ઈશ્વર એવ શરણમ્– [દિલની વાતો-1/રસિક ઝવેરી

di_ni_vato(1)ઈશ્વર એવ શરણમ્–  [દિલની વાતો-1/રસિક ઝવેરી

/નવભારત/પાના: 48થી 51]

 

            ઈશ્વર છે? ઈશ્વર નથી? આ બે પ્રશ્નો સનાતન કાળથી એકબીજા સાથે અથડાતા રહ્યા છે. ગાંધીજીને ઈશ્વરમાં અપાર આસ્થા હતી. અંત સમયે, ‘હે રામ ! ’કહી ઢળી પડ્યા ત્યાં સુધી પ્રાર્થનાનો મહિમા એમણે ગાયો. ઈશ્વરના અસ્તિત્વ વિશે કોઈ ચર્ચા કરે ત્યારે તેઓ કહેતા, ‘એ વિતંડાવાદનો નહિ, શ્રદ્ધાનો વિષય છે.’કહેનારા કહી શકે, કે આ દલીલ પાંગળી છે.વરસો પહેલાં ઈશ્વરના અસ્તિત્વની વાતો મેંયે વગોવી છે. પણ ઉત્તર પ્રદેશમાં દસબાર વરસ ગાળ્યાં ત્યારે હિમાલયના પહાડીની રખડપટ્ટીમાં નિસર્ગની લીલા જોવાનો અનુપમ અવસર મળ્યો. બરફથી આચ્છાદિત હિમશિખરો, અપરંપાર રંગોની સજાવટવાળાં ફૂલોથી ભરીભરી વનશ્રીની શોભા, નિર્મળ જળનાં વહેતાં ઝરણાંઓ, ભોળાં પહાડી નરનારી… આ બધાંમાંથી ઈશ્વર પ્રત્યેની એક નિરાળી આસ્થા અંતરમાં સાકાર લેવા લાગી.

            એ અરસામાં અયાચક વ્રતધારી પંડિત ભેરદત્તજી સાથે સમાગમ થયો. એમણે જીવનની એક પાયાની વાત ખૂબ સરળ રીતે સમજાવીને કહ્યું, ‘જે માનવી ફક્ત પોતાની જાતની, પોતાની આવતી કાલની ફિકરમાં રચ્યોપચ્યો રહે છે, એ ઈશ્વર પ્રત્યે એક પ્રકારની અશ્રદ્ધા સેવે છે, આવતીકાલની ફિકર રાખવાનું જે ઈશ્વરને સોંપી દે છે એની જવાબદારી લીધા વિના ઈશ્વરનો છૂટકો નથી.’ આ વાત વ્યવહારુ છે કે નહિ, વાસ્તવિક છે કે નહિ એ ચર્ચાનો વિષય છે; પણ એ વાત અંતરમાં વસી ગઈ, એ દિવસથી ભાવિનો ભય ઓછેવત્તે અંશે મનમાંથી ખંખેરી નાખ્યો.

                   સંજોગોવશાત્ 1942 થી 1944(આજથી અંદાજે 70 વર્ષ પહેલાં) સુધીમાં કૌટુંબિક માંદગી પાછળ હજારો રૂપિયા વેડફાઈ ગયા. વેપાર સમેટીને મારે નોકરી કરવા વારો આવ્યો. જીવનનાં એ વરસો કપરી આર્થિક ભીંસનાં હતાં. કટોકટી અને કસોટીનાં હતાં. ઓળખાણ—પિછાણ પાર વિનાની હું નવાં નવાં કામ શોધવા મોટી મોટી પેઢીઓમાં જાઉં, કપડાં-લતાનો ઠાઠ બાદશાહી, પણ ખીસામાં પાંચ પૈસાનાંયે ફાંફાં હોય. જ્યાં જાઉં ત્યાં મિત્રો મને પ્રેમથી આવકારે, ચાપાણી મંગાવે. મારું સ્વાગત કરે, કોઈને મારી આંતરિક સ્થિતિનો કે ખરી મુસીબતોનો ખ્યાલ સુદ્ધાં ના આવે.એ વખતે મને થતું , ‘અરે, આ ભલા માણસો મારી ખાતર-બરદાસ્ત પાછળ પટ દઈને રૂપિયો રોકડો ખરચી નાખે છે, એના કરતાં એ જ એક રૂપિયો મને રોકડો આપી દે તો કેવું સારું ! ’ અને છતાં, મારા અંતરમાં ઊંડે ઊંડે વિશ્વાસ ભર્યો પડ્યો હતો કે આ દિવસો પણ વહી જશે. ઈશ્વર પ્રત્યે અપાર આસ્થા રાખી હું ઊંચે આવવાના પ્રયત્નો કરી રહ્યો હતો.

            એ દરમ્યાન મારી દીકરી ભાનુ બીમાર પડી. માંદગી ખૂબ લંબાઈ. પરિસ્થિતિ એવી કે ડૉક્ટરનું બિલ ભરવાના પૈસા ખીસામાં ના હોય. આ ઉપરાંત નવી મોંઘીદાટ દવાઓ લાવવા માટે રોકડ નાણું જોઈએ. એ સમયે એક દિવસ ઈશ્વર પ્રત્યેની મારી આસ્થા ડગી ગઈ. સવારે સંધ્યા-ગાયત્રી કરતાં કરતાં મારા અંતરમાંથી હાયકારો નીકળી ગયો. ઈશ્વર જેવી જે કોઈ શક્તિમાં મને શ્રદ્ધા હતી એને પોકારીને મેં કહ્યું, ‘અરે, ભલા ભગવાન ! તારે જે રીતે, જેટલી કસોટી કરવી હોય તેટલી કર. અજમાવી લે તારીયે તાકાત ! તું નક્કી કરે એ રીતે આપણી લેણદેણનો હિસાબ સમજી લઈએ. પણ મારાં બાળકોની સારવાર માટેનાં સાધનો પણ મારી પાસે ના હોય એટલી હદ સુધીની લાચારી મારે ભોગવવાની હોય, તો જે શ્રદ્ધાથી મારી ફિકર તારે માથે ઓળવીને બેઠો છું, એ એળે જવાની, જીવનશ્રદ્ધાના એ બળે હું ટકી રહ્યો, એ બધું શું ખોટું હતું? તારા પરત્વેની શ્રદ્ધા એ મારો ભ્રમ માત્ર હતો ?’ આવી અનેક વાતો જેને અંતર્યામી માનતો હતો એની સાથે મેં કરી. એને મનોમન ગાળોયે દઈ દીધી. એ વખતે મારી તાત્કાલિક જરૂરિયાત ત્રણેક હજાર રૂપિયાની હતી, અને ક્યાંયથી ત્રીસ રૂપિયાની જોગવાઈ કરી શકું એવા મારા સંજોગ નહોતા.

            કપડાં પહેરી, ચોપાટી પર મારા નિવાસસ્થાનેથી હું ડૉક્ટરને ત્યાં જવા નીકળ્યો. ગલીના નાકા ઉપર પહોંચું ત્યાં તો ટેકસી ઊભી રાખી, એમાંથી એક અપટુડેટ સૂટમાં સજ્જ પ્રતિભાસંપન્ન માણસ ઊતર્યો. મારી તરફ આવી મને રોકીને કહે: ‘અરે રસિકભાઈ શેઠ ! આપને શોધવા માટે છેલ્લા પંદર દિવસથી આકાશપાતાળ એક કર્યાં ! નવી હનુમાન ગલીમાં અને ઝવેરી બજારમાં શોધખોળ કરી, પણ બધેથી એક જ ભાળ મળી કે તમે વરસોથી બહારગામ રહો છો. અને આજે, અચાનક, અહીં બહાર મોકાસર તમારો ભેટો થઈ ગયો !’

            હું એ વ્યક્તિના મોં સામે તાકી રહ્યો. મને જરાયે ઓળખાણ પડી નહિ. પણ એ તો જૂનો અને જાણીતો મિત્ર હોય એવી આત્મીયતાથી વાત કરી રહ્યો હતો, મારા મનની મૂંઝવણ પારખી ગયો હોય એમ એ બોલ્યો, ‘ઓળખાણ પડી લાગતી નથી ! હું મોહન ! આજથી પંદર વરસ પહેલાં ઝવેરી બજારમાં તમારી પાસેથી રૂપિયા બારસોનો માલ જાંગડ લઈને નાસી ગયેલો એ જ મોહન લલ્લુભાઈ પટેલ, પડી ઓળખાણ ?’

            અને કાટ સાફ થતાં લોઢું ચમકી ઊઠે એમ, મારા મનમાં એ મોહનલાલની જૂની છબિ ઊપસી આવી. ઢંગધડા વિનાનો, લઘરવઘર વેશ લઈને બજારમાં એ ફર્યા કરતો. પરચૂરણ દલાલીનું કામ કરવાનાં ફાંફાં મારતો, કોઈ એનો ભરોસો નહોતું કરતું ત્યારે મેં એને માલ જાંગડ આપ્યો હતો. એ વખતે હજાર પંદરસોની મને વિસાત નહોતી, પણ એ મને છેતરી ગયો એ વાતનો વસવસો મનમાં રહી ગયેલો. એ મોહન પટેલ આમ, આવા ઠાઠમાઠથી અચાનક સામે આવીને ઊભો રહે ત્યારે ઓળખાણ ન પડે એ સ્વાભાવિક હતું.

            મારે ખભે હાથ મૂકી એ બોલ્યો, ‘આજે હવે મારી પાસે માફી માગવાનો કે વિગતે વાત કરવાનો સમય નથી, ભાઈ ! હું તો તમારો માલ વટાવી આફ્રિકા ઊપડી ગયો હતો, તે છેક આજે સોળ વરસે દેશમાં આવ્યો છું. મારી સ્ટીમર હવે બે કલાકમાં ઊપડવાની છે. મારે અહીંથી સીધા બંદર પર જવાનું છે. જતાં પહેલાં બાબુલનાથનાં દર્શન કરવા આવ્યો હતો, ત્યાં ભગવાને જ તમારો ભેટો કરાવી દીધો.’

            પછી ખીસામાંથી એક કવર કાઢી મારા હાથમાં આપતાં બોલ્યો, ‘આમાં તમારાં નાણાં છે. જતાં પહેલાં કોઈ આડતિયાને સોંપી જવાનો જ હતો. વ્યાજ સાથે પૂરા ત્રણ હજાર થાય છે. આફ્રિકા જઈને તમારા પ્રતાપે ખૂબ ધન કમાયો. ત્યાંથી પણ તમારી ઘણી તપાસ કરાવી હતી પણ પત્તો જ ન લાગ્યો. મારા મનમાં ખૂબ ભોંઠપ હતી, ભાઈ ! અજંપો તો મને એ વાતનો હતો કે કોઈ રીતે તમારાં નાણાં પાછાં પહોંચાડું તો મારા વર્તનને કારણે માણસની નેકીમાંથી ઊઠી ગયેલી તમારી શ્રદ્ધા પાછી જાગે. મને ખૂબ ઉતાવળ છે, એટલે હું ઊપડું. જતાં પહેલાં એક મોટો હૈયાભાર હળવો થયો અને તમારા ઋણમાંથી મુક્ત થયો એ માટે ઈશ્વરનો જેટલો પાડ માનું તેટલો ઓછો છે.’

——————————————————————–

        

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 300,234 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
ઓગસ્ટ 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: