અને ફૂલ કરમાઈ ગયું./ડૉ.પ્રફુલ શાહ-સાવરકુંડલા

              અને ફૂલ કરમાઈ ગયું.

     એક આદર્શ કિલ્લોલ કરતું કુટુંબ . તેના વડા નંદલાલ ભાઈ હરિયાણી શૈક્ષણિક બોર્ડિંગમાં ગૃહપતિ અને અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલ. તેમના પત્ની તેમના દરેક કાર્યમાં મદદરૂપ થાય. તેઓ બે, બે પુત્રીઓ અને એક દિકરો એમ પાંચ જણનું કુટુંબ. મારે તેમની સાથે ઘર જેવો સંબંધ.

     નાની દીકરી ગીતા કૉલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે, એક દિવસ રવિવારે સાંજના સમયે તેઓ ગીતાને લઈને મારે ઘેર આવ્યા, ગીતાને નસકોરી ફૂટેલી અને લોહી બંધ ન થાય, આતો એક સામાન્ય વાત હતી, એટલે લોહી તો બંધ થઈ ગયું, પરંતુ અમે ડૉક્ટરો કારણ શોધવા પ્રયત્ન કરીએ એટલે દીકરીને બીજે દિવસે દવાખાને બોલાવી.

  લોહીની તપાસ કરાવી, રિપોર્ટ લોહીના કેન્સરનો આવ્યો.બાપ-દીકરીને મારે આ વાત કેવી રીતે કરવી તે મથામણ મારા મનમાં ચાલી. બાવીસ વર્ષની જુવાન દીકરી, ખીલેલું ફૂલ, ચહેરા પર નિર્દોષ સ્મિત રમે.પરંતુ પિતાને ખ્યાલ આવી ગયો કે વાત કંઈ ભારે છે. ગીતાને બહાર બેસવા કહ્યું અને નંદલાલભાઈને વાત સમજાવી કે ગીતાને લોહીનું કેન્સર છે, અને આપણે તેને સમજાવીને સારવાર શરૂ કરવાની છે. આ દર્દને માટે દવાઓ પણ છે અને તેનાથી દર્દને કાબુમાં રાખી શકાશે. શક્ય છે કે તેની સારવાર દરમ્યાન આ દર્દ મટાડવાની દવાઓ શોધાય. એટલે આપણે હિંમત રાખવાની છે.

     મનમાં સંકલ્પ કર્યો કે ગીતાને દીકરી જ માનવી અને કદી તેમની પાસેથી કોઈ ચાર્જ ન લીધો. ઈશ્વરની પ્રેરણા કહો કે જે કહો તે ગીતા મારી પુત્રી બની ગઈ, તેના હ્રદયમાં મારા માટે પિતાતુલ્ય ભાવ થયો. અમે દવા શરૂ કરી, તેને સારું લાગ્યું. કુટુંબના સૌ સ્વસ્થ થતાં ગયાં. દર મહિને એક વાર અમદાવાદ લોહી ચડાવવા જવું પડતું. સારવાર અમદાવાદ હૉસ્પિટલની ચાલે. આ દર્દમાં લોહીનું પાણી થતું હોઈ લોહી ચડાવવું અનિવાર્ય બને છે.

     ગીતાના મનમાં કોઈ પ્રશ્ન ઘોળાયા તો કદી તેના માતા-પિતાને વાત ન કરે.મારી પાસે આવે અને હું તેનું સમાધાન કરવા પ્રયત્ન કરું અને ખુશ કરીને પાછી મોકલું . ડાહી દીકરી, સમજુ પણ એટલી જ. હ્રદયની અતિ કોમળ, વાંચન વિશાળ એટલે તેના મનમાં પ્રશ્નો ઉપસ્થિત થાય એટલે ઢીલી પડી જાય. ઘણી વખત તો મારા બધા કામ મૂકીને કલાકો સુધી સમજાવવી પડે . તેમનું ઘર મારે દવાખાને જતા વચમાં આવે. વારંવાર તેને ખબર ન પડે  તે રીતે તેના ખબર અંતર પૂછ્યા કરું. પંદર દિવસમાં એક વાર તો મળવાનું બને જ. કોઈ કોઈ વાર તેને હિસ્ટરિકલ ફીટ પણ આવતી, ત્યારે કોઈ મને બોલાવવા આવે. ત્યાં જઈને તેના માથા પર હાથ ફેરવીને તેને વહાલ કરું એટલે તુરંત સારું થઈ જતું. કદી ઈન્જેક્શન આપવાની જરૂર પડતી નહીં.

     ગીતાના માતુશ્રી ભક્તિપરાયણ.કદી કાંઈ બોલવું નહીં, કોઈ ફરિયાદ નહીં. દીકરીની ચાકરી ભક્તિભાવથી કર્યા કરે. તેમને વારંવાર નસકોરી ફૂટતી અને નબળાઈ પણ આવી જતી. પરંતુ તેમની વાત કોઈને કહે જ નહીં. પિતાનો સ્વભાવ પણ એવો કે કોઈ વાતની ફરિયાદ નહીં. ઘરમાં સૌ આ વાત જાણે, પણ કોઈ આ દર્દ અંગે શબ્દ પણ ઉચ્ચારે નહીં. આમારા ઘર પાસે નવરાત્રીમાં ગરબા લેવાય. 400-500 વ્યક્તિઓ નાના મોટા સર્કલમાં ગરબા લેતા હોય, ગીતા પણ ગરબા લેવા આવે ત્યારે ખૂબ ખીલે, તેને ખ્યાલ પણ ન હોય તેમ મારું ધ્યાન તેના પર હોય કે થાકી તો નથી જતી ને? એકાદ ગરબો પૂરો થાય કે દોડતીકને આવે અને આનંદ વ્યક્ત કરે.

     સમય જતાં દર્દ તો કાબુમાં રહ્યું. પરંતુ અંદરથી તે નબળી પડતી જતી હતી. અમદાવાદના પ્રોફેસર અને જાણીતા સર્જક વિવેચક અનિરુદ્ધ બ્રહ્મભટ્ટને પણ લોહીનું કેન્સર હતું. અમદાવાદજાય ત્યારે ગીતા તેમની પાસે પહોંચી જાય અને આ દર્દ વિષે જેટલી માહિતી મળે તેટલી મેળવી લે. પણ તેમાં દિલની વ્યથા બહાર આવવા દે નહીં, વધારે સહન ન થાય ત્યારે મને વાત કરે. એક વાત નક્કી હતી. આ દર્દમાં મૃત્યુની રાહ જોવાની હતી. દીકરી અને કુટુંબના સૌ જાણતા, છતાં ઘરમાં આ વાત ઉચ્ચારાતી નહીં.

     સમય પસાર થતો ગયો. એક,બે, ત્રણ વર્ષ અને પછી તો તકલીફો વધવા લાગી, નબળાઈ વધારે લાગે. લોહી પણ થોડા થોડા સમયે ચડાવવું પડે, તેનું મન મક્કમ રહે તે માટે અમે સૌ પ્રયત્ન કરતા. છેલ્લા છ માસમાં તો ખ્યાલ આવી ગયો કે , દીકરી હવે થોડા સમયની મહેમાન છે. વારંવાર તે મારી પાસે તબિયતની ફરિયાદ લઈને આવતી અને હું તેને સમજાવતો , પછી લોહી ચડાવવા અમે અમદાવાદ ન મોકલતા અહીંજ ચડાવતા. એક પ્રસંગે કોઈનું લોહી મળતું નહીં, મારા પરમ મિત્ર અને આદર્શ સર્જન ડૉ. જે.બી. વડેરા તે વખતે અહીંની કે.કે.હૉસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ હતા, તેમણે તેમનું લોહી કાઢી ને ચડાવ્યું.

     અને એક દિવસ.. રાતના નવ વાગ્યાનો સમય. હું તથા મારા પત્ની અમારા એક મિત્રને ત્યાં તેમની પુત્રીના લગ્નના ફોટાનું આલ્બમજોવા જઈ રહ્યા હતાં. મિત્રને ત્યાં જવાનું મુલતવી રાખી સીધા ગીતા પાસે પહોંચી ગયા. ચહેરો સૂઝી ગયેલો, લોહીના ચકામા દેખાય, તેને ગભરામણ થતી હતી. ખ્યાલ આવી ગયો કે અંત:કાળ નજીક છે. પિતા મુંબઈ ગયેલા, બહેન એકલા જ ઘરે એટલે તેઓ ખૂબ ગભરાઈ ગયેલાં. મુંબઈ ફોન કરીને નંદલાલભાઈને બોલાવી લીધા.

          દીકરી પાસે નિરાંતે બેઠો, ઘણા વખતથી તેણે લખેલા કાવ્યો વાંચવાનું કહેતી, પરંતુ તે વાત ભૂલાઈજતી, તેનું બધું સાહિત્ય મંગાવ્યું.એક પછી એક કાગળ વાંચતો ગયો. આ છેલ્લું વાંચવાનું હતું. ગીતાએ સુંદર કાવ્યો લખ્યા હતા. તેણે લખેલું કે, મારા માતાપિતાએ મારું નામ ગીતા પાડ્યું છે.પણ પ્રભુ, ગીતામાં જે લખ્યું છે તેનો અંશ પણ બની શકું તેમ કરજે.- ‘મૃત્યુ મરી ગયું’એ ઉષાબેન શેઠનું એમની દીકરીની જીવલેણ બીમારીનું, બીમારી સામે માના સાથથી દીકરીએ ખેલેલા વીરતાભર્યા જંગનું વર્ણન કરતું પુસ્તક છે. આ પુસ્તક મારી પાસે હોવા છતાં તેને વાંચવા આપતો નહીં.પરંતુ ગમે ત્યાંથી મેળવીને તેણે વાંચેલું. તેણે વાંચેલા પુસ્તકોની યાદી જોઈ ગયો ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ દીકરીમાં સમજણનું કેટલું ઉંડાણ છે ! તેનું વિશાળ વાંચન જોઈને અને સમજણ જોઈને મારા હ્રદયને આંચકો લાગ્યો કે આવી કોમળ હ્રદયની બાળકી ચાલી જશે !

     તે દિવસથી મારો નિત્ય-ક્રમ બની ગયો કે દીકરીને દિવસમાં ત્રણ વાર સવાર, બપોરે અને સાંજના જોવા જવું . દરરોજ સવારના બગીચામાંથી ચૂંટીને ગુલાબના રંગબેરંગી ફૂલો ફલાવર વાઝમાં ગોઠવી જાઉંને તેની સામે ટેબલ પર મૂકું . તેને રોજ હસાવું કે આવા ખુલેલા ગુલાબ જેવી મારી દીકરી થઈ જશે. એક દિવસ ગુલાબ કરમાઈ ગયા, મારી ભૂલને કારણે ગુલાબની દાંડી પાણી બહાર રહી ગયેલી તેના કારણે ગુલાબ કરમાઈ ગયા. સાંજના જ્યારે હું તેની પાસે ગયો ત્યારે ગીતા મારા ખોળામાં માથું મૂકીને ખૂબ રડી. તેને પંપાળતો રહ્યો અને રડવા દીધી. તેને ખૂબ સમજાવી કે આ મારી ભૂલને કારણે ફૂલો કરમાઈ ગયા છે. તેનું તો એક જ રટણ રહ્યું કે, ગુલાબ કરમાઈ ગયા તેમ હું પણ એક દિવસ કરમાઈ જઈશ. બીજા દિવસથી બે ફૂલદાનીમાં ગુલાબ ભરીને મૂકું જેથી કોઈપણ સ્થિતિમાં સૂતી હોય તો તેને ગુલાબ નજરે પડે.ગુલાબ જોઈને શું વિચારતી હશે? પરંતુ તેનું મન આનંદમાં રહેતું.

     દિવસે દિવસે પીડા અસહ્ય બનતી ચાલી, ચહેરો ફૂલી ગયો; આંખો પણ ઝીણી ઝીણી થઈ ગઈ, ખાવામાં તકલિફ પડવા લાગી.શ્વાસોશ્વાસમાં પણ તકલિફ પડતી એટલે પાછળ ગાદલા મૂકીને તેને બેસારતા. શરીર પર કાળા ચાંભા દેખાતા હતાં અને બોલી શકાતું પણ નહીં . આવા સમયે દીકરી તેના મા-બાપને કાંઈ કહેતી નહીં, પરંતુ મારી પાસે ખૂબ લાડ કરતી અને હું લાડ કરાવતો. હું સાંજના તેની પાસે બેસું ત્યારે બોલી શકતી નહીં, પરંતુ લખીને આપતી કે ભાઈ, આજે તમે વધારે વાર બેસો, આજે તમે મને જમાડો, આજે તમારે જવાનું નથી. હું સૂઈ જાઉં પછી જ જવાનું છે. તે રાજી રહે તે માટે અમે બધા પ્રયત્નો કરતાં, છેલ્લે સાંજના હું જ્યારે તેની પાસે ગયો ત્યારે ખ્યાલ આવી ગયો કે આજની રાત ભારે છે. રાતના બાર સુધી તેની પાસે બેસીને ભાતભાતની વાતો કરી તેને ખુશ રાખવા પ્રયત્નો કરતો રહ્યો, કોઈ કોઈ વાર ભાન જતું રહેતુંદીકરી સૂઈ શકતી નહીં એટલે ટેકા રાખતા, તેના પિતાશ્રીએ મને કહ્યું કે, ડૉક્ટર, તમે ઘેર જઈ આરામ કરો. જરાક પણ તકલિફ વધારે લાગશે તો તુરત તમને બોલાવી લઈશું. મારું મન તેની પાસેથી ખસવા ના પાડતું હતું. પંદર દિવસ સતત કામને કારણે શરીર થાકેલું એટલે ઘરે જઈને સૂવા પ્રયત્ન કર્યો, પરંતુ ગીતાના વિચારો આવ્યા કરે !

     એકાદ વાગ્યો હશે અને ગીતાએ મારૂં રટણ શરૂ કર્યું. થોડી વાર શુદ્ધિ ગુમાવી દે, થોડી વાર શુદ્ધિ આવે તેવી પરિસ્થિતિ હતી. નંદલાલભાઈને એમ કે ડૉક્ટરને થોડો આરામ ભલે મળે. તેમ કરતા કરતા સવારના પાંચ વાગ્યા. દીકરીથી હવે રહેવાયું નહીંએટલે  ઈશારો કર્યો કે જલ્દી બોલાવી લાવો.

     મારું ત્યાં પહોંચવું અને દીકરી જાણે મારી રાહ જોતી હોય તેમ મને જોઈને તેના ચહેરા પર છેલ્લું સ્મિત રમી રહ્યું અને દીપ બુઝાઈ ગયો; જાણે તેને મારી સાથે આંખોથી છેલ્લી વાતો કરી લેવી હતી !

====================================

    

    

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
2 comments on “અને ફૂલ કરમાઈ ગયું./ડૉ.પ્રફુલ શાહ-સાવરકુંડલા
  1. hemaldave કહે છે:

    કેટલી karunta …ankho bhinjai gai

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,414 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
નવેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: