ભાડે આપવાની છે : 10 કરોડ મધમાખી// ફ્રેંક ટેઈલર //[મિલાપની વાચનયાત્રા:1952

            ભાડે આપવાની છે  :  10 કરોડ મધમાખી// ફ્રેંક ટેઈલર         

[મિલાપની વાચનયાત્રા:1952//પાના નંબર :76થી 79]

   પોતાની દુકાનની બહાર હેરી વિટકોંબે જો કોઈ પાટિયું લગાડેલું હોત તો તેમાં લખ્યું હોત કે ‘ ભાડે આપવાની છે: 10 કરોડ મધમાખી.’  પણ કોઈ મોટી ગૌશાળા જેવી આધુનિક ઢબની ‘ માખીશાળા’  ચલાવતા એ અમેરિકન  જુવાનને  એવી કોઈ જાહેરાતની  જરૂર  નથી. હેરીભાઈની પાળેલી મધમાખીઓનાં  પરાક્રમો  અમેરિકાના પશ્ચિમ કાંઠાના ખેડૂતોને  ખેતરેખેતેરે દંતકથાની જેમ ગૂંજી ઊઠયાં છે. એ ગણગણતી માખીઓની મહાસેનાઓ દર વરસે અમેરિકન  ખેડૂતોને  કરોડોની  કિંમતનો પાક મેળવી આપે છે.

         કેટલાય લોકો હવે મધમાખી પાળતા થયા છે-પણ તે મધ માટે,  જ્યારે હેરીની માખીઓ તો ખેતરનાં દાડિયાંની જેમ મજૂરી કરીને પોતાની મહેનતનાં મૂલ્ય મેળવે છે.ગયે વરસે એ માખીઓ 1100 એકર બદામની ને 800 એકર પ્લમ ફળની વાડીઓ ઉપર ઘૂમી વળી હતી અને એ ફળ-વૃક્ષોનાં પુંકેસર-સ્ત્રી

કેસરનાં  મિલન કરાવીને  મધપૂડા દીઠ રૂ.13 જેટલું મહેનતાણું મેળવી આવી હતી. એ જ રીતે સફરજનથી માંડીને કાકડી સુધીનાં  અનેક તરેહનાં ફળ-શાકનાં  વ્રુક્ષ-વેલાઓની ખિદમત  એ માખીઓ

કરી જાણે છે.  ‘ હેરી છાપ’ ની માખીઓના પૂડાનાં પારસલ યુનાઈટેટ સ્ટેઈટ્સનાં રાજ્યે રાજ્યનાં ખેતરો  પર ગ્રાહકોને ટપાલ વાટે પહોંચતા થાય છે.એ ઉધમી માખીઓ હજારો રતલ મધ ભેગું કરી આપે છે એ ખરું, પણ એમનું વધુ મહત્વનું કામ તો ખેતર-વાડીઓની નીપજ વધારી આપવાનુ છે.

           વસંતના વાયુ વાય અને પુષ્પોનું યૌવન  પુરબહારમાં  ખીલે  તે વખતે વધુમાં  વધુ નર અને માદા ફૂલ-કેસરોનું  મિલન કરાવી આપે તેટલી મોટી સંખ્યામાં પાંખાળા સંદેશવાહકોને તૈયાર રાખીને  કરાવેલા  આવા વ્યવસ્થિત પુષ્પ-સંવનને પરિણામે ફળ-બગીચાઓના ફાલ બમણા,ત્રણ ગણા ને પાંચ-પાંચગણા પણ ઊતર્યા છે.

          અમેરિકન ખેતરોની મબલખ સમૃદ્ધિની ચાવી  આ પાળેલી મધમાખીઓની  કામગીરીમાં રહેલી છે. ભાઈ હેરી અને  તેમનાં પત્ની મેરીની જાહોજલાલીની ચાવી પણ વિદ્યાર્થીકાળ  દરમિયાન  એમણે લાધેલા આ ક્રાંતિકારી કીમિયામાં રહેલી છે.

                 સાત વર્ષની ઉંમરે હેરીને મધમાખી-પાલનમાં  રસ પડવા માંડ્યો હતો. યુનાઈટેડ સ્ટેઈટ્સનાં આથમણા કિનારા પરના  કેલિફોર્નીઆ રાજ્યમાં વસવાટ  કરતા હેરીને  તે કાળે કોઈ પાડોશીએ  એક મધપૂડો ભેટ આપેલો . કિશોર હેરીએ  એ પૂડાને એવા જતનથી ઉછેરવા માંડ્યો કે  કોલેજમાં પહોંચ્યો ત્યારે  મૂળ માખીઓનો વંશવિસ્તાર વીસ મધપૂડા  જેટલો  થઈ ગયો હતો. માખીઓની કમાણીમાંથી  જ ખરીદાયેલા  એક જૂનાં ખટારામાં  એ બધા પૂડા ભરીને  હેરી કોલેજે માં ભણવા ગયો ,ને કોલેજનાં અભ્યાસનો  તમામ ખર્ચ  એને એ માખીઓ એ જ રળી આપ્યો. વધારામાં,હેરી ભણી ઊતર્યો ત્યારે એના  મધપૂડા વીસથી વધીને  એકસોની સંખ્યાએ  પહોંચી ગયા હતા.

               હેરી ભણતો હતો તે જ કોલેજમાં  બાગાયતનો અભ્યાસ  કરવા મેરી  નામની એક યુવતી આવેલી.  એક સામયિકનાં  ખબરપત્રી તરીકે  પણ એ કામ કરતી  હતી. પણ પેલા ફુટકા  માખી-ઘેલા યુવાનમાં ને વૈજ્ઞાનિક  માખી-ઉછેરના  એનાં તરંગોમાં  મેરીબાઈ ને  એટલો બધો રસ પડ્યો કે  લેખણને  પડતી મૂકીને  એ તો  માખી-પાલક ની સહધર્મિણી  બની ગયાં.  ગામને છેવાડે  પાણીની  કોઈ ટાંકીની  નીચે  જેવું-તેવું ઘર ઊભું  કરીને એમણે સંસાર માંડ્યો.   

    ત્યાં રહ્યેરહ્યે હેરીએ  પોતાની તેમજ કોલેજની ‘ માખીશાળાઓ’ સંભાળતો . કોલેજનાં  માખી-ઉછેર શાસ્ત્રીઓની સાથે રહીને એણે એક એવી યુક્તિ અજમાવી કે એના પૂડામાં પાછી ફરતી માખીઓની પાંખે ચોટેલાં પુષ્પ-કેસરો એક નાનીશી પીંછી સાથે ઘસાઈને ખરી પડે ને એક ખોખામાં ભેગાં થાય. એ કેસરોને એણે મહિનાઓ સુધી ઠારપેટીમાં જાળવી રાખ્યાં ને પછી વળતી  વસંતમાં પોતાની માખીઓને એનું ભોજન કરાવ્યું. પરિણામે, એણે ધારી રાખેલું તેમ, માખી-રાણી રોજનાં 1500-1500 ઈંડાં મૂકવા લાગી.(દર ઉનાળે પાંચ-છ અઠવાડિયાંને આંતરે પ્રત્યેક મધપૂડામાં માખીઓની આખી નવી પેઢીનું શાસન સ્થપાતું રહે છે. ફક્ત રાણી-માખી જ ત્રણ વર્ષ સુધીની આવરદા ભોગવે છે ને તે કાળ દરમિયાન અઢી લાખ જેટલાં ઈંડાં મૂકે છે.) આ પુષ્ટિદાયક વધારાના ખોરાકને પરિણામે માખી-વસાહતમાં હજારોની વસ્તી ઝડપભેર વધવા માંડી. એ રીતે પાંચ જ વરસમાં પોતાના 100 પૂડાને 2000ની સંખ્યાએ પહોંચાડવાની યોજના પણ હેરી અને મેરીએ ઘડી કાઢી.

     એ મધમાખીઓનાં જેટલાં જ ઉદ્યમી આ બે એમનાં પાલકો પણ હતાં, કોલેજનો અભ્યાસ પૂરો કર્યા પછી દૂરનાપ્રાંતની એક વાડીના 500 પૂડાના મધનો ઈજારો એમણે ભાગીદારીમાં રાખ્યો. મધ ભરવા માટેનાં પાંચ-પાંચ ગેલનના ખાલી ડબ્બાથી આખો એક ખટારો ઠાંસીને એ યુવાન દંપતી આઘેના રાજ્યની એ વાડીએ પહોંચ્યાં ત્યારે વરસાદ વરસતો હતો ને ઠંડી ફૂંકાતી હતી. માખીઓ મધ ભેગું કરવા નીકળવાને બદલે પૂડામાં બેઠીબેઠી જ રોષભર્યો ગણગણાટ કરતી હતી ને પોતાની રાણીઓએને તથા નવી સંતતિને ગરમાવો આપવા મથતી હતી . પણ હેરી-મેરીને હાથ જોડીને બેસી રહેવું પાલવે તેમ નહોતું. પોતાની પાસે હતી તેટલી બધી મૂડી વટાવીને ધોરી વાટને કાંઠે એમણે એક નાસ્તાઘર માંડી દીધું ને મધ વેચીને નાણાં મળે ત્યાં સુધીના પેટ-ગુજારાની જોગવાઈ કરી લીધી.

     અંતે ઉઘાડ નીકળ્યો ને સૂરજનાં દર્શન થયાં ત્યારે પૂડામાંથી માખીઓનાં ધણ ઠલવાયાં ને મધનાં અકલ્પ્ય ભંડારો એમણે ભેગા કરવા માંડ્યા. સાંજ પડે ને એકએક પૂડાનું વજન દસ-દસ રતલ જેટલું વધી જતું. મધથી છલોછલ જાળીને સ્થાને હેરી રોજરોજ પૂડામાં નવી મધ-જાળીઓ ગોઠવતો, ને રાતે એ તથા મેરી બેસીને મધના ડબ્બા ભરતાં. એમ કરતાં કરતાં પૂરો મહિનો પણ નહિ વીત્યો હોય ત્યાં થાકીને લોથ બનેલાં હેરી-મેરી પોતાના ભાગનુ6 40 ટન મધ ખટારામાં ભરીને ઘરને પંથી પડ્યાં.

     એ સફરમાંથી હેરીનું કિસ્મત ખૂલી ગયું, ને એનો ધંધો ઝડપભેરવધવા લાગ્યો. દર વરસે વસંત આવે ને એની માખીઓને અનેક બાગ-બગીચામાં પુષ્પ-કેસરોના સંમિલનના કોન્ટ્રેક્ટ મળતા.

 

     ક્યારેક કયારેક કમનસીબી પણ હેરીના માર્ગમાં આવી છે. 1942ની એક સવારે, નજીકના કોઈ ખેતરની જીવાત મારવા માટે વિમાનમાંથી છંટાયેલી ઝેરી દવાનું નાનકડું વાદળું તોફાની પવનમાં તણાઈ આવ્યું ને પોતાની સૌથી મોટી માખી-શાળા ઉપર ફરી વળ્યું, તે જોતો રોષભર્યો હેરી લાઈલાજ બનીને સમસમી રહ્યો. એને લીધે 300 પૂડાની આસપાસની ધરતી મરેલી માખીઓના એકએક ઈંચ જાડા થરથી છવાઈ ગઈ. હેરીની મૂડીનો છઠ્ઠો ભાગ-દોઢ કરોડ મધમાખીઓ આંખના પલકારામાં ખતમ થઈ ગયો. વળ્કતી સાલ પણ એવી જ દુર્ઘટનાએ 700 માખી-વસાહતોનો દાટ વાળી નાખ્યો. છેવટે, હેરી અને બીજા માખી-પાલકો ધૂંઆપૂંઆ થતા રાજધાની પહોંચ્યા ત્યારે આવા વિમાની ઝેરછંટામણ સામે માખી-પાલકોને રક્ષણ આપતાં સરકારી નિયંત્રણો અમલમાં મુકાયાં.

     1947માં હેરી-મેરીએ ટપાલ વાટે પોતાના મધપૂડા ગામપરગામ પહોંચાડવાની શરૂઆત કરી. બારીક તાર-ગૂંથણીવાળા એકએક હળવા ખોખામાં 3,000 થી 5,000 માખીઓ, એક માખી-રાણી અને વાટ પૂરતું ચાસણીનું ભાથું ભરીને હેરી એને મુકામ ભણી રવાના કરે છે, ને નવે ઘેર પહોંચીને એ માખીઓ જે કામ કરે છે તેને લીધે કેટકેટલીય વાડીઓનાં છોડ-વૃક્ષો ઉપર અનેકગણાં ફળ વહેલાં વહેલાં બેસી જાય છે.

     માખી અને માનવીના આવા વિરલ ને પરમહિતકારી સહયોગનું દૃષ્ટાંત પૂરું પાડનારાં હેરી અને મેરીની રિદ્ધિસિદ્ધિ વરસોવરસ વધતી જાય છે.

અનુવાદક: મહેન્દ્ર મેઘાણી  

=======================================

 

 

 

 

 

 

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,210 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ડિસેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: