ભાષણો દઈ ભાગી ન જાઓ !/ઝવેરચંદ મેઘાણી
[મિલાપની વાચનયાત્રા:1950 પાના: 73 થી 75]
મોડા મોડા પણ આપણને સમજાયું કે આપણી માતાની આપણે શહેરોમાં નકામી શોધ કરીએ તો ઊભી ઊભી પેલાં ખેતરોમાંથી સાદ કરે છે.
માતૃ ભૂમિનો સંદેશો લઈને આજે સંખ્યાબંધ તરુણો ગામડાંનો ઉદ્ધાર કરવા છૂટ્યા છે. કોઈ સેવા સમિતિ,કોઈ ધર્મમંડળ, કોઈ રાજદ્વારી સભા, એ બધાં આ અજ્ઞાન ગામડિયાઓ ઉપર આજે ભાષણોની વૃષ્ટિ વરસાવતા તૂટી પડ્યાં છે અને હેરત પમાડે એવાં ગહન ગહન ઉપદેશો દઈને પાછાં ચાલ્યાં આવે છે.
ભાષણો સાંભળીને ગામડિયાઓ એકબીજા સામે તાજુબ નજરે નિહાળી રહે છે, અગર ઉદ્ ગારો કાઢે છે કે ‘ વાહ વાહ ! ભાષણ દેનારો ગજબાણ’ આથી વધુ તેઓ ભાગ્યે જ સમજી શકે છે.
ગામડાં કાંઈ ભાષણોને અભાવે ભાંગી પડ્યાં એમ નથી. ઓછાબોલા ગામડિયાનાં જીવનરહસ્ય જુદાં જ છે. એનું અબોલ જીવન બે પ્રદેશ ઉપર પથરાયેલું છે: કર્માલયમાં ને ધર્માલયમાં. ગામનો ખેડુ ખેતરોમાં તલ્લીન છે.લુહાર-સુતાર પોતાની કોડમાં જામેલ છે.વેપારી પોતાની દુકાન પર અને આખો સ્ત્રીવર્ગ ઘરસંસારમાં જીવનસંગ્રામ કરે છે. આ બધાંમાં વાક્ પટુતાને સમય નથી. સહુ પોતપોતાની હદમાં ચુપચાપ મહેનત કરી રહ્યા હોય છે.
ગામડિયાઓનો વિસામો રહ્યો ધર્માલયોમાં; સાધુ-સંતોને મુખે વંચાતાં ‘રામાયણ’ , ‘મહાભારત’ કે ‘ ભાગવત’ માં; રાત્રીભરનાં ભજનકીર્તનોમા; અને ચારણ-ભાટની વાર્તાઓમાં.
ધર્માલયોએ ગામડાંઓને સાબૂત રાખવા કેવી કેવી સેવા બજાવેલી છે! દૂર દૂર દેશના બાવાઓ આવીને પોતાનું જીવન ગ્રામ્ય જીવનની અંદર ઠલવી દેતા,એક લંગોટીભર રહ્યે રહ્યે પણ સંસારીને યે શરમાવે એવી વ્યવહારકુશળતાથી દેવાલયને ચલાવ્યે જતા,ઘાસનો અક્કેક પૂળો ભેળો કરીને ગૌવાઓ નભાવતા, દેવાલયની ચોપાસ નાનકડી ફૂલવાડી રચીને તેનાં ફળફૂલ પ્રભુજીને પ્રસાદમાં ધરી,બાળકોને રીઝવતા.
ધીરે ધીરે બાવાઓ સંયમહીન થયા,પેધ્યા,સખાવતોને જોરે વિલાસી બન્યાં.શ્રદ્ધાળુ ગામડિયો તો એ બધું સહતો ગયો,પણ એક દિવસ શહેરમાંથી સુધારક છૂટ્યો, તે એ ગામડિયાની ભાવના ઉપર વજ્ર-હથોડો મારી એને ધર્માલયથી વિમુખ બનાવી ગયો .
ધર્માલયોની બદી કાઢવા જતાં આપણે ગ્રામહ્રદયની અંદરથી ઈશ્વરને નસાડી મેલ્યાં,એવું તે બની ગયું નથી ને? ગામડિયાની કમાણીમાંથી એક હિસ્સો પ્રભુજીના કામમાં જતો, એનું મન ભર્યુ ભર્યુ રહેતું, ઈશ્વર તરફની ભક્તિભાવના એને જગતનાં સંકટોની વચ્ચે શુદ્ધ અને બલશાળી રાખતી,એ બધું હવે ગામડાંની અંદરથી રજા લેતું જણાય છે, કારણકે એની એક પ્રકારની સંસ્થા ઉપરથી શ્રદ્ધા ઉઠાડવા જતાં આપણે બીજી કોઈ ધર્મ સંસ્થા એ શ્રદ્ધાને આશરો લેવા આપી ન શક્યાં.
ગામડાંઓને નવા યુગની ચમક આપવા આજ ઠેર ઠેર મહેનત થઈ રહી છે, પણ ચમક લાગતી નથી. આપણે લોકજીવનના રંગમાં રંગાઈ ગયા છીએ ખરા? આપણે જુલમની વેદનામાં સદા સળગ્યા કરીએ, રાતદિવસ કેવળ ખુવારીની વાતોમાં જ મશગુલ રહીએ, દેશનું દુ:ખ નિહાળીને એક હાસ્ય કરવામાં પણ આપણે પાપ સમજી લઈએ. આપણા મોં ઉપર આશા કે ઉલ્લાસનું નૂર ન દેખાય, આપણી વાતોમાં વિનોદનો લગારે આભાસ પણ ન આવે, ખાદી કે સ્વદેશી કે સેતાની સરકારનાં ગીતો સિવાય બીજાં કોઈ ગીતો લલકારવા આપણો કંઠ તલ્પી ન ઊઠે; આપણે બળ્યાઝળ્યા, સોગિયા ને શુષ્ક ! ‘તમારા દેશને માટે’ એ જ આપણી એક રાગિણી !
તમારી બગલથેલીમાં એવું કાંઈ લઈને તમે આવ્યા છો કે જે લોકોને નચાવી શકે? ઘડીભર સૃષ્ટિનું ભાન ભુલાવી શકે? રસમાં તરબોળ બનાવી શકે?
હમણાં મહિમામંડિત બનેલું પેલું ઢસા ગામ. ગોપાળદાસજીએ એ પ્રાણહીન ને કજીઆખોર ગામને આજે પાગલ બનાવ્યું તે શી રીતે? એણે આઘે ઊભા ઊભા લોકોને ઉપદેશો ન દીધા. એની રાસમંડળીએ લોકોને ચચૂર બનાવ્યા.
એવા ઘાયલ આજ ગુજરાત કાઠિયાવાડમાં ઘણાયે હશે. એવો અક્કેક ઘાયલ, અક્કેક પાગલ, અક્કેક મસ્તીખોર, આજ અક્કેકગામડાના કાળજામાં જઈને બેસી જાય, તો જ ગામડાનો અમર આત્મા જવાબ દેશે. ઉપદેશ દેવા જશો તો એ આત્મા ઝોકાં ખાવાનો.
લોકોને મરેલા સમજીને આપણે નવું જીવન આપવા ઊપડ્યા છીએ. લોકો આપણી સીકલ સામે જોશે. આપણા શરીરબળ સામે નજર કરશે. આપણી બોલી તપાસશે. આપણો સ્વભાવ ખુશમિજાજી છે કે ઉદાસ એ જોશે. આપણે પોતે જીવતા છીએ કે મુડદાલ એની સાબિતી આપણે પહેલવહેલી દેવી પડશે. જીવન એટલે કેવળ ગાંધીજીકી જય નહિ, કેવળ ખાદીનો પોશાક નહિ, કેવળ સ્વદેશાભિમાનનાં ભાષણો નહિ, કે નહિ કેવળ રેંટિયો. જીવનનું ઝરણું તો વિધવિધ પ્રદેશો ઉપર નાચતું, કૂદતું, ઘડી વેગ કરતું, તો ઘડી વિસામો લેતું, ઘડી પહોળો પટ ખેંચતું, તો ઘડી ખીણોમાં કલકલ અવાજ કરતું દોડ્યું જાય છે.
એવા જીવનનો સ્વાદ આપણે લોકોને ચખાડી શકશું? આપણે અવાજ ઉઠાવીએ કે ગામડિયાઓને એનો વેપારી ચૂસે છે. સાચો વેપારી બનીને કોઈ સ્વયંસેવક એકાદ ગામડું સંભાળી લે એમ છે? સચ્ચાઈનો આદર કરવા ગ્રામ્ય હ્રદય પોતાનાં દ્વાર ખુલ્લાં મેલીને બેઠું છે, પરંતુ સચ્ચાઈ તો માત્ર ભાષણ કરીને જ ચાલવા માંડે છે.
પરંતુ રે ! આપણે તો વર્તમાનપત્રોના ભૂખ્યા, સભા-સમિતિઓના જ જીવડા. આપણે જાણીએ કેવળ હેરત પમાડવાનું. મરી ફીટવાની ઝંખના તો નવા યુગના ઘણા જુવાનોમાં છે. હવે તો જીવી જાણવાનું કોઈ શીખવે? મરવા કરતાં જીવવું મુશ્કેલ છે. સાચો મરનારને જીવતર અકારું નથી લાગતું, મીઠું જ લાગે છે. કલકત્તાની એક વિરાટ સભામાં રાજદ્વારી બાબતો ઉપર લોકોને ભાષણ દઈને ત્યાં ને ત્યાં બીજી જ ઘડીએ ગાંધીજી પોતાના ખોળામાં એક બાળકને રમાડતા હતા, રમાડતાં રમાડતાં એ નાની કન્યાના મોં ઉપર ચૂમીઓ વરસાવ્યે જતા હતા. એક તરફથી એ સાધુ સેનાપતિની રણહાક સાંભળી સ્ત્રીઓનાં અંગ ઉપરથી સોનારૂપાના અલંકારો ઊતરતા હતા. મહમદઅલી અને મોતીલાલજીસભાને ગજવી રહ્યા હતા; ત્યારે બીજી બાજુએ વિરાટ અને વામન વચ્ચે, એ પરમ અને પરમાણુની વચ્ચે ગાંડીતૂર મસ્તી જામી હતી. જે હસી નથી શકતો તે રડી શું જાણવાનો હતો?
ગામડાંઓ કહે છે કે ‘તમારું આસન અમારાથી ઊંચે કોઈ માચડા ઉપર ન રાખો. અમે જે ધરતી ઉપર બેઠા છીએ ત્યાં જ બેસો—ભાષણ દઈને દૂર ભાગો મા !’
====================================================
પ્રતિસાદ આપો