અંતરમુખતા અને મુનિ દધીચિનું ગાત્ર સમર્પણ // શ્રીમદ્ ભાગવત/કરસનદાસ માણેક

 

અંતરમુખતા/ અને મુનિ દધીચિનું ગાત્ર સમર્પણ

 શ્રીમદ્ ભાગવત/કરસનદાસ મણેક/નવભારત/પ્રથમ આવૃત્તિ:1984પાના:134 થી 139

અંતરમુખતા/ અને મુનિ દધીચિનું ગાત્ર સમર્પણ

 વિશ્વરૂપની હત્યાની વાત જોતજોતામાં આખા બ્રહ્માંડમાં ફેલાઇ ગઇ.એના પિતા ત્વષ્ટા તો સળગી જ ઊઠ્યા. યજ્ઞ-દેવને એમણે પ્રાર્થના કરી: કૃતઘ્ન ઇન્દ્રને મારે ઉગ્રમાં ઉગ્ર સજા કરવી છે. તું એક એવી પ્રચંડ તાકાત ઊભી કરી દે, જે ઇન્દ્રનો નાશ કરે !

’ સ્વાહા, ઇન્દ્રશત્રુ:વર્ધસ્વ

અને કથા કહે છે કે દારુણાગ્નિમાંથી એક ઘોરદર્શનકૃતાંત જેવો પ્રલયકાળની પ્રતિમા સમો પુરુષ પ્રગટ થયો !

 ધનુષ્યમાંથી છૂટેલું બાણ જેટલે દૂર જાય તેટલી વ્ઋદ્ધિ—ચારે દિશાઓમાં—દિને દિને પામનારો, બળેલ પર્વત જેવો, સંધ્યાકાળનાં વાદળાં સમા બખ્તરવાળો તપાવેલા ત્રાંબા જેવી શિખા તથા મૂછોવાળો , બપોરના સૂરજ જેવો, ઉગ્ર આંખોવાળો ઝગમગતા ત્રણ ફણાઓવાળા શૂળમાં વાયુ-મંડળને પરોવીને નાચતો અને ગાજતો, પગની ઠોકરો વડે પૃથ્વીને ધ્રુજાવતો, ગુફા જેવા ઊંડા મુખ વડે આકાશને પી જતો….

જેને જોતાંવેંત લોકો ત્રાસથી નાસભાગ કરવા લાગ્યાં, અને જગત અંધકારથી છવાઇ ગયું—આવૃત થઇ ગયું !

માટે જ તો એ વૃત્ર કહેવાયો !વૃત્રાસુર—બધાને અંધકાર વડે આવૃત કરનારો !

આ વૃત્રને જોતાંવેંત દેવોએ તેનું આક્રમણ થંભાવવા માટે પોતપોતાની પાસે જે આયુધો હતાં તેનો ઉપયોગ કરવા માંડ્યો; પણ વ્યર્થ ! વૃત્રે એ બધાં આયુધોને નિષ્ફળ બનાવ્યા. પોતાની સામે આવતાં શસ્ત્રાસ્ત્રોને એ જાણે પી જ ગયો.

==============================================================

હવે શું કરવું?ક્યાં જવું? કોની સલાહ લેવી? કોની સહાયતા યાચવી ? પહેલો વિચાર દેવોને સ્વાભાવિક રીતે જ બ્રહ્માનો આવે, પણ તેમની પાસે હવે જવાય એમ નહોતું ! એમણે વિશ્વરૂપ અંગે આપેલી સલાહનું તેમણે ઉલ્લંઘન કર્યું હતું. વિશ્વરૂપને અંગે, એમની સાથે થયેલી મૂક સમજણનો તેણે ઉઘાડેછોગે ભંગ કર્યો હતો.

એટલે તેઓ દોડ્યા—

ના, ક્યાંય ન દોડ્યા !

પણ પોતાના જ અંતરમાં બિરાજમાન, છતાં વારંવાર વિસરાઇ જતા નારાયણનું એમણે શરણું ગ્રહ્યું.

બ્રહ્મા કરતાંયે અંત:કરણમાં બિરાજતો ઇશ્વર મોટો.

ભયાનક આપત્તિ આવી પડે ત્યારે કાં તો માનવી ઘાંઘો બને કે બાઘો બને અથવા તો એ અંતર્મુખ બને. અંતર્મુખ બને ત્યારે માનવું કે એનામાં પશુ-અંશ કરતાં દેવ-અંશ વધારે પ્રબળ છે.

અંતર્મુખ થતાં વેંત પશુનો રહ્યોસહ્યો અંશ પણ ધીરે ધીરે ઓગાળવા માંડે છે અને માનવીમાં રહેલ ‘ઇશ્વર’ ધીરે ધીરે પ્રગટ થાય છે.

 અને અંતર્મુખતામાંથી ઉકેલ લાધે છે, જાણે આપોઆપ લાધતા હોય એવી રીતે !

==============================================================

મુનિ દધીચિનું ગાત્ર સમર્પણ

દેવો, અંતરમાં વસતા ઇશ્વરને શરણે ગયા કે તરત જ પૂર્વ દિશામાં તેમને શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલ શ્રીવિષ્ણુનું દર્શન થયું. શ્રીવિષ્ણુને નિહાળતાં વેંત તેમણે દંડવત્ પ્રણામ કર્યાં; અને પછી તેમની પાસે પોતાના સંકટનું નિવેદન કર્યું.

 ‘આમ કેમ થાય છે, પ્રભુ?’ ઇન્દ્રે શ્રીવિષ્ણુને પૂછ્યું:મારાં આયુધો એને સ્પર્શી જ શકતાં નથી.

‘તારાં જૂનાં આયુધોથી વૃત્રાસુરનહિ મરે,’ શ્રીવિષ્ણુએ જવાબ આપ્યો:એના વધ માટે એક નવું જ શસ્ત્ર જોઇશે.

 ‘એ નવા શસ્ત્રની રચનાનો વિધિ સમજાવો,’ દેવોના અધિપતિએ વિનંતી કરી.

‘વૃત્રાસુર જેવા મહાબલી પાપાત્માનો સંહાર, પુણ્યની પ્રતિમા જેવા આયુધ વગર નહિ થાય. અહીંથી થોડે દૂર એક નાની નદી છે. એ નદીને કંઠે ત્યાગની નિર્મળ પ્રતિમા સમા એક મુનિ વસે છે. દધીચિ એમનું નામ. મનોભાવે પણ એમણે પાપની કામના કદી કરી નથી. એમની પાસે જા. વિદ્યા, વ્રત અને તપની અકલ્પ્ય શક્તિ તેમના ગાત્રમાં છે. એ ગાત્ર, એટલે કે એમનો એ દેહ, આ અસુરના સંહારાર્થે યાચી લે. મુનિનાં હાડકાંમાંથી જે આયુધ બનશે, તેની પાસે વૃત્રાસુર એક પળ પણ ટકી નહિ શકે.

 અહીં એટલું સ્મરણમાં રાખવું જોઇએ કે ગાત્રો તો જગતમાં કોટાનકોટિ છે; પણ એમની કશી જ કિંમત નથી. કિંમત છે ફક્ત વિદ્યા, વ્રત અને તપયુક્ત ગાત્રોની. વૃત્રના આક્રમણસામે રક્ષણ આપી શકે એવી શક્તિ, વિદ્યા, વ્રત, તપમાંથી જ પ્રાપ્ત થાય. ફક્ત માનવ-બળ નહિ, પણ નૈતિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ પણ ઉત્કૃષ્ટ કોટિની હોય એવી માનવ-શક્તિ. સંખ્યાબળથી અને ભૌતિક શક્તિથી આપણને આવરી દે, આચ્છાદી દે, એવા પશુબળ સામે નૈતિક અને આધ્યાત્મિક બલ જ સફળ થઇ શકે.

 પ્રચંડમાં પ્રચંડ પ્રતિકૂળતાઓને હજમ કરી જવાની મનની તથા શરીરની શક્તિ, એનું નામ તપ. પણ માત્ર તપ કશાજ કામનું નહિ.(એવું તપ તો દૈત્યો પાસે પણ હોય !) તપને વ્રતનું બંધન હોવું જોઇએ. તપ કોઇ મંગલ લક્ષ્યને સામે રાખીને થવું જોઇએ. તપની સાથે કંઇક ઉદાતા લક્ષ્ય જોડાયેલું હોવું જોઇએ.

પરંતુ ઉદાત્ત લક્ષ્ય અને એ લ્ક્ષ્યને સિદ્ધ કરવા માટે જોઇતું શારીરિક અને માનસિક ખડતલપણું –બંને હોય, છતાં ‘વિદ્યા’ ન હોય તો ન ચાલે. લક્ષ્યના સ્વરૂપને બરાબર સમજવું જોઇએ. એની સિદ્ધિ અર્થે જોઇતાં સાધનોનો યોગ્ય વિચાર અને આચાર હોવો જોઇએ. એને માટેનું આયોજન પૂરેપુરું હસ્તગત હોવું જોઇએ.

‘આવા મુનિ પાસે, એવી યાચના મારાથી કેમ કરાય?’ ઇન્દ્રે ક્ષોભદર્શાવતાં પૂછ્યું:દધીચિ મારા ઉપર ગુસ્સ્સે તો નહિ થઇ જાય?’

‘એ મહાત્મા સૃષ્ટિના કલ્યાણાર્થે જ જીવે છે અને સૃષ્ટિના કલ્યાણ અર્થે જ મૃત્યુ વાંછતા હોય છે. શ્રીવિષ્ણુએ ઇન્દ્રને ખાતરી આપી.

વિદ્યા, વ્રત, તપ જેમનામાં છે એવા દધીચિઓના જીવ ગાત્રો આપવા માટે જ હોય છે. તેઓ સમજે જ છે કે ગાત્રોનો સાચો ઉપયોગ ‘ગા’ના એટલે કે પૃથ્વીના, ગાયોના, સંસ્કારિતાના, માનવતાના સંરક્ષણ અર્થે વાપરવામાં જ છે. બાકી વિદ્યા, વ્રત, તપ જેમનામાં નથી તેઓ જ ગાત્રો આપવાનો ઇનકાર કરે છે, પણ તેમનાં ગાત્રોની આવશ્યકતા જ કોને છે ?

 મુનિ દધીચિની વિશેષ ઓળખાણ ઇન્દ્રને આપતાં શ્રીવિષ્ણુ કહે છે કે આ તે જ મુનિ છે જેને ‘નારાયણ-કવચ’ની શોધ કરેલી !એ ‘નારાયણ-કવચ’ દધીચિએ ત્વષ્ટાને પ્રબોધેલું. ત્વ્ષ્ટાએ પોતાના પુત્ર વિશ્વરૂપને સમજાવેલું અને એ વિશ્વરૂપે તને આપેલું.

 જે નારાયણ-કવચે ઇન્દ્રને તે વખતે રક્ષણ આપેલું, પણ જે અત્યારે હવે ફલતું નથી. કારણ? નારાયન-કવચ એ કાંઇ બાહ્ય ઉપકરન કે આયુધ થોડું જ છે કે જ્યારે ઉપયોગમાં લો ત્યારે લઇ શકાય—છત્રી કે રૈન કોટની જેમ ? એ તો એક નૈતિક શક્તિ છે જેને અખંડ જાગ્રત સાધના દ્વારા સજ્જ, ઉદાત્ત, તેજસ્વી ધારદાર રાખવી જોઇએ.

 શ્રીવિષ્ણુએ કહ્યું, ‘તું સત્વર જા; તારી વાટ જોઇને જ તેઓ બેઠા હશે….’

અને ઇન્દ્ર દધીચિના આશ્રમ તરફ દોડ્યો. મુનિને ખોળી કાઢ્યા. પગે પડ્યો અને યાચના કરવા લાગ્યો.

==============================================================

દધીચિએ પહેલાં તો ઇન્દ્રને ટટળાવ્યો. પોતાના રક્ષણ અર્થે બીજાઓનાં ગાત્રો માગવા જનારાઓની જડતાની મજાક ઉડાવતાં તેમણે ટકોર કરી, ‘તમને જીવતર વહાલું છે અને મને દવલું છે, એમ શા ઉપરથી ધાર્યું, મહાનુભાવ ? તમે તો શું ખુદ વિષ્ણુ આવે તો પણ ગાત્રો હું ભિક્ષામાં નહિ આપું.

ઇન્દ્ર ક્ષણભર તો થીજી જ ગયો. પછી જરા હિંમત કરીને તેણે કહ્યું:સામાન્ય માણસોની વાત કરતા હો, તો તમે કહો છો તે બરાબર સાચું છે. મરવું કોઇને ગમતું નથી, મહર્ષિ ! અને તેમાં પણ પારકાને જિવાડવા માટે પોતાનાં ગાત્રો કાઢી આપવાની વાત તો કોઇને ગળે ઊતરે એવી નથી !પણ તમે સામાન્ય માનવી થોડા જ છો ? વિદ્યા, વ્રત, તપને બળે લોકોત્તર પદને પ્રાપ્ત થયા છો. તમારા જેવા માટે, સમગ્ર સૃષ્ટિ ઉપર અનુકંપા ધરાવનારાઓ માટે કિં નુ તદ્ દુસ્ત્યજમ્.

અને સદાય સ્મરણમાં રાખવા જેવા શબ્દો ઉચ્ચારી દધીચિએ પોતાનાં ગાત્રોનું સમર્પણ કર્યું. તેમણે કહ્યું:

યોઅધ્રુવેણાત્મના નાથો ન ધર્મ ન યશ:પુમાન્

ઇહ્તે ભૂતદયયા સ શોચ્ય સ્થાવરૈર્પિ

‘જે પુરુષ ભૂતદયાથી પ્રેરાઇને પોતાની ક્ષણભંગુર કાયા વડે સનાતન ધર્મ અને ચિરંજીવી કીર્તિ કમાવાની ઇચ્છા કરે છે તે ખરેખર દયાપાત્ર છે.(કારણ કે જડ પદાર્થો તો ચેતનને અર્થે—ચેતનાના સંરક્ષણ, સંવર્ધનને અર્થે પોતાની જાતનું અર્પણ કરતાં જ હોય છે.

 એતાવાન્ અવ્યયો ધર્મ: પુણ્યશ્લોકૈપારુસિત:

 યો ભૂતશોકહ્ર્ષાભ્યામ્ આત્મા શોધિતિ હ્રષ્યતિ

 પુણ્ય્શ્લોકો, પવિત્ર લોકોત્તર પુરુષો વડે ઉપાસાયેલો ધર્મ આટલામાં આવી જાય છે:જગતનાં દુ:ખે દુખી થવું, સુખે સુખી થવું.

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 292,844 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
માર્ચ 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: