શોભા અને સુશિમા//સ્વામી આનંદ

Swami anand

                      logo-download

શોભા અને સુશીમા//સ્વામી આનંદ

[મિલાપની વાચનયાત્રા1950 પાના: 132 થી 137]

      એક રજવાડી કૉલેજના આચાર્યની કન્યાઓ છે. તેમને ઘેર હું પહાડોની જાત્રાએ જતાં બે દિવસ રહ્યો. આચાર્ય તાજા ઘરભંગ થયેલા છે. સૂના ઘરમાં બધે ચીજવસ્તુ ને રાચરચીલું અવ્યવસ્થિત છે. ઘરનું વાતાવરણ ઉદાસ ને એકલવાયું લાગે છે. ઘરમાંથી ઘરની દેવતાનો વાસો ઊઠી ગયો છે.

      જે મિત્રે મારે વિષે આચાર્યને લખેલું તેમને બિચારા જીવને એમના ઉપર ગુજરેલી આ કૌટુમ્બિક આફતની ખબર નહોતી.

      ખડકીમાં પેસતાં જ, ઓસરીમાં બેસી ઑફિસનું કામ કરી રહેલા આચાર્યે ઊભા થઈ મને સત્કાર્યો, પણ ઘરમાં પગ મૂકતાંવેંત હું ખચકાયો. આચાર્યે મારી આંખ વરતી અને થોડા જ અરસા પર પોતાના ઉપર ગુજરેલી આફતની વાત કરી દયામણે ચહેરે ઘરની અવ્યવસ્થા બદલ દરગુજર ચાહી. પછી તરત જ બાજુના એક અલાયદા રૂમમાં મારો સામાન મુકાવ્યો ને ખાટલો, પાણી, ટેબલ-ખુરશી રખાવી મારી બધી ગોઠવણ કરાવી દીધી.

      જરા વારે બે નાની મા વિનાની દીકરીઓને સાથે લઈને મારા ઓરડામાં આવ્યા. છોકરીઓનાં નામ કહ્યાં ને ઓળખાણ કરાવી. નાની શોભા, મોટી સુશિમા. મોટી નવદસ ને નાની સાતઆઠ વરસની. પિતાને અણસારે બેઉપગે લાગી. નાનીને મેં વહાલથી મારા ઘૂંટણ પર લીધી ને બેઉ પગના પંજા પર ટટાર ઊભી રાખી બે ચાર વાર ઉછાળી. મોટી કહે, ‘હમકો ભી ઝૂલા ઝુલાઓ!’ એને પણ મેં ઉછાળી.

      પિતા કહે, ‘બસ ગુડ્ડો; તુમ બડી હો. સ્વામીજી કે પૈરોં મેં દર્દ હોગા.’

      ‘ગુડ્ડો’ પંજાબમાં છોકરીઓને બોલાવવાનું લાડકું નામ હોય છે

      બેઉ બહેનો મારા જ ઓરડામાં રમતમાં પડી ને અમે વાતે વળગ્યાં. મેં આચાર્યની કૌટુમ્બિક વિપદ પર ફરી શોક કર્યો ને તેમનાં મૃત પત્નીની માંદગી વિ. અંગે થોડી વિગતો પૂછી. ઓરડામાં રમતી શોભાએ કાન માંડ્યા.

      વચમાં જ આચાર્યે છોકરીઓને કહ્યું, ‘શોભા, સુશ્મા, મેરી અચ્છી, જાઓ દોનોં બહન બાહર બરામદે મેં જા કર ખેલો. દેખો રોઝલીન (કૂતરી) બીમાર હૈ. ઉસે બેરાને પોરિજ(રાબ) દી યા નહીં?’  

      આચાર્યના ઘરમાં વરૂને મળતી ઓસ્ટ્રેલિયન નસલ(ઔલાદ) નાં બે મોટાં કૂતરો-કૂતરી હતાં. કૂતરીને બચ્ચાં થવાનાં હતાં. બેરો એટલે બેરર, બબરચીના હાથ નીચે ખાણું પીરસનારો નોકર.

      બાળકોની હજરીમાં એમની મૃત માતાની વાત કાઢવામાં મેં કરેલી ભૂલ હું સમજ્યો.

      ‘મને ખબર હોત તો હું તમને આટલી અડચણ વચ્ચે તકલીફ આપવા અહીં ન આવત. હજુ જો તમે ભલા થઈને રજા આપો તો નીચલે રસ્તે ગુરુદ્વારો ચાલે છે ત્યાં ચાલી જાઉં. મને મુદ્દલ મુશ્કેલી પડવાની નથી. મને ગ્રંથીએ (સીખ ગુરુદ્વારાઓમાં ગ્રંથ સાહેબ સાચવનારો પૂજારી.) બોલાવ્યો પણ છે. રહીશ તેટલા દિવસ તમને મળવા આવીશ.’

      ‘ના, ના. એમ કેમ બને? આપ તો મારા મહેમાન દેવતા. બસરોચશ્પ(આંખ માથા પર) છો. આપના ચરણસ્પર્શથી હું રંકનું ઘર પાવન થયું. આપ જેટલા વધુ દિવસ રહેવાય તેમ હોય તેટલું  રહો. મારો નોકર આખો વખત ઘરમાં હોય છે. મને પણ ઘેર મા વિનાનાં બાળકો ને માંદાં કૂતરાંની ફિકર રહે છે. આ કૂતરાંને અહીંની હવા માફક નથી. બહુ કરું છું પણ નબળાં પડ્યે જાય છે. વળી દુ:ખમાં અધિક માસ તેમ આજકાલ મારે માથે કૉલેજના કામ ઉપરાંત રાજનાં બીજાં પણ એકબે કામ આવી પડ્યાં છે. તેથી સાંજે ઘેર આવતાં મોડુંવહેલું થાય છે. આપ ઘરમાં રહેશો તેટલા દિવસ મારા મનને છોકરાં બાબતમાં ઊલટી આસાયેશ રહેશે. છોકરીઓને તો મેં બહાર કાઢી. બાકી મધમાખીઓ જોઈ લ્યો. વળગશે તે છોડશે જ નહિ.’

      નાની સરખો નિસાસો મૂકીને ઉમેર્યું: ‘બાપડાં ફૂલ. એમની જિંદગીમાં ખાઈ પડી ગઈ !તે પૂરવા એ પણ મારી જેમ જ મથે છે. તેમાંયે નાની બડી તેજ છે.’તેમણે ઘડિયાળ ભણી જોયું.

      મેં જોયું કે આચાર્ય ઉતાવળમાં હતા. ઘરમાં જઈ રસોઈ, કૂતરાં, બજારમાંથી તે દિવસે લાવવાની ચીજવસ્તુ અંગેની, તેમજ ઘરમાં સરસામાન ફેરવવા-ગોઠવવાની સૂચનાઓ આપવામાં રોકાયા.

      પિતાને મારા ઓરડામાંથી જતા જોયા તેવી જ બેઉ બહેનોએ સીધી મારી પાસે દોટ મૂકી. ‘ઝૂલા ઝૂલાઓ, ઝૂલા ઝૂલાઓ.’અક્કે બબ્બેવાર બેઉએ મારા પગ પર ચડી હીંચકા ખાધા. પછી બેઉ વચ્ચે અગાઉની માફક જ હૂંસાતૂંસી ચાલી.

      આચાર્ય કૉલેજ ગયા. રોજ તો છોકરીઓ ઘેર એકલી, એટલે દૂરની કૉલેજથી ચાહીને બપોરે ઘેર જમવા આવતા ને બેઉને પોતાની સાથે જમાડી માની ખોટ પૂરવા યત્ન કરતા. નાની શોભાને પોતાને હાથે જમાડતા. પણ આજે તેમને કૉલેજમાં કામ ઘણું હતું ને હું ઘરમાં હતો એટલે છોકરીઓને મારી જોડે જમવા પટાવી, બેરાને ખાવાનું ટિફીનમાં કૉલેજ લાવવા સૂચના દઈ, મારી માફી માગીને વહેલા વહેલા કૉલેજ ગયેલા.

      બપોરે અમને ત્રણેને જમાડીને અને બેઉ કૂતરાંને ખવાડીને બેરો આચાર્યનું  ‘ભોણું’  લઈ કૉલેજ ગયો. છોકરીઓ ઘડીચપકું સૂતી ન સૂતી ને મારો ખાટલો ખૂંદવા હાજર થઈ ગઈ.

      ‘ઝૂલા ઝૂલાઓ ! ઝૂલા ઝૂલાઓ !’

      ‘બસ અબ તો પિતાજીકે આને તક ઝૂલા ઝુલાના શામ તક!’

                        **************

      આખો દિવસ ને વળતે દેવસે બેઉ બહેનોએ મને ઘડી છોડ્યો નહિ. ઘરમાં આંગણામાં વરેન્ડામાં બાંધેલાં કૂતરાં જોડે, બેરા જોડે ઘડીક ઉધામા કરી આવે ને વળી પાછી આવી મારો ખોળો ખૂંદે. પીઠે ચડે ને ગળે લટકે. બેરો ઇમાનદાર  છતાં કેવો ભૂલકણો છે, ઘરને કેવું ધરમશાળા જેવું રાખે છે.રોઝલીન-ગ્લામાને વેળાસર ખાવાનુ6 નથી દેતો ત્યારે પિતાજી એને કેવો ડાંટે (ઠપકો દે) છે,ગુજ્જર(પંજાબ-હિમાચલ પ્રદેશના પહાડોમાં વસતી, ભેંસો પાળનારી, આહીર-ચારણને મળતી મુસલમાન કોમ.)લોકોનાટાંડા એમના બારણા આગળ થઈને પસાર થાય છે ત્યારે એમની ભેંશોની લંગારો સામે ગ્લામા-રોઝલીન બેઉ કેવાં ભસે છે ને ભેંસો કેવી ભડકે છે, એક વાર ભડકેલી ભેંશ પથ્થર જડેલા રસ્તા પર લપસીને કેવી ગટરમાં પડી ગઈ ને પછી દસવીસ લોકોએ લાકડાં અને દોરડાં બાંધીને એને કેવી બહાર કાઢેલી; ગુજ્જરો પોતાની ભેંશો પર મસમોટી ઘીની દેગો, વલોણાં વલોવવાના રવૈયા, છોલદારીઓના તંબુ, ઘરની ઘરવખરી, મરઘાં ને છોકરાં—બધું કેવું લાદે છે; જજ સાહેબને ઘેરથી દિવાળીની મીઠાઈ આવેલી ત્યારે માએ તેને ‘બજારૂ’ કહીને બધી બેરાની ઘરવાળીને કેવી આપી દીધી ને પોતે પોતાના હાથે ઘરમાં બનાવેલી મીઠાઈ જ કેવી રોજ બેઉ બહેનોને આપતી, વગેરે વગેરે કેટલીયે વાતો કહી નાંખી.

      માની વાત શોભાની જીભે આવી તેવી જ સુશિમાએ નાકને આંગળી અડાડી: ‘ચૂપ! પિતાજીને મના નહીં કિયા કિ માંકી બાત નહીં કરતે રહના?’

      શોભા ગળગળી થઈ ગઈ: ‘લેકિન મુઝે દિનભર યાદ આતી રહતી હૈ તો ફિર ક્યા કરું?’

      આટલા શબ્દો જેમ તેમ માંડ બોલી, ને લાગલો જ ગળું તાણીને ઠૂઠવો મૂક્યો. સુશિમા પણ રડવા જેવી તો માની વાત નીકળી ત્યારની થઈ ગઈ હતી; પણ પોતે મોટી, એટલે ખામોશ પકદ્સી રહી હતી. હવે તેનાથી યે ન રહેવાયું. બેઉ બહેનો એકબીજીને ગળે વળગી ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. ઓસરીમાં લોઢાની સાંકળોએ બાંધેલાં કૂતરાં મારા રૂમના બારણા ભણી તાકીને વિકરાળ અવાજે ભસવા લાગ્યાં ને સાંકળો તોડાવવા કરવા લાગ્યાં. બેરો ઘરમાંથી દોડી આવ્યો. મેં એને ઇશારત કરી પાછો મોકલ્યો. બેઉને ખોળામાં લઈ હું વાંસો પંપાળતો રહ્યો.

      થોડી વારે બેઉ શાંત થઈ, પણ હીબકાં ઘણી વાર સુધી ચાલ્યાં. બેઉને મેં ચકલાની, કબૂતરની, શિયાળ ને કાગડાની, ઊંટના હોઠની, સિંહ ને ઉંદરની, ભ્રામણદેવતાની, ઠુંડઠુંડાળાની, હમીર બંકા તીરમારૂની, એવી એવી ઘણી વાતો સાડાચાર વાગે બેરો અમારા ત્રણેને સારુ ચા-ખાવાનું લઈ આવ્યો ત્યાં સુધી કરી. પછી બૅરો કૂતરાં છોડી બેઉ છોકરીઓને ફરવા લઈ ગયો. હું ગુરુદ્વારાની ‘સંગત’માં ગયો.

      સાંજે પાછો આવ્યો ત્યારે છોકરાં ક્યારનાં ઘેર આવી ગયાં હતાં. આચાર્ય હજુ આવ્યા નહોતા. બેરો રસોઈમાં હતો. મને આવેલો જોઈ મારા રૂમમાં રોશની(ફાનસ) મૂકી ગયો.

      બેઉ બહેનો પિતાના રૂમમાં કંઈક કરતી હતી. મારા રૂમમાં અજવાળું જોયું તેવી જ બહાર નીકળી. એકબીજીના હાથમાં હાથ ભિડાવીને આવી. બેઉએ કેમ જાણે કંઈક સંતલસ કરી રાખી હોય તેમ ગંભીર ચહેરે મારી સામે આવી ઊભી રહી.

      શોભા બોલી પડી: ‘સામીજી, ઝૂલા ઝુલાઓ, ઝૂલા ઝુલાઓ!’

સુશિમા: ‘ચૂપ ! ક્યા કહને હમ દોનોં આઈ થીં? અભી પિતાજી આ જાએંગે !’

      શોભા અટકી ગઈ. પછી બેઉ બહેનો દયામણાં મોં કરી મારી સામે જોઈ રહી.

      સુશિમા: ‘સામીજી, હમ દોનોં આપકે પૈરોં પડતી હૂં. આપકી મિન્નત (કાલાવાલા) કરતી હૂં હમ દોનોં આજ દિન મેં માં કી યાદ કરકે રોઈ થી યહ પિતાજી કો ન કહના.’

      હું દ્રવી ઊઠ્યો. બપોરે બેઉ બહેનો ધ્રૂસકે રડી ત્યારે નહોતો થયો એટલો ઉદાસ થયો. અજાણ્યે બોલી ઊઠ્યો: ‘ક્યોં?’

      ‘વે કાલિજ પઢાને જાતે હૈં તબ હમ રોતી હૈં યહ અગર જાનતે હૈં તો બહુ રંજ(દિલગીર)  હો જાતે હૈં.’

      શોભા: ‘કભી કભી વે ભી છિપ કર રો લેતે હૈં. હમારે સામને કભી નહીં રોતે. ’

                        ***************

      બેદિવસ ઊભે પગે આચાર્યે મારી ખાતરદારી કરી. પોતાની કપરી દિનચર્યા વચ્ચે પન વખત કાઢીને મારી આગળની ઉત્તરકાશી સુધીની મુસાફરીની બધી વ્યવસ્થા કરી આપી.

      આસ્માની સુલતાની પેરામાં પડીને તારાજ થયેલા આ મીણથી મોળા ને ગાય જેવા ગભરુ સજ્જન પુરુષે હું નીકળ્યાની આગલી સાંજે હૈયું ઠાલવીને પોતાની આપવીતી મને સંભળાવેલી. પાકિસ્તાનમાં શુમાર થયેલા (ગણાયેલા) પોતાના વતનમાં 50-60 હજાર કિંમતનું પોતાનું મૌરૂસી (બાપદાદાની વારીનું)ઘર, કિંમતી ઘરવખરી, વાડીવજીફો બધું ફના થયું. કુટુમ્બકબીલો તિત્તરબિત્તર (વેરવિખેર) થઈ ગયો ને ગુણિયલ

સ્ત્રીનાનાં બાળકોને મેલી કિરતારને ઘેર સિધાવી! ‘પણ જ્યાં એ કિરતારે હજારો લાખોને હોમીને અગ્નિ સોંસરા ઉતારીને જ આઝાદી આપવાનું નક્કી કરેલું. ત્યાં મારા જેવું એક મગતરું પોતાની પાંખો દાઝ્યાનો બળાપો કરે એનો યે શો અર્થ? શુકર હૈ (પ્રભુનો પાડ)કિરતારે એમાં જ મારું, સૌનું ને હિંદનું ઘડતર જોયું.’

      ભળભાંખળે હું વિદાય થયો ત્યારે બેઉ બહેનો પિતાના પલંગની લગોલગ બીજા પલંગમાં એકબીજીને વળગીને ઊંઘતી હતી. સવારે પિતાએ ‘ઝૂલા ઝુલાનેવાલે સામીજી’ના જવા વિષે એમને શું શું કહીને પટાવી તે નથી જાણતો, પણ મહિનો પૂરો નહિ વીત્યો હોય ને આચાર્ય તરફથી આવેલા એક કવરમાં બીજા બે કાગળ મને મળ્યા. એક બેઉ બહેનોએ સાથે દસક્ત કરીને મોકલેલો હતો તેમાં મુંશીજી આવે છે, પોતે ભણવા માંડ્યું છે, નાગરી લિખાવટ શીખવા બદલ પિતાજી તરફથી બે બાવલીઓ ને એક મિકેનોની ખુશબખ્તી મળી, બેરો ડાહ્યો થયો છે ને પિતાજીની ડાંટ ખાતો નથી, રોઝલીન વીયાઈ, ગુજ્જરોના ટાંડા હવે રસ્તે નથી જતાં, વગેરે વાતો હતી. બીજો કાગળ ટચૂકડી શોભાએ આંકેલા કાગળ પર વાંકોચૂકો ને જોડણીની ભૂલોવાળો છતાં ખામી વગરની ભાષામાં એલાયદો લખ્યો હતો. આ રહ્યો એનો મજકુર:

      સામીજી, પર્નમ(પ્રણામ), આપ ગએ તબસે પિતાજી હમ દોનોંકો હર્રરોજ દોનું શામ ઝૂલા ઝુલાતે હૈં. મૈં નાગરી લિખાઓટ સીખ રહી હું. પિતાજીને શાબસ કહા ઓર ખુશબખીત દી. ગુડ્ડો કો ઇતની શાબસ નહીં દી,      રૌજલૈનને ચાર બચ્ચે દીએ, લેકન 4કે 4રૌ મર ગયે ! બૈરા કહતા હૈ કુછ તો મરે હુએ હી જનમ પાયે થે. મરે બચ્ચોં કો મહેતર ઉથાને આયા તો વહ છોડતી ન થી.જબરદસ્તી લે ગએ. દો દિન ખાના ભી ન ખાયા. ગિલામાને ભી ન ખાયા.

      સામીજી, આપને તો ઉસ દિન બતાયા થાહ કિ માં હી પહલે મરતી હૈ. બચ્ચે નહીં મરતે. ક્યોંકી બચ્ચોં કો બડે હોકર બૌત કુચ કામ દેશકા ઓર દુન્યાવકા કરના હૈ. તબ ફિર હમારે યહાં તો રૌજલૈન નહીં મરી, બચ્ચે હી મરે.એસા ક્યોં? ક્યા કુત્તોમેં એસા કાનૂન હૈ? યા ઇન્સાન હી મેં એસા કાનૂન હૈ કિ બચ્ચોં કી માં પહેલે મરતી હૈ?

    આપકી ઓર પિતાજીકી અચ્છી બચ્ચી શોભા કા પાં લગૂં.

———————————————-

             

        

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 300,234 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
જાન્યુઆરી 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: