વિશ્વશાંતિની ગુરુકિલ્લી (ચાર વ્યાખ્યાનો) /મનુભાઈ પંચોળી ‘દર્શક’/વ્યાખ્યાન:ચોથું

VFOUR

            

     

 

VFOUR

વ્યાખ્યાન:4

 બાળપણની કેળવણી

વિશ્વશાંતિની ગુરુકિલ્લી  (ચાર વ્યાખ્યાનો) /મનુભાઈ પંચોળી ‘દર્શક’  

સંપાદક: મોહન દાંડીકર , પ્રવીણભાઈ શાહ

પ્રકાશક: સંસ્કાર સાહિત્ય મંદિર, અમદાવાદ

 —————————————

     બાળપણની કેળવણી માટેનું ઉત્તમમાં ઉત્તમ પુસ્તક દશમસ્કંધ છે. પહેલાં તમે જુઓ યશોદા. વ્યાસે નામ જ યશોદા આપ્યું. યશ આપવાવાળી . યશ તો છોકરાં સારાં થાય તો મળે.

ના થાય તો ના જ મળે.

     સ્ત્રીનું પહેલું કામ તો પોતાના છોકરાને સારો કરવો એ છે. અમારી લોકભારતીમાં એવો નિયમ છે કે અમે સ્ત્રીઓને આખા દિવસનું કામ આપતા જ નથી. પહેલેથી નિયમ છે કે અડધા દિવસનું કામ આપવાનું. એ ઘરકૂકડી થાય એમ અમે ઈચ્છતા નથી. એણે છોકરાં સાચવવાં, પોતાના ધણીને સાચવવો, પોતાનું કામ છે એ કરવું. એ જો ઉત્તમ કામ ન કરે તો એ સ્ત્રી નથી.

     ક્ષિતિમોહન સેન એ મોટા આચાર્ય હતા અને ભારતીય સંસ્કૃતિના એ પારગામી ઋષિ હતા. હોલૅન્ડની એક ડચ મહિલા એમને મળવા ગઈ. પછી એ ડચ મહિલાએ એમને કહ્યું કે—

 “હું હિન્દુસ્તાનમાં તો ફરી, પણ સમાજમાં સ્ત્રીઓ ઘણી પાછળ છે. અમારે ત્યાં બધી સ્ત્રીઓ પુરુષોની હરીફાઇ કરે છે. જે કાંઈ કામ પુરુષો કરે તે બધાં એ કરે. એ અવકાશમાં પણ જાય ને એન્જિન ડ્રાઈવર પણ થાય, ને ઑફિસમાં પણ જાય અને એકેએક  હોદ્દાને માટે પોતે કોમ્પિટ કરે છે.”

     ક્ષિતિબાબુ હસીને કહે: “મેડમ, તમારે ત્યાં બાળકો માટે મને બહુ દયા આવે છે ! ”

     મેડમે કહ્યું: “કેમ એમ કહ્યું?”

     ક્ષિતિબાબુ : “ તે એટલા માટે કે તેને બે બાપ થશે. એકેય ‘મા’નહિ હોય—એક કુદરતે આપેલો બાપ ને આ કૃત્રિમ બાપ બીજો. તમારાં બાળકોનું શું થશે?”

     યશોદા ક્યાંય નોકરી કરવા ગઈ હોય એવું ભાગવતમાં લખ્યું નથી. મૉન્ટેસરીની નિશાળમાં જનારી બાઈઓ પોતાના ઘરે નોકરડી પાસે છોકરાં ઉછેરાવે છે. તે શું મૉન્ટેસરી ભણી એમ મને થાય છે ! પોતાનાં છોકરાં નોકરડી પાસે મૂકે. 25 રૂપિયાના પગારે અને પોતે ત્યાં જાય. આ કઈ જાતનો સોદો છે?

     યશોદાએ ભગવાનને સર્વસ્વ ગણ્યા. પોતાનાં બાળકને એમણે બધું જ તોફાન કરવા દીધું. અને ઊલટા ગોપીઓનાં દૂધ, દહીં, માખણ વગેરે… બધું જઈને ઢોળી નાખે, ફોડી નાખે, વાંદરાઓને ખવડાવી દે—બધું કરે ને ફરિયાદ કરવા ગોપીઓ આવે તો કહે કે, “મારો કા’નો એવું ન કરે હોં—ન કરે—ના, ના, કા’નો એ કરે જ નહિ.”

     પેલી ગોપીઓ કહે: “મારું ઘર તો જુઓ?”પણ એને કા’નાનો દોષ વસતો જ નથી. કારણ કે એને એમ છે કે બાળક તોફાન ન કરે તો શું ગીતા વાંચે? શું સમજો છો તમારા મનમાં? બાળક તોફાન ન કરે તો શું કરે એ?એવું તો થાય એના હાથે કોઈ વાર…!

     આ દશમસ્કંધ મસ્તીનો છે અને બાળકેળવણીના કેટલા મોટા સિદ્ધાંતો એમાં આપી દીધા છે !

     એક વાર ભગવાને માટી ખાધી. એ પ્રસંગ ભાગવતમાં આવે છે અને બળરામે જઈને ફરિયાદ કરી: “મા, આ કા’નો માટી ખાય છે !”

     મા કહે: “અહીંયાં આવ, માટી ખાય છે? ઘરમાં દૂધ નથી? દહીં નથી? તે માટી ખાવા માંડ્યો ?

     કા’નો: (બે દાંત દબવીને) “અં…હં(હું કાંઈ માટી ખાતો જ નથી.)”

     મા: “મોઢું ખોલ.”

     મા પરાણે મોઢું ખોલાવે છે. અને ભાગવતકાર શું કહે છે? એ જ કહી શકે. બીજા કોઈની શક્તિ નથી. તેણે મોઢું ખોલાવ્યું તો તેને ચૌદ બ્રહ્માંડ દેખાયાં ! અને પછી ચાલુ પુરાણીઓ કહે કે બ્રહ્માંડો ભગવાનમાં હતાં. ને આ બધી વાતોમાં હું માનતો નથી.

     ચૌદ બ્રહ્માંડ દેખાયાં એટલે બાળકની અંદર અમીબાથી માંડીને મહાત્મા ગાંધી સુધીના અંશો આવેલા છે, તે ચૌદ બ્રહ્માંડ છે. એ શક્તિ બાળકની અંદર નિગૂઢ રીતે પડેલી છે અને એ કો’ક યશોદાને દેખાઈ જાય છે અને બાકી બધીને દેખાતી જ નથી ! તેને બાળક તે બાળક જ લાગે છે.

     બાળક એ ઈનહેરીટર(વારસદાર) કોના? બાયોલૉજિકલી, સાયકોલૉજીકલી કોઈપણ હિસાબે જુઓ. વિજ્ઞાનનો સિદ્ધાંત છેકે એનર્જીનો નાશ થતો નથી. એનર્જીનો નાશ થાય જ નહિ. એનું પરિવર્તન થાય છે! તો આ કાળોના કાળથી આ એનર્જી આપણા દ્વારા બહાર આવી છે. તે આવી કઈ જગ્યાએ? ભાગવતના દશમસ્કંધમાં કહ્યું છે કે એ બાળકમાં આવે છે. એની આપણને ખબર નથી પડતી. એનું કારણ આપણાં અજ્ઞાન મા-બાપ, અજ્ઞાન શિક્ષકો, અજ્ઞાન સમાજ છે !

     એક વાર કૃષ્ણને બાંધ્યા, જેને ઉખળબંધન કહે છે. તે ઉખળબંધનમાં તેના હાથ બાંધે છે. ને ભગવાન તો ભોળા-ડાહ્યા છોકરાની જેમ ઊભા રહ્યા. એણે દોરડું મંગાવ્યું. તે દોરડું ટૂંકું પડ્યું. બીજું મંગાવ્યું. તે પણ ટૂંકું પડ્યું. ત્રીજું મંગાવ્યું. છેવટે ઘરમાં જેટલાં દોરડાં હતાં તે મંગાવ્યાં પણ તે ટૂંકાં પડ્યાં. આ કેવડો મોટો સિદ્ધાંત છે કે, બાળકને તમે  નહિ બાંધી શકો. કૃપા કરીને એ ધંધો મૂકી દો, એ ધંધો તમારે કરવા જેવો નથી.’ તમે શું બાળકને બાંધશો? ઓરડામાં હું એને બેસાડીશ. સમજો કે એને પાટિયા સામે બેસાડીશ. ‘જો, પાટિયા સામે જો, A=B, B=C, A=C,–  પૂછીશ. ‘બધું જુએ છે કે નથી જોતો?’ પેલો આમ સામે આંખો કરે અને હું એમ માનું કે એ ભણવા માંડ્યો છે, પણ એ તો એમ વિચાર કરતો હોય કે મારે ના’વા જવું છે…!

     આ દશમસ્કંધમાં તો એમ જ કહ્યું છે કે આવું આયોજન કરતાં જ નહિ—છોકરાંને બાંધવાનું !  જીવન પ્રત્યે એક પ્રકારનો આદર—જીવમાત્ર પ્રત્યે એક પ્રકારનો આદર હોવો જોઈએ. તે આદર સમસંવેદનશીલતામાંથી આવે છે અને એ ગુણ મા આપે છે. બાપ આપે છે, મિત્રો આપે છે, ઢોર આપે છે, જેની સાથે રમ્યા હોય તે આપે છે.

     અમે બધાં નાનાં હતાં ત્યારે શેરીમાં કૂતરી વિયાય એટલે અમે બધાં ભેગાં થઈ જઈને એને જોઈએ. કાળું, લાલ, કાબરું કેટલાં એનાં બચ્ચાં આવ્યાં? પછી એને શીરો ખવડાવે છે તો ચાલો આપણે આ કૂતરીને શીરો ખવડાવીએ. એક ઠીંકરી લઈને અમે જઈએ. ઘેર ઘેર જઈને કહીએ, ‘બાઈ બાઈ કૂતરી વિયાણી, તેલ દો, ગોળ દો.’ આ એક સંવેદનશીલતા હતી ! હવે કોણ એમ જાય છે? કોને પડી છે એવી? કૂતરી ને એનાં ગલૂડિયાં સાથે શું લેવા કે શું દેવા ! સિમેન્ટનાં જંગલો સંવેદનશીલતાને ગૂંગળાવી નાખે છે…

     અમારે ત્યાં પ્રાથમિક શાળામાં અમે છોકરાઓને કહીએ કે તું બે ઝાડ ઉછેર. ખાતર-દવા કર. બે કૂતરાનાં બચ્ચાંને ઉછેર. આ ગાયનાં બચ્ચાંને  રમાડ. આખો દિવસ કાંઈ કોઈ એ કરતું નથી. પણ એને એટલી તો ખબર પડે છે, કે મારે પીવું પડે છે એમ વાછરડાંને પાણી જોઈએ છે. મારે કંઇ ખાવા જોઈએ, એમ છોડને ખાતર જોઇએ છે અને એને ખાતર ન મળે તો એ સુકાઈ જાય છે. એને પહેલો ભાવ તો એ જ થાય છે કે મારા જેવા જ એ પણ ચેતનવંત Life છે એટલે એને મારી નાખવાની , ફેંકી દેવાનો કોઈ સવાલ જ નથી.

     આ સમસંવેદનશીલતા તમે કદી  ઈંટા-ચૂનાનાં મકાનમાં નહિ શીખવી શકો. ઈંટ-ચૂનાના મકાનમાં પછી એ રહેવાનો હોય તો ભલે રહે !

     શ્રીકૃષ્ણની ઉંમર હતી 13 વર્ષની, ત્યારે કહે છે કે ભગવાન 13મે વર્ષે રાસલીલા રમ્યા હતા અને પંદરમે વર્ષે એમણે કંસને માર્યો હતો. હવે એકાદ છોકરો તો એવો નીકળે, કંસને મારવાવાળો ! ક્યાંથી નીકળે આ ઈંટ-ચૂનાના મકાનમાંથી? પંદરમે વર્ષે એ માણસે કહ્યું કે હું કંસને મારી શકું છું! સૌથી આશ્ચર્યની વાત દશમસ્કંધમાં એ છે કે કંસને માર્યા પછી પોતાનાં માતા-પિતાને છોડાવવા તેઓ કારાગારમાં જાય છે. તેમને પગે લાગે છે અને દેવકી એને છાતીએ લગાડે છે. ઉગ્રસેન એને એમ કહે છે કે, ‘હવે તું ગાદીએ બેસ.’ ત્યારે વસુદેવની સામે જોઈને કહે છે: ‘પિતાજી, અમે અત્યાર સુધી ભણ્યા નથી. અમે નેસડામાં રહ્યા છીએ. ત્યાં અમને કોણ ભણાવે? તો અમને ભણવા મોકલો.’

     પંદરમે વર્ષે એ ભણવા જાય છે. સાંદીપનિને ત્યાં. એમ કહે છે કે, ત્યાં 64 કળાઓ 64 દિવસમાં કૃષ્ણ શીખી ગયા. એ તો બધું કાવ્ય છે, પણ એટલું તો ખરું જ કે એ બધું જલદી શીખી ગયા હતા !

     બીજી બાજુ આપણે તો ત્રણ વરસાનું છોકરું ન થયું હોય કે તે પહેલાં એને બાલમંદિરમાં ખોસી દઈએ છીએ. આજના બાળમંદિરમાં મંદિરેય નથી હોતું અને બાળ પણ નથી હોતાં. એવી અત્યારની નિશાળ છે. હવે એ છોકરું કેવી રીતે શ્રીકૃષ્ણ થાય એ મને સમજાતું નથી.

     આપણે બાળક પર જુલમ કરીએ છીએ. જો તમે ભાગવતની કથામાં ન જાઓ તો મને વાંધો નથી. પણ જાઓ તો મહેરબાની કરીને આમાંથી નીકળી જાઓ. છોકરાંને છોકરાંની રીતે જીવવા દો. એ થોડું મોડું ભણશે તો એ વહેલું ભણશે ! આ હું વર્ષોના મારા અનુભવે કહું છું. મારા ઘણા છોકરાઓ 13 વર્ષની ઉંમરે આવ્યા છે ભણવા માટે, અને ….M.A.(Economics)   થયા છે. એનું કારણ એ છે કે અનુભવ લઈને આવે છે એટલે વાત જલદી સમજાઈ જાય છે.

     શ્રીકૃષ્ણ એક એવા પુરુષ છે કે જેનો સમુચિત વિકાસ થયો છે. એને આપણે ફરી ફરીને યાદ કરવા જેવા છે. પણ એવા શ્રીકૃષ્ણ ‘મા’અથવા  ‘શિક્ષક’ બે જ કરી શકે. આ ‘મા’ની વાત ભાગવતે યશોદામાં કરી નાખી.

     (નરસી મોનજી શતાબ્દી વર્ષ- મુંબઇમાં આપેલ વ્યાખ્યાન ‘મનુષ્યત્વની કેળવણી’માંથી સારવીને સાભાર.)

==================================   

            

     

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,810 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
એપ્રિલ 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: