ભજગોવિન્દમ્ \\ શંકરાચાર્ય//શ્લોક પાંચમો

ભજગોવિન્દમ્    \\ શંકરાચાર્ય

                        આસ્વાદ અને અર્થઘટન: સુરેશ દલાલ

                  પૈસો બોલે છે – માણસ ચૂપ છે

              યાવદ્વિત્તોપાર્જનસક્ત –

                      સ્તાવન્નિજપરિવારો રક્ત: |

              પશ્ચાજ્જીવતિ જર્જરદેહે

                       વાર્તાં કોડપિ ન પૃચ્છતિ ગેહે      ॥  5  ॥

 

        જ્યાં   સુધી  માણસમાં  કમાવાની શક્તિ છે,  જ્યાં સુધી એ ધન

        ઉપાર્જન  માટે  સશક્ત છે,  ત્યાં સુધી જ એનો પરિવાર એનામાં

        આસક્ત  રહીને   એની  આગળપાછળ  ફર્યા કરશે.  જ્યારે  દેહ

        અશક્ત  થશે,  જર્જર થશે ત્યારે ઘરના કોઈને વાત કરવા જેટલો

        પણ વહેવાર નહીં હોય. સામે ચાલીને કોઈ બોલાવશે નહીં કે કોઈ

        પૂછશે નહીં; એટલે જ તું આ બધું  ભૂલીને  કેવળ  ગોવિંદને  ભજ.

 

‘ભજ ગોવિન્દમ્’ના પ્રારંભના શ્લોકોનો સારાંશ અહીં ગીતરૂપે ગૂંથ્યો છે :

      ક્ષણભંગુર છે જીવન તારું : શોકભર્યો સંસાર

      સૂર મધુરા ક્યાંથી પ્રકટે જ્યાં તૂટેલા તાર

           જ્ઞાન તને કશું ખપ નહીં આવે

                              હે મૂરખ મન! મારા

             ચપટીમાં અહીં કાળ આવશે :

                                પળપળના વણજારા

         ગોવિન્દને તું ભજી લે એમાં સઘળો જીવન—સાર

         ક્ષણભંગુર  છે  જીવન  તારું :  શોકભર્યો  સંસાર      

               ધનસંચય પણ કામ ન આવે :

                                  તું તૃષ્ણાને ત્યાગ

                સદ્-બુદ્ધિથી કર્મ કરીને

                                  તું છેડ સુગંધી રાગ

          ભવભવના વૈભવ જેવા છે ભજન તણા ભણકાર

          ક્ષણભંગુર છે જીવન  તારું :   શોકભર્યો  સંસાર

                કંચન ને કામિની એ તો

                              મૃગજળ જેવી માયા

                છેહ દઈને તને જ છળશે

                               અહમ્-તણા પડછાયા

          પીડા-યાતનાભર્યા જીવનમાં અજગરિયો ઓથાર

          ક્ષણભંગુર  છે  જીવન  તારું :  શોકભર્યો  સંસાર

                    આદિ શંકરાચાર્યે આગળના શ્લોકમાં ધનસંચયની વાત છેડી જ છે. બે અક્ષરનું ધન, બે અક્ષરના મનને કેટલી હદે બગાડી શકે છે. માણસ દિવસ અને રાત ધનસંચયની પાછળ ગુમાવે છે. ખાતો નથી, પીતો નથી, પૂરતું ઊંઘતો નથી. બસ એક જ નશો છે.કમાવું. ચિક્કાર કમાવું. સાત પેઢીને  પણ ખૂટે નહીં એટલું કમાવું. એની આસપાસ એનો પરિવાર વીંટળાયેલો રહે, પણ જ્યાં સુધી એની કમાવાની શક્તિ છે ત્યાં સુધી જ બધાં વીંટળાયેલાં રહેવાનાં. રેસના ઘોડા પર બધાંની મીટ હોય છે, પણ ઘરડો ઘોડો હડધૂત થતો હોય છે. એ નકામો થઈ જાય છે. લોકોને શેરડીમાં રસ છે, કારણકે શેરડી સ્વયં રસાળ છે. રસ નીકળી જાય પછી શેરડી કૂચો થઈ જાય છે અને કૂચો ઉકરડે જાય છે. જેમાં થોડીક માખીઓને રહ્યોસહ્યો રસ હોય છે. કુટુંબના માણસો પણ કમાતા પુરુષને મની-મેકિંગ મશીન તરીકે જ જુએ છે, હવે તો સ્ત્રીઓ પણ કમાય છે. સ્ત્રી રસોડા અને કારકિર્દી વચ્ચે વહેરાય છે. આજે પણ સ્ત્રી પિયરથી કેટલું ધન લાવશે કે પરણ્યા પછી કેટલું કમાશે એના પર જ આંખ મંડાયેલી હોય છે. સ્ત્રી હોય કે પુરુષ હોય- કેન્દ્રમાં ધન જ હોય છે. સંતાનોને પિતામાં રસ નથી પણ સફળ પિતામાં રસ હોય છે. સફળ એટલે જ્ઞાનની દૃષ્ટિએ સમૃદ્ધએવું નહીં પણ ધનની દૃષ્ટિએ સમૃદ્ધ. સમાજની રચના જ એવી થઈ છે કે પૈસાદાર માણસો જ સફળ ગણાય છે.

 

                આ સમાજમાં પૈસાદાર માણસો જ

                સફળ ગણાય છે.

                પત્ની પણ સમાજનો જ એક અંશ છે

                સંતાનો પણ સમાજનો જ વંશ છે

                તમે ઘરે કેટલા રૂપિયા લાવો છો એના પર જ

                પિયા પિયા કે સાંવરિયા-નાં

                સંબોધન હોય છે

                આશ્લેષ ને આલિંગન હોય છે

                અને સંવનન હોય છે

                પત્નીની લાગણી પણ ખરીદવી પડે છે

                સંતાનોને પણ

                બાપ શું લાવે છે કેટલું લાવે છે

                એની બરાબર સમજ પડે છે

                આ બધી વાત મને નડે છે, કનડે છે.

 પૈસો બોલે છે અને માણસ ચૂપ છે.ધનનો રણકો હોય છે. સચ્ચાઈનો રણકો નથી હોતો. પૈસો હોય તો પુરુષનો પરસેવો પણ પરફ્યુમ લાગે અને પૈસો ન હોય તો પસીનો પણ ગટરનું પાણી લાગે . માણસને જો આટલી સમજ પડી જાય કે મારા માટે જે કંઈ મમત્વ છે કે મારું જે કંઈ મહત્ત્વ છે, તેના કેન્દ્રમાં હું નહીં  પણ મારું ધન છે. તો પછી આ કહેવાતા અને કોહી ગયેલા સંસાર માટે આસક્તિ કઈ રીતે રહી શકે? આપણે ત્યાં એક કહેવત છે કે ‘દમ કરે કામ ને બીબી કરે સલામ’.આપણે પણ બીજાઓ જોડે એ રીતે જ વર્તીએ છીએ. એ ક્યાં રહે છે, એ કેટલું કમાય છે, એને ત્યાં વૈભવ કેવો છે—આ બધું ગણિત આપણા મનમાં ચાલતું જ હોય છે. આપણે માણસને જોતા જ નથી. એના બંગલા અને બૅન્ક બૅલેન્સને જોઈએ છીએ. એનાં અનેકવિધ વાહનોને જોઈએ છીએ. આપણી પુરાણકથામાં પણ એવા સંદર્ભો છે કે લક્ષ્મી પીતાંબરધારી વિષ્ણુને પરણે, પણ સ્મશાનવાસી શંકર તરફ તો એમની  નજર પણ ન પડે.

         તર્કથી આ બધું આપણે સમજીએ છીએ અને છતાં એની પાછળ રહેલા સત્યને જાણતા નથી અને જો એક વાર આની નિરર્થકતા સમજાઈ જાય, પછી સોનાના છાપરાની તળે જીવવાનું મન નહીં થાય, પણ ઈશ્વરના આકાશ તળે રહીને ગોવિંદનો જાપ જપવામાં જ જીવ અલમસ્ત રહેશે.

——————————————————————————————   

       

        

 

      

 

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,812 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જાન્યુઆરી 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: