આનંદી કાગડો અને બીજી વાતો//સંપાદક: ગિજુભાઈ

                                      આનંદી કાગડો

[બાળવાર્તા: 2://સંપાદક: ગિજુભાઈ//સંસ્કાર]

પાના:31 થી 33

     એક કાગડો હતો . તે એક વાર રાજાના વાંકમાં આવ્યો , એટલે રાજાએ તેના માણસોને કહ્યું : “ જાઓ ; આ કાગડાને ગામના કૂવાને કાંઠે ગારો છે તેમાં નાખી ખૂંતાડીને મારી નાખો . “

        કાગડાને રાજાજીના હુકમ પ્રમાણે ગારામાં નાખવામાં આવ્યો . કાગડાભાઇ તો ગારામાં ખૂંત્યાં ખૂંત્યાં આનંદથી બોલવા લાગ્યા.

    “ ગારામાં લપસણુ કરતાં શીખીએ છીએ , ભાઇ !

      ગારામાં લપસણું કરતાં શીખીએ    છીએ. “

     રાજા અને તેના માણસો તો નવાઇ પામ્યા કે આ કાગડો ખૂંતવાથી દુ:ખી થવાને બદલે આનંદથી કેમ બોલે છે ? રાજાને ક્રોધ ચડ્યો અને બીજો હુકમ કર્યો :

    “ નાખો એને કૂવામાં , એટલે ડૂબીને મરી જાય .”

         કાગડાને કૂવામાં નાખ્યો.

      “ કૂવામાં તરતા શીખીએ છીએ ,ભાઇ!

                 કૂવામાં તરતાં શીખીએ છીએ .”

   રાજા કહે : “હવે તો આ કાગડાને આથી વધારે સખત શિક્ષા કરવી જોઇએ.”    

પછી તો કાગડાને કાંટાના એક મોટા એવા જાળામાં નખાવ્યો .

    પણ કાગડાભાઇ તો એના એ જ રહ્યા. વળી પાછા આનંદી સૂરે ગાતાં ગાતાં બોલ્યા :

     “ કૂણા કાન વીંધાવીએ છીએ , ભાઇ ! કૂણા કાન વીંધાવીએ છીએ.”

       રાજ કહે : “ કાગડો તો ભારે જબરો ! ગમે તે દૂ:ખમાં એને દૂ:ખ તો થતું જ નથી . ચાલો જોઇએ , હવે સુખ થાય એવે ઠેકાણે નાખવાથી એને દુ:ખ થાય છે ?”     

પછી કગડાભાઇને એક તેલની કોઠીમાં નાખ્યા .

    કાગડાભાઇને તો એ પણ સવળું જ પડ્યું . ખુશ થઇને બોલ્યા :

       “ તેલ  કાને મૂકીએ છીએ , ભાઇ  !

                      તેલ કાને મૂકીએ છીએ .”

    પછી તો રાજાએ કાગડાને ઘીના કુડલામાં નાખ્યો .એમાં પડ્યો પડ્યો પણ કગડો તો બોલ્યો :

       “ઘીના લબકા ભરીએ છીએ, ભાઇ !

                    ઘીના લબકા ભરીએ છીએ. ”

      રાજા તો ખૂબ ખિજાયો ને કાગડાને ગોળની કોઠીમાં નખાવ્યો . કાગડાભાઇ તો પાછ મજાથી બોલ્યા :

    “ગોળનાં દબડાં ખાઇએ છીએ, ભાઇ !

               ગોળનાં દબડાં ખાઇએ છીએ .”

    પછી રાજાએ કાગડાને  ખોરડાની ઉપર ફેંક્યો , પણ ત્યાં બેઠાં બેઠાં કાગડો કહે :

     “ નળિયાં ચાળતાં શીખીએ છીએ , ભાઇ !

              નળિયાં ચાળતાં શીખીએ છીએ ” .

       છેવટે  થાકીને રાજા કહે : “ આ કાગડાને આપણે શિક્ષા કરી શકશું નહિ. એને મનથી કોઇ દુ:ખ લાગતું નથી . માટે એને હવે ઉડાડી મૂકો .”

       હવે પછી કાગડાને ઉડાડી મૂક્યો.

==============================================================

 

 

           અદેખી કાબરની વાર્તા

     [પાના:34 અને 35]

 

  એક હતો રાજા .

   તેણે એક પોપટ પાળ્યો.

   પોપટ હંમેશાં મીઠું મીઠું બોલે અને રાજાને ખુશ કરે .

   રાજાએ તેને માટે એક સોનાનું સુંદર પાંજરું ઘડાવ્યું અને હીરામાણેકની નાની નાની બે વાટકીઓ કરાવી.

   પોપટના પાંજરા સામે રોજ રોજ એક કાબર આવીને બેસ્સે ને પોપટના પાંજરાની અદેખાઇ કરે . તે મનમાં મનમાં બોલે : “ મારે આવું પાંજરું હોય તો કેવું સારું ? ”

    એક વાર પોપટનું પાંજરું ઉઘાડું રહી ગયેલું અને પોપટ ઊડી ગયેલો .

  કાબર કહે : “ લાવ ને હું જ અંદર બેસી જાઉં ! ”     

કાબર તો બેસી ગઇ .

    રાજા તો સવારમાં વહેલો આવ્યો ને પોપટ જાણી હંમેશની પેઠે પઢાવવા લાગ્યો .

    પણ પાંજરામાં તો કાબર હતી , ને એને કાંઇ પોપટ જેમ પઢતાં આવડે નહિ .

        રાજા કહે : “ પોપટ પઢ્તો કેમ નથી ? ”

      પણ પોપટ હોય તો પઢે ને ?

     રાજા ખીજાયો ને એક લાકડી લાવી પાંજરાંમાં ધોંકાવવા લાગ્યો .

      છીવટે કાબર થાકીને બોલી :

        “ ધોંકાધોંકી મા કર રાજા ,

                 ધોંકે અમે મરીએ ;

         સરવા સાદવાળો તો ઊડી ગયો ,

         કહે તો કલબલ કલબલ કરીએ.”

   રાજા કહે : “ અરે ! આ તો કાબર !”

   પછી રાજાએ કાબરને લાકડીના બે ધોકા મારીને કાઢી મૂકી અને પોપટ આવીને પાછો પાંજરાંમાં બેસી ગયો .

 

—————————————————————————————–

 

કચેરીમેં  જાઊંગા

પાના:36 થી 40

  એક હતો ઉંદર. એક વાર તે ગામમાં જતો હતો . ત્યા6 રસ્તા ઉપરથી તેને એક લૂગડાનો કટકો જડ્યો. આગળ ચાલ્યો ત્યાં એક દરજીની દુકાન આવી . દરજી સામે જોઇ તેણે કહ્યું : “ અરે એ દરજી ! આ લૂગડાની  જરા ટોપી સીવી દેજે ; સારી મજાની સીવજે , હો ! ”

    દરજીએ કહ્યું : “ ઈ કોણ છે વળી  ? ”

     ઉંદર કહે : “એ તો હું ઉંદર છું ; આ જરા ટોપી સીવી દે , ટોપી !  વાર કેમ લગાડે છે ?”

    દરજી કહે : “  ચાલતો થા , ચાલતો . આ ગજ ઉપાડીને મારીશ ના , તો મરી જઇશ , મરી !”

   ઉંદર કહે : “ શું બોલ્યો ? આ ટોપી સીવી દે છે કે નહિ ? કેમ ; નથી સીવી  દેવી ? જોજે  હો ટોપી સીવી નહિં દે તો —

        “ કચેરીમેં જાઊંગા .

          સિપાઇકું બુલાઊંગા;

          બડે માર દેઊંગા ,

          તમાસા દેખુંગા .”

    દરજી કહે : “ શું બોલ્યો , ઉંદરડા ! ફરી બોલ જોઇએ , ફરી ! ”

     ઉંદર કહે :

           “ કચેરીમેં જાઊંગા.

            સિપાઈકું બુલાઊંગા ;

           બડે માર દેઊંગા ,

            તમાસા દેખૂંગા .”

         દરજી તો એકદમ બી ગયો ને બોલ્યો : “ ભાઇશા’બ ! કચેરીમાં જઇશ મા. લાવ તારું લૂગડું : તને ઝટ ઝટ ટોપી સીવી દઉં .”

         પછી ઉંદરને ટોપી સીવી દીધી ; એટલે ઉંદરભાઇ ટોપી પહેરીને રોફમાં ને રોફમાં ચાલ્યા . આગળ ગયા ત્યાં એક ભરત ભરનારની દુકાન આવી . ભરત ભરનારની સામે જોઇને ઉંદરે કહ્યું : “ અબ એ ભરત ભરવાવાલા ! આ ટોપીમાં જરા ભરત ભરી દેજે .”

        ભરત ભરવાવાળાએ ઉંદરની સામે જોયું અને કહ્યું : “ કોણ , ઈ ઉંદરડો છે  કે ? ચાલતો થા , ચાલતો . અહીં કોણ નવરો બેઠો છે ભરત ભરવા ? ”  

       ઉંદર કહે : “ કેમ ભરત ભરી દેવું છે કે  નહી ? ભરત ભરી દેવું જ પડશે .  આ ઉંદરભાઇને ઓળખે છે ? “”    

      ભરતવાળો કહે : “ હવે ચાલ્યો જા , ચાલ્યો . આ સોય મારીશ ના , તો મરી જઇશ , મરી ! “

    ઉંદર કહે : “ એમ કે ? ઠીક છે ત્યારે , તો તને ખબર પાડીશ , “

              “ કચેરીમેં જાઊંગા .

                સિપાઈકું બુલાઊંગા ;

                બડે માર દેઊંગા ,

                તમાસા દેખૂંગા . “

    ભરતવાળો કહે : “ ભાઇશા’બ ! કચેરીમાં જઇશ મા અને સિપાઇને બોલાવીશ મા . લાવ તારી ટોપી ; ઝટ ભરત ભરી દઉં . “

     ઉંદરભાઇ તો ટોપીને ભરત ભરાવી માથે ઓઢી રોફમાં ચાલ્યા . આગળ જતાં  એક મોતીવાળાની દુકાન આવી . ત્યાં ઉંદરે  મોતીવાળાની  સામે જોઇને  કહ્યું :

  “ અરે , એ મોતીવાળા !  દેખે છે કે ? આ ટોપીમાં જરા મોતી ભરી દે , મોતી . “

       મોતીવાળાએ ચિડાઇને કહ્યું : “ કેમ , મોતી કાંઈ મફત બફત આવે છે ? મોતીના તો પૈસા પડે છે . પૈસા . “

      ઉંદર કહે : “ એમ ? પૈસા પડે છે , ખરું કે ? ઠીક છે , તને પણ જોઇ લઉં છું .

                   “ કચેરીમેં જાઊંગા .

                     સિપાઇકું  બુલાઊંગા ;

                    બડે માર  દેઊંગા ,

                     તમાસા દેખૂંગા . “

      મોતીવળો તો એકદમ ડરી ને બોલ્યો :

   “ અરે ભાઇ !  કચેરીમાં જાશો મા અને સિપાઈને બોલાવશો મા . હમણા જ ટોપીમાં  મોતી ભરી આપુ છું . “

    પછી ઉંદરભાઇ મોતી ભરેલી ટોપી પહેરીને  ચાલ્યા . રસ્તા ઉપર એક ડમરુ વેચવાવાળો બેઠો હઓત તેની પાસેથી ઉંદરે ડમરુ માગ્યું , એટલે તેણે તુરત જ ડમરુ આપી દીધું . પછી ઉંદરભાઇ માથે ટોપી  ઓઢીને ડમરુ વગાડતા વગાડતા

            “ ડુમ   ડુમ    ડુમાક ,

               ડુમ   ડુમ   ડુમાક ,

              ડુમ    ડુમ   ડુમાક “

  કરતા  ચાલ્યા .

       રાજાના મહેલ આગળ થઇને ઉંદરભાઇ જતા હત ત્યાં તેણે રાજાને જોયો . એટલે ઉંદરભાઇ બોલ્યા :

       “ રાજા કરતાં મારી ટોપી સારી , સારી ;

         રાજા કરતાં મારી ટોપી સારી , સારી . “

     (રાજા પેક્ષાં માઝી ટોપી ચાંગલી , ચાગલી ;

      રાજા પેક્ષાં માઝી ટોપી ચાંગલી ,ચાંગલી .)

       રાજા કહે : “ આ  વળી કોણ ? મારા કરતાં ઉંદરડાની ટોપી સારી કહે છે ? એલા લઇ લો એની ટોપી !

       ઉંદરની ટોપી સિપાઈઓએ લઇ લીધી એટલે ઉંદરભાઇ ડમરુ વગાડતાં વગાડતાં બોલ્યા :

     “રાજા ભીખારી , મારી તોપી લીધી ;

      રાજ ભીખારી મારે  તોપી લીધી ; “

      “ ડુમ ડુમ ડુમાક , ડુમ ડુમ ડુમાક ,

       ડુમ  ડુમ ડુમાક , ડુમ ડુમ ડુમાક , “

   (રાજા ભિખારી , માઝી ટોપી ઘેતલી ;

    રાજા ભિખારી , માઝી ટોપી ઘેતલી .)

  રાજા કહે : “  હું કાંઇ ભિખારી નથી ! આપી દો એને એની ટોપી પાછી ! “

  રાજાએ ઉંદરને ટોપી પાછી આપી દીધી એટલે ઉંદર કહે :

      “ રાજા મારાથી બીનો ,

        મારી ટોપી દીધી ;

        રાજા મારાથી  બીનો ,

       મારી ટોપી દીધી ! “

 

 

  (રાજા માલા ભ્યાલા

   માઝી ટોપી દીલી ;

  રાજા માલા ભ્યાલા ,

  માઝી તોપી દીલી. )

 “ડુમ  ડુમ ડુમાક ,

  ડુમ  ડુમ  ડુમાક ;

  ડુમ ડુમ  ડુમાક ,

 ડુમ ડુમ ડુમાક . “

   પછી ઉંદરભાઇ તો ડમરુ વગાડતા વગાડતા અને ઉપર પ્રમાણે બોલતા બોલતા ચાલ્યા ગયા.                             

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in vaartaao

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 260,822 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
સપ્ટેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: