સ્વરાજની લડતના તે દિવસો// લેખક: મહાવીર ત્યાગી

  Mahavir tyagi

9331mahatma-gandhi-posters

સ્વરાજની લડતના તે દિવસો

 લેખક: મહાવીર ત્યાગી

સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય

 આવૃત્તિ ચોથી: સં:2057/ઇ.સ.2001

પાના:3 અને 4

પ્રસ્તાવના

(આગલી આવૃત્તિમાંથી)

‘હમનશીં કહાં જાએં, કોઇ ઠિકાના ન રહા;

યા તો વહ હમ ન રહે, યા વોહ જમાના ન રહા.’

    લોકોનો એવો ખ્યાલ છે કે ઊંડી મનોકામનાઓ પૂરી થાય ત્યારે મનુષ્યને અત્યંત આનંદ ને સંતોષ મળે છે. અમુક હદ સુધી એ વાત યોગ્ય છે; છતાં એમાં પ્રશ્ન એ ઊઠે છે કે લક્ષ્યની પ્રાપ્તિ પછી શું? કાં તો કોઈ બીજું લક્ષ્ય શોધવું પડે, અથવા તો મારી માફક પોતાનાં સગાંની સાથે સંતાકૂકડી રમીને મનને મનાવવું પડે છે. જેમને વાડીબંગલા અને શીરાપૂરી મળ્યાં હોય એમને ધન્ય છે, છતાં સંસારનો ખરો આનંદ લૂંટવો હોય તો ઘરની બહાર નીકળીને કોઇ પરાયા પર આંખો માંડવી જોઈશે; અને પોતાના શીરાપૂરીમાં ભાગ પડાવનારાં પણ ખોળવાં જોઈશે. જો ‘દાદ’ દેનારા ના હોય તો ગઝલ સંભળાવવી નકામી છે.

    પંડિત મોતીલાલ નેહરુને પોતાને હાથે શાકભાજી બનાવવાનો અને કડક ચા તૈયાર કરવાનો શોખ હતો. સને 1921ની વાત છે. લખનૌ જેલની દીવાની બૅરેકમાં એમને રાખવામાં આવ્યા હતા. ત્યારે એમનાં શાકભાજી હું સુધારી આપતો હતો. એક વાર તેમણે બટાટાની સૂકીભાજી બનાવી હતી. હું કોઈ બીજી બૅરેકમાં ગપ્પાં હાંકવા ચાલ્યો ગયો હતો. પાછા આવીને મેં પૂછ્યું:’ભાજી ઠંડી પડી ગઈ છે, ભાઈજી, તમે કેમ ખાધી નહીં?’ એમણે કહ્યું:’કેવા ઉમંગથી બનાવ્યું છે ! પણ તું જતો રહ્યો તડાકા હાંકવા. હું શું એકલો એકલો ખાઉં?’ સુખની ખરી મજા તો તેને સહિયારી રીતે માણવામાં છે. આ નિયમ દુ:ખને પણ લાગુ પડે છે. હસવા માટે કોઈ સાથીદારની જરૂર પડે છે, એમ રડવાનું પણ પોતાના ગણાય એવા માણસોની વચમાં હોય તો જ ફાવે છે.

    આજકાલ સંસાર વ્યાપારપ્રિય થતો જાય છે. આથી પ્રેમ એક ધંધાદારી વસ્તુ બની ગઈ છે. પણ બધું જોઈ વિચારીને જ પ્રેમ કરવામાં આવે છે;અને ઘીમાં લોકો જેમ ડાલ્ડા ભેળવે છે તેમ પ્રેમમાં ખુશામત ભેળવે છે. પોતે તો કોઈના ઉપર પ્રેમ કરતા નથી; છતાં બીજા એમના ઉપર આશક થઈ જાય એમ ઇચ્છે છે.

    આ સંસ્મરણો સાહિત્યની ભાષામાં નહિ લખતાં પ્રેમની ભાષામાં લખ્યાં છે; કેમ કે દુનિયા સાહિત્યકારનો આદર કરે છે, પણ એમના પર પ્રેમ કરતી નથી. આદર બુદ્ધિથી થાય છે, ત્યારે પ્રેમ દિલથી. પ્રેમની ભાષા દલીલ અને વ્યાકરણનાં બંધનોથી મુક્ત હોવાને કારણે એ દિલ ઉપર સીધી અસર કરે છે. આ સંસ્મરણો છપાવવાની મંજૂરી મેં એમ સમજીને આપી છે કે વાચકોમાંથી કોઇ પ્રેમ કરવાવાળા મળી જશે તો એમના પત્રો મેળવીને પણ મારું મન ખીલી ઊઠશે.

રૈન બસેરા, દહેરાદૂન

31/12/1962                   –મહાવીર ત્યાગી

===================================================================================================

  1. 1.         બાપુની યાદમાં

(સ્વરાજની લડતના  તે દિવસો/મહાવીર ત્યાગી/ સસ્તું સાહિત્ય)

ઈ.સ.1942માં જ્યારે વિશ્વયુદ્ધે ભયંકર રૂપ ધારણ કર્યું હતું.જાપાન ભારત પર આક્રમણ કરવાની તૈયારી માં હતું અને ભારતની જનતાનો વિશ્વાસ મેળવ્યા વગર બ્રિટિશ સરકારે ભારતને યુદ્ધમાં ખેંચ્યું હતું. ત્યારે મહાત્માજીએ કહ્યું હતું કે જ્યારે બ્રિટિશ સરકારની નીતિ ભરતને સ્વતંત્ર કરવાની નથી તો પછી ભલે ત્રીજી કોઇ સત્તા ભારત ઉપર સ્વામિત્વ કેમ ના કરી લે. એવી પરીસ્થિતિમાં 1942 ના ઑગસ્ટની 8મી તારીખે મહાત્મા ગાંધીના નેતૃત્વ નીચે કૉંગ્રેસે બ્રિટિશ સરકારને ‘ભારત છોડો’ નો પડકાર આપ્યો હતો.તરત જ બધા કૉંગ્રેસી નેતા નજરબંધીમાં લેવાયા અને ગાંધીજીને ‘આગાખાન મહેલ’ માં પૂરી દેવામાં આવ્યા. એમની સાથે ‘બા’(સ્વ. કસ્તૂરબા ગાંધી) અને બાપુના પ્રાઇવેટ સૅક્રેટરી શ્રી મહાદેવ દેસાઇ. કુ. શુશીલા નાયરને પણ નજરબંધ કરી લેવામાં આવ્યાં ત્યાર પછી અઠવાડિયામાં જ 15મી ઑગસ્ટે મહાદેવ દેસાઇનો સ્વર્ગવાસ થયો. સારાય દેશમાં પકડાપકડી શરૂ થઇ ચૂકી હતી. હજારો કૉંગ્રેસીઓને જેલમાં નાખ્યા હતા. મહાદેવ દેસાઈની જગ્યાએ શ્રીપ્યારેલાલજીને આગાખાન મહેલમાં મોકલી આપવામાં આવ્યા. યુરોપમાં જર્મનીનું યુદ્ધ અને ભારતમાં સ્વતંત્રતાનું આંદોલન જોરથી ચાલી રહ્યાં હતાં. 1943-44માં દેશમાં ભયંકર દુકાળ પડ્યો અને એકલા બંગાળમાં ત્રીસ લાખ સ્ત્રી-પુરુષો અને બાળકો ભૂખમરાથી મરી ગયાં. કલકત્તાની ગલીઓમાં ચારે તરફ લાશો પડી હતી. અમે જેલમાં સડતા હતા અને અમારા બાલબચ્ચાં ઉપર શું ગુજરતું હશે તેની ચિંતા કરતા હતા. એક દિવસ ખબર આવીકે બાપુએ 21 દિવસના ઉપવાસ શરૂ કર્યા છે. આગાખાન મહેલમાં એ મચ્છરોનો શિકાર પણ બન્યા હતા. અમારી જેલની બરાકોમાં અમે બાલુના દીર્ઘાયુ માટે કંતણયજ્ઞ અને પ્રાર્થનાઓ શરૂ કરી. ઉપવાસ તો પૂરા થયા પણ ‘બા’ નો સ્વર્ગવાસ થયાની ખબર આવી. પછી બાપુ સખત બીમાર પડ્યા. દેશભરમાં બાપુને મુક્ત કરવાનું આંદોલન ચાલ્યું. દિલ્હીની ઍસેમ્બલીમાં કૉંગ્રેસી અને મુસ્લિમ લીગના સભ્યોએ સાથે મળીને 1944નું બજેટ નામંજૂર કરી દીધું. આગાખાન મહેલની ચારે તરફ કાંટાળા તાર લગાડેલા હતા અને પોલીસના સેંકડો માણસો પહેરો ભરતા હતા. બાપુની બીમારી વધી પડી ત્યારે ડૉ. ગિલ્ડરને પણ એમની સંભાળ માટે ત્યાં મોકલી આપ્યા. એક રાતે બીમારીએ ભયંકર રૂપ લીધું ને બચવાની કોઇ આશા ન રહી. બ્રિટિશ સરકારે એમના અગ્નિદાહ માટે ચંદનનો જથ્થો મંગાવીને તૈયાર રાખ્યો હતો. અને બ્રિટિશ વિદેશમંત્રી શ્રી એન્થની  એમના બધા રાજદૂતો ઉપર જે ખબર મોકલી હતી એમાં જણાવાયું કે’મિસ્ટર ગાંધીના મૃત્યુ પ્રસંગે તમે જે શોકસંદેશો આપો તેમાં ગાંધીની નૈતિક બાજુને ઠેસ લાગે એવો કોઇ શબ્દ તમારે વાપરવો ના જોઇએ. તમારે કહેવું જોઇએ કે ગાંધીને એમના આધ્યાત્મિક આદર્શોમાં અતૂટ વિશ્વાસ હતો. અને તમારે એ વાતનો અફસોસ કરવો જોઇએ કે ગાંધીની અદ્વિતીય પ્રતિભાનો મિત્રરાજ્યોથી અને તેમાંયે ખાસ કરીને ચીન અને ભારતથી કોઈ લાભ ઊઠાવી  શકાયો નહિ.’   

    આવી ભયંકર સ્થિતિમાં બાપુને મરવાની ચિંતા થોડી જ હતી ! એમણે કેટલીય વાર સરકારને અનુરોધ કર્યો હતો કે બીજા રાજકીય કેદીઓની જેમ એમને પણ સાધારણ જેલમાં કેમ નથી રાખવામાં આવતા. બાપુએ કહ્યું હતું કે, મારે માટે જે ખોટો ખરચ થઈ રહ્યો છે તે તમારા પૈસાનો નથી જ. એ તો મારા અને મારી ગરીબ જનતાના પૈસા છે. મારી ચારે તરફ આ ફોજ શા માટે ખડી છે? શું તમને એવો ડર છે કે ચોરીછૂપીથી નીકળીને હું ભાગી છૂટીશ?

    એક દિવસ સેવાગ્રામમાં બાપુ ફરતા હતા ત્યારે રસ્તામાં બે ઇંચ લાંબી પૂણીનો એક ટુકડો પડેલો જણાયો. બાપુએ એ ઊઠાવી લીધો અને આશ્રમવાસીઓને કહ્યું: ‘દેશની સંપત્તિને આમ બેદરકારીથી ફેંકવી ના જોઈએ.’

    બાપુની વાત બાજુ પર મૂકો. આજથી સેંકડો વર્ષ પહેલાં મોગલસમ્રાટ ઔરંગઝેબે પોતાના મૃત્યુ પહેલાં વસિયતનામું કરેલું હતું તે વાંચો. એમણે કહ્યું હતું કે, મારા કફનદફન માટે સરકારી ખજાનાની એક કોડી પણ ખર્ચ કરવાની નથી. ટોપીઓ સીવીને હું ચાર રૂપિયા કમાયો છું ને મહેલદાર પાસે જમા છે. એમાંથી ગજીનું કફન ખરીદી મારા શરીરને લપેટજો. અને કુરાનેશરીફ લખીને હું ત્રણસો પાંચ રૂપિયા કમાયો છું તે ફકીરને વહેંચી દેજો; કેમ કે ઇસ્લામની પરંપરા અનુસાર કુરાનની કમાઈનો ઉપયોગ કરવો હરામ છે.

=======================================================================================================

(સ્વરાજની લડતના  તે દિવસો/મહાવીર ત્યાગી/ સસ્તું સાહિત્ય)

                    2. સત્યાગ્રહની ધર્મપરીક્ષા

     સને 1947માં દેશના ભાગલા પડ્યા ત્યારે ભારત અને પાકિસ્તાનમાં સાંપ્રદાયિક ઝગડા અને કાપાકાપી થયાં . તેથી મહાત્મા ગાંધીના આત્માનું ઘણું કષ્ટ થયું એ વખતની એમની વ્યાકુળતા નું વર્ણન કરવું અસંભવ છે.કેન્દ્રમાં અને પ્રદેશોમાં સરકાર ઉપર ઘણી આફત ઊતરી પડી. એમને લાગ્યું કે જાણે કરોડો પરિવારોના લોહીથી સિંચાયેલી સ્વરાજ્યની આશાલતા ઉપર વજ્ર તૂટી પડ્યું. તે દિવસોમાં હું દિલ્હીની લોકસભા અને યુ.પી.ની ધારાસભા બંનેમાં સભ્ય હતો. એક સવારે પોલીસ સુપરિટેન્ડન્ટ પાસેથી પાસેથી પોલીસનો યુનિફોર્મ મંગાવી મેં પહેરી લીધો અને ડંડો, પટ્ટોબાંધીને  યુ.પી. ના મુખ્યમંત્રી શ્રી ગોવિંદ વલ્લભ પંતને બંગલે પહોંચ્યો . દરવાજે પોલીસ ઇન્સ્પેક્ટર ઊભા હતા તેમને સલામ ફટકારીને સીધો પંતજીના ઓરડામાં ઘૂસી ગયો. પંતજીને પણ આશ્ચર્ય થયું કે વગર રજાએ એક સાધારણ પોલીસ શી રીતે અંદર ઘૂસી આવ્યો? એમણે સલામ ઝીલીને જોરથી પૂછ્યું કે તમે શી રીતે અંદર આવ્યો ? મેં કહ્યું કે મારું નામ મહાવીર ત્યાગી છે. હવે હું કોન્સ્ટેબલ બની ગયો છું અને આપના આશીર્વાદ લેવા આવ્યો છું . એટલે એ હસીને ઊભા થઇ ગયા અને કહેવા લાગ્યા કે તને કેવું સૂઝે છે? મેં કહ્યું કે ઘણી જગાએ હિન્દુ-મુસ્કિમહુલ્લડો મચે છે ત્યાં કોઇ કૉંગ્રેસવાળા સામા આવતા નથી કે પોલીસ પણ કંઇ કરી શકતી નથી. એથી મેં ફેંસલો કર્યો છે કે 250 કૉંગ્રેસના સ્વયંસેવકોને પોલીસમાં ભરતી કરી લેવા ને શાંતિ સ્થાપવાનો પ્રયત્ન કરવો. એમને આ યોજના પસંદ આવી અને તરત સરકારી ગૅઝેટમાં જાહેરાત કરી કે આ ટુકડીનું નામ ત્યાગી પોલીસ રહેશે. આ સિપાઈઓને પગાર નહીં મળે પરંતુ એમને પોલીસના બધા અધિકાર મળશે; અને કપડાં, પેટી, બંદૂક અને રેશન અપવામાં આવશે. મેરઠની પોલીસ લાઈન્સ માં અમારું હેડક્વાર્ટર બનાવી તાલીમનો પ્રબંધ થયો. મહિનાની તાલીમ લીધા પછી પોલીસના ડ્રેસમાં હું મહાત્મા ગાંધી પાસે આશીર્વાદ લેવા ગયો. એ દિલ્હીમાં બિરલા હાઉસમાં રહેતા હતા. મને જોતાં જ ખિલખિલાટ હસી પડ્ય. હું સલામ ઠોકી ને સામે ખુરશીપર બેઠો. એ ખાટલા પર સૂતા હતા. મેં કહ્યું: ‘આશીર્વાદ માટે આવ્યો છું. બાપુ.’ ગાંધીજી કહ્યું: ‘શું તું મને નાચ નચાવીશ?’ કહ્યું: ‘ના ’બાપુ બોલ્યા: ‘આશીર્વાદ નહીં મળી શકે.’ હું એમ સમજ્યો કે ખાદીનો ડ્રેસ નહિ હોવાથી બાપુ ખિજાયા છે. હું હતાશ થઈ ગયો. અને ઊભો થઈ બોલ્યો: ‘જો આશીર્વાદ નથી આપી શકતા તો આપ મારો ખુલ્લો વિરોધ કરી જોઈ લેજો. મેં અને મારા સાથીઓએ મેદાનમાં કદમ ભરી દીધા છે. હવે પીછેહઠ નહીં થ ઈ શકે.’ એમ કહીને હું ચાલવા લાગ્યો ત્યારે બાપુએ કહ્યું: ‘તું સમજ્યો નથી, મને આશીર્વાદ દેવાનું દુ:ખ નથી. તું પહેલાં વચન આપ કે નાચ નચાવીશ’ મારું મગજ ઠંડું પડ્યું પણ નાચ નચાવવાનો અર્થ સમજાયો નહીં. બાળપણમાં ખાતી વખતે જ્યારે હું દોડી જતો ત્યારે મારી દાદી કહેતી હતી કે ‘ ઘેર બેઠાં તું કલાકો સુધી નાચ નચાવે છે !’મેં બાપુને નાચ નચાવવાનો અર્થ પૂછ્યો.એમણે કહ્યું: ‘જ્યારે વર્તમાન પત્રમાં હું વાંચું કે મુસલમાનોના જાન બચાવવા જતાં ત્યાગીને કોઈએ છરો માર્યો અને એની લાશ તો સહરાનપુરના બજારમાં પડી છે ત્યારે હું ખુશીનો માર્યો નાચીશ. હવે તું મને વચન દે કે મને નાચ નચાવીશ.’ આટલું સાંભળતાં જ મારા શ્વાસ બંધ થઈ ગયા. મેં બાપુના બંને પગ પકડીને વચન આપ્યું કે, ‘ભગવાન મારી સહાયતા કરે, ને છરી ભોંકનારો મોકલી આપે. તો બાપુ, હું આ ચરણોના શપથ લઈને કહું છું કે જરૂર તમને નાચ નચાવીશ.’ પછી શું હોય ! બાપુ બેઠા થઈ ગયા અને મારા ખભા ઉપર હાથ મૂકીને દરવાજા સુધી મને મૂકવા આવ્યા. રસ્તામાં ઊભા રહીને બહુ હેતથી બોલ્યા:  ‘સ્વરાજ્ય તો મળી ગયું. પરંતુ સત્યાગ્રહધર્મની અસલી પરીક્ષા મારા જીવનકાળમાં ન થઈ શકી. તારી જેમ 50 કે 100 આદમી અહિંસા અને સત્યાગ્રહની પરીક્ષામાં પોતાનો જીવ આપી દે તો મારા જીવનનો ઉદ્દેશ સફળ થઈ જાય.’ છૂટા પડતાં પહેલાં ફરી ગરદન ઝુકાવીને મેં કહ્યું: ‘ભલે, હવે તો મને આશીર્વાદ આપો. બાપુ. ’તો બાપુએ કહ્યું: ‘જ્યારે હું નાચીશ ત્યારે એ જ તારા પરનો આશીર્વાદ હશે.’

     અભાગી હું મારી પ્રતિજ્ઞા પૂરી કરી ના શક્યો. બાપુ તો શહીદ થઈ ગયા પણ મારી તો આંગળી ના કપાઈ. મરવા તો હજીયે તૈયાર છું. પરંતુ આ ‘સાયન્સ ’ સ્ંર ‘ટેકનિક’ના યુગમાં અહિંસા કે સત્યાગ્રહને રૂઢિવાદ કે વેદિયાપણું સમજવામાં આવે છે. ધોતિયું પહેરવું, ઝાડુ મારવું, મેલું ઊઠાવવું , હિંદી બોલવું, ચરખો કાંતવો, સાયકલ ઉપર કે ટાંગામાં બેસી નીકળવું, કે રામનામ લેવું એ બધાં પાખંડ કહેવામાં આવે છે. આભાર કે હજી  ખાદી પહેરવાની છૂટ છે. સ્થાન અને પદ મેળવવાની દોડધામમાં  બાપુએ બતાવેલાં સામાજિક અને નૈતિક મૂલ્યો  બધાં ધૂળભેગાં થઈ ગયાં છે.

          વાત એમ છે કે કૉંગ્રેસ જ્યારે સ્વરાજ્ય પ્રાપ્ત કરવાના આંદોલનમાં લાગી હતી ત્યારે દરેક વ્યક્તિ નિ:સ્વાર્થ ભાવથી જનસેવા અને દેશકલ્યાણની ભાવના વડે પ્રેરાતી હતી, એના ફળરૂપે સમાજનું વાતાવરણ એવું શુદ્ધ થતું જતું હતું કે ભ્રષ્ટાચારી અને સમાજવિરોધી વ્યક્તિઓ લોકલાજની મારી પોતાનું મોં છુપાવતી ફરતી હતી. ઈ.સ. 1947નાઑગસ્ટની પંદરમી પહેલાંજ માહાત્મા ગાંધીએ હવા કઈ તરફની છે તેનું માપ મેળવી લીધું હતું. એમના અંતિમ દિવસોમાં ગાંધીજી ઘણા દુ:ખી હતા. ગોડસી ગોળીબાર કરીને દેશને જરૂર કલંકિત બનાવ્યો, એણે ઘણું નુકશાન પહોંચાડ્યું. પરંતુ ગાંધીજીને માટે તો સારું જ થયું કે એમને આ દિવસો જોવા ન પડ્યા.

          14મી મે,1947. ગાંધીજી ખૂબ થાકેલા હતા. ડૉ.બિધનચંદ્ર રૉય એમને મળવા આવ્યા. એમની તબિયત જોઈ એમણે કહ્યું: ‘આપે આપને માટે નહીં તોપણ જનતાની સેવાને માટે આરામ લેવો જોઈએ એ આપનો ધર્મ નથી?બાપુએ કહ્યું: ‘હા, લોક જો મારું કંઈ પણ સાંભળે અને સત્તાધીશમિત્રો માટે હું કશા ઉપયોગનો થઈ શકું તો જરૂર એમ કરું; પરંતુ હવે મારો ક્યાંય કોઈ  ઉપયોગ હોય એવું મને જણાતું નથી. ભલે મારી બુદ્ધિ મંદ પડી હોય, તોપણ આ સંકટના સમયમાં  ‘કરના યા મરના’ એને જ હું પસંદ કરીશ, આરામને નહીં. કામ કરતાં કરતાં અને રામનામનું રટણ કરતાં કરતાં હું મરું એવી મારી ઇચ્છા છે. મારા અનેક વિચારોમાં હું એકલો પડી ગયો છું. તો પણ મારા ઘણા સાથીઓ જોડે દૃઢતાથી કામ લેવાનું બળ મને ઈશ્વર આપી રહ્યો છે.’

     એ દિવસોમાં કેન્દ્રમાં તેમજ બધા પ્રદેશોમાં રાષ્ટ્રીય સરકારની સ્થાપના થઈ ચૂકી હતી. અમારાં મંત્રીમંડળોની રહેણીકરણી અને કાર્યપ્રણાલીથી બાપુ ખુશ નહોતા. લોકોની ફરિયાદ હતી કે અનેક ત્યાગ અને બલિદાનો વડે કૉંગ્રેસ એક મહાન સંસ્થા બની છે. એનો ઈતિહાસ ઘણો ઉજ્જ્વળ છે. છતાં શાસનની લગામ હાથમાં આવી એટલે કૉંગ્રેસીઓ એ ગુણો ગુમાવતા જાય છે અને પદપ્રાપ્તિ માટે જે રીતે સ્પર્ધા કરે છે તે ઉચિત નથી. 21મી માર્ચને દિવસે બાપુએ પ્રાર્થનામાં કહ્યું હતું:

     સ્વતંત્રતાનું અમૂલ્ય રત્ન આપણા હાથમાં આવી રહ્યું છે. પણ મને ડર છે કે આપણે એ ગુમાવી દઈશું. સ્વરાજ્ય લેવાનો પાઠ તો આપણે શીખ્યા. પણ એને કેમ ટકાવી રાખવું તેનો પાઠ ન શીખ્યા. અંગ્રેજોની માફક બંદૂકોના જોર પર આપણી રાજ્યસત્તા નહીં ચાલી શકે. અનેક પ્રકારનાં ત્યાગ અને તપશ્ચર્યા વડે કૉંગ્રેસે જનતાનો વિશ્વાસ મેળવ્યો; પરંતુ કૉંગ્રેસીઓ હવે જો જનતાને દગો દેશે અને સેવા કરવાને બદલે જનતાના માલિક બની જશે, માલિકના જેવો વ્યવહાર રાખવા જશે, તો હુ6 જીવું કે ના જીવું, છતાં આટલાં વર્ષોના અનુભવ પછી એ ચેતવણી આપવાની હિંમત કરીશ કે દેશમાં બળવો મચી જશે. સફેદ ટોપીવાળાને લોકો ખોળી ખોળીને મારશે અને કોઈ ત્રીજી સત્તા એનો લાભ ઉઠાવશે.

              મંત્રીઓનું કર્તવ્ય 

     15મી એપ્રિલ 1947ના દિવસે પટનામાં બિહારનુ6 મંત્રીમંડળ બાપુને મળવા આવ્યું ત્યારે સ્વતંત્ર ભારતમાં મંત્રીમંડળ કે ગવર્નરોએ કેવી રીતે રહેવું તે વિષે નીચે મુજબના વિચારો બાપુએ રજૂ કર્યા હતા:

1.મંત્રીઓ તથા ગવર્નરોએ બને ત્યાં સુધી સ્વદેશી વસ્તુઓ ઉપયોગમાં લેવી જોઈએ. એમણે તથા એમનાં કુટુંબીઓએ ખાદી પહેરવી જોઈએ તથ અહિંસામાં વિશ્વાસ રાખવો જોઈએ.

2. એમણે બન્ને લિપિઓ શીખવી જોઈએ અને બની શકે ત્યાં લગી પરસ્પરની વાતચીતમાં અંગ્રેજીનો વ્યવહાર છોડી દેવો જોઈએ. સાર્વજનિક કામમાં હિંદી અને પોતાના પ્રાંતની ભાષાનો જ ઉપયોગ કરવો જોઈએ.

3. સત્તાધારીની નજરમાં પોતાનો પુત્ર, સગો ભાઈ, કોઈ સામાન્ય વ્યક્તિ, મજૂર કે કારીગર—સહુ સરખાં હોવાં જોઈએ.

4. એમનું વ્યક્તિગત જીવન સાદું હોવું જોઈએ કે લોકો ઉપર એનો પ્રભાવ પડે. એમણે દરરોજ એક કલાકનો પરિશ્રમ કરવો જોઈએ, કાં તો ચરખો કાંતે અથવા પોતાના હાથથી અનાજ કે શાકભાજી ઊગાડે.

5. મોટર અને બંગલા તો હોવા જ ન જોઈએ. હા, જો દૂર જવું હોય તો મોટર વાપરી શકે. પણ એનો મર્યાદિત ઉપયોગ થવો જોઈએ. મોટરની થોડીઘણી જરૂર તો ક્યારે પણ રહેવાની છે.

6. મંત્રીઓનાં મકાનો પાસે પાસે હોય, એથી એ એકબીજાના વિચારોમાં ને કામકાજમાં ઓતપ્રોત થઈ શકશે.

7. ઘરનાં બીજાં ભાઈ-બહેનો ઘરમાં હાથથી કામ કરે, નોકરોનો ઉપયોગ ઓછામાં ઓછો થવો જોઈએ.

8. સોફાસેટ, કબાટો અને ભપકાવાળી ખુરશીઓ ન રાખવી જોઈએ.

9. મંત્રીઓને કોઈ વ્યસન તો હોવું જ ન જોઈએ.

10.આવા સાદા, સરળ અને આધ્યાત્મિક વિચારવાળા જનતાના સેવકોની રક્ષા જનતા જ કરશે. દરેક મંત્રીના બંગલાની આસપાસ આજે છ કે એતી વધારે સિપાઈઓનો પહેરો રહે છે તે અહિંસક મંત્રીમંડળ ને કઢંગો લાગવો જોઈએ.

11. પરંતુ મારા આ વિચારોને કોણ માને છે? છતાં મારાથી કહ્યા વિના રહી શકાતું નથી;  કેમ કે મૂંગા સાક્ષી બની રહેવાની મારી ઈચ્છા નથી.

     મહાત્મા ગાંધીજીના ઉપરના વિચારો વાંચીને વાચકો સમજશે કે સમાજવાદી પ્રણાલીની સ્થાપના કેવળ કાયદો બનાવ્યાથી નથી થઈ શકતી. એ માટે સાર્વજનિક આંદોલનની જરૂર પણ છે. સ્વરાજ્યપ્રાપ્તિ માટે ત્યાગતપસ્યાની જેટલી જરૂર હતી એથી કેટલીયે વધુ ત્યાગતપસ્યા હવે કરવી જોઈશે. આજે તો માલિકીનો ખ્યાલ એટલા ભયંકર રૂપમાં ફેલાતો જાય છે કે કોઈ રોકટોક ન આવી તો નવાબીના રસ્તા પર દેશ ચાલવા લાગશે. જેમને સમાજવાદમાં વિશ્વાસ છે તેમનું સહુથી પહેલું કર્તવ્ય એ છે કે, તેઓ પાડોશીનાં બાળકો સાથે પોતાનાં બાળકો જેવો અને પોતાના નોકર-મજૂરો જોડે ભાઈ-ભત્રીજા જેવો વ્યવહાર રાખે. આજે તો આપણી રસોઈ તૈયાર કરનારો પણ આપણી સાથે મેજ પર બેસી જમી શકતો નથી, કે આપણા ઓરડામાં ખુરશી પર બેસવાની હિંમત કરી શકતો નથી. સમાજમાં ભયંકર વ્યક્તિવાદ ફેલાતો જાય છે. હેત-પ્રીત એ પણ ધંધાદારી વસ્તુ બની ગયાં છે. દોસ્તી તૂટી રહી છે, ઈર્ષા, દ્વેષ અને વેરભાવનો સંબંધ સમાજને નષ્ટ કરી રહ્યાં છે. દહેરાદૂનના કવિ ‘ખુશદિલે’ઠીક જ કહ્યું છે કે:

          ઈસ કિશ્તિયેહયાત કો લે જાઉં કિસ તર,

          નજરોં કે સામને કોઈ સાહિલ નહીં રહા.

=========================================================================================================

                                                                        3.જ્યારે મારી પાસે પૈસા ન રહ્યા.

                  ઈ.સ. 1930માં મીઠ સત્યાગ્રહની ઘોષણા થઈ ત્યરે વાઇસરૉયથી માંડીને પંમોતીલાલ નેહરુ સુધી બધાએ એની ઠેકડી ઊડાવી હતી. સામાન્ય જનો કહેતા કે પહાડ સાથે માથું અફાળવાનું છે. ભલા, લાતોને લાયક ભૂત વાતોથી શેનાં માને? મીઠું બનાવીને અંગ્રેજ જેવી શક્તિશાળી સરકારને ઉખાડી ફેંકી દેવાશે એ વાતમાં કોઈને વિશ્વાસ બેસતો નહોતો. ગજને ગ્રાહની પકડમાંથી છોડાવવો મુશ્કેલ છે તેટલું ગાંધીજીનાં રહસ્યો સમજવાં મુશ્કેલ છે.

     અમને આજ્ઞા થઈ કે જ્યાંથી ખારી માટી મળી આવે ત્યાંથી લાવી પાણીમાં મેળવી, એને ભઠ્ઠી પર ચઢાવો અને પોતાના જિલ્લાના કલેક્ટરને ખબર મોકલી, દાંડી પિટાવી, ખુલ્લી રીતે મીઠું પકવો. દહેરાદૂન જિલ્લાની પહેલી ટુકડી ચૌ. બિહારીલાલ ની સરદારી નીચે ખારાખેત નામના સ્થળે પહોંચી. આ સ્થળ ખારા પાણીનું એક નાનું ઝરણું હતું. એનું પાણી લઈ  મીઠું બનાવ્યું. એની નાની પડીકીઓ બનાવી અને ગાંધી-મીઠું એક રૂપિયો, દસ રૂપિયા, વીસ રૂપિયામાં એક-દો-તીન … ગાંધીનું મીઠું…!જેટલી પડીકીઓ બને તેટલી બધી ત્યાં જ લિલામ થઈ જતી. પછી પોલીસ આવીને મીઠું છીનવીને લઈ ગઈ. બીજે દિવસે મળસકા પહેલાં અમને પકડીને જેલ ભેગા કરી દીધા. ત્યાં જઈને જોયું તો પં. નારાયણદત્ત ગંડવાલ, પં. નરદેવ શાસ્ત્રી, ચૌ. હુલાસ વર્મા, વિચારાનંદ સરસ્વતી અને ચૌ. બિહારીલાલ પહેલાંથી જ આવી પહોંચ્યા હતા. બીજે જ દિવસે અમારો મુકદ્દમો ડૅપ્યુટી કલેક્ટર પં. બેનીપ્રસાદ સમક્ષ જેલમાં શરૂ થયો. એ દિવસોમાં પોલીસ પાસે દસ-પંદર કાયમના સાક્ષી રહેતા હતા. જ્યારે પણ કોઈ રાજનૈતિક મુકદ્દમો ચાલે ત્યારે એના એ જ સત્તારખાં, અબદુલ્લા કબાડી અને અલ્લાબલ ઠેલાવાલા ખુદાને હાજર જાણીને બધું સાચેસાચું કહી જતા કે બંદા, આ મોકા ઉપર હાજર હતા અને મારી નજરે જોયેલો કિસ્સો છે. બે-ત્રણ સાક્ષીઓ એમની વાત કહી રહ્યા એટલે અમારો વારો આવ્યો. પૂછ્યું: ‘કોઈને વાંધો લેવો હોય તો બોલો.’ હું ઊભો થયો ને બોલ્યો : ‘સરકાર એ સાબિત કરવાનું ભૂલી ગઈ છે કે અમે જે પડીકીઓનું લિલામ કર્યું તેમાં ફટકડી હતી, ચાક હતો, ચૂનો હતો કે મીઠું હતું.’મૅજિસ્ટ્રેટે કહ્યું:  ‘પુરાવાની કચાશ રહી ગઈ છે. જો આપ લોકોને દુ:ખ ના લાગે તો અદાલત જાતે ચાખીને ખાતરી કરે.’મેં કહ્યું: ‘અમને કોઈ વાંધો નથી.’ એમણે એક પડીકામાંથી ચપટી ભરીને મોંમાં મૂકી. એ ચાખીને કહ્યું: ‘છે તો મીઠું.’  મેં કહ્યું : ‘આપ હુકમ સંભળાવી દો. વર્ષોથી અંગ્રેજોનું નમક ખાવ છો. આજે છેલ્લું નમક તો ગાંધીનમક ખાધું છે, એટલી વાત ભૂલી ના જશો.’ એમના મોં ઉપરથી સૌજન્યની હવા ઊડી ગઈ અને નીચી ગરદન રાખીને દબાતી જીભે એમણે હુકમ કર્યો: ‘છ મહિનાની સાદી જેલ અને રાજકીય કેદીઓનો પહેલો વર્ગ.’ અમે ગાંધીજીની જય પોકારી અને અદાલત બરખાસ્ત થઈ. મૅજિસ્ટ્રેટ હાથ જોડી અમને છ કેદીઓને નમસ્કાર કર્યા અને ચાલ્યા ગયા. કેટલાક દિવસ  પછી અમે સાંભળ્યું કે ઘેર જતાંવેંત બેનીપ્રસાદજીએ રજા લઈ લીધી હતી  ને રિટાયર્ડ થઈ ગયા હતા. અમને ફૈજાબાદ જેલમાં લઈ ગયા. ત્યાં અમારા કેટલાક સાથીદારોને ‘સી’ક્લાસમાં મૂક્યા હતા અને એમની સાથે ગુનેગાર (અનૈતિક) કેદીઓ જેવું વર્તન થતું હતું. એટલે અમે છ જણાએ એમની સહાનુભૂતિમાં અમારો ‘એ’ ક્લાસ છોડી દીધો અને બીજા સાધારણ કેદીઓની જેમ જમીન ઉપર સૂવાનું અને લોઢાના વાસણમાં દાળરોટી ખાવાનું શરૂ કરી દીધું.

     જેલની મુદત પૂરી કરીને ઘેર પાછા ફર્યા ત્યારે સ્ટેશન ઉપર સ્વાગત કરવા માટે મિત્રોની ભીડ જામી હતી. એ પણ અજબ દૃષ્ય હતું. જ્યારે બે આંખો સામે બે હજાર પૂતળીઓ પોતાની નજર મિલાવતી ત્યારે કેવી ગલપચી થય છે તેની વાચકોને ક્યાંથી ખબર પડે ! એ વખતે ભલભલાની આંખો મિંચાઈ જાય છે અને શ્વાસ નાકને બદલે મોં વાટે લેવા માંડે છે- જેથી પ્રેમરસ વડે પેટ ભરાઈ જાય. માણસાઈ પીગળીને ચૂવા લાગે છે અને આંખો લાલ થઈ જાય છે. મનુષ્યના જીવનમાં આવી પુનિત ક્ષણ ગણીગાંઠી આવે છે. પછી કેટલીક મહિલાઓ ભીડને હડસેલીને શ્રમદાને સામે લઈ આવી. સાંધેલી-ફાટેલી સાડી અને થાકેલી-માંદલી મુખમુદ્રા. હાથમાં હાર હતો ઊતરી ગયેલા છ મહિનાના પંચાંગ જેવી એની પ્રતિમા. કોઈ બીજાની ગોદમાં છ મહિનાની, અંગૂઠો ચૂસતી ઉમા હતી. હું પકડાયો તે પછી દસ દિવસે એનો જન્મ થયો હતો.  ‘ઓળખો છો આને?’કહેતાંકને એ બહેને ઉમાને મારી ગોદમાં મૂકી દીધી. એ મારા કાન ખેંચવા લાગી. સહુ હસી પડ્યા. મારી આંખો પાણી પાણી થઈ ગઈ . પછી શું હોય, ચેપી રોગ માફક સહુની આંખો ભીની થઈ. મનુષ્યની ભાવનાઓ પણ મેઘનાં વાદળાંની જેમ બદલાતી રહે છે. ક્યારેક તડકો ને ક્યારેક છાંયડો.

     એ દિવસોમાં આંદોલન જરા ઢીલું પડ્યું હતું. લગભગ બધા કૉંગ્રેસીઓ જેલમાં હતાં. જે કોઈ ગણ્યાગાંઠ્યા બહાર રહ્યા હતા તે પં. મોતીલાલની આજ્ઞા મુજબ વિલાયતી કાપડની દુકાનો પર પિકેટિંગ કરતાં જેલ જઈ રહ્યા હતા.દહેરાદૂનમાં શર્મદા ત્યાગી ડિરેક્ટર હતી. અને એના પછી ખુરશૈદલાલ( જે પાછળથી દિલ્હી સરકારના ડે. મિનિસ્ટર તેમજ પાકિસ્તાનમાં આપણા હાઈ કમિશનર નિમાયા હતા; પરંતુ તે પછી એમનો તરત જ સ્વર્ગવાસ થયો હતો) ની જેલ જવાનો વારો હતો. એક દિવા ખબર આવી કે એશલી હોલ પાસે પરદેશી કાપડની દુકાનો પર પિકેટિંગ કરનારાઓને પોલીસે બહુ સખત માર માર્યો છે. તરત જ બજારમાં હડતાલ પડી અને શર્મદા તેમ જ ખુરશૈદલાલ એ જગ્યાએ પિકેટિંગ  કરવા પહોંચી  ગયાં. એમનાં આવતાની સાથે હજારોની ભીડ મચી. પોલીસે લાઠીચાર્જ કર્યો. ભંગાણ થઈ ગયું. જેવાં શર્મદા અને ખુરશૈદલાલ ઉપર પોલીસે ડંડા મારવા માંડ્યા કે દુકાનદારોએ એમની દુકાનો બંધ કરી દીધી. પછી અમે બધા કૉંગ્રેસની ઑફિસ પર પહોંચ્યા. ત્યાં ઘાયલોના મલમપટ્ટા થઈ રહ્યા હતા. શર્મદાએ મને ઇશારો કરીને એક તરફ બોલાવ્યો અને ડબડબ થતી આંખો ખોલીને કહ્યું: ‘ક્યાંકથી ટોર્ચ મંગાવો. શંભુ (ડિરેક્ટર બાનુની  છ મહિનાનીનાની બચ્ચીને સાથે લઈને ફરનારો સ્વયંસેવક) એને છોડીને ભાગી ગયો હોય તો પરેડ પર જઈને શોધીએ. ક્યાંક રસ્તા પર ચગદાઈને પડી ના હોય.’બધાં પાછાં આવી ગયાં હતાં. એક શંભુ આવ્યો નહોતો. મને પણ ચિંતા થઈ, છતાં મેં હસીને કહ્યું: ‘જો ઉમા, ખરેખર સડક પર જડશે તો લોકો શું કહેશે? કહેશે કે, ગાંધીની સત્યાગ્રહી સેનાએ એવી બહાદુરી બતાવી કે એસેનાની ડિરેક્ટર સાહિબા પણ પોતાની પુત્રીને મૂકીને નાઠી.’ માની મમતા પણ કેવી કે મારી વાત સાંભળીને શર્મદાનાં ડૂસકાં બંધ થઈ ગયાં. સહુ લોકો ચિંતાતુર બનીને આમતેમ શોધવા નીકળ્યાં. અને અમને બન્નેને સલાહ આપવા લાગ્યાં કે, અમારે એ શથળે જવું નહિ. અને શંભુ એવો નથી કે, ઉમાને મૂકીને ભાગી જાય.

     થોડી વારે એક અંગ્રેજ ઇન્સ્પેક્ટર ઊંઘતી ઉમાને ઊપાડી આશ્રમમાં આવી પહોંચ્યા. એમની જોડે શંભૂ પણ હતો. આવતાવેંત એમણે શંભુનો વાંસો થાબડતાં કહ્યું કે, આ માણસ વિક્ટોરિયા ક્રોસના માનનો હકદાર છે. પરેડ મેદાનમાંથી લાઠીમારના ડરને લીધે હજારો લોકો નાસી છૂટ્યા  ત્યારે આ માણસ હાથે પગે થીને, બરડો ઊંચો ધરીને કોકડું વળીને પડી રહ્યો. પોલીસે એને નાસી જવાની તક આપી, પણ એ ન ભાગ્યો. પોલીસના ત્રણ જવાનો એની પીઠ પર ડંડા લગાવતા હતા ત્યારે અમારા સાહેબે (સુપરિંટેન્ડેન્ટે) એને જોઈને ઠોકર મારીને પૂછ્યું: ‘તું નાસતો કેમ નથી?’એમણે જવાબ દીધો કે, ‘જ્યાં સુધી જીવમાં જીવ છે ત્યાં સુધી નહીં ભાગું ’; દહેરાદૂનની અમાનત મારી પાસે છે.’સાહેબે એને ઊઠાવ્યો તો નીચે ઘાસ પર આ છોકરી અંગૂઠો ચૂસતી હતી. સાહેબે કહ્યુંછે કે આવા સમયે મિસિસ ત્યાગીએ બચ્ચાને સાથે નહિ લાવવું જોઈએ.

     થોડા દિવસ પછી શર્મદા પણ પકડાઈ ગઈ અને શ્રીખુરશૈદલાલ પણ પકડાયા. શર્મદાની સાથે અમ્મારા જિલ્લાની જાણીતી કાર્યકર્તા સ્ત્રીઓ- શ્રીમતી શ્યામાદેવી, કુમારી સરસ્વતી, બેન સરસ્વતી સોની, શ્રીમતી કરતાર દેવી અને શર્મદાની મોટી બેન ભગવતી દેવી પણ પકડાયાં. એમને સૌને છ છ મહિનાની સજા કરીને ફત્તેહગઢની જેલમાં મોકલી આપ્યાં. મહિના પછી મને બિજનૌર જિલ્લાના ગંગાસ્નાનના મેળામાંથી ગિરફતાર કર્યો અન એક વર્ષની સજા કરીને ફૈજાબાદની જેલમાં મોકલ્યો.

     પછી સૌ પોતપોતાની સજાઓ ભોગવીને ઘેર પાછાં ફર્યાં. ગાંધી-ઇરવિન સંધિ થઈ અને બધા જ રાજકીય કેદીઓ છૂટા થયા. ગાંધીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા વિલાયત ગયા. એ અરસામાં ઘઉંના ભાવ એટલા નીચે ઊતરી ગયા કે ખેડૂતોને મહેસૂલ ભરવાની મુશ્કેલી ઊભી થઈ. રૂ.1-14 આનાના મણ ઘઉં વેચાતા હતા. જવાહરલાલ નેહરુ કૉંગ્રેસના પ્રમુખ હતા. મોતીલાલજીનો સ્વર્ગવાસ થયો હતો. યુ.પી. કૉંગ્રેસ કમિટીએ મહેસૂલ નહીં ભરવાનું આંદોલન શરૂ કરી દીધું ને ફરી મારો વારો આવી પહોંચ્યો.

     સાજોસમો કશાક કામ માટે હું બજારમાં જવા નીકળતો હતો ત્યાં પોલીસે ઘેરી લીધો. વોરંટ હતું. કોટવાલ અને સર્કલ ઇન્સ્પેક્ટર ઓળખીતા હતા.મોટરમાં બેસાડ્યો કે તરત જ મેં કહ્યું: ‘બૅરિસ્ટર ચેટરજીને ત્યાંથી નીકળીએ તો કેમ?’એ લોકો ઘણાં બાળબચ્ચાંવાળા હતા. કહેવા લાગ્યા:  ‘બજાર વચ્ચેથી જવામાં હુલ્લડ મચી જવાનો સંભવ છે. અમે પોતે જ બારોબારથી જવા માગીએ છીએ.’અને લિટન રોડ પરથી નીકળ્યા. દરવાજા પર મોટર ઊભી રાખી બૅરિસ્ટર સાહેબને બોલાવ્યા. એમણે નજર પડે તેમ બહાર જોયું ને ભાઈ તો જાણે ચાલ્યા હજ કરવા. એમની આકૃતિ પણ અજબ હતી. આંખોમાં દુ:ખભર્યો પ્રેમરસ અને હોઠ પર ગૌરવભર્યું સ્મિત. બૅરિસ્ટર સાહેબ મોટર પાસે આવ્યા ત્યાં તો પોલીસવાળા આઘે જઈને ઊભા. દહેરાદૂનમાં બધા જ જાણતા હતા કે, બૅરિસ્ટર જે. એમ. ચેટરજી લાલા હરદયાલ જેવા પુરાણા ક્રાંતિકારીઓના સાથી હતા અને રાસબિહારી ઘોષને દહેરાદૂનમાં વસાવનારાઓમાંના એક હતા. મેં કહ્યું: ‘તમે તો જાણો છો કે શર્મદા કેવા સ્વાભિમાનવાળી સ્ત્રી છે. એ કોઈની મદદ તો નહીં લે…’  બસ’. મને આગળ બોલવા ના દીધો. કહ્યું: ‘ફિકર ના કરો. હું બધું જોઈ લઈશ.નમસ્કાર.

     મને જેલમાં પૂર્યો. બે-ચાર દિવસ પછી જેલમાં જ મુકદ્દમો ચાલ્યો.’ઘણા પ્રેક્ષકો અંદર આવ્યા. એમાં સ્ત્રીઓની સંખ્યા પણ મોટી હતી. મૅજિસ્ટ્રેટ અંગ્રેજ હતો. બેરેકમાંથી હાથકડી નાખીને અમને અદાલતવાળા ચોકમાં લાવ્યા. તુરત જ કામકાજ શરૂ થયું.  થોડી વારે શર્મદા પણ ત્યાં આવી પહોંચી. મ્ને જોતંની વાર ઉમાએ શોર મચાવી દીધો: ‘પાપા, પાપા ’અને એની પાછી(એ એની માને પાછી કહીને બોલાવતી હતી) નાં કપડાં ખેંચવા લાગી. એક તો બાગીની ઓલાદ ને તેમાં વળી કેટલાક દિવસથી વિખૂટી પડેલી, એને અદાલતના નિયમોનો શો ખ્યાલ હોય ! તે અઢાર જ મહિનાની હતી. બળજબરીથી માની ગોદમાંથી એ નીચે ઊતરી પડી, ને ઘૂંટણિયે ચાલતી મારા પહેરણને પકડી ઊભી થઈ ગઈ. મારી આંખોમાં આંખો પરોવતાં એણે ચીસો નાખવા માંડી: ‘ગોદી, પાપા, ગોદી.’ મૅજિસ્ટ્રેટપણ તમાશો જોવા લાગ્યા. અને એકઠી થયેલી સ્ત્રીઓએ આંખો લૂછવા  માંડી. મેં અંગ્રેજીમાં કહ્યું: ‘અદાલત એક મિનિટ માટે અપરાધીને એની બચ્ચીને ચૂમવાની રજા આપે. હુકમ થાય તો હું એને ગોદમાં તેડી લઉં.’ આટલું કહેતામાં તો સ્ત્રીઓ ડૂસકાં ભરીભરીને રડવા લાગી. પુરુષોએ પણ રૂમાલ કાઢવા માંડ્યા. મૅજિસ્ટ્રેટે ગદ્ ગદ કંઠે કહ્યું: ‘તમારી વચ્ચે આવવાની ભગવાન પણ હિંમત નહીં કરે.’ બસ. મેં ઉમી બેટીને ઊંચકી લીધી.

     એ છોકરીએ ગોદમાં આવીને એવો તો ખળભળાટ મચાવ્યો કે હું પણ દંગ થઈ ગયો. અહીં ચૂમે, ત્યાં ચૂમે, કાનમાં આંગળી નાખે, વાળ ખેંચે. ગલીપચી કરે. તે બોલી: ‘પાપા, ઘેર ચલો’ કોર્ટને હું કંઈ કહેવા જાઉં તો મારા મોં ઉપર હાથ ધરે. એક તમાશો થઈ ગયો.લોકો હસતા ગયા ને પ્રેમજળ લૂછતા ગયા. કોર્ટનું કામ અટકી પડ્યું. શર્મદાને કહેવામાં આવ્યું કે, એ એની છોકરીને લઈ લે.એણે જવાબ દીધો: ‘એના પાપાને લીધા વિના એ ઘેર નહિ જાય.’સહુ હસી પડ્યા. પછી પોલીસને કહેવામાં આવ્યું,  ‘છોકરીને અલગ કરો.’ ઉમા મને ચોંટી પડી. પણ પોલીસવાળા એ રડતીકકળતી ઉમાને ખેંચીને બહાર લઈ ગયા. મુકદ્દમો જલદી જલદી પૂરો થયો. એક વર્ષની સખત કેદ અને પાંચસો રૂપિયાના દંડની સજા થઈ. બેરેકમાં લઈ જતાં પહેલાં ફરી એક વાર ઉમાને મળવાની મને તક આપી. શર્મદાએ ઘણી ધીરજથી કામ લીધું . કેટલાક દિવસો પછી મને લખનૌની જેલમાં ખસેડ્યો. ત્યાં બીજા ઘણ રાજકીય કેદીઓ હતા. જેલના દરવાજે સખત તપાસ લેવાતી. કોઈ જમાદાર સાથે તિકડમ્ કરીને  (ખાનગી ગોઠવણ) કાગળપત્ર મંગાવે અને પકડાય તો વૉર્ડર ડિસમિસ અને અમારી સજામાં છ મહિનાનો વધારો !

     સને 1921 માં, જ્યારે હું મૈનપુરી કાવતરા કેસના બંદી શ્રીચંદ્રધર જૌહરીની સાથે નૈની(અલ્હાબાદ) ની જેલની કાળકોટડીમાં હતો, ત્યારે તિકડમની (છાનીછૂપી) ચિઠ્ઠીઓ માટે મેં એક નવી લીપિ તૈયાર કરેલી. એના વર્ણાક્ષર લખીને શર્મદાને મોકલાવી આપ્યા. એણે એ તરત શીખી લઈને ખાનગી રીતે એક પત્ર મોકલ્યો. તેમાં લખ્યું હતું:

     બૅરિસ્ટર સાહેબનો પત્ર આવ્યો છે. લખે છે કે પાંચ-છ વર્ષ પહેલાં તમે એમને અઢીસો રૂપિયા આપ્યા હતા. પણ તમે એ વાત કોઈ વાર યાદ કરાવી નથી. ઇન્કમટેક્ષવાળાએ પૂછ્યું ત્યારે એમને યાદ આવ્યું કે ત્યાગી પાસેથી ચેક લીધો હતો. એમણે લખ્યું છે કે ત્યાગીજી પાસેથી રૂપિયા લેવાનો જો મને અધિકાર હોય તો એક આનાની ટિકિટ ચોડી રસીદ મોકલજો. નહિ તો જેલનું સરનામું આપો તો ત્યાં મનીઑર્ડર કરું. મેં રસીદ મોકલીને આભાર માન્યો. તરત અઢીસો રૂપિયા મળી ગયા. બીજે ઠેકાણે   જો રૂપિયા આપી રાખ્યા હોય તો જણાવજો એટલે હું વસૂલ કરી લઈશ.’

     આ કાગળ વાંચીને બૅરિસ્ટર સાહેબનું આખું ચિત્ર સામે ખડું થઈ ગયું. કેટલાયે દિવસો સુધી એની સાથે વતો કરતો રહ્યો. ‘કેવું વિશાળ હ્રદય !’

     જેલમાંથી પાછો ફર્યો ત્યારે શર્મદાને બૅરિસ્ટર સાહેબના કરજની વાત કરી. એને ઘણી શરમ ઉપજી. એણે આગ્રહ કર્યો કે રૂપિયા પાછા વાળો. નહિ તો એમની કે એમનાં પત્ની સાથે વાત કરવા મોઢું ઊંચું કરાશે નહિ. મિત્રોના કહેવાથી વીમાકંપનીની એક એજન્સી લીધી હતી. શહેરના ઘણા માણસોએ વીમો ઉતરાવ્યો હતો. એથી માસિક ચારસો-પાંચસો રૂપિયાની આવક થતી હતી. કમિશનનો પહેલો ચેક મળતાં જ હું બૅરિસ્ટર ચૅટરજી પાસે પહોંચ્યો. એમની સાથે હું હુક્કો પીતો હતો. પીતાં પીતાં મેં કહ્યું: ‘બૅરિસ્ટર સાહેબ, અઢીસો રૂપિયા લાવ્યો છું’ એ બોલ્યા: ‘મેજ ઉપર મૂકી દો ને હુક્કો પાછો આપી દો.’ મેં કહ્યું: ‘એમાં નારાજ થવાની કઈ વાત છે?’ત્યારે એ કહેવા લાગ્યા: ‘તમારો દોષ નથી. મારા સ્વાર્થને માટે તમારી સાથે મૈત્રી કરી હતી. પણ હવે એ વાત જ ન રહી, આપણો સંબંધ બદલાઈ ગયો.’મેં રૂપિયા તો મેજ પર મૂકી દીધા હતા, પણ એમની વાત સાંભળી દ્વિધામાં પડી ગયો. પછી ઠંડો નિસાસો નાખતાં એમણે કહ્યું: ‘તમને તો ખબર છે કે મને મોટી ઉંમરે એક સંતાન થયું છે—ટિંચુ (એમના પુત્રનું લાડલું નામ) જ્યારે એ કૉલેજમાં જવા જેવડો થશે ત્યારે હું જીવતો પણ નહિ હોઉં. મનમાં આશા રાખી હતી કે ત્યાગી છે. ખુરશૈદ છે. એ બંને મળીને એને ભણાવશે. પણ આજે જ જાણ્યું કેતમે તો ઉધાર ચૂકવનારા નાતામાં વિશ્વાસ રાખો છો. મારા મર્યા પછી તમે ટિંચુ માટે શેનો ખર્ચ કરો? તમારા રૂપિયા પાછા વાળે તેવો તો ત્યારે દુનિયામાં રહ્યો પણ નહિ હોય !’હું રૂપિયા પાછા લેવા લાગ્યો ત્યારે એ હસીને કહેવા લાગ્યા: ‘જો શર્મદાની બીકથી રૂપિયા પાછા વાળતા હો તો જુદી વાત થઈ. હમણાં ખુરશૈદલાલને બોલાવીને આનો ફેંસલો કરું છું.’ ખુરશૈદલાલ આવ્યા એટલે બૅરિસ્ટરસાહેબે અઢીસો રૂપિયા બિહારના ધરતીકંપના ફાળામાં જમા કરાવ્યા ને રૂ.125/- ની રસીદ મારા નામ ઉપર અને રૂ.125/-ની રસીદ એમના નામ ઉપર બનાવી આપવાનું કહ્યું. એ રીતે બે મિત્રો વચ્ચે સમજૂતી થઈ ગઈ. ઈશ્વરની કૃપાથી બૅરિસ્ટરસાહેબ હજી જીવે છે, અને એમનો પુત્ર ટિંચુ (અનિલકુમાર ચૅટરજી) એમ.એ. પાસ થઈને દહેરાદૂનમાં સરકારી અધિકારી છે અને એ ઘરનાં બધાં જ પ્રસન્નચિત્ત છે.

————————————————————– ———————————————————————————–

‘મારી ખીર શરુ કરાવી દે’

પાના: 63 થી 71

–મહાવીર ત્યાગી

     સને 1938માં દહેરાદુન જીલ્લાની જમીનોની સરકાર તરફથી તપાસ શરુ થઈ હતી. પહેલાં મેં આવો બંદોબસ્ત થતો જોયો ન હતો. એટલે મારે માટે એ વાત નવી હતી. એમાં આખા જીલ્લાની જમીનનાં માપ લેવાય. પછી દરેક ગામના ખેડુતો અને જમીનદારો ઉપર નોટીસ નીકળે. એમાં જણાવવામાં આવે છે કે, તમારા ખાતામાં અમુક અમુક નંબરો છે. એ જમીન ‘મૌરુસી’(વારસાગત) છે કે ‘શીકમી’(સાંથે), ‘સુફી’(ચોમાસુ) છે કે ‘પીત’ની, એ જમીન ઉપર મહેસુલ કેટલું છે અને કેટલા દીવસથી તમારો કબજો છે તે જણાવો. બધાં જ ગામના ખેડુતોએ વહીવટી ખાતાની કચેરીએ પહોંચી બધી વાતની સચ્ચાઈની ખાતરી કરાવી સહી–અંગુઠા કરવા પડતા.

     ઓચીન્તો મને વીચાર આવ્યો કે લાંચરુશવત અટકાવવી હોય અને સાથે ખેડુતોનેય મદદ કરવી હોય તો આથી વધારે સારો અવસર જીન્દગીભર ફરી નથી મળવાનો. થઈ રહ્યું. મેં ઘોષણા કરી દીધી કે, ગામેગામના ખેડુતો પગે ચાલતા સરઘસ કાઢીને દહેરાદુન આવે અને મારા ‘રૈનબસેરા’ (મારા ઘરનું નામઃ ‘રાતવાસો’)માં મુકામ કરે. ખાવાપીવાની સગવડ પણ ત્યાં હશે અને કાયદાકાનુનની સલાહ પણ ત્યાં મફત મળશે. પછી તો શું ? દીવસમાં કેટલાંય સરઘસો ગીતો ગાતાં અને ‘જય’ પોકારતાં ‘રેનબસેરા’માં આવવાં લાગ્યાં. ગાંધીજીની જય દસ વાર બોલે તો મારી પણ બે વાર બોલે ! રોજ બસોત્રણસો માણસ આવે, વીશ્રામ કરે અને રાતે સૌ ફરીયાદ સંભળાવે. બીજા દીવસના સવારે દસ વાગતાં સુધીમાં તમામ અરજીઓ તૈયાર થઈ જતી. પછી એ કાફલો સરઘસના રુપમાં મારી સાથે કચેરીએ પહોંચતો. હું અને કોન્ગ્રેસના મારા સાથીદારો આખો દીવસ કચેરીમાં ચોંટી રહેતા. ત્રીજો પહોર થાય એટલે લંગર(રસોડું) ખોલવામાં આવતું. બધા માણસો દાળ–ભાત, ચટણી અને છોલ્યાવગરનાં બટાકા–ટામેટાંનું શાક ખાઈને પાછા ચાલ્યા જતા.

     જનસેવાના કામમાં મને એક વીચીત્ર અનુભવ થયો છે. જો કોઈ વ્યક્તી તન્મય થઈને સેવાકાર્યમાં લાગી જાય અને પોતાને લુંટાઈ જવા દે તો લોકો એને લુંટાવા દેતા નથી. એના પર લટ્ટુ થઈ જાય છે. માત્ર આઠ દીવસ મારા દાળ–ચોખા ખાધા પછી ખેડુતોમાં એવી હવા ફેલાઈ ગઈ કે જે આવે તે તેની સાથે લોટ, દાળ કે ચોખાની પોટલી બાંધતો આવે. કોઈ કોઈ વાર તો ગુણની ગુણ ભરીને લેતા આવે. શી વાત ! સીધું ભરપુર મળી રહેતું. એમાંથી એકલું ખાવાનું જ નહીં; પેલા મુનશીઓનો પગાર અને વકીલોની ફી પણ નીકળી જતાં. આ કામ છ મહીના સુધી રોજ ચાલ્યું.

     જ્યારે કોઈને કામ ઘણું રહેતું હોય ને એ સમયે એની પત્ની મરી જાય ત્યારે એણે, સતત રમુજ કરતા રહેવાની પોતાની ભુખ પણ, એણે પોતે ઉપાડેલા કામ કરતાં કરતાં જ સંતોષવી પડે છે. જ્યારે કોઈ ખેડુત પોતાની વાત કહેવા મારી સામે ઉભો રહેતો ત્યારે હું એને કહેતો, ‘પહેલાં નક્કી કરો કે તમારું કામ થઈ જાય ત્યારે મને થાળી ભરીને ખીર ખવડાવશો ?’ આખી સભા હસી ઉઠતી. એ જવાબ આપે, ‘ખીર તમનેયે ખરી ને તમારા કુતરાનેય ખરી.’ જો કોઈ ખીરની વાત ભુલી જાય તો હું એને ધમકાવતો –‘તમારી વાત તો કહેતા જાઓ છો, ને મારી વાત તો ભુલી જવાની, એમ ને ? માળા, કંજુસ !’ બધા લોકો એકબીજા તરફ આંખ મારતા ને હસતા. આ રીતે મારી પાસે કંઈ નહીં તોયે હજાર ખીરની થાળીઓનાં વચન પડેલાં છે. આખી જીન્દગી સુધી ખાઉં તોય ખુટે તેમ નથી. અને હવે તો રાજકીય વારસાનો રીવાજ પડ્યો છે એટલે મારા પછી મારા છોકરાંને ખીર ખાવાનો હક રહેવાનો. આ ખીરવાળા મારા સાથી ખેડુતો જ મને મત આપીને પાર્લામેન્ટમાં મોકલે છે.

     જમીનોનું કામ પુરું થયું એટલે વ્યક્તીગત સત્યાગ્રહ કરવાનો આવ્યો, એમાં જેલની સજા થઈ. એકાદ વરસ પછી છુટ્યો કે પાછો જેલમાં ગયો. આ અમારો છેલ્લો જેલવાસ હતો. બે વરસ પછી પાછો ફર્યો ત્યારે ‘રેન બસેરા’માં ભાડુતો રહેતા હતા. માત્ર મોટરનું ગૅરેજ અને ઘાસ ભરવાની ઓરડી ખાલી હતી. આવડું મોટું ઘર અને હું તો એકલો. સામાન ઘાસમાં મુકાવી હું આમથી તેમ ફરવા લાગ્યો. મન જ્યારે વર્તમાનને ભુલીને ભુતકાળના કોઈ પ્રસંગમાં અથવા ભવીષ્યના કોઈ સ્વપ્ન કે કલ્પનામાં ડુબી જાય છે ત્યારે આ શરીર પણ મનની આજ્ઞા લીધા વગર શાસનમુક્ત થઈને જુના સ્વભાવ ને ટેવ અનુસાર કામ કરવા માંડે છે.

     સામે કાંટાળા તારની વાડ હતી. તેમાં થઈને હું પેલી પાર પહોંચ્યો. અંદર ફુલવાડી બનાવી હતી. એક બાજું જંગલી ગુલાબનું ઝુંડ હતું ત્યાં પહોંચ્યો. એના પર નાનાં નાનાં ગુલાબો ભરચક ખીલ્યાં હતાં. ફુલોની વેરાયેલી પાંખડીઓ એમની અનાથ અવસ્થા જણાવતી હતી. એમાંથી એક ફુલ તોડીને મેં સુઘ્યું તો શર્મદાના અંબોડાની મહેક આવી ગઈ. જ્યારે શર્મદા યુ.પી. સેમ્બલીની મૅમ્બર હતી ત્યારે તેણે આ ગુલાબની કલમ ગવર્નરની મડમ પાસથી આણી હતી. કહેવાય છે કે એ ગુલાબને વીલાયતના કોઈ પ્રદર્શનમાં ઈનામ મળ્યું હતું. અસલમાં આ શર્મદાએ વાવેલો છોડ હતો. એ વધ્યો તેમ તેમ અમે પતીપત્ની એની નવી કુંપળો, પાંદડાં અને કળીઓ જોયા કરતાં હતાં. શર્મદા એનાં ફુલો પોતાના અંબોડામાં નાખતી હતી. મારા પગને આ તરફ આવવાની ટેવ પડેલી તે અહીં લઈ આવ્યા. એક ફુલ સુંઘતાં જ એવું લાગ્યું કે આ ફુલમાં કોઈનો આત્મા વસેલો છે. અને એકદમ મારા આખા શરીરમાં જાણે વીજળી દોડી ગઈ. હું લાગલો જ ઉર્દુનો શેર બોલી ગયો. એનો અર્થ મારા સીવાય બીજો કોઈ સમજી શકવાનો નથી.

અપને ચમનમેં ઘુમતા હું મીસ્લે અજનબી,

હૈ શાખો શજર સબ વહીં પર આશયાં નહીં.

     દુનીયામાં ધીરજ પણ એક એવી ચીજ છે, જેનો સહારો લઈને સંસારમાં જેમને દુઃખ પડ્યાં હોય તે બધાં એમનાં દુખી દીલને દીલાસો આપે છે. આમ તો આંસુઓથી જીવની જ્વાળા હોલવાતી નથી; છતાંયે જરાક ઠંડક તો મળે છે. એ વખતે જે જે વાતોથી બીજાનું દીલ દુભવ્યું હોય તે તે યાદ આવે છે. પણ પંખી ઉડી ગયા પછી પશ્ચાત્તાપ કર્યો તોયે શું ! મરેલાં પાછાં આવી શકે એ સંભવીત હોત તો દુનીયાનો રંગ જ જુદો હોત.

     પત્નીવાળાઓને મારી સલાહ છે કે જે કરવું હોય તે કરે; પણ રાતે પત્ની દુધનો પ્યાલો આપે તો એને પથ્થર પર પછાડશો નહીં. એમ ન કહેશો કે તેં નથી પીધું તો હું પણ નહીં પીઉં. જો વળી પત્ની મરી ગઈ તો એના દીલનો ડાઘ પેલા પ્યાલા પર મુકતી જશે. એ પ્યાલાને પછી નથી ફેંકી દેવાતો કે નથી એમાં દુધ પીવાતું મારા બધા જ પ્યાલાંઓ ઉપર એવી મહોબતના ડાઘ છે.

     હું બહારની ઓરડીમાં રહેવા લાગ્યો. એમાં સુવા માટે એક ખાટલો, એમાં જ મારી ફીસનું ટેબલ, એમાં જ રેડીયો અને એમાં જ ચાનાં વાસણ. અહીં જ કલેક્ટર ને કમીશ્નર ને ગ્રામનીવાસીઓ આવતા હતા અને ખાટલા પર બેસી વાતો કરતા.

     એક દીવસ દેહરાદુનથી વીસેક ગાઉ દુર ઢકરાની ગામના બે મુસલમાનો મારી ઓરડી તરફ આવતા હતા. સામે ચક પડ્યો હતો તે જોઈને અટકી ગયા. મેં અંદરથી એમને ઓળખી લીધા અને મોટેથી કહ્યું, ‘‘આવો મખમુલ્લા, અંદર ચાલ્યા આવો.’’ એમણે એકબીજા તરફ જોયું ને જરી વારમાં મખમુલ્લાની આંખમાંથી આંસુની ધારા ઢળતી ઢળતી દાઢીમાંથી ચુવા લાગી. મને થયું કે એમને ઘરે કશીક દુઃખદ ઘટના ઘટી હોવી જોઈએ. જેમને કોઈ કષ્ટ આવી પડતું તે મારે ઘરે આવી મન હળવું કરી લેતા. મખમુલ્લાને રોતા જોઈ ચકનો પડદો ઉઠાવી હું બહાર આવ્યો અને એમના ખભે હાથ મુકી મેં પ્રેમથી પુછ્યું, ‘કહો શી વાત છે ? ઘરે બધા ખુશીમઝામાં છે ?’ આંસુ લુછી એણે જરા હસીને કહ્યું, ‘કોઈ ખાસ વાત નથી. તેં મારું નામ લઈને મને બોલાવ્યો તેથી મને રડવું આવી ગયું.’ અંદર આવી મખમુલ્લા અને તેના ભાઈ બન્ને પગ સાફ કરી ખાટલા ઉપર બેઠા. હું સામે ખુરસી ઉપર બેઠો હતો. મેજ ઉપર વીસ કે પચીસ રુપીયા મુકી મખમુલ્લાએ કહ્યું, ‘જેલમાંથી છુટીને તું આવ્યો છે, કોણ જાણે તારી પાસે ખાવાનુંય હશે કે નહીં.’ જમીનની આકારણી થઈ તે દીવસોમાં ખેડુતો વીવીધ પ્રકારની ચીજો મને ભેટ આપતા હતા. એક વખત ગામના એક માણસે નશો કરેલો, તેની ગંધ મને આઘેથી આવતી હતી. એણે ભરી સભામાં કાચા દારુનો શીશો મારા હાથમાં ઠસાવી દીધો અને કહ્યું, ‘ગાંધી માર્કાની છે. થોડી થોડી પીજે.’ મેં મખમુલ્લાના રુપીયા રાખી લીધા અને પુછ્યું, ‘ઘરે બધા મઝામાં છે ?’ એણે કહ્યું, ‘ખુદાની મહેર છે. બધા મોજ કરે છે અને તને દુઆ દે છે. આકારણી થઈ ત્યારે તેં મહેસુલ ઓછું કરાવી આપ્યું હતું. તું તો જેલમાં જતો રહ્યો. એ પછી પરવર દીગારની એવી બરકત થઈ કે બસ પુછો જ નહીં. એક તરફ જર્મન લોકોની લડાઈ શરુ થઈ અને બાસમતીના ભાવ પીસ્તાળીસ રુપીયા સુધી ચડી ગયા. મજુરોએ મજુરીનો રોજનો સવા રુપીયો કરી દીધો. બસ, મેં, મારા છોકરા, છોકરાની વહુઓ અને છોકરીઓના જમાઈઓ એ બધાંને કામમાં જોડી દીધાં. ખેતરોમાં બાસમતી ચોખા રોપી દીધા. એક જ ફસલમાં મારું કરજ પણ ઉતરી ગયું અને બે ભેંસ પણ ખરીદી લાવ્યો. બેચાર દીવસ તો બળી ખાધી. પછી જ્યારે દુધ ફાટવાનું બંધ થયું ત્યારે છોકરાની વહુએ ખીર બનાવી. થાળીમાંથી બે કોળીયા ખાધા હશે ને અચાનક મને તું સાંભર્યો. યા અલ્લા ! જેણે ખીર ખવરાવી તે તો જેલમાં પડ્યો છે અને તું ખીર ખાય છે ? બસ, ત્રીજો કોળીયો મોંમાં ના પેઠો. તે દી’ની ઘડી ને આજનો દી’ – ત્રણ વરસ થઈ ગયાં. તારા ખેદમાં મારે ઘેર ખીર નથી બની. હવે તું ચાલ, મારી ખીર શરુ કરાવી દે.’

     મખમુલ્લાની વાત યાદ કરીને મને આજે પણ એમ લાગે છે કે જનસેવાનું આથી ઉંચું પ્રમાણપત્ર મને આજ સુધી મળ્યું નથી ને હવે પછી મળશે પણ નહીં. ખરો ‘ગાંધી માર્કો’ તો આ હતો. એના નશાના અમે બંધાણી હતા. હવે તો મોસમ બદલાઈ ગઈ છે. સેવા અને શાસન બન્ને નશા એક સાથે નથી કરી શકાતા. જો સેવા મુખ્ય હોય તો શાસન પણ સારી રીતે  ચાલે; પણ જ્યારે શાસન ઉંચે અને સેવા નીચે– એવું થઈ જાય છે ત્યારે દેશની સલામતી નથી. આ ચોપડી છપાય તે પહેલાં મારા મીત્ર મખમુલ્લાનો ફોટો લેવા હું ઢકરાની ગયો હતો. પણ તેમનો તો દેહાંત થઈ ગયો હતો. ઈશ્વર એમના આત્માને શાંતી આપે.

–મહાવીર ત્યાગી

અને છેલ્લે…(પ્રસ્તાવનામાંથી)

     પં મોતીલાલ નેહરુને પોતાને હાથે શાકભાજી બનાવવાનો ને કડક ચા તૈયાર કરવાનો ભારે શોખ હતો. સને 1921ની વાત છે. લખનૌ જેલની દીવાની બૅરેકમાં અમને રાખવામાં આવ્યા હતા. ત્યારે એમનાં શાકભાજી હું સુધારી આપતો હતો. એક વાર એમણે બટાકાની સુકી ભાજી બનાવી હતી. હું કોઈ બીજી બૅરેકમાં ગપ્પાં હાંકવા ચાલ્યો ગયો હતો. પાછા આવીને મેં પુછ્યું, ‘ભાજી ઠંડી પડી ગઈ છે, ભાઈજી, તમે કેમ ખાધી નહીં ?’ એમણે કહ્યું, ‘કેવા  ઉમંગથી બનાવ્યું છે ! પણ તું જતો રહ્યો તડાકા હાંકવા. હું શું એકલો એકલો ખાઉં ?’ સુખની ખરી મઝા તો સહીયારી રીતે માણવામાં છે. આ જ નીયમ દુઃખને પણ લાગુ પડે છે. હસવા માટે કોઈ સાથીદારની જરુર પડે છે; તેમ રડવાનું પણ પોતાના ગણાય એવા માણસોની વચમાં હોય તો જ ફાવે.

     આજકાલ સંસાર વ્યાપારપ્રીય થતો જાય છે. આથી પ્રેમ પણ એક ધંધાદારી  વસ્તુ બની ગઈ છે. બધું જોઈ વીચારીને જ પ્રેમ કરવામાં આવે છે; અને ઘીમાં લોકો જેમ ડાલ્ડા ભેળવે છે તેમ પ્રેમમાં ખુશામત ભેળવે છે. પોતે તો કોઈના પર પ્રેમ કરતા નથી; છતાં બીજા એમના પર આશક થઈ જાય એમ ઈચ્છે છે.

————————————————————–

વિશે

I am young man of 77+ years

Posted in આઝાદીની લડાઈ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 286,534 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
વધુ વંચાતા લેખો
તારીખીયું
સપ્ટેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: