કવિ ઉશનસ્ (નટવરલાલ કુબેરદાસ પંડ્યા) ની મનને પ્રફુલ્લિત કરે એવી કવિતાઓમાંથી ચાલો આજે ‘રામની વાડીએ’ અને ‘રાત્રે સૂવા જતાં’એ બેને માણીએ.
રામની વાડીએ
રામની ભોંયમાં રામની ખેતરવાડીએ જી,
આપણા નામની અલગ છાપ ન પાડીએ જી.
જગન ચોક ચબૂતરે વેરી રામધણીની જુવાર,
તે પર પાથરી બેઠો તું તો ઝીણી પ્રપંચંની જાળ;
ધર્માદાચણથી પંખી ન ઉડાડીએ જી.
રામની વાડી ગામ આખાની, હોય ન એને વાડ,
બાંધ જો તારું ચાલતું હોય તો આભને આડી આડ;
વાડ કરી આ ક્ષિતિજ ના વણસાડીએ જી.
રામની વાડી ભોગવી ભાઇ, હકનાં પાઇ નીર,
સૌને વ્હેંચી ચાખવી આપણે રામના ફળની ચીર;
આપણા ભેગાં સૌનાં ભાણાં માંડીએ જી.
=====================================
રાત્રે સૂવા જતાં
દુકાન કરી બંધ; વાળુ કરી લીધું ને ઓટલે
પડોશી સહુ સંગ બેક કરી ફુર્સદી ગોઠડી,
પતાવી દઇ સર્વ વિશ્વવ્યવહારપ્રશ્નો ઘડી
પ્રવેશું ઘરમાં,કમાડ કરું બંધ મોટા’ગળે;
ઉતારું દિનવેશ કલેશમય ઘાણી જેવો અને
સજું રજનીનો સફેદ હળવો, પથારી કરી
ટપોટપ સ્વિચૉફ બત્તી ઘરની કરી ભીતરી
પથારીતલમાં પ્રલંબી દઉં શ્રાન્ત આ કાયને;
પૂરો હજીય બાહ્ય વિશ્વ થકી ના કપાયો અરે!
ચૂગી મનની ચલ્લી લાવી કંઇ બ્હારના તાંતણા
વીણી વીણી, નિશે હવે ભરતી નીડ સોહામણા,
હું તે મનબખોલથીય નીડ દૌં ઉશેટી દૂરે;
અને નીરખું તો અખંડ ત્યહીં ઝીણી ઘી-દીવડી
તવ સ્મરણની ઉજાળી રહી આખી આ ઓરડી!
પ્રતિસાદ આપો