સગા બાપનો દીકરો /શંભુપ્રસાદ.હ.દેશાઇ

સગા બાપનો દીકરો /શંભુપ્રસાદ.હ.દેશાઇ

ખીસાપોથી/લોકમિલાપ/સંપાદક: મહેન્દ્ર મેઘાણી

પાનું:1

લોલવણ ગામના ચોરા ઉપર મામલતદાર સાહેબનો મુકામ હતો. ગામના ખેડૂતો, વેપારીઓ તથા ઉભડો ભેગા થયા હતા.

મામલતદાર સાહેબ ગાદીતકિયે બેઠા હતા. પાસે તલાટી તથા પટેલ પણ હતા. આજુબાજુ ખેડૂતો બેઠા હતા. વેપારીઓ પણ હતા. બે કોસના પાકા કૂવા તથા કૂંડી બાંધેલી એક વાડીની સો વીઘાંની જમીન બિનવારસે જતાં આજે હરાજ થવાની હતી. વાડીમાં એક મકાન હતું. ઢોરનાં ઢોરવાડિયાં હતાં.ચાલીસ આંબા હતા. નાળિયેરી,મોસંબી અને ચીકુનાં પણ ઝાડ હતાં. જમીનની ફરતી દીવાલ હતી. જમીન-માલિક શ્રીમંત માણસ હતા અને તેણે શોખ ખાતર આ બધું કરેલું. પણ અચાનક ગુજરી જતાં તેમ જ વારસ ન હોઇ ‘દરબાર દાખલ’ થયેલ તેની આજે હરાજી હતી. તેથી લેવા ઇચ્છનારાઓની, અને કોના ભાગ્યમાં આ લોટરી લાગે છે તે જોવા આવનારાઓની, ઠઠ જામી હતી.

મામલતદાર સાહેબે કાગળોનો નિકાલ કરવા માંડ્યો. હરાજી જેમ મોડી થાય તેમ લોકો વધારે એકત્ર થાય એ માટે પરચૂરણ કાગળોનો જ નિકાલ શરૂ કર્યો. તલાટી નામ બોલતા જતા હતા. ખેડૂતો જવાબ લખાવતા હતા અને કામ ચાલ્યે જતું હતું.

“કાના ગોવા!”  ત્લાટીએ નામ પુકાર્યું, અને એક જુવાન ઊભો થયો. શ્યામલ વાન, કૃશ શરીર અને માત્ર એક ચોરણો ને શિર ઉપર ફાળિયું ધારણ કરેલી માનવકાયા ‘જી’કહી આવી ઊભી રહી.

“કાનો તારું નામ?”

“ જી, હા.”

“તારો ભાઇ ગોપો?”

“જી, હા.”

“ક્યાં છે?”

અને ગોપો ઊભો થયો.

મામલતદાર સાહેબે બન્નેના સામું જોયું. વસ્ત્રોમાં, દેખાવમાં, રંગમાં અને મુખાકૃતિમાં બદલ્યા બદલાય એવા સહોદર ભાઇઓ તરફ એમણે મીટ માંડી. પછી સાહેબે પૂછ્યું:

“તમે તલાટી સાહેબ પાસે વહેંચણ નોંધાવી છે તે બરાબર છે? ”

“જી હા.”

“ જુઓ, હું ફરી વાંચું છું. હજી પણ તમે ફેરફાર કરી શકો છો. હું એક વાર મંજૂર કરીશ પછી ફરી નહિ શકો તે તમને ખબર છે ને?”

“જી, હા…”

“ત્યારે સાંભળો: ખીજડાવાળું ખેતર દસ વીઘાંનું તથા લોલવણ ગામનું ખાંધું ઉત્તર-દક્ષિણ દસ હાથ, પૂર્વ-પશ્ચિમ છ હાથ: એ બન્ને નાના ભાઇ ગોપાને ભાગે, બરાબર?”

“જી, હા…”

“રામપરાને માર્ગે વાડી વીઘાં છની, જ્યાં એક કૂવો છે તે, કાનાને ભાગે, બરાબર?”

“જી, હા–”

“ત્યારે મંજૂર કરી દઉં?”

“જી, હા.” બન્ને જણાએ એક સાથે ઉત્તર આપ્યો. મામલતદાર સાહેબે સહી કરવા કલમ ઉપાડી ત્યાં પાછળથી અવાજ આવ્યો:

“એ માબાપ, રહેવા દ્યો: જલમ કરો મા–”એક સ્ત્રી, અમાસની મેઘલી રાત જેવા વર્ણની, કાખમાં એક એવા જ વર્ણના બાળકને તેડીને માથેથી પડતા છેડાને ખેંચતી આગળ આવી.

“બાપા, તમારો દીકરો તો ગાંડો થયો સે–”છોકરાને કાખમાં ઊંચી ચડાવતી જાય છે. છોકરો રોતો જાય છે, અને લાંબા હાથ કરી મામલતદાર તરફ કોપાયમાન ભ્રૂકુટિ કરી બાઇ આગળ વધતી રહી છે.

“રહેવા દેજો, હું ખોરડું નહિ દઉં, નહિ દઉં ! મારાં છોકરાંને મારે નાખવાં ક્યાં–”

“આ કોણ છે?” મામલતદાર સાહેબે પ્રશ્ન કર્યો.

“મારી જીવલેણ, સાહેબ !”કાનાએ એક જ શ્બ્દમાં પોતાની પત્નીનો પરિચય આપી દીધો.

“જીવ લેવા તો તું બેઠો છ- ભાઇને દઇ દે બધું ! આજ તો ખેતર ને ખોરડું દી છ. ને કાલે મને પણ દઇ દેશે–”સ્ત્રીઓના હાથમાં જે અંતિમ શસ્ત્ર છે તેનો ઉપયોગ કરતાં બાઇ રોવા માંડી.

“” પણ ભાઇને અર્ધો ભાગ દેવો જ જોઇએ ને? તું સમજતે નથી ને ભર્યા માણસમાં મારી આબરૂ લેછ ! જા, જા, હાલતી થા—”  પતિદેવ ગરજ્યા.

પટેલ હવે વચમાં પડ્યા. “ઊભો રે, કાના, ખીજા મા. મને વાત કરવા દે. જો દીકરી, તારે મોટાને ખેતર ન દેવાં હોય તો વાડી ગોપાને દઇ દે–”

“કાંઇ નહિ, વાંઢો રૂંઢો છે, ગમે ત્યાં ગદરી ખાય ! હું છોકરાંછિયાંવાળી, મારો માંડ માંડ વાડી ને ખેતરમાંથી ગુજારો થાય, એમાં ગોપલાને શું દઉં-ડામ?”  મામલતદાર જોઇ રહ્યા. ગામલોકોને આ અન્યાય વસમો લાગ્યો.

“સાહેબ, મારું રાજીનામું, મારે કાંઇ ન જોયે; લખી લ્યો. મારો ભાઇ ને ભાભી ભલે બધું ભોગવે-”હવે ગોપો બોલ્યો.

“અરે, એમ હોય? તું મારા બાપનો દીકરો, ને ભાગ તો માગ ને !”કાનાએ ગોપાનો હાથ ઓક્યો. “આનો તો દી ફરી ગયો છે.”

“દી તારો ફર્યો છે તે બાવો થાવા ને અમને કરવા નીકળ્યો છે…”બાઇ રડી પડી.

“સાહેબ, મેં કહ્યું ઇ માંડોને , બાપા. મારે કાંન જોવે. મારો ભાઇ સુખી તો મારે બધું છે; હું ક્યાંક ગુજારો કરી લઇશ.”

“ અરે પડને પાટમાં, મારા રોયા ! લૂંટવા બેઠો છે ભોળા ભાઇને ! સમજાવીને પડાવી લેવું છે. આ તો ઠીક થયું કે મને ખબર પડી ગઇ, નહિતર મને ઘરબાર વગરની કરત ને ! હું તને કાંઇ નહિ દેવા દઉં, હા વળી–”

“અરે, પણ મારે જોવે છે પણ ક્યાં? તમે બે જણાં સુખે રોટલો ખાવ તો હું આઘે બેઠો બેઠો રાજી થાઇશ, પણ આ ભર્યા માણસમાં તું ભલી થઇ અમારી આબરૂ પાડ મા. મારે કાંઇ ન ખપે…

“ઇ તો વાતું, હમણાં ડાયરામાં પોરસીલો થાછ, પણ પછી આવીશ બાઝવા. ગોપલા, તને તો નાનપણથી ઓળખું છું… ”

ગોપો હસ્યો. પોતાના પિતાની મિલકતનો અર્ધા ભાગનો હિસ્સેદાર અને હક્કદાર હતો,ભાઇ ભાગ દેવા તૈયાર હતો. પણ તેના સંસારને સળગાવી પોતે ભાગ લેવા તૈયાર ન હતો. ભાઇનું સુખ તેને મિલકતથી વિશેષ હતું.

“તો સાંભળ. આ ભાગ, ખેતર, ખોરડું કે ઘરવખરી એમાંથી મારે કાંઇ ન ખપે ! આ પહેર્યા લૂગડાં હક્ક છે, બાકી મારે ગોમેટ છે. બસ, હવે રાજી-”

“હાં હાં-” લોકોમાંથી અવાજ આવ્યો.

“ગોપા, વિચાર કરી લેજે; કાયદો તને મદદ કરશે. અર્ધો ભાગ બરાબર મળશે.” મામલતદારે કહ્યું.

“સાહેબ, બાપા, મેં મોઢેથી ગોમેટ કહી દીધું પછી હિંદુના દીકરાને બસ છે ને ! મારો ભાઇ ને ભાભી રાજી તો હું સો દાણ રાજી.”

અભણ કોળી યુવાને તેના ભાઇના સુખ ખાતર સર્વસ્વનું બલિદાન આપ્યું. સહુની આંખો તેના તરફ મંડાઇ રહી. એક નીચું માથું કરી જોઇ રહ્યો અને આંસુ સારી રહ્યો કાનો.

મામલતદારે મૌન ધારણ કર્યું. ગોપાની હક્ક છોડી દેવાની કબૂલાતમાં સહી લીધી. સર્વત્ર મૌન છવાઇ ગયું.

“ચાલો, હવે વાદીની હરાજી કરીએ.”મામલતદાર સાહેબે મુખ્ય અને અગત્યના કામનો પ્રારંભ કર્યો અને લોકો પણ જરા આનંદમાં આવી ગયા.

તલાટીએ વિગતો તથા શરતો વાંચી સંભળાવી. મામલતદાર સાહેબે તેની કિંમત હજારો ઉપર જાય તેમ સમજાવ્યું અને લોકોને માગણી કરવા આગ્રહ કર્યો પણ કોઇ પહેલ કરતુ6 નથી. મોટા મોટા માણસો માગણી કરતા આવ્યા છે. પહેલી માગણી કોણ કરે તે જોવા એકબીજાનાં મુખ સામું જોઇ રહ્યા હતા. ઘણી વાર થઇ, કોઇ માગણી કરતું નથી. મામલતદારે ગામના અગ્રગણ્ય નાગરિક વનેચંદ શેઠને કહ્યું: “શેઠ, માગણી કરો ને? કોક શરૂ કરશે પછી ચાલશે.”

“હાં-હાં” શેઠ હસ્યા, “સાહેબ, કોકે પગ તો માંડવો જોવે; આપ ગમે તેની માગણી મૂકો, પછી ચાલશે.”

“તો કોની મૂકશું?”

“ગોપાની- ”  માંડલામાંથી અવાજ આવ્યો. તેમાં ગોપાની હમદર્દી હતી કે મશ્કરી તે સમજાયું નહિ, પહેરેલ લૂગડે બહાર નીકળેલા ગોપા પાસે પાંચ હજારનું નજરાણું ભરવાની ક્યાં ત્રેવડ હતી?

“તો ભલે-લ્યો, ગોપાનો સવા રૂપિયો.”મામલતદારે માગણી લીધી.

“સાહેબ, પણ–” ગોપો બોલી ન શક્યો.

“ ગભરા મા, ગોપા, તારા હાથમાં આ શેઠિયા આવવા નહિ દે. હજી તો આંકડો ક્યાંય પહોંચશે.”

પણ માગણી થતી નથી. મામલતદાર સાહેબ સમજાવીને થાક્યા.

“હબીબ શેઠ, પૂછપરછ તો ઘણા દિવસથી કરતા હતા. હવે કાં ટાઢા થઇ ગયા?”એમણે બીજા શેઠને કહ્યું.

“ સાહેબ-” વનેચંદ બોલ્યા, “ આપે ભૂલ કરી એ વાત આપને કોણ કહે?”

“કેમ! મારી ભૂલ ?”

“હા, આ દેવ જેવા ગોપાની ઉપર કોણ ચડાવો કરે? જમીન તો મળી રહેશે, પણ આવો ખેલદિલ જુવાન નહિ મળે, જેણે બાપની મિલકત ભાઇના સુખ સારુ હરામ કહી. એની ઉપર ચડાવો હોય નહિ. આપો, સાહેબ સવા રૂપિયામાં આ વાડી ગોપાને આપો !”

આખા માંડલામાં આનંદ પ્રસરી ગયો. વનેચંદ શેઠના શબ્દોને જ અનુમોદન મળવા માંડ્યું. કોઇ ચડાવો કરવા તૈયાર નથી.

“ ગોપા, ત્યરે ‘ત્રણ વાર’ કહી દઉં? દસ વીઘાંનું ઘાસખેતર છોડ્યું તેના બદલામાં તેને આવી અફલાતૂન વાડી  મળી. રાજીને ?” મામલતદારે  ‘એકવાર, બે વાર…’ બોલતાં કહ્યું.

“બાપા,” ગોપાની આંખોમાં આંસુ આવ્યાં. “ગામ  લેવા દે, ને આપ માવતર આપો તો રાજી; પણ હું એકલો સું કરું? એમાં મારા ભાઇ કાનાનું પણ નામ નાખી દ્યો.”

મામલતદાર, મહાજન અને ગામ જોઇ રહ્યાં.

————————————————–

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 286,247 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
એપ્રિલ 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ   મે »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: