દુનિયા સાવ એવી નથી… //અખંડ આનંદ ફેબ્રુઆરી,2014

(1)  અલ્લાહના બંદા ‘ગુલશન’ ને સલામ/ઉષા ઉદય મહેતા

[અખંડ આનંદ, ફેબ્રુઆરી, 2014/દુનિયા સાવ એવી નથી…. પાના: 76 –77]

           સાચે જ 26 જુલાઈ, 2005ની એ રાત કોઈ મુંબઈગરો ભૂલી નહીં શકે!

           એ દિવસે સવારથી આકાશ ગોરંભાયેલું હતું. 9-10 વાગતાં તો જાણે સાંજ પડી ગઈ હોય એમ લાગતું હતું અને ધોધમાર વરસાદ તો ચાલુ જ હતો.

          આ તો મુંબઈનો વરસાદ ! ક્યાં વધારે આવે? હમણાં અટકી જશે… એવું વિચારી હું તો ‘મોલ’માં ખરીદી કરવા નીકળી પડી અને ખબર જ ના પડી કે કેટલા વાગ્યા. બધું પતાવી બહાર આવી તો બધી દુકાનો ફટાફટ બંધ થવા માંડી હતી અને ચારેતરફ અફરાતફરીનો માહોલ હતો. કોઈને પૂછ્યું તો કીધું કે ખૂબ જ વરસાદને કારણે પાણી ભરાઈ ગયાં છે. મોબાઇલમાં જોયું તો કેટલાય ‘મિસ્ડ કોલ્સ’ પણ હવે તો નેટવર્ક પણ જામ થઈ ગયું હતું. રિક્ષા મળે એ માટે આગળ ચાલતી હતી. ક્યાં ગટર અને ક્યાં સડક કાંઈ જ ખબર નહોતી પડતી. અને એક મોટા ખાડામાં હું પડી ! એકબાજુ અવિરત વરસતો વરસાદ, અંધારું, હાથમાં સામાન ! જેમ તેમ કરી ફરી હું ઊભી થવા ગઈ તો પગે સાથ જ ન આપ્યો અને ઓ મા રે ! કહીને જોરદાર ઝટકાથી પાછી પડી અને પાણીના વહેણ સાથે ખબર નહીં ક્યાં સુધી ઘસડાઈ. અસહ્ય દુ:ખાવો, આંખમાં આંસુ અને ડરની મારી ભગવાનને યાદ કરતી હું ચારે બાજુ બહાવરી નજરે મદદ માટે વલખાં મારતી હતી.

          એવામાં ન જાણે ક્યાંથી ‘અલ્લાહના બંદા’ જેવો એક રિક્ષાવાળો પાણીમાં જેમ તેમ તેની રિક્ષા ખેંચતો મારી પાસે આવ્યો અને કહ્યું, ‘બહેનજી, હું ક્યારનો જોયા કરું છું, તમે ઊભા થવાની કોશિશ તો કરો છો પણ વારંવાર પડી જાવ છો. મારાથી રહેવાયું નહીં, ચાલો બેસો, હું આ રસ્તાનો જાણકાર છું અને ખબર છે કે ક્યાં ખાડા છે.’ એણે મને જાળવીને રિક્ષામાં બેસાડી. પાણીથી લથપથ હું અને મારો સામાન? અને દુખાવો કહે મારું કામ ! એ ખૂબ જ સાચવી સાચવીને રિક્ષા ચલાવી રહ્યો હતો. રસ્તો જાણે દરિયો બની ગયો હતો.

           કેટલાય લોકો ગાડીમાં ફસાઈ ગયા હતા. લોકોની ઘરવખરી પાણીમાં તરતી આમતેમ અથડાતી હતી અને મૂંગાં લાચાર પશુઓને કોણ પૂછે? બિચારાં નિ:સહાય તણાતાં જતાં હતાં. કાદવ, કીચડ, ગંદું. ડહોળાયેલું પાણી અને મારો દુખાવો ! જોયું તો પગ સૂજીને દડા જેવો થઈ ગયો હતો.

          રિક્ષાવાળો બોલતો હતો. તેનું નામ ‘ગુલશન’ હતું. ‘આપ તો નસીબવાલે હૈં કિ બચ ગઈ, વરના કિતની જાનહાનિ હુઈ હૈ, ઉસકા કોઈ ઠીકાના નહીં.’ નીચાણવાળા વિસ્તારનાં ઘરોમાં કેટલાય ફૂટ પાણી ભરાઈ ગયું હતું. કોઈની રિક્ષા, સ્કૂટર, ટેક્સી બધું તણાઈ ગયું હતું. વરસાદ, વીજળીના ચમકારા, વાદળોનો ગડગડાટ ! મેં તો કાન જ બંધ કરી દીધા પણ એમ કરવાથી દુ:ખાવો થોડો ઓછો થવાનો ? મેં તેને કીધું કે ‘ભાઈ, કાંઈ પણ કરીને મને કોઈ હૉસ્પિટલમાં લઈ જા ! એણે મહામહેનતે રિક્ષાને પલટી મારતી બચાવી ને અમે સિટી ક્લિનિકમાં આવ્યાં. એ અંધારામાં ડૉક્ટર અને સ્ટ્રૅચર લઈ આવ્યો અને મને સુવડાવી એક્સ-રે કાઢતાં ખબર પડી કે ‘મલ્ટીપલ ફ્રૅક્ચર’ થયું છે અને ઑપરેશન કરવું પડશે. હું તો રડતાં રડતાં ફક્ત એટલું જ કહેતી કે ‘મારે ઘરે ખબર પહોંચાડો !’ ફરી એ ‘ગુલશન’ મારી પાસેથી ઍડ્રેસ લઈ, ઘરે જઈને મારા પતિ અને બાળકોને લઈને આવ્યો. ત્યારે રાતના ત્રણ વાગ્યા હતા. હું તો બેહોશ જ થઈ ગઈ હતી પણ પછી તો ઑપરેશન પણ થયું, પગમાં સળિયો પણ નાખ્યો અને બે મહિનાનો ખાટલો થયો એ નફામાં.

          જેટલા દિવસ હું હૉસ્પિટલમાં રહી ત્યાં સુધી એ ‘ગુલશન’ ત્યાંથી હટ્યો નહીં અને દવા, ફ્રૂટ બધું એની ત્રેવડ પ્રમાણે અને ઘરવાળાની ના પાડવા છતાં લાવતો જ રહ્યો અને પછી ક્યાં અલોપ થઈ ગયો એની ખબર પણ ના પડી ! પછી તો વરસાદ પણ રહી ગયો. ટી.વી.માં સમાચાર જોયા ત્યારે ખ્યાલ આવ્યો કે કેટલુંય નુકસાન થયું હતું અને કેટલાય લોકો બેઘર બની ગયા હતા. પેલો રિક્ષાવાળો ‘ગુલશન’ ન હોત તો મારું પણ શું થયું હોત ?

            આજે પણ જ્યારે વરસાદ આવે હું ભીંજાતી અને થોડી લંગડાતી ચાલે પણ ઘરની બહાર નીકળું છું અને પેલો અલ્લાહના બંદા જેવા એ ‘ગુલશન’ ને શોધતી રહું છું !

                             *  *  *

                                          બી-20, પુષ્પ એક્સેલેન્સી, કાંદીવલી, મુંબઈ-61

——————————————————————————————————————————–

                                             *

 (2)  ઋણમુક્તિ અને વચંપાલન માટેની ઝિંદાદિલી

                        મનુભાઈ વ્યાસ

         મારા પિતાશ્રીના ભાગમાં મિલકતની વહેંચણીમાં વડીલોર્જિત મિલકતની માત્ર બે વીઘા જમીન ભાવનગર શહેરની નજીકમાં મળી હતી. આજથી પચાસ વર્ષ પહેલાં તેની કિંમત રૂપિયા એક હજાર જેટલી પણ ન હતી. તેમાં વળી ‘ખેડે તેની જમીન’નો કાયદો આવ્યો, એટલે જ સરકારી રેકૉર્ડ (દફતર) ઉપર જમીન તો ખેડૂત અરજણભાઈના ખાતે ચડી ગઈ હતી. સરકારી કિંમત મુજબ માત્ર રૂપિયા એક્સોમાં જમીન સોંપી દેવા ફરમાન થયું.

             મારા પિતાશ્રી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની નોકરી કરતા હતા, તેથી ઘણી મુશ્કેલીથી કુટુંબ નિર્વાહ અને અન્ય વ્યાવહારિક ખર્ચાઓને પહોંચી શકાતું હતું. આવી પરિસ્થિતિમાં આ ફરમાનથી તો જમીન પણ હાથમાંથી જવાના સંજોગો ઊભા થયા, અને મોટી મૂંઝવણ ઊભી થઈ.

            થોડા દિવસો પછી અચાનક ખેડૂત અરજણભાઈ અમારા પિતાશ્રીને મળવા આવ્યા. પિતાશ્રીએ અરજણભાઈને આવકાર આપ્યો અને મળવા આવવાનું કારણ પૂછ્યું. જવાબમાં અરજણભાઈએ કહ્યું કે, ‘અમે તમારા પિતાશ્રી નરભેરામદાદાના ઉપકારના ભાર નીચે દબાયેલા છીએ. વળી તમે બ્રાહ્મણ છો. ને હું તમારી જમીન ઓળવી લઉં તો ક્યા જન્મે હું પાપમાંથી મુક્ત થઈ શકું ? પરમાત્માનો ગુનેગાર બની પાપનો ભાગીદાર બનું અને જીવનભર પાપનો ભાર વેઠવો પડે !’

          મારા પિતાશ્રીએ કહ્યું કે – ‘ખેડે તેની જમીનના કાયદા પ્રમાણે તમે તેના કાયદેસરના માલિક છો. છતાં શા માટે તમે પોતાની જાતને ઈશ્ર્વરના ગુનેગાર માનો છો ?’

          અરજણભાઈએ મારા પિતાશ્રીને કહ્યું કે ‘ચાલો જ મારી સાથે કોર્ટમાં, અને કોર્ટને જણાવી દઉં કે તે જમીન તેના સાચા માલિકને સોંપી દો.’

          મારા પિતાશ્રી અરજણભાઈની આ વાતથી આશ્ચર્યથી સ્તબ્ધ થઈ ગયા ! તેમણે અરજણભાઈને કહ્યું કે ‘તમને તો જમીન કોઈપણ કિંમત ચૂકવ્યા વગર મળી છે. સોનાના ટૂકડા જેવી આ જમીન તમારે શા માટે જતી કરવી જોઈએ ?’

         અરજણભાઈએ કહ્યું કે, ‘આમ તો તમારી વાત ખરી છે. સરકારે કાયદેસર રીતે જમીન અમને સોંપેલ છે, પરંતુ અમારે તમારા પિતાશ્રી નરભેરામદાદાનું ઋણ ચૂકવવાનું હજુ બાકી છે. આજથી પંચોતેર વર્ષ પહેલાં તમારા પિતાશ્રીએ મારા પિતાશ્રીને તે વખતના રૂપિયા પાંચસોની મદદ કરી હતી. તે વખતે અમારી સ્થિતિ સાવ કફોડી હતી, કોઈ અમને એક રૂપિયો પણ આપવા તૈયાર ન હતું, ત્યારે નરભેરામદાદાએ અમને આવડી મોટી રકમ કોઈપણ જાતનું લખાણ ર્ક્યા વગર આપી હતી ! મારા પિતાશ્રી જ્યારે મરણ પથારીએ હતા ત્યારે અમારી પાસે પાણી મુકાવ્યું હતું કે નરભેરામદાદાપાસેથી લીધેલ રૂપિયા વ્યાજ સાથે ચૂકવી દેવા. અમે વચન આપ્યું પછી જ તેમણે પ્રાણ છોડ્યો ! અમે પિતાશ્રીને અંતિમ ઘડીએ આપેલ વચન ભૂલ્યા નથી. જો આ ઋણ ન ચૂકવીએ તો અમારા પિતાશ્રીના આત્માની અસદ્-ગતિ થાય !’

              આ હૃદયદ્રાવક હકીકત સાંભળી અમારા પિતાશ્રીની આંખમાં આંસુ આવી ગયાં. બીજા દિવસે અરજણભાઈએ કોર્ટમાં રૂબરૂ જઈ કાયદેસર લખાણ કરી આપ્યું ! આ રીતે જમીન મારા પિતાશ્રીના નામે ચઢી ગઈ !

            ખેડૂત અરજણભાઈએ બતાવેલ ઋણ મુક્તિ અને વચનપાલનની ઝિંદાદિલીની અનુભૂતિ થતાં હૃદયમાં ઉદ્-ગાર સરી પડ્યો કે, ‘દુનિયા સાવ એવી નથી !’

*  *  *

             ‘પંચમુખી’, શ્રીનાથજીનગર, પહેલો વિભાગ, બ્લોક નં.4, ભાવનગર-364002.

                                                                        ફોન નં.9376303985

                       *

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 292,844 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
ફેબ્રુવારી 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
 12
3456789
10111213141516
17181920212223
2425262728  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: