વિશ્વશાંતિની ગુરુકિલ્લી /મનુભાઇ પંચોળી(દર્શક)

 

  વિશ્વશાંતિની ગુરુકિલ્લી (દર્શક)મનુભાઇ પંચોળી

 

 (ચાર વ્યાખ્યાનો)

સંપાદક: મોહન દાંડીકર , પ્રવીણભાઇ શાહ

પ્રકાશક: સંસ્કાર સાહિત્ય મંદિર, અમદાવાદ

વ્યાખ્યાન:પહેલું

 

  1. 1.    શાંતિના વાવેતરને પાણી પાઇએ

એક વખત બીરબલને રાજસભામાં આવતાં મોડું થઇ ગયું.બાદશાહે પૂછ્યું “અલ્યા, કેમ મોડો આવ્યો?” તો કહે, “જનાબ, છોકરાને રમાડતો હતો, તેમાં સમયસર ન નીકળાયું.”

      “લે, એમાં શી મોટી ધાડ મારવાની હતી? ખાવાનું આપી દીધું હોત તો વાત પતી જાત.”

 “ના, માલિક, એટલું સહેલું કામ એ નથી.”

બાદશાહ તો હઠે ચડ્યો. છોકરાં રમાડવાં તેમાં વળી શી વડાઇ? છેવટે નક્કી થયું કે બાદશાહ બને બાપ અને બીરબલ બને દીકરો. દીકરાને બાપ રમાડી જાણે તો જાણવું કે છોકરાં રમાડવાં  સાવ સહેલાંસટ… અને શરત શરૂ થઇ.

      બીરબલે તો શરૂ કર્યું. “એં એં… ”બાદશાહે પ્રેમથી પૂછ્યું “કેમ બેટા, કેમ રડે છે? શું જોઇએ તારે?”

 “ખાવું છે !”

 “ઓહો, તેમાં શી મોટી વાત ? શું ખાવું છે?”

 “શેરડી !”

 “અલ્યા, શેરડી લઇ આવ !

શેરડી આવી. નોકરને કહ્યું કે કાપી આપ. કાપી આપી, પણ છોકરો તો વળી પાછો એંએં એં કરવા કાગ્યો. “અલ્યા, હવે તારે શું જોઇએ?” “ના બાપુ, તમે શેરડી કાપી દ્યો.”

“લે બાપા, હું કાપી આપું ”…. ભાંગે શેરડી… આપી… પણ છોકરાએ તો શેરડીનો કર્યો ઘા ! “ કેમ હવે શું જોઇએ? “મારે  તો ઘોડા પર બેસવું છે. ! ”

માથે હાથ દઇને બાદશાહ બોલ્યો, “અલ્યા એય, લાવ ઘોડો, બેસાડ આ કુંવરને!”

ઘોડો આવ્યો. પણ તોય “એં એં એં… ”તો ચાલુ. “હવે તારે શું બાકી રહ્યું છે દીકરા?”

“માલે તો તમે ઘોલો બનો અને એ ઘોલા પર માલે બેસવું છે.”બાદશાહ ઘોડો થયા અને બીરબલ એના પર બેઠા. પણ ત્યાં પાછું એં એં એં …શરૂ. બાદશાહ કહે, “અલ્યા, હવે શું છે તારે?”

 “બાપા , આ ભાંગેલી શેરલી આખી કરી દ્યો.”

બાપા તો બરાડી ઊઠ્યા, “સાલા હરામખોર!”

અને શરતમાં બીરબલ જીતી ગયો તે કહેવાની જરૂર છે? આ ભ્રમણા કેવળ બાદશાહને નહિ, આપણને સૌને આ ભ્રમ છે કે છોકરાં એટલે ગણતરીમાં નહિ લેવાની બાબત. પણ બાળકો સંભાળવાં તે અઘરામાં અઘરું કામ છે અને એ કામ તમે સૌ બહેનો કરી રહી છો, તે બદલ હું ધન્યવાદ આપું છું.

 ભણાવવા કરતાં ‘કેળવવાં’શબ્દ વધારે સારો છે. આપણા કોશમાંથી “ભણાવવું” શબ્દ આપણે કાઢી નાખવો જોઇએ. આપણે બાલકોને કેળવવાં છે. ભણાવી શકાય તે ‘વિષય’કવિતા, ગણિત, ઇતિહાસ ભણાવી શકાય. પણ આપણે તો બાળકોને કેળવવાં છે. આજકાલ તો મા-બાપ છોકરાંને ભણાવી ધન્યતા અનુભવતાં થઇ ગયાં છે. કોઇને ત્યાં જઇએ તો કહેશે, “અમારો બાબો બહુ હોશિયાર હો કે ! આવ તો બાબા, અહીં આવ. એ કૉન્વેન્ટમા જાય છે હં કે ! અરે બાબા, પેલી તારી પોએમ સંભળાવને !”

 હું ઘણુંય કીધા કરું કે ભાઇ, સંભળાવવાની કંઇ જરૂર નથી. એને રમવા જવા દો. પન પેલાં માબાપને તો એવું શૂરાતન ચઢ્યું હોય કે પ્રદર્શન વગર જાણે તેમને ચેન જ નહિ. બાળક તે જાણે સંગ્રહસ્થાનની કોઇ પ્રદર્શનીય ચીજ ! છેવટે પેલાને ગાયે જ છૂટકો ! Twinkle, Twinkle, little stars ! શરૂ થાય અને હું માથે હાથદઇને બધું નાટક  સહન કર્યે જાઉં ! શું છે આ બધું? સાત વર્ષ સુધી ભણવાનું કેવું? ત્યાં સુધી તો કેવળ કેળવણી જ ચાલે. કેળવણી એટલે બાળકમાં રહેલી સારી શક્તિને ઉંમરના પ્રમાણમાં          

   પ્રગટ થવા દેવાની અનુકૂળતા આપવી તે. પછી એ ઊગશે તો આપમેળે જ. ગુલાબનાછોડને ખાતર-પાણી દઇએ, નીંદામણ કરીએ, બાકી ગુલાબ એની મેળે ઊગશે. ઉગાડવાની ચિંતા આપણે નથી કરવાની. એની ભીતર બધું પડ્યું જ છે. આપણે તો ખાલી થોડી મદદ કરવાની છે.

      ત્યારે હું પ્રાથમિક શાળામાં ભણાવતો. પાંચમા-છઠ્ઠા ધોરણમાં પ્રેમાનંદનું ‘સુદામાચરિત’ શીખવતો. હું તો કવિતા લલકારતો છોકરાંઓને એવા ઊંડા ઇતિહાસમાં લઇ ગયો કે સમયનું ભાન પણ ના રહ્યું. વર્ગ પૂરો થયો પછી નાનાભાઇ કહે, “મનુભાઇ તમે સારું ભણાવ્યું, પણ છોકરાંઓને આટલું બધું ન ભણાવવું જોઇએ. આગળ માટે કાંઇક બાકી રાખવું જોઇએ ને? તમે સારા શિક્ષક નથી, કારણ તમે બધું ઠાલવી દો છો!”

      આજે પણ મારા કાનમાં નાનાભાઇના આ શબ્દો ગુંજે છે. સાત વર્ષ પછીના ભણતરમાં મૂળ્ભૂત તફાવત છે. નાનાં બાળકો ઇ ન્દ્રિયો દ્વારા શીખે છે. ભાષાજ્ઞાન દ્વારા નહિ. બાળકને….Symbol    સંજ્ઞા ન ચાલે. તેને તો પ્રત્યક્ષ મૂળ ચીજ જોઇએ, આ જગત જેના થકી બન્યું છે તે રસ, રૂપ, ગંધ, રંગ, વર્ણ વગેરેને એ પોતાની સગી ઇન્દ્રિયોથી સમજવા માંગે છે. અનુભવવા માંગે છે . સૃષ્ટિનાં પશુ, પંખી, જીવજંતુ સાથે એ આત્મસા  થવા ઝંખે છે. આ જગતમાં વિવિધ સૂક્ષ્મ શ્રેણીઓ  પડેલી છે.કોલાહલથી  માંડીને ખાન અબ્દુલ કરીમખાંના સંગીત સુધીની શ્રેણીબદ્ધતા અવકાશમાં વેરાયેલી છે. આવું જ રૂપ, રંગ, વર્ણનું. આ બધું બાળકને આત્મસાત્ કરવા દો.માને ‘મધર’કે ‘મમ્મી’ કહેવાય, એ વાત એ મોડી શીખશે તો કશું ગુમાવવાનું નથી, પણ જો જગત સાથેનુ6 અનુસંધાન બાળપણમાં નહિ કેળવાયું તો તે પથ્થર જેવો થઇને ઊભો રહેશે, એટલે બાળક અનુભવથી જ શીખવા માંગે છે. એની પાસે સ્પર્શની ભાષા છે. એ દ્વારા તે જાણે છે કે આ મારી મા છે. મને પોષનારી. સ્પર્શ દ્વારા  એના જીવનમાં એક સમજણ ઊભી થાય છે. આ વાત જે મા નથી સમજતી, તે બાળકને પોતાના બાળકને કદી સમજી જ નહિ શકે. એટલે બાળપણમાં આપણે બાળકને ઇન્દ્રિયગત અનુભવ આપવાનો છે. એનું પહેલું કેન્દ્ર છે માબાપ. ત્યાર પછી ભાઇ-ભાંડુ, આંગણું, વનસ્પતિ, શેરીએમ ક્રમ આગળ વધે છે.

      બાળકને ધીરે ધીરે એના ક્રમમાં આગળ વધવા દેવાનુ6 છે. ઉતાવળને ત્યાં જરાય અવકાશ નથી. નવ મહિના ઘોર અંધારા ગર્ભાશયમાં રહેલું બાળક આ પૃથ્વી પર આવે ત્યારે ઓરડામાં Flood light  હોય તો ન ચાલે. ધીમા મંદ પ્રકાશમાં જ સુવાવડ થાય, તે જોવું જોઇએ, બાળકને આસ્તે આસ્તે પ્રકાશની દુનિયામાં લઇ આવવાનું છે, એ પ્રક્રિયા બધી જ ઇન્દ્રિયો માટે લાગુ પડે છે.સ્પર્શનાં સાધનો પણ રેશમ-મખમલથી ખરબચડા સુધી પહોંચે તેવાં હોવાં જોઇએ. બાળકને સ્વાનુભાવની બારાક્ષરી પર અનંતનો પરિચય થાય છે. અનુભવે એને ભાન થશે કે જગતમાં સજીવ-નિર્જીવ બે વસ્તુ છે.ઝાડને પાણી પાવું પડે છે. દેડકાં, કીડીને પણ સુખદુ:ખનો અનુભવ થાય છે. હું ને આ કૂતરું બંને સગાં છીએ. બંનેનાં સુખદુ:ખ સમાન છે. આવી સંવેદના બાળકમાં જાગશે તો જગતમાં શાંતિ થશે.   

      આપણે શાંતિ સ્થાપવા માટે અનેક પ્રયત્નો કરીએ છીએ, આંદોલનો ચલાવીએ છીએ. પણ છતાંય શાંતિ સ્થપાતી નથી. કારણકે બાળપણમાં માણસના ચિત્તમાં

આ સમભાવના , સંવેદનાને પ્રગટ થવાની તક મળી નથી, ક્રમિકતાનો અનુભવ નથી મળ્યો. ચિત્તમાં પરભાવના ઊછરતી રહી છે.પછી મોટી ઉંમરે ઘણીય મથામણ કરો, ભાગવત-ગીતાનાં પારાયણો કરો,પણ ખેતરના દાણા ચરી ગયા પછી ખેડૂત ઘણાય હોંકારા-પડકારા કરે તેવી આ વાત છે. કોઇ જર્જરિત ગારાની ભીંત પર સિમેન્ટનું પ્લાસ્ટર કરવાની આ વાત છે. આજે ઘણીબધી કથાઓ ચાલે છે. પણ લાખો શ્રોતાઓમાં ભાગ્યે જ કોઇક પર અસર થાય છે. કારણ એ જ કે સમય ચુકાઇ ગયો છે.

      બાળપણની ઉંમર તે મહત્ત્વની ઉંમર છે. તે વખતે જે છાપ પડી તે અમીટ છે. એટલે જ કહું છું કે તમે ખૂબ અઘરું કામ કરી રહ્યાં છો.શાંતિ સ્થાપવાનું કામ કરી રહ્યાં છો. બાળકમાં સંવેદના પ્રગટ થાય તે માટેનો અવકાશ આપો. એલેકઝાંડર જ્યારે હિન્દુસ્તાન તરફ ચઢાઇ કરવા આવ્યો ત્યારે પોતાનું નાનકડું રાજ્ય સાચવવા માટે એક સૂબાને સોંપ્યું. એલેકઝાંડરની મા કોઇને દાદ ન આપે.રાજમાં ડખલ કર્યા કરે એટલે પેલો સૂબો એલેકઝાંડરને ફરિયાદના પત્રો લખ્યા કરે. એલેકઝાંડર પત્રો વાંચી લે, પણ એકેનો જવાબ ન આપે. એક વખત પેલા સૂબાએ ગુસ્સે થઇને લાંબો પત્ર લખ્યો. ત્યારે એલેકઝાંડર બોલી ઊઠ્યો. “આ મૂરખને એટલીય ખબર નથી કે આવા તો અડધો શેર કાગળ મારી માની આંખનાં બે ટીપાંમાં ધોવાઇ જશે.”મા પ્રત્યેની કૃતજ્ઞતાની આ લાગણી ક્યાંથી આવી? ક્ક્કો શીખ્યો તે પહેલાં આ ઘટના થઇ ગઇ, ત્યારે આવું બન્યું.

      માસ્તર બાળકની હથેળીમાં આંકણી મારે છે ત્યારે વિદ્રોહનાં બીજ ચિત્તમાં વવાઇ જાય છે Basic roots of agression બાળચિત્તમાં વાવીએ અને પછી શાંતિ માટે રાતદી’ દોડા કરીએ તો કેમ ચાલે? જે ચિત્તમાં વિરોધોનાં, વિદ્રોહનાં જાળાં નથી, તે લડવા માટે ઉત્સુક નહિ થાય.લડવા માટેની ઉત્સુકતા, હાથમાં ચળ ઊપડે તે સાવ જુદી બાબત છે. એટલે શાંતિનું સાચું ક્ષેત્ર બાળપણ છે. તમે સાચા શાંતિસૈનિક છો. મોટી ઉંમરે શાંત થવું કપરું. ખૂબ ઊઠબેસ કરવી પડે.

      બાળક પોતે જાતે અનુભવીને તે વિષયને સમજે જ છે. સાથોસાથ એની પોતાનો આત્મવિશ્વાસ પણ વધારે છે. આ તેનું અનુભવસિદ્ધ જ્ઞાન હોય છે, ઉધાર જ્ઞાન નથી હોતું, તેથી તે ડગતો નથી. બાળક ભાંગફોડ કરે તેની ચિંતા ન કરશો. આજે જગતમાં શાંતિના નામે શસ્ત્રાસ્ત્રો પાછળ કરોડો રૂપિયાનું આંઢણ થાય છે. તેના પ્રમાણમાં બાળકની ભાંગફોડ કોઇ વિસાતમાં નથી. એને માટીમાંથી રમકડાં બનાવવા દો. ઠીકરાનાં ઘર ભલે એ ઘડે, કોડીનો મોર ભલેને ચીતરે ! એની આ સરજત એના ચિત્તમાં શાંતિનું વાવેતર કરતી જાય છે.

      બાળકમાં શક્તિનો ખજાનો પડ્યો છે. એને સતત પ્રવૃત્તિ જોઇએ. એ કદી થાકતું નથી. આપણને પણ પાછા પાડી દે. એક શેતરંજી પર તમે સૂઇ જાઓ અને બીજી પર બાળકને સુવાડો. બાળકની જેમ તમે પણ હાથપગ હલાવો અને જુઓ કે પહેલા હાથપગ કોના બંધ થાય છે ! બાળકમાં આ શક્તિ પડેલી છે એ જે જાણે છે તે સાચો શિક્ષક બની શકે, નગરોનાં કબૂતરખાનાંમાં ઊછરેલાં બાળકોને રમવા ધૂલ મળે ત્યારે આનંદઘેલાં થઇ જાય છે. આમાંથી સાર નહિ કાઢીએ તો ભારે મોટી ખોટ સહેવી પડશે.

      તમે સૌ શાંતિના દેવદૂત છો. હિટલરને હરાવનાર સેનાપતિએ શિક્ષકો માટે લખેલું કે  …. your business is to put me out of business.

દુનિયામાં મોટામાં મોટા સેનાપતિને કામધંધા વગરનો કરી મૂકવો તે એ કામ કરવાનું છે. આ કામ ધાર્મિક પ્રવચનો કે કથા-પારાયણથી ઓછું થાય. મેડમ મો ન્ટેસરીને એક દિવસે કોઇકે કહ્યું કે મેડમ, ઇઝરાઇલમાં એક માણસે શોધ કરી કે, ડંખ વગરની મધમાખી પેદા થઇ શકે. ત્યારે મોન્ટેસરી બોલ્યાં, “ડંખ વગરનો માણસ પેદા કરી શકીએ તેવું આપણે કરવું છે.!”

      આજે આપણે આ કોન્વેન્ટ, અંગ્રેજી ભાષાનો મોહ વગેરે બાળકો પર લાદીને ત્રાસ ગુજારી રહ્યાં છીએ. પેલી ગુલીવરની વાર્તા છે ને, જેમાં ઠિંગુજી મોટા લોકોની દુનિયામાં અટવાઇ જાય છે ! આ બાળકો તે ગુલીવર છે ને આપણે સૌ મોટા કદના રાક્ષસો !આપણ ઢાળમાં તેમનાં બીબાં ઢાળીએ છીએ. પણ જીવનનો એક લય છે. બાળકમાં તે લયને એની મેળે લહેરાવા દો.બધું આપમેળે સુંદર સર્જાશે.

                                                (જામનગરમાં આપેલ વ્યાખ્યાન)       

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
One comment on “વિશ્વશાંતિની ગુરુકિલ્લી /મનુભાઇ પંચોળી(દર્શક)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 287,404 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
એપ્રિલ 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ   મે »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: