ભજગોવિન્દમ્ \\ શંકરાચાર્ય //શ્લોક: છઠ્ઠો


348a9-adi-shankaracharya-3811

ભજગોવિન્દમ્ \\ શંકરાચાર્ય   

    આસ્વાદ અને અર્થઘટન: સુરેશ દલાલ


પ્રીત ગઈ અને પ્રેત રહ્યું

                       યાવત્પવનો નિવસતિ દેહે

                              તાવત્પૃચ્છતિ કુશલં ગેહે  |

                       ગતવતિ વાયી દેહાપાયે

                              ભાર્યા બિભ્યતિ તસ્મિંકાયે       ॥  6  ॥

 

                   જ્યાં સુધી શરીરમાં  શ્વાસ  છે   ત્યાં  સુધી  જ  ઘરના

              માણસોનો સહવાસ છે.   શ્વાસ છે  ત્યાં  સુધી જ તેમને

                  તમારામાં રસ છે. જેવો શ્વાસ ગયો અને દેહ પડ્યો પછી

                                   શરીર વિકૃત થાય છે અને ખુદ તમારી પત્ની પણ તમારા

                  શરીરથી ભય પામે છે,   એટલે જ તું ગોવિંદનું ભજન કર.

 

            શંકરાચાર્ય શરીરની બાદબાકી કરતા નથી. એમનું તત્ત્વજ્ઞાન ઉપરછલ્લી રીતે નકારનું લાગે. માણસને સૌથી પહેલાં તો દેહનું અભિમાન હોય છે. આ દેહને ફટકતાં વાર નથી લાગતી. શંકરાચાર્ય આવા શ્લોકો દ્ધારા માણસને ઢંઢોળવાનો પ્રયત્ન કરે છે. માણસ કાંટાની વાડીને જો ફૂલનો બગીચો માનતો હોય તો એના ભ્રમનું નિરસન કરવાનો અહીં પ્રયત્ન છે. દેહ હોવા છતાં વિદેહ થઈને જીવવું, એમાં જીવનની સાર્થકતા છે. માણસ મરી જાય છે પછી એનું શરીર કોઈ કામનું નથી. બધા જ છોડી દે છે અને છોડનારા ખરાબ છે એવું નથી, પણ સંસારનો આ ક્રમ અને નિયમ છે. શેવાસ વિનાનું શરીર એ શબ છે. કોઈનો પણ દેહ પડે પછી બધા જ અગ્નિસંસ્કારની ઉતાવળમાં હોય છે. આપણને કોઈનો ફોન આવે કે જીવરામભાઈ ગયા, તો તરત જ આપણે સામો પ્રશ્ર પૂછીએ : એને ક્યારે કાઢી જવાના છો? પછી આપણે યંત્રવત્ ક્રિયા કરીએ છીએ.  ફૂલહાર ચઢાવીએ છીએ. પ્રણામ કરીએ છીએ. સ્મશાનમાં જઈએ છીએ. જો ઊંડો સંબંધ હોય તો ચિતા ઠરે ત્યાં સુધી બેસીએ છીએ. સ્મશાનના બાંકડા પર શૅરબજાર, રાજકારણ ઇત્યાદિની વાતો કરીએ છીએ. વચ્ચેવચ્ચે ક્યાંક ક્યાંક મરનારના સદ્-ગુણોની અછડતી વાતો કરીએ છીએ. કંઈક યાદ આવે તો સૅલ્યુલર ફોન પર સૂચના આપીએ છીએ. જીવનની ઇજ્જત કરતા નથી અને મરણનો મોભો સાચવતા નથી.

            આ એ શરીર છે જેને પત્નીએ પ્રેમ કર્યો હતો. પ્રેમની ઉત્કટ ક્ષણે એવું પણ  કહેવાયું હશે કે ભવોભવ તમે જ મળજો. એવી પણ ગુફ્તેગો થઈ હશે કે તમારા વિના હું એક ક્ષણ પણ નહીં જીવું. આ બધી વાતો ઝાકળ કે વરાળ થઈને ઊડી જતી હોય છે. ઉત્કટતા ઓસરે છે અને તીવ્રતા બુઠ્ઠી થતી જાય છે. ઘરના માણસોનો જીવ છેવટે તો વસિયતનામામાં ભરાયેલો હોય છે. શંકરાચાર્ય આવી બધી વાતો કરીને આપણામાં વૈરાગ્ય માટેની એક તરસ ઊભી કરે છે. આપણી તરસ છિપાય છે જ્ઞાનથી અને ભક્તિથી. આપણે મૃગજળથી તરસ છિપાવી કારણ કે આપણી તરસ પણ જૂઠી હતી અને તરસને છિપાવનાર ઝાંઝવાં પણ  જૂઠાં હતાં. પ્રીત ગઈ અને પ્રેત રહ્યું. શ્રદ્ધા ગઈ અને શ્રાદ્ધનાં ક્રિયાકાંડા રહ્યાં. શયનખંડના અંધકારમાં જે દંપતી એકમેકનો રેશમી સહવાસ માણતાં હતાં એ સહવાસ સહરા થઈ ગયો.એ ખંડમાં પત્ની એકલી  સૂવાને તૈયાર નથી. એને માટે હવે પ્રેમને સ્થાને પ્રેતનો ભય રહ્યો છે.

        પ્રાર્થનાસભામાંથી એક ગીત મળ્યું હતું. આ ગીત તો લખાયું વર્ષો પહેલાં, પણ અહીં બરાબર બંધબેસતું છે :

                    હું તો કહી કહીને થાક્યો છું મથી મથી રે –

                                           કોઈ કોઈનું નથી રે.

                    સપનામાં સાંભળેલી કહાણીની જેમ

                    સંબંધો જાય વહી પાણીની જેમ

                    હવે ભ્રમણામાં ક્યાંય કશું સુખ નથી રે

                                          કોઈ કોઈનું નથી રે.

                   જંગલમાં  જાણે આપણે હોઈએ સૂતા

                   અને એકમેક વૃક્ષ જાણે સળગે ચિતા

                   હોય પંખી પણ પ્રાણમાં છૂપ્યો પારઘી રે

                                          કોઈ કોઈનું નથી રે.

         જગદીશ જોષીએ મુરલી ઠાકુરના મરણ પછી એક કાવ્ય લખ્યું એનું શીર્ષક : ‘શોકસભામાં પહેલાં અને પછી.’ એ કહે છે :

 

               …ડગલે ને પગલે તમે અમને ઢગલે ઢગલે

               યાદ આવવાના : કારણ, અમે નાનાં નાનાં કામ

               તમારી મારફતે કરાવેલાં : પણ અમારાં મોટાં મોટાં કામ

               હજી બાકી છે તે કોણ કરી આપશે?” –

         માણસ મરે છે એનું દુ:ખ નથી, પણ અમારો કામનો માણસ ચાલી ગયો એની વાત છે. ખરખરામાં પણ એવું બોલતા હોય છે કે ‘કાંઈ નહીં તો પાંચ વર્ષ ખેંચી કાઢ્યાં હોત તો આટલું તો પતાવતા જતે.’ હરીન્દ્ર દવે કહેતા કે લોકો મરણ પછી માણસનાં એટલા માટે વખાણ કરે છે કે, ‘હાશ એક હરીફ તો ગયો.’ ‘ગાડાનો બેલ’ નાટકમાં પ્રભુલાલ દ્ધિવેદીનો એક સંવાદ હજી યાદ છે. મધ્યમવર્ગનો એક માણસ સંયુક્ત કુટુંબનો બોજો ખેંચે છે, જાણે કે ગાડાનો બળદ હોય એમ. એ બળદ મરી જાય છે. ગાડામાં બેઠેલાં બધાં જ ઊતરી ઊતરીને ચાલતાં થાય છે અને પછી પાત્રમુખે એક સંવાદ છે : ‘હંસ ઊડી ગયો, સરોવર સુકાઈ ગયું. મેલા કાદવમાં હવે દેડકાંઓ ભલે છબછબિયાં કરે.’ આપણે પડદો ચીરીને સંબંધની વાસ્તવિકતા જોઈ શકતા નથી. શંકરાચાર્ય આપણો આ પડદો ચીરી આપે છે. આપણે જેને આપણા કહીએ છીએ એ ક્યારેય આપણા હોતા નથી, પણ આપણે મનને મનાવીએ છીએ કે આપણા વિના બધું સૂમસામ થઈ જશે. હકીકતમાં જો સદ્-નસીબ હોય તો એકાદ-બે વ્યક્તિની આંખમાં સાચાં આંસુ પ્રગટશે અને એ આંસુ ચિતાના અગ્નિમાં શોષાઈ જશે.

         ‘ક્યાં હશે’ નામની ટૂંકી વાર્તા છે. એમાં પત્ની એના પતિ ‘આનંદ’ના શબ પાસે બેઠી  છે. ડાઘુઓની વચ્ચે બેઠી છે. એ બેઠી બેઠી વિચારે ચડી જાય છે કે હવે પછી એનો આનંદ ક્યાં હશે? કહે છે : ‘હવે મૂકેશના પપ્પા ક્યાંય નહીં હોય. આનંદ હવે માત્ર દીવાલ પર હશે. ઉજ્જડ થઈ ગયેલા દિવસોમાં અને અનિદ્ર રાતોમાં આનંદ હશે. સાંજની ઉદાસ લહેરખી એને વ્યાકુળ કરી મૂકશે, એ વ્યાકુળતામાં આનંદ હશે. તુલસીના કુંડામાં એ પાણી રેડતી હશે ત્યારે પણ પાન પર જે ઝલક દેખાશે તે આનંદની જ હશે. નાહી આવીને અરીસા સામે પાઉડર લગાડવા ઊભી રહેશે ત્યારે કોરા કપાળમાં પણ આનંદ હશે. ચિક્કાર છબીઘરમાં પણ એની બાજુની બેઠક ખાલી હશે અને ત્યાં આનંદ જ હશે.’ મૂકેશની દીકરી મોટી થઈ, ‘દાદા કેવા હતા’ એમ પૂછશે, ત્યાં પણ વેધક પ્રશ્રરૂપે આનંદ હશે. પૂર્ણવિરામ અને એમાંથી પ્રશ્ર. આનંદ ક્યાં હશે? – એને યાદ આવી આનંદની વરસોની નોકરી… પ્રોવિડન્ટ ફંડ… ઇન્સ્યોરન્સ પૉલિસી…. આનંદ ક્યાં હશે? એકઠી થયેલી રકમના વ્યાજમાં આનંદ હશે? આ ઇમૉશનલ  રિયાલિટી છે. શબના સાન્નિધ્યમાં પણ મરનાર જે રકમ મૂકી ગયો છે એનો વિચાર આવે છે. મરણ એટલે બીજું કશું જ નહીં, પણ એક પછી એક ઇન્દ્રિયોનું આપણાથી છૂટા પડવું. મરણ એટલે શું અને મરણ પછી શું? – એને વ્યક્ત કરતું આ ગીત :

 

                          આંખ તો મારી આથમી રહી

                                     કાનના કૂવા ખાલી

                          એક પછી એક ઇન્દ્રિય કહે :

                                     હમણાં હું તો ચાલી.

                          શ્ર્વાસના થાક્યા વણજારાનો

                                     નાકથી છૂટે નાતો

                          ચીમળાયેલી ચામડીને હવે

                                     સ્પર્શ નથી વરતાતો.

                          સુક્કા હોઠની પાસે રાખો

                                     ગંગાજળને ઝાલી

                          એક પછી એક ઇન્દ્રિય કહે :

                                     અબઘડી હું ચાલી.

                          નસના ધોરી રસ્તા તૂટ્યા

                                     લોહીનો ડૂબે લય.

                         સ્મરણમાં તો કાંઈ કશું નહીં :

                                        વહી ગયેલી વય.

                         પંખી ઊડ્યું  જાય ને પછી

                                        કંપે જરી ડાળી.

                                                                    *

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,191 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જાન્યુઆરી 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: