પગ મુને ધોવા દ્યોને….. /દૂલા ભાયા કાગ /કાવ્ય-રસાસ્વાદ

logo-download

પ્યાસ અને પરબ(કાવ્યોનો રસાસ્વાદ)/ બાલમુકુન્દ દવે/નવજીવન

                પગ મુને ધોવા દ્યો ને રઘુરાયજી !

                પરભુ ! મુને શક પડ્યો રે મનમાંય,

                પગ મુને ધોવા દ્યો ને રઘુરાયજી !

    રામ લખમણ જાનકી એ તીર ગંગાને જાય જી !

 

                નાવ માગી નીર તરવા,

                     ગુહ બોલ્યો ગમ ખાઈ…. પગ મુને0

  રજ તમારી કામણગારી, નાવ નારી બની જાય જી !

                     તો તો અમારા રંક જનની

                           આજીવિકા ટળી જાય…. પગ મુને0

 

જોઈ ચતુરાઈ ભીલ જનની ઓલી જાનકી મુસકાય જી !

                     અભણ કેવું યાદ રાખે ?

                           ઓલ્યા ભણેલા ભૂલી જાય…. પગ મુને0

આ જગતમાં, દીનદયાળુ ! ગરજ કેવી ગણાય જી :

                     ઊભા રાખી આપને પછી

                           પગ પખાળી જાય…. પગ મુને0

 

નાવડીમાં બાવડી ઝાલી રામની ભીલરાય  જી:

                     પાર ઉતારી પૂછિયું: તમે

                           શી લેશો ઉતરાઈ?…. પગ મુને0

 નાયીની કદી નાયી લ્યે નહીં, આપણે ધંધાભાઈ જી:

                     ‘કાગ ’ લ્યે નહીં કદી ખારવાની

                                ખારવો ઉતરાઈ….પગ મુને0

 

 

 રામ, લક્ષ્મણ ને સીતાજી રથમાં બેસી, શોકાકુલ અયોધ્યાવાસીઓને મૂકીને, વનમાં સંચરે છે. રઘુકુળનો અનુભવવૃદ્ધ સારથિ સુમંત્ર રથ હાંકે છે. મજલ કાપતો રથ પવિત્ર ગંગાતટે આવેલ શ્રૃંગવેરપુર આગળ આવી પહોંચે છે. રામચંદ્રજીએ આ રળિયામણી જગ્યામાં રાતવાસો કરવાની ઇચ્છા વ્યક્ત કરતાં, સુમંત્ર સારથિ એક ઇંગુદી વૃક્ષ આગળ રથને લઈ જઈ, અશ્વોને છોડી નાખે છે.

શ્રૃંગવેરપુરમાં નિષાદ (ભીલ) જાતિનો ગુહ રાજા રાજ્ય કરતો હતો. એ રાજા દશરથનો ખંડિયો હતો અને રામ પર અઢળક સ્નેહભાવ રાખતો હતો. રામચંદ્રજીને પોતાના રાજ્યમાં પધારેલા જાણીને નિષાદરાજ ગુહ હર્ષઘેલો બની ગયો અને શી વાતે એમનાં સેવા-સત્કાર કરું એવા હ્રદયના ઊભરાતા ભાવે ભગવાન રામચંદ્રને નમસ્કાર કરી ઊભો રહ્યો…રામચંદ્રજીએ સામો એવો જ સ્નેહ-વિવેક દર્શાવીને ગુહને કહ્યું કે, આજે તો અમે અહીં જ રાતવાસો રહીશું. કાલે ગંગાપાર કરીને આગળ જઈશું. તું અમને હોડીમાં ગંગાપાર ઉતરાવી દેજે… આ પ્રસંગ વાલ્મીકિ રામાયણમાં અયોધ્યાકાંડના  બાવનમા સર્ગમાં આવે છે.ભગવાન રામને ગુહ  નાવડીમાં ગંગાપાર ઉતરાવી દે છે, અને વાલ્મીકિએ એ પ્રસંગ ખૂબ હ્રદયસ્પર્શી રીતે મૂક્યો છે. પણ, ‘જો હું આપને મારી નાવમાં બેસાડું તો જેમ આપની ચરણરજથી શલ્યાની અહલ્યા બની ગઈ, એમ મારી નાવડી પણ નારી બની જાય અને હું ભારે મુશ્કેલીમાં મુકાઈ જાઉં. માટે પહેલાં મને આપની ચરણરજ ધોવા દો અને પછી નાવમાં બેસો.’ એવું વાલ્મીકિનો ગુહ રામને કહેતો નથી. એ તો ગોસ્વામી તુલસીદાસજીનું ‘રામચરિતમાનસ’માં પોતીકું ઉમેરણ છે. અને અદ્ ભુત છે! ઘડીભર તો એમ થાય કે, તુલસીદાસજીને આ સૂઝ્યું અને વાલ્મીકિ જેવા કેમ છક્કડ ખાઈ ગયા? પણ આવો મરમી પ્રસંગ પકડવો એ એકલા કવિનું કામ નથી કે નથી એકલા ભક્તનું. એ તો ભક્ત-કવિનું કામ છે. અને તુલસીદાસજીમાં ભક્ત અને કવિ બન્ને જોડાજોડ બેઠા છે. વાસ્તવમાં ગુહ તો એક કથાપાત્ર છે. ભગવાન રામચંદ્રજીની ખરી ચરણરજ ધોનાર તો ગોસ્વામી જ છે ને ! તુલસીદાસ ભક્તિપૂત વાણીએ આ પ્રસંગ એવો સજીવ કરી આપ્યો છે કે, એને વાલ્મીકિ રામાયણમાં ઉમેરી દઈએ તોપણ એ ક્ષેપક જેવો ન લાગે. ઊલટો કથામાં અદ્ ભુત રસપૂર્તિ કરે.

ભગવાન રામચંદ્રજી ગુહના મનોભાવને ઓળખીને પગ ધોવડાવવા સંમ્ત થાય છે ત્યારે એ કેવટનો આનંદ ઉલ્લાસ વર્ણવતાં તુલસીદાસજી કહે છે:

અતિ આનંદ ઉમગિ અનુરાગા,

                ચરન સરોજ પખારન લાગા.  

આ જ પ્રસંગને ગુજરાતીમાં ભાલણે ખૂબ નાજુકાઈથી કવિતામાં ઉતાર્યો છે:

નાવિક વળતો બોલિયો: ‘સાંભળો મારા સ્વામ:

           સાથ સહુકો નાવે બેસો, નહીં બેસારું રામ !’

આટલો પૂર્વપરિચય કરીને, હવે આ પ્રસંગની લોકસાહિત્યના કુબેર ભંડારી સમા ભક્ત-કવિ દૂલા કાગે કેવી જુગતે જમાવટ કરી છે તે જોઈએ:

                પગ મુને ધોવા દ્યો ને રઘુરાય જી !

                પરભુ ! મુને શક પડ્યો રે મનમાંય…

આવી રીતે વહેમાઈને ગળે પડવાની ભક્તિ-યુક્તિ અજમાવીને કવિએ ભગવાનને પ્રથમથી જ કેવા લાગમાં લીધા છે !

                રજ તમારી કામણગારી,

                નાવ નારી બન જાય જી…

હે પ્રભુ ! તમારી ચરણરજમાં એવી જાદુગરી છુપાઈ છે કે, મારી નાવ નારીરૂપમાં પલટાઈ જાય. અને એવું થાય તો મારું રોજી રળવાનું સાધન ટળે તો ટળે, પણ ઘરમાં બે બૈરીઓ થવાથી ઝગડો થાય એ જુદો ! નાવિકની આવી ચતુરાઈ જોઈ જાનકીજી પણ મલકાઈ ઊઠ્યાં. ભલભલા ભણેલા પંડિતો જેનો પાર પામી શકતા નથી એવા ભગવાનના ગુહ્ય સ્વરૂપને આ અભણ ગુહે કેવું ઓળખી લીધું! સીતાજી પ્રસન્નતાથી જોઈ રહ્યાં છે કે, હવે આગળ શો ખેલ થાય છે. દૂલા કાગ લોકકવિની આગવી રીતે ભગવાનને ટોણો મારે છે:

આ જગતમાં દીનદયાળુ !

           ગરજ કેવી ગણાય જી…

હે દીનદયાળુ ! યોગીઓને પણ અગમ્ય એવા તમે એક અભણ ખારવા આગળ કેવા ડાહ્યાડમરા થઈને ચરણ પ્ખાળવા તૈયાર થઈ ગયા? ગરજ શું નથી કરાવતી? અહીં ‘ગરજ’શબ્દ પાસેથી કવિએ બેવડું કામ લીધું છે. રામચંદ્રજીને ગંગાપાર કરવાની ગરજ છે તો નાવિકને કંઈ ચરણ ધોવાની ઓછી નથી ! ભક્તાધીન ભગવાન અને ભગવાનઘેલા ભક્ત—બન્નેની ગરજ કેવી ખૂબી થી કવિએ એક જ પલ્લામાં મૂકી આપી છે !

પણ દૂલા કાગ જેવા લોકકવિને જ સૂઝે એવો સરસ રમૂજી બુટ્ટો તો હવે આવે છે:

નાવડીમાં બાવડી ઝાલી રામની ભીલરાય  જી :

પાર ઉતારી પૂછિયું: તમે

                                     શી લેશો ઉતરાઈ?

નાવડી અને બાવડીનો પ્રાસ તો મેળવ્યો, પણ ‘બાવડા’ ને ‘બાવડી’ કહીને રાજકુમાર રામચંદ્રજીના દેહની સુકુમારતા પણ કેવી છતી કરી આપી ! પણ, આપણે આગળ ચાલીએ…

નાવિક જો ચતુર છે તો શું રામચંદ્રજી કંઈ ઊતરે એવા છે? ગંગાપાર કરીને હોડીમાંથી ઊતર્યા પછી ભગવાન ગુહને પૂછે છે: ભાઈ- તેં અમને નદીપાર ઉતાર્યા એની શી ઉતરાઈ—મહેનતાણું—લઈશ?

અને ખારવો સામો સવાયો જવાબ વાળે છે:

નાયીની કદી નાયી લ્યે નહીં, આપણે ધંધાભાઈ જી:

                                ‘કાગ’લ્યે નહીં ખારવાની

                                     ખારવો ઉતરાઈ.

અરે તમારી પાસે તે વળી મજૂરી લેવાતી હશે? એક વાળંદ બીજા વાળંદ પાસે વાળ કપાવે અથવા એક ખારવો બીજા ખારવાને હોડીમાં બેસાડે એમાં તે કંઈ લેવાદેવાનું હોતું હશે? હે પ્રભુ ! તમે ભવસાગર ઉતારનારા અને હું નદીપાર ઉતારનારો. આપણે તો ધંધાભાઈ કહેવાઈએ.

ખબર પડી? ના ના કહેતાંય કવિએ ખારવાને ભગવાન પાસે કેવી ઉતરાઈ અપાવી દીધી! હે દીનાનાથ ! મારે આજે તો કશી ઉતરાઈ જોઈતી નથી; પણ આખર ઘડીએ આવીને, આ રંકજનનો હાથ ઝાલીને ભવસાગર પાર કરાવી દેજો ! આગળ જેમ ‘ગરજ’ શબ્દ પાસે બેવડું કામ લીધું એમ અહીં ‘ખારવો’ બેવડા ખપમાં લીધો. લોકકવિની આ સ્વયંભૂશક્તિ છે.

વાલ્મીકિનો ગુહરાજ, તુલસીદાસનો કેવટ, ભાલણનો નાવિક અને દૂલા કાગનો ખારવો—ચારેને એકસાથે મૂલવનારને આ પાવન પ્રસંગમાંથી અનોખી આનંદલહરીની અનુભૂતિ થશે.

===========================================

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,823 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
જૂન 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: