Milap50-40
જુવાનોને શરમાવનારા//રામુ ઠક્કર
[મિલાપની વાચનયાત્રા:1950//પાના: 40-41]
ત્રણ વરસ સુધી યુગાન્ડા રેલવેમાં ભારે પગારથી એન્જિનિયર તરીકેની નોકરી કરીને મોટા કાકા પાછા આવ્યા હતા, પણ તેમની પાસે મુંબઈથી ભાવનગર સુધીની ટિકિટના પૂરા પૈસા નહોતા. એક રૂપિયો ખોટો હતો તે ચાલ્યો નહીં, એટલે તેમણે વઢવાણ જંકશન સુધીની ટિકિટ લીધેલી; અને મારા પિતા તેમને સ્ટેશને મળવા ગયા ત્યારે તેમણે મોટા કાકા માટે વઢવાણથી ભાવનગર સુધીની ટિકિટ ખરીદી આપી હતી. એમની સાથે એમનો રસોયો હતો તે 500 રૂપિયા નગદ બચાવીને લઈ આવેલો. આ લગભગ 1904ની વાત.
ઘરમાંથી વાત સાંભળેલી કે, મોટા કાકા આફ્રિકા હતા તે દરમિયાન એમનાં અભણ જેવાં, જૂના જમાનાનાં પત્નીએ એમને એક કાગળમાં લખેલું કે, ‘આફ્રિકામાં સોનું ઘણુ મળે છે, તો તમે આવો ત્યારે મારે માટે સોનાનાં ઘરેણાં લેતાં આવજો.’મોટા કાકાએ જવાબ લખેલો કે: ‘અહીંના હબસી લોકો તો લોઢાનાં ઘરેણાં પહેરે છે—કહે તો એવાં થોડાં તારા માટે લેતો આવું.’
આપણી સાથે વાત કરતાં બેઠા હોય ત્યારે તકિયાના કવરની કસ ખુલ્લી હોય તો બાંધી દે. આજુબાજુમાં કાગળની કરચ કે કોઈ નકામી ચીજ પડેલી હોય તે ઉપાડીને નાખી આવે. બધી વસ્તુઓ બરાબર ઠેકાણાસર, સારી દેખાય એવી રીતે ગોઠવેલી છે કે નહીં તે જોયા કરે અને ન લાગે ત્યાં જાતે જ સરખું કરી લે. એમનામાં આ ગુણ એટલો સ્વાભાવિક થઈ પડ્યો કે કોઈને ઉપદેશ આપ્યા વગર જાતે કરી લઈને આવી નાની-નાની ચીજો તેઓ સાથીઓને શીખવતા જ રહે છે.
એમની પાચનશક્તિ આ ઉંમરે પણ અજબ છે મિષ્ટાન્ન કે ફરસાણ પ્રત્યે એમને ઉદાસીનતા નથી, મળે ત્યારે એનો ઇનકાર કરતા નથી. પણ ભીલોની વચ્ચે ફરતા હોય ત્યારે બંટી કે મકાઈનો રોટલો પણ એટલા જ સ્વાદથી ખાઈ લે છે. એ કહે છે કે: ‘શરીરને કામ કરતું રાખવા માટે બે ટંકનું ભોજન જોઈએ. પણ એ ભોજન કઈ ચીજનું બનેલું છે એ વાત મહત્ત્વની નથી. અન્ન, ફળ, શાકની કોઈ પણ વાનીમાંથી પેટ ભરી શકાય અને ખાનારને નુકશાન ન કરે એવું ગમે તે ભોજન ચાલે.’
આજે એંશી વરસે પણ હજુ મોટા કાકા ટટ્ટાર માથું રાખીને લાંબી ફાળ ભરતા ચાલી શકે છે. આંખે ક્ષીણ થઈ જવા છતાં દાદરાઓ ચડે-ઊતરે છે ને ઘરમાં કોઈની મદદ વગર હરીફરી શકે છે.
—————————-********——————————–
વિરલ લોકસેવક //મેનકા ગાંધી
ઠક્કરબાપા એક વિરલ લોકસેવક છે. તેમનામાં અભિમાન કે આડંબરનો છાંટો નથી. તેમને સ્તુતિ જોઈતી નથી. તેમનું કામ એ જ તેમનો એકમાત્ર સંતોષ અને એકમાત્ર મનોરંજન છે. ઘડપણે એમના ઉત્સાહને મોળો પાડ્યો નથી. એક વાર એમને લખ્યું કે, ‘તમે જરા આરામ લો તો સારું.’તરત જ જવાબ આવ્યો: ‘આટલું બધું કરવાનું પડ્યું છે ત્યાં મારાથી આરામ શી રીતે લઈ શકાય? મારું કામ એ જ મારો આરામ હોવો જોઈએ.’પોતાના જીવનકાર્ય પાછળ શક્તિ ખરચવામાં તેઓ તેમની આસપાસના એકેએક જુવાનને શરમાવે છે.
—————————********———————————-
પ્રતિસાદ આપો