સંગીતનો જાદુગર—[દિલની વાતો-1/રસિક ઝવેરી]

di_ni_vato(1)

 [દિલની વાતો-1/રસિક ઝવેરી/નવભારત/પાના: 20થી 24]

                                      સંગીતનો જાદુગર—

 

      સંગીત એટલે પ્રેમની બોલી. અંતરની સનાતન ભાષા.

       જનેતાના હુલામણા હાલરડાને હડસેલે નીંદરરાણીના અલૌકિક દેશમાં જંપી જતા શિશુથી માંડી, ગાંધીજી જેવા યુગપુરુષ સુધી સૌએ પોતપોતાની રીતે એ પ્રેમવાણીનું મહત્ત્વ પિછાન્યું છે અને સ્વીકાર્યું છે. અબોધથી માંડી ગુણીજન સુધી સૌના હૈયાને એ વિશ્વવાણી સ્પર્શે છે. ઝાડ, પાન, પશુ, પંખી, પ્રકાશ, અંધકાર અને હવાનાં આંદોલનો સુદ્ધાં સંગીતની બોલી સમજે છે અને સાંભળવા તલસે છે. નાદબ્રહ્મની ઉપાસના પરાપૂર્વથી,  વેદકાળનો ઋચાઓથી માંડીને બીટલપંથીઓનાં મદીલાંગીતો સુધી, જુદે જુદે સ્વરૂપે જુદી જુદી ઢબલઢણોને આધારે વિલસતી—વિકસતી રહી છે. નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં હોય કે બાઈ મીરાંના પદો હોય; સંત તુકારામજીનાં અભંગ હોય કે લોકકવિ તુલસીદાસજીની સાખી—ચોપાઈ હોય; મસ્જિદની અટરીએથી વહેલી પરોઢે આવતો કોઈ ખુદાપરસ્ત બાંગીની અઝાનનો નરવો બુલંદ સાદ હોય કે ભાંગતી રાતે પરસેવો સૂકવતા મિલમજૂરોની ભજનમંડળીમાંથી મંજીરાને તાલે તાલે ચળાઈ-ગળાઈને આવતો રામધૂનનો રણકો હોય; પાછલે પહોરે રિયાઝ કરતા કોઈ મસ્ત ગવૈયાના ગળામાં ઘૂંટાતી અટપટી તાન હોય કે સંગીત-રસિયાઓની કોઈ રંગભરી મહેફિલમાં મલકતી લટકાળી શાયરી હોય; દુહાની રમઝટ હોય કે લોકગીતોની લહાણી હોય… ગમે તે સ્વરૂપે સંગીત પાંગરતું હોય—માનવહૈયાને એ સ્પર્શ્યા વિના નહિ રહે. સંગીત એ તો લોકહૈયાની સંજીવની છે. હળાહળ સામે ટક્કર ઝીલતું અમૃત છે.

              કુન્દનલાલ સાયગલના કિસ્સા કરતાં કંઈક નિરાળી જ હકીકત છે આજની મહેફિલની. ઘણાં વરસો વીતી ગયાં એ વાતને, ચોક્કસ સાલ યાદ નથી. કદાચ 1926, કદાચ 1928, સાલવારીનું કોઈ ખાસ મહત્ત્વ પણ નથી. મારા મિત્ર જિતુભાઈ મહેતા એ સંગીતસભામાં હાજર હતા એટલું ચોક્કસપણે યાદ છે. એક મિત્રને ત્યાં સંગીતરત્ન ખાંસાહેબ અબ્દુલ કરીમખાંનો ખાનગી જલસો હતો. મારા મામા સ્વ.રામુ ઠક્કર મને એ મિજલસમાં લઈ ગયેલા. ખાંસાહેબની જુવાનીનો જુવાળ એ વખતે પૂરબહારમાં. રેશમી અચકન, ચૂડીદાર પાયજામો, માથે દક્ષિણી ઢબનો જરિયાન સાફો, ખીસામાંથી ઘડિયાળનો અછોડો બહાર લટકે, ઓઠ પર તાંબૂલની આછી લાલી અને સુરમો આંજી પાણીદાર આંખો. પણ એમના રૂંવાડે રૂંવાડે ટપકે નરી વિનમ્ર સુજનતા. કીર્તિના કેફનું કે અહંતાનું નામનિશાન ના વરતાય.

                        મહેફિલમાં હાજર હતા માત્ર ત્રીસેક જેટલા સંગીતરસિયાઓ. તાનપુરા અને હારમોનિયમ પર સંગતમાં કપિલેશ્વરી બંધુઓ હતા એવું સ્મરણ છે. ફાગણ મહિનો. વાતાવરણમાં વાસંતી વાયરાની ફોરમ. હોરી—ઠુમરીના દિવસો. ખાંસાહેબે શરૂઆતમાં ઝીંઝોટી—ઠુમરી: ‘પીવા બિન નાહીં આવત ચૈ… ની ! ’ની નકશી આદરી. કોઈ સિદ્ધ બજવૈયાના બાંસુરીવાદનને બેઘડી ભુલાવી દે એવી હતી અબ્દુલ કરીમખાંના અવાજની એ અનાયાસ મખમલી મુલાયમતા. પ્રીતમને મળવા ઝંખતી મિલનાતુર નાયિકા—અધીરી અભિસારિકાનો ઠાઠઠમકો, એની છાનીછપની ગતિ અને એના અંતરની આરતને છતી કરતી એ નજાકતભરી ઠુમરીની રંગત અર્ધોએક કલાક ચાલી.

              પછી વિરામ જેવુ6 હતું. કેસરિયા દૂધના કટોરા પિવાઈ ગયા. પાનની તાસક હાથોહાથ ફરવા લાગી. ઠઠ્ઠા-મજાક અને વાતો વહેતી થઈ. કોઈએ ટકોર કરી : ‘સંગીત વિશેયે કેવી કેવી લોક-વાયકાઓ ફરતી રહે છે ! કોઈ કહે છે: દીપક રાગ ગાય તો વરસાદ વરસે આવા આવા ગપગોળાના તાણેવાણે તાનસેન અને તાનીની આસપાસ કેવી કેવી લોક્કથાઓ વણાઈ ગઈ અને લોકજીભે ચડી ગઈ ! ’

              ખાંસાહેબ ગરવા જણ. ધીરગંભીર, સાગરપેટા, સંગીતના જાણભેદુ જાદુગર. આવી આવી તો કંઈક અવળચંડી વાતો એમને કોઠે પડી ગયેલી. વિરામપછી એમણે ફાગણના મહિનામાં આદર્યો સંગીતસમ્રાટ તાનસેનની સંગીત ઉપાસનની યશકલગી જેવો રાગ—મિયાં મલ્હાર. આલાપ ઊકલ્યો અને પછી આવ્યા શબદ:

              ‘ઇન્દ્ર ચડી આયો—

           વ્યોમ પર પ્રબલ દલ બદલ

           સૈન્ય સંગ મનરંગ લાયો–’

           ઠુમરીની બાંસુરી જેવી મુલાયમતાને બદલે જાણે શિવતાંડવ સાથે સંગત કરતો કોઈ બાહુબલી સિદ્ધ પખવાજી પખવાજ પર ધન…ધનાધન  થપાટો દઈ રહ્યો હોય એવી બુલંદી—રાગિણીનો નારીસુલભ કુમાશને બદલે રાગનું અણિશુદ્ધ મર્દાના સ્વરૂપ ખાંસાહેબના ગળામાંથી નીપજવા લાગ્યું. તીવ્ર અને કોમળ નિષાદની લક્ષ્મણરેખામાં જાણે ચોમાસાની ભીનાશને એ સંગીત-સાધકે બાંધી લીધી. પૂરી પિસ્તાળીસ મિનિટ સુધી એ ઓરડામાં વર્ષાની માંડણી મંડાઈ રહી. ગ્રીષ્મના ઉકળાટ પછી આકાશમાં ઊમટતી ઘનઘોર મેઘઘટાઓ, વાદળનો ગડગડાટ, વીજળીનો ચમકાર, વર્ષાનાં છાંટણાં અને એમાંથી ફોરતી ધરતીની માટીની ખુશ્બો… એવી અકાળ વર્ષાઋતુનો અનુભવ આભાસ પોતાની સ્વરસાધનાને જોરે મિયાં તાનસેનના એ કુળદીપકે અમને સૌને એ સાંજે કરાવી દીધો. પરંપરાગત સંગીત વિશેની એક તોછડી ટીકાના પડકારને નાદબ્રહ્મના પ્રત્યક્ષ પરચાથી ખાંસાહેબે જાણે પરાસ્ત કરી દીધો. ગુરુપરંપરાનું અને પોતાના ઘરાણાનું નામ એમણે રોશન કરી દીધું. એ મહેફિલ હંમેશા યાદ રહેશે.

—————————————————————————–

              અહીં સંગીતને લગતો બીજો એક નાનો કિસ્સો નોંધવાનું મન થાય છે. વિલાપારલા સાહિત્ય પરિષદની બેઠક મળી એ વખતની વાત છે. સમય સાંજનો. એક વિદ્વાન વક્તાએ ખૂબ જ લાંબુ એવું પોતાનું છપાયેલું ભાષણ અક્ષરે-અક્ષર વાંચવાનો આગ્રહ રાખ્યો ત્યારે જ્ઞાનનું અજીરણ થઈ જવાની બીકે સભાખંડ છોડી હું બહાર નીકળી ગયો.

              તમાકુની આદતને લઈને પાન ખાવાની તલપ લાગી. ચાલતો ચાલતો ગલીના મોડ પર પાનવાળાની દુકાને પહોંચ્યો. ત્યાં બાજુમાં જ એક મદ્રાસી હોટેલ હતી. હોટેલ આમ જુઓ તો કંગાળ અને ગંદી લાગે, પણ કૉફી પીવાનું મન થયું એટલે હું અંદર ગયો. ગલ્લા ઉપર બેઠેલો હોટેલનો માલિક લાઉડ સ્પીકર સાથેના ગ્રામોફોન પર કર્ણાટક સંગીતની રેકર્ડ વગાડી રહ્યો હતો.હું ખુરશીમાં ગોઠવાયો. એક ખૂણામાં મોટો પ્રાઇમસ ધમધમતો હતો. કામ કરનાર દક્ષિણશ્યામ છોકરાઓ અંદર અંદર મોટે અવાજે વાતો કરી રહ્યા હતા. એટલામાં ચાલુ રેકર્ડ પૂરી થઈ અને બીજી ચૂડી ચડી. મધુર હલકથી એક ગાન શરૂ થયું. ગાન શરૂ થયું ને હોટેલમાં જાણે સન્નાટો છવાઈ ગયો. છોકરાઓ શાંત થઈને જ્યાં ઊભા હતા ત્યાં સ્થિર થઈ ગયા. મારો ઓર્ડર લેવા આવવાની કોઈનેય પડી હોય એવું ન લાગ્યું. સૌ પેલા ગાનના અવાજમાં જાણે ખોવાઈ ગયા. લાઉડ સ્પીકર સામે મીટ માંડીને ઊભેલા છોકરાઓની આંખોમાં ઝાકળ-ચમક વરતાતી હતી. ત્રણેક મિનિટ આવી હવા ચાલી. રેકર્ડ પૂરી થઈ એટલે પાછો સ્ટવનો ધમકારો વધ્યો. છોકરાઓની હિલચાલ અને ઘોંઘાટ શરૂ થઈ ગયાં.

       પૈસા આપતી વખતે મેં હોટેલના માલિકને પૂછ્યું, ‘હમણાં જે રેકર્ડ વાગતી હતી એ કોઈ મશહૂર ફિલ્મી ગાનની હતી? ’એણે કંઈક ઉદાસીનતાથી કહ્યું, ‘એ ફિલ્મી ગાન નથી. એ તો અમારી ભાષાનું એક લોકગીત છે. અમે એને ‘માનું ગીત ’કહીએ છીએ, દુકાળના વરસમાં નાનો દીકરો ગામડેથી શહેરમાં રોટલો રળવા જાય છે. આરતીટાણે ઝાલર વાગે ત્યારે તુલસીક્યારે દીવો કરતી મા દીકરાને યાદ કરી એ ગીત ગાય છે. કહે છે: ‘દીકરા મારા ! નીતિથી ચાલજે અને ડાહ્યો થઈને રહેજે. તું જ્યાં હો ત્યાં આ તુલસીક્યારાની સાક્ષીએ સંધ્યાદીપના પ્રકાશમાં હું તને આશિષનાં અમી પાઠવું છું. તારી મહેનત ફળે. ઈશ્વર તને સુખી રાખે, સાજોનરવો રાખે. માના અંતરની દુવા કદાપિ નિષ્ફળ જતી નથી. મારા લાલ ! તું મારા ઘરનો દીવો છે. એ પ્રકાશ કદી ન બુઝાય એવી હું તુલસીમાને ખોળો પાથરીને પ્રાર્થના કરું છું.’ અમે રોજ સંધ્યા સમયે આ રેકર્ડ વગાડીએ છીએ. એ વખતે સૌને મા સાંભરે, ઘર યાદ આવે એ સ્વાભાવિક છે. એ ગાન વાગે ત્યારે પાંચેક મિનિટ કામ થંભી જાય છે.’   

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,812 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ઓગસ્ટ 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: