ગોપીગીતશ્લોક:13/સુરેશ દલાલ

 radhakrishna

ગોપીગીત/સુરેશ દલાલ
શ્લોક:13

પ્રણતકામદં પદ્મજાર્ચિતં ધરણિમંડનં ધ્યેયમાપિદ
ચરણપંકજં શંતમં ચ તે રમણ નઃ સ્તેનષ્વર્પયાધિહ ન્
જે તમારા ચરણે આવેછે અને તમારું શરણ લેછે એની તમામ કામનાઓ, ઇચ્છાઓ, અભિલાષાઓ તમે પૂર્ણ કરો છો.સ્વયં લક્ષ્મીપણ તમારી સેવા કરેછે,તમારા ચરણ પૃથ્વીનો શણગાર છે,આપત્તિના સમયમાં તમારાં ચરણકમળનું જ ચિંતન (સેવન) કરવું જોઇએ,જેથી મનની આધિ, વ્યાધિ, ઉપાધિ શમી જાય,રમણા કરવી એ તમારો સ્વભાવ છે.એટલે ગોપી ,પ્રિયતમનું ‘હે રમણ’ એ નામે સંબોધન કરે છે ,અમારી વ્યથાનો દાવાનળ હૃદયમાં છે.તમે અમારાં સ્તન પર , અમારા વક્ષ પર તમારા ચરણ મૂકીને અમને શાંત કરો.
તમારાં કમલ ચરણ પર દૃષ્ટિ

ગોપી યોગિની નથી,વિયોગિની છે. વૃજમાં કૃષ્ણ હતા ત્યારે પણએ સવારના નીકળી પડતા.અને સાંજે માંડ પાછા વળતા.ગોપીનાં દિવસ અને રાત કેમે કરીને જતાં નથી.પળપળની વાટ વિકટ એટલા માટે લાગે છે કે શ્યામ નિકટ નથી.વૃજ છોડે પછી કદંબનાં વૃક્ષો તો અડીખમ ઊભાં છે,યમુનાનાં જળ પણ વહી શકેછે.પ્રકૃત્તિમાં જીરવવાની શક્તિ છે. ગોપીનું હૃદય તો ખાલી ગાગરની જેમ ઝૂર્યા કરેછે.કાંઠાઓ નિષ્કામ થઇને ઊભાછે. અંધકારને ઓઢી લઇને ફૂલ અને પાનની પાંપણ પોઢેછે,પણ ગોપીની આંખ નીંદવિહોણી છે.જીભ અને જીવમાં એક જ જાપ ચાલ્યા કરેછે અને તે શ્યામનો. કોઇને પણ થાય કે વારેવારે નયનકમળ, વદનકમળ,ચરણકમળ—આ રૂપક જ કેમ ઘૂંટાયા કરે છે.એક તો એ કોમળતાનો નિર્દેશ કરેછે,અલિપ્તતાનો નિર્દેશ અને કહેવાય છે કે કમળ એ ઉન્નત અને ઉર્ધ્વ ચૈતન્યનું પ્રતિક છે. શ્લોકમાં કેટલા શબ્દો એકથી વિશેષ અર્થમાં વપરાયા છે. દાખલા તરીકે ‘કામદ’ આનો એક અર્થ થાય એ કામ દેનારો છે,કામનો જગાડનારો છે, વિહવળ અને વ્યાકુળ કરનારો છે .તો બીજો અર્થ એ પણ થાય કે એ કામને શાંત કરનારો છે,કામનાઓને પૂર્ણ કરીને એ શાંત કરે છે. કૃષ્ણના પગનાં તળિયામાં તો કેવાં કેવાં શુભ સંકેતશીલ નિશાનો હશે. લક્ષ્મી પોતે એની પૂજા અર્ચના કરેછે. એના ચરણ ધરતી પર પડે છે,કેટ્લી બધી સૌભાગ્યશાળી આ પૃથ્વી હશે. અને એની સરખામણીમાં કેટલી બધી અભાગી આ ગોપીઓ છે.કૃષ્ણ ખુલ્લા પગે પૃથ્વી પર ચાલે છે,પૃથ્વીને પાવન કરે છે ,જાણે કૃષ્ણના પગ ના સ્પર્શથી જ રોમાંચિત થઇને પૃથ્વીમાંથી લીલુંછમ ઘાસ ન પ્રગટતું હોય! ગોપીઓને તો આવા રોમાંચનું પણસદભાગ્ય નથી અને એટલું જ કહેછે કે તમે તમારાં ચરણક્મળ અમારાં સ્તન પર મૂકો. અમારું હૃદય તમારી ધરતી છે. અમે સહનશીલતામાં કે સૌભાગ્યમાં પૃથ્વીથી કમ નથી.તમે શ્યામ હો કે ઘનશ્યામ હો, તમારે જેટલો નાતો પૃથ્વી સાથે છે એનાથી વિશેષ અમારી સાથે છે.એક ક્ષણ સ્વીકારી પણ લઇએ કે પૃથ્વી તમારી અનેક ગોપીઓમાંની એક ગોપી છે,અમને વાંધો નથી. પૃથ્વી ગમે તેટલી વ્હાલી હોય, પણ રાધા કરતાં વિશેષ પ્રિય તો ન જ હોય. કારણકે રાધા-ગોપી શ્રેષ્ઠ છે. મારો ને તારો નાતો સ્વયં સ્પષ્ટ છે.
રાધા દેખે કૃષ્ણકો,કૃષ્ણ રાધાકી ઓર
કિસકો કહૂં મેં ચંદ્રમા, કિસકો કહૂં ચકોર
મેરે પ્યારે મોહના, મો મન ગયો સમાય
તેરા મુખ દેખે બિના,મોહે કછુ ના સુહાય
મો મનમાં મોહન બસ્યો ,છટા રહી હૈ સમાય
જ્યોં મહેંદીકે પાનમેં ,લાલી લિખી ન જાય

ચરણની વાત એટલા માટે પણ છે કે જ્યાંસુધી માણસ પોતાનો અહમ્ ઇશ્વરને ચરણે ન મૂકે ત્યાંસુધી એને કશું પ્રાપ્ત ન થાય.એટલે કે ઇશ્વરથી વંચિત રહે, આપત્તિથી ઘેરાયેલો રહે.પ્રત્યેકના આપત્તિ અને સંપત્તિનાખ્યાલો જુદા હોય છે.ગોપી માટે તો કૃષ્ણનું અદર્શન એ આપત્તિ.કૃષ્ણનું દર્શન તે સંપત્તિ. જ્વાલાપ્રસાદ કનોરિયાનું એક વાક્ય છેઃ
રોગ ઔર ક્લેશકી ચિંતા મત કીજિએ. I
ચિંતામણિ ભગવાનકી ચિંતા કીજિએ,
જિસકી ચિંતાસે સબ ચિંતાએ નષ્ટ હો જાએગી I

આપણા કવિ હસમુખ પાઠકે ચિંતામણિ શબ્દ સરસ રીતે સમજાવ્યો છે.
“ ચિંતા એટલે ચિંતન,મણિ એટલે પ્રકાશક.જેનું ચિંતન થાયછે, જેનાથી ચિંતવાય છે તેનો પ્રકાશ પાથરનાર તે ચિંતામણિ”
આ અંધકારની રાત, આ વિરહની રાત એ તો કૃષ્ણના નામસ્મરણના ચિંતામણિથી જ દૂર થાય.અહંકારની સમાપ્તિ પછીનું નામસ્મરણ—એટલે કે પોતાના હોવાપણાનું વિસ્મરણ ,એ સાચી ભક્તિ, મહાભારત્માં એક જાણીતો પ્રસંગ છે.અંતર્યામી કૃષ્ણને ખબર પડે છે કે યુધ્ધ પહેલાં દુર્યોધન અને અર્જુન મળવા આવવાના છે.કૃષ્ણ જાણી જોઇને પોઢી જાયછે,દુર્યોધન પહેલો આવે છે,એ આવીને ઓશીકે ટેકવેલા કૃષ્ણના મસ્તક પાસે બેસે છે પછી અર્જુન આવે છે.અર્જુન કૃષ્ણના ચરણ પાસે બેસેછે. કૃષ્ણજાગેછે,એની પ્રથમ દૃષ્ટિ અર્જુન પર પડે છે.દુર્યોધન અને અર્જુન બંને કૃષ્ણ ની મદદ લેવા આવ્યા છે. કૃષ્ણ દુર્યોધનને –કૌરવોને સેના આપેછે. અને પાંડવોને એટલે કે અર્જુનને પોતાનો સાથ અને સંગાથ આપેછે.કોઇને પણ તમારા કરવા હોય તો પહેલાં તમારે એના થવું જોઇએ. એના થવું એનો અર્થ એટલો કે ઇશ્વરને બધું જ અર્પણ કરી દેવું જોઇએ તમારી પાસે જે કંઇ હોય એ બધું છોડવાની તત્પરતા અને તૈયારી હોવી જોઇએ. એટલું જ નહીં પણ મનથી બધું છોડી દેવું જોઇએ.જે માણસ છોડ્યા પછી પણ પોતે મેં આ બધું છોડ્યું એવી વાત કરે કે એને યાદ રાખે એનો અર્થ એટલો કે એનાથી છૂટતાં છૂટી ગયું છે પણ મનમાં તો જે છોડયું એનું વળગણ છે. સ્થૂળ અહંકાર તો દેખાય પણ ખરો.પણ સૂક્ષ્મ અહંકાર દેખાતો નથી પણ ક્યાંક ને ક્યાંક માણસને પોતાને ખબર ન પડે એમ લપાયેલો છે. જો કૃષ્ણ કાતિલ ઝેરના નિવાસ જેવી નાગની ફણા પર પોતાનો પગ મૂકી શકે તો હૃદયના અમૃતકુંભ જેવાં સ્તન ઉપર કૃષ્ણચરણ શા માતે નહીં? એવી ગોપીની હૃદયની દલીલ છે. એકવાર આ ચરણકમળનો સ્પર્શ થાય તો માત્ર નિતાંત શાતાની અનુભૂતિ થાય.

તારા કમલ-ચરણ પર દૃષ્ટિ
ચરણ-કમળને નયન-કમલની અનુપમ સુંદર દૃષ્ટિ
સાવ બહટકતા ભમરાઓનું ગુંજન થઇ ગયું ચૂપ
પાંદડીએ પાંદડીએ પ્રગટે તારું શાંત સ્વરૂપ.
હવે કોઇ નહીં વ્યક્તિઃ કેવળ તું હિ મારી સમષ્ટિ
રાતે છોને ચંદ્ર હવામાં મંદ મંદ ગીત ગાતો
સૂરજમુખીને સૂરજ સાથે હોય સદાનો નાતો.
સીમાઓની પાર ઝરે છે ઝલમલ ઝલમલ વૃષ્ટિ

 

વિશે

I am young man of 77+ years

Posted in ગોપીગીત

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 682,344 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

અન્ય 281 અનુયાયીઓ સાથે જોડાઓ
તારીખીયું
ઓગસ્ટ 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: