સુવર્ણચંદ્રકના ધારકો//યશવંત પંડ્યા[મિલાપની વાચનયાત્રા:1951]

મિલાપ 51-6

સુવર્ણચંદ્રકના ધારકો//યશવંત પંડ્યા

[મિલાપની વાચનયાત્રા:1951 /પાના: 6 થી 9]

 

રણજીતરામ એટલે ગરવી ગુજરાતના પનોતા પુત્ર, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રણેતાઅને પ્રાણ; એમણે એ સ્થાપી અને પાળીપોષી. રણજીતરામ એટલે કનૈયાલાલ મુનશી સરખાને ઐતિહાસિક નવલકથાઓ તરફ ઢાળનાર, એનું વસ્તુ પૂરું પાડનાર—જેને પરિણામે આપણને ‘પાટણની પ્રભુતા, ‘ગુજરાતનો નાથ’અને ‘રાજાધિરાજ’ સમી, આજની ઘડી સુધી અનન્ય એવી, રસીલી નવલત્રયી મળી. રણજીતરામ પોતે પણ સમર્થ લેખક અને સંશોધક હતા. 1917માં ભરયુવાન વયે એઓ અકસ્માતવશાત્ જુહુને કિનારે સાગરમાં સમાઈ ગયા ન હોત તો ગુજરાત  એમની સેવાઓથી સવિશેષ સમૃદ્ધ હોત. એમના સુભગ સ્મરણમાં ગુજરાત સાહિત્ય સભા(જેની સ્થાપના યે એમને આભારી છે)  તરફથી વરસે વરસે ગુજરાતની સંસ્કારિતાના સેવકને સુવર્ણચંદ્રક અપાય છે.

એ ચંદ્રક સાથે જેમનાં નામ જોડાયાં છે એમનો સિલસિલાબંધ પરિચય તો કદાચ બધાંને નહિ હોય. 1928નો પ્રથમ ચંદ્રક ઝવેરચંદ મેઘાણીને આપવામાં આવ્યો હતો. એમની એ કાળે બોલબાલા હતી. ગામડે ગામડે ફરીને લોકસાહિત્યની કથા અને કવિતાને એ એકઠી કરતા હતા , અને એમની કલમમાંથી ‘સૌરાષ્ટ્રની રસધાર’ અને ‘રઢિયાળી રાત’ના ભાગો ગ્રંથનાં રૂપ લેતા હતા. સાહિત્યની દરેક દિશા એમણે ખેડી છે અને ખીલવી છે.

સંખ્યા સાથે ગુણની દૃષ્ટિએ એમનો ફાલ સોળ આની આંકી શકાય. ઈશ્વરે એમને મધુર અને બુલંદ ગળું બક્ષ્યું હતું અને તેનો લાભ ગુજરાત ને સૌરાષ્ટ્રનાં શહેરોને મળતાં  મેઘાણી સૌના લાડકવાયા થઈ પડ્યા હતા- જે જીવ્યા ત્યાં લગી રહ્યા હતા.

બીજા આવ્યા ગિજુભાઈ બધેકા—બાલસાહિત્યના જેને જાણે સર્વ હક્ક સ્વાધીન હતા! દક્ષિણામૂર્તિની નાની ટચુકડી ચોપડીઓ ઘેરઘેર જોવામાં આવતી. ક્યારેક એક દિવસમાં એવી બે ચાર ચોપડીઓ તેઓ લખી-લખાવી શકતા. બાળકોની તેને માટે પડાપડી થતી.

ત્રીજો, 1930નો ચંદ્રક રવિશંકર રાવળને મળેલો. પણ એમને માટે આ પહેલો નહોતો; 1917માં મુંબઈની કલાસંસ્થા ‘બૉમ્બે આર્ટ સોસાઈટી’તરફથી એમને એ વર્ષના ત્યાંના પ્રદર્શનની શ્રેષ્ઠ કૃતિનો સુવર્ણચંદ્રક અર્પવામાં આવેલો. ર.મ.રા. ચિત્રકાર છે એમ કહેવા કરતાં ચિત્રકારોના ચિત્રકાર છે એ કહેવું વધારે સાચું છે. કનુ દેસાઈ, રસિકલાલ પરીખ, સોમાલાલ શાહ અને બીજા ઘણા પીંછીના પ્રદેશમાં એમનું માર્ગદર્શન મેળવીને ફાલ્યાફૂલ્યા છે. રવિભાઈ વ્યક્તિ નથી, સંસ્થા છે; અને આ ચન્દ્રકે જ્યારે સાહિત્યની સીમા વિસ્તારીને કલાને સાથમાં લીધી ત્યારે તેમની પસંદગી આપોઆપ હતી.

પછી વારો આવ્યો વિજયરાય વૈદ્યનો. વિશિષ્ટ વિવેચક તરીકે એમને નામના મેળવી છે. એક કાળે એ સાહિત્ય સંસદના મુખપત્ર ‘ગુજરાત’ ના તંત્રી હતા, આજે એમના ‘માનસી’ના છે. પણ જે પ્રતિષ્ઠા સાર્વજનિક ‘કૌમુદી’એ પ્રાપ્ત કરેલી એ જુદી જ જાતની હતી. લેખકો અને કવિઓને ‘કૌમુદી’પોતાનું લાગતું. સાહિત્યની સાધનામાં તન મન ધન, –ધનથી અધિક મન, અને મનથી અધિક તન—ખર્ચવામાં વિજયરાયની બરાબરી કોઈ કરી શકે એમ નથી.

1932ની આસપાસ રમણલાલ દેસાઈની નવલકથાનું જોર જામ્યું હતું. એમની કીર્તિના કાંગરા સમા ‘દિવ્યચક્ષુ’ ને ‘ભારેલો અગ્નિ’વગેરે ત્યારે લખાયેલાં; અને એ રીતે એમને અપાયેલો ચન્દ્રક યથાસ્થાને યથાસમયે હતો.

રત્નમણિરાવ જોટનું નામ તમે સાંભળ્યું છે? ઈતિહાસના એ અભ્યાસી છે, ભૂગોળના ભોમિયા છે. એમનાં ‘અમદાવાદ’, ‘ખંભાત’અને ‘સોમનાથ ’પરનાં દળદાર અને વિગતવાર પુસ્તકોમાંથી તમે એક પણ વાંચશો તો તમને ખાતરી થશે કે એમને ખોળી કાઢીને 1933નો ચન્દ્રક અર્પવા બદલ સાહિત્ય સભાને અભિનંદન ઘટે છે.

1934નો ચન્દ્રક સુન્દરમ્ અને 1939નો ઉમાશંકર જોશીને મળવામાં વચ્ચે પાંચ વરસનો ગાળો ગયો; પણ આપણે તો એમને સાથે જ લઈશું. સુન્દરમ્ ‘કાવ્યમંગલા’થી ને ઉમાશંકર ‘ગંગોત્રી’    થી પ્રથમ પંક્તિના કવિઓ તરીકે સ્થપાઈ ચૂક્યા હતા અને બંનેની પછીની કવિતાએ એનું ઉત્તરોત્તરસમર્થન કર્યું છે. બંને એ નાટક, નવલિકા, વિવેચન વગેરેમાં પણ ફાળો નોંધાવ્યો છે.સુન્દરમ નું ‘અર્વાચીન કવિતા’ એકેએક કવિતાપ્રેમીને વાંચ્યા વિના ચાલે તેમ નથી.

1935માં વિશ્વનાથ ભટ્ટ, ‘44માં વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને ‘46માં ડોલરરાય માંકડ—આ ત્રણે વિવેચકોની સેવા ભિન્નભિન્ન ભાતની મળી છે. વિશ્વનાથ વિશાળ વાચનમાંથી સરસ સાહિત્ય ઉપજાવે –દાખલા તરીકે, એમનું ‘વીર નર્મદ’  . વિષ્ણુપ્રસાદની વિવેચના ધીરગંભીર, પરિશીલનશીલ પણ સ્વતંત્ર. ડોલરરાયનું સામર્થ્ય સંસ્કૃત ભાષા અને સાહિત્ય.

ચંદ્રવદન મહેતાને કવિ કહેવા કે નાટકકાર, એ કોયડો છે. છતાં 1936નો ચંદ્રક એમની રંગભૂમિની સેવાની કદર રૂપે મળેલો એ નક્કી છે. પોતે જેવા સફળ નાટકકાર છે એવા જ કુશળ નટ છે.

ચુનીલાલ વર્ધમાન શાહ(1937) અને ગુણવંતરાય પોપટભાઈ આચાર્ય(1945)ને પણ સાથે લઈએ એ સારું છે. બન્ને સફળ નવલકથાકાર છે, ઈતિહાસમાંથી વસ્તુ મેળવે છે અને એને વફાદાર રહેવામાં માને છે. ગુણવંતરાયને આ દિશામાં આગ્રહ કરીને લખાવનાર ચુનીલાલ હતા, એ બંને માટે માનની વાત છે.

કનુ દેસાઈ વિષે કાંઈ કહેતા હું અચકાઉં છું. પચીસેક વર્ષ પહેલાં, અમારા અભ્યાસકાળમાં, કલાકોના કલાકો અને દિવસોના દિવસો સુધી અમે સાહિત્ય-કલાની ચર્ચા કરી છે. એમના જેવો ઉદ્યમી કલાકાર મેં જોયો નથી. એ પ્રેરણા અને પરસેવો બંને ઉપર આધાર રાખે છે. એમની અનેક ચિત્રાવલિઓમાં અને ‘ભરતમિલાપ’, ‘રામરાજ્ય’ વગેરે ચલચિત્રોના કલાનિર્દેશનમાં આની પ્રતીતિ થશે. 1938ના ચન્દ્રકનું માન એમને મળ્યું એ સર્વ વાતે યોગ્ય હતું.

સાથોસાથ શાંત અને શરમાળ ચિત્રકાર રસિકલાલ પરીખને લઈએ.  આ પ્રથમ પંક્તિના કલાકાર મુંબઈની જે.જે.સ્કુલ ઓફ આર્ટની પરીક્ષામાં પ્રથમ આવેલા, ત્યાંની આર્ટ સોસાયટી તરફથી પણ એ સુવર્ણચન્દ્રક પામ્યા છે. રસિકલાલ સુંદર ચિત્રકાર ઉપરાંત સુઘડ મૂર્તિકાર પણ છે. 1942ના ચંદ્રકથી એમની કલાની કદર થઈ હતી.

ધનસુખલાલ મહેતાને ફાળે 1940નો ચન્દ્રક જતાં એમાં હાસ્યનું મૂલ્ય સ્વીકારાયું હતું. પાંત્રીસેક વર્ષથી એ મુખ્યત્વે હળવા સાહિત્યની સતત ને સરસ સેવા કરતા આવ્યા છે.જીવનની કરુણતાને અંતરમાં સમાવીને એમણે જે હસતું મોં રાખ્યું છે અને અન્યને હસાવ્યાં છે, એ સિદ્ધિ વિરલ છે.

અને 1941 માટે નક્કી થયા જયોતીન્દ્રદવે. ધનસુખલાલે અને જ્યોતીન્દ્રેભેગા મળીને ‘અમે બધાં’લખ્યું. જ્યોતીન્દ્રનું હાસ્ય સાહિત્ય ગુજરાતી ભાષામાં અજોડ છે. એમનું ભાષણ સાંભળવું એટલે હસીહસીને હારી જવું. એમના ‘રંગતરંગ’ના ભાગો જેણે નથી વાંચ્યા તેણે જીવનનો આનંદ ખોયો છે.

સાહિત્ય અને કલાની બેલડી સાથે 1943માં સંગીત સ્વીકારતાં તેની ત્રિપુટી રચાઈ. ઓમકારનાથની સારીગમ વિષે કશું કહેવું એ મારા જેવા માટે વધુ પડતું. અને પછી તો ચન્દ્રકની સીમા એથીય આગળ વધી હતી. 1947નો ચન્દ્રક હરિનારાયણ આચાર્યને એમના પ્રકૃતિવિગ્યાન માટે મળ્યો હતો.

1948નો ચન્દ્રક બચુભાઈ રાવતને જાહેર થયો હતો. એમની પ્રકાશનકલા ‘કુમાર’ના અંકે અંકે પથરાયેલી છે. આ ઉપરાંત ભાષા, લિપિ, કલા, કવિતા, ઈતિહાસ, સંસ્કૃતિની આવી અનેક શાખાઓ પ્રત્યે એમને અજબ અનુરાગ છે.

1949નો ચંદ્રક ચિત્રકાર સોમાલાલ શાહને નામે ચડ્યો છે. એમની વિષય પસંદગી અને રંગ મેળવણી અત્યંત આકર્ષક હોય છે. મહિનાના મહિના લગી કુદરત ને પંખીઓની પાસે બેસીને એમણે તૈયાર કરેલી ચિત્રાવલિ એક દિવસ આપણું અમૂલું ધન ગણાવા લાગશે.

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 300,240 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
ઓક્ટોબર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: