ભજગોવિન્દમ્ \\ શંકરાચાર્ય //આસ્વાદ અને અર્થઘટન: સુરેશ દલાલ//શ્લોક 1 અને 2

                        ભજગોવિન્દમ્    \\ શંકરાચાર્ય

                             આસ્વાદ અને અર્થઘટન: સુરેશ દલાલ

 

કાયાનો ગઢ આ ઘેરાણો

 

 

ભજ ગોવિન્દં ભજ ગોવિન્દં

            ભજ ગોવિન્દં મૂઢમતે |

 સંપ્રાપ્તે સન્નિહિતે કાલે

         નહિ નહિ રક્ષતિ ડુકૃગ્કરણે   II  1 ॥

 

હે મૂરખ!  બીજું બધું  ત્યજ અને  ગોવિંદભજ.

 નિરધારેલાં  કાળ-મરણ  તો  અચૂક  આવશે.તારા

વ્યાકરણના નિયમો ત્યારે ખપમાં નહીં આવે. કદીયે તારું

એ રક્ષણ નહીં કરી શકે, માટે સમજ અને ગોવિંદને ભજ.

          ભારતના મહાન ચિંતકો કે વિચારકો કે શાસ્ત્રકારો કે શાસ્ત્રના મીમાંસકોની વાત કરીએ ત્યારે કદાચ પહેલું નામ આદિ શંકરાચાર્યનું આવે. મૂળ તો એ વેદાંતી. અદ્ધૈતમાર્ગી, જ્ઞાનયોગના ઉપાસક. આખી જિંદગી જેમણે જ્ઞાનમાર્ગનો મહિમા ગાયો, એ છેવટે ભક્તિમાર્ગનું સ્તોત્ર ‘ભજ ગોવિન્દમ્’ આપણને આપે છે. અનેક પ્રકારની આ વિશે અટકળો છે. એક પ્રશ્ર એ થાય કે આખી જિંદગી જેમણે જ્ઞાનમાર્ગનો પ્રવાસ કર્યો એમનામાં અચાનક ભક્તિયોગની વાત કઈ રીતે આવી? શું એવી શક્યતા નથી કે વાદળમાં જેમ એકાએક વીજળી પ્રગટે એમ એક માણસને ઝબકારો થયો હોય કે જ્ઞાનમાર્ગ ઈશ્ર્વરને પામવાના પ્રયાસ અને પ્રવાસને માટે બરાબર છે, પણ સાવ સામાન્ય માણસોને માટે ભક્તિમાર્ગ પ્રમાણમાં વિશેષ સુલભ છે. જોકે ઈશ્ર્વરને પામવાનો રસ્તો ક્યારેય સુલભ હોતો નથી. જ્ઞાન હોય, કર્મ હોય કે ભક્તિ હોય. અંતે તો માણસે સાધના, આરાધના, ઉપાસના, જપ-તપ, એકનિષ્ઠ ભક્તિ, ક્રિયાકાંડરૂપે નહીં, પણ સહજપણે કરવું જોઈએ. ‘કરવું જોઈએ’ એમ કહીએ છીએ ત્યારે પણ એમાં આયાસ છે. બધું સહજપણે થવું જોઈએ. આપણા શ્વાસોશ્વાસની  જેમ. એક વર્ગ એમ પણ માને ભજ ગોવિન્દમ્ શંકારાચાર્યના નામે ચઢાવી દીધું છે. તો કેટલાક એમ માને છે કે આ સ્તોત્રના પછીના કેટલાક શ્લોકો શંકારાચાર્યે નહીં, પણ અન્ય કોઈકે લખ્યા છે. આપણને આ બધા પીંજણમાં રસ નથી. એની પળોજણમાં પડવું નથી. આપણને તો આ સ્તોત્રમાં જેનો મહિમા ગવાયો છે એની સાથે જ નિસબત છે. આ સ્તોત્રનો છંદોલય આપણા કાનને, આપણી સાનને અને આપણા પ્રાણને સ્પર્શે એવો છે. શુભલક્ષ્મીને કંઠે આ સ્તોત્ર સાંભળવા જેવું છે. એ જો શક્ય ન હોય તો આપણા મનમાં પણ ગુંજવા જેવું છે.           

             આ સ્તોત્રમાં ભજ ગોવિન્દમ્ શબ્દો ત્રણ વાર આવર્તન પામે છે. આ આવર્તન અર્થપૂર્ણ છે. સંવાદપૂર્ણ  છે. એકની એક વાત ફરી ફરીને ઘૂંટાય છે, કારણ કે આ વાત શરીર પરથી જળ સરી જાય એમ સરવી ન જોઈએ. આ વાત ભૂલવા જેવી નથી, ઘૂંટવા જેવી છે. ઘૂંટીને આચરણમાં ઉતારવા જેવી છે. ભવસાગરમાં ભજ ગોવિન્દમ્ દીવાદાંડીનું કામ કરે એવું કાવ્ય છે. આ કાવ્યના ધ્વનિની આસપાસ સાગરનાં મોજાં ભલે લહેરાયા કરે, પણ એ મોજાંની માયામાં અટવાઈ જશું તો કાંઠો દૂર ને દૂર જતો જશે.

                 એકત્રીસ શ્લોકોનું આ કાવ્ય લોકપ્રિય છે અને માધુર્યસભર છે. એના ઉચ્ચારો પણ આપણી ચેતનાને ઝંકૃત કરવા માટે સમર્થ છે. આ સ્તોત્રના ઉદ્-ભવ પાછળ એક કથા કે દંતકથા છે. એક વૃદ્ધ પંડિત કોઈક રસ્તા પર બેઠો બેટઃઓ વ્યાકરણના નિયમો ગોખતો હતો. વ્યાકરણના નિયમો ગોખવાથી શું વળે? આ બધું અસાર છે. શંકરાચાર્યને પંડિતની આ દશા જોઈએ એક ક્ષણ તો ગુસ્સો આવ્યો. પંડિત દરિદ્ર તો હતો, પણ કેવળ વ્યાકરણને વળવેલો હતો, એટલે જ્ઞાનની દ્રષ્ટિએ પણ વિશેષ દરિદ્ર હતો. એમને આવા માણસો પ્રત્યે દયા આવી અને કરુણામાંથી આ કાવ્યનો જન્મ થયો.

           આ સર્વબોધનું કાવ્ય છે. ઈશ્ર્વરની લીલા અકળ અને ગૂઢ છે. એ સીમિત નથી. જ્ઞાન સીમિત છે, ભક્તિ અસીમિત છે. હદમાં બંધાઈ જવું એના કરતાં અનહદની યાત્રા કરવી એ વિશેષ મહત્તવનું છે. વ્યાકરણ નહીં પણ જીવન-વ્યાકરણ – વર્તનનું વ્યાકરણ, એ જ સાર સર્વસ્વ છે. આપણે બધાં પરિઘ પર ઘૂમતાં હોઈએ છીએ અને કેન્દ્ર ચૂકી જઈએ છીએ. આપણે મૂઢમતિ છીએ. આપણી મતિને મૂર્ચ્છા આવી છે. આપણે બેહોશીમાં જીવીએ છીએ. આખી જિંદગી, ઉમાશંકરની પંક્તિઓ કહીએ તો, ‘બધી જાણે નિદ્રામહીં ડગ ભરું એમ જ સર્યો.’  આપણો આયુષ્યનો રસ્તો આમ ને આમ વહી જાય છે. કાળ એટલે જ ગતિ અને આપણી તો મૂઢમતિ. સંસારનું કામ તો સરવાનું આમ ને આમ કાળ વહી જાય છે. ઘડિયાળના આંકડા સ્થિર છે, પણ સતત ફરતા કાંટા ગતિસૂચક છે. ક્યાં સુધી કાંઈ પણ કર્યા વિના વહેતા કાળને જોયા કરશું? એક કવિએ કહ્યું છે એમ does nothing pass when time is passing by?  મકરંદ દવેએ કાળ કઈ રીતે બધું ઓહિયાં કરે એની વાત કરી છે. આપણા ધોળા દિવસ – સસલાને અને રાતના બુટ્ટાધારી હરણને કાળ ગળી જાય છે. વર્ષો આમ ને આમ જ વહી જાય છે, સસલાની કે હરણની ગતિએ. અચાનક આપણને ખ્યાલ આવે છે કે સમય તો આમ ને આમ પસાર થઈ ગયો. આપણે જન્મ્યા ત્યારે આપણી પાસે સમયના સોનાની પાટની પાટ હતી, પણ આપણે સમયનું સોનું વેડફી નાખ્યું; અમનચમનમાં, મોજશોખમાં, વિલાસમાં. આપણે આપણામાં જ ગળાબૂડ રહ્યા. આપણા જ પ્રેમમાં ઓતપ્રાત રહ્યા. ઈશ્ર્વર સાથે વાત ન કરી અને દર્પણ સાથે મસલત કર્યા કરી. આમ ને આમ સમયનું સોનું વેડફાતું ગયું. એ રાતોમાં વહી ગયું. વાતોમાં વહી ગયું. આમને આમ એ કથીર થઈ ગયું. કોઈને માટે કટકોયે વાપર્યું નહીં. છેવટે રતીભાર સોનું રહ્યું. પ્રિયકાન્ત મણિયાર આ વાતને ગીતમાં આમ વહેતી કરે છે :

             

હવે આ હાથ રહે ના હેમ!

               મળ્યું સમયનું સોનું  પરથમ વાવર્યું  ફાવ્યું તેમ!

                                      હવે આ હાથ રહે ના હેમ!

              બહુ દિન બેસી સિવડાવ્યા બસ કૈં નવરંગી વાઘા,

               સાવ  રેશમી   ભાતભાતના  મહીં   રૂપેરી ધાગા;

               જેહ   મળે  તે  દર્પણ   જોવ  વણલીધેલો  નેમ!

                                       હવે આ હાથ રહે ના હેમ!

 

            ભરબપ્પોરે   ભોજનઘેને   નિતની   એ    રાતોમાં,

             ઘણુંખરું  એ  એમ  ગયું   ને   કશુંક   કૈં   વાતોમાં;

              પડ્યું પ્રમાદે કથીર  થયું  તે  જાગ્યોયે  નહીં  વ્હેમ!

                                       હવે આ હાથ રહે ના હેમ!

              કદી  કોઈને  કાજે  નહીં  મેં   કટકોય   એ   કાપ્યું,

              અન્યશું દેતાં  થાય અમૂલખ મૂલ્ય  નહીં મેં  માપ્યું;

               રતી  સરીખું  અવ  રહ્યું  એનો  ઘાટ  ઘડાશે  કેમ?

                                         હવે આ હાથ રહે ના હેમ!

 

          આ અનિશ્ચિત જીવનમાં જો કાંઈ સુનિશ્ચિત હોય તો તે મરણ છે. મરણનો સમય નજીક આવે છે ત્યારે જ મૂલ્યવાન જીવન કઈ રીતે વેડફાઈ ગયું એનો ખ્યાલ આવે છે. આ ખ્યાલ આવે છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. આખી જિંદગી નિયમો ગોખ્યા કરીએ એમાં કંઈ ના વળે. મરણ વખતે તો હોઠ પર એ જ વસ્તુ આવે જેની જિંદગીભર આરધના કરી હોય. શંકરાચાર્ય એટલે જ કહે છે કે આવા યમ જેવા નિયમો છોડીને સંયમથી તું જીવ. ઉપદેશ નથી આપતા, આદેશ આપે છે. તું ગોવિંદને ભજ. ગોવિંદની પૂજા કર. એમાં જ એકાગ્રતા રાખ. એના સિવાય કોઈ આરો ઓવારો નથી. ઘડપણમાં ગોવિંદ ગવાની વાત ખોટી છે. આખી જિંદગી ગોવિંદની રટણા કરી હોય તો મરણ નામની ઘટના ઘટે ત્યારે જ ગોવિંદ નાભિમાંથી હોઠ પર પ્રગટે. ગાંધીજીએ આખી જિંદગી રામને આંખ સમક્ષ રાખ્યા ત્યારે અંતે સાક્ષાત્કારના આવિષ્કાર જેવું રામનામ હોઠ પર પ્રગટ્યું. કૃષ્ણનાં તો અનેક આમ છે, પણ શંકરાચાર્ય ગોવિંદ નામ જ કેમ પસંદ કર્યું હશે? ગોવિંદનો સીધોસાદો અર્થ એવો છે કે જે ગાયને પામે તે ગોપાળ અને ગાયને પામ્યા પછી તેનું જતન કરે છે તે ગોપાલક. વિંદ એટલે મેળવવું તે. ‘ગો’ નો એક અર્થ ઇન્દ્રિય છે અને જે ઇન્દ્રિયોને પામ્યા પછી ઇન્દ્રિયનું સંયમપૂર્વક જતન કરે તે ગોવિંદ. આ શ્લોકમાં ડુકૃગ્કરણે શબ્દો આવે છે. એનો અર્થ એવો થયો કે વ્યાકરણના નિયમો. આ નિયમો કદીયે તારી રક્ષા નહીં કરે. તારી રક્ષા તો કેવળ ગોવિંદ જ કરશે. આપણે બધા આનંદપ્રમોદની આડીઅવળી ગલીઓમાં અટવાયા છીએ. આ ગલીઓ આપણને અવળે માર્ગે પહોંચાડશે, પણ સવળા રાજમાર્ગ પર કદી નહીં મૂકે. ગોવિંદ સિવાય બીજો કોઈ રાજમાર્ગ નથી. આપણી મતિ મૂઢ શા માટે છે? અરીસો જેમ ધૂળથી મલિન થઈ જાય છે એવી રીતે અહમ્- ને કારણે આપણો અરીસો સ્વચ્છ નથી. અરીસામાં આપણે આપણા પ્રત્યેકના ખભા પર રાવણ છે. ભક્તિ માટે દ્રવિત હૃદય જોઈએ. દ્રાવણ હોય તો ભક્તિનું રસાયણ પ્રગટે. શંકરાચાર્યના શાણપણની આ ઉક્તિ છે. એ આપણી ચેતનાને ઢંઢોળે છે. આપણને મૂરખને મૂરખ  કહીને સંબોધે છે. ઘડીના છઠ્ઠા ભાગમાં કાળ તો મૃત્યુરૂપે આવી પહોંચશે અને તે વખતે ઈશ્ર્વર સિવાય કોઈ આપણી રક્ષા નહીં કરી શકે. શાસ્ત્રોનું જ્ઞાન તો છેવટની ઘડીએ કર્ણના કવચકુંડળની જેમ સરી પડશે. ‘ગ્રંથ ગરબડ કરશે.’ આ તું જાણતો નવ પ્રકાર છે : શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન, એટલે તો અને નવધાભક્તિ કેહવામાં આવે છે. આમાંથી કોઈ એક કે આમાંની નવેનવનું સંયોજન કરી શકે3 તે જ વ્યક્તિ સંસારના તમામ મોહને છોડીને મોહનને પામી શકે. સંસારની અસારતા એક વાર સમજ્યા પછી આ ભવસાગરને તરવા માટે ભક્તિ જેવો કોઈ તરાપો નથી.

          કાયાનો ગઢ તો ઘેરાઈ ગયો છે. એ ક્યારે તૂટી પડશે અને ક્યારે બધું લૂંટાઈ જશે એ કહેવાય નહિ. આ ઘેરાયેલા ગઢને એક જ આશરો છે અને તે શ્રીકૃષ્ણ : શરણં મમ્.

કાયાનો ગઢ આ ઘેરાણો

રે જીવણ મારા કાયાનો ગઢ આ ઘેરાણો.

કાંગરે કાંગરે વેરાણો

રે જીવણ મારા કાયાનો ગઢ આ ઘેરાણો.

આંખોના દીવા બુઝાતા જાય

            અને કાનના પડદાના થાય લીરા

અહીંયાંથી ત્યાંનું કંઈયે કળાય ના                  

                            કોણ બેઠું છે સામે તીરા

 મનમાં ને મનમાં મૂંઝાણો

       કે મનખો મારો કાયાના ગઢમાં ઘેરાણો

 સૌની સાથે મારો છૂટકો સંબંધ

             અને ત્યાંની નથી રે કોઈ જાણ

 મારો સાગર અહીં શોષાતો જાય

                  અને રેતીના દરિયે પ્રયાણ

 વ્હાલાની વચ્ચે લૂંટાણો

      રે જીવણ મારા કાયાનો ગઢ આ ઘેરાણો.

———————————————————-

ધનસંચય વિનાની ધન્યતા

 

       મૂઢ જહીહિ ધનાગમતૃષ્ણાં

              કુરૂ સદ્ બુદ્ધિં મનસિ વિતૃષ્ણામ્ |

       યલ્લભસે નિજકર્મોપાત્તં 

              વિત્તં તેન વિનોદય ચિત્તમ્          ॥  2  ॥

 

     હે મૂઢ મૂરખ. ધન  માટેની  તારી લાલસા,  ઘેલછા

      છોડી  દે.  તૃષ્ણાનો  ત્યાગ કર.  મનમાં  સદબુદ્ધિને

     ધારણ કર. તારા કર્મ વડે તને જે કાંઈ મળે એનાથી

    ચિત્તને  આનંદમાં  રાખ અને  ગોવિંદનું  ભજન  કર.

 

                ભજ ગોવિન્દમ્ નો આ બીજો શ્લોક પહેલા શ્લોકના અનુસંધાનમાં આગળ સમયને પહેલા શ્લોકનું કેન્દ્રબિંદુ છે કાળ. કાળ કોઈનો થતો નથી. આપણે આપણા સમયને વેડફીએ છીએ અને ઓચિંતું મરણ આપણે બારણે ટકોરા મારે છે. તો જે કાળ આપણને પ્રાપ્ત થયો હતો એ કાળ આપણે વેડફ્યો ક્યાં? આપણે આપણું જીવન રોજીરોટીને નામે ધનસંચયમાં વ્યતીત કરીએ છીએ. માણસે પોતાના બળે, પરાવલંબી થયા વિના, સ્વાવલંબી થઈને ધન તો પ્રાપ્ત કરવું જોઈએ, પણ કેવળ ધન માટેની દોડધામ-રેટ રેસમાં પડવું ન જોઈએ. ધનની વિભાવના યુગેયુગે

બદલાય છે, પણ ધનની લાલસા તો એની એ જ રહે છે.

 ઉમાશંકર જોશીએ ઈશાવાસ્ય ઉપનિષદમાં ધન વિશે લખ્યું છે તે જોવા જેવું છે :

            ‘ધન’નો વૈદિક સમયનો અર્થ છે ‘દોડ’, ‘દોડસ્પર્ધા’. ‘દોડસ્પર્ધા’માં મળતું પારિતોષિક અને પછી પ્રચલિત અર્થ છે ‘મૂલ્યવાળી વસ્તુ, ધન, સંપત્તિ’. એ ઉપરથી જાણવા મળ્યું કે ઘણા લાંબા સમયથી ‘ધન’નું સ્વરૂપ સમજાઈ ચૂકેલું છે. ‘ધન’ એટલે જેને સૌ દોડધામ કરે છે તે. ધન મેળવીને માણસ પોતાને ‘ધન્ય’ માને છે, પણ ઋષિએ તો પહેલા શ્લોકને અંતે સૂચવ્યું છે કે ધન ઈશનું છે, માલિકનું છે; એટલે ધન માટેની તૃષ્ણા ન રાખવામાં ધન્યતા છે, એમ સમજવાનું છે.

              આપણે ઇચ્છીકે ન ઇચ્છીએ પણ આપણું મન ધનમાં જ રોકાયેલું છે. ધન આપણને સાધન સગવડ આપે છે, પણ ધન સુખ નથી આપતું. મનમાં ધન એટલી જગા રોકે છે કે સંતોષને ઊભા રહેવા માટે તસુભાર જગ્યા પણ નથી મળતી. સુખ અને આનંદ સંતોષમાં છે. સંતોષની ભૂમિ પર જ સુખના ભવનનું નિર્માણ થઈ શકે. માણસ શા માટે આટલો બધો ધન પાછળ પડ્યો છે? કદાચ ભીતરથી એ ભયમાં ફ્ફડતો હશે. જે માણસ ભયમાં ફ્ફડે છે, એ માણસ સલામતીજ્ગંખે છે. એના મનમાં એક ખોટી વાત પેસી ગઈ છે. ધન હશે તો મને કશું નહીં થાય, પણ છેવટે તો ધન કાગળનો કિલ્લો પુરવાર થાય છે. માણસ જાણી ગયો છે કે ધન હશે તો સત્તા હશે. સત્તા હશે તો આસપાસ માણસો હશે. માણસો હશે તો પોતાનો દરબાર હશે. દરબાર હશે તો હજૂરિયાઓ અને ખુશામતિયાઓ હશે. ખુશામતિયાઓ તો કોઈ પણ વાતમાં હોંકારા ભણવાના અને આમ હોંકારાની હારમાળા હશે. પ્રમ અને વ્હાલને નામે હા જી હા-ની વણજાર હશે. આ બધાંની માણસને ટેવ પડી જાય છે. આ બધાં તાત્કાલિક ખાલીપો પૂરે છે. આ બહારનો વૈભવ છે અને ભીતરની શૂન્યતા છે. સારો પોશાક એ બાહ્ય દેખાડો છે. માણસનું ભીતર ચીંથરેહાલ થયું હોય પછી એને સારા વેશથી ઢાંકવાની જરૂર નહિ. અંદર બદલો અને બહાર ખુશલો – માણસને આ બધું કોઠે પડી ગયું છે.

              કાકાસાહેબ કાલેલકરે ક્યાંક એવી મતલબનું લખ્યું હતું કે માણસ શું કામ સોનાનો સંચય કર્યા કરે છે? સોનું અન્ન નથી કે એને ખાઈ શકાય. સોનું વસ્ત્ર નથી. કે એને પહેરી શકાય. આ બધું જાણવા છતાં પણ માણસ કંચનઘેલો છે. એને એમ છે કે આ સોનું કોક દિવસ ખપમાં આવશે. ધનની અનિવાર્યંતા ઓળખી લેવી જોઈએ. જરૂરથી વધારે મળે તો પોતાનું ધન બીજાને વહેંચવું જોઈએ. આપણી કમાણીમાં ભગવાનનો પણ ભાગ છે. અન્યને મદદ કરો છો ત્યારે ધન, લક્ષ્મી બને છે. એ પુણ્યલક્ષ્મી છે. માણસને સંચય કરવામાં રસ છે. ધનને કારણે એની આસપાસ એક વાતાવરણ બંધાય છે, પણ ધનને કારણે મળતા માણસો કે સગવડોના ટેકાઓ રેતીના થાંભલા જેવા છે. એને અઢેલો એટલી જ વાર. આ થાંભલાને કડકભૂસ થતાં વાર નથી લાગતી. આની સજા સૌથી વધૂ ધનરોગી ભોગવે છે. ધન એ મનનો રોગ છે. પોતાની મેળે જે કર્મ કરીએ અને સહજપણે કે સ્વાભાવિકપણે આપણે જે મળે એનો આનંદ લૂંટીએ એમાં જ સાર્થકતા. માણસ ‘હૅવ મૉર ‘ નો માણસ થઈ ગયો છે. વધુ, હજી વધુ – એ જ એની ઇચ્છા છે. કહેવાય છે કે સ્પાર્ટામાં લોખંડની કરન્સી હતી. એનો ફાયદો એ હતો કે એ કરન્સી કટાઈ જાય પછી કામમાં ન આવે. આને કારણે માણસ કરન્સીને એકઠી કરવામાં પડતો નહિ. હવે તો પેપર કરન્સી, કાર્ડ કરન્સી. હેંરી મિલર જેવા નવલકથાકારે આજના માણસના રોગ પર બરાબર આંગળી મૂકી છે અને એનો એક્સ-રે કાઢ્યો છે. આખી જિંદગી માણસ પરચૂરણ થઈને વેરાઈ જાય છે. હેંરી મિલર કહે છે :

        To walk in money through the night-crowd,

        Protected by money, lulled by money, dulled

        By money,

        the crowd itself a money

        the breath money,

       no least single object anywhere that is not money,

       money, money everywhere and still not enough

       and then no money

       or a little money or less money or more money,

       but money, always money,

       and if you have money or you don’t have money,

      

      It is the money that counts

      and money makes money,

      but what makes money make money?

        

             આપણો ચહેરો ભૂંસાઈ જાય છે. ખભા પર ચહેરાની જગ્યાએ રૂપિયો, ડૉલર કે પાઉન્ડ ઊગે છે. આપણો અહમ્ ફુલાઈને થઈને ફરે છે. આપણા ચિત્તમાં બધું જ છે પણ પ્રસન્નતા નથી, આનંદ કે વિનોદ નથી. આપણું મન ભિખારી અને શિકારી છે. આપણે માગણ છીએ. સોનાની લંકાના રાવણ છીએ. આપણને પ્રાપ્તિનો સંતોષ નથી પણ વ્યાપ્તિની ઘેલછા છે. આપણી હવેલીમાં ભલે સાત ઓરડા હોય પણે ઓરડાઓમાં સન્નાટો વ્યાપેલો છે. આપણે મનથી ઠરેલા નથી. દાઝેલા છીએ. આપણી સમદ્રષ્ટિ અને સ્થિર થયેલી બુદ્ધિ ખોટા ભેદમાં પડશે નહીં. સમદ્રષ્ટિ હોય તો હીરો ને કાંકરા સરખા લાગે. આદિ શંકરાચાર્યએ શાસ્ત્રના જ્ઞાનથી કહેલી આ વાત નથી. એ બુદ્ધિથી પર અને પાર ગયા છે, એટલે કે પ્રજ્ઞામાં સ્થિર થયા છે. આ પ્રજ્ઞાવાણી છે, એટલે એમાં શિખામણ નથી, પણ શાણપણ છે. જ્ઞાન અને ભક્ત5ઇના ભેદ તો આપણે પાડીએ છીએ, પણ પ્રજ્ઞા  અને ભક્તિ નોખા નથી પણ  એક જ છે. પ્રજ્ઞા અને ભક્તિનો સંબંધ બરફ અને જળ જેવો છે. જ્ઞાન જ્યારે કરુણાનું સ્વરૂપ લે તો એ ભક્તિ કહેવાય. ભક્તિનો સ્વભાવ ભીતરથી દ્રવવાનો અને વહેતા રહેવાનો. ભક્તિ વિના કરુણા પ્રગટે નહીં. અને જેનામાં કરુણા હોય એને ગોવિંદના ભજન સિવાય કંઈ ખપે નહિ. કોઈ પણ સંપત્તિ અંતે તો આવનારી આપત્તિનું એંધાણ છે એ વાત જો સમજી જઈએ તો ધનને કારણે આપણે કંગાળ ન થઈએ અને તૃષ્ણા વિનાના મનને કારણે સમૃદ્ધ રહી શકીએ.

———————————————————————

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,194 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જાન્યુઆરી 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: