બાપુની વેદનામૂર્તિ //બ્રજકૃશ્ણ ચાંદીવાલા [મિલાપની વાચનયાત્રા:1952 ]

– Milap52:pg5

                બાપુની  વેદનામૂર્તિ  //બ્રજકૃશ્ણ ચાંદીવાલા

[મિલાપની વાચનયાત્રા:1952// પાના: 5 થી 13 ]

          તિથિને હિસાબે (1947ના) સપ્ટેમ્બરની બાવીસમી તારીખે બાપુની વર્ષગાંઠ હતી. એ દિન ઊજવવાનો બાપુની છાવણીમાં ખૂબ ઉત્સાહ હતો. આખા દિવસનો કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો હતો. સવારે રાજેન્દ્રબાબુને હાથે ધ્વજવંદન થવાનું હતું .ધ્વજવંદન પછી સ્વયંસેવકોને તથા હરિજન બાળકોને પ્રસાદ તરીકે સૂકો મેવો અને ફળ વહેંચવાનું નક્કી થયુ. એને માટે અમે બધી સામગ્રી તૈયાર કરી હતી.

    સવારમાં બાપુ હંમેશની જેમ ફરતા હતા. કોઈએ એમને કહ્યું કે ધ્વજવંદન પછી રાજેન્દ્રબાબુ મીઠાઈ વહેંચશે. આ સાંભળીને એમને દુ:ખ થયું.નય્યરજી પર ને મારા પર તૂટી પડ્યા : “દેશમાં દુકાળ પડ્યો છે, લોકો ભૂખે મરે છે, આગ સળગે છે; તેમાં આથી ઘી હોમાશે . મારે શું કરવું તેનો વિચાર કરવો પડશે.” વળી  પાછા ગંભીર થઈને કહેવા લાગ્યા : “આ રીતે મારાથી  એકસોપચીસ વરસ કેમ જીવાય ? તમે નથી હરિજનોની કે નથી સ્વંયસેવકોની સેવા કરતા. હરિજન ભિખારી નથી કે તેમને જરા કંઈક વેહેંચો. તમે મારો દિવસ બગાડ્યો.”

     સાચું કહું તો એ બહુ અશુભ ચોઘડિયું નીવડ્યું . તે દિવસથી એકસોપચીસ વરસ જીવવાની વાત એમણે છોડી દીધી .તે દિવસથી દેશમાં એક પછી એક એવા બનાવો બનતા ગયા કે જેથી એમના હૃદયની વેદના વધતી ગઈ .મને પાકો વિશ્વાસ છે કે તેઓ ઈચ્છત તો એકસોપચીસ વરસ જરૂર જીવી શકત .પણ હવે તેમને જીવવામાં કશો રસ રહ્યો નહોતો. પહેલાં એમને કલકત્તા અને  નોઆખાલીનો આઘાત લાગ્યો , પછી બિહારનો લાગ્યો .ત્યાર પછી જેના તેઓ કટ્ટર વિરોધી હતા તે ભાગલા પડ્યા. દેશ આઝાદ થતાં તેમણે આઝાદીની ઊજવણીમાં ભાગ સરખો ન  લીધો. કડકડતી ટાઢમાં ઉઘાડે પગે તેઓ નોઆખાલીનાં ગામડાંમાં એકલા ફરવા લાગ્યા . એમને માટે આ આઝાદીની કોડીનીયે કિંમત નહોતી કારણ કે જ્યારે એક તરફ આઝાદીનો આનંદોત્સવ ઊજવાતો હતો ,સરઘસ ,જલસા અને દીપમાળાઓ થતાં હતાં ,ત્યારે બીજી બાજુ પંજાબમાં લોહીની નદીઓ વહેતી હતી ;લૂંટ અને સંહરલીલા ચાલતી હતી. માતાઓ , બહેનો અને દીકરીઓ નરકની યાતનાઓ વેઠી રહી હતી.

         બાપુ બધું સાંભળતા હતા, બધું જોતા હતા. આ અનિષ્ટ બનાવોએ એમના હૃદયના ચૂરેચૂરા કરી નાખ્યા હતા. એમની આંખમાં આંસુ નહોતાં, કારણ એ કોને કોને સારુ રુએ ? બધાં જ એમનાં સંતાન હતાં. ઉપરથી  તેઓ શાંત અને સ્થિર હતા, પણ તેમના અંતરમાં દાવાનળ ધીખતો હતો અને ક્ષણેક્ષણે તેમને બાળતો હતો. જે અહિંસાને બળે તેમણે દેશને આઝાદ કરાવ્યો હતો, તેને તેમણે ગલીએ ગલીએ ધક્કા ખાતી ,અપમાનિત થતી જોઈ. જે સીડીની મદદથી જનતા આખરી મજલે પહોંચી હતે તે જ સીડી તેણે ઉઠાવીને ફેંકી દીધી હતી .એમના મોઢામાંથી હવે વારંવાર આ જ શબ્દો નીકળતા હતા : “આ પતન જોવા માટે હું જીવતો રહેવા માગતો નથી.”કરીશ અથવા મરીશ: એ સૂત્ર હવે એમના મનમાં ઊતરી ગયું હતું . તેઓ હસતા હતા, રમતા હતા, પણ તેમના હૃદયમાં પ્રંચડ અગ્નિ સળગતો હતો.

       હવે હું એમને કોઈ સમાચાર સંભળાવતો અને કહેતો કે આ ભૂલ તો એકલા આપ સુધારી શકો એમ છો, ત્યારે તેઓ કરુણાજનક શબ્દોમાં ઉત્તર દેતા : “મારું ક્યાં ચાલે છે ?”તેમના આ વાક્યમાં એમની વ્યથા ભરેલી હતી. મેં એ સમય પણ જોયો છે જ્યારે બાપુના મોંમાંથી નીકળેલો  શબ્દ વિધિવાક્ય બની જતો અને એને ઉથાપવાની કોઈની હિંમત નહોતી . હવે એ જ રાષ્ટ્રપિતાને મોઢે મેં વારંવાર આ શબ્દો પણ સાંભળ્યા : “મારું ક્યાં ચાલે છે ?” ભગવાન વ્યાસે ‘મહાભારત’ માં કહ્યું છે : “ ઊંચા હાથ કરીને હું વારંવાર પોકારું છું, પણ કોઈ એના પર ધ્યાન આપતું નથી “- તેનો તેઓ દાખલો આપતા.

       મેની 29મી તારીખે સવારે ફરતી વખતે મેં તેમને કહ્યું :”હું જોઉં છું કે આપ એક જ વસ્તુ કહેતા આવ્યા છો કે તલવારના ભયથી અમે  પાકિસ્તાન એક ઈંચ પણ નહીં આપીએ. દલીલથી આખું હિંદુસ્તાન લઈ લો . પણ આપના અને કારોબારી સમિતિના તેમ જ વચગાળાની સરકારના વિચારોમાં ભેદ છે. તેઓ તલવારના ભયથી પાકિસ્તાન આપવા તૈયાર થયા છે  આ દેશને આપે ઊભો કર્યો છે, આપ તેને અહીં સુધી લઈ આવ્યા છો, આપે લડતો કરી અને ‘હિન્દ છોડો’ ની ઘોષણા કરી . હવે છેવટનો  ફેંસલો થાય છે ત્યારે એમાં આપનો જરાયે હાથ નથી .” તેઓ બોલ્યા : “આજે મારું કોઈ માનતું નથી .” મેં કહ્યું : “આમજનતા તો આપની પાછળ છે .” બાપુ બોલ્યા , “તે પણ  નથી ગુજરાતવાળા મને કહે છે  કે , તમે  હિમાલય ચાલ્યા જાઓ. જેઓ મને  આગેવાન માનતા તેઓ મારી તસ્વીર ને પૂજે છે, પણ હું તેમનો આગેવાન નથી રહ્યો. મને લાગે છે કે હવે હું લાંબો વખત જીવીશ નહીં.”

        ઓગસ્ટની 14મી તારીખની મધરાતાને 15મીનો દિવસ કોને યાદ નહીં રહે? એ રાતે સેંકડો વરસોની ગુલામી પછી દેશ આઝાદ થયો હતો. બાસઠ વરસથી કોંગ્રેસ જે ધ્યેય માટે લડતી હતી તે ધ્યેય તે દિવસે પાર પડ્યું હતું. આનંદોત્સવ થયો. રોશની થઈ. ભીડનો સુમાર નહોતો. રાજધાની નવવધૂની પેઠે શણગારાઈ હતી.

        જવાહરલાલજીએ લાલ કિલ્લા પર ત્રિરંગી ધ્વજ ફરકાવ્યો ત્યારે કોટીકોટી કંઠમાંથી ‘ભારતમાતાકી જય’ અને ‘ગાંધીજીકી જય’ના પોકારો ગાજી ઊઠ્યા. પણ જેના પ્રતાપથી, જેની તપસ્યાથી આ દિવસ જોવા ભાગ્યશાળી થયા તે રાષ્ટ્રપિતા એ વખતે ક્યાં હતા? તેઓ તે દિવસે બધા આનંદોત્સવથી અળગા, પોતાના દિલમાં દર્દ છુપાવીને બંગાળની ઉજ્જડ ગલીઓમાં ભટકતા હતા!

        સપ્ટેમ્બરની 9મી તારીખે સવારે બાપુ દિલ્હી આવ્યા. દિલ્હીમાં તેમનું આ છેલ્લું આગમન હતું. આવતાંની સાથે તેમણે કહી દીધું કે “કરીશ અથવા મરીશ.”અને આ શબ્દોનું તેમણે શબ્દશ: પાલન કર્યું.

        ઓક્ટોબરની બીજીએ અંગ્રેજી તારીખને હિસાબે બાપુનો જન્મદિવસ હતો. તે એમની ઓગ્ણ્યાએંશીમી અને છેલ્લી વરસગાંઠ હતી. બાપુના જીવનનું આ છેલ્લું વરસ જેટલી વેદના અને જેટલી હેરાનગતિમાં વીત્યું એટલી વેદના અને એટલી હેરાનગતિ તેમણે ભાગ્યે જ કદી વેઠી હશે. એમને ખાંસી ઘણી હતી. કંઈ આનંદ-ઉત્સવ કરવાનો તો સવાલ જ નહોતો. છતાં વહેલી સવારથી દર્શન કરનારાં આવવા લાગ્યાં હતાં. બાપુના મનમાં જરાયે શાંતિ નહોતી. સરદાર અને બીજા કેટલાક બેઠા હતા. બાપુએ તેમને હસતાં હસતાં કહ્યું, “ખરખરો કરનારાઓને એમ પણ ન કહી શકાય કે હવે જાઓ.” એ સાંભળીને સૌએ ત્યાંથી ઊઠી ગયા.

જાન્યુઆરીની 20મીને આખે દિવસે બાપુએ પોતાનું પ્રવચન પૂરું કર્યું તેની સાથે ઓચિંતો એક મોટો ધડાકો થયો ને આખી ઈમારત હચમચી ઊઠી.બાપુ પોતાની જગ્યાએ અડગ બેસી રહ્યા.એમણે માન્યું કે લશ્કરના સૈનિકો કોઈ ઠેકાણે મહાવરો કરતા હશે. પણ જ્યારે એમને કહેવામાં આવ્યું કે આ બોંબ ફાટ્યો છે અને મદનલાલ નામના માણસની ધરપકડ પણ કરવામાં આવી છે તેમ જ તેની પાસેથી એક હાથબોંબ મળ્યો છે, ત્યારે આખી પરિસ્થિતિ તેમન ખ્યાલમાં આવી. રાત્રે સૂતી વખતે મેં એમને કહ્યુંકે, આની પાછળ બહુ મોટું કાવતરું ગોઠવાયેલું છે અને એમાં ઘણાનો હાથ છે એમ જાણવામાં આવ્યું છે. બાપુએ મારી વાત હસી ન કાઢી.

        તે દિવસોમાં બાપુનું મન જાણે મરી ગયું હોય એમ લાગતું હતું. ભય નામની કોઈ ચીજ એમના કોશમાં નહોતી, એટલે મરવાથી તેઓ ડરતા નહોતા, અને એમને દૃઢ વિશ્વાસ હતો કે જ્યાં સુધી ઈશ્વરને એમની પાસે કામ લેવું છે ત્યાં સુધી ગોળીઓ વરસે કે બોમ્બ ફૂટી પડે પણ કોઈ શક્તિ એમને મારી નહીં શકે. એની સાથે એમને એવો પણ વિશ્વાસ હતો કે જે ક્ષણે આ દુનિયામાં એમનું કામ બાકી નહીં રહે તે ક્ષણે કોઈ શક્તિ તેમને બચાવી પણ નહીં શકે. મેં એમના ઘણા ઉપવાસ જોયા હતા. દાકતરો ગભરાઈ ગયેલા, પણ ઈશ્વરે તેમને આંચ આવવા દીધી નહોતી. એમના પર આ બોમ્બ પહેલી વાર ફેંકવામાં આવ્યો એમ પણ નહોતું. પહેલાં પણ એમના પર હુમલા થયેલા પણ તેઓ બિલકુલ બચી ગયા હતા.  

        પણ હવે હું જોતો હતો કે તેઓ દિવસે-દિવસે વધારે ને વધારે ઉદાસીન થતા જતા હતા. એમ તો તેઓ પંડિતજી સાથે કલાકોસુધી વાતો કરતા, પણ પોતા તરફથી કંઈ કહેવાનું તેમને ગમતું નહોતું. હું તેમને કહેતો કે આ ખરાબ થાય છે, પેલું ખરાબ થાય છે, એમને કંઈ કહો; પણ તેઓ અનાસક્ત ભાવે એ જ ઉત્તર આપતા, “એમના તરફથી વાત કાઢવામાં આવશે તો હું કહીશ, હું મારા તરફથી વાત નહીં કાઢું.”આમ તો તેમણે કદીયે પોતાની વાત બીજા પર લાદી નથી; દરેકને પોતાની ઈચ્છ પ્રમાણે વર્તવાની પૂરી સ્વતંત્રતા આપી છે. તેઓ માત્ર સલાહ આપતા અને સાથે એમ પન કહેતા કે, તમને  જે ઠીક લાગે તે કરો. પણ એમની ઉદાસીનતા દિવસે દિવસે વધતી જતી હતી. એક રીતે તેઓ પોતાનું કામ જાણે કે સંકેલતા જતા હતા. રાજવહીવટના બેહદ વધેલા ખરચ તરફ મેં તેમનું ઘણીવાર ધ્યાન ખેંચ્યું. તેઓ મારી સાથે પૂરેપૂરા સંમત હતા, પણ કહેતા કે જેમની પાસે લાખો પણ નહોતા તેમને કરોડો ખરચવા મળી ગયા, પછી શું થાય? તેઓ કોઈના કામમાં દખલ નહોતા કરતા. લોકો માનતા કે ગાંધીજીની સલાહ વગર પાંદડું સરખું હાલતું નથી. પણ કેટલીયે બાબતની તેમને ખબર સુદ્ધાં પડતી નહોતી અને છાપાંમાંથી સાંભળે ત્યારે જ તેમને ખબર પડે કે અમુક બાબત આમ બની છે. તે દિવસોમાં તેઓ બિલકુલ અનાસક્ત બન્યા હતા. તેમને કંઈ પૂછવામાં આવતું તો તેઓ પોતાનો અભિપ્રાય આપતા. નહીં તો પોતાના કામથી કામ, એવું તેમનું વલણ જણાતું.

        1948ના જન્યુઆરીની 30મી તારીખ, શુક્રવારનું પરોઢ. રોજની પેઠે સાડા ત્રણ વાગ્યે ઊઠી તેમણે દાતણ કર્યું. પોણાચાર વાગ્યે પ્રાર્થના થઈ. ઓસરીમાં પાથરેલી પથારી પરથી ઊઠી બાપુ ઓરડામાં પોતાની બેસવાની જગ્યાએ આવ્યા અને કામે વળગ્યા. પોણાપાંચ વાગ્યે તેમણે મધ, લીંબુનો રસ અને ગરમ પાણી પીધું અને પછી કામ કરતા કરતા તેઓ સૂઈ ગયા.

        આઠ વાગ્યે બાપુ માલિશ કરાવવા આવ્યા. માલિશ બાજુના મકાનના ઓરડામાં કરવામાં આવતું. માલિશ દરમિયાન બાપુએ છાપાં વાચ્યાં. અરધો કલાક માલિશ કરાવ્યા બાદ બાપુ નાહવા ગયા. જતી વખતે તેમણે પ્યારેલાલને કહ્યું, “મેં આજે સવારે બેસીને કોંગ્રેસ માટે જે રૂપરેખા ઘડી છે તે બરાબર જોઈ જાઓ. વખત ઓછો હોવાથી મેં એ ઉતાવળે લખી કાઢી છે એટલે જ્યાં કંઈ વધારો-ઘટાડો કરવા જેવો હોય તે કરો અને જે પૂછવું હોય તે પૂછી લો.”નાહીને સાડા નવ વાગ્યે તેમણે ભોજન કર્યું. ઉપવાસ પછી હ્રદયના કંઈક બગાડાને લીધે દાકતરોએ રોટી લેવાની મના કરી હતી. તેમણે બાફેલું શાક, દૂધ અને સંતરાનો રસ લીધો.

        જમ્યા પછી તેઓ રોજની જેમ પગનાં તાળવાં પર ઘીનું માલિશ કરાવીને સૂઈ ગયા. બાર વાગ્યે ઊઠીને તેમણે ગરમ પાણી અને મધ લીધું. પછી રોજ મળવા આવનાર મૌલાનાઓ સાથે વાતો થઈ. મૌલાના હિફજુર રહમાન તેમ જ મહમદ સઈદ પોતાના કેટલાક સાથીઓ સાથે રોજ આવતા. એમની સાથે સેવાગ્રામ જવા વિશે વાત નીકળી. ફેબ્રુઆરીની બીજી તારીખે ત્યાં એક સંમેલન બોલાવવામાં આવ્યું હતું. બાપુ તેમાં જવાના હતા અને 14મીએ દિલ્હી પાછા આવવા માગતા હતા.

        ત્યાર પછી શૌચ ગયા અને ત્યાંથી આવીને તેમણે પેટ પર માટીનો પાટો બંધાવ્યો. આભા અને મનુ પગ દબાવવા લાગ્યાં. માથા પર તડકો પડતો અટકાવવા માટે આજે પણ તેમણે નોઆખલીવાળી ટોપી પહેરી રાખી હતી.

        સવા બે વાગ્યાથી મુલાકાતો શરૂ થઈ. લંકાના પ્રતિનિધિ ડોક્ટર સિલવા પોતાની પુત્રી સાથે મળવા આવ્યા, ફેબ્રુઆરીની 14મી તારીખે લંકા સ્વતંત્ર થવાનું હતું. તે પ્રસંગ માટે બાપુનો સંદેશો લેવા તેઓ આવ્યા હતા. તેમની પુત્રીએ બાપુના હસ્તાક્ષર લીધા. આ એમના આપેલા છેલ્લા હસ્તાક્ષર હતા.

        સવા ચારથી બાપુ સરદાર પટેલ સાથે વાતોમાં ગૂંથાયા અને આભા તેમને ખાવાનું પીરસવા લાગી. તેમણે બકરીનું દૂધ, લીલોતરીનો રસ અને ત્રણ સંતરાં  લીધાં.

        પોણો કલાક વીતી ગયો. ઘડિયાળનો કાંટો પાંચનો આંકડો વટાવી ગયો. પ્રાર્થનાનો વખત વીતતો જતો હતો, પણ વાત પૂરી નહોતી થતી.

        આખરે બાપુ ઊઠયા. તેમણે ચંપલ પહેર્યાં અને ઓરડામાંથી બહાર નીકળ્યા. હંમેશની જેમ તેમની બંને બાજુએ બે બાળાઓ હતી; જમણી બાજુએ આભા ને ડાબી બાજુએ મનુ. એમના ખભા પર બાપુના હાથ હતા. પાછળ હું, સરદાર ગુરુવચનસિંહ, નંદલાલ મહેતા અને બિરલાભવનનાં બીજાં માણસો ચાલતાં હતાં. ડોકટર સુશીલા કેટલાક દિવસથી ભાવલપુર ગયાં હતાં.

        દસ મિનિટ મોડું થયું હતું. બાપુના પગ પ્રાર્થનાના સ્થળ તરફ ઝડપથી ઊપડતા હતા. પગથિયાં ચઢી બાપુ ઓટલા પર પહોંચ્યા. રોજની પેઠે દર્શન કરનારાઓ બહુ અદબથી રસ્તો રાખી હારબંધ ઊભા હતા. ડાબી બાજુએથી કોઈએ કંઈક કહ્યું, બાપુએ પણ તેનો કંઈક જવાબ આપ્યો ને આગળ વધ્યા. તેમના બંને હાથ બાળાઓના ખભા ઉપરથી ઊંચકાઈને નમસ્કાર કરવા જોડાયા. હજી તેઓ થોડા આગળ ગયા. મનુએ પોતાની જમણી બાજુથી કોઈને આગળ આવતો જોયો. તે બાપુનો ચરણસ્પર્શ કરવા જાય છે એમ માની તેણે એને રોકવા માંડ્યો. પણ એ જ ક્ષણે એ માણસના ધક્કાથી મનુના હાથમાંથી બાપુની નોંધપોથી, માળ અને થુંકદાની નીચે પડી ગઈ. મનુ તે લેવા નમી. એકદમ ત્રણ ધડાકા થયા. ધડ, ધડ, ધડ ! હું નીચું જોઈને પાછળ ચાલ્યો આવતો હતો. મારી નજર બાપુ તરફ ગઈ, તો તેમના ધોતિયા પર લોહીની ધારા વહેતી દેખાઈ. એકાદ ક્ષણમાં તેઓ આભાના ખોળામાં ઢળી પડ્યા. આ બધું એટલી ઝડપથી બન્યું કે બુદ્ધિ કામ ન કરી શકી.

        જે પવિત્ર શરીરને અમે હંમેશાં ફૂલથીયે અધિક સાચવતા એ જ કોમળ શરીર તે વખતે ઘાસ અને કીચડ પર પડ્યું હતું. એમનો ચહેરો પીળો પડી ગયો હતો.

        પડતી વખતે એમના મોંમાંથી એમના હ્રદયમાં સદાયે વસતા રામનું નામ નીકળ્યું. બે વાર એમણે ‘હે રામ’ કહ્યું. એમની આંખો ફરી, જીભ હલી, હોઠ ફરક્યા અને તેઓ સદાને માટે શાંત થઈ ગયા.

        આ બધો ખેલ પાંચ-સાત મિનિટમાં પૂરો થયો. પાંચ ને સત્તર મિનિટ થઈ હતી. લોકો ચારે તરફ ફરી વળ્યા. હાહાકાર થઈ ગયો. બાળાઓ બાપુ ! બાપુ ! પોકારતી રોવા લાગી અને જનતા તો જાણે અવાક્ થઈ ગઈ.હું ડોકટરને શોધવા દોડ્યો. પણ કમનશીબે તે વખતે ત્યાં કોઈ ડોકટર નહોતો.

        પાંચેક મિનિટ પછી અમે બાપુને ઉપાડીને ઓરડામાં લઈ ગયા. એમનું એક ચંપલ અલોપ થઈ ગયું હતું અને એમનાં ચશ્માંનો પણ પત્તો નહોતો. હું સરદારને બંગલે દોડ્યો. એમને બધી વાત કહીને બિરલા ભવન લઈ આવ્યો, અને તરત દાકતરને બોલાવવા વિલિંગ્ડન ઈસ્પિતાલમાં પહોંચ્યો. ત્યાં એક ડોકટર હતો ખરો, પણ એણે એટલી બેપરવાઈ બતાવી કે મારે ત્યાં ઊભા રહેવું મુશ્કેલ થઈ પડ્યું. તરત જ હું બિરલા ભવન પાછો વળ્યો.

        પાછો આવીને હું ઝટ એમના ઓરડામાં પેઠો. કેતલાક દાકતરો ત્યાં આવી પહોંચ્યા હતા અને તેઓ નિરાશાથી માથું હલાવતા હતા. શોકસાગરમાં ડૂબેલા સરદાર સ્તબ્ધ થઈને પથ્થરની મૂર્તિની પેઠે તેમની પાસે બેઠા હતા. ડૂસકાંની વચ્ચે ગીતાપાઠનો ધ્વનિ સંભળાતો હતો.

        ઓરડામાં આભા બાપુનું પવિત્ર મસ્તક પોતાના ખોળામાં લઈને બેઠી હતી. દેવદાસ આવ્યા અને બાપુના હાથ પકડીને ધ્રુસકે ધ્રુસકે રોવા લાગ્યા. સરદાર અને પંડિતજીએ તેમને છાના રાખ્યા. ઓરડો માણસોથી ભરાઈ ગયો હતો. બહાર લોકો પોતાના બાપુના અંતિમ દર્શન કરવા ગાંડા થયા હતા.

        પછી અમે બાપુના દેહવાળી પાટ ઉઠાવી બિરલા ભવનના ધાબા પર લઈ ગયા. ત્યાં બાપુના દેહને બેસાડીને નીચે ઊભેલા લોકોને દર્શન કરાવ્યાં.

        રાતના બે વાગી ગયા હતા. બાપુના શબને નવડાવવાનું હતું. સ્નાનગૃહમાં હરિરામે ઠંડા પાણીનું ટબ ભર્યું. એક બીજી પાટ ટબ પાસે મૂકી બાપુના શરીરવાળી પાટ સ્નાનગૃહને દરવાજે લાવવામાં આવી. શરીરને અમે ટબ પાસેની પાટ પર સુવડાવ્યું. લોહીથી ખરડાયેલાં કપડાં મેં ધીરે ધીરે ઉતારીને દેવદાસભાઈના હાથમાં આપ્યાં બાપુનું ઊનનું બનૂસ ત્રણ જગ્યાએ ગોળીથી બળી ગયું હતું . ધોતિયું અને ચાદર લોહીથી તરબોળ હતાં. કેડની દોરીમાં લટકતો રૂમાલ લોહીથી ખરડાઈ ગયો હતો. બનૂસ પર માટી અને ઘાસ ચોટેલાં હતાં.

        ટબમાંથી મેં ઠંડા પાણીનું વાસણ ભર્યું અને તે બાપુ પર રેડવા હાથ લંબાવ્યો. પણ હાથ અટકી ગયો. બાપુ કદી ઠંડે પાણી નહાતા નહોતા. રાતના બે વાગ્યે, જાન્યુઆરીની આવી ટાઢમાં આ બરફ જેવું પાણી એમના પર કેવી રીતે રેડું? એમનું શરીર તો એનું એ હતું. હાય ! મારા મોંમાંથી ચીસ નીકળી ગઈ.

        આખરે એ ઠંડા પાણીથી એમનું શરીર સાફ કર્યું. છાતી પર જમણી બાજુએ ત્રણ ગોળીઓના ત્રિકોણાકાર નિશાન હતાં. બે ગોળીઓ પીઠમાંથી આરપાર નીકળી ગઈ હતી. ત્રીજી અંદર રહી હતી. બાપુની પીઠ પર બદ્શે માટી ચોંટેલી હતી. ઘામાંથી હજી પણ લોહી વહેતું હતું. મેં શરીર સાફ કર્યું અને તેમના આ જન્મદિને મેં તેમને ભેટ આપ્યું હતું  તે ધોતિયું પહેરાવ્યું.

        પછી પાટ ઓરડા વચ્ચે ગોઠવી અને તેના પર સફેદ ખાદીની ચાદર પાથરી. બાપુનો દેહ લાવીને તેના પર સુવડાવ્યો. જે માળાથી તે રોજ રામનામ જપતા તે તેમના ગળામાં પહેરાવી. તેમના માથા તરફ ફૂલની પાંદડીઓથી ‘ હે રામ’ અને પગ તરફ ૐ લખ્યું. ચારે ખૂણે ધૂપ સળગાવ્યો અને માથા તરફ દીવો મૂક્યો.

        બાપુનો ચહેરો  તેજસ્વી હતો. તેઓ હંમેશાં જેમ સૂતા તેમ જ ત્યારે સૂતેલા હતા. જાણે હમણાં શ્વાસ ચાલશે ! હવે તેઓ આ દુનિયામાં નથી, એમ લાગતું નહોતું.

        સવારના સાડા ત્રણ વાગ્યા. બાપુના ઓશીકા નીચે મૂકેલી ઘડિયાળ ટક્ ટક્ કરીને એમને જગાડતી અને બાપુ જાગતાંની સાથે ‘બ્રીજકિશન’ કરીને પહેલાં મને અને પછી ‘મનુ’, ‘આભા’, ‘શીલા’ કરીને ત્રણે છોકરીઓને જગાડતા. હું એમને ડાબે પડખે અને છોકરીઓ જમણે પડખે સૂતી હતી. કોઈ દિવસ બહુ મોડાસૂવાને લીધે બાપુની આંખ ન ખૂલતી અને અમે સૌ જાગતાં ત્યારે અમે અંદર અંદર ગુસપુસ કરવા માંડતાં અને વિચાર કરતાંકે બાપુને જગાડવા કે નહીં. ન જગાડીએ તો પ્રાર્થનાનો વખત થવા આવ્યો છે તે કેમ ચૂકાય? બાપુની આજ્ઞા હતી કે, હું ન જાગું તો મને જગાડવો. એક તરફ આ આજ્ઞા અને બીજી તરફ આ વિચાર કે એ થોડો વધુ આરામ લે તો સારું. પણ પ્રાર્થના તો વખતસર થવી જ જોઈએ. તેમને ઉઠાડવાની જવાબદારી મારી હતી. હું બહુ ધીમેથી એમના કાન પાસે જઈને કહેતો, “બાપુજી! બાપુજી !”તેઓ ભર ઊંઘમાં હોય, હું થોડીવાર અટકી જાઉં, પણ પ્રાર્થનાના સમયનો વિચાર આવે એટલે જરા મોટેથી બોલાવું, “બાપુજી !”અને તેઓ તરત ઊઠીને બેઠા થતા.

        પણ આજે ન તો તેઓ ઊઠ્યા, ન મને બૂમ મારી કે ન પોતાની પુત્રીઓને બોલાવી.ઊલટું અમે બધાં મળીને એમને જોર જોરથી બોલાવતાં હતાં છતાં તેઓ ઊઠતા નહોતા.

        પ્રાર્થના શરૂ થઈ, પણ આજે તેમણે ન તો ‘નમ્યો’  કહ્યું કે ન કહ્યું ‘બે મિનિટ શાંતિ’. એ કહેનાર આજે પોતે અનંત શાંતિની ગોદમાં પોઢી ગયા હતા.

        પ્રાર્થના પૂરી થઈ. પો ફાટવા લાગ્યો. છ વાગી ગયા. બહાર દર્શન કરવા આવનારાંની ભીડ વધતી જતી હતી. દેશ-દેશના એલચીઓ અને સરકારી માણસો શ્રદ્ધાંજલિનાં પુષ્પ ચઢાવવા લાગ્યા. દર્શન કરનારાઓ માટે એ પવિત્ર દેહને ફરી એક વાર બિરલા ભવનના ધાબા પર લઈ જવો પડ્યો. હવે અગિયારનો સમય થયો હતો. બહાર એમને લઈ જવા માટે લશ્કરી રથ સજાવવામાં આવતો હતો. એમના દેહને અમે નીચે લાવ્યા. રાષ્ટ્રધ્વજથી એ શરીરને ઢાંકી દેવામાં આવ્યું. મોં ખુલ્લું રાખ્યું હતું. સરદાર આજે પણ પથ્થરની મૂર્તિની પેઠે સ્થિર થઈને એમની પાસે બેસી ગયા. બીજાં પ્રિયજનો કેટલાંક રથ પર બેઠાં  અને કેટલાંક રથ આગળ ચાલ્યાં. અગિયાર વાગ્યે રથ દોરડાંથી ખેંચીને બિરલા ભવનની બહાર કાઢવામાં આવ્યો. ‘મહાત્મા ગાંધી કે જય!’ ના પોકારોથી આકાશ ગાજી ઊઠ્યું. રથ ધીરે-ધીરે રાજઘાટ તરફ આગળ વધવા લાગ્યો. ‘રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ ! ઈશ્વર અલ્લા તેરે નામ, સબકો સન્મતિ દે ભગવાન !’લાખો કંઠમાંથી રૂંધાયેલા સ્વરે નીકળેલી આ ધૂન ધીરે ધીરે આખા વાતાવરણમાં ફેલાવા લાગી.શબવાહિનીને રાજઘાટ પહોંચતાં છ કલાક થઈ ગયા.

        31મી તારીખે સાંજના ફરી એકવાર પાંચ વાગ્યા. પણ આજે બાપુ પોતાની બંને પ્યારી પુત્રીઓનો ટેકો લઈને પ્રાર્થનાસ્થાને જતા નહોતા. આજે અનેક હાથએમને પોતાને માથે અને ખભે ચડાવીને ચંદનની ચિતા પર મૂકતા હતા.

        બાપુનો દેહ જેના પર હતો તે પાટ ચિતા પર મૂકવામાં આવી. ચારે તરફ ઊભા રહીને સાથીઓએ અંતિમ પ્રાર્થના કરી અને પુષ્પોથીયે કોમળ એ પ્યારા દેહને લાકડાંથી ઢાંકી દીધો.

        રામદાસભાઈએ કપૂર સળગાવીને ચિતા પ્રગટાવી. થોડીવારમાં ચંદનનાં લાકડાંએ પ્રચંડ જ્વાળાનું રૂપ ધારણ કર્યું, અને જે દિવ્ય મૂર્તિ ચાળીસ કરોડના હ્રદયમાં બિરાજતી હતી તેને સદાને માટે પોતામાં સમાવી લીધી.

                                        અનુવાદક: કરીમભાઈ વોરા

=============================================

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,414 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ડિસેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: