ગજેન્દ્ર-મોક્ષ / શ્રીમદ્ ભાગવત/કરસનદાસ માણેક

Kmb-13

ગજેન્દ્ર-મોક્ષ

શ્રીમદ્  ભાગવત/કરસનદાસ માણેક/નવભારત/પ્રથમ આવૃત્તિ:1984/પાના:157થી 160

        ત્રિકૂટ નામે એક પર્વત છે.

        પર્વત કહ્યો એટલે જેમણે જોયો ન હોય તેમને, ધરતીની સપાટી ઉપરથી આકાશ ભણી ઊંચા થયેલા પથ્થરોના એક જબરદસ્ત ગંજનો જ વિચાર આવે. બહુ બહુ તો એના ઉપર થોડી ઘણી લીલોતરી !

        પણ આ ત્રિકૂટ પર્વત તો નાની શી દુનિયા જેવો—હજારો માઇલ લાંબો, સેંકડો માઇલ ઊંડો અને આકાશની સાથે ગોઠડી કરતો. વાદળાં તો એની કેડ ફરતાં કંદોરા જેવાં. નાની નાની નગરીઓ સમી એની ગુફાઓ અને કંદરાઓ, મહાનગરો શાં અરણ્યો, વચ્ચે વચ્ચે સાગર શાં સરોવર અને સ્વર્ગમાંથી પૃથ્વી પર ઊતરેલાં ગંગાજીના દર્શને જવા, દોડાદોડ કરી રહેલાં ઝરણાંઓનો તો પર જ નહિ.

        આ પર્વતમાં એ ગજરાજ રહેતો હતો. ગજરાજ એટલે હાથીઓનો રાજા અને સાચે જ આપણા આ ગજરાજમાં રાજવીના બધા ગુણો હતા…. અને અવગુણો પણ !

        ભાયાતો જેવા અનેક હાથીઓ, શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે અને એની રક્ષા કરવા માટે પણ, સર્વદા એની સાથે જ ફરતા. એની સેવા કરવા સદૈવ તત્પર એવું હાથણીઓનું ઝૂંડ પણ એની પાછળ પાછળ ફર્યા કરતું.

        એક દિવસ અનેક હાથણીઓ અને હાથણીઓથી વીંટળાયેલો ગજરાજ, ત્રિકૂટ પર્વતની બરાબર વચ્ચે આવેલા અને અંદર ખીલેલાં હજારો કમળપુષ્પોથી શોભી રહેલા એક સરોવરને કાંઠે પાણી પીવા અને જળવિહાર કરવા માટે ગયો.

        એક તો સરોવર પોતે જ સુંદર અને બીજું કિનારા ફરતી ગોઠવાઇ ગયેલી અને ઊંચી કરાયેલી સૂંઢોમાંથી પાણીના ફુવારા ઉડાડતી હાથઈઓની આ હાર. હાથીઓ આજે વસંતઋતુને વર્ષામાં પલટી

 રહ્યાહતા. ત્યાં એકાએક એક કારમી ચીસથી આખો ત્રિકૂટ પર્વત જાણે કંપી ઊઠયો !

        જળવિહાર, જળવિહારને ઠેકાણે રહ્યો અને સૌ, આ ચીસ ક્યાંથી આવે છે તેની શોધમાં અહીંથી ત્યાં પાગલની પેઠે દોડાદોડ કરવા લાગ્યા.

        ફ્ક્ત એક ગજરાજ જ જ્યાં ને ત્યાં ઊભો રહ્યો. તેની સૂંઢ, પહેલાંની પેઠે જ ઊંચી હતી, પરંતુ તેમાંથી પાણીનો ફુવારો નહોતો નીકળતો. તેના પગ ધરતીની સંગાથે જડાઇ ગયા હતા અને એક નાનકડા ડુંગર જેવડા એના દેહનો એક એક અણુ, પોતાનમાં હતું તેટલું બધું બળ એકઠું કરીને, ધરતીની અદીઠ પકડમાંથી છટકવા મથી રહ્યો હતો.

        પણ એ પકડ ધરતીની નહોતી. જળવિહાર કરી રહેલા ગજરાજના એક પગને, સરોવરના ઉદરમાં આવેલા એક ગ્રાહ—એક મહાભયાનક મગરે—પોતાનાં પોલાદી જડબાં વચ્ચે ભીંસ્યો હતો.

        હાથીઓ અને હાથણીઓનું આખું ટોળું, આ જળચર—જેમના જડબામાં ફસાયેલા પોતાના નાયકની પાછળ એકઠું થઇ ગયું; પણ આ લડાઇનો પ્રકાર જ એવો હતો કે જેમાં મિત્રો અને સાથી બૂમો પાડ્યા ઉપરાંત અથવા કહો કે બિરદાવ્યા ઉપરાંત, બીજું કશું જ ન કરી શકે !

        મગરની તાકાત પાણીમાં અને ગજની ધરતી ઉપર. એટલે ગ્રાહ(મગર)ગજને પાણીમાં ઘસડવા ઊંચોનીચો થાય.

        પણ યુદ્ધ, પહેલો ઘા કરનાર ગ્રાહની તરફેણમાં હતું ! ધીમે ધીમે પાણીના પેટાળમાં રહેતો આ દૈત્ય, ગજના પગને વધુ ને વધુ ભીંસતો, ભરડતો, ભરખતો જતો હતો. ગજની શક્તિ ઓછી થતી જતી હતી અને આ દયાજનક દેખાવને દૂર ઊભા ઊભા લાચારીથી જોઇ રહેલા હાથીઓની પાર વગરની કિકિયારીઓ, દિશાઓને વધુ ને વધુ કંપાવ્યે જતી હતી.

        પુરાણકારો કહે છે કે આ યુદ્ધ પૂરાં એક હજાર વર્ષ ચાલ્યું ! પછી છેવટે જ્યારે ગજરાજને પોતાની તાકાત તૂટું તૂટું થતી લાગી, ત્યારે એટલે કે પુરુષાર્થની અવધિ કર્યા પછી, તેણે ‘નિર્બળકે બળરામ’ની પ્રાર્થના શરૂ કરી !

        પુરુષાર્થીની  પ્રાર્થનાને ભગવાન કેમ નકારી શકે ? મુક્તિને માટે પોતાથી બનતું બધું કરી છૂટ્યા પછી, ઇશ્વરની સહાયતા માગવાનો પ્રત્યેક જીવનો અધિકાર છે. ગજરાજે એ અધિકાર વાપર્યો હતો. એને સહાય કરવાનો ઇશ્વરથી ઇનકાર શી રીતે થઇ શકે ?

        ત્રિકૂટ પર્વત પર, ગજ અને ગ્રાહ જેને કાંઠે હજાર વરસોથી લડી રહ્યા છે, તે સરોવર પાસે, પ્રભુ એકાએક પ્રગટ થયા; સૃષ્ટિનાં મંગલ સત્ત્વોની સદૈવ રક્ષા કરતું એમનું સુદર્શન ચક્ર, એકાએક ફરવા માંડ્યું  અને આક્રંદ કરતું ગજયૂથ, વિજયની શ્રદ્ધાથી ઉન્મત્ત બનેલા ગ્રાહ અને મૃત્યુના દર્શને નમ્ર બનેલ ગજરાજ, શું થયું અને શું થાય છે તે સમજી શકે તે પહેલાં જ, ગ્રાહનો દેહ એ ચક્રની ધારાથી છેદાઇ, ભેદાઇ નિર્જીવ બનીને ગજરાજના પગ ઉપરથી, તૂટેલી જંજીરોની પેઠે ઊતરી ગયો.

        અને બીજી જ પળે વાતાવરણ સ્તુતિમંત્રોના સંગીતપૂર્ણ ઉચ્ચારોથી અને આકાશમાંથી થતી પુષ્પવૃષ્ટિથી મનોહર બની ગયું. ગ્રાહના મૃતદેહમાંથી નીકળેલો એક તેજપુરુષ બહાર આવી, ભગવાનની પ્રાર્થના કરી રહ્યો હતો.

        કથા આમ છે:

હૂહૂ નામે એક ગંધર્વ પોતાની કળાસિદ્ધિને કારણે મદોન્મત્ત બનીને, તપસ્વી પુરુષોનું અપમાન કરતો કરતો જગતમાં ફરી રહ્યો હતો. એવામાં એકવાર તેને ધૌમ્ય માનમા એક મહામુનિનો ભેટો થઇ ગયો. ધૌમ્ય પોતાની ફકીરીની મસ્તીમાં જ મશગૂલ હતા. પણ ગર્વથી ચકચૂર બનેલા ગંધર્વને, એ મસ્તી શી રીતે સમજાય? એણે તો એ મસ્તીને જડતા જ સમજી લીધી અને ઉપહાસ અને અપમાનથી નવાજી.

ઋષિએ એને શાપ આપ્યો:તારો દેહ ગંધર્વનો છે,’ તેમણે કહ્યું.પણ તારો આત્મા એક હિંસક મગરમચ્છ જેવો છે; માટે જા, તું મગરમચ્છ થઇ ને પડ.

        ગંધર્વ ધૌમ્યનાં ચરણોમાં લેટી પડ્યો. એક વાર જવા દો, મહારાજ, ફરી આવું નહિ કરું.

        ‘શાપ દીધો તે મિથ્યા થવાનો નથી. ધૌમ્ય બોલ્યા.કર્મનાં ફળ ભોગવ્યે જ છૂટકો. પણ આટલો અનુગ્રહ હું તારા ઉપર કરું છું. તું મગરમચ્છ થઇશ, પણ ત્રિકૂટ પર્વત ઉપરના એક સરોવરનો. એક દિવસ તું ત્યાં ભગવાનના પરમભક્ત એવા એક ગજરાજનો પગ પકડીશ અને પછી તેની વહારે આવેલા ભગવાનના સુદર્શન ચક્રથી (મોક્ષ) પામી, પાછો ગંધર્વયોનિને પામીશ.

        યુદ્ધ માટે ‘ગજગ્રાહ’ શબ્દ પડ્યો તે આ ઉપરથી.

        કથાનો ગજગ્રાહ હજાર વર્ષ ચાલ્યો હતો, પરંતુ પૃથ્વી ઉપર તો અખંડ ગજગ્રાહો ચાલ્યા જ કરતા હોય છે: તેજ અને અંધકાર વચ્ચે, પુણ્ય અને પાપ વચ્ચે, સત્ય અને અસત્ય વચ્ચે, અહિંસા અને હિંસા વચ્ચે, મુક્તિ અને બંધન વચ્ચે, માનવતા અને દાનવતા વચ્ચે. આ ગજગ્રાહ ક્યારે અટકશે ?

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 300,741 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
માર્ચ 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: