ચૂંટણીની ચાલબાજી//સ્વરાજની લડતના તે દિવસો/મહાવીર ત્યાગી/સસ્તું સાહિત્ય

                         ચૂંટણીની ચાલબાજી

પાના નંબર:72 થી 90

              માલવિયાજી અને કિડવઈ

      આ લખાણની સાથે એક શરત રહેલી છે. વાંચનારાઓ વચન આપે કે આની અસરથી તેઓ લેખકને મનથી ઊતારી નહીં પાડે અને જે બીજા સજ્જનો વિષે અહીં ઉલ્લેખ કર્યો છે એમના તરફના ભાવમાં પણ ઊણપ ન આવવા દે. અંગ્રેજીમાં એક કહેવયત છે કે, ‘પ્રેમ અને યુદ્ધ માં કોઈ કાયદાકાનૂન ચાલતા નથી.’ અમે લોકો એ દિવસોમાં અંગ્રેજ સરકાર સાથે યુદ્ધ શરૂ કર્યું હતું એટલે કાયદાકાનૂનના જે પ્રતિબંધો હોય તેનાથી સ્વતંત્ર થઈને કામ કરતા હતા. આ વાતો જૂની અને રહસ્યવાળી છે. જે મોઢે આવે તે છુપાવવાની અર્થ એટલો જ ને કે બીજા બધા આગળ ન કહેવું અને કોઈ મહત્ત્વની વ્યક્તિને કહેવું. પત્ની જીવતી હોય તો પત્નીને, નહીં તો બીજા કોઈ ઘનિષ્ઠ મિત્ર આગળ ભેદની વાત કહીને માની લેવું કે એ પૂંજી બેંકની તિજોરીમાં જમા કરી દીધી. મારા તો બંને રસ્તા બંધ થઈ ગયા છે. હવે તો હું પણ કોને ? એટલે વાચક ઉપર ભરોસો મૂકું છું કે તેઓ મારી લાજ. મારું ચરિત્ર અને મારી ખ્યાતિની રક્ષા કરશે.

              1936ની ચૂંટણી

     સન 1936માં કૉંગ્રેસ પણ એસેમ્બ્લીઓની ચૂંટણી લડી રહી હતી. હું તો હંમેશાં ચૂંટણી માટે અયોગ્ય જ રહ્યો હતો. આ વખતે પણ, હું બે વરસની સજા ભોગવીને આવ્યો હતો એટલે એસેમ્બ્લી માટે ઊભા રહેવાની સરકારી મંજૂરી મને ન મળી. પંતજીએ ગવર્નરને કાગળ લખ્યો પણ સરકારનો જવાબ આવ્યો કે, પં. જવાહરલાલ નેહરુના પ્રવાસ વખતે આ શખ્સે ભરી સભામાં પોલીસ સામે મુક્કો ઉગામ્યો હતો, એટલે એમની અયોગ્યતા (ડિસ-ક્વૉલિફિકેશન) રદ થઈ શકતી નથી. હું નિરાશ થયો; પણ મારા કૉંગ્રેસના સાથીદારોએ મારી પત્ની શર્મદાને મારી જગ્યાએ દહેરાદૂનમાં ઊભી રાખી. એ પણ જેલમાં જઈ આવેલી હતી. એમણે એવી વાત કરેલી કે છ મહિના પછી મારી સામેનો પ્રતિબંધ રદ થઈ જશે એટલે શર્મદા રાજીનામું આપી દેશે અને હું એસેમ્બ્લીમાં જઈ શકીશ.

 

         એ વખતે ઉત્તર પ્રદેશની પ્રાંતિક કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ શ્રી રફી અહમદ કિડવઈ હતા. તેઓ લખનૌમાં રહેતા હતા. સેંકડો માણસો ટિકિટ લેવા માટે તેમણી પાસે જતા-આવતા હતા. એમનું નામ પ્રખ્યાત થયું હતું; કેમ કે એમનું ઘર કૉંગ્રેસનું ટિકિટઘર બન્યું હતું; એક્કા-ટાંગાવાળા એમને ‘કૉંગ્રેસી નવાબ’ કહેતા હતા. તેમની તબિયત તો સારી નહોતી, પણ ટેલિફોનના જોરે તેઓ ચૂંટણી લડી રહ્યા હતા. આ પહેલાં રફી અહમદ કિડવઈના ઘણા ગુણ પ્રાંતમાં જાણીતા નહોતા થયા. આ ચૂંટણીમાં જ એમના સાચા ગુણો પ્રગટ થયા. અંગ્રેજ ગવર્નર ચૂંટણીમાં ખાસ રસ લઈ રહ્યા હતા અને એમણે બધા રાજામહારાજા, નવાબ, યાલુકદારોને એક્ઠા કરી એક પાર્ટી ઊભી કરી હતી, એનું નામ પાડ્યું હતું ‘એગ્રિકલ્ચરિસ્ટં પાર્ટી.’ એનું જોર ઘણું હતું. કલેક્ટર પણ મોટે ભાગે અંગ્રેજ હતા, અને જે હિંદી ક્લેક્ટરો હતા તે પણ અંગ્રેજોથી ઓછા ઊતરે એવા નહોતા. એ સહુની કોશિશ કૉંગ્રેસ હારી જાય એ માટે હતી. શ્રી મદનમોહન માલવિયજીએ પોતાની ‘ઇંડિપેંડંટ કૉંગ્રેસહ પાર્ટી’ ઊભી કરી હતી. ઘણાખરા કૉંગ્રેસીઓ પણ એમ કહેતા કે, ત્રીસ-ચાળીસ પરચૂરણ બેઠકો કૉંગ્રેસને મળે તો મળે; કેમ કે ચૂંટણી લડવા માટે અમારી પાસે નહોતા રૂપિયા કે નહોતા પ્રભાવશાળી ઉમેદવારો. જે સારા માણસો હતા તેમાંથી ઘણાખરા માણસો ઍસેમ્બ્લીમાં જવા નારાજ હતા, એમાં એમને અપમાન જેવું લાગતું હતું. હજુ લગી અમારા કાનમાં મહાત્મા ગાંધીના શબ્દો ગુંજી રહ્યા હતા કે, અંગ્રેજોની એસેમ્બ્લીમાં જવું એ પાપ છે. સને 1920-21 માં એસેમ્બ્લીનો, કૉલેજોનો અને કોર્ટોનો બૉયકોટ કર્યો હતો. ઘણાને એમ લાગતું હતું કે, ધારાસભામાં જવાની આ યોજના દેશને માટે ઘાતક નીવડશે. અમને પણ અમારી સફળતા વિષે શંકા હતી. એકલા જવાહરલાલ નેહરુ કહેતા હતા કે, ‘તમને લોકોને ખબર નથી; ઘણી મોટી બહુમતીથી જીતી જવાશે. એકલા યુ. પી. માં જ નહીં, પણ બધા જ પ્રાંતોમાં જીતીશું’ અમે એમને આસમાની નેતા કહીને હસતા હતા. હવે તો દેખાય છે કે એ તો ખરેખર આસમાની નેતા જ નહીં, પણ ફિરસ્તો નીકળ્યો !

        બીજા હતા શ્રી રફી અહમદ કિડવઈ. એમને વિષે અમારી એવી ધારણા હતી કે એ સમજે છે કંઈક ને કહે છે કંઈક. એ ખૂબ વિશ્ર્વાસથી કહેતા કે, કૉંગ્રેસની મહેનત સફળ થશે. પં. ગોવિંદવલ્લભ પંતનો અભિપ્રાય મને યાદ નથી, છતાં એવો ખ્યાલ છે કે અમારી બહુમતી થશે એવો એમને પણ ભરોસો નહોતો.

      એ દિવસોમાં માલવિયાજી દહેરાદૂન આવ્યા હતા. મારો નિયમ હતો કે સવારે ને સાંજે એમને નમસ્કાર કરી આવું ને કામસેવા પૂછી લઉં. શ્રી કિડવઈને ખબર હતી કે હું માલવિયાજી પાસે આવતો-જતો રહું છું અને મારા ઉપર એમની મહેરબાની છે. શ્રી કિડવઈ બિચારા આજે આપણી વચ્ચે હાજર નથી. એમની પાછળ એમની વાત કરવી એટલે જાણે ઘરના થઈને બહાર ચાડી ખાવા જેવું લાગે છે. જેલામાં પણ જે ચાડિયો આવે તેને બીજા કેદીઓ સારી પેઠે મારતા હતા. આજ હું પણ ચાડી જેવું કામ કરી રહ્યો છું. મારા એક ગાઢ મિત્રની વિરુદ્રમાં જૂના ભેદ ખોલી રહ્યો છું, પણ એમાં કોઈ સ્વાર્થ નથી, પરોપકાર છે. એટલે એને પાપ ગણવું તે પણ ભૂલ છે. જે કર્યું છે તે દેશહિત માટે કર્યું છે. વાચકો રફીભાઈ તરફ પણ એમનો પ્રેમ ઓછો ન કરે. ‘પ્રેમ અને યુદ્રમાં કોઈ કાયદાકાનૂન ચાલી નથી શકતા.’

               માલવિયાજી સાથે સોદો !

      એક દિવસ સાંજે લખનૌથી રફીસાહેબનો ટેલિફોન આવ્યો. એમણે કહ્યું : ‘ત્યાગીજી, તમે માલિયાજીને મારી આટલી ભલામણ નહીં કરો ?’ મેં કહ્યું : ‘શું કહેવું છે, કહો.’ એમણે કહ્યું :’તમે જરા એમને એટલું કહો કે એ શા માટે ઇંડિપેંડંટ પાર્ટી જુદી ઊભી કરે છે ? એમની તંદુરસ્તી સારી નથી. રખડપટ્ટી કરવા જેવું શરીર નથી. વળી એમના સિદ્રાંત જે છે તે કૉંગ્રેસના સિદ્રાંતોને મળતા આવે છે. જે મતભેદ છે તે ‘કોમ્યુનલ ઍવોર્ડ (કોમી ચુકાદા)’ વિષે છે. નાહકનો ઝઘડો કરશે, લાખો રૂપિયા બગાડશે. અમને પણ મુસીબત પડશે. નહીં એમને સમજાવો-માલવિયાજીને. તેઓ આપણા મોટા નેતા છે. મોતીલાલજી તો હવે છે નહીં. આપણા પ્રાંતમાં સૌથી જૂના નેતા તો એ જ છે ને. એમને કહો કે નિકાલ કરે.’ મેં કહ્યું : રફીસાહેબ, કેવા ફેંસલાની તમે વાત કરો છો ? કઈ લાઈન પર વાત કરું ?’ એમણે કહ્યું : ‘થોડીઘણી સીટ લઈ લે અને ચૂપ થઇ જાય. જ્યાં જ્યાંથી એ સીટ માટે લડશે ત્યાંથી અમે કૉંગ્રેસનો ઉમેદવાર ખસેડી લઈશું.’ મેં જણાવ્યું : ‘કોશિશ કરીશ.’

       રાતે હું માલવિયાજી પાસે ગયો. અને મારા તરફથી કહેતો હોઉં એમ બધી વાત જણાવી. એમણે કહ્યું : ‘જુઓ ભાઈ, મારા માટે કૉંગ્રેસ કેટલીક સીટ છોડી દે તો સમાધાન ઉપર વિચાર કરવા તૈયાર છું. તમારી સાથે રફી અહમદ કિડવઈએ વાત કરી છે ?’ મેં કહ્યું : ‘જી હા. એ તો એમ પણ કહેતા હતા કે જો માલવિયાજીની ઇચ્છા હોય તો હું દહેરાદૂન આવીને વાત કરી લઉં. તમે કહેતા હો તો બિલાવું.’ એમણે કહ્યું : ‘હા, જરૂર બોલાવો.’ ઘેર પહોંચીને મેં તરત રફીસાહેબને તેલીફોન કર્યો અને કહ્યું કે તમે અહીં આવી જાવ. બીજે દિવસે એ આવી ગયા. એમની સાથે શ્રી વેંકટેશનારાયણ તિવારીજીને પણ લેતા આવ્યા. માલવિયાજીને તિવારીજી ઉપર ઘણો વિશ્વાસ હતો. એ બંનેને હું મળ્યો ને બધી ખબર આપી. પછી એ બંને માલવિયાજીની પાસે ગયા. હું પણ ગયો.

      રફી અહમદ કિડવઈની કેટલીક ટેવો આવી હતી કે જેમને એ માન આપતા હોય કે જેમના ઉપર ભાવ રાખતા હોય તેમની આગળ એ મોં ન ખોલે. જવાહરલાલ સાથે પચાસ વખત એમને વાત કરતા મેં જોયા હશે. ‘હા, હૂં, જી હાં, જી અચ્છા, વાહ, રહેવા દોને, શી વાત છે, જી નહીં.’ એ પ્રકારની વાતો કરતા હતા. પોતાની વાત કરે પણ બે વાક્યમાં, થોડી, અને તે પણ ફેરવી ફેરવીને.

      નીચી નજરે, અબ્બજાનની પાસે પહોંચતા હોય એમ દબાતે પગલે રફીસાહેબ માલવિયાજીના ઓરડામાં દાખલ થયા. સલામ કરી અને બેઠા. માલવિયાજીએ કહ્યું: ‘ બોલો રફી, કાલે ત્યાગીએ મને કહ્યું કે તમે સમાધાન કરવા રાજી છો. હવે એમાં બીજું શું કરવાનું છે? વાત તો સારી છે. તમે એ બતાવો કે મને કેટલી સીટ આપો છો?’રફી સાહેબ કહે: ‘એ તો આપ બતાવો, તમારે કેટલી સીટ જોઈએ છે?જેટલી તમે ઈચ્છો એટલી લઈ લો.’માલવિયાજીએ પૂછ્યું: ‘હેં, ખરેખર?’ ‘જી હા. તમે જેમ હુકમ કરશો તેમ જ થશે.’માલવિયાજીએ કહ્યું: ‘તો ભાઈ, તમે માત્ર મને પંદર સીટ આપો.’રફી સાહેબ બોલ્યા: ‘પંદર ઘણી મુશ્કેલ છે. માલવિયાજીએ કહ્યું: ‘ત્યારે તમે બતાવો . હું તો તમને ક્યારનો પૂછી ચૂક્યો છું કે કેટલી સીટ આપશો. તમે મારા ઉપર છોડી દીધું તો મેં પંદર સીટ માગી. જો પંદર ન આપી શકતા હો તો કેટલી સીટ આપશો તે બતાવો. રફી અહમદ થોડી વાર વિચાર કરીને કહે: ‘જી, વીસથી પચીસ સીટ આપી શકું છું.’અમે તો આભા બની ગયા. પંદરની ના પાડી અને પચીસ આપી દીધી ! આ કેવી વાત કરે છે? માલવિયાજીએ પૂછ્યું: ‘ખરેખત? રફી બોલ્યા: ‘વીસ આપવા તૈયાર છું.’માલવિયાજીએ કહ્યું: ‘લખાણ કરવું પડશે.’રફી સાહેબે કહ્યું: ‘લખી લો.’ ‘સહી કરવી જોઈશે.’તો પણ કહ્યું: ‘જી સારું, આપ લખી લો.’

                જોડણીની ભૂલ:

     એ પછી માલવિયાજીએ ખાટલામાં પડ્યા પડ્યા તકિયાને ટેકે બેસીને ઘૂંટણ પર કાગળ મૂકી એક ખરડો તૈયાર કર્યો અને શ્રીરફી સાહેબને તે વાંચી સંભળાવ્યો. એ લખાણનો અર્થ આવો હતો: ‘કૉંગ્રેસપાર્ટી અને કૉંગ્રેસનેશનાલિસ્ટ પાર્ટી બંનેનું રાજકીય ધ્યેય એક જ હોવાથી રાષ્ટ્રીયમામલામાં બંને પાર્ટી એક જ નેતાને પોતાના નેતા માનીને કામ કરશે. પરંતુ કોમી ચુકાદા જેવી બાબતોમાં નેશનાલિસ્ટ પાર્ટી એમનો જુદો નેતા રાખીને કામ કરશે. અંગ્રેજીમાં શબ્દોહતા: ‘ઇન ધી કેસ ઑફ કોમ્યુનલ ઍવાર્ડ ઍન્ડ મેટર્સ એલાઈક…. ’

     રફીસાહેબે કહ્યું: ‘જી હાં, ઠીક છે.’પછી કહ્યું: ‘આમાં જરા જોડણીની ભૂલ રહી ગઈ છે, એને સુધારી દઉં.’માલવિયાજીને આશ્ચર્ય થયું ‘સ્પેલિંગ મિસ્ટેક(જોડણીની ભૂલ)?’એ પોતે સ્કૂલના શિક્ષકોનાયે શિક્ષક હતા. તેમણે કહ્યું: ‘શી વાત કરો છો, રફી?’તમે આ લખાણ સાંભળ્યું છે; વાંચ્યું નથી. જોયું નથી. શેની જોડણી ભૂલ?’ રફી કહે: ‘જી હાં, એક રહી ગઈ છે. હું સુધારી આપું’આ વાત પર માલવિયાજીએ જીદ કરી: ‘સ્પેલિંગ મિસ્ટેક કેવી?’રફી સાહેબ કહે: ‘વ્યાકરણની હશે.’માલવિયાજીને ઘણું હસવું આવ્યું. એમણે ફરી આખું લખાબ્ણ વાંચ્યું અને પછી કહ્યું: ‘ક્યાં ભૂલ થઈ છે?’રફી કહે: ‘જી, લાવો હું સુધારી દઉં.’માલવિયાજીએ કાગળ આપ્યો. એમણે ફાઉંટન પેન કાઢી અને કૈંક સુધારીને કાગળ પાછો આપ્યો. મને ખબર ન પડી કે ક્યો શબ્દ સુધાર્યો. પણ કાગળ જોઈને માલવિયાજી મુગ્ધ થઈ ગયા. કવિસંમેલનમાં અને મુશાયરામાં ‘વાહ, વાહ’બોલી ઊઠ્યા. એમણે કહ્યું: ‘સરસ છે. સારું કર્યું. વાહ વાહ, વાહ રે રફીસાહેબ, તમે તો ઘણા ઊંચા દરજ્જાના કવિ નીકળ્યા. તમે મારો પત્રંગ તો છેક હાથમાંથી જ ઊડાવી દીધો. છતાં તમારી કવિતા પણ ઊંચી છે. એના ઇનામમાં જે કહો તે આપવા તૈયાર છું. તિવારીજી, આ જરા વાંચો. વાહ, વાહ, વાહ !’   

          તિવારીજીએ  વાંચીને આંખો મીંચી દીધી.શ્રી તિવારીજીને એમના હોઠ અને આંખ ઉપર એવો તો કાબૂ છે કે મોટા માં મોટી વાત હોય તો પણ એની ઝલક મોં ઉપર વરતાય નહી. એ નથી હસતા કે નથી ઉદાસ થતા. રફીસાહેબનાં મનને જાણવું સહેલું હતું.  તિવારીજીની મુદ્રા ઉકેલવી એ કામ મુશ્કેલ હતું.  એમના ભેજામાં જ્ઞાનનો ભાર કેટલોયે ઉઠાવી ફરતા હતા, પણ બોલે એવું કે જાણે કંઇ જાણતા જ નથી.દરેક વિષય ના એ પંડિત અને પુસ્તકોના તો એવા કીડા કે આંખો બંધ રાખી ને  એક એક પાનું  કહી સંભળાવે . આંખો થી પુસ્તક છ ઇંચ છેટે  રાખીને એ વાંચતા હતા. જે વાંચે તે સીધું ભેજાની અંદર ઉતરી જાય તેનું કદાચ એ કારણ હશે . મેં એ કાગળ ઊઠાવી ને વાંચ્યો. રફીસાહેબે કયાં હોઁશિયારી કરી હતી તે જોઇ. તો કોમ્યુનલ એવોડૅ  એન્ડ  મેટર્સ  એલાઇક શબ્દ છેકી ને એલાઇડ(પ્રાસાંગિક ને બદલે સંબંધિત) શબ્દ લખ્યો  હતો. આવી હાજર જવાબી અને  દૃષ્ટિ જોઇ હું તો છક  થઇ ગયો અને વાહ વાહ બોલતો રફીસાહેબને ભેટી પડ્યો.

     ખેર, માલવિયાજીએ આ સમાધાન ઉપર જ રફીસાહેબને સહી કરવાનું જણાવ્યું. રફીએ કહ્યું: ‘પહેલાં તમે કરો.’માલવિયાજીએ કહ્યું: ‘તમે કૉંગ્રેસ જેવી ઘણી મોટ્વી સંસ્થાના પ્રમુખ છે એટલે પહેલાં તમારી સહી થવી જોઈએ અને ભાઈ, મારી સંસ્થા-નેશનાલિસ્ટ પાર્ટી વયમાં નાની છે ને કદમાં નાની છે. હું પછી સહી કરીશ.’બે ત્રણ નકલો ઉપર સહી થઈ. અને એક નકલ શ્રી ગોવિંદ માલવિયાજીને સોંપી ને એક નકલફરી અહમદ કિડવાઈએ પોતાની પાસે રાખી. વાતચીત પૂરી થઈ.

     ત્રણ-ચાર દિવસ પછી લખનૌથી રફીસાહેબે ટેલિફોન કર્યો: ‘અરે ત્યાગીજી, માલવિયાજી પાસેથી એક બીજું કામ નહીં કરાવી શકો?’મેં પૂછ્યું: ‘ક્યું કામ?’તેઓ બોલ્યા: ‘જુઓ, તમામ સીટો પર અમે એક-એક ઉમેદવારને ટિકિટો આપી ચૂક્યા છીએ. અને હજુ માલવિયાજીને વીસ સીટ આપવાની છે. હવે વીસ જણને હટાવવા જોઈશે. કોને પાછા ખેંચવા એ મોટો પ્રશ્ન થશે. કોઈ એવી યુક્તિ કરીને, આપણા ઉમેદવારો છે એવી માલવિયાજીને જાણ ન થાય એ રીતે આપણા થોડા ઉમેદવારોને માલવીયાજી તરફ ખસેડી ન શકો? હોંશિયારીથી કામ લેજો.’મેં કહ્યું: ‘માલવિયાજીને ખબર પડશે તો એ શું કહેશે?’એ બોલ્યા: ‘ જે વાત છે તે તો મારા—તમારા વચ્ચે થઈ છે.કોણ કહેવા જવાનું હતું ! તમે શાના ફિકર કરો છો?’મેં કહ્યું: ‘કાલે સરદાર પટેલ અને મહાત્માજીને શું મોઢું દેખાડશો?’એ બોલ્યા: ‘નકામી વાત કરો છો. એમની શું ખબર પડવાની હતી?’મેં પૂછ્યું: ‘ક્યા ક્યા ઉમેદવારોને એમની તરફ ખસેડું?’એ કહે: ‘જે તમારી નજરમાં આવે તેને તમે ચિંતા ન કરશો. જરા વાતચીત તો કરી જુઓ’              

     મારાથી રહેવાયું નહીં. હું સીધો લખનૌપહોંચ્યો.ત્યાં ઉપર-નીચેની બધી વાતો કરી પાછો આવ્યો. મારા રિવાજ મુજબ એ સાંજે ફરી માલવિયાજીને ત્યાં પહોંચ્યો. એમણે પૂછ્યું: ‘બોલો, શી ખબર લાવ્યા છો?’મેં કહ્યું  : ‘લખનૌ પહોંચ્યો. ત્યાં ઉપર નીચેની બધી વાતો કરી પાછો આવ્યો. મારા રિવાજ મુજબ એ સાંજે ફરી માલવિયાજીને ત્યાં પહોંચ્યો. એમણે પૂછ્યું : ‘બોલો, શી ખબર લાવ્યા છો ?’ મેં  કહ્યું : ‘લખનૌની શી વાત કરું, બધા તમારી ઘણી પ્રશંસા કરે છે. બધા કૉંગ્રેસીઓ કહે છે કે અમારા વિચારો ભલે જુદા પડે, પણ રાષ્ટ્ર સૌથી આગળ ને એના પછી બીજું બધું. બધા આપની જ પ્રશંસા કરે છે. યુ. પી.માં આપની બરોબરીનો બીજો કોઈ નેતા પણ નથી. અમારા જેવા નાના માણસો તમારી સામે ચૂંટણી શું લડી શકે ? તમે અમારા માથેથી ઘણો ભાર ઉતારી નાખ્યો. સહુ કૉંગ્રેસીઓ તમને ધન્યવાદ આપે છે.

         વળી મેં કહ્યું : ‘તોપણ લોકોમાં ચર્ચા થાય છે ખરી. એમાં કોઈની ભૂલ કાઢવાની બાબત નથી. છતાં જરા ગુસપુસ ચાલે છે.’ માલવિયાજીએ પૂછયું : ‘કઈ વાત ? એ પણ બતાવો. જરૂર બતાવો.’ મેં કહ્યું : ‘મુંબઈની કૉંગ્રેસમાં જ્યારે કોમી ચુકાદા ઉપર તમે ઠરાવ મૂક્યો હતો કે એ ચુકદો ન સ્વીકારવો જોઈએ, બલકે એનો બહિષ્કાર કરવો જોઈએ ત્યારે એ વાત ઊડી ગઈ હતી. જ્યારે મતદાન થયું ત્યારે આપને ઓછા મત મળ્યા હતા અને સરદાર પટેલના મત  વધી ગયા હતા. આજે કેટલાક લોકો કહે છે  કે અમે કેવા કમનસીબ કે માલવિયાજીનો સાથ કર્યો. પટેલની પાર્ટીમાંથી અમને તો કોઈને ટિકિટ મળી નથી; કારણ કે અમે માલવિયાજીને મત આપ્યા હતા. હવે વીણીવીણીને એનો બદલો લઈ રહ્યા છે. અમે ત્રણ-ત્રણ ચા-ચાર વાર જેલમાં જઈ આવ્યા. છીએ; છતાં સરદાર પટેલની સામે ફરીયાદ ક્યાં જઈને કરવી ? માલવિયાજી પોતે પણ એમના જુદા ઉમેદવારો ઊભા કરે છે. ઓછામાં ઓછું એમણે તો પણ સમજવું જોઈતું હતું કે કેટલાક કૉંગ્રેસીઓ એવા છે કે જેમને અહીંથીયે કાઢ્યા ને ત્યાંથીયે કાઢ્યા છે.

      માલવિયાજીએ કહ્યું : ‘હેં ! શું એવા માણસો છે કે જેમણે મારી સાથે મત આપ્યા હોય !’ મેં કહ્યું : ‘આપ તો ગજબ કરો છો ? આપની સાથે મત આપ્યા હોય એવા તો ઘણા છે. એમાં વળી પૂછવાનું શું હતું !’ માલવિયાજીએ કહ્યું : ‘હરે હરે, હરે હરે, એમ છે! તો પછી તમે મને એમનાં નામ આપો. હું એમને જરૂર ઊભા રાખીશ. અને શું કહ્યું ? સરદાર પટેલે એમને ટિકિટ ના આપી ?’ મેં કહ્યું : ‘ના જી. વીણીવીણીને એમને બહાર કાઢ્યા છે’ (અહીં સરદાર સાહેબની ક્ષમાયાચના કરું છું.). માલવિયાજી કહે : ‘હરે હરે, હરે હરે, બહુ ખોટું કર્યું.’ આ સાંભળીને મને બહુ દુ:ખ થયું. આવું કર્યું ? ત્યાગીજી, તમે એમનાં નામ મને આપો.’ મેં કહ્યું : ‘પણ  કેટલાં નામ બતાવું ! માણસો તો ઘણા છે. કેટલાં નામ લાવું !’ એ કહે : ભાઈ જુઓ, પાંચ-છ નામ હરિજી (પં.હૃદયનાથ કુંજરું), ચિંતામણિ (સી. વાય.ચિંતામણિ|), ચૌધરી મુખ્તારસિંહજી વગેરેને તમે મારી પાર્ટી માટે રહેવા દો. અને બાકી ચૌદ-પંદર નામ તમે જેને યોગ્ય માનતા હો તે મને બતાવી દો.’ મેં કહ્યું: ‘કાલે વિચાર કરી કહીશ.’

      ત્યાંથી પાછા આવીને તરત જ મેં કિડવઈ સાહેબને ટે3લિફોન કર્યો : ‘અહીં સુધી તો વાત પાકી થઈ ગઈ છે. હવે એ બતાવો કે કોનાં કોનાં નામ આપું ?’ એ તો ગામ વગરના રાજા જેવા હતા. તેમણે કહ્યું : ‘કોઈનાં પણ આપી દો. થોડા પૂર્વના, થોડા પશ્ર્ચિમના, તમારી સમજમાં આવે તેમનાં નામ આપી દો.’ મેં  પૂછ્યું : ‘શું બધી છેતરપિંડી મારા જ હિસ્સામાં રાખી છે ? તમે તો પહેરણ કાઢીને આઘા ખસી જશો, અને પટેલ કે ગાંધીના દરબારમાં ડામ મને દેવાશે.’ મેં ના પાડી એટલે એમણે કહ્યું :  ‘અરે, કેવી બેવકૂફી જેવી વાત કરો છો ! જરા હિંમતથી કામ લો. ક્યાં કોઈ પારકાને દગો દઈ રહ્ય છો !’

       આ વાત મારા દિલમાં લાગી ગઈ. મેં મારી ઇચ્છા પ્રમાણે પંદર-વીસ નામ આપી દીધાં. એક નામ મુરાદાબાદના પં.શંકરદત્ત શર્માનું હતું. બીજું ઝાંસીના શ્રી ઘુલેકરનું, એમ જ બીજાં નામો પણ આપી દીધાં. પણ મારું દુર્ભાગ્ય કે એ યાદીમાં મારા એક ઘનિષ્ઠ મિત્ર અલીગઢના ઠાકુર ટોડરસિંહનું નામ પણ આપી દીધું. એ ભાઈ અલીગઢના જૂના કાર્યકર્તા હતા અને મેરઠની જેલમાં મારી સાથે રહી ચૂક્યા હતા. એમનું નામ આપીને મારે પસ્તાવું પડ્યું. નામોની યાદી લેતી વખતે માલવિયાજીએ કહ્યું: ‘જુઓ, હું એમને ખબર કરું ત્યારે એ લોકો જ ના પાડી બેસે એવું ન થાય. એટલે પહેલાં તમે એમને બરોબર પૂછી લો.’ મેં કહ્યું : ’તમે ચિંતા ન રાખશો. મેં બરાબર વિચાર કરીને જ નામ આપ્યાં છે.’ એમ છતાં, મેં આ સહુ મિત્રોને કાગળો લખી નાખ્યા કે, ‘માલવિયાજીને તમે ખબર ન પડવા દેશો. અસલમાં તમે કૉંગ્રેસના જ ઉમેદવાર છો. પરતું માલવિયાજીની ટિકિટ સ્વીકારી લેજો. એમના તરફથી પાંચ-દશ હજાર રૂપિયા પણ મળી જશે. અને માલવિયાજીની સામે લડવું પણ નહિ પડે. ચૂંટણીમાં બિનહરીફ આવી જશો. એ જ આશાથી તમારું નામ માલવિયાજીને આપી આવ્યો છું’

      મેં સહુને સાચેસાચી વાત જણાવી દીધી. એમાં રફીસાહેબનો ક્યાંય ઉલ્લેખ ન કર્યો. પરંતુ હવે પછી આવી જાળ નાખનારાઓને માટે મારી આ સલાહ છે કે :

       ‘નિ:સ્વાર્થ ભાવથી, કેવળ પરોપકાર અર્થ જો કોઈને કાચું. પાકું કામ કરવાનું આવી પડે તો એમાં પોતાના કોઈ સાથીદારને કદી પણ ફાંસવા નહીં. બલકે, એના દોષ પણ પોતાના ઉપર ઓઢી લેવા. એમ કરવાથી પાપનો ભાર થોડો હળવો બની જાય છે અને આત્મા પણ ઓછો મલિન બને છે. છતાં જે જરૂરી શરત છે તે એ છે કે આવી પટ્ટી મારવાની વાત હોત ત્યારે જેની સાથે ગાઢ આત્મીયતા હોય ને એને માટે જીવ કાઢી આપવાની પણ તૈયારી હોય તેની જ સાથે કરજો. બાપ કે માની પાસેથી પૈસા ચોરવામાં પાપ છે, તો તે ઘણું થોડું છે. એમ જાહેર કામમાં ચાલબાજી કરવી પડે તો તે જે જિગરી દોસ્ત હોય તેમની સાથે જ કરજો.’

       પંદર-વીસ દિવસ પછી શું બન્યું ? મારા મિત્ર અલીગઢના ઠાકુર ટોડરસિંહે ઉર્દૂમાં એક કાગળ લખીને સીધો મહાત્મા ગાંધી ઉપર મોકલી દીધો. એમાં નીચેની મતલબનું લખ્યું હતું : ‘મહાવીર્ ત્યાગીએ દશ હજારની કિંમત લઈ મને (બળદની જેમ) ખૂંટીથી છોડીને માલવિયાજીની ખૂંટી ઉપર બાંધી દીધો છે. ઉપરથી સલાહ આપી છે કે આનો વિરોધ કરશો નહીં કે કોઈને બતાવશો નહીં. આને બદલે ચૂંટણી લડવા માટે દશ હજારની રકમ મળવાની છે. તમારી કૉંગ્રેસ આવી સ્થિતિએ ઊતરી ગઈ છે.’

        મહાત્મા ગાંધીએ (મારા ઉપર એમની કૃપાદ્રષ્ટિ હતી) એ પત્ર સરદાર પટેલ ઉપર મોકલી આપ્યો; કેમ કે એ સેંટ્રલ પાર્લમેંટી બોર્ડના પ્રમુખ હતા. સારું થયું કે છાપા (હરિજન’)માં ન લખ્યું; નહીં તો એ જ વખતે હું તો ધૂળ ભેગો થઈ ગયો હોત. સરદારે તરત જ પાર્લમેંટરી બોર્ડની બેઠક બનારસમાં બોલાવી. પૂછપરછ થઈ કે કોના હુકમથી આ ફેંસલો કરવામાં આવ્યો ઉમેદવારો ઊભો રાકવામાં આવે અને એક-એક જગ્યાએ માલવિયાજીને હરાવવા જોઈએ. શ્રી જવાહરલાલ, ટંડનજી અને સંપૂર્ણાનંદ વગેરેને આ સમાધાન પસંદ નહોતું. અને સરદાર પટેલને તો ઘણો ગુસ્સો હતો. તે કહે કે આવું સમાધાન કરી લેવું તે અનધિકાર ચેષ્ટા ગણાય.

       મેં ટોડરસિંહના પત્ર વિષે રફી અહમદને પૂછ્યું ત્યારે એમણે કહ્યું : ‘કહી દો એમને કે કોઈ કાગળ લખ્યો નથી.’ મેં કહ્યું: ;અરે, શું બોલો છો ? કાગળ ઉપર મારા હસ્તાક્ષર છે.’ તેઓ કહેવા લાગ્યા : ‘ના પાડી દો. કહી દો કે મારા અક્ષર નથી. કોણ પૂછે છે ? ‘આવી વાતો એ ઘણી વાર મજાકમાં કરતા હતા. હું વિચિત્ર ધર્મસંકટમાં ફસાયો. આ તરફ સરદાર પટેલની મૈત્રી, પેલી તરફ સારાનરસા દરેક કામના સાથીદાર એવા રફીસાહેબ. મારાથી સરદાર આગળ જૂઠું બોલાય નહીં તેમ જ રફીથી કોઈ વાત છુપાવાય નહીં. છેવટે રફીસાહેબને કહીને આખો બનાવ સરદારને સંભળાવ્યો. પછી તો એમણે રફીસાહેબ અને આખી પ્રાંતિક સમિતિની જે ખબર લઈ નાખી છે કે જિંદગી આખી યાદ રહે જોકે, નક્કી એમ થયું કે માલવિયાજી સાથે કોઈ સમાધાન નહીં થાય. છતાં તેની પહેલાં જે સ્થિતિ હતી તેવી તો ન જ રહી. રફીસાહેબ સાંભળે સૌનું પણ એ કરે જે મનમાં ધાર્યું હોય તે જ. એ રીતે એમણે કંટ્રોલ (ઘઉં-ખાંડના) કઢાવી નાખ્યા. અર્થશાસ્ત્રના બધા પંડિતો કહેતા હતા કે કંટ્રોલ વગર પંચવર્ષીય યોજના નહીં ચાલી શકે.  રફી એમને ‘હા’ ભણતા રહ્યા અને શ્રી રાજગોપાલાચારી સાથે અંદર અંદર ગોઠવણ કરીને કંટ્રોલ કાઢી નાખ્યા.

      એ સફળ રાજનીતિજ્ઞની હિંમત અને હૉશિયારી જુઓ. બ્બનારસમાં મારો જવાબ લેવાઈ ગયા તે પછી હું જેવો પાછી ફર્યો કે જનાબનો ટેલિફોન આવ્યો : ‘અરે, રૂપિયાની ઘણી જરૂર છે. જરા માલવિયાજી પાસેથી પંદર-વીસ હજાર રૂપિયા તો અપાવો.’ મેં કહ્યું : ‘ભાઈ રફી, બહુ મુશ્કેલીથી રામરામ કરતો બચ્યો છું. હજી પરમ દિવસે તો સરદાર પટેલ આગળ ‘તોબા’કરી છે. ફરી પાછો મને ફસાવશો?બોલ્યા: ‘નહીં. જરા સંભાળીને કામ લેજો. સીધેસીધા ન માગશો. પણ એમને કહો કે બનારસમાં લોકો એવી ચર્ચા કરતા હતા કે માલવિયાજી હિંદુઓના હિતના રક્ષક બને છે અને હરિજનોનો ઉદ્વાર કરવાનો પરિશ્રમ ઊઠાવે છે. પણ એમની પાર્ટીની ટિકીટ પર કોઇ હરિજનને તો લીધો નહીં.’ મેં કહ્યું : ‘આટલી વાત તો હું કહી આવીશ પણ એનો રૂપિયા સાથે શો સંબંધ છે?’ તેમણે કહ્યું:’અરે, કહી તો જુઓ.’ હું મહામનાની પાસે ફરી પહોંચ્યો .સરદાર પટેલને વચન આપ્યું હતું કે હવેથી કિડવાઈના ચક્કરમાં ક્યારેય નહીં ફસાઉં. છતાં, કોઇ પણ માણસ જાણીબૂઝીને થોડો જ ફસાય છે ? અને મને પણ આવાં કામોમાં જરા મજા આવતી હતી . એ દિવસોમાં કશું અષ્ટંપષ્ટં ન કરીએ ત્યાં સુધી ખાધેલું પચતું નહોતું. એટલે  કોઇ વેદમંત્ર સંભળાવે એવી ગંભીરતાથી મેં માલવિયાજી આગળ રફીસાહેબની વાત ઉપાડી.

     માલવિયાજીને એવો આઘાત લાગ્યો કે વળ ખાઈને એ તકિયા પર પડી ગયા. ઊંડા શ્વાસ લેવા લાગ્યા. એમણે કહ્યું:’અનર્થ થઈ ગયો. ભયંકર ભૂલ થઈ ગઈ, હવે શું થઈ શકે?’ વળી તેમણે કહ્યું: ‘ત્યાગીજી તમે તરત જ લખનૌ જાવ અને  રફીને કહો કે અમારી લાજ રાખવાની ખાતર અમને બીજી બે સીટ આપે. અને એમના હરિજન ઉમેદવારોને  મારી ટિકીટ લેવા તૈયાર કરી આપે.’ હું તો હેબતાઈ ગયો. વિચારવા લાગ્યો કે રફીભાઈ પણ કોઈ ‘ઓલિયા’ છે, બીજાના મનના વિચાર જોઈ લે છે. મહામનાએ  શ્રી ગોવિંદ માલવિયાજીને આગ્યા કરી કે મારા આવવાજવાનો ફર્સ્ટ ક્લાસનો ખર્ચ આપવા પ્રબંધ કરે. મેં ના પાડી તોપણ માલવિયાજીએ મને  એકસો રૂપિયા આપ્યા. કોઈ બેટો એના બાપ પાસેથી લે એમ મેં પણ બહુ ઉત્સાહ અને પ્રેમથી એ રૂપિયા લઈ લીધા . સારી પેઠે ખાતાંપીતાં ને સિગારેટનો ધુમાડો કાઢતાં હું લખનૌ પહોંચ્યો. દોસ્તોને આખો કિસ્સો સંભળાવ્યો અને મફતના રૂપિયા હતા તેનાં ચાપાણી ઉડાવ્યાં. રફીસાહેબ આગળ હસતાં હસતાં પેટ દુ:ખી આવ્યું. જ્યારે રફીએ માલવિયાજીને ટેલીફોન કર્યો:’આપને હું ચાર હરિજન આપી શકીશ પણ એ એવો છે કે એમની સફળતા માટે એમને આશા રહી નથી એનું કારણ કે અમારી પાસે રૂપિયા ઓછા છે અને એમના ખર્ચ માટે જોઇએ તો પચાસ હજાર!’ ત્યારે માલવિયાજીએ કહ્યું: ‘એની ચિંતા ન કરો મને ચાર હરિજનો આપી દો એટલે જિતાડવાની જવાબદારી મારા ઉપર આવી.’ પછી માલવિયાજીને ચાર નામ બીજાં માપ્યાં અને એમનો ચૂંટણીનો ખર્ચ લઈ લીધો. જે રૂપિયા આવ્યા તે પેલા હરિજનો ઉપર ખર્ચ થયો હોત તો જુદી વાત , થોડા એમના માટે ખર્ચાયા બાકી બીજાઓના ખર્ચમાં વપરાયા.

     ચૂંટણીઓ પૂરી થઈ. અમારી બહુમતી થઈ. એક જ પ્રાંતમાં નહિ; પરંતુ ‘આસમાની નેતા’ એ કહ્યું હતું તે મુજબ ભારતભરમાં અમારી બહુમતી થઈ. મહામના માલવિયાજી, શ્રી રફી અહમદ કિડવાઈ અને સરદાર પટેલનાં ચરણોમાં મારા હજાર-હજાર પ્રણામ છે. એમણે ભારતની જે સેવાઓ કરી છે તે  ભૂલી ભુલાય એમ નથી . પરમાત્મા અમને એ વડીલોનાં પદચિહ્નો પર ચાલવાની શક્તિ આપે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

                                                                                                                                                                                                                                                                                               

વિશે

I am young man of 77+ years

Posted in આઝાદીની લડાઈ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 637,307 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 276 other followers

તારીખીયું
ઓક્ટોબર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: