ધનનો ધખારો, જનનો ધસારો/મકરંદ દવે//ભાવાર્થ: સુરેશ દલાલ /ઝલક-પંચમી

 

        ધનનો ધખારો, જનનો ધસારો/મકરંદ દવે

ભાવાર્થ: સુરેશ દલાલ /ઝલક-પંચમી પાના: 14થી 17

      મકરંદ દવેના એક કાવ્યની પંક્તિ છે:

            સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત,

           દોઢિયા માટે દોડતા જીવો, જીવતું જોને પ્રેત.

      દરેકને રાતોરાત શ્રીમંત થવું છે. રોડપતિને કરોડપતિ થવું છે. વર્ષો પહેલાં એક અંગ્રેજી ચલચિત્ર જોયું હતું. પડદો ખૂલે છે ત્યારે એક માણસના એડીદાર બૂટ દેખાય છે. એની ગતિ દેખાય છે. પગલામાં મક્કમતા છે. પછી દેખાય છે એક મોટી ઈમારત. એ માણસની નજર ઈમારતની ટોચ પર છે. એને એમ છે કે આવા મોટા શહેરમાં હું આવ્યો છું.મારી પહોંચથી હું રૂમ ઍટ ધ ટૉપને મારે વશ કરીશ. પછી તો એ ચિક્કાર કામ કરે છે. હજી સુધી કોઈએ, કહેવત છે એ પ્રમાણે, ઈંડાં તોડ્યા વિના આમલેટ બનાવી નથી. ચલચિત્રનો અંત ઘણો કરુણ છે. જે માણસ અસંખ્ય મનોરથ સાથે શહેરમાં પ્રવેશ કરે છે એ માણસ અંતે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં છેલ્લો શ્વાસ લે છે. ઝૂંપડપટ્ટીનું કોઈક બાળક રમકડાની કારથી રમી રહ્યું છે. એ પોતાની રમકડા કાર પેલા માણસ તરફ રમતમાં જ ધકેલે છે. ચિત્રનો નાયક એ કારને લેવા માટે હાથ લંબાવે છે, પણ એના હાથ અને રમકડાની ગાડી વચ્ચે થોડુંક અંતર રહી જાય છે. જેને કશુંક થવું હતું, ચિક્કાર કમાવું હતું. એનાં બધાં જ સપનાં રોળાઈ ગયાં હોય છે.

કમાવું અને ચિક્કાર કમાવું એ બે વચ્ચે ફેર હોય છે. ધન એ સાધન છે. એ સગવડ આપી શકે, પણ સુખ નહીં. પૈસાથી સુખ લેવાની પ્રવૃત્તિ મૃગજળમાં માછલાં પકડવા જેવી છે. પૈસાનું મહત્ત્વ નથી એમ નહીં, પણ એનું રોગની કક્ષાએ મમત્વ ન હોવું જોઈએ. હવે તો રૂપિયો પણ પૈસાની જેમ સંકોચાઈ ગયો છે. દરેકને અબજોપતિ  થવું છે એ કેવી અજબ જેવી વાત છે ! દરેકને એમ છે કે દોરી લોટો લઈને આવ્યા છીએ તો આખો સાગર ઉલેચી નાખીએ. દોરી કપાઈ જાય છે અને લોટો ડૂબી જાય છે. પ્રજાને પૈસે નેતાઓ તાગડધિન્ના કરે છે. અને ભલભલા નેતાઓ પણ મોટા મોટા ઉદ્યોગપતિઓના પિઠ્ઠુઓ થઈ ગયા છે. ભારત દેશનું તંત્ર એ નેતાઓના હાથમાં છે કે ઉદ્યોગપતિઓના હાથમાં? એ સેમિનારનો વિષય પણ નથી રહ્યો. એ દીવા જેવું ચોખ્ખું છે.આમ પણ બ્રિટિશરોએ પગપેસારો કર્યો એ પહેલાં ઈસ્ટ ઇન્ડિયા કંપની જ રાજ ચલાવતી હતી. આપણાં ધોરણો બદલાઈ ગયાં છે. શ્રીમંત માણસ જ સફળ ગણાય. મહાભારતમાં પણ કહ્યું છે કે ભલભલો પુરુષ અર્થનો દાસ છે . પૈસાને કારણે માણસ કીંમતી હોય છે પણ મૂલ્યવાન નથી હોતો. એક પ્રસંગ યાદ આવે છે. એક પંચાવન વરસનો માણસ હતો અને બીજો પાંત્રીસ વરસનો. બંને વચ્ચે ગાઢ મૈત્રી. એક દિવસ વરસાદ વરસતો હતો. નાળું છલકાઈ ગયું હતું. પંચાવન વરસનો માણસ એક છલાંગે નાળું કૂદી ગયો. પાંત્રીસ વરસનો માણસ કૂદવા ગયો તો નાળામાં જ પડી ગયો. આસપાસના માણસોને નવાઈ લાગી કે જે જુવાન છે એનું કેમ આવું થયું? પંચાવન વરસના માણસને નવાઈ ન લાગી. એણે કહ્યું કે મારું ગજવું ભરેલું છે. પેલાનું ગજવું ખાલી છે. ગજવાની પણ એક ગરમી હોય છે. માણસની ચાલ પરથી તમે ઓળખી શકો કે એના પગમાં બૅન્ક બૅલેન્સનો કેટલો બધો રણકાર છે. ઍરપોર્ટ પર પોતાને પૈસે પ્રવાસ કરનારા માણસોની ચાલ જુદી હોય છે. અને કંપનીને પૈસે પ્રવાસ કરનારાની ચાલ જુદી હોય છે. પોતાની ગાડીમાં બેઠેલો માણસ જુદો જ લાગવાનો. બીજાની ગાડીમાં બેઠેલો માણસ ધોબીને ધોવા આપેલાં કપડાંના લબાચા જેવો લાગવાનો. માણસ ગાડીનું બારણું ખોલે અને બંધ કરે એના પરથી ખબર પડે કે કોના પૈસાની ગરમી બોલી રહી છે. પૈસો બોલે છે ત્યારે બધા જ ચૂપ રહેતા હોય છે.

પૈસાને કારણે નિષ્ફળ ગણાતા માણસને ઘણું સહન કરવું પડે છે. તમે ઘરે કેટલા રૂપિયા લાવો છો એના પર જ પિયા પિયા કે સાંવરિયાનાં સંબોધનો હોય છે. આશ્લેષ કે આલિંગન હોય છે. સંતાનોને પણ બાપ શું લાવે છે, કેટલું લાવે છે એની બરાબર સમજ પડે છે. ઘરમાં કલર ટીવી હોય, ફ્રિજ હોય અને લાગણી નામે એક નિર્જીવ ચીજ હોય. પત્નીનો ભાઈ વેલ્થ ટૅક્સ ભરતો હોય, બહેનપણીનો વર ડાયમંડ મરચન્ટ હોય, પત્નીના મામા મિલિયોનર હોય, કાકા કરોડપતિ હોય અને પોતાનો પતિ એટલું કમાતો ન હોય ત્યારે પત્ની પણ આડકતરી રીતે મહેણાંટોણાં તો મારતી જ હોય છે. બધે જ વલ્ગર શો ઑફ વેલ્થ હોય છે. માણસો પૈસાને કારણે કલ્ચર્ડ કહેવાતા હોય છે. ગર્ભશ્રીમંતોમાં ઘણો ફેર હોય છે. નવા શ્રીમંતોને પૈસો પચતો નથી. આ નિયોરિચ, ઓનરશિપનો મોંઘોદાટ ફલૅટ લઈને પૃથ્વી પર સ્વર્ગનો નશો કરતો હોય છે, કાંદિવલી-બોરીવલીની જેમ અમેરિકા, યુરોપ જતો હોય છે. ડૉલર, રૂપિયા, રૂબલ્સ અને પાઉન્ડ સિવાય એને કશું દેખાતું નથી. મજાની વાત તો એ છે કે પૈસો હોય તો આપણો પરસેવો પણ પરફ્યૂમ લાગે અને પૈસો ન હોય તો આપણો પરસેવો ગટરનું પાણી છે.પૈસા માટે માણસ બધું જ વેચવા તૈયાર હોય છે. નીતિ, ઈમાન એ તો ઉપર ઉપરની વાતો. તેલુગુના એક વાર્તાકાર રચકોંડા શાસ્ત્રીની વાર્તા સાંભળી. નશાબંધીના ધારા હેઠળ એક અભણ ગરીબ બાઈને પકડવામાં આવે છે. છેવટે એ સ્ત્રી વકીલને જે કહે છે એ વાત ભલભલાને અવાક કરી મૂકે એવી છે.’નીતિની વાતો કરો છો? નીતિવાન કોણ હોય છે? નીતિ તો મૂંગા ગાય-વાછરડાંઓને હોય છે, આપણને નહીં .મારા જેવી અભણને પણ નીતિ નથી અને તમારા જેવા ભણેલાઓને પણ નથી. આખી દુનિયા પૈસાની પાછળ ચકરાવે ચડી છે. હું પૈસા માટે દારૂ વેચું છુંઅને તમે પૈસા માટે તમારી બુદ્ધિ વેચો છો. પૈસા માટે ન્યાય વેચાય છે. પૈસા માટે દવાઓ વેચાય છે. ટૅક્સી, ગાડી રિક્ષાઓમાં વેશ્યાઓ પૈસા માટે શરીર વેચે છે. તમે, હું અને તે… ચૂંટણી વખતે આપણે બધાં જ વેચાણ માટે છીએ. બધું જ વેચવા માટે છે, એથી વિશેષ કશું નથી.

      પૈસો માણસને સલામતી આપે છે. પણ માણસો જ્યારે છાપરાને આકાશ માનવાની ભૂલ કરે છે ત્યારે જ વિસંવાદ સર્જાય છે. પણ માણસોહોય છે કે જેને બૅંક બૅલેન્સમાં રસ નથી. મકરન્દ દવેને યાદ કરીને આ પંક્તિ જોઈએ.

            ઉપરવાળી બૅન્ક બેઠી છે, આપણી માલમમાલ.

            નોટને સિક્કા નાખ નદીમાં ધૂળિયે મારગ ચાલ.

દૃષ્ટિ હોય તો ધરતીની ધૂળમાં પણ સોનાનો કણ મળી શકે.

      સંપત્તિનું સર્જન કરવું એ નાનીસૂની વાત નથી. કોઈ પણ વાત ઉદ્યોગપતિને વગોવતાં પહેલાં એટલો વિચાર કરજો કે એ માણસ, પ્રારબ્ધ ગમે એટલું એની પડખે હોય તો પણ એ સાહસિક હશે. જોખમ ઉઠાવવાની અને જખમ સ્વીકારવાની એનામાં પોલાદી તાકાત હશે. ઊંઘ વેચીને એ ઉજાગરા કરતો હશે. તનતોડ અને મનતોડ એની મહેનત હશે. સંપત્તિનું નિર્માણ રાતોરાત નથી થતું હોતું. એની પાછળ લોહી અને પસીનો હોય છે.

   ગ્રેહામ ગ્રીન નામના એક અવ્વલ દરજ્જાના નવલકથાકાર થઈ ગયા. એમણે એક અદ્ ભુત  નવલકથા લખી છે. નવલકથાનું નામ છે ધ બૉમ્બ પાર્ટી. નવલકથાનો નાયક એટલો મોટો શ્રીમંત છે કે ભલભલા શ્રીમંત પણ એની આગળ ભિખારી લાગે. એને એક જ શોખ, અવારનવાર પાર્ટી કરે. પાર્ટીમાં મોટા ગજાના શ્રીમંતોને બોલાવીને કોઈ ને કોઈ બહાને એમનાં અપમાન કરે. શ્રીમંતો સાંખી લે પેલી મહામૂલી સોગાદ મળવાની છે એ લાલચમાં ! એણે એક છેલ્લી પાર્ટી યોજી અને કહ્યું કે આ પાર્ટીને અંતે હું દરેકને જે સોગાદ આપીશ એ સોગાદ સાથે એક બૉમ્બ પણ છે. બધા લોભી લાલચુઓ આવ્યા. હકીકતમાં સોગાદ તો હતી, પણ બૉમ્બ ન હતો. એને એ પુરવાર કરવું હતું કે શ્રીમંતો જેવો ભિખારી કોઈ નથી. છેલ્લે નવલકથાનો અત્યંત શ્રીમંત નાયક, સોગાદનો સોદાગર પોતાના બગીચામાં જ આત્મહત્યા કરે છે. જાણે કે આ આત્મહત્યા દ્વારા એ એમ જ કહેવા માગતો હોય કે માનવીની ભીખ એ કદાચ સૌથી મોટી ભૂખ છે. લોભને ક્યાંય અંત નથી. પૈસા આગળ કોઈને માનપાનની પડી નથી. ગમે તેવાં અપમાનો માણસ ગળી જઈ શકે છે.

      શ્રીમંતાઈનો ઘમંડ કરવા જેવો નથી, તો ગરીબાઈનું પણ ગૌરવ કરવા જેવું નથી. નિર્ધન અને ધનની વચ્ચે, અછત અને છતની વચ્ચ જે માણસ સમતુલા જાળવી શકે અને પોતાના ધનનો કેવળ પોતા માટે નહીં, પણ બીજા માટે ઉપયોગ કરી શકે એનુ6 ધન લક્ષ્મી કહેવાય. ઉદ્યોગ શબ્દનો એક અર્થ ઊંચો યોગ થાય. જે માણસનું ધન ધન ન હોય પણ મહાલક્ષ્મી હોય એને જ સાચા અર્થમાં ઉદ્યોગપતિ કહેવાય.

============================================

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 286,247 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
નવેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: