ભાઈ? કજિયા માંડવા ક્યાં બેસીએ?”

          કોઠો ટાઢો કરીને રૂખડ ઘસઘસાટ સૂઈ ગયો. બીજા દસ જણાંએ પણ નીંદર ખેંચી. હું અર્ધનિદ્રિત હતો. એકલો સામત સુકાન સાચવતો, શઢને વાવડાની દિશા પ્રમાણે વારે વારે ફેરવી ફેરવી બાંધતો, સીધી તીર સરીખી નજરે સન્મુખ કેડો માપતો જાગે છે. એણે ગાંજાની સટ બે-ત્રણ વાર ચડાવી છે. ત્રણ વાર તો સહુ મુસાફરોને ચા કરીને પાઈ છે. સહુને ઉંઘાડીને પોતે એકલો જાગે છે. પેટના રોટલા સારુ એણે ત્રણ રાતથી ઝોલું નથી ખાધું.

          “ભાઈ, આજ ત્રીજો ઉજાગરો છે મારે. આંહીથી સીધા આપણે પીરે મછવો હંકારશું; ત્યાં આ સહુને ઉતારીને પછેં ‘પોટા’ માથે હાંકી મેલશું, હો ભાઈ! વીળ્ય છે તાં જ પોટે પોગાડી દેશ તમને.”

          “ફિકર નહિ, સામતભાઈ.”

          ચાંચ અને શિયાળબેટ વચ્ચે, જળની હેઠે છુપાઈ રહેલી દાંતી છે. વચ્ચે એક જ ઠેકાણે થઈને ‘સવાઈ પીર’ની અણી ઉપર જવાય છે. જરાક ચૂક પડે તો મછવો કે વહાણ એ દાંતીનો ભક્ષ બને.

           મારી કાંડા-ઘડિયાળના સળગતા આંકાએ અંધારામાં જ્યારે બે બજ્યાનો અમલ બતાવ્યો ત્યારે સામત સહુને ‘પીર’ને કિનારે ઉતારી નાખી, મને અને ઘૂઘાને લઈ પાછો વિકટરની ખાડી તરફ મછવો વાળી રહ્યો હતો. હવે તો વિકટર જઈને જાગવું છે, એ વિચારે હું ભરનીંદરમાં પડ્યો.

                                                *

          સ્વપ્નું ચાલે છે : બખાઈલાલ અને અરબાણીલાલ વચ્ચે હીંચકો બાંધીને જાણે કોઈક મને ફંગોળી રહેલ છે.

          જાગ્યો. મછવો ડોલે છે. પાણીના હડુડાટ થાય છે. હમણાં જાણે દરિયો ડાબી બાજુથી મછવા પર ચડી બેસશે. હમણાં જાણે જમણી બાજુથી જળ ભરાઈ જશે. કૂવામાં બોખ જેવી દશા એ નાનકડા મછવાની બની રહી હતી.

          ધડ : ધડ : ધડ : મછવાને તળિયે જાણે કોઈક હથોડા પછાડી રહ્યું છે.

          ઘડિયાળના સ્વયંપ્રકાશિત લીલા કાંટા સાડાત્રણના આંકડા પર હતા. વિધાતાના જ લખ્યા એ જાણે આંકડા હતા. અંધારું ઘોર : તારાઓ સૂનમૂન : તરંગોના પછાડ : તળિયેથી કોઈ કુહાડાના પછડાટો : દૂર દૂર પોતાની કેફચક્ચૂર આંખને મીંચતો ને ધીરે ધીરે ખોલતો, ચાંચના ખડક પરનો નવો કંદેલિયો.

          મારી આંખો સામતને શોધતી હતી. સામતભાઈ એકલો મૂંગો મૂંગો વાંસડો લઈને તળિયાના પથ્થરો સાથે જોર કરે છે; ઘડીક શઢનાં દોરડાં ફેરવી મછવાને ઉગારવા મથે છે.

          “સામતભાઈ, સામતભાઈ!” મેં પોકાર્યું : “આ શું થાય છે? આપણે ક્યાં છીએ?”

          સામતભાઈને ખુલાસો કરવાની વેળા નથી. દરિયો હડૂડે છે. વરુ જેવાં વિકરાળ મોજાં એક તરફથી મછવાને થપાટો દઈ, બીજી બાજુએથી અંદર ચડવા આવે છે.

          ઘૂઘો પગી ઊઠ્યો : “એલા સામત, ક્યાં ભેખડાવ્યું?”

          ઉગાર સારુ મથી રહેલ સામતે દીન શબ્દે ઉત્તર વાળ્યો : “દાંતીમાં ભરાણો છે મછવો.”

          બીજો વાંસડો લઈ ઘૂઘો કૂદ્યો. મથતાં મથતાં પૂછે છે : “કેમ કરતાં? ઝોલે ગ્યો’તો તું?”

          “અરે, ઝોલે શું જાઉં? પીરેથી મછવો પાછો વળ્યો; પણ સામી વીળ્ય દાંતીની ગાળીમાંથી નીકળવા જ દેતી નથી. બે વાર તો ઠેઠ ભેંસલે જાતો મછવાને નાખી દીધો. હેરિયાં કરી કરીને (શઢ ફેરવી ફેરવીને) આંઈ પાછો લાવું છું,– પણ મારીને પાછો કાઢે છે. આ વેળ કાદાને માથે ચડી ગયા છીએ.”

         “હવે શું થાય, હેં ઘૂઘાભાઈ?” વિદ્ધાને પૂછ્યું.

         “કાંઈ નહિ, ભાઈ!” ઘૂઘો કહે છે : “તમેતમારે સૂઈ જાવ. અમે હમણે મછવાને બા’રો કાઢશું.”

         સૂઈ જાવ! વિદ્ધાનને આ મોતના મુખમાં સૂઈ જવાનું કહેનાર ખલાસી એ કાળી રાતનો કોઈ મૃત્યુંજય દેખાયો.

         “ના ના, ઘૂઘોભાઈ!” વિદ્ધાને વ્યાકુળતા છુપાવવા માંડી : “હું તમને કશી મદદ કરી શકું તેમ છું?’

         એમ કહેતાં એ બે ખલાસીઓ પ્રકૃતિના આ કાવતરાની સામે ઊતરી પડયા. નીચે પગ ચીરી નાખે તેવા ધારદાર પથ્થરોની દાંતી હતી. મછવાને પછાડીને મોજાં હમણાં જ ચડી બેસશે, એવો આખરી મામલો હતો. મછવાની અંદર એક જીવતા જીવનું, અમલદારોના ઓળખીતાનું, ઘડીકમાં ગભરાઈ જાય અને ફડકે ફાટી પડે તેવી વાણિયા જ્ઞાતિના રતનનું જોખમ હતું.

         “હે…. અલ્લા! હે…અલ્લા! હે… અલ્લા!”

         શ્વાસેશ્વાસે એ કરુણ રાગના અવાજ દેતા બેઉ નાવિકો જહેમત કરતા હતા. સામે મોજાં ઘૂરકતાં હતાં. નીચે દાંતી ભરાવતી હતી. આઘે આઘે શિયાળ અને ચાંચની ધરતી કોઈ વિરાટ શબો જેવી સૂતી હતી. ભૂતના ભડકા કાઢતો કંદેલિયો ચાંચને પાછલે છેડે હાંફતો હતો. કાળી રાત હતી : કાળાં નીર હતાં. ભેંસલો ખડક જાણે વાટ જોતો હતો કે ક્યારે મછવાના કટકા થાય!

          એ બધી કાળાશ વચ્ચે, એ સૂનકાર રાત્રીના ખા…ઉં! ખા…ઉં! બોલતા લોઢરૂપી ચૂડેલો વચ્ચે, જીવનમરણનો જંગ ખેડતા બે ધીર મર્દોની એ વાણી કેવી સંભળાઈ હશે-

             “હે….અલ્લા! હે…અલ્લા! હે… અલ્લા!”

          એમાં તીણી ચીસો નહોતી; બુલંદ પોકાર નહોતો. જેને સંભળાવવું છે તે જાણે કે પોતાની નજીક, પોતાની બાજુએ જ આવી ઊભો હોય એવો હળવો, મીઠો ને આખરી વેળાનો છતાં કાકલૂદી વગરનો, સાચા પુરુષાર્થનો હતી, કેમ કે પુરુષાર્થના કંઠની એ પ્રાર્થના હતી.

          કાદા ઉપરથી મછવો ભરદરિયે કાઢીને પાછો સામતભાઈ બહાર નીકળવા ચાલ્યો-ત્યાં ને ત્યાં : મોતના મોંમાં.

         “હેં, ભાઈ!” મેં અંદરની આકુલતાને ડહાપણની વાણીમાં વિંટાળીને કહ્યું: “વીળ્ય ઊતરી જાય ત્યાં લગી લોથારી નાખીને મછવો હોદારી આંહી જ પડ્યા રહીએ તો શી હરકત છે? મારે કાંઈ પોટે પોગવાની ઉતાવળ નથી.”(ભાષા મેં પકડી લીધી હતી!)

         “અરે ના રે, ભાઈ!” સામતે નોક બતાવ્યો : “એમ કાંઈ બીને આંઈ પડ્યા રે’વાશે?”

         એ ચોથી વાર સામતે દાંતીમાંથી મછવાને પાર કરી દીધો.

                                            *

          ખાડીનાં પાછાં વળતાં પાણી પ્રભાતે બડબડિયાં બોલાવીને મને પૂછતાં હતાં : “કાં મિસ્તર! બાપડા આવા ભૂખલ્યા કંઠાળ દરિયામાંય એક રાતનો અનુભવ મહાન કોઈ પરાક્રમનો પ્રસંગ લાગી ગયો? આવી કંગાલ વાત કરી કરીને ધરતીનાં લોકોની વચ્ચે વીરમાં ખપશો કે?”

          માથું નમાવીને મેં ઉત્તર દીધો : :હે સાગર! અભિમાનનો વિશય નહિ બનાવું; પણ આ એક રાત્રીના એક પ્રહાર પરથી ત્રિરાશી બાંધીને નાવિકોના ધીર જીવનસંગ્રામની વેદના સમજાવીશ.”

         પોર્ટ વિકટરના વિશાળ ખાળામાંથી ખળખળીને દરિયા-જળ પાછાં વળતાં હતાં. કુંજડાં પંખીની પંક્તિઓ ને પંક્તિઓ, નીલ આકાશમાંથી વિખરાયલ કોઈ કાબરચીતરાં મોતીની મોતવાળ જેવી, મેરામણ ઉપર ઊડી આવતી હતી. કાઠિયાણીના કંઠ શા એના લંબાયમાન આનંદ-સૂરો મને એક કાઠી લગ્નગીતની, છ વર્ષો પર સાંભળેલી પંક્તિઓ સંભારી દેતા હતા :

                             લાંબી ડોકે કુંજડ રાણી!

                        અને તારાં મધદરિયે મનડાં મોહ્યાં રે

                                   કુંજડ રાણી !

                                           *

           

 

                                                                                   

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
2425262728  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: